વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વલખતું સત્ય..!


બાળકોની બધી જ ઈચ્છા પૂરી કરી

પોતે સાદું સીધું શર્ટ પહેરી,

એક પિતા પોતાની ભીની ખુશીને

એમ જ બસ ક્ષણમાં

એપ્રિલ ફૂલ બનાવે છે..!


આખો દિવસ કામ કરી થાકેલી માતા

મધરાત્રે પણ બાળકની મનપસંદ વાનગી,

હસતે મોઢે બનાવી પોતાનાં અનાડી થાકને

એમ જ બસ ચૂટકીમાં

એપ્રિલ ફૂલ બનાવે છે..!


મેણાં ટોણાં સાંભળીને દુઃખમાં

જીવન વ્યતીત કરતી એક દિકરી,

પિયરનું સંભારણું આવતાં જ

પોતાનાં સૂકાં આંસુઓને

એમ જ બસ પળમાં

એપ્રિલ ફૂલ બનાવે છે..!


લાગણીઓનાં સાગરમાં વહી 

હિલોળા લેતી પ્રીતમાં..

જવાબદારીઓ વચ્ચે ખોવાઈ જતાં

પતિ પત્નીની બદમાશ ખામોશીને,

ઉદાસ થતું સૂનું અંતર

એમ જ બસ પલમાં

એપ્રિલ ફૂલ બનાવે છે..!


ICU માં વેન્ટીલેટરની ટીક ટીક સાથે

જીવનમાં પરત ફરવાની એક જીવની જીદને,

સામે હસી રહેલું બેતાબ મૃત્યુ 

એમ જ બસ પલકવારમાં

એપ્રિલ ફૂલ બનાવે છે..!


હું પણ આજે એપ્રિલ ફૂલ બની ગઈ

હા એમ જ,

રોજની જેમ જ

અનાયાસે નહીં કદાચ

જાણીને જ..

શમણામાં વિહરતી

સ્નેહનાં ઝૂલે ઝૂલતી

ફૂલોની સૈયા પર મહેંકતી

તરસતી આંખે ભીંજાતા હૃદયે

હા હું એપ્રિલ ફૂલ બની જ ગઈ..!



જયશ્રી બોરીચા વાજા

'લાવણ્યા'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ