વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાથરૂમમાં લેંઘો પહેરવાનો પ્રયોગ !

બાથરૂમમાં લેંઘો પહેરવાનો પ્રયોગ !


 ઘરમાં એકાદ રૂમ ઓછો હોય તો ચાલે પણ બાથરૂમ તો જોઈએ જ ! બાથરૂમમાં કંઈપણ બાથમાં આવે એમ હોતું નથી.તોય કહેવાનું બાથરૂમ ! સવારે ઘરમાં સભ્યો હોય એ મુજબ બાથરૂમ વ્યસ્ત રહેતું હોય છે. કેટલાક ઘરોમાં એકથી વધુ બાથરૂમ હોવા છતાં ઘરના ગૃહમંત્રીનો કડક આદેશ હોય કે બધા બાથરૂમ બગાડવાના નથી, એકમાં જ વારા ફરતી નાહી લેવાનું !


  વળી, બાથરૂમમાં ફુવારે નાહીએ એટલે કચવાટ અને કકળાટ ચાલુ થઈ જાય !

'ડોલ ભરીને ટબથી નહાતા હોય તો સરખું નહાવાય ! વળી પાટલા ઉપર બેસીને નહાવું જોઈએ.'


  મૂળમાં એમ કે ફુવારે નાહીએ એટલે ઉભા ઉભા નહાવાનું થાય. એ દરમિયાન સાબુના ફીણ શરીર પરથી બાથરૂમની દીવાલ પર સેર કરવા નીકળી પડે.આપણને તો ખબર પણ ન હોય કે માથામાં રગડેલું શેમ્પુ દીવાલો પર દસ્તાવેજ કરી નાંખતા હોય છે !


  એટલે ગૃહમંત્રી જ્યારે બધા નાહી લે ત્યારે બાથરૂમ ધોઈને સાફ કરવા જાય ત્યારે એમની હાઈટ કરતા ઊંચે બેઠેલા ફીણ એમને એમ કહેતા હોય કે  'આવ ઓરી ને કર દીવાલ કોરી..!'


  ઊંચે પહોંચાય નહિ એટલે ફુવારે નહાવામાં થતું નુકશાન શોધી કાઢે. 'ફુવારે વળી નહાવામાં શું મજા આવે ! સાચી મજા તો બેસીને જ નાહવામાં છે.ફુવારો તો અંગ્રેજોએ શોધ્યો છે.કારણ કે એ લોકોને કશું જ નીચે બેસીને કરતાં ફાવતું નથી. પાટલા પર બેસીને આપણા રાજા મહારાજા પણ નહાતા હતા.તો તમને શું વાંધો છે,વળી ઉભા ઉભા નહાવ છો તે નીચે સાબુવાળું પાણી હોય તો લપટી જવાય. ફલાણાભાઈ બાથરૂમમાં પડ્યા તે એમનો ગોળો ભાંગી ગયો હતો.તમે કાલથી પાટલા પર બેસીને જ નહાજો !


અમે વળી ખણખોદીયા ખરા તે એ ફલાણાભાઈની તપાસ કરી તો જાણવા મળ્યું જે તેઓ પાટલા પર બેસીને જ નહાતા હતા.એમાં પાટલો ગયો ખસી ને ભાઈ પડ્યો લપસી ! આમ તો આપણે ત્યાં એવુ જોડકણું બહેનો ગાતા હોય છે કે ભઈલો મારો ડાહ્યો તે પાટલે બેસી નાહયો,પાટલો ગયો ખસી ને ભઈલો પડ્યો હસી ! પણ અહીં ભઈલો હસી પડવાને બદલે લપસી પડ્યો. માંડ છ ઇંચ ઊંચેથી એનું નેવું કિલો વજન નીચે ઝીંકાયું હશે ત્યારે થાપાનો ગોળો એ વજન પોતાની ઉપર એકાએક આવી પડશે એની કોઈ બાતમી ધરાવતો નહિ હોય એટલે ઝીંક ઝીલી શક્યો નહિ હોય.


મેં એ માહિતી લાવીને ગૃહમંત્રી સમક્ષ રજુ કરી.પાટલે બેસીને નહાઈએ તો પણ ગોળાને જોખમ હોવાનું એમને ગળે ઉતર્યું નહિ.


  આમ તો બાથરૂમમાં નહાઈએ એટલે તરત ટુવાલની સેવા શરૂ થતી હોય છે.પણ ક્યારેક વળી ક્યાંય જવાનું ન હોય એટલે રાતે પહેરેલો નાઈટડ્રેસનો લેંઘો પહેરીને જ બહાર નીકળવાનું નક્કી કર્યું હોય છે.હવે તમે જ્યારે શરીર લૂછીને કેટલાક જરૂરી આંતરિક વસ્ત્રો ચડાવ્યા પછી લેંઘો ચડાવવાના હો તો કેટલીક બાબતો પર અમે ફેંકેલો પ્રકાશ તમારે જોઈ લેવો જોઈએ !


 પહેલા તો જાણે ગઈકાલે આખી રાત તમારી સેવામાં રહેલો લેંઘો પણ નહાવાની ઈચ્છા જતી કરીને ફરીવાર તમારી સેવા કરવા તત્પર છે કે કેમ એ નક્કી કરવું પડે.હવે તમે એમ કહેશો કે એ વળી કેમ નક્કી કરવું ! તો અમે તમને જણાવી દઈએ છીએ કે એ લેંઘો ક્યાંક ને ક્યાંક ઉદાસ થયેલો હોય તો એના કોઈ ભાગમાં ક્યાંક ને ક્યાંક એની ઉદાસી ઉપસી આવેલી જોઈ શકાશે. વળી તમારી સેવા કરવા જતાં એ બિચારો તમારા પરસેવાથી ભીંજાયેલો હશે. જો તમે ઝીણી નજરે જોવા ટેવાયેલા ન હોવ તો ક્યાંકને ક્યાંક તમે જરૂર ગલતી કરશો જ. એ ગલતી તમને બાથરૂમમાં પછાડવામાં ક્યાંકને ક્યાંક નિમિત્ત બનશે. એ પછી ફુવારાનો આજીવન ત્યાગ કરવા માટેની ફરજ પડવાની ક્યાંકને ક્યાંક શક્યતાઓ રહેલી છે એ નક્કી જાણજો.


 હા, તો ફરી આપણે લેંઘાની ઉપસી આવેલી ઉદાસીનતા તપાસવાનો કાર્યક્રમ આગળ વધારીએ.અમે તમને ક્યાંકને ક્યાંક આ લેંઘા પ્રકરણમાં સલવાઈ ન જાવ એ માટેના ઉત્તમ ઉપાયો જણાવવા જઈ રહ્યાં છીએ ત્યારે તમારું મન પણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં બાથરૂમમાં  લેંઘો પહેરવામાં પડેલી મુશ્કેલી યાદ કરી રહ્યું હશે.


 નહાયા હોઈએ એટલે ટુવાલ ભલે તમે ગમે તેટલો ધસ્યો હોય તો પણ ક્યાંકને ક્યાંક તો શરીર પાણી સંગ્રહી રાખતું હોય છે.ખાસ કરીને માથામાં ! જે નસીબદાર લોકોને સપાટ મેદાન પ્રાપ્ત થયું હોવા છતાં ક્યાંકને ક્યાંક પોતે કમનસીબ હોવાનો ખ્યાલ ધરાવતા હોય છે એવા લોકોનું શરીર પણ લુછવા છતાં કોરું થતું નથી હોતું. તો પછી જો તમારાં માથે તમે કેપિસિટી પ્રમાણે કેશરાશી ધરાવતા હોવ તો એ ભીની કેશરાશિ ક્યાંકને ક્યાંક તો પાણીને ગુરુત્વાકર્ષણબળની અસરમાંથી મુક્ત રાખી શકશે. આવી ભીનાશ લસરીને તમારા ચરણોને ભેજયુક્ત જ રાખશે. વળી પગના તળિયા તો  બિચારા હમેંશા પગલૂછણીયા સાથે જ લુછાવા સર્જાયા હોય છે.કોઈ ભડનો ફાડીયો ટુવાલ વડે પગના તળિયા લૂછતો નથી એટલે પગના તળિયા તમારા ખુદના હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક તમને પાડવાના કાવતરામાં સામેલ હોવાના ! એ શક્યતાઓ તમે જો સાવ નહિવત ગણતાં હોવ તો તમે ફરી ક્યાંકને ક્યાંક ગોથું ખાવાના જ !


  આખા શરીરે પોતાની મુલાયમ જાતને ઘસીને નીચે તરફ આવતા ટુવાલને જોઈ પગના તળિયા એ મુલાયમ વસ્તુ સાથે મુલાયમ ઘર્ષણ પામવાની આશાઓ સેવતા જોવામાં આવ્યા છે.પણ માણસની પ્રકૃતિ જ એવી છે કે જે સૌથી વધુ સેવા કરે એની જ ઉપેક્ષા થતી રહે છે.એટલે એ સેવકો કાળેક્રમે પોતાનો આક્રોશ ક્યાંકને ક્યાંક ઠાલવવા આતુર હોય છે.આપણે બાથરૂમમાં ભીના થયેલા પગના તળિયાને રૂમાલનો સ્પર્શ આપતા ન હોવાથી ક્યાંકને ક્યાંક તળિયાના છુપા આક્રોશનો ભોગ બની જતા હોઈએ છીએ.


 ટુવાલને ગોઠણથી નીચેના કેટલાક પ્રદેશોમાંથી સમય કરતાં વહેલો પરત બોલાવીને આપણે સેનાને લેંઘા તરફ મોકલીએ છીએ.એ વખતે રૂમાલનો રેશમી સ્પર્શ પામવાની આશા ઠગારી નિવડેલી જાણીને આપણા પગના તળિયા

આપણી વિરુદ્ધ ચાલતી છુપી ચળવળમાં સામેલ થઈ ગયા હોય છે.


  એવે વખતે ટુવાલ તો ખભાનો સહારો લઈને અડધો આગળ અને અડધો પાછળ ટીંગાતો હોય છે.એ વખતે શરીરના દક્ષિણ તરફના ભાગો સુધી ન પહોચી શકયાનો ટુવાલનો અફસોસ કાને ધર્યા વગર આપણે હુકમાં ટીંગાઈને આપણી સ્નાનક્રિયા ચૂપચાપ જોઈ રહેલા લેંઘાને હાથમાં લઈએ છીએ.એ વખતે લેંઘો તરત પોતાના બંને પાંયસાઓને પાણીથી તરબતર થયેલી ફર્શને ભેટી પડવા મોકલી દે છે.પણ આપણે લેંઘાની એ મુરાદ બર આવે એ પહેલાં બંને પાંયસાને પકડીને એની અધોગતિ અટકાવી દઈએ છીએ.એ વખતે લેંઘો પણ આપણને પાડવાની ચળવળમાં પોતાનું નામ લખવી દેતો હોય છે.કારણ કે બાથરૂમના ભીના ભોંયતળિયાને પ્રેમ કરી ચુકેલા લેંઘાનું પ્રેમમિલન આપણે ત્વરિત અટકાવ્યું હોય છે !  એક હાથે એક પાંયસાને દબોચીને બીજા પાંયસાને પ્રવેશદ્વાર પહોળું કરવાનો આદેશ મનોમન અપાઈ જતો હોય છે એનો એ વખતે આપણને ખ્યાલ રહેતો નથી.એ વખતે એ પાંયસામાં તુરંત ઘૂસી જવા ઉતાવળો થયેલો એક પગ હવામાં તોળાઈને તળિયે ચોંટેલા ફીણયુક્ત પાણીને ટીપે ટીપે નીચે પાડી રહ્યોં હોય છે. પાંયસાનો ઉત્તરથી દક્ષિણ દિશાનો ગોળાકાર   માર્ગ ક્લિયર છે એની ખાતરી કરીને બીજા પગને શરીરનું વજન અને બેલેન્સ સંભાળવાની મહત્વની જવાબદારી આપણે સોંપી હોય છે. એ પગના ગોઠણ સુધી ઊંચા થઈને આતુરતાથી લેંઘામાં ઘુસવા અધિરા થયેલા પગને આપણે ધીરજના ફળ મીઠા હોય છે એવું સમજાવી શકતા નથી.એટલે લેંઘાના મુખ્યદ્વારેથી એના નિયત માર્ગ પર લટકીને થાકેલા પગને ગતિમાન કરીએ છીએ.એ જ વખતે રાતે સેવા કરીને થાકેલો લેંઘો, પગના ભીના તળિયા સાથે સ્નેહમિલન કરવા ઉતાવળો થાય છે. લેંઘાની આરપાર નીકળીને જલ્દી જમીન પર જવાનો આપણે આપેલો આદેશ ઊંચો થયેલો પગ ભૂલી જાય છે અને લેંઘા સાથે સ્નેહમિલન માણવા રોકાઈ જાય છે.રૂમાલની મુલાયમ સપાટીના પ્રેમનું તરસ્યું પગનું તળિયું લેંઘા સાથે સ્પર્શ અને ભીનાશનું અદાન પ્રદાન કરવા રોકાઈ જાય છે.

  

  કોઈ બે જણ હમેંશા સાથે જ અને સરખું જ કામ કરતા હોય અને એમાંથી એકને કંઇ પણ વધુ મળે તો બીજું એ સહન કરી શકતું નથી.આ વાત આપણા બંને પગને પણ લાગુ પડે છે.તળિયે ચોંટેલી સાબુના ફિણયુક્ત ભીનાશને ટુવાલ સાથે લૂછવાના અભરખા સેવતા અને આખા શરીરનું વજન એકલા લઈને ઉભેલા પગને જ્યારે જાણ થાય છે કે બાજુવાળો એના ભાગનું વજન તરત પાછું લઈને જલ્દી પોતાને પણ લેંઘામાંથી પસાર થવાની તક આપવાનો હતો એ લેંઘા સાથે સ્નેહમિલનમાં રોકાયો છે એટલે એ તરત વિદ્રોહ કરીને ગોઠણમાંથી બેલેન્સ ગુમાવે છે.

આપણા હાથ પાછા લેંઘો પકડવામાં વ્યસ્ત હોય એટલે તરત દિવાલનો ટેકો લઈ શકતા નથી. અને ન થવાનું થઈ જાય છે.હવે એ વખતે કેટલું અને ક્યાં વાગશે એના કોઈ નિયમો અમારી જાણમાં આવ્યા નથી છતાં અમે તમને એટલું જણાવી દઈએ કે તમારા શરીરનું ક્ષેત્રફળ આમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે.


બાથરૂમમાં પડવાનો બહોળો અનુભવ ધરાવતા કેટલાક મહાકાયોની મુલાકાત લઈ અમેં એટલું જાણી લાવ્યા છીએ કે આવે વખતે શરીરને ગબડતું અટકાવવાના ઉપાયો ક્યારેય કરવા નહિ.કેટલાંક વધુ ક્ષેત્રફળ ધરાવતી કાયા પ્રત્યે વધુ પડતી માયા ધરાવતા માલિકો, નાહ્યા પછી લેંઘાધારણ ક્રિયા દરમિયાન ગબડતી કાયાને હાથ વડે અટકાવવા ચાહ્યા હતા.પરિણામે એ ઘટના પછી તરત છ છ મહિના સુધી એક કે બેઉ હાથ ગળામાં નાંખેલા ગાળિયોમાં ભરાવીને ફરતા જોવામાં આવ્યા હતા. એટલે  હાથે કરીને હાથને ન આપવાના આદેશ આપવા નહિ. કેટલાંકના બંને હાથો  સાવ આરામ પર ઉતરી ગયા હોવાના દાખલા અમારી જાણમાં આવ્યા છે. એ સમયકાળમાં શરીરના કેટલાંક દુર્ગમ સ્થળોની સાફસફાઈ અત્યંત દુસ્કર જણાઈ હતી.એટલે ઘણીવાર બારોબાર આવા સ્થળોની સફાઈ અંગેના કોન્ટ્રાકટ આપવા ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલા.અને આશ્ચર્ય તો એ વાતનું સિદ્ધ થયું કે  અમારી દ્રષ્ટિએ સારી એવી આવક થાય એમ હોવા છતાં લાગતાવળગતા સફાઈ કોન્ટ્રાક્ટરોએ મજકુર કામમાં સાવ નીચલી કક્ષાની ઉદાસીનતા સેવી હોવાનું અમને પાછળથી જાણવા મળ્યું છે !


 એટલે 'ભપ' થઈ જવાની ઘટના તરત જ ઘટી જાય છે,પણ શરીરનું વજન ઘટવાને બદલે વધે છે.અને બાથરૂમમાં લેંઘો પહેરવા જતા લપસી પડેલા એક ઇસમ તરીકે તમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે.ખબર કાઢવા આવતા લોકો ચા પાણી પી જાય છે અને બહાર નીકળીને તમારી હાંસી ઉડાવતા પણ શરમાતા નથી બોલો ! એવાઓને પછી કોણ સમજાવે કે લબડતા પાંયસામાં ભીનો પગ સોંસરવો કાઢવો એ અર્જુને કરેલા લક્ષવેધ કરતા કેટલું અઘરું પ્રયોજન છે ! 


  એ 'ભપ'નો અવાજ પાછો બાથરૂમ બહાર ન જાય એવું બને ? પાટલા પર બેસીને નહાવા માટે દબાણ કરવાનું નવું એક બહાનું તરત ગૃહમંત્રીને મળી જાય. એમને એમ હોય કે ઉભા ઉભા ફુવારે નહાવા જતા જ આપણે ગબડયા હોવા જોઈએ ! એટલે માંડ પચ્ચીસ કે પચાસ વખત કીધું હોય તોય 'હજાર વખત કીધું છે કે ફુવારાના સવાદણા શું કામ થાતા હશે !' એમ કહીને હજાર વખત કહ્યાંનું જાહેર કરતા ગૃહમંત્રી વિરુદ્ધ અતિશયોક્તિનો કેસ પણ આપણે દાખલ કરી શકતા નથી. પાછું આટલું વાક્ય જ આજુબાજુમાં સંભળાય એટલા મોટા અવાજે બોલ્યા પછી તરત બીજું બાણ છોડે, "રાંકનું કીધું ભિખારી માને તો તો શું જોવે ! અમારું કોય દી માનતા જ નથી તે લ્યો હવે લેતા જાવ !" 


   હવે આપણે તો હમેંશા એમનું જ કહ્યું કરતા હોવા છતાં આવો આરોપ માથે ધર્યા વગર છૂટકો છે કંઈ ? પાછું આ માનવા ન માનવાની વાત તો ઘરના બારણાં બહાર જવા ન દે એવા હોંશિયાર જ હોય ગૃહમંત્રી ! આપણને ભિખારી જાહેર કરવા પોતે વાંકનો ખજાનો હોવા છતાં રાંક બની જાય ! 


 આપણે તો આ રાંકના રતન થઈને બાથરૂમમાં ઘટેલી 'ભપ'ની ઘટનાથી ઉભા થઈને બહાર નીકળીએ ત્યારે અંદર ન વાગ્યું હોય એટલું બહાર મચેલો દેકારો વગાડી દે ! 


 આપણે ખુલાસો કરવા ધીમેથી મોં ખોલીને ધીમો ધીમો અવાજ બહાર કાઢવા મથી રહ્યા હોય ત્યારે ભીનો થયેલો લેંઘો એની ફરિયાદ ગૃહમંત્રીની નજરે કરાવે એટલે ખબર અંતર પૂછવાને બદલે આપણાથી અંતર રાખીને આપણી ખબર જ લઈ નાખે.


"હજારવાર કીધું છે કે નહાવા જાવ ત્યારે નાઈટડ્રેસ સરખો લટકાવજો ! પણ સાંભળે કોણ ! આ લેંઘો કાલે પણ પહેર્યો હતો તો ધોવાનો નો'તો ? આમને કેમ જાણે મેલા લૂગડાં પહેરવા કેમ ગમે છે ! કોક જુએ તો એમ જ કહેને કે જો તો આની ઘરવાળી કેવી ફુવડ છે, બિચારાને ત્રણ દીથી એકનો એક લેંઘો પહેરાવે છે ! કાઢો આમ, કહું છું !'


  આપણે મહાપરાણે, 'ભપ' થઈને પણ આ લેંઘો બાથરૂમના ભેજવાળા વાતાવરણમાં પહેર્યો હોય એ બહાર આવીને કાઢી નાખવાનું ફરમાન થાય ! આપણી સિદ્ધિ કોઈપણ જાતના ગુણગાન વગર સમાપ્ત થઈ જાય ! 


 આખી વાતનો મર્મ એક જ કે ક્યારેય બાથરૂમમાં લેંઘો તો શું માત્ર ટુવાલ સિવાય અન્ય કોઈપણ વસ્ત્ર પહેરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ.પણ નહાઈને બાથરૂમના બારણાં આગળ પડેલા પગલૂછણીયા સાથે જ પગના તળિયા લુછવા. ત્યાર પછી આરામથી બેડ પર બેઠા બેઠા જ લેંઘો ધારણ કરવામાં ડહાપણ સિદ્ધ થયેલું છે એવું ધોતિયાધારી વડીલો કહેતા આવ્યા છે !

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ