વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભડભડીયો


   પ્રિયા બધું કામ પતાવીને બેડરૂમમા આવી,જોયું તો પિયુષ મોબાઈલમા રત હતો.તેણે પ્રિયા તરફ જોયું,પ્રિયાએ પણ તેની સામે જોયું,અને બેડપર સંકેલેલા કપડાં ઉપાડી કબાટમા ગોઠવવા લાગી, અને વિચાર્યું,અત્યારે વાત કરું ? ના તો નહીં પાડે પણ એકવાર ભડભડાટ જરૂર કરશે.તે મનોમન હસી.અને તેની બાજુમા જઈને બેઠી.પિયુષે તેની સામે જોયું અને મોબાઈલ બાજુમા રાખ્યો.


       "બા,બાપુજી સુઈ ગયા ?"


       "બા માળા કરે છે.બાપુજી કંઇક વાંચે છે.એક વાત કહું,?


   પિયુષે લંબાવ્યું,  "હા બોલ 'ને આમેય તે તું મૂંગી રહેવાની નથી."પ્રિયા હસીને ઉભી થઇને ટયુબલાઈટ બંધ કરી ટેબલલેમ્પ ચાલુ કર્યો.તેના આચ્છા પ્રકાશમા તે તેની બાજુમાં ગઈ ત્યાં પિયુષે તેને નજીક ખેંચી. 

    "ઓ બાપરે 'કહેતી તે તેની સોડ માં સમાઈ ગઈ

"બોલ શું કહેતી હતી".


   "હું એમ કહેતી હતી કે,આપણા સમાજની મહિલામંડળે ટૂંકીવાર્તા સ્પર્ધા  યોજી છે. લગભગ પાંત્રીસથી ચાલીશ વાર્તાઓ આવશે,એમાંથી શ્રેષ્ટ દસવાર્તાઓ પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું આયોજન છે,હું ભાગ લઉં."?

    " પ્રિયા આ બધા નાટક હોય,બધા પૈસા ખાવાના પ્લાન હોય,ગઈ કાલે જ મને ફોન આવેલો ડોનેશન માટે,"


     "તમે શું જવાબ આપ્યો, ?"


    "આપવાજ પડશે.કોણ ના પાડે ? સમાજમાં બેઠા છીએ,પણ આ બધા નવરા માણસોના કામ છે.નવરા લોકો આમ જ રૂપિયા બનાવે.સમજી."


  પ્રિયાને ખબર હતી એકવાર તો ના પાડશે  પણ તે કંઈ બોલી નહીં.પ્રિયા કંઈ બોલી  નહીં એટલે પીયુષે કહ્યું,


  "બધાની વાર્તા જશે પછી શ્રેષ્ઠ વાર્તાની પસંદગી થશે,પસંદગી  કરવાવાળા જાણે મોટા સાહિત્યકાર હોય એવું બધું ડીંડવાણું કરશે,આ બધું નાટક હોય,અને જેણે ડોનેશન આપ્યું હોય તેનું જ સજેશન થાય."


      પ્રિયાએ હસીને કહ્યું,"એવું થોડું ચાલે, શ્રેષ્ઠવાર્તા કઈ એ તો બીજા બહારના  લેખકો નકી કરશે ,"


    "અરે પણ પ્રિયા,તું સમજતી નથી, આપણાવાળા કહે એજ એ લોકો પાસ કરે, તું કોલેજમાં લખતી એની મને ખબર છે. તારે પહેલો નંબર લેવો છે ? બોલ   ....   તું વાર્તા મોકલજે પછી જોજે કોનો નંબર આવે છે."


    પ્રિયાએ હસીને કહયું "તમે હંમેશા નેગેટીવ જ વિચારો છો.બાપુજી શું કહેતા 'તા કહું,?"


   "મને ભડભડીયો કહેતા હશે બીજું શું "


   "ના ભડભડીયો નહીં,એતો કહેતા હતા મારો પિયુષ તો ભોડીયો છે ."


પિયુષે તેને આલિંગનમાં વધુ ભીંસીને કહ્યું, "તેની વાત સાચી છે,હું ભોડીયો છું,એટલે તો તારી સાથે લગ્ન કર્યા."


     પ્રિયા વધુ ભીસાઈને હસવા લાગી,


 "પિયુ,તમને એક વાત કહું,આપણાં લગ્નના થોડા સમય પછી મમીએ મને કહેલું,


  "પ્રિયા,પિયુષનો સ્વભાવ,તડફળ અને ભડભડીયો છે.મનમાં ન લેવું બેટા,બાકી બધી રીતે તને સાચવશે"


     "તે સાચવું જ છું 'ને"


     "વાત તો સાંભળો,મમી કહેતા હતા કે ,મેં 

તમારા લગ્ન પહેલા પિયુષ ને તારા વિશે વાત કરેલી ત્યારે પણ પિયુષે કહેલું,"મમી કોલેજીયન સાથે લગ્ન ના કરાય,અને કેટલુંય બોલેલો,પછી કહેલું,આમ તો પ્રિયા સારી  છોકરી છે,પછી તમારી મરજી"


     "એ વાત જવાદે, તું ટૂંકીવાર્તા મોકલજે બસ?"

     "તમે કોલેજ માં હતા ત્યારે તમને કોલેજની છોકરીઓ કેમ ગમતી નહોતી ?"


    "કહું ?.એ કહે એક,કરે કંઇક બીજું અને  પરિણામ કંઇક ત્રીજું જ હોય."


    "તો હું સારી લાગી,એનું કારણ ,?"


    "તું માથામાં તેલ નાખી ચપટ વાળ  ઓળતી,તને બધા પાછળથી મણીબેન કહેતા.અને તું મિયાં ની મિદડી ની જેમ આવતી અને જતી,એટલે મને એમ કે,  આની સાથે લગ્ન કરું,નહીંતર બિચારી બીજે  જશે તો હેરાન થશે,એટલે મેં બાને હા પાડેલી,સમજી?".


     "ઓ બાપરે,ઠીક કર્યું પણ ટૂંકી વાર્તા?".


     "પહેલા ટૂંકો પ્રેમ કરી લેવાદે"..કહી પિયુષે ટેબલલેમ્પ હાથ લંબાવી બંધ કર્યો.


    "ઓ બાપરે.."

                   -------------------


     "સવારે ઓફિસે જવા પિયુષ તૈયાર થઈ નીચે આવ્યો.પાછળ પ્રિયા આવી.પપ્પા પેપર વાંચતા હતા.બા ચા પીતા હતા.પ્રિયાએ મોજા તેમજ રૂમાલ પિયુષ ને આપ્યા.પિયુષે  મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કહ્યું.બને એ આશીર્વાદ આપ્યા.બાએ કહ્યું,


"પિયુષ,હમણાં જે તું દશ મકાન સાથે બનાવે છે.એનું બધાનું બુકીંગ થઈ ગયું કે,બાકી છે ?".


     "એ તો થઈ જશે બા,અત્યારે સાત મકાનનું બુકીંગ થઈ ગયું છે,ત્રણ બાકી છે.કેમ?".

   બાએ હસીને કહ્યું, "ગઈકાલે સવિતાબેન મળ્યા હતા,એવોને પણ મકાન લેવું છે"


    "કોણ સવિતાબેન ?હા,ઓળખ્યા સવીતામાસી'ને ? આપણા જુના ફળીયા વાળા,એ જ'ને ?"


     "હા બેટા,પણ એ લોકોનું બજેટ થોડું ઓછું છે,મને કહે પિયુષને વાત કરી જોજો એટલે તને પૂછ્યું."


     "જો બા,જેને મકાન લેવું હોય એનું બજેટ હંમેશા ઓછું જ છે,એમજ કહે . અને આ લોકોને હું બરોબર ઓળખું છું.માસાનું પેન્શન સારું આવે છે.એના બને દીકરા પણ સારું કમાય છે,"

       બાએ હસીને કહ્યું,મોટો અલગ થઈ ગયો છે,અને નાનાને શેરડીનો સંચો છે.આમ ઘર તો રવીભાઈના પેન્શનથીજ ચાલે છે."


     પિયુષે મોઝા પહેરતા કહ્યું, "બા એતો મકાન લેવું હોય એટલે બધા રોદણાં રોતા હોય,આમ તો બને છોકરાં મોટરસાઇકલ લઈને ફુલફટાક થઈને ફરતા હોય છે.જાણે અમે જ છીએ,આપણે સામે મળે તો હાથ પણ ઉંચો ન કરે.અને મકાન લેવું હોય ત્યારે ગરીબડા બની જાય,"


      પીયૂષે રૂમાલ ખિસ્સામાં રાખ્યો,અને બા સામે જોઈ કહ્યું,


  "ચાલો બા હું નીકળું"..કહી તે દરવાજા તરફ ગયો,પાછો અટકીને બા સામે જોઇને કહ્યું,

  "હવે માસી મળે તો કહેજો કે, માસા મારી ઓફિસે મળી જાય,કંઇક કરું છું."


    અને તે બહાર નીકળી ગયો,પાછળ પ્રિયા પણ ગઈ,જે તેની ટેવ હતી.થોડીવારે કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો,અને બીજી  પળે પ્રિયા અંદર આવી,ટીપોઈ પરથી ચાના ખાલી કપ લઈને જતી હતી ત્યાં પપ્પાએ હસતે હસતે કહ્યું,


  " બેટા પ્રિયા,આ સવિતાબેન અને રવીભાઈનું કામ તો સમજોને થઈ ગયું,પણ  ટૂંકીવાર્તા સ્પર્ધામાં તારી વાર્તા મોકલવાનું પૂછ્યું ?".


  "હા,બાપુજી,એણે હા પાડી છે."


  "પહેલા તો ભડભડાટ કર્યો હશે,"બાએ હસીને કહ્યું...બાપુજીએ કહ્યું,


    "ભોડીયો રાજા છે,ભડભડાટ તો કરે."

અને પ્રિયા શરમાઈને રસોડા બાજુ દોડી ગઈ.


           -------સમાપ્ત------


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ