વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દગો

'દિલ મેરા તોડ દિયા ઉસને.. બુરા કયું માનુ?' 

ફિલ્મ કસૂર, નદીમ-શ્રવણ ના મધુર સંગીતથી બનેલું આ ગીત તમારી સમક્ષ રજૂ થાય છે. હું આર.જે મેહુલ એક બ્રેક લઈને આવું ત્યાં સુધી આ મધુર ગીત સાંભળો.

મેં મારી કારમાં એ.સી. ઓન કર્યું અને કારની સ્પીડ વધારી દીધી. રેડિયોનો વોલ્યુમ ફૂલ કર્યો અને સોંગની મજા લેવા લાગ્યો. એક હાથે કારનું સ્ટિયરિંગ અને બીજા હાથે ડ્રિન્કની બોટલ! રાતનો અંધકાર અને વરસાદી રાત...!

કાર સ્પીડમાં હંકારી, ફોર્ચ્યુનર કારને રોડ પર દોડાઈ. આખીય કારમાં હું એકલો હતો અને મારી મસ્તીમાં જતો હતો. બાજુની સીટ પર વેડિંગ કાર્ડ પડ્યું હતું અને કાર્ડમાંથી મસ્ત ગુલાબના સ્પ્રેની સુગંધ આવતી હતી. એ સ્પ્રેની સ્મેલ મને મનમોહક કરતી હતી.

કાર માખણની જેમ રોડ પર જતી હતી. રોડ પર અવરજવર ઓછી હતી. હું મારી મસ્તીમાં જતો હતો.. એક પછી એક નાના ટાઉન આવવા લાગ્યા. ઘડિયાળમાં જોયું તો રાતના સાડાબાર થવા આવ્યા હતા, હજુ મારે બીજા ચારેક કલાક કાઢવાના હતા. એક બાજુ પેટમાં ભૂખ લાગી હતી અને બીજી બાજુ નજીકમાં કોઈ ટાઉન દેખાતું નહતું. હું કાર ચલાવતા બહાર નજર નાખતો ક્યાંય કોઈ નાનો અમથો ગલ્લો દેખાઈ જાય! એવામાં એક ટ્રક વાળો ફૂલ સ્પીડમાં મારી પાછળ આવી ગયો.

એકવાર હૃદયના ધબકારા વધી ગયા. કાર બાજુમાં કરી, સાઈડ લાઈટ ઓન રાખી બે મિનિટ બહાર ઊભો રહ્યો. વાતાવરણ એકદમ શાંત અને ગંભીર લાગતું હતું. મેં સીટ પર પડેલી કંકોત્રી જોઈ, હજુ લેવા જાઉં ત્યાંજ ધીમી ધારે વરસાદ વરસવાનો ચાલુ થયો. કારમાં અંદર જતો રહ્યો અને કંકોત્રી વાંચવાની રહી ગઈ.
મને એટલી ખબર હતી કે, "મારી કોલેજના દૂરના મિત્ર રોહનના લગ્ન છે અને મને ખાસ બોલાવ્યો છે! હું જાણતો નહીં પણ મારા ઘરે કુરિયરમાં આવી હતી માટે મને જવું જરૂરી લાગ્યું. તેમજ કોલેજના બીજા ઘણા મિત્રો આવવાના હતા એટલે..."

એકબાજુ ભૂખ લાગી હતી અને બીજી બાજુ મગજ ચકરાવે ચડ્યું હતું. એવામાં દૂર એક નાનો ગલ્લો દેખાયો. ગલ્લો હાઈવેની બાજુમાં પસાર થતી કાચી સડકને અડીને હતો. ધીમા વરસાદી ફોરાં પડતા હતા, કારમાંથી બહાર નીકળ્યો અને દોડતો  ગલ્લે પહોંચી ગયો. ગલ્લો એકદમ નાનો, તેની બહાર ઝીણી પીળી લાઈટ અને ઝાડને અડીને નીચે આવેલો લાકડાનો ગલ્લો. તેનો માલિક અંદર સુઈ ગયો હતો. એને જોઈને લાગે હમણાંજ તેને કોઈ ભૂત જોયું હશે!

"અરે કાકા... બે સિગરેટ જોયે! જલ્દી કરો."

સામે કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. મેં ફરીવાર પૂછ્યું..

"બેટા, ઘડીવારતો સુવા દો! આખો દિવસ કામ કરીએ પણ રાતે જરા શાંતિ..."    એ કાકા આંખો ચોળતા બોલ્યા.

મેં તેમને ધીમા અવાજે સોરી કહ્યું. તેમની જોડે લાઈટર માંગ્યું અને ત્યાંજ સિગરેટ હોઠે અડાઈ. એ કાકા મારી સામે જોવા લાગ્યા અને મને ઇશારેથી કહ્યું, "આઘો જા...."
એમનો ઈશારો જોતા તરત ખસી ગયો અને કાર બાજુ ચાલવા લાગ્યો. કાકાએ મને જોરથી રાડ પાડી અને બોલ્યા, "એ ભાઈ રૂપિયા દેતો જા...."

લાઈટર પાછું આપ્યું અને રૂપિયા આપીને ત્યાંથી નીકળી ગયો. કારને અડીને ઊભો રહ્યો અને આસપાસ બધું જોવા લાગ્યો. હાઇવે પર જતી ફૂલ સ્પીડમાં ટ્રક અને કારને જોવા લાગ્યો.. એક હાથે સિગરેટ અને બીજા હાથે ગોગલ્સ હતા. બેય સિગરેટ પતી ગઈ અને હું મૌન પાંચ મિનિટ માટે ઊભો રહ્યો. એકાએક મને પેલી કંકોત્રી જોવાનું મન થયું.

કંકોત્રી જોઈ અને હાથમાં લીધી. તેનું કવર બહાર કાઢ્યું અને હજુ વાંચવા જાઉં ત્યાં પેલા ગલ્લા વાળા કાકા દોડતા આવ્યા. એમણે જોરથી રાડ પાડી અને બોલ્યા, "તારો ફોન રહી ગયો હતો.. મને થયું હજુ અહીં જ હોઈશ માટે દોડતો આવ્યો."

મેં તેમને થેંક્યું કહ્યું અને ઉપરથી બસો રૂપિયા આપ્યા. કાકા સ્વમાની હતા રૂપિયા લીધા નહીં. મારી જોડે દસેક મિનિટ ઊભા રહ્યા.

"તારી ઉંમર ત્રીસેક લાગે છે, લાગે છે લગ્ન થઈ ગયા હશે! ક્યાં રહે છે?"   

મેં સામે કાકાને કહ્યું, " કાકા ઉંમર સાચી કહી પણ લગ્ન બાકી છે. બસ હવે લગ્ન કરવાના જ છે આવતા બે-ત્રણ મહિનામાં... વાત ચાલુ જ છે. મારી પ્રેમિકા જોડેજ થવાના છે, જોઈએ શું થાય?"

કાકાએ મારી સામે જોયું અને બોલ્યા, "ભલે, સુખી થાઓ અને તારા લગ્ન એની જોડેજ થાય જેની જોડે તું તારો સાંસર માંડવા માંગે છે. એનું નામ શું છે?"

મેં મારી વોચમાં જોયું અને કાકા સામે જોઇને બોલ્યો, "લેટ થાય છે મારે ફરી કયારેક વાતો કરવા આવીશ! મારે હજુ છેક દૂર જવાનું છે. હું આવીશ અને તમને બોલાવીશ મારા લગ્નમાં....."

કાકાને ગળે લાગ્યો અને ત્યાંથી કાર દોડાવી. એ કંકોત્રીનું કવર ત્યાં રહી ગયું હતું અને કંકોત્રી સીટ પર પડેલી હતી. એ.સી. ઓફ કર્યું, કારની વિન્ડો ઓપન કરી અને બહાર જોવા લાગ્યો. સમય રાતનો દોઢ થવા આવ્યો હતો. કાર મારી સ્પીડમાં હંકારી, ફરીવાર રેડિયો ચાલુ કર્યો.

એકબાજુ રેડિયો વાગતો હતો ને બીજી બાજુ પેલા કાકાની વાત યાદ આવી ગઈ. એ વાત યાદ આવતા મને મારી પ્રેમિકા, મારી જિંદગી.. મારો પ્રેમ જેણે મને બધી રીતે આંધળો કરી નાખ્યો હતો. કારને ફરીવાર હંકારી....

એકાએક મને મારો ફ્લેશબેક દેખાવા લાગ્યો. એકપછી એક ટાઉન જવા લાગ્યા અને હું ફ્લેશબેકમાં જતો રહ્યો..

આજથી ત્રણેક વર્ષ પહેલાની ઘટના.

(એ સમયે હું કોલેજ પાસ કરીને મારા બાપાની દુકાને બેસી ગયો હતો. નોકરીની શોધમાં હતો પણ, હાલ નોકરી જોઈએ એવી મળતી નહીં. ઉનાળાની સિઝન જામી હતી એટલે સ્વાભાવિકપણે આળસ ચડી જાય! હું તો દુકાને ધ્યાન દઈને બેસવા લાગ્યો. અમારે નાનું અમથું પાર્લર હતું જે અમારા ટાઉનમાં એકમાત્ર હતું. એકરીતે અમારી દુકાન સારી એવી ચાલતી.

ટાઉનના બધા લોકો આવતા. એવામાં હું રોશનીના પ્રેમમાં પડી ગયો. એ રોજ મારે ત્યાં નાની-મોટી વસ્તુ લેવા આવતી. એવામાં અમારી સારી એવી ઓળખાણ થવા લાગી. ધીરેધીરે વાતો વધવા લાગી અને તે વાતો ફોનપર પણ થવા લાગી.

"હું અહી નથી રહેતી, મારા માસા અહીં રહે છે. હું અહી વેકેશનમાં રહેવા આવી હતી. હું હવે ચોક્કસ દર વેકેશનમાં આવીશ!"

સામે મેં તેને જવાબમાં કહ્યું, "કોઈ વાંધો નહીં પણ સમયસર મળતા રહેજો. હું તમને કોલ કરતો રહીશ!"

અમારી વાતો પહેલા ચાર-પાંચ દિવસે થતી અને ધીરેધીરે રોજે થવા લાગી. અમે કલાકો સુધી સુખ-દુઃખની વાતો કરતા.. એ મને એના વિશે બધું કહેતી.. હું પણ મારી તમામ વાતો શેર કરતો. એના માસાની ત્યાં આવે ત્યારે અચૂક મને મળવા આવતી. અમે કલાકો સુધી તળાવની પાળીએ બેસી રહેતા અને એકમેકના ભવિષ્યની વાતો કરતા. અમને એવું લાગતું અમે ગળાડૂબ પ્રેમમાં છીએ. ધીરેધીરે વાતની જાણ ટાઉનમાં થવા લાગી, લોકો વાતો કરવા લાગ્યા. એ અરસામાં મને સારી નોકરી મળી ગઈ અને હું ટાઉન છોડીને શહેર જતો રહ્યો.

એ પણ નોકરી અર્થે મારી નજીકની બિલ્ડિંગમાં આવી ગઈ. અમને સારી નોકરી મળી ગઈ હતી, એ એના કામે અને હું મારા કામે વ્યસ્ત રહેતો. કયારેક સમય મળતા અમે મળવા લાગતા.. મેં એને લગ્નનું વચન આપ્યું હતું.. સામે એ પણ મને લગ્નના વચન આપતી. આમ અમે ખુશ હતા અને અમે લગ્ન માટે રેડી હતા.)

કારને મેં જોરથી બાજુમાં હંકારી. સામે જોયું તો એક ટ્રક ઊભો હતો અને તેની સાઈડ લાઈટ ચાલુ હતી. હું ગભરાઈ ગયો, મેં જોરથી બ્રેક મારી અને મારા ફ્લેશબેકથી બહાર આવ્યો...

ઘડિયાળમાં જોયું તો રાતના અઢી થવા આવ્યા હતા. વરસાદ ચાલુ થયો હતો, વીજળીના કડાકા ચાલુ થયા હતા. મેં કાર ધીમી કરી રોડ સખત ભીના હતા. રેડિયો ચાલુ કર્યો અને સોંગ્સ સાંભળવા લાગ્યો..
બીજી બાજુ મને મનમાં થયું, "સાલું દસ દિવસથી રોશની જોડે બહુ વાત થઈ નથી. રોશની દર વખતે મને હમણાં કરું કોલ એમ કરીને કાપી નાખતી... હું મેસેજ કરતો તો કોઈ રીપ્લાય આપતી નહીં. હું સખત મૂંઝવણમાં હતો મને ડર હતો ક્યાંક રોશની મારાથી દૂરતો થતી નથી ને?"

મેં તેને કાર ચલાવતી વખતે ફરી કોલ કર્યો. એણે કોલ રિસીવ કર્યો નહીં, બીજી વાર કોલ કર્યો, ત્રીજી વાર કોલ કર્યો. છેવટે દસ મિનિટ બાદ એનો સામેથી કોલ આવ્યો.

"હા.. હું બીઝી છું.  મને હમણાં ડિસ્ટર્બ ના કરીશ! ઘરે બધા છે અને તું કોલ ના કર...."

હું હજુ કાંઈ બોલું એની પહેલા કોલ કટ! હું હસ્યો અને જોરથી બોલ્યો, 'રોશની મારાથી એવું છુપાવતી નહીં જે મને તોડી નાખે'
એકપછી એક રેડિયો પર મસ્ત ગીત વાગતા જતા હતા. એવામાં એક મસ્ત સોન્ગ આવ્યું.

"દિલ કા રિશ્તા.. બડા હી પ્યારા હે!"
                     મેં રેડીયોનો વોલ્યુમ ફાસ્ટ કર્યો. કારને વધુ સ્પીડમાં ચલાવવા લાગ્યો. હવે બસ એકાદ કલાક દૂર હતું સ્થળ. એ કંકોત્રી પર વરસાદી પાણીની છાન્ટ આવતી હતી. મેં બીજા હાથે કંકોત્રી મારી જોડે મૂકી. હું રોહન કોણ છે એ માટે મારા મગજને જુના ભૂતકાળમાં લઈ ગયો.

( આ હેન્ડસમ કોણ છે? ભલે ચશ્માં પહેર્યા છે પણ એકદમ સ્માર્ટ લાગે છે. એવું રોશની મને કોણી મારીને કહેતી..
       
સામે મેં રોશનની ને કીધું, "એ સિનિયર છે.. એના વિશે એવું ન વિચારાય! તું મારા માટે વિચાર.."

રોશની એ રોહનની જોડે વાત કરવાની એક પણ તક છોડતી નહીં. ગમેતેમ કરીને એની જોડે વાતે વળગી જતી. હું એને ઘણીવાર ટોકતો પણ એ બહુ ધ્યાને લેતી નહીં. અંતે એવું પણ જાણવા મળ્યું કે રોહન તેનીજ ન્યાતનો છે. રોશની મને ખભે હાથ મુક્તી અને બોલતી, "તું ચિંતા ના કર! હું જ છુ તારી જોડે"

એકપછી એક સેમેસ્ટર જવા લાગ્યા. રોહનની કોલેજ પુરી થઈ ગઈ. એની કોલેજ જેવી પતી એવું તરત જ રોશની મારાથી ઓછું બોલવા લાગી. રોહન સાથે મેં ઘણીવાર વાત કરી..

મેં એને કીધું, " રોશની સાથે વાત કરીશ નહીં. એ મારી છે અને મારી રહેશે! મહેરબાની કરીને એનો પીછો ના કર.. "

રોહન મારી સામે જોઈને હસવા લાગ્યો.. એણે મારી વાતને ધ્યાનમાં લીધી નહીં અને મારી સામે જોઇને હસવા લાગ્યો. )

મને દૂર એક ટાઉન આવતું દેખાયું. મેં કાર ધીમી કરી અને તે રસ્તા તરફ વધવા લાગ્યો. મેં ઘડિયાળમાં જોયું પરોઢના સાડા ચાર થવા આવ્યા હતા. કાર એ ટાઉન તરફ દોડાઈ, એ રોડ પર કોઈ હતું નહીં. દૂર મને એક મંડપ જેવું દેખાયું.. લાઈટ ચાલુ હતી પણ કોઈ વ્યક્તિ હતી નહીં. મેં કાર સહેજ દૂર પાર્ક કરી અને અંદર તરફ ગયો. એ મંડપ ઘરની ડાબી બાજુએ હતો, થોડીક અવરજવર હતી. હું એ ટાઉનના ગેટ પાસેથી પસાર થઈ મંદિર પાસે ઉભો રહ્યો. સવારનો સમય એ વખતે મને કંઈક અલગ અનુભૂતિ થઈ રહી હતી. મને યાદ આવ્યું જરૂર કોલેજનું કોઈ તો આવ્યું હશે?

એકબાજુ મનમાં થયું, "હું કેમ આવ્યો? બીજી બાજુ થયું યાદ કરીને કંકોત્રી આપી છે એટલે જરૂર કંઈક હશે! મંદિરથી બહાર આવી હું ટાઉનમાં અંદર આંટો મારવા ગયો. એટલામાં દૂર મને બે-ત્રણ કાર દેખાઈ, એ કારની નજીક ગયો. એ કારમાંથી એક યુવક બહાર આવ્યો.. એણે સીધો હાથ મારા તરફ ફેલાવ્યો. હું તરતજ એને ભેટી પડ્યો અને મોટેથી બોલ્યો "કેલીયા ઉર્ફે કરણ"

એની જોડે બીજા બે-ચાર હતા. દરેકને મળ્યો, ઘણી વાતો કરી. પાંચ મિનિટમાં એક ગ્રૂપ પણ બનાવી દીધું. એકના હાથમાં કંકોત્રી હતી મારુ ધ્યાન એ કંકોત્રી પર ગયું.

હજુ એ કંકોત્રી વિશે હું પૂછું એની પહેલા કરણ બોલ્યો, "ટુંકમાં રોહન જોડે રોશની આજે ઝગમગી ઉઠશે! યાર બહુ દુઃખ થયું તારા લગ્ન એની જોડે ના થયા.. અમને થયું તું નહીં આવે પણ તું તો ગામ પહેલા આવી ગયો. ભાઈ ભારે દિલ સાથે આવ્યો હોઈશ! હશે ઉપરવાળાની ઈચ્છા.."

એની વાત પૂરી થાય એની પહેલાંજ મેં કરણને ચૂપ કર્યો. પેલાના હાથમાંથી કંકોત્રી લીધી અને તરત અંદર નજર નાખી.

"શુભ વિવાહ,
રોહન સંગ રોશની........."

મેં એ કંકોત્રી ફાડી દીધી અને ત્યાંથી ચાલવા લાગ્યો. આંખે ગુસ્સો હતો અને બીજી આંખે દર્દ. હું મારી કાર પાસે ગયો અને ખૂણામાં જઈને રડવા લાગ્યો. મોટા અવાજે એક રાડ નાખી અને હવામાં બોલ્યો, "રોશની તું દગાખોર નીકળી... તું હરામી નીકળી.. તું બેકાર નીકળી.. તું મારી જિંદગી સાથે રમનારી ચાલાક સ્ત્રી નીકળી.. તું તારું ધાર્યું કરનારી જિદ્દી નીકળી.. "

મેં કારમાંથી કંકોત્રી કાઢી અને હવામાં ફંગોળી દીધી. મારી આંખે આંસુ વહી રહ્યા હતા. હું મારી જાતને ડફોળ કહેતો હતો, આટલી એનર્જી બગાડી અને આખીય રાત કાર ચલાવીને આવ્યો મને મારા પર ગુસ્સો આવ્યો. હું મારી જાતને મૂર્ખ કહીને  હસવા લાગ્યો. એટલામાં કરણ અને બીજા મિત્ર આવી ગયા. મને ખભે હાથ મુક્યો અને બેઠા. હું કારમાં બેઠો અને ત્યાં નજીક આવેલા ગલ્લે ગયા..

ત્રણ-ચાર સિગરેટ ફૂંકી કાઢી. બે-ત્રણ મસાલા ખાઈ લીધા. મનમાં નકરી ગાળો આપી દીધી. એકાંતમાં જઈને રડી આવ્યો, મોટેમોટેથી રડવા લાગ્યો, હસવા લાગ્યો. મગજ ફરી ગયું હતું.. હું કારમાં અંદર બેઠો. મારી જોડે કરણ આવ્યો અને એણે મને વાત કરી.

"ભાઈ રોશની અને રોહનનું છેલ્લા ત્રણેક વર્ષથી ચાલે છે. ભલે તારી જોડે એ પ્રેમના નાટકો કરતી પણ મનોમન એને ચાહતી. તું  કોલેજ વેકેશન દરમિયાન તારા ગામડે ગયો ત્યારે રોહન સાથે વધુ નજીક આવી ગઈ હતી. રોહન અને રોશની બધે એક જગાએ ભેગા ફરતા. તારા ધ્યાન બહાર બંનેનું બરાબર ચાલતું હતું. એવામાં રોહનની કોલેજ પુરી થઈ એટલે રોશની તારી જોડે નાટકો કરવા લાગી.

રોહન કામ અર્થે બહાર ગયો હતો ત્યારે એ સમય કાઢવા માટે તારી જોડે ફરતી. ગમેતેમ બંનેની ન્યાત એકજ હતી.. જે તારા માટે માઇનસ પોઇન્ટ સાબિત થાય. તને છેક સુધી અંધારામા રાખ્યો, છેક સુધી કીધું નહીં અને કંકોત્રી તારા ઘરે કુરિયર દ્વારા મોકલી. તને અંધારામ રાખીને પ્રેમનું નાટક કર્યું.

અંતે, લગ્નતો એને ગમતા છોકરા જોડે જ કર્યા... "

હું અંદર લગ્ન મંડપમાં ગયો. રોશની અને રોહન ત્યાં બેઠા હતા. ઘણા મહેમાનો આવી ગયા હતા, લગ્ન પ્રસંગ ચાલુ હતો. હું રોશનીની સામે ખુરશીમાં બેઠો, આખીય વિધિ શાંતિ પૂર્વક જોઈ. દરેક રિવાજોને સમજ્યો.
                                  અંતે મોટા અવાજે રાડ નાખી અને બોલ્યો, "આજ રિવાજ મારી ન્યાતમાં છે, આજ રિવાજ મારા ધર્મમાં છે, આજ રિવાજ અમે ફોલો કરીએ છીએ, આજ રિવાજને હું માનું છું. છતાંય..... આ નક્કર સમાજ એને માનતો નથી..અંતે પ્રેમીઓને જુદા થવું પડે છે. હુંસમાજનો વિરોધી નથી હુંસમાજનો ભાગ છું. આ સમાજ પ્રેમને ધર્મના નામે ચીરી નાખે છે, આ સમાજ પ્રેમને જાતિના નામે કપડાં ફાડી નાખે છે. આ સમાજ વિરોધ કરે છે પ્રેમ અને પ્રેમીઓને.........."

પણ, આજે જરા વાત અલગ છે. આજે મને સમાજે નહીં પણ મારા પ્રેમએ દગો આપ્યો છે. આ પ્રેમ જેને હું ચાહું છું, પામવાની કોશિશ કરું છું, જેને હું દિલથી માનું છું. એજ પ્રેમે આજે મને અંદરથી જંજોડી નાખ્યો છે. હું એવાં પ્રેમને ધિક્કાર કરું છું. મારા આ શબ્દો અહીં બેઠેલા પ્રેમીઓ સાંભળી શકશે નહીં! પણ, સાચી વાત છે..... પ્રેમીઓ આ પ્રેમના ચક્કરમાં પડજો પણ ચેતીને રહેજો. આ પ્રેમ દગો પણ આપી શકે છે અને મારી પણ શકે છે. હું તો બચી ગયો છું, અંદરથી તૂટી ગયો છું. આ પ્રેમની વ્યાખ્યા કરવી અઘરી છે. હશે!

એ કંકોત્રી હવામાં ફંગોળી અને રોશની નામે મોટા આવજે બૂમ પાડી. અનાયાસે મોટા આવજે ક્યાંક રેડિયો વાગતો હતો ને એમાં ગીત વાગતું હતું,

"દિલ મેરા તોડ દિયા ઉસને.... બુરા કયું માનું.."

આંખે આંસુ આવી ગયા અને લાલ આંખે સ્ટેજ પર ગયો. એક હાથ રોશનીનો અને બીજો હાથ રોહનનો ઝાલ્યો. બેયના હાથ ભેગા કર્યા અને મોટા અવાજે બોલ્યો, "મારો આ સફર સફળ રહ્યો...."

મેં વરઘોડાને કીધું, ભાઈ મસ્તીના અને જોરશોર વાળા ગીત વગાડ! આ દર્દ એકવાર હોય ખુશી વાંરવાર હોય.. આજે મારી પૂર્વ પ્રેમિકાના વિવાહ છે, એના માટે સારા ગીત વગાડ....

"મેરે યાર કી શાદી હૈ....." ગીતના સ્વરમાં હું પ્રેમથી ભાંગેલા દગા ને ભૂલી ગયો.

સમાપ્ત

તીર્થ શાહ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ