વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુજરાતની ગૌરવગાથા


ભારતભૂમિની પશ્વિમ દિશાના એક રાજ્યની છે આ કથા,

આવો સૌ મળીને ગાઇએ, ગુજરાતની ગૌરવગાથા.


ગતિશીલ ગુજરાતની પ્રજા છે ખમીરવંતી,

ચાલો સૌ ગવૅથી કહીએ અમે ગૌરવવંતા ગુજરાતી.

નહીં અમે અમદાવાદી, કાઠિયાવાડી કે સુરતી,

પણ રંગરંગીલા ગુજરાતના અમે છેલછબીલા ગુજરાતી.


સૌરાષ્ટ઼- ભાવનગરની “મૂછાળી મા” ને પોરબંદરના રાષ્ટ઼પિતા,

લોખંડી વલ્લભ બન્યાં અખંડ ભારતનાં પ્રણેતા.

નમૅદ, દલપત, કલાપી, મેઘાણી, મુન્શી ને બક્ષીની સાહિત્યસભા,

ઈશામા ને વર્ષા અડાલજા ની તેજાબી કલમ ને અખા ભગતના છપ્પા.


નરસૈયાના શામળિયાની નગરી છે દ્વારિકા,

પ્રભાસપાટણે સોમનાથની લહેરાય પતાકા.

ગરવા ગિરનાર ને પાલિતાણાના ડુંગરે જાત્રાધામ,

અંબાજી અને બહુચરાજી છે માતાજીના પવિત્રધામ.



ચારણકન્યાની ત્રાડે ધ્રુજે ગીરની ધરા,

લોકડાયરાના દરબારે ગવાય એની શૌર્યગાથા.

સાબરમતી, તાપી ને મા નમૅદાને પ્રણામ,

વૌઠા ગામે થાય સાત નદીઓનો સંગમ.


સોળસો કિલોમીટર લાંબો દરિયાકિનારો છે એની શાન,

અલંગમાં શીપબ્રેકિંગયાર્ડ, સૌરાષ્ટ઼ અને કચ્છમાં ખનિજની ખાણ.

ભરૂચના કબીરવડ ને કેવડિયા ના “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ને સલામ,

વિક્રમ અને પદ્મા જેવા વૈજ્ઞાનિકો છે આ ગરવી ભૂમિના સંતાન.


આણંદનું “અમૂલ” આણે “સફેદ ક્રાંતિ”,

અંબાણી અને અદાણી છે ગુજરાતના ઉદ્યોગપતિ.

કાઠિયાવાડની પરોણાગત ને સુરતીઓની મીઠી ગાળ,

કુદરતી આફતના સમયે વહે દાનનું ગંગાજળ.


પ્લેગની મહામારી પછી સુરતની થઇ અનોખી સૂરત,

રણોત્સવ ને પતંગોત્સવ સાથે કચ્છીભાતનું ભરત.

દાળ-ભાતના ખાણા સાથે જીભ માંગે ખાનપાન સ્વાદિષ્ટ,

નવલાં નોરતાંની રાતે રચાય રાસ-ગરબાની રમઝટ.


અમદાવાદ ને ગાંધીનગર છે એના જોડિયા શહેર,

એક એની આર્થિક રાજધાની ને બીજું એનું પાટનગર.

પાટણના હેમચંદ્રાચાર્ય છે જૈનશાસનનો તારલો,

વડનગરના મોદીએ વગાડ્યો છે વિશ્વભરમાં ડંકો.


છેલછબીલા, રંગરંગીલા ગુજરાતની છે આ કથા,

ચાલો સૌ મળીને ગાઇએ  આ ગૌરવગાથા.


~ પ્રકૃતિ 'પ્રીત'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ