વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમ-બંધ ૨

કેમ છો? મજામાં જ હશો. પણ મારી વાત સાંભળવા તૈયાર તો છો ને? અરે... મને ન ઓળખ્યો? હું સંબંધ છું. આપણે પરમદિવસે વાત થયેલી. 

ચાલો આજે આગળ વધીએ. મારે જે કહેવું છે એ કહેતા પહેલાં મારે આવી બધી વાતો કરવી જરૂરી છે. એટલે કંટાળી ન જતાં. મને સાંભળજો. મને સાંભળનારની જરૂર છે. હકીકતમાં તો દરેક સંબંધમાં સાંભળવાની જરૂર છે.

આજે શરૂઆત કરીએ. 

સંબંધ.... તમને શબ્દની સંધિ છૂટી પાડતા આવડે છે? જરા પાડો ને પછી નીચેનો ફકરો વાંચજો. 

સમ બંધ ... 

બંધ વિશે આપણે રસાયણશાસ્ત્ર, પર્યાવરણ અને બીજી ઘણી જગ્યાઓએ શીખ્યા જ છીએ બરાબર...? પણ સંબંધ નામ આ બધાંથી ઉપર છે છતાં દરેકમાં છે. ચાલો વિચારીએ. 

સમ બંધ બંધાય તો સંબંધ બંધાય બરાબર? પણ કોઈ પણ બંધ સમ છે એ કેવી રીતે ખબર પડે? તમે તો માણસો છો. જન્મથી જ બુધ્ધિશાળી. એકમાત્ર બુધ્ધિશાળી જીવ. ઈશ્વરનું ઉત્તમ સર્જન. પણ હું તો એક ભાવવાચક સંજ્ઞા.. જેને અનુભવી શકાય પણ સ્પર્શી , જોઈ, સાંભળી,બોલી કે ચાખી ન શકાય. છતાં તમે બધાં જ એને માત્ર અનુભવતા નથી બાકી પાંચેય ઈન્દ્રિયોનો ઉપયોગ ચોક્કસ કરો છો સંબંધ માટે. 

જ્યાં સંબંધ બંધાય ત્યાં સમ બંધ એટલે કે પરસ્પર સરખાં બંધનો અને સરખી છૂટ હોવી જોઈએ. જો આવું ન થાય તો સંબંધ ટકવો મુશ્કેલ બની જાય. 

શું તમે પણ સંબંધને પાંચ ઈન્દ્રિયો વડે માણો છો?. સંબંધ એટલે કે મારું તમારી જિંદગીમાં શું મહત્ત્વ છે.?

મને જવાબ આપતાં રહેજો. મારાં પ્રશ્નો કદાચ સહજ ન પણ હોય. આગળ જતાં આપણે કંઈક સખત અને કંઈક અગમ્ય ચર્ચાઓ પણ કરીશું. પરંતુ એ મારાં માટે સ્વાભાવિક છે. મારે તમને કશું જ શીખવવાનું નથી. મને તો ફક્ત મારાં સવાલોના જવાબ જોઈએ છે. 

તમારી જિંદગીમાં સમ બંધ સંબંધો કેટલાં? સમ બંધ એટલે તમારાં મતે શું? સંબંધ એટલે કે હું સાચો કે ખોટો છું એ તમે કેવી રીતે નક્કી કરો છો?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ