વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા...

  "પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં..."


  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

  જાણે ઝાકળનાં આયનામાં સ્મિત દીઠું રામ,

  પેલી શીતળ લહેરીમાં તમે યાદ આવ્યાં...


  ક્યાંક બાળક મલક્યુંને તમે યાદ આવ્યાં,

  જાણે વ્હાલનાં દરિયામાં વહાણ તર્યું રામ,

  પેલા સ્પર્શના સ્પંદનમાં તમે યાદ આવ્યાં...


  ક્યાંક દીપક પ્રગટયો ને તમે યાદ આવ્યાં,

  જાણે અંધારી રાતમાં ઉજાસ થયો રામ,

  પેલા તુલસી ને ક્યારે  તમે યાદ આવ્યાં...

 

  પેલી મેઘલી ઘટામાં તમે યાદ આવ્યાં,

  જાણે ચૈત્ર વૈશાખમાં આભ ઝરયુ રામ,

  ભીની માટીની સુવાસે તમે યાદ આવ્યાં...


  ક્યાંક અડાબીડ વનમાં તમે યાદ આવ્યાં,

  જાણે જંગલમાં એક પગદંડી જડી રામ,

  પેલા ઘેઘુર વડલામાં તમે યાદ આવ્યાં...


  કોઈ ઘેરા અંધારે તમે યાદ આવ્યાં,

  જાણે ઝાડે ચમકતાં જોયાં આગિયા હો રામ,

  પેલા તૂટતાં તારાલિયે તમે યાદ આવ્યાં...


  કોઈ પુસ્તકનાં પાને તમે યાદ આવ્યાં,

  જાણે સુકાયેલાં પુષ્પમાં પમરાટ થયો રામ,

  પેલાં શબ્દોને સથવારે  તમે યાદ આવ્યાં...


  કોઈ અણજાણી રાહે તમે યાદ આવ્યાં,

  જાણે નસનસમાં સંળગી સંવેદના હો રામ,

  પેલાં ખાલીપણામાં તમે યાદ આવ્યાં...


  પેલી ધીકતી ધરામાં તમે યાદ આવ્યાં,

  જાણે રણમાં ફૂટયો કોઈ મોગરો હો રામ,

  પેલાં આંખનાં મૃગજળમાં તમે યાદ આવ્યાં...


 પેલાં તોફાની દરિયે તમે યાદ આવ્યાં,

 જાણે દૂર કોઈ દીવો ઝબૂકતો હો રામ,

 એક દબાયેલા ડૂસકે તમે યાદ આવ્યાં...


 પેલાં છાપરીનાં છેડે તમે યાદ આવ્યાં,

 જાણે ચાડિયાની ચુગલીથી શોર થયો રામ,

 પેલાં નેજવા ચૂવે ને તમે યાદ આવ્યાં...


 પેલું મંદિર જોયું ને તમે યાદ આવ્યાં,

 જાણે ઝંખી રહી છું ચમત્કાર કોઈ રામ,

 પેલાં ઘંટના રણકારે તમે યાદ આવ્યાં, તમે યાદ આવ્યાં, 

 તમે યાદ આવ્યાં.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ