વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભજિયાં

પ્લેટફોર્મ પર તળાતાં ભજિયાંની સુગંધથી મારા મોઢામાં પાણી આવી ગયું. મેં સ્ટેશનનું નામ વાંચવાનો વિચાર સુદ્ધા ન કર્યો. જેની કોઈ મંઝિલ જ ન હોય એને સ્ટેશનના નામથી શું ફરક પડવાનો હતો? વળી આક્રોશને મારી ભૂખ પરથી ઉતરવા માટે લાંબુ અંતર કાપવું પડ્યું હતું. એટલે બધા વિચારો છોડી મેં ફટાફટ ભજિયાં ઝાપટવાનું શરુ કર્યું. 


હું ભજિયાંની લારી સામે જઈ ઉભો રહ્યો. આક્રોશ માત્ર ભૂખ પરથી ઉતર્યો હતો, મગજ પરથી નહિ. ચા સાથે ભજિયાં ઝપાટાબંધ પેટમાં પધરાવતીવેળા પણ મારું મગજ સતત ચાલુ હતું. પેલી કુલટાના કારણે મારે શા માટે નાલેશી ભોગવવી?


મારા હાથ થંભી ગયા. હું શૂન્યાવકાશમાં તાકી રહ્યો. ખાવાની ઈચ્છા ફરી મરી પરવારી. હું બચેલા ભજિયાંનું પડીકું વાળીને ફરી ટ્રેનમાં ચડ્યો. રીઝર્વેશન વગરની બારી પાસેની મારી કાયમની જગ્યા પર એક બારેક વર્ષનો છોકરો આવી બેઠો હતો. આમ તો એને તે જગ્યા પરથી ઉઠાડવાનો મને કોઈ હક નહોતો. પરંતુ, દરેક જીવની તાસીર જ હોય છે, દરેક જગ્યાએ પોતાનો માલિકીભાવ જતાવવાની! પેલી કુલટાએ પણ તો મારી સાથે એવું જ કર્યું હતું. તેણીએ મને જન્મ આપ્યો હતો. પણ, તેથી કંઈ એ મારી માલિક તો નથી બની જતી ને? મને દુનિયામાં લાવવાનું એણે ભલે નક્કી કર્યું હોય. તેથી કંઈ એમ તો સાબિત નથી થઇ જતું ને કે મારી આ બેકાર જગતમાં આવવાની ઈચ્છા હતી જ. 


મેં અભાનપણે મોઢું મચકોડ્યું અને પેલા છોકરાને, એ બેઠો હતો ત્યાંથી ધકેલીને નીચે પાડી દીધો. એની આંખોમાં લાચારી તગતગી ઉઠી. એનો ફાટેલો મેલો શર્ટ અદ્દલ મારા શર્ટ જેવો જ હતો. મારી અને એની ગરીબી થીંગડા નીચેથી એકમેકને જોઈ રહી હતી. મેં ધકેલ્યો તેથી તે છોકરાનો ચહેરો રડમસ થઇ ગયો. નીચલો હોઠ અંદર-બહાર થઇ રહ્યો હતો એ જોઈને મને લાગ્યું કે એને મારો વર્તાવ નથી રુચ્યો. એ અચકાટ સાથે મારા પગ પાસે જ ટેકો લઈને બેઠો, પણ સહેજ દૂર, ડરીને!


જો કે, આ છોકરાને કારણે પેલી કલંકિનીના વિચારો પરથી મારુ ધ્યાન જરાવાર હટ્યું તેથી ફરી મારી ભૂખ ઉપડી. મેં બચાવી રાખેલા ભજીયાંનું પડીકું ખોલતા જ કમ્પાર્ટમેન્ટમાં ભજિયાંની સુગંધ ફરી વળી. 


ભજિયાં મને નાનપણથી જ બહુ ભાવતા. એમ કહો કે, એનાથી જ પેટ ભરતો! આ વાત પેલી પણ જાણતી હતી. હા જાણું છું, તમે કહેશો કે, એ તારી મા છે તે એને ખબર જ હોય ને દીકરાને શું બહુ ભાવે છે તે. પણ એ સાચો તર્ક નથી. સાચી વાત તો એ હતી કે, એ મને ભજિયાં સિવાય બીજું  કંઈ જ ખવડાવી શકતી નહોતી. 


સાંજના સમયે લારી બંધ કરતી વખતે, ગરીબીમાં કરકસરના નામે એ બચેલા ભજિયાં મારી સામે ધરી દેતી. મારા નામથી ચાલતી ભજિયાંની લારી, 'બિરજ ભજિયાં' મારી આંખ સામે આજે પણ તરવરી ઉઠે છે. ખબર નહિ એ ભજિયાં વેચીને કમાયેલા પૈસાનું શું કરતી હતી? નવા પૈસા આકર્ષવાની તૈયારી? હા એ જ, સાંજે અમારી ઝૂંપડીમાં પ્રવેશતી બંગડીની રણક અને મોગરાની સુગંધ મને ગુમશુદા થયેલા પૈસાનું સરનામું આપી જતી. બંગડીની એ રણક મારા કાનના પડદાં ચીરી નાખતી. એ મઘમઘતી સાંજ મને ઘરમાં ટકવા દેતી નહોતી. હું ગૂંગળાઈ જતો અને ઘરમાંથી નાસી છૂટતો. 


આખો દિવસ તો હું ઘર નજીકની સરકારી સ્કૂલના ઓટલે જઈ બેસી રહેતો. હા, ઓટલા પર જ, મને અંદર પ્રવેશની મનાઈ હતી. ના ના. સ્કૂલ ફીના કારણે નહિ. પેલો માસ્તર મને વર્ગખંડમાં ઘૂસવા નહોતો દેતો. કહેતો કે, "કુલટાના લોહીને ભણવા બેસાડું તો મારી સરસ્વતી મા મારા પર કોપે." તમે જ કહો, ખરેખર એવું હોય? શું એમની સરસ્વતી માને મારુ નિષ્કલંક જીવન નહિ દેખાયું હોય? પેલી કલંકિનીના પાપે મારે અભણ રહેવાનું? 


ખેર, હું ઓટલે બેસીને થોડું-થોડું અક્ષરજ્ઞાન લેતો રહેતો. સાંજે પેલીની લારી પરના બચેલા ભજિયાં ખાઈ સ્ટેશનના બાંકડા પર બેસીને આવતી જતી ટ્રેન જોતો સૂઈ જતો. ક્યારેક ટ્રેનમાં બેસી જઈ બીજા સ્ટેશનની લારી પરના ભજિયાંનો આસ્વાદ માણી આવતો. જો કે, એક વાત કહું? મને હંમેશા પેલીની લારીના ભજિયાં જ સૌથી વધુ સ્વાદિષ્ટ લાગ્યા છે. તેની લારી નજીક પહોંચતા જ મારી જીભ આપોઆપ હોઠ પર ફરી વળતી.


મેં ભજિયાંનું પડીકું ખોલ્યું એ જોઈને મારા પગ પાસે બેસેલા છોકરાની જીભ હોઠ પર ફરી વળી. એને ધક્કો મારીને ઉઠાડી દીધાનો મને જે સહેજ અપરાધભાવ હતો તેને ડામવાના હેતુથી મેં એના ચહેરા સામે ભજિયાં ધર્યા. આ જ ક્ષણની રાહ જોતો હોય એમ એણે લપકીને આખું પડીકું લઇ લીધું. ભજિયાં ચટ કરી જઈ એણે તેલવાળા કાગળનો ડૂચો બારી બહાર ફેંક્યો અને માથું હલાવી મને કહ્યું, "મને ભજિયાં બહુ જ ભાવે છે."


તેની નિર્દોષતા જોઈ હું હસી પડ્યો અને કહ્યું, "એમ? મને પણ બહુ જ ભાવે છે."


મને હસતો જોઈને એ છોકરો થોડો ખુલ્યો, "આ ભજિયાં સરસ હતાં. પણ મારી મા જે ભજિયાં બનાવે છે તે આના કરતાં વધુ સ્વાદવાળા હોય છે." 


એની વાત મને ફરી પેલીની યાદ અપાવી ગઈ હું 'હમ્મ' કહી ચૂપ રહ્યો. તેથી પેલો છોકરો ફરી ઝંખવાયો. ફરી કોઈ અપરાધભાવ મને ઘેરી ન રહે એ વિચારે મેં એની સાથે વાત કરવાની કોશિશ કરી, "તું એકલો જ આ ટ્રેનમાં કેમ ભટકે છે? તારું ઘર અને તારી મા ક્યાં છે?"


"હશે એ તો લારી પર, આ ટાણે ભજિયાંના ઘરાક બહુ રહે ને! હું તો રોજની જેમ બીજા સ્ટેશનના ભજિયાં ખાવા નીકળ્યો છું. આજે તારા હાથે ખાઈ લીધા. હવે આવતા સ્ટેશન પર ઉતરીને મારા ઘરે જાઉં." કહી છોકરાએ મારી બાજુમાં જ બેઠક લઇ લીધી.


મને આશ્ચર્ય થયું, "તારી મા પણ ભજિયાં વેચે છે?"


"હા, બહુ જ સ્વાદિષ્ટ. તારે ચાખવા છે? સાંજે લારી બંધ કરતી વખતે જે ભજિયાં બચશે એમાંથી એ મને થોડાં ખાવા આપશે. એમાંથી હું તને આપીશ. પણ જો જે, બહુ ભાવે તોયે બીજા ન માંગતો. બિચારી એ પણ બચેલા ભજિયાંથી જ પેટ ભરી લે છે. સાંજે એ બીજું કામ પણ કરે છે ને." પછી અવાજ ધીમો કરી એ છોકરાએ મને કાનમાં કહ્યું, "લોકો કહે છે કે, એ જે કામ કરે છે એ સારું નથી. પણ મારી મા કહેતી હતી કે, એ આ કામમાં ફસાઈ ગઈ છે અને હું મોટો થઈને સારા ઘરમાં રહી શકું અને સારું ખાવાનું ખાઈ શકું એટલે તે એ કામ કરતી રહે છે." એ અટક્યો અને ઊંચા થઇ બારી બહાર જોઈ ફરી કહ્યું, "ચાલ આવી ગયું સ્ટેશન. મારુ ઘર અહીં નજીક જ છે. મારી સાથે ચાલ."


મારુ મગજ ચકરાવે ચડ્યું હતું. આ છોકરાના અને મારા જીવનમાં આટલી સામ્યતા કઈ રીતે? હું એની પાછળ દોરાયો. દોડતો જઈને તે એક ઝૂંપડીમાં ભરાયો. અદ્દલ મારી બાળપણની ઝૂંપડી જેવી જ આ ઝૂંપડી હતી. હું ઝૂંપડીમાં પ્રવેશ્યો. અંદર એક જૂની ખખડધજ લારી પડેલી હતી. જેના પર નામ લખ્યું હતું, 'બિરજ ભજિયાં'. પેલો છોકરો એ લારી પર હાથ પસવારતો જઈને દીવાલને ટેકે ઉભો રહી, હસીને મારી સામે જોવા લાગ્યો. મારી નજર એની પાછળની દીવાલ પર પડી. એક ઝાંખી થયેલી તસ્વીર પર ધૂળ ચડી હતી. મેં નજીક જઈને એ ધૂળ સાફ કરી. 


"આ તો... પેલી કલંકિની જ. અને આ છોકરો? હું પોતે?" મને આંખે અંધારા આવવા લાગ્યા. મેં એ છોકરાને પૂછ્યું, "તને તારી મા ગમે છે?"


"હા, બહુ જ. મારી મા છે ને! પણ લોકો કહે છે કે, એ ખરાબ કામ કરે છે એટલે એનાથી નફરત કરવી જોઈએ. એટલે નફરત પણ કરું છું." કહી એ છોકરાએ સ્ટેશન તરફ દોટ મૂકી. 


હું પણ એની પાછળ દોડ્યો. નજીકથી પસાર થતાં રાહદારીઓનો વાર્તાલાપ મારા કાને અથડાયો. તેઓ મારા વિશે જ વાત કરી રહ્યા હતાં. કહી રહ્યા હતા કે, ‘આ પેલી ભજિયાંવાળીનો છોકરો. બારેક વર્ષનો હતો ને એની મા અકસ્માતમાં મરી ગઈ. બસ ત્યારથી એનું ચસ્કી ગયું છે. રોજ ઝુંપડીએથી સ્ટેશન અને સ્ટેશનથી ઝૂંપડીએ દોડતો રહે છે અને ટ્રેનમાં ભટકતો રહે છે અને એકલો એકલો વાત કરતો રહે છે.’


તમે જ કહો, શું તેઓ સાચું કહેતા હશે?  


----

સમાપ્ત 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ