વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પીડાનો આવકારો


      *પીડાનો આવકારો*


      "મમ્મી, મમ્મી," તેર વર્ષની રોમાનો અવાજ સાંભળી નિતીને ફાળ પડી. બાથરૂમમાં પડી ગઈ કે શું? એ ઝડપથી બાથરૂમ તરફ દોડી.  

"મમ્મી, પ્લીઝ મારા વોર્ડરોબમાં કાળી થેલીમાં એક પેકેટ છે તે આપ ને."

      નિતી રોમાની વાત સાંભળી અચંબિત થઈ ગઈ. એણે કાળી થેલીમાંથી એકસ્ટ્રા લાર્જનું પેકેટ કાઢી રોમાને આપ્યું. આજની પેઢીને કંઈ જ શીખવવું પડતું નથી. એને પોતાનો સમય યાદ આવી ગયો. 

      આઠમા ધોરણની હજી શરૂઆત જ થઈ હતી. એક દિવસ એ સ્કુલથી ઘરે આવી બાથરૂમ ગઈ. તેવી જ ગભરાયને બૂમ પાડી ઊઠી, "મમ્મી". ત્યારે ક્યાં આટલા મોટા ફ્લેટ અને બાથરૂમ હતાં. ઘરનાં જ એક ખૂણામાં ચોકડી હતી. જે નાહવા, ધોવા, વાસણ માંજવા, બધાં જ કામમાં આવતી. નિતીનો અવાજ સાંભળી એની મમ્મી, મીનાબેન તરત ચોકડી પાસે આવી બોલ્યા, " શું છે નિતી?" "મમ્મી, જોને મને કંઈ થઈ ગયું છે. મારા અંદરના કપડાં લોહીવાળા થઈ ગયા છે." 

      મીનાબેને એને જૂના કોટન સાડલામાંથી એક કપડાંની ઘડી આપી અને એને કેમ વાપરવું તે સમજાવી દીધું. ચોખ્ખી થઈને નિતી બહાર આવી એટલે , ક્યાં અડવું અને ક્યાં ન અડવું. ક્યાં જવું ક્યાં ન જવું તેની સલાહ સૂચન આપી પણ, "મમ્મી, આ શું હોય?" તેવા નિતીના સવાલનો કોઈ જવાબ તેમની પાસે ન હતો. દર મહિને નિતી નિયમિત છેટી બેઠી કે નહિ તેની મીનાબેન બરાબર કાળજી રાખતા, પણ નિતી દર મહિનાની આ પળોજણથી કંટાળતી. તેમાં પણ એ ડાઘાવાળા કપડાં કોઈની નજરે ન ચડે તેમ ધોઈને સૂકવવાની એને બહુ શરમ આવતી. 

      એક દિવસ એણે કંટાળાના સૂરમાં મમ્મીને ફરિયાદ કરી, "મમ્મી, આ શું? દર મહિને ? મને કંટાળો આવે છે." ત્યારે મીનાબેને એને સમજાવટના સૂરમાં કહ્યું, "બેટા, તું તો નસીબદાર છે કે તારે દર મહિને નિયમિત આ મહેમાનને *આવકારો* આપવા મળે છે. બાકી ઘણી છોકરીઓ તો બિચારી કમનસીબ હોય તે તો અઢાર, વીસ વર્ષની થાય તો પણ છેટી બેસતી ન થાય. તેના માબાપ તો કેટલી ચિંતા કરે. કંઈ કેટલીયે દવા કરાવવી પડે. ત્યારે માંડ આ મહેમાન પધારે અને તને ખબર છે દક્ષિણ ભારતના રાજ્યોમાં તો દીકરી છેટી બેસતી થાય તેનો કેટલો મોટો ઉત્સવ કરવામાં આવે. સગાં સબંધીઓને બોલાવે, જમણવાર કરી જાહેરાત કરે કે અમારી દીકરી છેટી બેસતી થઈ ગઈ છે. હવે એ પૂર્ણ સ્ત્રી બની છે."

      "મમ્મી, આવો *પીડાનો આવકારો*? જેમાં દર મહિને ચાર પાંચ દિવસ તું મને કશે જવા નથી દેતી. આ ન ખા પેલું ન ખા, આમ કર, તેમ ન કર, કરે છે તે શું વળી, અને આવા કેવા મહેમાન જે દર મહિને ટપકી પડે અને ત્રાસ આપે?" 

      "જો બેટા, એ તારા સારા માટે છે. કશે જવા નથી દેતી કારણ તને હાડમારી ન પહોંચે અને આરામ મળે. ખાવા કરવામાં સૂચન કરું છું તે તારા સારા આરોગ્ય માટે. હવે તું થોડા વર્ષોમાં લગ્ન કરી સાસરે જઈશ તો તું માતૃત્વ પણ પ્રાપ્ત કરી શકીશ." 

      "ના હોં મમ્મી, મારે કંઈ હમણાં લગ્ન નથી કરવા. મારે તો ખૂબ ભણવું છે. નોકરી કરવી છે."

      " હા, હા, તે કરજે ને. કોણે ના પાડી છે?" મમ્મીએ ત્યારે તો હા એ હા કરી પણ ભણીને પરવારી કે વીસ વર્ષની થતાં રાહુલ સાથે લગ્ન કરાવી દીધાં. એકવીસમા વર્ષે તો એ આ રોમાની અને પચીસમા વર્ષે શિતાંશુની મમ્મી બની ગઈ. જ્યારે એની બે બહેનપણીઓ એવી હતી જેઓ છેટી બેસતી નહોતી. તેથી તેમના લગ્ન થતાં ન હતાં. એમાંની એકના વળી ગયા વર્ષે જ, પાંચ વર્ષના પુત્રવાળા એક બીજવર સાથે લગ્ન થયાં હતાં. ત્યારે એને મમ્મીની મહેમાનને દર મહિને આવકારો આપવાની વાત સમજાય હતી. 

      "મમ્મી, હું શેફાલીના ઘરે જાઉં છું." રોમાના અવાજથી નિતી વર્તમાનમાં પાછી ફરી. એણે રોમાને પૂછ્યું, "બેટા, બેસ મારે તારી સાથે આજની આ ઘટના વિશે વાત કરવી છે."

      "મમ્મી, શું વાત કરવી છે? મને બધી ખબર છે. અમને સ્કુલમાં એના વિશે પૂરતી માહિતી આપી છે. બીજી બધી વિગત મેં ગુગલ પરથી સર્ચ કરીને મેળવી લીધી હતી. એટલે તો મેં એકસ્ટ્રા લાર્જ લાવી રાખ્યા હતાં. મમ્મી, નાઉ આઈ બીકમ કમ્પ્લીટ લેડી." 

      રોમાની વાત સાંભળી નિતી આજની પેઢીની હોંશિયારીને મનોમન વંદી રહી. આજની પેઢીને મહેમાન અને તેને આપવામાં આવતા આવકારા વિશે કંઈ શીખવવું પડે એવું નથી.

➖➖➖➖➖➖➖

શોભા કિશોરભાઈ મિસ્ત્રી. *અક્ષય*


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ