વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાધા આહિરાણી

     "હું આવું છું" ઘેઘુર અને હૂંફાળા શબ્દોએ રાધા આહિરાણીના કાનમાં ગરમ ગરમ  પ્રેમાળ હુંફ ભરી દીધી. આખુ શરીર રોમાંચિત થઇ ઉઠ્યું. હોઠ ધ્રૂજવા લાગ્યા. હાથ કંપવા લાગ્યા. પગમાં ધ્રુજારી આવી ગઈ. શરીરમાં ગરમ ગરમ લોહી વધુ ઝડપથી ફરતું હોય તેવો એહસાસ થઈ ગયો. તેના હૃદયમાં યુવાન ઉર્મિ ફરી ઝણકાર કરી ઉઠી.કમખાની દોરી તૂટી ઉઠી. એક હળવી ચીસ નાખી ઉઠી.


" કાનજી વહેલો આવ રે.."

    નૈણમાં છુપાયેલું આસુંનું બિંદુ સરી પડ્યું.

" માડી...." રાધા આહિરાણી દોડીને માડીની છાતીમાં મોં છુપાવી દીધું.

     બેઉ  વિરહણી.. ચૂપ.મૌન.

    વહુને  કાંખમાં લઈ સાસુમાં તેના માથે હાથ ફેરવવા લાગ્યા. તેમની આંખ, તેમનો સ્પર્શ કહેતા હતા." મને શ્રદ્ધા હતી .મારો દીકરો જરૂર પાછો આવશે જ!"

    "માડી ,તારા દીકરાએ બહુ રાહ જોવડાવી." રાધે આહિરાણીના મૌન ડુસકા,રૂદન  સાસુમાંના કમખાને ભીના કરી રહ્યા હતા.

           માડીએ તાંસળામાં શીરો કાઢ્યો. થોડા કોળિયા વહુ ના મોઢામાં મૂકતા બોલ્યા ."હાલ..ઝટ કર"

    સાસુમાના શબ્દોની જાદુઈ અસર થઇ હોય તેમ રાધા આહિરાણી ઉઠી.માથે બેડલાં લઈ પનઘટ તરફ દોડી.

     પગમાં તો જાણે પવનપાવડી!એય..થનગનાટ કરતી,દોડતી,કૂદતી, ગીતો ગાતી ચાલવા માંડી. એકલી એકલી હસવા માંડી. હવામા ફરફર ઉડતી  લાલચટ્ટક ઓઢણી જાણે આખા બ્રહ્માંડને કહેતી હોય, "આજે મારો પિયુ ઘરે આવે છે."


          માડીએ ચૂલે લાપસીના આંધણ મૂકી દીધા. ગાયને ઘાસ અને પાણી નીરવી દીધાં. તેના વાછરડાને પણ પ્રેમથી ચૂમી લીધો.


          માટીની સુંદર ઝૂંપડીના ઓટલા પર બેઠી બેઠી, રાધા આહિરાણી વાટ નીરખવા લાગી."પિયુની"!


          લાલઘુમ કરતો સૂરજ માથે ચડ્યો. આહિરાણીનું સુંદર  ગોરું ગોરું મુખડું લાલઘુમ થવા માંડ્યું.ઓઢણી માથે લઇ, ફરી ભરતકામ કરવા માંડી. અચાનક તેને યાદ આવ્યું. "બે દિવસ અગાઉ છેવાડે રહેતી, લખીનો વર ત્રિરંગામાં લપેટાઈને આવ્યો હતો .લખીની કાળી ચીસ, તેનું હૈયાફાટ રૂદન! રાધા આહીરાણીના હૃદયને હચમચાવી  ઉઠયું હતું. "શું મારો કાનજી પણ આ રીતે..?"

      "ના..ના..ના.." માથું ધુણાવતી રાધા આહિરાણીના હાથમાં સોય ખૂંપી ગઈ. લોહીના બુંદ ઉપસી આવ્યા."ઓ માડી રે.." કહેતા કહેતા આંખમાં વિરહના અશ્રુની સાથે હર્ષનું એક અશ્રુ પણ મળી ગયું.

     સુરજ ધીરે ધીરે ક્ષિતિજ પર ઢળવા માંડ્યો. પક્ષીઓ કલબલાટ કરતા પોતાના માળા તરફ ઉડવા માંડ્યા.

    ઢળતા સૂરજે આકાશમાં રંગોળી પૂરી. જાણે રાધા આહીરાણીના હર્ષની ખબર તેને ખબર પડી ગઈ હોય!

     ધોળો કૂતરો, પૂંછડી પટપટાવતો, આહિરાણીના પગ ચાટવા માંડ્યો. તેના ઉપર ખૂબ વહાલ વરસાવતી ,રાધા આહિરાણી બોલી." હાલ.. તને   રોટલો દૂધ આપી દઉં."

         અંદર ઝૂંપડીમાં માડી  "માં જોગણી"  પાસે આરતી કરતા કરતા ,ધ્રૂજતા ધ્રૂજતા બોલતા હતા." મા દયા કરજે દીકરાને જલ્દી મોકલ. દિ'ઢળવા આવ્યો. હજી ના આવ્યો મારો લાલ!" બંધ આંખે, અશ્રુ વહાવતા માડી, 'માં જોગણી' ને પ્રાર્થના કરતા હતા.

       હૃદયમાં ફરી એક કાળી ચીસ લઈ, રાધા આહિરાણી માડીના ખોળામાં માથું નાખી, ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. "કાનજી હજી ના આવ્યો રે.."

      આકાશ જાંબલી રંગે રંગાવા લાગ્યું. નાના નાના તારા ટમટમાવા માંડ્યાં.

           બેઉ વિરહણી . મૌન..

     અચાનક બારણે ટકોરા થયા.

    "માડી બારણું ખોલો." એક ઘેઘૂર અવાજ આવ્યો.

    રાધા આહિરાણી સાસુમાને  ઝડપથી ભેટી પડી." આ તો વહેમ જ હશે."

     માડીની મૌન આંખોએ પણ એ જ કીધું." આ તો વહેમ જ હશે"  હજી હૃદય અને કાનને વિશ્વાસ નહોતો આવતો.

      ફરી બારણે ટકોરા થયા." માડી.. માડી.. રાધા આહિરાણી બારણું ખોલો.. હું કાનજી."

     જાણે હૃદયના દ્વાર ખુલી ગયા. માડીએ ઝટ ઊભા થઇને બારણું ખોલ્યું.

       "  સામે કાનજી.. એક હાથ કપાયેલો ..ઘાયલ ..કાનજી ઉભો હતો. શાલ ઓઢીને!"

        સાસુ વહુ થોડીક વાર સ્તબ્ધ થઈ ગયા.

   "જેવો.. તેવો.. પણ તું  જીવતો પાછો આવ્યો મારા લાલ..એટલે મારે મન એથી વધુ રૂડું શું હોય!" માડી દીકરાને વળગીને રડી પડ્યા. જાણે સાતેય સમુદ્રના ખારા પાણી.. આજે જ ભરતી બની વહી ગયા.


     હાથમાં આરતી લઈ , માડીએ દીકરાને કપાળે તિલક કર્યું. માથે હાથ ફેરવી આખા ય આભનું વહાલ કર્યુ. તાંસળામાં લાપસી કાઢી ,હસતા કરતા, ગાંડાઘેલા બની," માં જોગણીના" મંદિરે આશીર્વાદ લેવા નીકળી ગયા.

     જતાં જતાં બોલી ઉઠ્યા." રાધા આહિરાણી... બારણું હરખેથી વાખી દેજો."


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ