વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એકલો રબારી: રણછોડ પગી

સરહદનો રણબંકો રણછોડ પગી-એકલો રબારી

- રઘુ શિવાભાઈ રબારી "રાઘવ વઢિયારી"

(૧૯૬૫/૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં ભારતીય આર્મીનો પથદર્શક અને સહાયક-દારુગોળો પુરો પાડનારની ગાથા.

એમની રૂબરુ મુલાકાત લઈ લખેલું છે.)


સરહદે  જે  વીરનું  નામ ગુંજે છે,

દુશ્મનો  જેના  નામથી   ધ્રુજે  છે,

એકલો પડતો લાખો ઉપર  ભારી,

વીર હતો એ મારો એકલો રબારી.


     ગુજરાત નહિ પણ સમગ્ર ભારતમાં જેની નામના છે.એ રણછોડ રબારી.રણછોડ પગી કોઈ રોમાંચક નવલકથાના જીવંત પાત્ર જેવા હતા.૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન સૈન્યના છક્કા છોડાવી રણછોડ પગીએ ભારતના સૈન્યને જબરજસ્ત મદદ કરી હતી.કચ્છના રણના અને રણની પાર પાકિસ્તાની સિંધપ્રાંતના કણેકણનાં વિસ્તારોના રણછોડ પગી જીવતા જગતા એન્સાયકલોપેડીયા હતા.

   વાત કરવી છે, એ એકલો રબારી પડ્યો પાકિસ્તાન સૈન્ય ઉપર ભારી રણછોડ રબારી.કોણ છે આ રણછોડ પગી ? તો આ છે મારો એકલો રબારી..

દુરદુર નજર નાખો તો કયાંય માણસ તો શું પશું-પંખીએ ફરકતુ ન દેખાય આવું રણ.આ રણના પુર્વ અને ઉતર ખૂણે વાસરડા ગામ.ગામ નાનુ પણ લોકોની હલનચલન ખરી.

   એક બાજુ રણને બીજી બાજુ આવળ-બાવળને બોરડી જ જેના મુખ્ય વૃક્ષો છે.એવો બોડો વિસ્તારને ઉપરથી ચોમાસું માઠું.આ વાસરડામાં રણછોડ રબારી રહે.રણછોડ ગામની આગેવાની કરે.મોટાભાઈ ચેહર ગાયો ચરાવે.નાનાભાઈ રાણો ઘેટાં-બકરાં ચારે.કુટુંબની જવાબદારી સવાભાઈ નાગોહનું મૃત્યુ થતાં નાથીબા ખટાણીના શિરે આવી પડેલી હતી.નાથીબાને પાડણના મુળેશ્વર મહાદેવ પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા.માતા નાથીબાનો વારસો વચ્ચેટ દીકરા રણછોડમાં ઉતરી આવ્યો.રણછોડ પણ માતાની જેમ બે ટાઈમ મુળેશ્વર માદેવની માળા કર્યા વગર અન્નો કોળિયો પણ મોંમા ન મુકે.વાસરડાથી પાડણ રણની વાટે માતાની સાથે મહાદેવના દર્શન કરવા જતાં રણમાં પડેલાં પગલાં જોવાની આદત રણછોડને બાળપણથી પડી હતી.આદત શોખ બની.રણછોડ રણછોડ રબારીમાંથી રણછોડ પગી બન્યો.

     આઝાદી પહેલાના હિન્દુસ્તાનમાં ભારત-પાકિસ્તાનના કોઈ સિમાડા ન હતા.પ્રાંતોની હદ ખરી રણની પશ્ચિમનો ભાગ થર પારકર કહેવાતો.

    હિમાલયની હિમ શિલાઓમાંથી વહેતાં સિન્ધુનાં નિર્મળ નીર પંજાબ થઈ પાકિસ્તાનમાં આવતાં થર પારકર ને એનાં નીર પાવી ને સિન્ધ એવો હરિયાળો નદીનો મેદાનપટ રચેલો હતો.સિન્ધ નામ લેતા જ જાણે માલધારીઓના હૈયામાં ટાઢક વળે આવો હરિયાળો મલક. માલધારીને તો એના માલને ઘાસચારો મળે પછી બીજુ જોઈએ શું ?

   માદરે વતનમાં માઠું વર્ષ જોઈ રણછોડે કહ્યું ; " મા આપડે વર્તવા સંધમાં જાશાં "

સવાપાંચ હાથ ઊંચી અને પડછંટ કાયાવાળાં નાથીબા હાથમાં લાકડી લઈ વાડામાં આવેલાં પહુડાંને પુરતાં બોલ્યાં ; "દીચરા હવે જયા વના સુટકો નથી,મને આ  ઝેણાં ઝેણાં પહુડાં જોઈ દયા આવે."

રણછોડે બન્ને ભાઈ ચેહર અને રાણાને બોલાવ્યા ; "હાંભળો, હવારે હુરજ ઉગે ઈ પેલાં ટાઢે પોર આપડે સંધમાં ઢોરાં લઈ જાવાનું શે. તમે બેય હવેળા હદિયામાં  ઉઠીને માલ લઈ નેહળી જાજો મું હોંડલી(સોંડલી) લઈ આઈશ."

    ભાઈની આજ્ઞાને શિરોમાન્ય માની બન્ને ભાઈઓ સવારે વહેલા પરોઢિયે માલઢોર લઈને પારકરની વાટે નિકળી ગયા.

   રણછોડને નાથીબા સાંઢ-ઊંટ ઉપર ઘરવખરીનો સામાન ગોઠવવા ઊંટના નાકની મોરી હાથમાં લઈ બે ઊંટને આંગણામાં ઝેકાર્યા-બેસાડ્યા.એક ઊંટને સજજન તૈયાર કરતાં હતાં બીજા ઊંટને નાથીબા.ઊંટની પીઠ ઉપર કાઠો નાખ્યો.દીકરી વનીને કહ્યુ ; " લાવ આ તંગ મારા હાથમાં આપ તો"

" શું આ દોઈડું "

" અરે ગાંડી તું તો રબારીની દીકરી શે કે.........એને તંગ કહેવાય.આ સાંઢીયાના સાતીના ભાગે નીચેથી બાંધીએ તો ઉપરનો કાઠો હલે નહિં.પસ એક પોંસડે લગાવવું તો એ આગળ ખહે નહિં."

" મા,મને ચ્યાં ખબર પડે."

" બટા, હાહરે જાય તો હઉથી પેલો હાંઢિયો સણઘાર જે નકે અમારુ નામ ગવરાવીશ." આવુ સમજાવતાં નાથીબાએ મીઠો ઠપકો આપ્યો.

    સજ્જન બાજુના કોરેટી ગામના ઢગલ પરિવારની દીકરી હતાં.રણછોડ સાથે આ વર્ષે જ લગ્ન કર્યા હતાં. સજ્જને પણ રણછોડની મદદ લઈ ઊંટ તૈયાર કર્યો.કાઠા ઉપર ઢોયણીઓ ગોઠવી.ઢોલડીની બન્ને ઈસો ઉપર સાદરથી ખોયા બનાવ્યા એમાં ગાડરાં-લવારાં મુકયાં.ઢોલીયાના પાયાઓમાં માલઢોર દોહ્વા માટેનાં બોધરણાં ઊંધાં ગોઠવ્યાં.બીજુ હિરની ભરેલી થેલીઓ ને થેલીઓમાં ગવાળો ભરવા માટે ભરતકામ કરવા જોઈતી સોય અને હિરની દોરીની પૂળીઓ.

  એક સુંડલામાં ઘરવખરીની વસ્તુઓ લઈ સજ્જન માથે ઉપાડી નીકળ્યાં.એક ઊંટની મોરી રણછોડે હાથમાં અને ખભે કડીયાળી લાકડી લીધી.બીજા ઊંટની મોરી નાથીબા હાથમાં હતી. ડચકારો કરી ઊંટ ઊભા કર્યા.સિન્ધની વાટ પકડી.પારકરના રસ્તામાં આવતા પાડણ ગામના મુળેશ્વર મહાદેવે રણછોડે બાળપણથી જ ભક્તિના પાઠ ભણેલા. મહાદેવની બાધા લીધી ; "હે ભોળાનાથ, મારા કુટુંબની રક્ષા કરજે હું મારા ઘેરામાંથી કોઈ દી ઘેટો-બકરો કસાઈને નહિં આપું,અને ગાયના વાછડાને સોખો-ખસ્સી નહિં કરાવુ."  મહાદેવનાં દર્શન કરી સોળ ગાઉનું દુશ્કર રણ વિંધીને બીજી જમીન કાપી સાંજે ઊંટ થર પારકર પહોંચી ગયા.

   થર પારકરના ગઢડો પીઠાપર ગામમાં વાંકજી રાજપુત  રણછોડના મિત્ર હતા. મિત્રની મદદ લીધી.જાગીરદાર દાનજી અને કેહરજી સોઢા દરબારે રહેણાક માટે જમીન આપી હતી.સોઢા દરબાર પછી ભારત આવી ગયા.

      રણછોડ પણ પોતાની રહેણી કરણી ઠાઠથી જાગીરદાર જેવો લાગતો.શારીરીક બાંધો જોઈએ તો છ હાથ ઊંચો અને મજબૂત બાંધો.મુખપર મૂછોના થોભીયાં ફરકતાં,માથે લાલ રંગની પાઘડી,આંખો તો એટલી તેજને તિક્ષ્ણ કે ભલભલા ચોર સામેથી ચોરી કબુલી લે.ઘરનું કોઈ કામ કરવું નહિ.ગઢ પીઠાપરમાં આગેવાની કરે. ૧૯૪૭ માં ભારત-પાકિસ્તાન બે સ્વતંત્ર દેશ બન્યા પછી ત્યાંના હિન્દુઓ ઉપર બહુ જ જુલમ કરવામાં આવતા.હિન્દુઓની બહેન-દીકરીઓના અપહરણ કરવા એમના શિયળ લુંટવા અને જો તાબે ન થાય તો થાનોલા કાપી નાખવા આટલાં અસહ્ય જુલમો થતાં. રણછોડ પગી અપહરણ કર્તાઓનાં પગેરુ લઈ કેટલીય બહેન-દીકરીઓનાં શિયળ બચાવેલાં અને સુમરાઓ સાથે ઝપાઝપી પણ થયેલ.આ બધા જ જુલમો પાક સૈન્યના ઓફિસરોના ઈશારે અને એમને ખુશ કરવા માટે થતાં. રણછોડ રબારી નામનો કોઈ પગી છે.બધાં જ લોકોના પગેરાં કાઢી પકડે છે.આવા સમાચાર પાકિસ્તાન રેન્જર્સના ઓફિસર સુધી પહોંચ્યા.

      ઓફિસરે રેન્જર્સને રણછોડ પગીના ત્યાં બકરો લેવા માટે મુક્યા.માલમાં રહેલા રાણાએ એક બકરો આપી દીધો. રણછોડના ઘેટાંબકરાંના ટોળામાં ૪૦૦ ઘેટા-બકરાને ૨૩૦ જેટલા ખોદીયા(આખલા) હતા.પોતાનો માનીતો બકરો ટોળામાં ન જોયો રણછોડે રાણાને પુછ્યુ.ભાઈએ દરોજની વાત કરી.પાકિસ્તાની રેન્જર્સ આવીને લઈ જાય છે.

   એક દિવસ સૈન્યના રેન્જર્સ વાછડો લેવા આવે છે.ગાયોમાં રહેલ ચેહર ના પાડે છે.આ તો રણછોડનો છે.હું ના આપી શકુ તમે ઘેર આવી લઈ જજો. ચેહર અને રાણો ઘરે આવી વાત કરે છે.વની,સજ્જન,અને નાથીબા વાત સાંભળે છે.

" બેટા રણછોડ વાછડો તો એમને ન અપાય આપણે પાડણના મુળેશ્વર મહાદેવની આખડી શે.હાથમાં રહેલી મા હિંગળાજની  માળા હેઠી મુકી રણછોડે કહ્યુ એક ઉપાય છે."આપડે રાતોરાત ભારતમાં ગુપ્ત રસ્તેથી જતા રહેવું.

  ભોમલા નામના એક વ્યક્તિએ બકરાની લાલચમાં પાક સૈન્યના અધિકારીને બાતમી આપી દીધી.રણછોડને અેના ભાઈઓ માલઢોર લઈ હિન્દુસ્તાન ભાગી જવાના છે.

ઓફિસરે હુકમ કર્યો ; "જાઓ.. સાલે..કો..કાટ..દો...ઔર..ઉનકી..ઔરતેકો..ઉઠા..લાઓ..ઔર..બેચ..દો..હમેં બકરા..દેના..નહિં..ચાહતા.."  પાકિસ્તાની રેન્જર્સની એક ટુકડી આવી પહોંચી.

     આવતા રેન્જરોને આવકાર્યા ; " આવો આવો..સાબ..

" હમેં બેઠના નહિં રનછોડ કહાં હૈં..ઉસકા..શિર..લેના..હૈં..ઔર..કુતેકો..ખિલાના..હૈં."

ખુદ રણછોડે કહ્યુ ; " અરે સાબ..બેહો..હમણાં જ બોલાવું...પણ..આજ અમારે ઉજાણી છે..તમે બેહો..રોટલા.. ખાઓ..બધુય કરાં..અલ્યા..પાણી..આલો.." આમ આવેલ ટુકડીને શાંત પાડી તરત જમવાની તૈયારી કરાવો.ઘરમાં રહેલ સજ્જન બોલ્યાં " રોયા ડફેર માથું લેવા આયા ને મુ રાંધુ.અને આધણ મુકવાં શેનાં ફાવે."

દેરાણી-જેઠાણી અને બેન વની ચારે ઘરની સ્ત્રીઓ ઘરમાં ભરાઈને બેઠી હતી.બહાર ખુલ્લામાં પાકિસ્તાનમાં હિન્દુ સ્ત્રી કયાં આમે ફરી શકતી. રણછોડે  આવી મર્મભરી વાણીમાં કહ્યુ " વાટલાં લાવો વાટલાં આમને જમવાનું પીરસીએ.."

વાતમાં આવી ગયેલા રેન્જરો અભિમાનમાં કાંઇ વિચાર્યા વગર હાથમાં રહેલી થ્રી નોટ થ્રી રાયફલો બાજુમાં મુકી. રણછોડે ઈશારો કર્યો નાથીબાએ નજીક આવી રાયફલોનો બથડો ભરી અનાજ ભરવાના બનાવેલા માટીના કોઠારમાં ફેંકી દીધી.વનીએ દોડી ઘરની ખડકી બંધ કરી.ત્રણે ભાઈ અને ઘરનાં એ ભેગા થઈ રેન્જરોને માર્યા એમાંથી એક છટકી ભાગ્યો એને રણછોડે છુટી લાકડી મારી લાકડી મેટચીમાં આવતાં આંગણે જ અલ્લાને પ્યારો થઈ ગયો.ઝકઝકમાં બાકીના પાંચ રેન્જર્સને પકડયા..રણછોડે કહ્યું ; " વની,દાતરડું લાવ દાતરડું આ ગધ્ધાઓને હલાલી નાખુ."

પણ હિન્દુસ્તાનની શક્તિએ હમેશાં ખદડાઓને માફ જ કર્યા છે.માતા નાથીબાએ વચ્ચે પડી ના પાડી "ના મારા દીચરા એમનાં મોં કાળાં, તું જો એવું કરે તો ગાયોના હમ." પાંચેયને 'રણગોવાળીયો' બનાવ્યા.એટલે કે બન્ને હાથ બાંધી પગના ઢીંચણ અને હાથની કોણીઓ  વચ્ચે બે ફુટ જેવડી લાકડી ભરાવી દઈ રડતા કરી મુકયા આંગણામાં અલગ અલગ.

ઘરના બધાંને રણછોડે કહ્યું ; "તમે  હવે રાતો રાત સુંડલી લઈ દેશમાં જતાં રહો. સવારે હું બધુ પતાવીને આવું " રણછોડની વાત માનીય રણછોડ પગીનાં ભાભી, સજ્જન,રાણાની પત્ની,વની અને બન્ને ભાઈ માલઢોર લઈ નિકળી ગયા.પણ નાથીબા હિંગળાજ અને મહાદેવના સોગંદ લઈ બોલ્યાં ; " હું મારા દીચરા તને  દશ્મનો વચ્ચે એકલો મેલી નઈ જઉ જઉ તો મને આ હિંગળાજ અને મુળેશ્વરના હમ."

  રણછોડે ઘણી વિનવણી કરી પણ નાથીબા માન્યા નહિં.એટલે છેલ્લે ઘરના બધા સભ્યોને ચાલતા કર્યા એક ઊંટ રાખ્યુ.થોડું અંધારુ થતાં પીઠાપરની ગાંધી(ધોરાની કોર)માંથી કુંડાળિયા નાકે રાત્રે નિકળ્યા.સાથે પાંચ થ્રી નોટ થ્રી રાયફલ,૧૦૦ ગોળીઓ-કારતૂસ લઈને અને પોતાની ૩૦૦ એકર જમીન છોડીને પત્નીઓ સાથે ભારત તરફ ભાગવા માંડયા. રસ્તામાં પોલીસ આડી આવી તો એના ઊંટ સહિત ઢાળી દીધા. રણને પાર કરી ભારતના રાઘા નેસડા ગામ આવી ગયા. સવારે માવસરી આઉટ પોસ્ટના(ઓ.પી) જમાદાર વાસુદેવને જાણ કરી.પાકિસ્તાનના મુસ્લીમોના ત્રાસથી ભાગી આવ્યા છે.પાકના રેન્જર્સની પાંચ થ્રી નોટ થ્રી રાયફલ અને ૧૦૦ જેટલી ગોળીઓ પણ લાવ્યા છીએ.અને આખી કહાની જણાવી.રાયફલો અને ગોળીઓ જમા કરાવી દીધી.પરિસ્થિતિ વિપરીત હતી.પાકમાં રણછોડના માથે ઈનામ જાહેર કરેલ કોઈ પગીને જીવતો કે એનુ માથુ લાવે એને ૫૦,૦૦૦નું ઈનામ જાહેર કર્યુ. કેમ કે રસ્તામાં એક રેન્જર્સ માર્યોને ચાર બીજા ઘરે મરી ગયા પાંચ રેન્જર્સના ખુનનો ગુનો થયો. જમાદાર કહે કેસ ચાલશે.

  હવે, રાઘાનેસડા રહેવાય તેમ ન હતું.લિંબાળા ગામ મામા વિરમભાઈને જાણ થઈ એમના ગામના દરબાર પરબતસિંહ ચૌહાણને વાત કરી.દરબારે રહેણાક માટે રહેઠાણ આપ્યું અને પગી મોસાળ લિંબાળામાં રહેવા લાગ્યા. દરબારની મદદથી નાથીબાનું નામ  કેસમાંથી કઢાવ્યું.ભારતે પાક પાસે રણછોડ પગીના બદલામાં બીજા ગુનેગારની માગણી કરી પણ એ માન્ય ન થતાં ભારતે પગીની સોંપણી પાકને ન કરી.

  રણછોડ પગી લિંબાળા ગામ અને સિમના ચોકિયાત તરીકેની નોકરી કરવા લાગ્યા હતા.

રણછોડ લીંબાળા આવી પોતાના ઘેટા-બકરા અને આખલા હતા એ થરાદ પાંજરાપોળમાં મુક્યા.ગાયો મોટાભાઈઅને ઘેટાં-બકરાં નાનાભાઈને આપી રણછોડ પગી શરૂઆતમાં લીંબાળા ગામમાં ૭ રૂપિયાથી ૧૮ રૂપિયાની ચોકીએ નોકરી કરવા લાગ્યા.આવડતને કારણે ૫૦ રૂપિયાના પગારે નોકરી કરી.

   માતા નાથીબા અને રણછોડ પગીના માથે પાકિસ્તાનમાં કેસ થયેલો.પગીનો કેસ દિલ્હીની કોર્ટમાં ચાલતો હતો.માસીના દીકરા ખેંમાભાઈ મોઈડાવ અને લીંબાળા ગામના રાજપુતને સાથે લઈ કેસમાંથી નાથીબાનું નામ રદ કરાવ્યું.

     રણછોડ પગીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા.છ માસ કસ્ટડીમાં લેવામાં આવ્યા.પાકિસ્તાન સરકાર રણછોડ પગીને કોર્ટ ફાંસી આપે આવુ દબાણ કરતી હતી. છ માસ થયા વતનમાં કોઈ સમાચાર ન મળતાં પરિવારે મૃત્યુ પામ્યા હશે એવુ માની લીધું.

       સજા સંભળાવવામાં આવવાની હતી એ દિવસની આગલી રાત કેવી વસમી હશે ?

જયારે માણસને કોઈ ઉપાય રહેતો નથી ત્યારે એ આખરે હજાર હાથવાળાના શરણે જાય છે, અને એને આવવું પડતુ હોય છે.રણછોડ પગીએ આખી રાત મુળેશ્વર મહાદેવ અને વડવાળાના નામનું સ્મરણ કર્યું. ઘોળ કળિયુગમાં માનવામાં ન આવે એવો ચમત્કાર થયો.

   વહેલા પરોઢિયે જેલની અંધારી કોટડીમાં એક ભગવા ભેખધારી બાવાજીનાં દર્શન થયાં.

"રણછોડ શું વિચારે છે." આવો અવાજ સંભળાયો.

"કાંઈ નઈ બાપજી" કાલે સવારે સુનવણી છે."

"તેં વકીલ રોક્યો છે."

"બાપા,મારો વકીલ,જજ,સરકાર જે કો તે તમે છો."

કોટડી સામેથી બાપજી ચાલ્યા ગયા.

      બીજા દિવસની સવાર થઈ પગીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.જજ સાહેબે રણછોડને પોતાનો પક્ષ રાખવા વકીલ માટે કહ્યું;

"પગી આપકા વકીલ હૈં, તો રજુઆત કર શકતે હૈ આપ"

રણછોડે જજને બાપજી સામે હાથ કરી કહ્યું ;

"સાબ..મારે કોઈ વકીલ નથી આ ઊભાએ બાપજી મારા વકીલ"

કોઈને બાવાજી દેખાતા નથી એટલે બધા હસે છે.

" એ પાગલ લગતા હૈં ઈધર સે લેજાઓ ઔર છોડ દો " આવો જજનો હુકમ થયો.

     સજા માફ કરી છોડી મુક્યા.ગામડાનો માણસ દિલ્હી જેવુ મોટુ શહેર અને ખિસ્સામાં રાતીપઈ પણ નહિ જવુ કયાં ? પૂછતાછ કરતાં રેલવેસ્ટેશન આવ્યો.દિલ્હીના રેલવે સ્ટેશનના અવળસવળ પ્લેટફોમમાં રણછોડને કાંઈ ગતાગમ પડી નહી.કયાંથી ટિકિટ લેવી,કઈ ટ્રેનમાં બેસવું,શું કરવું આવી વિસામણમાં મુકાણા.એ સમયે બાજુના પ્લેટફોમ પર એક મુસાફર ટ્રેન આવી.રણછોડ પાણીની પરબ પાસે ઊભા હતા. બાપજી ફરી ત્યાંથી નિકળ્યા રણછોડે બૂમ પાડી

"એ બાપજી ઊભા રો" કરી પાછળ પડયો.બાપજી ટ્રેનમાં ચડી બેસી ગયા.રણછોડ પગીએ બારીએ આવી કહ્યુ ; "બાપજી મારે પણ ઘરે આવવું છે."

"આવી જા અહિં અને આલે આ ટિકિટ. હું બીજી ટિકિટ લેતો આવુ છું" કહીને ને બાપજી નીચે ઊતર્યા.ટ્રેન ઉપડી ગઈ પણ બાપજી ન આવ્યા.બાપજી આગળના પ્લેટફોમ પર હાથ લાંબો કરીને આશીર્વાદ આપતા ઊભા હતા.

   રણછોડ પાલનપુર સ્ટેન્ડ ઉતર્યા. પાલનપુરથી ભીલડી થઈ ભાભર આવ્યા.ત્યાંથી પગપાળા ચાલી ચેમ્બુઆ જઈ એક સંબંધીના ઊંટ પર બેસી લીંબાળા આવ્યા.

        રણછોડે પગી તરીકે ઘણા એવા ચોર-લુંટારુઓને પકડ્યા હતા.લીંબાળાના મંદિરના પુજારી લેરગર બાપજીની પત્નીની નાકની વિંટી-નથણી લઈ રાત્રે ચોર લઈ ભાગ્યો.ચોરનો પગ ઢાંકવામાં આવ્યો.રણછોડે પગનું પગેરુ લીધુ.

      બીજા દિવસે પગે પગે ઘનાણા ગયા ત્યાંથી ડેંડાવા ગયા ને ડેંડાવાથી પગ ભાચલીના માર્ગે ચડ્યો.ભાચલીના ચરેડામાં(ગૌચર) એક ભીલ બાવળ કાપતો હતો તેના પગ ચોરને મળતા આવતાં.યુક્તિ કરી ચરેડામાં રખડતી ભેંસ હકાવવાના બહાને સાથે લઈ લીંબાળા લાવી ગામ લોકોને ચોર સોંપ્યો.ભીલે ચોરી કબુલ કરી.વાવ સોનીની દુકાનેથી નથણી પાછી અપાવી.આ પગી તરીકે લીંબાળાનો પહેલો કિસ્સો હતો.પછી તો પગી તરીકે પ્રખ્યાત થયા ને ઓળખાવા લાગ્ય કેટલાય ચોરને ચોરીઓ પકડી.

      મોરવાડા ગામના ખેડૂતના ઘેર મગની ચોરી થઈ.ખેડૂતે સૂઈગામ જમાદાર એસ.કે.બારિયાને ફરિયાદ કરી.ચાર પાલી( ચાર કિ.ગ્રા) મગમાં શું ફરિયાદ કરવી'તી. આમ, ફરિયાદ ન લીધી.ખેડૂતે પાલનપુર ડી.એસ.પી.માં ફરિયાદ કરી.ડી.એસ.પીનું દબાણ બારિયા પર આવ્યું.એ સમયે ભારત-પાકની બોર્ડર પર વાતાવરણ તંગ હતું.બારિયાને ડી.એસ.પી.એ જણાવ્યુ જો તમે દશ દિવસમાં પાકિસ્તાનમાંથી માણસ લાવી આપો તો કેસમાંથી જતા કરુ.દશ દિવસમાં માણસ લાવવો કેમ ?. પોલીસ સ્ટેશને કોઈએ વાત કરી આ કામ રણછોડ પગીનું છે.રણછોડ પગીને સૂઈગામ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. એસ.કે.બારિયા સૂઈગામ અને ડી.એસ.પી.વનરાજસિંહ ઝાલા પાલનપુર ભેગા મળીને પગીને પાકિસ્તાન મુકવાની વ્યવસ્થા કરી.પગી ડુંગળી, રોટલો એક થેલીમાં લઈ નીકળ્યા.સરગુડિયા બેટ સુધી સાથે ગયા.પગીને મુકી પાછા આવ્યા.પગીને પાકિસ્તાનમાં રાત્રે પોતાના મિત્ર વાંકજી રાજપુતે મદદ કરવાની તૈયારી બતાવી.પગી રાતોરાત પાછા આવ્યા.વાંકજી રાજપુત પાકિસ્તાનથી નિશાન તરીકે માચીસ,હોકો વગેરે લઈ સરગુડિયા બેટે આવ્યા.વાંકજી રાજપુતે લાઈટ કરી ડી.એસ.પી.વનરાજસિંહ ઝાલા, એસ.કે.બારિયા અને પગી સરગુડિયા બેટ ગયા. ડી.એસ.પી. વાંકજીને સાથે લઈ ગયા.ખાતાકિય ડી.પી.માફ કરી એસ.કે.બારિયાને પી.એસ.આઈની બઢતી આપી.રણછોડને પોલીસમાં પગીની નવી પોસ્ટની નિમણુંક કરી નોકરી આપી.વાંકજી અને રણછોડને અનુક્રમે એકાવન રૂપિયાનું ઈનામ આપ્યું.વનરાજસિંહ ઝાલા ડી.એસ.પી.ની મદદથી રણછોડને પોલીસ વિભાગમાં પગીની કાયમી નોકરી થઈ.

          સરકારશ્રી દ્રારા ગ્રામ પંચાયતોમાં ટી.વી.આપવામાં આવતી હતી એ ટી.વી.ઓની ચોરી બહુ થતી ઉચોસણ,કુંભારખા વગેરે ગામની ટી.વી.ઓની ચોરીના ભેદ ઉકેલી આપ્યા.

  રાજકોટ બેંકલૂંટના લૂટારુંઓનું પગેરુ લઈ એક મહિને ઝઝામ-ફાંગલી થઈ પાકિસ્તાનમાં જતા. દાણચોર અબિબખાનની ટુકડીને રણમાં નિકળ્યા હતા.તેમાંથી બે ઊંટને પકડ્યા લૂંટારુઓ ટ્રેકટર લઈ રણમાં ભાગી ગયા.

       રણછોડ પગી પાણીમાંથી, ડુંગરમાંથી,રેતમાંથી પગ કાઢવામાં નિપૂર્ણ હતા એટલે પગી ફેમસ થયા હતા.

         ૧૯૬૫ના યુદ્ધ વખતે કચ્છના રણમાં ૪૬૦ કિ.મી.નું દુષ્કર અંતર માત્ર રાતમાં કાપીને સવારે રણછોડ પગીએ ૧૦૦૦૦ ના ભારતીય લશ્કરને અને ૧૮૦ ટેન્કોને છાડબેટ પહોંચાડી દીધા હતા.જલોયાથી રણમાં લાઈટ વગર ગાડીઓ લઈ ગયા.સવારના ચાર વાગે લશ્કરમાં હાજર જનરલે ફોજને વહેલી લાવવા માટે રૂ.૩૦૦નું ઈનામ રણછોડ પગીને આપ્યું હતું.

         છાડબેટ પહોંચતાં કંપની કમાન્ડરે ૨૮ જવાનોને રણની વિઘાકોટ ચોકીએ પહોંચાડવાનો રણછોડને હુકમ કર્યો.રણછોડે કહ્યુ; "સાબજી વિઘાકોટ જાવુ વાંહમુ શે."

"લબાડી,તુમ કયા સમજતે હો જો હુકમ દીયા જાયે વહ પાલન કરો"

રણછોડ મનમાં મલકાણા.

કમાન્ડરને ખબર ન હતી કે વિઘાકોટ ચોકી તો પાકિસ્તાનના કબજામાં છે.વીસ કિ.મી.પગપાળા ચાલી વિઘાકોટ પહોંચતાં જ પાકે.૨૧ જવાનોને પકડી લીધા.છ જવાનો પાક.સૈન્યની આંખમાં ધૂળ નાખી ભાગી છૂટયા.પગી પણ ત્યાંથી ભાગ્યા.ભાગતા જવાનોને સંકેત આપ્યો તમે અવળી દિશામાં જાવ છો.છેવટે ભાગેલા જવાનો માથુ ફાડી નાખે તેવા તાપ અને લમણા બાળી નાખે તેવી લૂમાં ભુખ્યાને તરસ્યા તડકામાં થાકેલા રણમાં આગળ જતાં એક એક કરીને પાણી પાણી કરતા ઢળી પડ્યા.રણછોડે પણ તરસ લાગતાં દેશીબાવળનુ દાતણ મોંમા રાખી લીધુ.પડેલ જવાનોની મદદે આવ્યો.રણનુ ઘાસ લાંણાસરી અને દેશી બાવળને વાટી બધાંના મોંમા રસનાં ટીંપાં પાડયાં.એવામાં એક બાજુ બાવળના ઓથમાં ઉહકારા સંભળાયા.જોયુ તો તાજી વિવાયેલ સાંઢડીનું ટોડીયુ-બોતડુને સાંઢડી હતાં.ઊંટડીના બચ્ચાની જેમ મોંમા આંચળ રાખી પાંચશેર(અઢીકિલો) દુધ પી લીધુ.શક્તિ આવી પછી પેલા છ ને સહાય કરવા પહોંચ્યો.ત્રણ જવાન મરી ગયા હતા.બેના હાથ થોડા હલતા હતા.તેમને પાસે ઊંટડીના કરેડિયુ(બચ્ચા)ને પકડી લાવી સાંઢડીને નજીક લાવી દુધ પાયુ.પણ બધા પ્રયત્નો વ્યર્થ ગયા એક પણ સૈનિક ન બચ્યો.રણછોડ પાછો છાડબેટ તરફ નીકળ્યો.રસ્તામાં તીવ્ર દુર્ગંઘ આવતી હતી, જોયુ તો પાક.ના અને ભારતના ૧૮૦ જવાનો મરેલા પડ્યા હતા. છાડબેટ આવીને જનરલને રણછોડ મળ્યો અને કહ્યું કે અમને તો કંપની કમાન્ડરે.એક પ્લટ્ટન કમાન્ડર,બે એ.એસ.આઈ.,ચાર હવાલદાર અને ૨૦ સિપાઈ સાથે કંપની કમાન્ડરે વિઘાકોટ મોકલ્યા  હતા.ઉપર બનેલી ઘટના કહી.જનરલે કંપની કમાન્ડરને ઠપકો આપ્યો.રસ્તામાં જયાં જવાનો મૃત્યુ પામ્યા હતા ત્યાં રણછોડ પગી સાથે ફોજની એક ટુકડી રવાના કરવામાં આવી.તે બધાનાં સબની ઓળખ કરી પડેલાં હથિયાર વીણી છાડબેટ આવ્યા.બીજે દિવસે પગીએ પહેલાંથી જઈ પાક.સૈન્યની માહિતી મેળવી ઘેરાવો કરી યુદ્ધ કરવાની યોજના બનાવી.છાડબેટથી લડાઈ માટે પગી આગળ ચાલી રસ્તો બતાવતા ગયા ને ઘેરાવો કરી પાક સૈન્યને ઘેરી લીધુ. પાકના ૧૨૦૦ સૈનિકોનો સફાયો બોલાવ્યો.પોતાના ઘેર દિકરાનાં લગ્ન હોવા છતાં જનરલના હુકમથી પગી છ માસ છાડબેટમાં જ સૈન્ય ને મદદ કરવા રહ્યા.

            *         *        *

1971ના યુદ્ધની એ લડાઇ ચાલી રહી હતી. ત્યારે બોર્ડર પરના લશ્કરી અધિકારીઓએ સ્થાનિક પોલીસને રણછોડને ગમે ત્યાંથી હાજર કરવાનો કડક હુકમ કર્યો. છ ડિસેમ્બર ૧૯૭૧ની રાત્રે બોર્ડર પર પડેલા સુઇગામના જવાનો 900 મોટર અને ટેન્કર લઇને રણછોડ પગીના માર્ગદર્શનથી આવી પહોંચ્યા, એ વખતે સરદારસિંહ નામના કર્નલે રણછોડને એ કામ સોંપ્યું, લશ્કરના આઠ માણસોને લઇને કુંવાળા ગામ જવાનું કહ્યું. કારણ કે સરહદના તમામ ગામોની રજેરજની માહિતિ રણછોડ પાસે હતી. પગી ત્યાંથી પાછા જઇ કર્નલ સરદારસિંહને કહ્યું કે, અહીં સ્થિતિ સારી છે. એટલે ભારતીય લશ્કરે આગળ વધીને વડચોકી કબજે કરી પછી,ઝલેલી તળાવ,ભીમમેળા,ભીંતળી,ફુલપરા,રાણપર,નળિયાસર તળાવ સુધી પાકની અંદર વીસ કિ.મી.વિસ્તારમાં ભારતનુ સૈન્ય પહોંચી ગયુ. યુદ્ધમાં એક બાજુ દુશ્મનોના ગોળા બારુદ અને ગોળીઓની રમઝટ વચ્ચે રણછોડ  વિચલિત થયા વગર ઠંડે કલેજે રસ્તા બતાવતા અને આગળની પરિસ્થિતિનો તાગ મેળવી આવતા.રણછોડને ત્યાંથી પાકિસ્તાનના નગરપારકર ગામ જવાનું કહ્યું. વાહન તો હોય નહીં એટલે પાકિસ્તાનના કોળી ઠાકોર દોસ્તનું ઊંટ લઇ નગરપારકર પહોંચ્યો. ત્યાં જઇ પાકિસ્તાની લશ્કરી ચોકી શોધી નાંખી અને તેના ટેલિફોનના વાયર કાપી નાંખ્યાં.સિંધી ભાષામાં જ વાત કરે  જરૂર પડે નાટક કરે.નગરમાંથી પાક. સૈન્ય ભાગી ગયું હોવાના સમાચાર પછી નળાબેટ જઇને સૈનિકોને આપ્યા..૬૦૦ જેટલા  સૈનિકો ભરેલી ૧૮ ગાડીઓ ભરી મેજર રણમલસિંહ અને પ્લટૂન કમાન્ડો સાધુસિંહ સાથે નગર પારકર પર કબજો જમાવ્યો. સાથે સાથે મીઠાપુર અને ભાલવા ગામ જીતી લીધા.એક ટુકડી લઈ મેજર રણમલસિંહ અલગ ટેકરીઓ પાછળ છુપાયા.બીજી ટુકડી સાધુસિંહે રણછોડે બતાવેલ રસ્તે પાક.સૈન્યને ધરાશય કરી દોનાના ગામ કબજે કર્યુ. સાંજના સાત-આઠ વાગ્યા હશે.ભારતનુ સૈન્ય પહાડીનગર વીરાવાવમાં યુદ્ધ શરુ થયુ દુશ્મનો ચારે બાજુથી ઘેરાવ કરીને ઉપર હતા આપણુ સૈન્ય નીચે હતુ.સામે પક્ષે પાક.નુ સૈન્ય ઉપર હતુ.ગોળાબાજી ચાલી.આઠ વાગે ટોપોથી હુમલો ચાલુ કર્યા.એક સૈન્યની ટુકડીનો દારૂગોળો ખતમ થવા આવ્યો હતો. માત્ર પાંચ જ ગોળા બાકી હતાં. મોટી ઉપાધિ એ હતી કે, દારૂગોળો લાવવો કેવી રીતે? એ વખતે પ્લાટૂન કમાન્ડર સાધુસિંહ ગભરાયા, એમણે કહ્યું કે, દારૂગોળો કેવી રીતે લાવશો ? રણછોડે કહ્યું કે હું છું ને ? એક સ્થાનિક મિયાં નાં બે ઉંટ ઉઠાવ્યા.સાધુસિહે સૈન્યનો કોડ ગંગાજમનાનો આપ્યો. બીજી ટુકડી અને આ ટુકડી રણમલસિંહ પાસેથી જથ્થાબંધ કારતૂસ લઇ આવ્યો પણ એ પૂરતા ન હતાં. રણછોડ મદદ માટે ઊંટ સવારી કરી નળાબેટ જવા નીકળ્યો. કારણ કે પાકિસ્તાનનો જાણકાર હતો. ફરી નળાબેટ ગયો,. ફરીથી હથિયારો લઇને પાછો આવ્યો.એક ઊંટપર ૮૦ ગોળા આવે એમ એક રાતમાં ૯૪૦ ગોળા  સૈન્યને પુરા પાડ્યા.બે રાતને બે દિવસથી આપણા ૩૦૦ જવાનો ભુખ્યા તરસ્યા પાકના ૩૦૦૦થી વધુ જવાનો સામે લડી રહ્યા હતા.  રણછોડ ઊંટ પર બોમ્બગોળા લઈ આવતાો હતો એવામાં પાછળનુ જે બીજુ ઊંટ હતુ એનાથી વીસપચ્ચીસ ફૂટના અંતર બોમ્બ ફૂટ્યો અને કરચો મારા ઊંટના શરીરમાં ઘુસી ગઈ ઊંટ કરેડીને નીચે પડ્યું.રણછોડના ડાબા હાથમાં અને પીઠમાં પણ કરચો ઘુસી ગઇ પણ એને તો હથિયારો પહોંચાડવાના હતાં. શરીરમાંથી લોહી નીકળતું હતું અને પરસેવો પણ થઈ રહ્યો હતો. પરસેવો ઘામાં અડતા ચીસ પડાઇ જાય તેવી બળતરા થતી હતી. પરંતુ પરાણે ઊભો થયો. ઊંટને ખેંચતા ખેંચતા ત્યાં પહોંચ્યો, ત્યારે પ્લાટૂન કમાન્ડર સાધુસિંહ મને જોઇને હેબતાઇ ગયો કે હવે બીજો સામાન ક્યારે આવશે. કારણ કે, લશ્કરની યોજના હતી કે સવારે જામનગરથી ઉપડનારા વિમાન આ વિસ્તારમાં હુંમલો કરે. અમારા પર બોમ્બ ન ફેંકાય એટલે રંગીન ધૂમાડૌ છોડે એવા બોમ્બ લાવવાના હતાં. સાધુસિંહે જોયું કે હવે આ માણસ ઊભો રહી શકે એમ નથી તો હવે સામાન કેવી રીતે આવશે ? રણછોડે અમલના ત્રણ ગાંગડા મોંમા નાખ્યા અને પાછો નીકળ્યો. બોમ્બ લઇને પાછો ફરતો હતો ત્યારે કસુંબાની અસર ઉતરી ગઇ હતી. અડધે રસ્તે પડી ગયો. પહેરણ લોહીથી ભીનું થઇ ગયું હતું. જમીન પર પડતા રેતી અને માટી શરીરમાં ખૂંપી. એટલી પીડા થઇ કે પગીને ડર લાગ્યો કે ક્યાંક હું બેભાન ન થઇ જાઉ.ઊંટની મોરી પગે બાંધી રણછોડે પાઘડી ખોલી જમીન પર પાથરી અને તેના પર સુઇ ગયો. ફરી ઊભો થયો ફરી પાઘડી સમેટી, ફરી આગળ વધ્યો, ચાલી શકાય એવી સ્થિતિ ન હતી,પાઘડીની મદદ લઈ ઊંટની સાથે પોતાના શરીરને ભરડોલઈ પડતો લથડતો રણછોડ નગરપારકર પહોંચ્યો. જામનગરથી ફાઈટર પ્લેનની મદદ આવી ગઈ હતી. દુશ્મનો સામે રંગીન ધુમાડોને પોતાના ઉપર સફેદ ધુવા કર્યો.સૈનિકોને લીલી દ્રાક્ષનાં પેકેજ નાસ્તા માટે ફેંકયાં.પ્લેન દુશ્મન પર બોમ્બ ફેંકી રહ્યા હતાં આંખો સામે અંધારૂ છવાઇ રહ્યું હતું. પાકિસ્તાનનું સૈન્ય દેખાતું ન હતું,. રણછોડ બેભાન થઇ ગયો.આંખ ખુલી ત્યારે હોસ્પિટલમાં હતો. પણ ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે, પાકિસ્તાનને ભારતીય લશ્કરે મહાત આપી છે. બધુ દુઃખ દર્દ જાણે દૂર થઇ ગયું.૧૯૭૧નુ યુદ્ધ પુરુ થયે ફિલ્ડ માર્શલ માણેકશાને એ જાણી આશ્ચર્ય હતુ કે ગુજરાત,રાજસ્થાન અને સિંઘ સેકટરોમાં ખેલાયેલા જંગમાં ૧૫મી બટાલિયનનાં આપણા ૪૫ જવાન શહિદ થયા,થર્ડ બટાલિયનના ૭૦ જવાન શહિદ થયા પરંતુ સેકન્ડ બટાલિયનને કોઈ નુકશાન ન હતું.ત્યારે મેજર સાધુસિંહે કહ્યુ;

" હમારી સાથ રણછોડ પગી થા. "

માણેકશાએ પગીને અભિનંદન આપ્યા.અને ડિનર માટે ઢાકા આવવા  હેલિકોપ્ટર મોકલ્યુ.રણછોડ પગીને સૂઈગામથી હેલિકોપ્ટરમાં લઈ નિકળ્યા થોડે આગળ ગયા ને રણછોડ પગી પોતાની થેલી યાદ આવી મારે મારી થેલી લેવી જોશે ને હેલિકોપ્ટર પાછુ નીચે ઉતારી થેલી લીધી.પાયલોટે થેલી જોઈ તો અંદર ડુંગરીને રોટલો હતા.પાયલોટને બધા હસ્યા ત્યારે રણછોડ પગીએ જણાવ્યું,

"અમે રણનાં છોરુ કયા સમયે અમારે નિકળી પડવાનુ હોય શું નક્કી અને આમ જમવા માટે સમય પણ ના રહે"

લશ્કરની સેવા કરવા બદલ સરકારે ત્રણ મેડલ આપ્યા.. અને જવાનોને જમીન આપી. પણ રણછોડને કશું મળ્યું ન હતું.

            રણછોડ પગીની પગ જોઈ પગેરુ શોધવાની આ અદભૂત કલાની ખ્યાતિ છેક અમેરિકા સુધી પહોંચી હતી.પગીની કાબેલિયતનું પારખુ કરવા અમેરિકન અધિકારી અમદાવાદ આવ્યા.રણછોડ પગીને અમદાવાદ બોલાવવામાં આવ્યા.અમદાવાદ કલેક્ટરની હાજરીમાં એક મોકપોલ ચોરીનુ કરવામાં આવ્યુ.બે સંત્રીને ઊભા રાખ્યા ને એક ચોર ચોરી કરી કેમ્પસની દિવાલ કુદી બહાર ગયો. પાછો કુદીને અંદર આવી સાઈઠ જેટલા બીજા પોલીસોની ટુકડીમાં ભળી ગયો.ટુકડીને પરેડ કરાવી જેથી બધાના પગલા પડે.રણછોડને બોલાવી ચોરીની જગ્યા બતાવી કહ્યુ, ચોર શોધવાનો છે.રણછોડ પગેરુ લઈ દિવાલ પાસે ગયા, વળી પગલાં દિવાલની બાજુએથી ટુકડીમાં આવતાં જોયાં ટુકડીમાં ઊભેલા દરેકના પગની ઊભા રહેવાની રીત જોઈ ચોરને પકડી પાડ્યો.અમેરિકન અધિકારી કહે જાદુ કર્યુ છે આપ બધા મળેલા છો.ફરી રણછોડને એક રૂમમાં પુરી ખુદ કલેકટરને ચોર બનાવી મોકડીલ કર્યુ રણછોડે થોડી જ વારમાં કલેકટરનુ બાવડુ પકડી આપણો ચોર આજ છે શોધી પાડયા.હાજર સૌ કોઈ ચોંકી ગયા.અમેરિકન અધિકારી તો દંગ રહી ગયા અને અમેરિકાની ફેડરલ પોલીસને પ્રશિક્ષણ આપવા રણછોડ પગીને લઈ જવાની માગણી કરી.પણ પગી અમેરિકા ન ગયા.

       પાકિસ્તાનમાં નગરપારકર-થર વિસ્તારમાં આજેય પગીનુ માથુ લાવનારને પચાસ હજાર રૂ.નું ઈનામ છે.છતાં પગી BSF અને રેન્જર્સ વચ્ચેની ફલેગ મિટીંગમાં અનેકવાર સરહદ પર ઓળખ છુપાવી 'જેઠો' નામ બદલી ગયેલા. નિવૃતવયમાં ઢોર ચારીને ગુજરાતન ચલાવેલું.

ક્યારેક ઊંટ અને માણસના પગલાં ઓળખવા માટે 500 રૂપિયા મળતા.પાકિસતાનમાં રહેતા રણછોડના મિત્રો ઘણી વખતે કહેતા કે પાકિસ્તાન માટે જાસૂસી કર, પૈસા મળશે, પણ રણછોડ હસ્તા મોંએ જવાબ આપતા આ પાકિસ્તાનવાળા મને આવો મેડલ થોડો આપવાના. રણછોડ પગીએ ધાર્યુ હોત તો પોતાની આવડતનો ઉપયોગ દાણચોરી કરવામાં કે પાકિસ્તાનમાં ગુપ્તચર કે એજન્ટ બનવામાં કરત."હું દેશને દગો કરુ તો દેહાઈ શેનો, અમે તો એ રત્નાના વંશ છીએ જેનો વિશ્વાસ ગવાય છે."

        ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે ૮૪ વર્ષની લાંબી જિંદગી જોઈ રણબંકો રણછોડ સુઈગામ સરહદનો ચોકિયાત હમેશના માટે આ દેશને સલામ કરી ચિર નિદ્રામાં પોઢી ગયો.

     ભારત સરકારે BSFની એકમાત્ર ગુજરાતી સીવિલિયરના નામે સુઈગામથી ૩૫ કિ.મી. બોર્ડરને 'રણછોડદાસ ચોકી' એવુ નામ આપી રણછોડ પગીના ઈતિહાસ સાથે સ્ટેચ્યુ મુકવામાં આવ્યુ છે.

      સો સો સલામ એ રબારી ભાઈને જે દેશ માટે રણમાં જીવી ગયો.

-રાઘવ વઢિયારી

રઘુ શિવાભાઈ રબારી કોલાપુર

( "વાતો ધરા વઢિયારની"માંથી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ