વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ કે આકર્ષણ

આજે  કોલેજ માં ખૂબજ મોજ, મજા અને મસ્તી નું વાતાવરણ હતું, અને હોય પણ કેમ નહીં!  સરકારી ઇજનેરી કોલેજ માં આજે ટેકફેસ્ટ ચાલુ હતી. પુરા ગુજરાત ના ઇજનેરીના વિદ્યાર્થીઓ આજે અહીં ભેગા થયા હતા.


એકબાજુ ટેક્નિકલ વિભાગ, તો બીજી બાજુ નોંનટેક્નિકલ વિભાગ એની વચ્ચેજ બધાના આકર્ષણ નું કેન્દ્ર 'ઓન ધ સ્પોટ ગેમ' હતું. અહીં એકઠી થયેલી ભીડમાંથી ગમે તે વિધાર્થી અને વિદ્યાર્થીની ને બોલાવી ગેમ રમવા આયોજક દ્વારા આમંત્રણ આપવામાં આવતું અને ઘણી વાર પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ વિદ્યાર્થી આવતા અને ચાલુ થતી મજાની અવનવી રમત.


આ રમતમાં સૌથી જૂની લીંબુ ચમચી ની રમત તો હોટ ફેવરીટ બની ગઇ. ઇજનેરીના વિદ્યાર્થીઓને આ રમતમાં તો ખૂબ મજા પડી. વળી સંગીત ખુરશી ની રમત પણ ખૂબ મજાની ચાલી. એના સિવાય પણ ઘણી રમતો સાથે બધા મજા માણી રહ્યા હતા. આ ડેસ્ક ની પાછળ એક ગાર્ડન હતું અને એજ ગાર્ડન માં મોહિત આજે એક યુવતીની પાછળ પોતાની કોલેજમાં ઘૂમી રહ્યો હતો.


મોહિત સ્વભાવે ખૂબ શાંત અને દેખાવે શ્યામવર્ણ, હાઈટમાં પણ ઠીક અને પહેરવેશ એકદમ મોડર્ન યુવક હતો. ઉપર થી એના સ્ટાઈલિશ વાળ એને કંઈક અલગજ દેખાવ નો બનાવી રહ્યા હતા. એને જોતાજ કોઈ પણ યુવતી મોહિત થઈ જાય એવો હતો મોહિત...


એક વાક્યમાં કહેવાય તો.. મોહિત એટલે મોહિત....


આજે મોહિત કઈ અલગ જ દુનિયામાં ઘૂમી રહ્યો હતો. એને કોલેજમાં આવેલી એક યુવતી સાથે લગાવ થઈ ગયો. પ્રેમ તો ના કહી શકાય ! યુવતી બગીચામાં બેસવા ગઈ તો મોહિત પણ ત્યાં ગયો.. યુવતીને પણ મોહિત ના પીછો કરવાની ખબર પડી ગઈ હતી. જેથી યુવતી બગીચા માંથી કોમ્પ્યુટર વિભાગ પાસે રહેલા બાંકડા પાસે જઈને બેઠી જ્યાં અત્યારે એની મિત્ર બેઠી હતી એની સિવાય ત્યાં અત્યારે કોઈ હતું નહીં.


મોહિત ને પણ થોડો ડર લાગતા,  કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતા પોતાના મિત્ર ભૂરાને ફોન કરી બોલાવ્યો. જેવો ભુરો આવ્યો એ ભૂરાને સાથે લઈ, એ યુવતી પાસે જઈને ઉભો રહ્યો. ભૂરો આગળની ઘટનાથી અજાણ હતો. ત્યાંજ પુરી ઘટના ચાલુ થઈ.


મોહિતે સામે બેઠેલી, એ યુવતી ને કહ્યું,"મારી સાથે મિત્રતા(friendship)  કરીશ..?"


અને પેલી યુવતીએ કઈ કહ્યું નહીં.. એ બસ મોહિત સામું જોઈ રહી.. ભૂરો તો મોહિત ઉપર ગુસ્સે થઈ ગયો. મોહિત નો હાથ પકડીને સીધો એ કોલજ ની બહાર  આવેલ કેન્ટીન માં લઇ ગયો.


મોહિત હજીએ યુવતીના વિચારમાં જ હતો. એ નશીલી આંખો, અને એનાથી પણ વધારે એના એ ખુલ્લા કેશ.. આછા ગુલાબી રંગનો ડ્રેસ એના દેહ ને વધારે નિખારી રહ્યો હતો.


"એ ભાઈ... તું જેને મિત્રતા નું નોતરું દઈને આવ્યો એની પાછળ કાલે ગામ ગાંડુ હતું." ભૂરા ના શબ્દો મોહિત ને કાને પડ્યા ને મોહિત ચોકી ઉઠ્યો.


"શુ વાત કરે...!!??"


"હા... કાલે તને રાત્રે જે રિચા ની વાત કરી હતી.. એ આ પોતે.."


(ગઈ કાલે બે ગ્રૂપ વચ્ચે રિચા ના કારણે મારામારી થઈ અને એમાં જેણે રિચા નો હાથ પકડ્યો હતો એ છોકરા ને કાલે રિચાના ચાહકોએ હાથ વગર નો કરી દીધો હતો...)


ભૂરા એ પોતાના શબ્દો ને પુરા કરી હાથ માં જગાવેલી સિગરેટ મોહિત ને આપી..


મોહિતે સિગરેટ નો કશ લગાવી.. પોતાના દિલ નું પેલું આકર્ષક ભુલાવી દીધું...

બે દિવસ પછી એ જ રિચા કોલેજ ના ગેટ પાસે કોઈની રાહમાં ઉભી હતી. મોહિત એને કેન્ટીનમાં બેઠો જોઈ રહ્યો હતો. દસેક મિનિટનો સમય પસાર થઈ ગયો પણ રીક્ષા ન મળી. મોહિતની અંદર નો પ્રેમ ફરી જાગ્યો અને બાઇક લઈ રિચા પાસે જઈ ઉભો રહ્યો.


"ખોટું ના લાગે તો હું તમને પૂછી શકુ તમે એકલા કેમ ઉભા છો ?"


"મારે અત્યારે જ હોસ્પિટલમાં જવું છે..." રિચા ના ચહેરા ઉપર થોડી ચિંતા અને અવાજ માં થોડો ડર હતો..


મોહિતની બાઇકમાં પાછળ બેસી રિચા એ હોસ્પિટલ નું સરનામું આપ્યું. હોસ્પિટલ ના ગેટ પાસે પહોંચી રિચા, મોહિતનો આભાર માની હોસ્પિટલની અંદર કોઈની શોધમાં ગઈ. મોહિત રિચાની રાહમાં ત્યાંજ કલાક સુધી ઉભો રહ્યો. કલાક પછી રિચા હોસ્પિટલમાંથી બહાર આવી. સાથે એક બીજી યુવતી પણ હતી.


એ યુવતીના હાથમાં પાટો હતો અને માથામાં પણ. રિચા એ યુવતીને લઈ રિક્ષામાં બેસી ચાલતી થઈ પણ જતા પહેલા મોહિતને હળવું સ્મિત આપતી ગઈ... આ સ્મિત મોહિત માટે અમૃત સમાન હતું.


મોહિત આ સ્મિતના નશામાં પોતાના રૂમેં પહોંચ્યો.જ્યાં ભૂરો એની રાહ જોઈ રહ્યો હતો. ભૂરા એ મોહિતને જોઈ એની મજાક કરતા કહ્યું,"આજ તો આશિક, લેલા ને ફરવા લઈ ગયા એવા સમાચાર કોલેજ માં ફરે છે..."


ભૂરા ના સવાલનું તો શુ, ભૂરો પોતાના રૂમમાં છે એનું પણ ભાન નહોતું. ભૂરા એ મોહિતને આગળ કઈ કહ્યા વગર મોહિતને એના સપનામાં બે ઘડી જીવવા દીધો અને પોતે રૂમની બહાર જતો રહ્યો.


મોહિત ને રિચા તરફ નું આકર્ષણ હવે પ્રેમ તરફ આગળ વધતું લાગી રહ્યું હતું. આજ પ્રેમ છે. આખી રાત રિચાના પ્રેમ ભર્યાં સપના જોઈ મોહિત માટે એક નવી જ સવાર થઈ જેમાં આજે એ રિચા સામે પ્રેમ નો પ્રસ્તાવ રાખવાનો હતો. જેનાથી રિચા અને આખી કોલેજ અજાણ હતી.


મોહિત સવારે નવા લાવેલ કપડાં પહેરી સુગંધી અતર છાટી બાઇક લઈ કોલેજ તરફ નીકળ્યો. કોલેજ માં આજે મોહિત ની નજર રિચા ને શોધી રહી હતી. રિચા મળી ગઈ અને એજ બાંકડે બેઠી હતી જયાં મોહિત ને પહેલી વાર મળી હતી બાજુમાં હોસ્પિટલમાં મળેલી યુવતી પણ હતી.


મોહિતે રિચાની નજીક જઈને પોતના હાથમાં રહેલ લાલ ગુલાબ રિચાને આપ્યું. રિચા એ ગુલાબ લઈ બાજુમાં બેઠેલી પોતાની મિત્ર ને આપ્યું અને કહ્યું,"ફરી એક યુવાન આપણા દેહના આકર્ષણમાં આવી આપણને ગુલાબ દેવા આવ્યો છે."


"રિચા આકર્ષણ નથી આ ..."


મોહિતની વાત અધવચ્ચે જ કાપી રિચા બોલી,"આ આકર્ષણ જ છે.. તમે અમારા માટે મારામારી અને એકબીજા ને મરવા મારવા ઉપર ઉતરી આવો એ શું હોઈ શકે ? એ પ્રેમ તો ના જ હોય !"


"પણ એ હું નહોતો..."


મોહિતના શબ્દોથી રિચા અને બાજુમાં બેઠેલી યુવતી હસવા લાગી. મોહિતના ચહેરા ઉપર કઈ ગુમાવવા નો ડર દેખાઈ રહ્યો હતો.


"ઓકેય... એ ભૂલી જાવ... મારા લગ્ન પહેલેથી..."


"મોહિત.... એ મોહિત.... જલ્દી જાગ.... " ભૂરો મોહિતને જગાડતો એના રૂમમાં હતો.


મોહિત જાગ્યો અને કહ્યું,"એલા.. થોડી વાર સુવા દેવાયને.. હમણાં રિચા હા પાડવાની જ હતી..."


"એલા દસ વાગી ગયા.. કોલેજ નથી જવું.."


"જવું છે અને રિચા ને પણ મળવું છે.."


"જઈશું તો મળશું... બાકી એ પોતે તો અહીંયા નહીં આવે..."ભૂરો મોહિત ને જગાડી નાહવા ગયો.


હજી મોહિત સપનામાં થયેલી એની અને રિચાની મુલાકાત યાદ કરી રહ્યો હતો.. ત્યાંજ એના ફોનમાં એક મેસેજ આવ્યો.

મેસેજ વાંચતાની સાથેજ ફોન હાથમાંથી પડી ગયો...


" આજે સવારે ઇજનેરીની એક વિદ્યાર્થીની રિચા એ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. સુત્રોની માહિતી પ્રમાણે આ આત્મહત્યા ની પાછળ નું કારણ હજી અકબંધ છે."


મોહિત હજી બેડ ઉપર જ બેઠો હતો. ભૂરો બાથરૂમમાંથી બહાર આવી પોતાનો ફોન ચેક કર્યો. એના ફોન માં કોલેજ ના ગ્રુપનો મેસેજ હતો...


"પોતાની જ સુંદરતા પોતાને ભરખી ગઈ.. રિચા ને કોલેજના એક યુવાનને પ્રેમની ના કહેતા. એ યુવાને પોતાના કોલેજ બહાર ના બધા મિત્રો ને કહી રિચા ની આજુબાજુમાં રહેતા રિચાના મિત્રો ને હેરાન કરવાનું ચાલુ કરી દીધુ હતું એના ત્રાસથી કંટાળી રિચા એ આત્મહત્યા કરી.."


મેસેજ વાંચી ભૂરાની નજર મોહિત ની સામે સ્થિર થઈ.. ભૂરા ને સામે જોઈ મોહિત એટલું જ બોલ્યો,"શુ રિચા માત્ર આકર્ષણ હતી, કોઈના પ્રેમ ની હકદાર નહીં.."


ભૂરા એ મોહિતના ગાલ ઉપર થપ્પડ મારીને કહ્યું,"એલા પ્રેમના પાગલ માણસ આગળ નો ગ્રૂપ અડમીન નો મેસેજ વાંચ."


આ મેસેજ ઘણા સમય થી ફરે છે..જે ખોટા સમાચાર છે.. આવા મેસેજ ના મોકલવા...


ગ્રૂપ એડમીન નો મેસેજ વાંચી મોહિત ઉભો થયો અને કોલેજ જવા તૈયાર થયો. કોલેજ માં જતાની સાથે જ એ રિચા ને ગોતવા લાગ્યો. રિચા એ જ બાંકડા ઉપર એની મિત્ર સાથે બેઠી હતી. એજ રીતે જે રીતે સપનામાં જોયું હતું.


મોહિત, રિચા ની સામે જઈને ઉભો રહ્યો. પોતાની સાથે લાવેલ ગુલાબ મોહિતે,  રિચા ને આપ્યું. રિચાએ ગુલાબ લઈને બાજુમાં બેઠેલી એની મિત્ર ને આપ્યું. મોહિત ના તો હોશ ઉડી ગયા. એને પોતાના મિત્ર ની વાત યાદ આવી...


આપણે સપનામાં ઘણી વખત એવી ઘટના અનુભવીએ છીએ જે ભવિષ્ય માં આપણી સાથે થવાની હોય છે... પણ એ ભાગ્યેજ કોઈને યાદ રહે છે..જ્યારે એ સાચે જ બને છે ત્યારે એવું લાગે છે કે આ મારી સાથે બીજીવાર થાય છે..


"હું, અત્યારે પ્રેમ ની વાત તો નહીં કરું.. એ મારું તારા પ્રત્યેનું આકર્ષણ પણ હોઈ શકે, અત્યારે તો માત્ર એક મિત્ર બનાવની ઈચ્છા લઈને આવ્યો છું."મોહિત બોલ્યો.


મોહિતની વાત થી રિચા તો પ્રભાવિત થઈ પણ એની બાજુ વાળી યુવતી પણ મોહિત ની વાતમાં મોહિત થઈ ગઈ.


"તમારું નામ તો નથી ખબર પણ તમારી વાત થી તમારા મિત્ર બનવું અમને ગમશે..."રિચા એ મોહિત ની મિત્રતા સ્વીકારતા કહ્યું.


મોહિતના નિર્ણય ના લીધે મોહિત અને રિચાની મિત્રતા કોલજ પછી પણ બીજા લોકો માટે આકર્ષણ કે પ્રેમ ને એકબાજુ મૂકી મિત્રતા નું ઉદાહરણ રહી...


સમાપ્ત...


લી. પારસ બઢીયા

મો.૯૭૨૩૮૮૪૭૬૩.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ