વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલને દોસ્ત

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

તું બનજે ભરતીયોને,

હું બનીશ અલ્લડ જેન્તીયો,

વાતવાતમાં બાખડીશું આપણે 

કરીશું કિટ્ટાને,બુચ્ચા તો પળવારમાં..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

જઈશું નિશાળે ચડ્ડીબુશકોટમાં,

માથે કરશું તેલની રેલમછેલ,

ખંભે દફતર મેલીને મુકશું સીધી દોટ,

આચાર્યની ભેં ભાળીને લીલાબેન પણ કેવા દોડતા..તા..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

ભલેને હોય ભગલો હોશિયાર મોનીટર,

અઘરા પ્રશ્નો  કરીને એને પણ હરાવીશું,

બાબુલાલ સા'બની પ્રશ્નાવલીમાં ઘણાંની વાટ લગાડીશું..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

કબડ્ડીને,ખોખોની રમતું ખૂબ રમતાં 

આપણે ખડતલ તો ખરા જ ને,

ગિલીદંડાની રમતમાં આપણી તોલે ક્યાં કોઈ આવતું..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

બચુગોરના બાબાકાકાની દોસ્તી નિભાવશું,

તજ,લવિંગ,એલચીને,સોપારીના ડબ્બા પર ક્યારેક હાથ પણ મારીશું..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

નવા પણ,વિના લાદી-પ્લાસ્ટરવાળા ઘરમાં વાંચવાની ઓરડી બનાવીશું,

ભણતાં ભણતાં દોસ્તોની સંગ કદી કદી વાતોની મહેફિલ સજાવીશું..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

ગામ ભાગોળે,કુવાના કાંઠે મિત્રોની ટોળીમાં બેસીને પનિહરીના દીદાર કરી,કિશોર હૈયે વસંતને બોલાવશું..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

ઢળતી સાંજે તળાવ પાળે બેસી  ક્યારેક ક્યારેક માંહ્યલા કવિવરને જગાડી,કાવ્યોને સંગ હાઈકુની રચનાઓ પણ માણીશું..

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

નાની અમથી વાતમાં ભેંકડો તાણવાનું ત્રાગું તો હવે સાવ ભુલાઈ ગયું દોસ્ત,    ભણતાં ભણતાં કિશોર મટીને આપણે ક્યારે મોટા થૈ ગયા?

ચાલને દોસ્ત,ફરીથી આપણે આજ નાના બાળક બની જઈએ.

જયંતિલાલ વાઘેલા (એકાંત)

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ