વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિર્દોષ ખુની

શોપીઝન ખૂની કોણ વાર્તા સ્પર્ધા

(પ્લોટ આધારિત)




શિયાળાની અંધારી રાતની કકડતી ઠંડીમાં રીષિ તેના ઘર તરફ જઈ રહ્યો હતો. એકબાજુ તેની પત્નીનાં ફોને અને બીજીબાજુ ઠંડીનાં લીધે છવાયેલા ધુમ્મસ એ તેને પરેશાન કર્યો જ હતો કે નવી મુસીબત આવી ઊભી રહી ગઈ. જોરથી ચિચયારી ભરેલા આવાજ સાથે ગાડી અચાનક ઊભી રહી. રીષિ ગાડીમાંથી ઊતર્યો અને ટાયર તરફ જોયું તો પંચર....



"ઓહ્... શીટ.., હવે શું કરું?"  

રીષિ પત્નીને ફોન કરતો જ હતો કે તેની નજર  સામે એક બંગલા પર પડી. જ્યાં લાઈટ પ્રકાશ ફેલાવી રહી હતી. રીષિ તે ઘર તરફ જવા નીકળ્યો. તેણે દરવાજા પર ટકોર કરી. એક યુવતીએ દરવાજો ખોલ્યો. રીષિ હજી બોલતો જ હતો કે મારી ગાડી.... તેવામાં તેની નજર યુવતી નાં હાથ પર પડી. યુવતીનાં હાથમાં ગન હતી તે ગભરાયેલી જણાતી હતી. રીષિ એ યુવતીની પાછળ નજર કરી જોયું તો ત્યાં કોઇનાં પગ દેખાતાં હતાં.


રીષિ ગભરાય ગયો. તે કંઈ બોલે તે પહેલાં જ પેલી યુવતી બેહોશ થઈ જમીન પર ઢળી પડી.


રીષિ એ ત્વરિત પોલીસને ફોન કરી સમગ્ર ઘટના જણાવી દીધી.



બીજા દિવસે પેપરમાં હેડલાઇન છપાયેલી હતી, "મશહૂર વકીલ સોમેશ પ્રજાપતિની હત્યા, ક્રૂર પત્ની એ કરી પોતાના જ પતિની હત્યા."


***********************************************

હોસ્પિટલના બેડ પર સુતેલી પેલી યુવતી સાથે પોલીસ સવાલો કરવા લાગ્યા.

ઇન્સ્પેક્ટર : " બોલ નિશા પ્રજાપતિ, સોમેશનું ખૂન કેમ કર્યું?"


નિશા : " ખૂન....મેં , સોમેશનું..., આ શું મજાક કરો છો?"


ઇન્સ્પેક્ટર : " જો.. વધારે શરીફ બનવાની કોશિશ ન કર , જે ગોળીથી સોમેશનું મૃત્યુ થયું છે એ ગોળી તારા હાથમાં જે ગન હતી તેની જ છે અને આ ઘટના નો એક ગવાહ પણ છે એટલે હવે જુઠ્ઠ બોલવાનો કોઈ લાભ નથી."


નિશા : " સોમેશ..., સાચે સોમેશનું મૃત્યુ થયું છે?"


ઇન્સ્પેક્ટર : " કેમ તને નથી ખબર..?"


નિશા જોર જોરથી રડવા લાગી.


ઇન્સ્પેક્ટર ને નિશા નું આવું વર્તન થોડું અજુગતું લાગ્યું પણ દરેક ક્રિમીનલ ક્રાઇમ કર્યા પછી  ફરી જ જાય એમ માની ત્યાંથી જતા રહ્યા.


પોસ્ટમોર્ટમ...., ફિંગર પ્રિન્ટ તેમજ ગવાહ બધું જ નિશા ને ખૂની સાબિત કરતું હતું. તેથી પોલીસ એ નિશાની ધરપકડ કરી.


આ બાજુ વડોદરાથી નિશાનાં માતાપિતા અને સોમેશ નાં માતા પિતા આબુ આવ્યા. પોલીસે તેમની સાથે પૂછપરછ કરી. પૂછપરછ કરતાં કંઈ ખાસ જાણવા મળ્યું નહિ. નિશા ખૂબ સારી છોકરી છે એ ખૂન કરી જ નહીં શકે એવું જ જાણવા મળ્યું. નિશા પણ તેના મોઢેથી ખૂન કબૂલ કરતી ન હતી.


​બંને પક્ષની વાતો સાંભળી ઇન્સ્પેકટર એ રીષિ(ગવાહ) ને પોલીસ સ્ટેશન બોલાવ્યો.


ઇન્સ્પેક્ટર : " રીષિ..,તને ચોક્કસ ધ્યાન છે કે તું ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં કોઈ ન હતું અને ગન શ્રદ્ધાના હાથમાં જ હતી?"


રીષિ : " મર્ડર થયું ત્યાં તો કોઈ નહિ હતું...., અંદર ખબર નહિ. નિશાના હાથમાં જ ગન હતી."


ઇન્સ્પેક્ટર : " તારા આવ્યા પછી નિશા એ તને મારવાની કોશિશ નહિ કરી?"


રીષિ : " ના..સર, હજી તો એને હું કંઇ બોલું તે પહેલાં એણે મારી સામે અજીબ રીતે જોયું પછી થોડું સ્મિત કર્યું અને ત્યાંજ બેહોશ થઈ ગઈ."


પોલીસ પાછી વિચાર કરતી થઈ ગઈ કે નિશા એ સોમેશની હત્યા કેમ કરી.

***********************************************


ઇન્સ્પેક્ટર (પોલીસ સ્ટેશનમાં) : " તું કહે છે કે તે ખૂન નથી કર્યું..., તો સોમેશનું ખૂન થયું ત્યારે તું ક્યાં હતી?"


નિશા : " હું ઘરે જ હતી."


ઇન્સ્પેક્ટર : " ખૂન, તારી સામે થયું?"


નિશા : " ના....મને નથી ખબર. સોમેશનું ખૂન થયું છે એ તો હોસ્પિટલમાં તમે કહ્યું ત્યારે મને ખબર પડી."


ઇન્સ્પેક્ટર : " તારા ઘરમાં તારા પતિની હત્યા થઈ જાય અને તું ઘરમાં હોય તો પણ તને ખબર નથી...., એવું કેવી રીતે બને? જો...તને પૂછવાનું જરૂરી છે જ નહિ કેમકે બધાં જ સબૂત તારા ખિલાફ છે તેમ છતાં હું પૂછું છે કેમકે તારા સાસુ સસરાને વિશ્વાસ નથી કે તે ખૂન કર્યું હોય. જે હોય તે કહી દે નહીંતર તને કોઈ બચાવી શકશે નહીં."


નિશા : " સર, સાચું કહું છું મને કંઈ જ ખબર નથી."


ઇન્સ્પેક્ટર : " હવે બસ થયું..., તારા મોઢે થી કેમ બોલાવવું તે અમને ખબર છે."


ઇન્સ્પેક્ટર એ લેડી કોન્સ્ટેબલ ને ગમે તે રીતે નિશા ની ચૂપી તોડાવવા કહ્યું.


થોડી વાર પછી લેડી કોન્સ્ટેબલ નો જોરથી અવાજ આવ્યો...


ઇન્સ્પેક્ટર દોડીને ત્યાં ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈ ઇન્સ્પેકટર ચોંકી ગયા. તેમણે તરત ડૉક્ટરને ત્યાં બોલાવ્યા.



ડૉક્ટર આવ્યા ત્યારે નિશા કંઈ બોલતી હતી. ડૉક્ટર અને ઇન્સ્પેકટર તેને ધ્યાન થી સંભાળવા લાગ્યા..., " દુનિયા બિલકુલ સારી નથી, બધાં પુરુષો સરખા જ છે."

ડૉક્ટર એ લેડી કોન્સ્ટેબલ નાં હાથનો ઈલાજ કર્યો.


ઇન્સ્પેક્ટર : " નિશાને પણ વાગ્યું છે."


ડૉક્ટર : " એ બોલતી હતી તે સાંભળું નહીં..., આ સમયે જો હું એની નજીક ગયો તો એ મારો શું હાલ કરશે એ કોણ જાણે? "


ઇન્સ્પેક્ટર : " તમે કોઈ મનોચિકિત્સક ને બોલાવો..., તે પણ મહિલાને..."


ડૉક્ટર ની સલાહ પર ઇન્સ્પેકટર એ ડૉ. મિહિકા નાયક ને બોલાવ્યા. ડૉક્ટર નિશા પાસે ગયા. નિશા ત્યારે સુતેલી હતી.


ડૉક્ટર : " આ વાગ્યું કેવી રીતે?"


લેડી કોન્સ્ટેબલ બધી ઘટના જણાવે છે.


ઇન્સ્પેક્ટર નાં કહેવા પ્રમાણે તે નિશા સાથે પૂછપરછ કરતી હતી. તેવામાં એક ને એક વાત કહ્યા કરવાથી લેડી કોન્સ્ટેબલ એ ગુસ્સે થઈ નિશાને દંડો બતાવી મારવાની ધમકી આપી. ત્યારે અચાનક નિશાના વર્તન પર બદલાવ આવવા લાગ્યાં. તે એકીટસે ગુસ્સા થી કોન્સ્ટેબલ તરફ જોવા લાગી.તેની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઈ. તેણે લેડી કોન્સ્ટેબલ નાં હાથમાંથી દંડો છીનવી લીધો અને તેના હાથ પર જોરથી વાર કર્યો. જોરથી દંડો લાગતાં લેડી કોન્સ્ટેબલ જમીન પર પડી ગઈ અને નિશા તેને જાનવરોની જેમ મારવા લાગી. ઇન્સ્પેક્ટર નાં કાન માં ચીસો નો અવાજ પડતાં તે અવાજ તરફ દોડ્યા. તેમણે લેડી કોન્સ્ટેબલ ને નિશા થી બચાવી. નિશા પોલીસ ની સામે જોઈ ગાંડા ની જેમ હસવા લાગી. તે સમયે ઇન્સ્પેકટર ને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થતો હતો કે આ એ જ નિશા છે જેની સાથે પાંચ દિવસથી તેઓ પૂછપરછ કરતાં હતાં.


ડૉક્ટર : "ઇન્સ્પેકટર.., મારે નિશા સાથે વાત કરવી છે."


ડૉક્ટર નિશા પાસે ગયા. ડોક્ટરે નિશાને ઉઠાડી.


નિશા : " તમે કોણ છો?"


ડૉક્ટર મિહિકા : " હું ડૉક્ટર છું તને હાથમાં વાગ્યું છે ને એટલે ઇન્સ્પેકટર એ મને બોલાવી છે."


નિશા રડવા લાગી.


નિશા : " ડૉક્ટર, મને મારા ઘરે જવું છે..., તમે પોલીસને કહો ને, મેં ખૂન નથી કર્યું."


ડૉ. મિહિકા : " નિશા, આ તને કેવી રીતે વાગ્યું?"


નિશા : "પોલીસ પૂછતાછ કરતાં હતાં ત્યારે માર્યું હશે...., કેવી રીતે વાગ્યું તે નથી ખબર.આજકલ મને કંઈ યાદ જ નથી રહેતું."


ડૉ. મિહિકા : "હું તને ઘરે લઈ જઈશ પણ તું પહેલાં કહે કે સોમેશનું ખૂન કોને કર્યું તને ખબર છે?"


નિશા : " ના..., મને તો ખબર જ નથી, તેની હત્યા વિશે તો મને પોલીસે કહ્યું."


ડૉ. મિહિકા : " સોમેશનું ખૂન થઈ ગયું તને ખબર પણ નહીં પડી એટલી પણ બુદ્ધિ નથી તારામાં..?"


નિશાના મોઢાં પર હાવભાવ બદલાવા લાગ્યા.


ડૉ. મિહિકા : " ગુસ્સો નહિ કર..., બહાર એવું કહે છે તારા માટે... એટલે કહું છું તું મને સાચું કહી દે."


નિશા : "મને નથી ખબર."


નિશા સાથે વાતચીત કરી મિહિકા ઇન્સ્પેકટર પાસે ગઈ.


ડૉ. મિહિકા: " નિશા સાથે વાતચીત કરીને કોઈ જ લાભ નથી એ મલ્ટિપલ પર્શનાલિટી ડીસોડર બીમારી થી પીડાય છે."


ઇન્સ્પેક્ટર : " તમે કહેવા શું માંગો છો?"


ડૉ.મિહિકા : " એ ક્યારેક ક્યારેક ગુસ્સેલ તામસિક પ્રકૃતિની બની જાય છે એની સામે જે હોય તે.. બસ એને મારવાનું જ દેખાય. તમે એનું બેકગ્રાઉન્ડ ચેક કરો."

​ઇન્સ્પેક્ટર : " મર્ડર નિશા એ જ કર્યું છે ને...?"

​ડૉ.મિહિકા : " ના..., નિશા એ નથી કર્યું એની અંદર જે ગુસ્સેલ નિશા છે એણે મર્ડર કર્યું છે. નિશા ને એ વિશે જાણ પણ નથી. એની બીમારીનું તો એને ભાન જ નથી."

​ઇન્સ્પેક્ટર : " તો અમારે શું કરવું...?"

​ડૉ.મિહિકા : " એ તો જજ નક્કી કરશે..., હા હું એટલું કહી શકું કે નિશા નિર્દોષ છે એને ઈલાજ ની જરૂર છે."

​ડોક્ટરની સલાહ પર એકબાજુ કોર્ટમાં કેસ મૂકવામાં આવ્યો અને બીજી બાજુ નિશાનો ઈલાજ શરૂ થયો. ઇલાજ કરતાં કરતાં નિશાના બીજા રૂપે ઘણાં રહસ્યો ઉજાગર કર્યા કે આ નિશા નાં બીજા લગ્ન હતાં. તેનો પહેલો પતિ તેને ખૂબ મારતો પિટતો...., તેનાથી સોમેશે જ બચાવી હતી. અને તેની આ બીમારીનું કારણ પણ તેનો પહેલો પતિ હતો.

​***********************************************

​હત્યાની રાતે નિશા અને સોમેશ બહાર ડિનર કરવા જવાનાં હતાં. નિશા રેડી થઈ ને બેઠી હતી પણ સોમેશ તેના ક્લાઈન્ટ સાથે વિડિયો ચેટિંગ કરવામાં વ્યસ્ત હતો. નિશાએ તેને ઘણી વાર કહ્યું કે પછી વાત કરજો પહેલાં જમવા જતાં રહીએ. પરંતુ સોમેશ થોડીવાર પછી જઈએ એમ કહીને ગાર્ડનમાં જતો રહ્યો. તેનાં આવા વર્તનથી નિશાની અંદર છુપાયેલી બીજી નિશા બહાર ઉભરવા લાગી. તે સોફા પર બેઠી બેઠી વારે ઘડી બોલવા લાગી, " બધા માણસો એક જેવાં જ છે, કોઈ સારું નથી."  આખરે નિશાની ધીરજ તૂટી અને તેણે કબાટમાં સોમેશની સુરક્ષા માટે મુકેલી ગન લીધી અને સોમેશ ની રાહ જોવા લાગી. ​સોમેશ ઘરમાં આવ્યો.

​સોમેશ : " નિશા... સોરી, અર્જન્ટ કોલ હતો. મને લેટ થઈ ગયું. તું ઘરમાં બીજું કંઈ બનાવી દે."

​નિશા : " હું અહીં ક્યારની રાહ જોવ છું અને તને કોલની પડેલી છે. મારી કોઈ ફિકર નથી."

​સોમેશ : " આટલો ગુસ્સો શું કામ કરે છે, તારે રસોઈ ના કરવી હોય તો નહિ કર..."

​નિશા : " હું તમારી નોકરાણી નથી કે મને આમ બોલો છો..."

​સોમેશ : " તને શું થયું છે...., આમ કેમ વર્તન કરે છે?"

​નિશા : " હવે મારું વર્તન પણ ગમતું નથી..., બીજી કોઈ ગમી ગઈ હશે.."

​સોમેશ : " મર્યાદામાં રહેજે નિશા...., તારું વર્તન જોઈને હવે તો મને લાગે છે કે રાજ (નિશાનો પહેલો પતિ) સારો જ હતો."

​રાજનું નામ સાંભળતા જ નિશાનો ગુસ્સો વધવા લાગ્યો અને ગુસ્સામાં તેણે સોમેશને ગોળીઓથી વીંધી નાખ્યો. નિશા તેને તડપતા જોઈ હસવા લાગી અને તેવામાં દરવાજા પર ટકોર થઈ.

​***********************************************


























ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ