વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બેરિયાટ્રિક_સર્જરી મારા મતે


મારો અંગત અનુભવ માત્ર. કદાચ બીજું કોઈ આ ઓપરેશન કરાવવા માંગતું હોય તો એને બીજો અભિપ્રાય લેવાની સમજ પડે ને એના પૈસા બચે. આજના જમાનામાં અથવા તો કહી શકું કે કોઈ પણ જમાનામાં પૈસા કમાવા ખૂબ અઘરા છે એનો ઉપયોગ સાચા રસ્તે થાય એ એક માત્ર મારો આશય છે. શક્ય છે કે કોઈ સહમત ના હોય પણ આ વાંચવાથી કોઈ એક વ્યક્તિના પણ પૈસા બચશે તો મારી મહેનત લેખે લાગી એમ ગણીશ.


કોઈ પણ ડોક્ટર તમને એના સફળ ઓપરેશનના દર્દીઓ સાથે જ મેળવશે. ખરેખર તો ઓપરેશન કરાવવાનો વિચાર કરનાર વ્યક્તિએ નિષ્ફળ ઓપરેશનના દર્દીઓને મળવું જોઈએ. કોઈ પણ ડોકટરના ઓપરેશન ૧૦૦% સફળ નથી હોતા તો નિષ્ફળ ગયેલા ઓપરેશનના દર્દીઓને મળવાથી નિર્ણય લેવામાં સરળતા રહે છે એ મારું માનવું છે. 


તેમનું ઓપરેશન શા માટે નિષ્ફળ ગયું એના કારણો દર્દી અને ડોક્ટર બંને પાસે જાણો જેથી એમાંથી કોઈ કારણ તમને લાગુ પડતું હોય તો એને નિવરવા પહેલાં જ પગલાં લઈ શકો.


મારી બેરિયાટ્રિક સર્જરી : 


આજથી સાડા આઠ વર્ષો પહેલાં આના વિશે કશું જ જાણતી નહોતી. સંજોગો એવા ઊભા થયા કે એના વિશે વધુ જાણવાનો કે વિચારવાનો કે પૂછપરછ કરવાનો પણ સમય ન મળ્યો. મારાથી મોટા બે વ્યક્તિઓ, મારા પિતા અને મારી બહેને મારું હિત એમાં જાણ્યું અને ઓપરેશન... મારા માટે બહુ મોંઘુ ઓપરેશન થઈ ગયું.  


હું પોતે આ ઓપરેશન કરાવવાની સખત વિરોધી હતી. મેં નાના બાળકની જેમ ઘાંટા પાડીને હોસ્પિટલમાં વિરોધ પણ કર્યો હતો. પછી બંને વડીલોએ સમજાવ્યું ને જે બન્યું તે બની ગયું. એ વખતના મારા સંજોગો એવા હતા કે હું ઘરમાં બાથરૂમ સુધી પણ જઈ નહોતી શકતી અને દીકરી પરણીને સાસરે જઈ ચૂકી હતી. ઘરમાં બીજું કોઈ કામ કરી શકે એમ નહોતું. ત્યારે મારા પિતા અને મારી બહેને ડોક્ટરની વાતોમાં આવીને એમાં મારું માત્ર હિત જોઈને આ ખર્ચાળ ઓપરેશન કરાવ્યું.


ઓપરેશન કરાવતા પહેલાં ડોક્ટરે કહ્યું હતું કે ૮૫% સ્ટમક રિમુવ કરી દઈશું જેથી તમે ખાવા માંગશો તો પણ જરાક ખાતા જ તમારું પેટ ભરાઈ જશે અને તમે વધુ ખાઈ નહીં શકો એટલે તમારું શરીર ઉતરી જશે. પણ એમણે માત્ર ૬૦% જ હોજરી નાની કરી. મને મેડિકલ રિપોર્ટમાં સમજ નહીં પડે એટલે એમ જ ચાલ્યું.


જે કારણથી ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી એ હતું ઘૂંટણની ગાદીનો ઘસારો. ઓર્થોપેડિક ડોક્ટરે કહ્યું કે ગાદી બદલાવશો તો પણ વજનને લીધે એનું આયુષ્ય ઓછું જ રહેશે અને તમારી ઉંમર એટલી નથી કે મૃત્યુ નજીક હોય. આથી આ સર્જરી તમને રાહત આપશે. પણ એવું થયું નહીં. 


ઓપરેશન પછી પેટમાં નળીઓને કારણે હું ઊંઘી નહોતી શકતી. મને પડખે સુવાની ટેવ સીધા સુતા ઊંઘ ન આવે એટલે લગભગ દોઢ મહિનો હું ખુરશીમાં જ બેઠા બેઠા ઊંઘતી. 


ઓપરેશન પછી ચાલવાનું કહેલું પણ પગના દુઃખવાને કારણે એ પણ કરી શકી નહીં. દર બે કલાકે થોડું થોડું ખાવાનું કહેલું.. કોણ સાચવે એક સ્ત્રીનું? દીકરી તો પરણી ગયેલી... એટલે એ પણ ન સચવાયું. જે રિઝલ્ટ ત્રણ મહિનામાં મળવું જોઈએ એ ના મળ્યું ને નિરાશા વધતી ગઈ.. 


ડોક્ટરે એમ પણ કહ્યું હતું કે તમારું વજન વધે તો પણ પહેલાં જેટલું તો નહીં જ વધે.. પરંતુ આજે આઠ વર્ષ પછી હું જ્યાં હતી ત્યાં જ છું. ડૉક્ટરને કહ્યું તો કહે તમે ખાવામાં નહીં સાચવ્યું. કસરત નહીં કરી.. અરે જો આ બધું કરીને જ વજન ઉતારવું હતું તો પાંચ લાખનો ખર્ચો શા માટે કરવો? જિમ કે કોઈ સારા ડાયેટિશયનને રોક્યા હોય, એમાં ખર્ચો કર્યો હોય તો ના ચાલે? કદાચ ઓપરેશન કરતાં તો ઓછો જ ખર્ચો થાત.. 


થોડાં જ સમયમાં સમજ પડી ગઈ કે આ માત્ર અમીરોના ચોંચલા છે. ઓપરેશનનો ખર્ચો ડોક્ટર કદાચ ઓછો જ બતાવશે પરંતુ એ પહેલાં અને એ પછી ત્રણ મહિને, છ મહિને, એક વર્ષે અને એ પછી બે વર્ષે જે રિપોર્ટ કરાવવાના આવે છે એનો ખર્ચો વધી જાય છે. આ ઉપરાંત એ ખર્ચો મેડિકલેમમાંથી પણ નથી મળતો. 


એટલે જ મારો મત છે કે બેરિયાટ્રિક સર્જરી એટલે પૈસાનો માત્ર બગાડ... 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ