વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પછી કોઈ દિવસ...

પછી કોઈ દિવસ..

મારા કપડાની સળમાં સચવાયેલો તારો સ્પર્શ મને ઘેરી વળશે,

બિલકુલ પેલા શિયાળાના હુંફાળા તડકાંની જેમ,

ત્યારે મારી અંદર થીજેલી હું,

પીગળીને રેલાઈ જઈશ.


પછી કોઈ દિવસ...

બારીમાંથી આવતી હવાથી,

કબાટ પર મુકેલી ડાયરીના પીળા પડી ગયેલા ફરફરતા પાનાઓમાંથી,

છેલ્લું પાનું ડોકિયું કરીને,એમાં લખાયેલ 'ફરી મળવાનું' વચન તે વાચ્યું કે નહી,

એવો સવાલ કરશે, ત્યારે તું શું કરીશ?


પછી કોઈ દિવસ...

ધોમ તાપના સન્નાટાને સાંભળતી હું બેઠી હોઈશ ત્યારે,

તારા ગામથી આવેલ વાદળું મારા કાનમાં કશુંક વરસાવી જશે,

તડ પડેલ ધરતી તરબતર થશે ભીતર સુધી, 

અને મારી અંદર ઉગશે એક કવિતા..


પછી કોઈ દિવસ...

તારા સિરહાને રાખેલ બે કોફી મગમાં,

તું ગરમ કોફી રેડીશ ત્યારે,

એમાના એક મગએ સંઘરેલી મારી આંગળાની છાપ વિચારતા,

અચાનક તને કશુંક ગરમ દાઝશે, તો તું શું કરીશ?


પછી કોઈ દિવસ...

તારા ફોટાની રેખાઓ મારી ધુંધળી પડી ગયેલ નઝરમાં અંજાશે,

ત્યારે ચાંદી લાગેલ વાળ ઓળતા તને પણ એવો અણસાર આવશે,

અને ધ્રુજતા પગોનો નનૈયો, બધિર થતાં કાનોમાં પડઘાશે ત્યારે આપણે શું કરીશું?


પલ્લવી કોટક ✍️












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ