વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૃત્યુ~અચાનક આવી પડતી ક્ષણ

'એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,

મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણે આવશે.' 

                             (-ભગવતીકુમાર શર્મા)

                                      

        આંગળી પરના નખ વધે, માથા પરના વાળ વધે, વ્યક્તિનું કદ વધે, ઉંમર વધે, કળીમાંથી ફૂલો ખીલે, સૂર્યનું આથમવું-ઊગવું વગેરે જેવી ઘટનાઓનો ચોક્કસ સમયગાળો હોય છે. પરંતુ ક્ષણ ચોક્કસ હોય છે ખરી? મૃત્યુનું પણ એવું જ... આકસ્મિક મૃત્યુ હોય કે સામાન્ય મૃત્યુ આપણે એ ક્ષણથી તો અજાણ જ હોઈએ! અણધાર્યું આવે એનું નામ જ મૃત્યુ.


         'મૃત્યુ!' આ શબ્દ સાંભળીને લગભગ દરેકના હૈયે એક ખળભળાટ મચી જતો હોય છે. મૃત્યુ, મરણ, અવસાન આમાંનો કોઈપણ શબ્દ આપણા કાને અથડાય ત્યારે ક્ષણભરમાં જ આપણે કેટકેટલાય દ્રશ્યોમાંથી પસાર થઈ જતા હોઈએ છીએ. 'રામ-નામ સત્ય હે'ના નાદ સાથે નીકળતી કોઈની અંતિમયાત્રા, સ્વજનના મૃત્યુ બાદ વલોપાત કરતો એનો પરિવાર, દૈનિકપત્રોમાં પ્રકાશિત થતી અવસાન નોંધ, મરણ પામેલી વ્યક્તિ પાછળ કરવામાં આવતા ક્રિયાકાંડોના પ્રસંગો... આવા તો અઢળક દ્રશ્યો નજર સામે ફરી વળે છે ત્યારે આપણી પાસે માત્ર સ્તબ્ધતા જ હોય છે! અને આવા સમયે અંદરને અંદર ઘૂંટતો પેલો એક ડર વધુ સમીપે આવી રહ્યો છે એવો ભાસ થવા લાગે છે.


        શું એ ડર ખુદના મૃત્યુનો હોય છે? કે પછી આપણા સ્વજનોના મૃત્યુનો! સ્વજનને ગુમાવ્યા બાદ જે પીડા હૃદય ભોગવે છે એ પીડા કેવી હોય છે? ડાળી પરથી ફૂલને ચૂંટવી લઈએ ત્યારે ડાળીને થતી હોય છે એવી પીડા? પાનખરમાં પાન ખરી પડે ત્યારે વૃક્ષોને થતી હોય છે એવી પીડા? દાણા ચણતાં કબૂતરોના ટોળામાંથી શિકારી આવીને એક કબૂતરનો શિકાર કરે ત્યારબાદ અન્ય કબૂતરોને થતી હોય છે એવી પીડા? હા, એ પીડા અકથ્ય હોય છે, અકથ્ય! એ પીડા અનુભવ્યા બાદ આપણને જાણ થાય છે કે પેલો ડર તો આ પીડાનો જ હતો! કોઈપણ ઉપચાર વગરની પીડા...


        જ્યારે આપણો કોઈ સ્વજન આપણને છોડીને અનંતયાત્રાએ નીકળી પડે, ત્યારબાદ આપણે રોજ થોડા થોડા મરતા હોઈએ છીએ. આ રોજ થોડા થોડા મરવાની ક્રિયા મૃત્યુ કરતા પણ ભયંકર હોય છે. એનું હોવાપણું આપણા માટે કેટલું અગત્યનું હતું એ તો એના મૃત્યુ બાદ જ આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ! એના સ્મરણો આપણને દઝાડી મૂકે. એકાંતમાં બેઠા હોય અને એ નજર સમક્ષ આવી ચડે ને પછી બીજી જ પળે ધૂમ્રસેર માફક હવામાં ઓળગી જાય! આપણે લાચાર બનીને આ તાક્યા કરવાનું હોય છે.


        જો સ્વપ્નેય ક્યારેય આપણે આપણું મૃત્યુ ઝખ્યું હોય તો સર્વત્ર અંધકાર છવાઈ જાય છે. દેહ છોડી, શ્વાસ છોડી, સંસાર છોડી, મૂડી-મિલકત છોડી, પરિવારજનોને છોડીને રાખમાં ભળી જવાનો પસ્તાવો કે ડર નથી હોતો. ડર હોય છે સ્વજનોની લાગણીનો... આપણા મૃત્યુ બાદ એનું શું થશે? એનો વલોપાત, એનું રુદન, એની નિરાશા, એની એકલતા, એની પીડા, ને ક્યારેક આપણે ય ભોગવી ચૂકેલી પેલી થોડી થોડી મરવાની પક્રિયા એ પણ ભોગવશે?... આ બધાની વચ્ચે શું આપણા આત્માને મોક્ષ મળશે ખરો? આવા સવાલો ચગડોળ માફક મસ્તિષ્કમાં ફરી વળે પરંતુ સંતોષકારક જવાબ મેળવવા આપણે કદાચ એ ક્ષણે થોભતા નથી જ હોતા. 


        આવા વિચારોની હારમાળા જ્યારે મનમાં વીંટળાય ત્યારે આપણે એક ઝાટકે જ એને દૂર ફંગોળવા પ્રયત્ન કરીએ છીએ. પણ એ'ય કાય વસ્તુ થોડી છે તે એક ઝાટકે ખરી પડવાની? થોડીવાર મનમાં ઘૂમ્યા કરશે ને પછી આપમેળે જ એ ગાયબ! 


        ઉંમરની સાથે સાથે સ્ત્રી-પુરુષોનો મૃત્યુ પ્રત્યેનો અભિગમ પણ બદલી જતો હોય છે;


૧.'બળવયના હોય ત્યારે મૃત્યુ એટલે શું? એ સમજ આપણામાં નથી હોતી. ત્યારે કોઈના મૃત્યુ પર આપણે હસી લેતા હોઈએ છીએ.'


૨.'જેમ જેમ યુવાની તરફ જતા જઈએ એમ મૃત્યુ મનને વધુ અસર કરતું હોય છે. જાણીતી કે અજાણી કોઈપણ વ્યક્તિના મૃત્યુના સમાચાર સાંભળીને એક ડર ઉત્પન્ન થાય અને આંખો અનાયાસે જ રડી પડે.'


૩.'ત્યારબાદનો તબક્કો એટલે કે ઉંમર વધવાની સાથે પરિપક્વતાનું પ્રમાણ વધે ત્યારે મૃત્યુ કદાચ સામાન્ય વસ્તુ લાગવા માંડે ને આંખોમાંથી એકપણ આંસુ પણ ન ખરે! પરંતુ અંદરને અંદર હૃદય તો કદાચ રડી જ પડતું હશે...'


      મૃત્યુ એ એક સનાતન સત્ય ઘટના છે. મનુષ્યે એનો સ્વીકાર કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી. અને મૃત્યુથી થતું દુઃખ એ દુનિયાનું સૌથી મોટું દુઃખ! પ્રિયજનના મૃત્યુ બાદ જે વિષાદ ઘેરી વળે છે એ કદીયે દૂર નથી જતો... આપણા મરણ સુધી એ વિષાદ આપણો સાથી બનીને રહે છે. 


દુનિયા ગમે તેટલી આગળ વધશે, આધુનિક ટેક્નોલૉજીનું સામ્રાજ્ય હશે, કોરોના જેવા વાયરસના કારણે ટેલિફોનિક બેસણું જેવી પ્રથા શરૂ થશે. પરંતુ શું મૃત્યુથી મન પર થતી અસર ક્યારેય ભૂંસાશે ખરી?


©~મીરા પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ