વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઢળતી સાંજનું અજવાળું

** ઢળતી સાંજનું અજવાળું **



અમેરિકના કેલિફોર્નિયા રાજયના સાન ફ્રાન્સિસ્કો શહેર તરફ જવા મુંબઈથી ઉપડેલું વિમાન પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ તેની નિયત ગતિએ ઊડી રહ્યું હતું. વિમાનની કેપ્સ્યુલમાં તદ્દન શાંતિ પથરાયેલી હતી. લગભગ બધા પ્રવાસીઓ નિંદ્રા માણી રહ્યા હતા. કેબિન ક્રૂ, ફ્લાઈટ એટેંડન્ટ્સ વિગેરે પણ આરામ કરી રહ્યા હતા. કોઈ અગમ્ય કારણો સર ડૉક્ટર નિશીથને ઊંઘ આવતી ન હતી. તેઓ સૌ પ્રથમ વાર અમેરિકા જઈ રહ્યા હતા. ન જાણે કેમ ડૉક્ટર નિશીથને એવું લાગી રહ્યું હતું કે કદાચ તેઓ હવે ભારત પાછા આવી શકશે નહીં!

તેમની પડખેની સીટ પર તેમની દીકરી કૃતિ અને તેની બાજુની સીટ પર તેમના જમાઈ વિહાન બેઠેલા હતા. તે બંને જણા પણ આરામથી ઊંઘી રહ્યા હતા. કેપ્સ્યુલમાં ખૂબ ઠંડક હોવાથી દરેક યાત્રીઓએ પોતાના શરીરને ગરમ રગથી ઢાંકી દીધા હતા. 

સામાન્ય રીતે રોજ પથારીમાં સૂતાની સાથે જ ડૉક્ટર નિશીથને ઊંઘ આવી જતી હતી પરંતુ ત્રણેક મહિના પહેલાં તેમની પત્ની ચાર્વીબેનનું હૃદય રોગના હુમલામાં  અવસાન થયા પછી તેમને અનિન્દ્રાના લક્ષણો જણાવા લાગ્યાં હતાં. એક અનુભવી ફિઝિશિયન તરીકે તેઓ જાણતા હતા કે ઢળતી ઉંમરે ઊંઘમાં ઘટાડો થવો તે સામાન્ય વાત હતી. તેમણે એક ઊંડો શ્વાસ લઈ ઊંઘવા માટે આંખો બંધ કરી. 

પ્રયત્ન કરવા છતાં ઊંઘ તો ન આવી પરંતુ તેમની સામે ભૂતકાળ જાગૃત થઈ ઉઠ્યો. 

તેઓ બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. ધોરણ દસ સુધી કાકાની નિશ્રામાં રહી સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો. કાકાને બાળકો ન હતાં. કાકા કાકીએ પોતાના સગા પુત્રની જેમ તેમનો ઉછેર કર્યો હતો. 

ધોરણ દસમાં નિશીથ ખૂબ સારા ગુણો સાથે પાસ થયા ત્યારે કાકાને લાગ્યું કે નિશીથ ભણી ગણીને ખૂબ આગળ વધી શકે તેમ છે પરંતુ આર્થિક સંકડામણના કારણે તેઓ નિશીથને આગળ ભણવા માટે કોઈ સારી સ્કૂલમાં દાખલ કરી શકશે નહીં. 

 ખૂબ મનોમંથન પછી કાકા જશવંતલાલે એક દિવસે નિશીથને તેમની પાસે બેસાડી પૂછ્યું, “બેટા આગળ ભણીને તારે શું બનવું છે?”

“કાકા, મારે ડૉક્ટર બનવું છે.” 

નિશીથનો જવાબ સાંભળી જશવંતલાલે એક નિશ્વાસ નાખ્યો. થોડી વાર વિચાર કરી તેમણે કહ્યું, “ચાલ બેટા મારી સાથે, જોઈએ તારી કિસ્મતમાં શું લખ્યું છે!”

કાકા જશવંતલાલ અને કિશોર નિશીથ તેમના સમાજના પ્રમુખ સોહનલાલના ઘરે આવી પહોંચ્યા. તેઓ ખૂબ ભલા અને પરગજુ માણસ હતા. તેમણે જશવંતલાલને સહર્ષ આવકારી તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું.

“શેઠ આ મારો ભત્રીજો નિશીથ છે. મારા મોટા ભાઈ સ્વર્ગસ્થ સેવંતિલાલનો દીકરો. મેં તેને મારા સગા દીકરાની જેમ ઉછેર્યો છે. મારા માટે તે ભત્રીજો નહીં પરંતુ દીકરો જ છે. ચાલુ વર્ષે દસમા ધોરણમાં શાળામાં પ્રથમ આવ્યો છે. તે ભણવામાં ખૂબ હોંશિયાર છે. તેને ડૉક્ટર થવું છે પરંતુ મારી પાસે તેને આગળ ભણાવવાની આર્થિક ત્રેવડ નથી. તમે જ્ઞાતીના ફંડમાંથી તેની ફી ભરવા માટે જરૂરી રકમ મંજૂર કરી આપો તેવી મારી નમ્ર વિનંતી છે.” 

સોહનલાલે નિશીથ પર એક નજર નાખી. તેમની પારખુ નજરે નિશીથનું તેજસ્વી લલાટ અને પાણીદાર આંખો જોઈ કહ્યું, “જસવંતલાલ તમારો ભત્રીજો તીખા તોખાર જેવો છે. જો તેને કેળવવામાં આવે તો લાંબી રેસનો ઘોડો પુરવાર થશે. જાઓ આજથી તેને ભણાવવાની તમામ જવાબદારી મારી. હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. બધું મારી પર છોડી દો.”

જશવંતલાલ ખુશ થઈ ઘરે પાછા ફરી તેમની પત્નીને શુભ સમાચાર આપ્યા. મંછાકાકીએ નિશીથના માથે હાથ ફેરવી કહ્યું, “બેટા સોહનલાલ શેઠના વિશ્વાસને તું સાચો ઠેરવે તેવા મારા આશીર્વાદ છે.”

***

ધોરણ ૧૨ની પરીક્ષામાં નીશીથે ઝળહળતું પરિણામ મેળવી એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવી લીધો હતો. યુવાન થઈ રહેલો નિશીથ સોહામણો લાગતો હતો. સાથે ભણતી તેમની જ્ઞાતિની જ સ્વરા તેની તરફ આકર્ષાઈ હતી. નિશીથને પણ સ્વરાનો સહેવાસ ગમતો હતો. સ્વરાએ પણ કિશોરાવસ્થામાં, એક અકસ્માતમાં, પોતાના મા બાપ ગુમાવ્યા હતાં. તેના પિતાનો નાનકડો વેપાર હતો જેની દેખરેખ સ્વરાના મામા રાખતા હતા. સ્વરા તેના મામાની દેખરેખમાં ભણી રહી હતી. 

સ્વરા એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના મામાને ઈમિગ્રન્ટ વિઝા મળતાં તેમના કુટુંબ સાથે અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમણે સ્વરાના પિતાજીનો વેપાર સમેટી લઈ મળેલી બધી રકમ સ્વરાના હવાલે કરી દીધી હતી. તેમણે સ્વરાને પોતાનું ભણતર પૂરું કરી તેમની પાસે અમેરિકા આવી જવાની ભલામણ કરી હતી.  

અભ્યાસ પૂર્ણ થયે સ્વરા અને નિશીથે જીવનસાથી તરીકે જોડાવાનું નક્કી કર્યું હતું. બંને જણા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સારા ગુણો સાથે પાસ થઈ ગયા હતાં. 

***

એમ.બી.બી.એસ.ની પરીક્ષા પછી નિશીથ સોહનલાલના આશીર્વાદ લેવા તેમના ઘરે ગયો ત્યારે સોહનલાલ મંદિરે ગયેલા હતા. નિશીથ તેમની રાહ જોતો દિવાનખાનામાં બેઠો હતો ત્યારે એક યુવતી ત્યાં આવી પહોંચી. તેના પહેરવેશ પરથી લાગતું હતું કે તે જિમમાંથી આવી રહી હતી. તે એકદમ ચુસ્ત અને સ્ફૂર્તિવાન હતી. 

તેણે નિશીથને પૂછ્યું,“હાય..તમે નિશીથ છો ને?”

“હા..પણ હું તમને ઓળખતો નથી...!” નીશીથે આશ્ચર્યભર્યા નયનો વડે તેની તરફ તાકતાં પૂછ્યું. 

“આઈ એમ ચાર્વી. મારા ડેડી તમારી ખૂબ પ્રશંશા કરે છે.”

“તમે સોહન અંકલની ડોટર છો?”

સોહનલાલે પૂજા કરવાનું વસ્ત્ર ધારણ કરી ઘરમાં પ્રવેશતાં કહ્યું,“હા નિશીથ, તે મારી લાડકી દીકરી ચાર્વી છે. એકદમ તોફાની અને નટખટ. તેની ડિક્શનરીમાં ગંભીરતા નામનો શબ્દ છે જ નહીં. ઊડતી તિતલી જેવી છે માટે તો મને તેના પર ખૂબ પ્રેમ છે.”

“ઓહ ડેડી તમે મારી પ્રશંશા કરો છો કે વગોવણી તે મને સમજાતું નથી!" કહી તે તેના પિતાના આશીર્વાદ લેવા નીચી નમી. સોહનલાલે ચાર્વીને પોતાના આલિંગનમાં લઈ તેનું કપાળ ચૂમી સ્નેહ વરસાવ્યો. 

નિશીથે પણ સોહનલાલ પાસે આવી તેમને નીચા નમી પ્રણામ કર્યા. તેમણે નિશીથના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. 

“તું થોડીવાર બેસ હું વસ્ત્રો બદલીને આવું છું" કહી સોહનલાલ ચાલ્યા ગયા.     

ચાર્વી પણ તેના રૂમમાં ચાલી ગઈ. 

વસ્ત્રો બદલી પાછા આવી સોહનલાલે કહ્યું, “એમ.બી.બી.એસ.માં તું સારા ગુણે પાસ થયો તે સમાચાર મેં જાણ્યા છે. તને ખૂબ ખૂબ અભિનંદન.”

“અંકલ આપના સહકાર વિના તે શક્ય બન્યું ન હોત. હું આપનો આભારી અને અશિંગણ છું.”

“અરે તેમાં આભાર શેનો. મને તારામાં હીર દેખાયું હતું. મને લાગ્યું હતું કે જો તને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તો તું હીરાની જેમ નીખરી ઊઠે તેવો છે. તારામાં મૂકેલા વિશ્વાસને તેં ચરિતાર્થ કર્યો છે તેનો મને સંતોષ છે.”

તેમણે આગળ પૂછ્યું,“હવે આગળ શું કરવું છે?”

“મારે આગળ ભણી માસ્ટર ડિગ્રી મેળવવી છે.”

“ખૂબ સરસ. તો પૈસાની ચિંતા કર્યા વિના આગળ ભણવાનું ચાલુ રાખ.”

“મને ફ્રેશર તરીકે સરકારી નોકરી મળી જશે એટલે કદાચ....”

“નોકરી મળે કે ન મળે જો આગળ ભણવું હોય તો આગળ વધ. મારું તમામ પ્રકારનું પીઠબળ મળી રહેશે. જો તારે પોતાનું ક્લિનિક ખોલવું હોય તો પણ તેમ કરી શકે છે. પૈસાની ચિંતા કરતો નહીં. હા મારી તને એક વિનંતી છે કે કમાવાની સાથે પરમાર્થ પણ કરજે. અમીરો પાસેથી ભલે તગળી ફી લે પરંતુ ગરીબો પર દયા રાખજે. મારી આ વાત યાદ રાખી તેના પર અમલ કરીશ તો તું જરૂર જીવનમાં સફળ અને સુખી થઈશ.”                   

“અંકલ ગરીબી શું છે તે હું જાણું છું એટલે આપની તે વાત આજીવન યાદ રાખી પરોપકાર કરતો રહીશ.”

નોકર ચા નાસ્તાની ટ્રે મૂકી ગયો. ચાર્વી અને તેની મમ્મી પણ આવી પહોંચ્યાં હતાં. બધા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં. ચા નાસ્તા પછી નિશીથે જવાની રજા માગી ત્યારે સોહનલાલે કહ્યું, “નિશીથ તારા કાકા જશવંતલાલને મને એક વાર ફુરસદે મળી જવાનું કહેજે અને તું પણ અવારનવાર આવતો રહેજે. આગળ ભણવા કે ક્લિનિક ખોલવા અંગે નિર્ણય લઈ મને તેની જાણ કરજે. મારા તરફથી તને પૂરેપૂરો સહકાર મળશે.”  

નિશીથ સોહનલાલનો આભાર માની રવાના થયો. તેને દરવાજા સુધી વળાવવા માટે ચાર્વી આવી હતી. ચાર્વી ખૂબ સુંદર, ચંચળ અને વાચાળ હતી. તેણે નિશીથનો હાથ પકડી કહ્યું, “નિશીથ યુ લૂક વેરી હેન્ડસમ એન્ડ ડેશિંગ.”

“થેંક્સ ફોર ધ કોમ્પ્લિમેંટ્સ,ચાર્વી." કહી તેણે ચાર્વીના હાથમાંથી પોતાનો હાથ હળવેથી છોડાવી સૌજન્યતા ખાતર આગળ કહ્યું, “યુ ઓલસો લુક બ્યુટીફુલ એન્ડ ગોર્જસ.”

ચાર્વીના ચહેરા પર તેની સુંદરતાની પ્રશંશાની ચમક સાથે શરમના શેરડા ઉપસી આવ્યા.

“થેંક્સ નિશીથ. હવે ક્યારે મળશો?”

નિશીથ માટે ચાર્વીનો પ્રશ્ન અણધાર્યો હતો. તે થોડી પળો સુધી ચાર્વીને કોઈ જવાબ આપી ન શક્યો. 

“જો તમે મળવા નહીં આવો તો હું તમને મળવા આવી પહોંચું તો ખોટું નહીં લગાડોને?” કહી ચાર્વી નિશીથનો જવાબ સાંભળ્યા વિના ઘરમાં ચાલી ગઈ. 

ચાર્વી સાથેનો આટલો ટૂંકો સંવાદ નિશીથને હચમાચાવી ગયો હતો. તેના હૃદયમાં ઊથલ પાથલ મચી ગઈ હતી. ચાર્વીની આંખોમાંથી ડોકાતો તેના તરફનો પ્રેમ અને આકર્ષણ તેના જીવનમાં જરૂર વમળો પેદા કરશે તેવું તેને લાગ્યું હતું.    

થયું પણ તેવું જ હતું. દસ દિવસના ટૂંકા ગાળામાં ચાર્વી તેને બે વાર મળવા આવી હતી. એક વાર તે દબાણ કરીને તેને કાફેટેરિયામાં કોફી પીવા લઈ ગઈ હતી. કોફી હાઉસમાં નિશીથના કેટલાક  ઓળખીતા મિત્રો હોવાથી તેને ચાર્વીની કંપનીનો ડર લાગી રહ્યો હતો. જો સ્વરાને આ વાતની જાણ  થશે તો સ્વરા તેના પર ખૂબ ગુસ્સે થશે અને તેને ખોટું લાગી જશે તેવો નિશીથને ભય લાગ્યો હતો. સદભાગ્યે સ્વરા થોડા દિવસથી બહારગામ ગયેલી હોવાથી નીશીથને રાહત હતી. 

બે મહિનાના ગાળામાં ચાર્વી અને નિશીથની આઠ દસ મુલાકાતો થઈ હતી. ચાર્વી ખૂબ ફાસ્ટ હતી. તે નિશીથ તરફની લાગણી મુક્ત પણે પ્રદર્શિત કરી રહી હતી. નિશીથ ગૂંચવાયેલો હતો. ચાહવા છતાં તે ચાર્વીને ટાળી શકતો ન હતો. સોહનલાલના અહેસાનોથી દબાયેલો હોવાથી ‘તે સ્વરાને ચાહે છે' તે વાત ચાર્વીને જણાવી શક્યો ન હતો. 

ચાર્વી સાથે નિશીથની મુલાકાતોથી સ્વરા બેખબર હતી.  

***

કાકા જશવંતલાલે એક દિવસે નિશીથને કહ્યું, “બેટા સોહનલાલે મને તેમના ઘરે બોલાવી કહ્યું છે કે તું અને તેમની દીકરી ચાર્વી એક બીજાને ચાહો છો માટે જો તું સંમત હોય તો તમારી સગાઈની જાહેરાત કરી દઈએ.”  

કાકાની વાત સાંભળી નિશીથ પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવું તેને લાગ્યું હતું. તે કાકાને કોઈ જવાબ આપી શક્યો ન હતો. ચાર્વીએ તેની સાથેની મુલાકાતોનો અર્થ ‘તે ચાર્વીને પ્રેમ કરે છે’તેવો કર્યો હતો તેનું તેને આશ્ચર્ય થયું હતું.  

“કેમ કોઈ જવાબ ન આપ્યો બેટા?”

“કાકા મારે હજુ આગળ ભણવું છે માટે સગાઈના બંધને હાલ બંધાવું નથી.”

“જો બેટા સોહનલાલ ખાનદાન માણસ છે. આપણી જ્ઞાતીના પ્રમુખ છે. તેમણે તને ભણવામાં મદદ કરી છે, ચાર્વી પણ સુંદર, દેખાવડી અને ભણેલી છે. તમે એક બીજાને ઓળખો છો અને પસંદ કરો છો તો પછી વાંધો શું છે?”

“કાકા હું ચાર્વીને ઓળખું છું પણ તેને પ્રેમ કરતો નથી.”તેણે ખૂબ ઉતાવળથી તેના કાકાને જવાબ આપ્યો. 

“જો બેટા સાચો પ્રેમ તો લગ્ન પછી જ થાય છે. સોહનલાલ શેઠનું કહેણ આપણે અવગણી શકીએ તેમ નથી. તેમના આપણા પર જે અહેસાનો છે તેનો બદલો આપણે બીજી કોઈ રીતે વાળી શકીશું નહીં માટે હું તને તેમની વાત સ્વીકારી લેવા વિનંતી કરું છું.”

“કાકા મને વિચારવાનો સમય આપો.”

“ભલે...પણ જેમ બને તેમ ઝડપથી નિર્ણય લઈ મને જણાવજે.”

નિશીથ આ અણધારી આફતમાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળી આવવું તેનો વિચાર કરવા લાગ્યો.

***

નીશીથે સ્વરાને તેની ચાર્વી સાથેની પ્રથમ મુલાકાત અને ત્યાર પછીની મુલાકાતો, સોહનલાલ તરફથી તેમની સગાઈ માટે આવેલું કહેણ, તેના કાકાનું તે અંગેનું દબાણ વિગેરે વિષે ખૂબ ખુલ્લા દિલે વાત કરી હતી. સ્વરા નિશીથની વાત સાંભળી જરૂર ડઘાઈ ગઈ હતી પરંતું  ન તો તે રડી હતી કે ન ગુસ્સે થઈ હતી. તે જાણતી હતી કે સોહનલાલ વેપારી માણસ હતા. તેમને માણસને ઓળખવાની આવડત હતી. નિશીથ એક હોનહાર યુવાન હતો. તેમણે નિશીથ પાછળ રોકેલી મૂડીનું વળતર હવે માગે તે સ્વાભાવિક પણ હતું. સ્વરાએ વિચાર્યું નિશીથને સોહનલાલની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. તે નિશીથને ખૂબ ચાહતી હોવાથી નિશીથને મુશ્કેલીમાં મૂકવા માગતી ન હતી. 

“નિશીથ મને લાગે છે કે ચાર્વી સાથે તારું જીવન જોડાય તે તારા હિતમાં રહેશે.” થોડા મનોમંથન પછી સ્વરાએ નિશીથને કહ્યું. 

“વ્હોટ!...સ્વરા તું કેવી વાત કરે છે? આપણે ચાર વર્ષથી એક બીજાને ચાહીએ છીએ. એક બીજા સાથે જીવન જોડવાનો આપણે નિર્ધાર કર્યો છે છતાં તું કેમ આવી વાત કરી રહી છે?”

“નિશીથ બધા પ્રેમીઓ પોતાનો પ્રેમ પામી શકતા નથી. આપણા નામ પણ તેવા પ્રેમીઓની યાદીમાં જોડાઈ જાય તો શું વાંધો છે?”

“સ્વરા તું હોશમાં બોલે છે કે બેહોશીમાં બોલે છે તે હું સમજી શકતો નથી.”

“નિશીથ માની લે કે મારા મામા મને તારી સાથે પરણવાની મંજૂરી ન આપે અથવા કોઈ બીજા છોકરા સાથે મારું જીવન જોડવાનું દબાણ કરે તો શું થાય?”

“તો આપણે તેમની ઉપરવટ જઈ પરણી જઈએ.”

“શું તે કહેવા જેટલું સરળ છે? શું વડીલોને નારાજ કરી આપણે સુખી થઈ શકીશું?”

“લગ્ન તે આપણી અંગત બાબત છે તેમાં વડીલો કે સમાજને શું લેવાદેવા?”

“ના તેવું નથી. આપણા જન્મદાતા, કુટુંબના વડીલો અને સમાજને આપણે માન આપવું પડતું હોય છે. તેઓ તેમના અનુભવના આધારે આપણા હિતમાં હોય તેવા નિર્ણય લેતા હોય છે. હું માનું છું કે સાચો પ્રેમ બલિદાન માગે છે. હું બલિદાન આપવા તૈયાર છું.”

“સ્વરા આપણા જીવનની અતિમહત્વની અને ગંભીર બાબતને આટલી સહજતાથી સ્વીકારી લેવાની તારી વાત મને સમજાતી નથી. શું તું મને પ્રેમ કરતી નથી? તારી આ બહેકી બહેકી વાતોથી મને લાગે છે કે તારું માનસિક સંતુલન બરાબર નથી. તારે આરામની જરૂરત છે. ચાલ હું તને તારા ઘરે પહોંચાડી દઉં. આપણે આ બાબતે બે દિવસ પછી શાંત ચિત્તે ચર્ચા કરીશું.” 

“નિશીથ હું તને ખૂબ પ્રેમ કરું છું. અત્યારે હું એકદમ સ્વસ્થ અને નોર્મલ છું. તારે મને ઘરે પહોંચાડવા આવવાની કોઈ જરૂર નથી. મારે આ વિષય પર ખૂબ ગંભીરતાથી વિચારવું પડશે. પ્લીઝ એક અઠવાડીયા સુધી મને ડિસ્ટર્બ ન કરવા વિનંતી કરું છું. તે સમય દરમ્યાન હું જરૂર કોઈ મક્કમ નિર્ણય પર આવીશ.”

બંને ખિન્ન હૃદયે જુદા પડ્યાં હતાં.

***

બે દિવસ પછીની સવારે નિશીથ પર સ્વરાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું,“નિશીથ મારા મામાના આખા કુટુંબને અમેરિકામાં ગંભીર અકસ્માત નડ્યો છે. મારે વહેલામાં વહેલી તકે અમેરિકા જવા નીકળવું પડશે. એર ટિકિટની વ્યવસ્થા અને અમેરિકા જવાની તૈયારી કરવામાં મારે તારી મદદની જરૂર છે. પ્લીઝ તું તાત્કાલિક મારા ઘરે આવી જા.”

નિશીથ તેના કાકાને જણાવી સ્વરાના ઘરે જવા નીકળી ગયો. તે આખો દિવસ ખૂબ દોડાદોડી રહી હતી. સ્વરાની અમેરીકા જવાની ફ્લાઈટ બે દિવસ પછીની હતી. બધું પેકિંગ કરવામાં ઘણી રાત વીતી ગઈ હતી. બંને જણા થકી ગયા હતાં. સ્વરા ફ્રેશ થવા માટે વોશરૂમમાં ઘૂસી ગઈ. નિશીથ સ્વરાના પલંગ પર સૂઈ ગયો. સ્વરા ફ્રેશ થઈ બહાર આવી ત્યારે નિશીથ તેના પલંગ પર ઘસઘસાટ ઊંઘી ગયો હતો. 

સ્વરા થોડીવાર ઊંઘતા નિશીથને તાકી રહી. મનમાં કોઈ મક્કમ નિર્ધાર કરી તે પલંગમાં નિશીથની બાજુમાં આવીને સૂઈ ગઈ. સ્વરાની કાયાના સ્પર્શથી નિશીથ જાગી ગયો. તે એકદમ ઉભો થવા ગયો પરંતુ સ્વરાએ તેણે હળવેથી દબાણ આપી પાછો પલંગ પર સુવડાવી દીધો. 

નિશીથના માથાના વાળમાં હાથ ફેરવી તેના કપાળ પર હળવું ચુંબન લઈ સ્વરા બોલી, “નિશીથ હવે આપણે ફરીથી ક્યારે મળીશું તે નક્કી નથી. મારી એક વાત માનીશ?”

“બોલને હું તારા માટે બધું કરી છૂટવા તૈયાર છું.”

“તું મને શારીરિક રીતે તૃપ્ત કરી દે.” આ શબ્દો બોલતી વખતે તેના ચહેરા પર એક વિશિષ્ટ મક્કમતા દેખાતી હતી.

“વ્હોટ..!! એક અધમ કામ કરવા માટે તું મને આહ્વાન આપે છે?”નિશીથ ગભરાઈને પલંગમાંથી ઊભો થઈ ગયો. 

“પ્લીઝ નિશીથ તું મારી વાત સમજવાની કોશિશ કર. હું તને સર્વાંગ પામવા ઈચ્છું છું. મારો પ્રેમ અધૂરો રહે તેવું હું ઈચ્છતી નથી.”

“સ્વરા તું જે વાત કહી રહી છે તે પાપ છે. ના.. ના.., હું તેવું પાપ નહીં કરી શકું. ધર્મ અને સમાજ લગ્ન પહેલાં આવું કરવાની મંજૂરી આપતા નથી. મને તારી માનસિક સ્થિતિ બરાબર લાગતી નથી.”

“નિશીથ મારી માનસિક સ્થિતિ બિલકુલ સામાન્ય છે. હું એકદમ હોશમાં છું. હું જે કંઈ પણ કહી રહી છું તે ખૂબ સમજી વિચારીને કહી રહી છું. હું છેલ્લા બે દિવસથી આપણા સંબંધો વિષે ખૂબ મનોમંથન કરી રહી હતી. મારું અંતર મન મને કહે છે કે આપણે કદાચ એક બીજાને પામી શકીશું નહીં. આપણો પ્રેમ અધૂરો રહેશે.”

“આપણો પ્રેમ શા માટે અધૂરો રહેશે? હું તારી સાથે જ લગ્ન કરીશ.”

“જો આપણે જીવનસાથી તરીકે જોડાઈશું તો પ્રશ્ન રહેશે નહીં પરંતુ જો સંજોગોવસાત ન જોડાઈ શકીએ તો તને સર્વાંગ ન પામવાનો મને જીવનભર અફસોસ રહેશે. પ્લીઝ.. નિશીથ તને આપણા પવિત્ર પ્રેમના સોગંદ છે. મને તારા સહેવાસની અમુલ્ય ભેટ આપી મને તૃપ્ત કરી દે...પ્લીઝ!”

નિશીથ સ્વરાની વિચિત્ર માગણી સમજી શકતો ન હતો. તે ચૂપચાપ ઊભો હતો. સ્વરા આંખોમાં ઝળઝળિયા લાવી નિશીથનો હાથ પકડી ઘરના પૂજાઘર પાસે લઈ ગઈ. તેની આંખો ભાવ શૂન્ય હતી. જાણે તે ક્યાંક દૂર જોઈ રહી હોય તેવું લાગતું હતું. તેણે ભગવાનની મુર્તિ સમક્ષ ઊભા રહી નિશીથનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, “ભગવાન હું નિશીથનો મારા પતિ તરીકે સ્વીકાર કરું છું.” 

તેણે નિશીથના ચરણોનો સ્પર્શ કરી પૂજા ઘરમાં રહેલા સિંદૂરની ડબ્બી ખોલી, નિશીથ સામે ધરી નિશીથને તેના સેંથામાં સિંદૂર પુરવા કહ્યું. નિશીથ પૂતળાની માફક સ્થિર ઊભો હતો. તેને કંઈ સમજાતું ન હતું. 

“નિશીથ પ્લીઝ...આપણા પ્રેમ ખાતર મને પત્ની તરીકે અપનાવી લે.”કહી સ્વરા તેના ચરણ પકડીને બેસી ગઈ.

સ્વરાને ઊભી કરી તેને પોતાના આલિંગનમાં લઈ નીશીથે કહ્યું, “સ્વરા આ બાલિશતા છે. આવા સગવડિયા લગ્ન હોય નહીં. અગ્નિની સાક્ષીએ સૌની સામે ફેરા ફરીએ તેને લગ્ન કહેવાય. આ લગ્ન કહેવાય નહીં. હું તેમ કરી શકીશ નહીં.”

“નિશીથ અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા જેટલો સમય રહ્યો નથી. સંજોગો આપણને અનુકૂળ નથી. સંમતિથી કરેલું કોઈ પણ કાર્ય પાપ કહેવાતું નથી.”

“હું તારી આ વાતને સમર્થન આપતો નથી. મને વિશ્વાસ છે કે સંજોગો જરૂર અનુકૂળ થશે માટે આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. પાપ એ પાપ છે માટે તું મને અત્યારે કોઈ વાતે મજબૂર ન કરે તેવી મારી વિનંતી છે.”

“નિશીથ તને સ્ત્રીઓના મનની વાત નહીં સમજાય. સ્ત્રીઓને ઘણીવાર એવા સંકેતો થાય છે જે ભવિષ્યમાં સાચા ઠરતા હોય છે. મને આપણા જીવન સાથી બનવા વિષે શંકા છે. આપણા બધા મિત્રો તેમની અનુકૂળતા મુજબ, કોઈ પણ જાતના છોછ વિના, દેહ સાયુજય માણી લે છે તે હું જાણું છું. સામાન્ય રીતે પુરુષો પહેલ કરતા હોય છે પરંતું હું સામેથી તને સમર્પિત થવા આતુર છું. હું તેને પાપ માનતી નથી. તારા મનમાં પાપ કર્યું હોવાનો ડંખ ન રહે તે માટે હું તને મારા સેંથામાં સિંદૂર પૂરી મને પત્ની તરીકે અપનાવી લેવા વિનવું છું. પ્લીઝ મારી વાત માની મને આપનાવી લે...” સ્વરાની આંખોમાંથી અશ્રુ તેના ગાલ પર દડી આવ્યાં હતાં. તે ફરીથી નિશીથના ચરણ પકડીને બેસી ગઈ.   

નીશીથે પરવશ થઈ સ્વરાને ઊભી કરી તેની માંગમાં સિંદુર ભરી તેને પત્ની તરીકે અપનાવી લીધી હતી.          

***

સ્વરાને વિદાય આપવા નિશીથ એરપોર્ટ પર હાજર હતો. નિશીથના હૃદય પર હજુ તેણે કંઈક ખોટું કર્યું હોવાનો ભાર હતો પરંતુ સ્વરા ખૂબ ખુશ હતી. તે તૃપ્ત જણાતી હતી. તે તદ્દન સામાન્ય રીતે વર્તી રહી હતી. 

છૂટા પડતી વખતે સ્વરાએ કહ્યું, “નિશીથ તું મને માફ કરી દેજે. કદાચ તને મારું પગલું ગમ્યું નથી પરંતુ હું તને સંપૂર્ણ પામવા ઈચ્છતી હતી તેથી તારી પર દબાણ કર્યું હતું. હું તને સર્વાંગ પામીને મારી જાતને ભાગ્યશાળી માનું છું. હું તને જીવનમાં ફરીથી મળીશ નહીં. તું ચાર્વી સાથે લગ્ન કરવા માટે આઝાદ છે. હવે તું નથી મારો પતિ કે નથી હું તારી પત્ની. તે રાતના પ્રસંગને સ્વપ્નું સમજીને ભૂલી જજે. મને પણ તું આ ક્ષણથી ભૂલી જજે. મને જીવનમાં ફરીથી મળવાનો પ્રયત્ન ન કરતો. જો કદી સામે મળવાનો પ્રસંગ ઊભો થશે તો હું તને ઓળખતી નથી તે રીતે વર્તીશ. તું પણ તેવું કરે તેવું હું ઈચ્છું છું. હું તારી પાસેથી તેવું કરવાનું વચન લેતી નથી પરંતુ મને વિશ્વાસ છે કે તું મારી આ વાત જરૂર યાદ રાખીશ. મારી આંગળી પર શોભી રહેલી, તારી ભેટ આપેલી, આ રત્નજડિત વીંટી મને તું સતત મારી સાથે છે તેવો અહેસાસ કરાવી મને જીવન જીવવાનું બળ પૂરું પડશે. ગુડ લક એન્ડ ગુડ બાય.”

નિશીથનો જવાબ સાંભળ્યા વિના અશ્રુ ભરેલા નયને સ્વરા સડસડાટ ચાલી ગઈ હતી. નીશીથ ઘણીવાર સુધી તેનાથી દૂર જઈ રહેલી સ્વરાને જોતો ઊભો રહ્યો. તેને પણ લાગ્યું હતું કે કદાચ સ્વરા સાથે હવે આ જીવનમાં બીજી વાર મુલાકાત થશે નહીં!     

***

સ્વરાના અમેરિકા ગયાના થોડા મહિનાઓ પછી નિશીથના લગ્ન ચાર્વી સાથે થઈ ગયા હતાં. ચાર્વી ખૂબ ખુશ હતી. લગ્નના દિવસે નિશીથને સ્વરાની ખૂબ યાદ આવી હતી. લગ્ન પછી તેને સમાચાર મળ્યા હતા કે સ્વરાના મામાનું આખું કુટુંબ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યું હતું. તેના મામાએ તેમની સંપત્તિના વારસદાર તરીકે સ્વરાને નિયુક્ત કરી હતી. ત્યારથી આજ દિન સુધી સ્વરા વિષે નીશીથને કોઈ જાણકારી ન હતી. નીશીથે સ્વરા વિષે જાણકારી મેળવવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો.

***

ડૉક્ટર નિશીથે મેડિસિનમાં માસ્ટર ડિગ્રી મેળવી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમની કારકિર્દી ખૂબ સફળ રહી હતી. તેમણે સોહનલાલની વાત યાદ રાખી આજીવન નજીવી ફી લઈ ગરીબોની સારવાર કરી હતી. લગ્ન પછી ચાર્વી ચંચળતા છોડી દઈ આદર્શ ગૃહિણી બની ગઈ હતી. બંનેનું લગ્ન જીવન ખૂબ સુખી રહ્યું હતું. તેમના જીવનમાં એક દીકરીનું આગમન થયું હતું. દીકરી કૃતિને અમેરિકા પરણાવી હતી. તેનો સંસાર પણ ખૂબ સુખી હતો. 

સુખી દાંપત્ય જીવન વચ્ચે નિશીથનું કોઈ કોઈ વાર વિચારોમાં ડૂબી જવાની અને ગંભીર થઈ એકાંતમાં બેસી રહેવાની વાત ચાર્વીને સમજાતી ન હતી. સ્ત્રી સહજ શંકાના કારણે નિશીથના જીવનમાં કોઈ અન્ય સ્ત્રી આવી તો નથી ને! તેવી શંકા તેને ગઈ હતી પરંતુ તેમને તેવી કોઈ વાત જાણવા મળી ન હતી. જાણવાની કોશિશ કરવા છતાં ચાર્વી  નિશીથની ગમગીનીનું કારણ જાણી શકી ન હતી.    

***

સુખેથી પસાર થઈ રહેલા જીવનમાં એકાએક સિવિયર હાર્ટ એટેકમાં જીવનલીલા સંકેલી લઈને ચાર્વીએ ડૉક્ટર નિશીથને આંચકો આપ્યો હતો. ભગવાનની ઈચ્છા આગળ પામર માનવીનું કંઈ ચાલતું નથી તેમ માની તેમણે તે આંચકો પચાવી લીધો હતો. તેમણે હવે નિવૃત્તિ લઈ લેવાનું નક્કી કર્યું હતું.     

તેમની દીકરી કૃતિ અને જમાઈ વિહાન ચાર્વીબેનના અવસાન નિમિત્તે સ્વદેશ આવ્યાં હતાં. કૃતિએ તેના ડેડીને તેમની સાથે અમેરિકા રહેવા આવી જવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. અમેરિકામાં સ્વરાનો ભેટો થઈ જવાની ભીતિ હોવાથી અમેરિકા જવા તેમનું મન માનતું ન હતું. ડૉક્ટર તરીકેની કારકિર્દી દરમ્યાન પણ અમેરિકામાં યોજાતી ઘણી મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ મળ્યાં હતાં પરંતુ તેમણે ઈરાદા પૂર્વક અમેરિકા ખાતેની કોઈ પણ મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લીધો ન હતો. 

તેમના પત્ની ચાર્વીબેન તેમની દીકરી કૃતિને મળવા અમેરિકા જતાં ત્યારે ડોક્ટર નિશીથને તેમની સાથે લઈ જવા ખૂબ આગ્રહ કરતાં હતાં પરંતુ કોઈને કોઈ બહાનું કાઢી તેઓ અમેરિકા જવાનું ટાળતા રહ્યા હતા પરંતુ આ વખતે તેઓ તેમની એકની એક અને લાડકી દીકરીનો આગ્રહ ટાળી શક્યા ન હતા. આમ ડૉક્ટર નિશીથને અમેરિકાનો પ્રથમ પ્રવાસ કરવાનો પ્રસંગ ઊભો થયો હતો. 

***

કૃતિનો પતિ વિહાન પહેલાં સાન ડિએગોમાં નોકરી કરતો હતો. સ્વરાબેન તેમના પુત્ર નિલય સાથે તેમના પાડોશમાં રહેતાં હતાં. નિલયની પત્નીને દીકરો અવતર્યો ત્યારે સ્વરાબેને પૌત્રના ઉછેર માટે જોબ છોડી દીધી હતી. પાડોશમાં રહેતાં રહેતાં વિહાન અને નિલય મિત્રો બની ગયા હતા. એક બીજાના ઘરે અવારનવાર આવવા જવાના પ્રસંગો થતા રહેતા હતા. નિલય કૃતિ કરતાં ત્રણ ચાર વર્ષ મોટો હતો. કૃતિ તેને મોટાભાઈ કહી બોલાવતી હતી. નિલય પણ કૃતિ પર ભાઈ જેવુ હેત વરસાવતો હતો. કૃતિ નિલયને દર વર્ષે રાખડી બાંધતી હતી.

કૃતિ અને વિહાનનાં લગ્ન થયાને ત્રણ વર્ષ થયાં હતાં પરંતું તેમને હજુ બાળકો ન હતાં. નિલયને એક વર્ષનો દીકરો હતો. બંને કુટુંબને એક બીજા વિના ચેન પડતું ન હતું. નિલયની પત્ની જોબ કરતી હોવાથી તે જોબ પર હોય ત્યારે કૃતિ નિલયના દીકરાને સાચવવામાં સ્વરા આંટીને મદદ કરતી હતી.    

ત્રણ વર્ષના સહેવાસ પછી એક દિવસે વાત વાતમાં સ્વરાબેનને કૃતિ ડૉક્ટર નિશીથની દીકરી હોવાની જાણ થઈ હતી. તે જાણકારી થતાં તેમને એક અજાણ્યો ડર લાગ્યો હતો. તેઓ તેમના ભારતીય પતિથી છૂટાછેડા લઈ અલગ રહે છે તેવી વાત તેમણે તેમના મિત્ર વર્તુળમાં વહેતી મૂકી હતી. તેમને થયું કે કોઈવાર પોતાની દીકરીને મળવા ડૉક્ટર નિશીથ અને તેમની પત્ની ચાર્વીબેન જો ઓચિંતા આવી ચઢશે તો તેમનું જુઠ્ઠાણું પકડાઈ જશે. તેઓ ત્યારથી ગંભીર અને સાવચેત રહેતાં હતાં. 

કૃતિને ચઢતા દિવસો હોવાનું જાણી સ્વરાબેનને ખુશી જરૂર થઈ હતી પરંતુ ડર પણ લાગતો હતો કે નિશીથ અને ચાર્વી કૃતિની પ્રસૂતિના પ્રસંગે અમેરિકા આવશે ત્યારે તેમને વિકટ પરિસ્થિતિમાં મુકાવું પડશે. જાણે ભગવાને તેમની અકડામણ જાણી લીધી હોય તેમ વિહાનને સાન ફ્રાન્સિસ્કોમાં વધુ સારી જોબ મળતાં તેઓ સાન ડિએગોથી શિફ્ટ થઈ ગયા હતા. સ્વરાબેને ભગવાનનો આભાર માન્યો હતો. 

કૃતિની પ્રસૂતિના પ્રસંગે ચાર્વીબેન એકલા અમેરિકા આવ્યા હોવાના સમાચાર સ્વરાબેને જાણ્યા હતા. તેમણે કૃતિને ફોન પર દીકરીની માતા બનવાના અભિનંદન આપી સંતોષ માન્યો હતો. છ મહિના પછી ચાર્વીબેન ભારત પાછા ફર્યા હોવાનું જાણ્યા પછી જ તેઓ કૃતિની દીકરીને રમાડવા સાન ફ્રાન્સિસ્કો ગયાં હતાં.

સમય પસાર થતો રહ્યો હતો. સ્વરાબેન અને કૃતિનો સંબંધ મા દીકરી જેવો રહ્યો હતો. કૃતિ તેમના હૃદયથી માનેલા પતિની દીકરી હોવાનું જાણી જાણે કૃતિ તેમની સગી દીકરી હોય તેવી તેમને લાગણી થતી હતી. ચાર વર્ષ પછી કૃતિ એક દીકરાની માતા બની હતી. નિલયના ઘરમાં પણ બીજો દીકરો અવતર્યો હતો. ખૂબ આનંદ અને સંતોષથી સમય પસાર થઈ રહ્યો હતો. 

***

છ મહિના પહેલાં સ્વરા આંટી બીમાર હોવાનું જાણી કૃતિ તેમની ખબર જોવા સાન ડિએગો આવી હતી. કૃતિ આવી ત્યારે નિલય અને તેની પત્ની નિર્મળા સ્વરા આંટીને ડૉક્ટરને કન્સલ્ટ કરાવવા લઈ ગયાં હતાં. ઘરમાં નિલયના બાળકો એકલાં હતાં. કૃતિ માટે સ્વરા આંટીનું ઘર પિયર જેવુ હતું. તેણે ઘરને વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. સ્વરા આંટીના બેડરૂમને વ્યવસ્થિત કરતી વખતે એક પુસ્તકમાંથી એક કવર નીચે પડ્યું. તેમાંથી કેટલાક ફોટા બહાર નીકળી આવ્યા. તેના ડેડી નીશીથના સ્વરા આંટી સાથેના ફોટા જોઈ તેને આશ્ચર્ય થયું. તેણે બધા ફોટા બારીકાઈથી નિહાળ્યા. તેમના કૉલેજ કાળના ફોટા હતા. એક ફોટા પાછળ ‘નિશીથ આઈ મિસ યુ-સ્વરા’ તેવું લખેલું હતું. તે ફોટાઓ સાથે નિલયના બાળપણના પણ કેટલાક ફોટા હતા. નિલયના એક ફોટા પાછળ સ્વરા આંટીએ લખ્યું હતું, ‘બેટા નિલય તને ત્રીજી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ તેની નીચે લખ્યું હતું , 'નિશીથ ઈટ્સ યુ! એમ આઈ રાઈટ?’

કૃતિને તે સમજતાં વાર ન લાગી કે તેના ડેડી અને સ્વરા આંટી પ્રેમમાં હશે પરંતું  કોઈ કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહીં હોય. તેણે વિચાર્યું કે કદાચ એવું પણ બને કે તેમણે તેના ડેડી સાથે લગ્ન કર્યા હોય અને કોઈ કારણોસર છૂટાછેડા લીધા હોય. સ્વરા આંટી સૌને કહેતાં હતાં કે ‘તેમણે તેમના ભારતીય પતિથી છૂટાછેડા લીધા છે’ તો શું તેમણે મારા ડેડી સાથે લગ્ન કર્યા હશે? શું નિલય મારા ડેડીનો પુત્ર હશે? તે ગૂંચવાઈ ગઈ. 

તેણે ફોટા વાળું પરબીડિયું પુસ્તકમાં જેમનું તેમ મૂકી પુસ્તકો કબાટમાં ગોઠવી દીધા. થોડીવાર પછી નિલય અને નિર્મળા સાથે સ્વરા આંટી ડૉક્ટરને કન્સલ્ટ કરી આવી પહોંચ્યાં. તેમનું શરીર લેવાઈ ગયું હતું. તેઓ કોઈ અજાણ્યા રોગથી પીડાઈ રહ્યાં હતાં. ડૉક્ટરની સારવાર ચાલુ હોવા છતાં તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. સ્વરાબેનની કાયા દિવસે દિવસે ક્ષીણ થઈ રહી હતી. તેમની પાચનક્રિયા નબળી પડતી જતી હતી. તે પૂરતો ખોરાક લઈ શકતાં ન હતાં. નિષ્ણાતોની સારવારનું ઈચ્છિત પરિણામ મળતું ન હતું. સ્વરાબેન પોતે ડૉક્ટર હોવા છતાં તેમને કયો રોગ છે તે સમજી શકતાં ન હતાં. લેબોરેટરીના રિપોર્ટસ સામાન્ય હતા. પેટની સોનોગ્રાફીમાં પણ કોઈ અસમાન્ય વાત જણાઈ ન હતી. તેમ છતાં તે બીમાર હતાં અને દિવસે દિવસે તેઓ નબળા પડતા જતાં હતાં તે હકીકત હતી. 

સ્વરાબેન કૃતિને જોઈ ખુશ થઈ ગયાં. નિલય અને નિર્મળા તે બંનેને રૂમમાં એકલા મૂકી તેમના કામમાં પરોવાઈ ગયાં. 

“કૃતિ બેટા હું કેટલા દિવસથી તારી રાહ જોઈ રહી હતી. તને હવે ફુરસદ મળી?” તેમના અવાજમાં ફરિયાદ હતી. 

“સૉરી આંટી મારે ઘણા વહેલા આવવું જોઈતું હતું પરંતુ ફુરસદ મળતી ન હતી. આજે તમારી સાથે રાત રોકાવાનો સમય લઈને આવી છું. આજે મારે તમારી સાથે ખૂબ વાતો કરવી છે.”

“મને પણ તારી સાથે વાતો કરવી ગમશે. ઢળતી ઉંમરના આ પડાવે કોઈ પ્રેમ ભરી લાગણી દર્શાવે તો ખૂબ સારું લાગે છે.” 

તેમના રૂમમાં એક નજર નાખી સ્વરા આંટી બોલ્યાં, “તારો હાથ મારા રૂમમાં ફર્યો હોય તેવું લાગે છે. મારા બધા પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાઈ ગયાં છે. એક દીકરીની જેમ તેં મારો રૂમ ગોઠવી દીધો છે.”

“હાં આંટી બધું અસ્તવ્યસ્ત હતું એટલે ગોઠવી દીધું. તમને કોઈ વાંધો તો નથી ને?”

“અરે દીકરી...વાંધાની ક્યાં વાત છે મને ખુશી થઈ છે.”

***

રાત્રે કૃતિનો પલંગ સ્વરા આંટીની બાજુમાં ગોઠવાઈ ગયો હતો.

કૃતિ સ્વરા આંટી પાસેથી ઘણી વાતો જાણવા માગતી હતી પરંતુ ક્યાંથી શરૂઆત કરવી તે સમજાતું ન હતું.

“કૃતિ તારા બાળકો અને જમાઈ વિહાન મજામાં છે ને?” સ્વરા આંટીએ કૃતિને પૂછ્યું.

“હાં આંટી બધા મજામાં છે.” કહી કૃતિ ચૂપ થઈ ગઈ. 

થોડો વિચાર કરી કૃતિ બોલી, “આંટી તમારું શરીર ખૂબ લેવાઈ ગયું છે. તમને કઈ બીમારી છે? ડોક્ટર્સનું નિદાન શું છે?”

“બેટા ડોક્ટર્સ હજુ સુધી સાચું નિદાન કરી શક્યા નથી. સાચી બીમારી પકડાતી નથી.”

“મારા ડેડી કહેતા હતા કે જો પેશન્ટને બીમારીના કોઈ શારીરિક લક્ષણો ન હોય તો તેને માનસિક બીમારી હોવી જોઈએ તેવું માની તે દિશામાં ડાયગ્નોઝ કરવું જોઈએ.”  

“હા,પેશન્ટને મલ્ટી એંગલથી તપાસવા જોઈએ તેવું અમને ભણાવવામાં આવતું હતું.”

“આંટી તમે વડોદરાની મેડિકલ કૉલેજમાં ભણતાં હતાં?”

કૃતિનો પ્રશ્ન સાંભળી સ્વરાબેનના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ. તેમને થયું કે જો કૃતિ વધુ ખણખોદ કરશે તો ઉપાધિ થશે. તેમણે એકાક્ષરી “હા” ઉત્તર આપી કહ્યું, “અમેરિકા આવ્યા પછી ફરીથી ભારત જઈ શકાયું નથી તેનો અફસોસ છે.”

“આંટી તમારે નિલયભાઈના પિતાથી કેમ છૂટાછેડા લેવા પડ્યા હતા?”

“કૃતિ પ્લીઝ...જૂની વાતો પૂછી મને મૂંઝવણમાં ન મૂકવા વિનંતી છે. મારા રુઝાયેલા ઘા તાજા ન કરવા તને વિનંતી છે, બેટા.” સ્વરાબેનનો સ્વર ભારે થઈ ગયો હતો.

“સૉરી આંટી, તમે મને તમારી દીકરી ગણો છો એટલે પૂછી બેઠી. જો મેં તમને દુ:ખી કર્યા હોય તો મને માફ કરી દેજો.”

સ્વરાબેને કૃતિને પોતાની પાસે ખેંચી તેના માથામાં હાથ ફેરવી કહ્યું, “કૃતિ બેટા, જીવન જીવવા માટે સ્ત્રીએ દરિયા જેવડું વિશાળ પેટ કરવું પડે છે. ઘણીવાર સાગરના રહસ્યો કરતાં પણ વધારે રહસ્યો સ્ત્રીએ પચાવી જવા પડે છે.” 

સ્વરાબેનનો હાથ કૃતિના માથા પર ફરતો રહ્યો તેની સાથોસાથ તેમની આંખોમાંથી અશ્રુની પાતળી ધાર પણ વહેતી રહી. કૃતિ સ્વરાબેનને દુભાવવા માગતી ન હતી એટલે તેણે આગળ કોઈ પ્રશ્ન ન કર્યો. કૃતિએ સૂઈ જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને મોડે સુધી ઊંઘ આવી ન હતી. 

***

કૃતિને તેની મમ્મી ચાર્વીબેન સાથે વર્ષો પહેલાં થયેલી એક ચર્ચા યાદ આવી ગઈ હતી. ચાર્વીબેન કૃતિની પ્રથમ સુવાવડ વખતે છ મહિના સુધી અમેરીકામાં રોકાયા હતાં. એક દિવસે તેની પાંચ માસની દીકરીને લઈ બંને જણા પાર્કમાં ફરવા આવ્યાં ત્યારે કૃતિએ તેના ડેડી અમેરિકા ન આવ્યાની નારાજગી દર્શાવી ચાર્વીબેનને પૂછ્યું હતું, “મમ્મી તારી સાથે મારા ડેડી કેમ ન આવ્યા? જો તે આવ્યા હોત તો મને ખૂબ ખુશી થાત.”

“સાચી વાત છે બેટા. મેં તેમને મારી સાથે આવવા ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ તેમના પેશન્ટસની હેલ્થની ચિંતા હોવાનું કારણ આગળ ધરી આવવાની ના પડી દીધી હતી.” કહી ચાર્વીબેને એક નિશ્વાસ નાખ્યો. તેમના અવાજમાંથી ઊભરાતું દુ:ખ અનુભવી કૃતિને આશ્ચર્ય થયું હતું.    

“મમ્મી તેં કેમ નિશ્વાસ નાખ્યો? તારે તે બાબતે ડેડી સાથે કોઈ હૉટ ડિસ્કશન તો થયું ન હતું ને? તમારા વચ્ચે તે બાબતે કોઈ મન દુ:ખ તો થયું નથી ને?”

“ના તેવું નથી બેટા પણ ન જાણે કેમ મને ઘણીવાર એવું ફિલ થાય છે કે તારા ડેડીના હૃદય પર કોઈ અજાણ્યો બોજ છે. તેઓ તેમના હૃદયમાં કોઈ અજાણ્યું દર્દ છુપાવીને બેઠા હોય તેવું મને લાગે છે. કદાચ તને આશ્ચર્ય થશે પરંતુ અમારા લગ્ન જીવનની શરૂઆતમાં તારા ડેડીને કોઈની સાથે અફેર હોવાનો મને વહેમ પડ્યો હતો. મેં મારી રીતે તે બાબતે ઘણી તપાસ કરી હતી પરંતુ મને કંઈ જાણવા મળ્યું ન હતું. મેં તેમના મનમાં કોઈ વાત હોય તો તે કઢાવવા ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતું હું તેમાં સફળ થઈ ન હતી. જે હોય તે પણ હું માનું છું કે તેમના જીવનમાં કોઈ વાત જરૂર છે જે તેમણે બધાથી છુપાવી રાખી છે.”

કૃતિને તેની મમ્મીની શંકા સાચી હોવાનું આજે સમજાયું હતું પરંતુ તે વાત તેની મમ્મીને જણાવી શકે તેમ ન હતી.   

ભગવાન પણ મનુષ્યોના જીવનમાં કેવી વિટંબણાઓ અને વમળો ઊભા કરે છે તેવું વિચારી કૃતિએ એક નિશ્વાસ નાખ્યો હતો. 

***

થોડા સમય પછી એક મશહૂર જાપાની ડૉક્ટરની સરવારના કારણે સ્વરાબેનની તબિયતમાં  સુધારો થવા માંડ્યો હતો. તેઓ દિવસે દિવસે સ્વસ્થ થઈ રહ્યાં હતા. કૃતિને સ્વરાબેનની તબિયતમાં થઈ રહેલા સુધારાના સમાચાર જાણી ખૂબ આનંદ થયો હતો.  

તે દરમ્યાન એકાએક ચાર્વીબેનને હૃદય રોગનો ગંભીર હુમલો થયો હતો. ફક્ત દસ દિવસના ટૂંકા ગાળામાં તેઓ ડૉક્ટર નિશીથને વિલાપ કરતા મૂકી સ્વર્ગે સીધાવી ગયા હતાં. કૃતિએ તેની મમ્મીના નિધનના સમાચાર સ્વરા આંટીને આપ્યા હતા. સ્વરાબેનને ચાર્વીબેનના નિધનના સમાચાર જાણી આંચકો લાગ્યો હતો. તેમને પારાવાર દુ:ખ થયું હતું. ચાર્વીબેન તેના કરતાં વહેલા વૈકુંઠવાસી થશે તેવી તેમણે કદી કલ્પના કરી જ ન હતી. ખરેખર  તો પોતે મૃત્યુની નજીક હોવાથી તેઓ વહેલા અવસાન પામશે તેવું તેઓ વિચારતા હતાં. તેમને ડૉક્ટર નિશીથ માટે ચિંતા ઉભરાઈ આવી હતી.  

કૃતિ ચાર્વીબેનના અવસાન પછી  તેના પિતા નિશીથને મળવા અને સાંત્વના આપવા માટે ભારત આવી હતી. તે ભારતમાં ત્રણ મહિના સુધી રોકાઈ હતી. આ સમય દરમ્યાન કૃતિને લાગ્યું હતું કે તેના ડેડી એકલવાયું જીવન જીવી શકશે નહીં. તેમને કોઈના સહારાની જરૂરિયાત છે. 

એક રવિવારની સાંજે તેના ડેડીના ગાઢ મિત્ર ડૉક્ટર ગાંધી તેમની ડૉક્ટર પત્ની સાથે ડૉક્ટર નિશીથને મળવા આવ્યા હતા. ડૉક્ટર નિશીથ તેમના બીજા મિત્રને મળવા ગયા હતા. કૃતિ ઘરમાં એકલી હતી. કૃતિ તેમને ઓળખતી હતી. 

“આવો અંકલ, આવો આંટી.”કૃતિએ તેમને આવકાર્યા.

“બેટા તારા ડેડી ઘરમાં નથી?” ડૉક્ટર નિશીથને ઘરમાં હાજર ન જોઈ ડૉક્ટર ગાંધીએ પૂછ્યું. 

“અંકલ, મારા ડેડી ત્રિવેદી અંકલના ઘરેથી નીકળી ગયા છે. દસ મિનિટમાં આવી જશે.”

કૃતિ બંનેને પાણી આપી તેમની પાસે બેઠી. તેને ડૉક્ટર ગાંધી પાસેથી ડૉક્ટર સ્વરા વિષે જાણવાની ઉત્સુકતા થઈ. તે બોલી,“અંકલ તમે ડૉક્ટર સ્વરાને ઓળખો છો?”

ડૉક્ટર ગાંધી કૃતિનો અણધાર્યો પ્રશ્ન સાંભળી ચમકી ગયા. કૃતિએ કયા સંદર્ભમાં તે પ્રશ્ન પૂછ્યો હતો તેની તેમને સમજણ ન પડી. તેઓ ડૉક્ટર નિશીથ અને સ્વરાના એક બીજા પ્રત્યેના પ્રેમથી વાકેફ હતા.   

ડૉક્ટર ગાંધીના બદલે તેમના પત્ની બોલ્યાં, “સ્વરા અમારી સાથે ભણતી હતી. અભ્યાસ પૂરો કરી તે અમેરિકા ચાલી ગઈ હતી. તું તેમને ઓળખે છે?”

“હા આંટી હું તેમને ઓળખું છું. તેમના દીકરા નિલયને હું મોટાભાઈ કહું છું.”

“વૉટ.. સ્વરાને દીકરો છે?" ડૉક્ટર ગાંધીના મુખમાંથી અનાયાસે શબ્દો સરી પડ્યા.

“કેમ અંકલ...તેમને દીકરો હોવો તે નવાઈની વાત છે?” 

“ના...પણ...કદાચ... તેણે અમેરિકા ગયા પછી લગ્ન કર્યા હશે. તેના પતિ શું કરે છે?”

“તેમણે તેમના પતિથી છૂટાછેડા લીધા છે.”

“એમ.બી.બી.એસ. ના પરિણામ પછી થોડા જ સમયમાં સ્વરા એકાએક અમેરિકા ચાલી ગઈ હતી. તેણે અહીં કોઈની સાથે લગ્ન કર્યા ન હતા. કદાચ અમેરિકામાં કોઈ ભારતીયને પરણી હશે.”    

ડૉક્ટર નિશીથ આવી જતાં તે બાબતે આગળ કોઈ વાત થઈ ન હતી. 

ભલે ડૉક્ટર ગાંધી સાથેની વાત અધૂરી રહી પરંતુ કૃતિએ બધા અંકોડા મેળવી લીધા હતા.તેને વિશ્વાસ થઈ ગયો હતો કે સ્વરા આંટીનો નિલય તેના ડેડીનો જ પુત્ર હતો.      

તેણે તે બાબતે ખૂબ મનોમંથન કર્યું હતું. તેણે તેના પતિ વિહાન સાથે પણ ફૉન પર ખૂબ ચર્ચા કરી હતી. તેણે વિહાનને ભારત બોલાવી લીધો હતો. કૃતિ વિહાનને તે સમજાવવામાં સફળ રહી હતી કે સ્વરા આંટીનો દીકરો નિલય તેના ડેડીનો જ દીકરો છે. સ્વરા આંટીએ છૂટાછેડા લીધેલા હોવાની વાત ખોટી હતી. તેમણે સ્વરા આંટી અને ડૉક્ટર નિશીથનો મેળાપ કરાવવાનું નક્કી કર્યું.      

તેમણે બંનેએ ડૉક્ટર નિશીથને તેમની સાથે અમેરિકા રહેવા આવવા રાજી કરી લીધા હતા. ડૉક્ટર નીશીથે હાલ પૂરતા છ માસ માટે તેમની સાથે અમેરિકામાં રહેવાનુ સ્વીકાર્યું હતું.         

કૃતિ એક મક્કમ ઈરાદા સાથે તેના ડેડીને અમેરિકા લઈ આવી હતી. 

***

ડૉક્ટર નિશીથને પોતાની દીકરીના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ઘરે આવ્યાને ત્રણ માસ જેટલો સમય થઈ ગયો હતો. તેમને હવે ત્યાં રહેવાનું ફાવી ગયું હતું. તેમનું એક નાનકડું મિત્ર વર્તુળ હતું જેના લીધે તેમનો સમય પસાર થઈ જતો હતો. 

કૃતિને એક અકળામણ સતાવી રહી હતી. તેના મનમાં રહેલી આખી વાત કેવી રીતે તેના ડેડી સમક્ષ મૂકવી તે તેને સમજાતું ન હતું. જે વાત પોતાના પિતાએ અડધી જિંદગી સુધી પોતાના હૃદયના ખૂણામાં દફનાવી આજીવન પોતાની પત્ની અને મિત્રોથી છુપાવી રાખી હતી તે વાત તેમની દીકરી જાણે છે તેવું જાણીને તેમના હૃદય પર કેવો આઘાત લાગશે તે વિચારી કૃતિને એક અજાણ્યો ડર લાગી રહ્યો હતો.

ખૂબ આત્મમંથન અને વિહાન સાથે લાંબી ચર્ચા કર્યા પછી બંને જણાં એક નિર્ણય પર આવી શક્યાં હતાં. બંનેએ પરિણામની ચિંતા કર્યા વિના સ્વરા આંટી સાથે ડૉક્ટર નિશીથની મુલાકાત કરાવવાનું નક્કી કર્યું હતું.   

“ડેડી આપણે આ વિક એન્ડમાં સાન ડીએગો જઈ રહ્યા છીએ. મેં તમને નિલયભાઈ વિષે વાત કરી હતી ને, તેમના ઘરે." કૃતિએ ડૉક્ટર નિશીથને કહ્યું. 

“ઑ.કે. મારે પણ તારા ધર્મના ભાઈ નિલયને મળવું છે. વિદેશની ધરતી પર મારી દીકરી પર સગા ભાઈ જેટલું હેત વરસાવનાર તે યુવાનને રૂબરૂ મળી મારે તેનો આભાર માનવો છે. જો શક્ય હોયતો તેના માવતરને પણ મળી તેમને વંદન કરવા છે. આ જમાનામાં આવો સંસ્કારી પુત્ર  મેળવનાર માતા પિતાને મળીને મારે ધન્ય થવું છે.”

કૃતિના મનમાં ચિંતા હતી પરંતુ જે થશે તે સારું જ થશે તેમ માની તેણે તે ચિંતાને દૂર ફેંકી દીધી. 

કૃતિ અને વિહાન ડૉક્ટર નિશીથને લઈને નિલય, નિર્મળા અને સ્વરાબેનને કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય સાન ડિએગો તરફ પ્રયાણ કર્યું હતું.

સ્વરાબેનની તબિયતમાં સંતોષકારક સુધારો થઈ રહ્યો હતો પરંતુ હજુ તેમને ડૉક્ટરે સંપૂર્ણ બેડ રેસ્ટ લેવાની સલાહ આપી હતી. 

***

કૃતિ અને વિહાન નિલયના ઘરે આવી પહોંચ્યાં ત્યારે બપોરના અગિયાર વાગ્યા હતાં. નિર્મળાએ સૌને સહર્ષ આવકાર આપ્યો પરંતુ તેમનું આમ અચાનક આવી ચઢવા પાછળનું કારણ તે સમજી શકી ન હતી. નિલય ગ્રોસરી અને ફ્રૂટ્સ ખરીદવા માટે મોલ બાજુ ગયો હોવાથી તે ઘરમાં ન હતો. 

પ્રાથમિક પરિચય પછી નીશીથે નિર્મળાને પૂછ્યું, “નિલય ઘરમાં નથી? મારે તેને મળીને તેનો આભાર માનવો છે.”

“અંકલ તેઓ બાળકો સાથે ખરીદી કરવા ગયા છે, થોડીવારમાં આવી જશે.”

કૃતિ આજે તદ્દન શાંત હતી. તેના ચહેરા પર ચિંતા હતી. વિહાન તેનું કારણ જાણતો હતો. 

જે કામ માટે તેઓ આવ્યા હતા તેની પૂર્વ ભૂમિકા બાંધવા માટે તેણે ડૉકટર નિશીથને ઉદ્દેશીને કહ્યું, “ડેડી કૃતિ અહીં આવે ત્યારે જાણે પિયરમાં આવી હોય તે રીતે જ વર્તે છે. પહેલાં તો આવતાંની સાથે જ નિર્મળાભાભીને કામમાં મદદ કરવા લાગી જતી હતી. આખા ઘરમાં ફરી વળી ક્યાંય કચરા જેવુ દેખાય તો નણંદની જેમ નિર્મળાભાભીને પ્રેમથી ખખડાવી નાખતાં અચકાતી ન હતી. સ્વરા આંટીને સગી દીકરીની જેમ વીંટળાઈ વળતી હતી પરંતુ ન જાણે કેમ આજે શાંત અને ગંભીર થઈ ગઈ છે.”

“વિહાન કેમ તમે મારી વગોવણી કરી રહ્યા છો? હું નિર્મળાભાભીને ખખડાવું છું તેવું કહી અમારી વચ્ચે ઝગડો કરાવવાનો ઈરાદો છે તમારો?” તેનું વાક્ય પૂરું કરી તેણે હસવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તેનું સ્વાભાવિક હાસ્ય વેરી શકી નહીં. 

દીવાનખંડમાં થઈ રહેલો વાર્તાલાપ સ્વરાબેનને તેમના બેડરૂમમાં સંભળાતો હતો. આજે કોઈ મહેમાન આવવાના હોવાની જાણ નિર્મળાએ તેમને કરી ન હતી તેથી કોણ આવ્યું છે તે જાણવાની જિજ્ઞાસા થતાં તે તેમના બેડરૂમમાંથી વોકરના સહારે બહાર આવ્યાં. બેઠકખંડની વચ્ચોવચ ગોઠવાયેલા હાફ રાઉન્ડ સોફા પર બેઠેલા બે પુરુષોની પીઠ તેમના તરફ હતી. કૃતિની નજર સ્વરાબેન પર પડતાં જ તે એકદમ ઊભી થઈ ઉતાવળા પગલે તેમના તરફ ગઈ. 

“કૃતિ તું આવી છે બેટા? બહુ સમય પછી તને મારી યાદ આવી? ક્યારની ઘરમાં આવી હોવા છતાં કેમ અત્યાર સુધી મને મળવા ન આવી? મારાથી નારાજ છે?” સ્વરાબેને ફરિયાદ ભર્યા સ્વરે કહ્યું. 

સ્વરાબેનનો અવાજ સાંભળી ડૉક્ટર નીશીથના કાન સરવા થયા. પોતાના પ્રિય પાત્રનો વર્ષો પછી અવાજ સાંભળી તેમના શરીરમાં ઝઝણાટી ફરી વળી. ખરેખર તે અવાજ સ્વરાનો જ છે તે જાણવા માટે તેમણે અવાજની દિશામાં પોતાની ગરદન ફેરવી. કૃતિ વચ્ચે ઊભી હોવાથી તેઓ તે સ્ત્રીના ચહેરાને જોઈ શકતા ન હતા. 

“તારી માતાના અવસાનના સમાચાર જાણી મને ખૂબ દુ:ખ થયું છે કૃતિ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના છે.” સ્વરાબેન ખરખરો કરતાં બોલ્યાં.

કૃતિ સાથે વાત કરનાર સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ સ્વરા જ છે તેવો ડૉક્ટર નિશીથને વિશ્વાસ થઈ ગયો હતો. મહેમાનોને આવકાર આપવા માટે સ્વરાબેને આગળ ડગ ભર્યા. એકાએક સ્વરાબેન અને નિશીથની નજરો એક થઈ. નિશીથના હૃદયની ધડકનો વધી ગઈ. તેમના શરીરમાં અજાણ્યો ઉશ્કેરાટ ફેલાઈ ગયો. તેમણે એકદમ પોતાની જાત પર કાબૂ મેળવી ગંભીરતા ધારણ કરી લઈ પોતાની નજર ફેરવી લીધી.   

“ઓહ...તમે..!!” નિશીથને જોઈ સ્વરાબેનના ગળામાંથી એકાએક શબ્દો સરી પડ્યા. તેમના ચહેરા પર મૂંઝવણ ઉપસી આવી.   

સ્વરાબેન એકદમ પાછા ફરી ગયાં. તેમને ગભરામણના કારણે ચક્કર આવી જતાં તે બેસી ગયાં. એક બાજુથી કૃતિ અને બીજી બાજુથી નિર્મળાએ દોડી જઈને સ્વરાબેનને સંભાળી લીધાં. તેમણે સ્વરાબેનને પથારીમાં સુવડાવ્યા. સ્વરાબેન ડઘાઈ ગયા હતાં.તેમની આંખો ચકળવકળ થતી હતી. તેમની વાચા હણાઈ ગઈ હતી. અણધારી રીતે એકાએક નિશીથનો સામનો થવાના કારણે તેઓ અવાક થઈ ગયા હતાં. નિશીથ સાથે કેવી રીતે વર્તવું, તેમનો સામનો કેવી રીતે કરવો તેની ચિંતાના કારણે તેમને ચક્કર આવી ગયા હોય તેવું લાગ્યું. તેમનો શ્વાસ રૂંધાતો હોવાનું તેમણે અનુભવ્યું. કૃતિને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે નિલયભાઈના ડેડી ડૉકટર નિશીથ જ હતા.

ડૉક્ટર નિશીથ અસમંજસમાં હતા. તેમણે વિચાર્યું કે સ્વરાની ઈચ્છા મુજબ તેમણે સ્વરાને મળવું જોઈએ નહીં. તેમણે ઘરમાંથી ચાલ્યા જવાનો નિર્ણય કરી દરવાજા તરફ પગ ઉપાડ્યા. 

એકાએક કૃતિનો અવાજ ડૉક્ટર નિશીથના કાને પડ્યો, “ડેડી પ્લીઝ જુઓને સ્વરા આંટીને શું થઈ ગયું છે? તેઓ અનકંફર્ટેબલ ફિલ કરી રહ્યા છે.તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સી નીડ્સ હેલ્પ ઓફ અ ડૉક્ટર. પ્લીઝ અહીં આવી જાઓ ને..!” 

ડૉક્ટર નિશીથ તરફથી કોઈ પ્રતિક્રિયા ન થતાં કૃતિ દોડતી સ્વરાબેનના બેડરૂમમાંથી બહાર આવી ગઈ. તેણે ઘરની બહાર જઈ રહેલા તેના ડેડીનો હાથ પકડી તેમને સ્વરાબેન પાસે લઈ જવા ખેંચ્યા. ડોક્ટર નિશીથ હજુ પણ સ્થિર ઊભા હતા. તેઓ સ્વરાબેનના રૂમમાં જવું કે નહીં તેની દ્વિધામાં હતા. 

નિર્મળા પણ ગભરાઈને દોડી આવી. તેણે નિશીથને કહ્યું, “અંકલ પ્લીઝ સેવ માય મૉમ. યુ આર અ ડૉક્ટર. ઈટ ઈસ યોર એથીકલ ડ્યૂટી. પ્લીઝ અંકલ...” તેણે ડૉકટર નિશીથનો હાથ પકડી  વિનંતી કરી.

ડૉકટર નિશીથનો ભીતરનો ડૉક્ટર જાગી ઉઠ્યો. તેમણે સ્વરાબેનના રૂમ તરફ રીતસરની દોટ મૂકી. સ્વરાબેનની છાતી ઊંચી નીચી થતી હતી. તેઓ પથારીમાં પીડાથી આળોટી રહ્યા હતાં. તેમને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. અનુભવી ફિઝિશિયન તરીકે તેઓ સમજી ગયા કે સ્વરાબેનને હૃદય રોગનો હુમલો આવ્યો છે. તે સ્વરાબેન પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં એકાએક સ્વરાબેન જંપી ગયાં. 

ડૉક્ટર નીશીથે સ્વરાબેનને તાત્કાલિક કાર્ડિયાક મસાજ આપવાની શરૂઆત કરી દીધી. તેમણે કૃતિને સ્વરાબેનને મોંઢેથી કૃત્રિમ શ્વાસોશ્વાસ કરાવવાનું કહ્યું. કૃતિએ પોતાના મોં વડે સ્વરાબેનને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું શરૂ કર્યું. ડૉક્ટર નીશીથે થાક્યા વિના સ્વરાબેનને કાર્ડિયાક મસાજ આપવાનું ચાલુ રાખ્યું. તેમણે સતત બે મિનિટ સુધી કાર્ડિયાક મસાજ આપ્યા ત્યાં સુધી સ્વરાબેનનું શરીર કોઈ પ્રતિક્રિયા આપતું ન હતું. 

ડૉક્ટર નીશીથે કૃતિને કૃત્રિમ શ્વાસ આપવાનું ચાલુ રાખવાનું કહી સ્વરાબેનની નાડી તપાસી. તેમને નાડીમાં ધીમા ધબકારા થતા હોવાનું જણાયું. તેમણે ઉત્સાહિત થઈ ફરીથી સ્વરાબેનને કાર્ડિયાક મસાજ આપવાનું શરૂ કર્યું. આ વખતે એક મિનિટ પછી સ્વરાબેનના શરીરમાં હલનચલન જણાયું. તેમની આંખના પડળ નીચે આંખોનું હલનચલન થયું. તેમણે બેવડા ઉત્સાહથી કાર્ડિયાક મસાજ ચાલુ રાખ્યા. વધુ એક મિનિટ પછી સ્વરાબેને એક ઝટકા સાથે આંખો ખોલી. તેમની શ્વસનક્રિયા શરૂ થઈ હતી. ડૉક્ટર નિશીથના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે સ્વરાબેનને પડખાભેર સુવડાવી તેમને શ્વાસ લેવાની સરળતા કરી આપી. સ્વરાબેનને એકાએક ખાંસી આવી. ખાંસી સાથે ગાળામાં ફસાયેલો એક ગળફો બહાર નીકળી આવ્યો. તે સાથે જ તેમના શ્વાસ નિયમિત થઈ ગયા. ડૉક્ટર નીશીથે સ્વરાબેનના કાંડા પર આંગળી દબાવી પલ્સ તપાસ્યા. તેમને સંતોષ થયો. તેમના ચહેરા પરથી ચિંતાની રેખાઓ દૂર થઈ ગઈ. તેઓ થોડીવાર સુધી શાંત ઊભા રહ્યા. ત્યારબાદ તેમણે બહાર જવા માટે પગ ઉપાડ્યા. 

બરાબર તે સમયે હાંફળો ફાંફળો નિલય બાળકો સાથે સ્વરાબેનના રૂમમાં દાખલ થયો. નિલય અને ડૉક્ટર નિશીથની નજરો મળી. એક બીજાને જોઈ બંનેના હૃદયમાં એક અનોખો પ્રવાહ વહેવા લાગ્યો. બંને જણા જાણે કોઈ વશીકરણ હેઠળ હોય તેમ એકબીજાને તાકી રહ્યા.  

સ્વરાબેન ધીમા સ્વરે બોલ્યા, “નિશીથ, નિલય આપણો દીકરો છે તેને ગળે નહીં લગાડો?”

ડૉક્ટર નીશીથ અને નિલય સ્વરાબેનની વાત સાંભળી અવાક રહી ગયા. બંનેને તે વાત માનવામાં આવતી ન હતી. 

કૃતિ ડૉક્ટર નિશીથ પાસે દોડી આવીને બોલી, “ડેડી સ્વરા આંટીની વાત સાચી છે. નિલય મારો ભાઈ છે. તે તમારો અને સ્વરા આંટીનો દીકરો છે. મને અનાયાસે આ વાત થોડા સમય પહેલાં જાણવા મળી હતી પરંતુ તમે બંનેએ વર્ષોથી છુપાવી રાખેલું રહસ્ય જાણતી હોવા છતાં હું મારા મોંઢેથી તમને કહી શકતી ન હતી એટલે હિંમત કરીને હું આજે તમને અહીં લઈ આવી છું. જો મેં કોઈ અજુગતું કામ કર્યું હોય તો મને માફ કરી દેજો.”

કૃતિએ ડૉક્ટર નિશીથના ખભા પર તેનું માથું મૂકી દીધું. તેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. 

નિર્મળા નિલયનો હાથ પકડી ડૉકટર નિશીથ પાસે દોરી લાવી. બંને જણાએ ડૉક્ટર નિશીથની ચરણ વંદના કરી તેમના આશીર્વાદ લીધા. 

“નિશીથ આટલા વર્ષે મળ્યા છો તો મારા માટે સમય નહીં ફાળવો?” આંખોમાં આંસુ સાથે સ્વરાબેને કહ્યું. 

ડૉક્ટર નિશીથે સ્વરાબેનની પથારી તરફ જવા પગ ઉપાડ્યા એટલે બાકીના બધા રૂમની બહાર નીકળી ગયા.                         


-આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી)

-તા. 11-02-2022

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ