વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અજબ જેવી વાત

        "  અજબ જેવી વાત " 

                   ( બાળવાર્તા - બોધકથા )


          એક સુંદર મજાનું સુંદરવન હતું.   સુંદરવનમાં ખૂબ મોટા મોટા ને ઘટાદાર વૃક્ષો હતાં.  કેટલાયે  ફૂલો   અને વેલાથી સુંદરવન લીલુંછમ ભાસતું હતું. ખળખળ વહેતી નદી અને ઝરણાંથી સુંદરવન શોભી રહ્યું  હતું.  આવાં સુંદરવનમાં  રાજા શેરસિંહનું રાજ હતું.  વાઘ,  શિયાળ, રીંછ વગેરે ગુફાઓમાં રહેતાં હતાં.  કાગડા, કોયલ ચકાચકી બધાયે ઝાડ પર માળો બાંધી રહે. 

       આ  સુંદરવનમાં રહેતાં   વિકી વાનરને એક દિવસ  શહેરમાં ફરવા જવાનું મન થયું. તે તો  ઉપડ્યો કુદકા  મારતો, એક ઝાડથી બીજે ઝાડ, એક ડાળી પકડે ને બીજી ડાળી  મુકે. એમ કરતાં  તે પહોચી ગયો શહેરમાં. 

      ઓહહો ! શહેરમાં તો કેટલાં બધાં માણસો.  કેટલી બધી દુકાનો.   કેટલાંય બધાં મોટર, ખટારા,  સ્કુટર વગેરે વાહનો.  કેટલાં મોટા મોટા રસ્તાઓ.  વિકીને તો આ બધું  જોવાની ખૂબ મજા આવી ગઈ.  ફ્રુટવાળાની દુકાનેથી કેટલાય કેળાઓ લઈ ખાઈ લીધાં, તો  કેટલાય માણસની  ટોપી-ચશ્મા લઈ  પહેરી લીધાં.  આમ તોફાન કરતાં કરતાં  સાંજ પડી ગઈ. આથી  વનમાં પોતાના ઝાડ પર પાછો આવી ગયો અને પોતાની ડાળી પર  ઘસઘસાટ ઉંઘી ગયો. 

         ગઈ કાલનાં થાકથી તે આજ મોડો જાગ્યો, પછી જંગલના મેદાન પર આવી બધાને બોલાવવા લાગ્યો.  સાંભળો સાંભળો,   બધાં પ્રાણીઓ,  પક્ષીઓ આવો.  શહેરની અજબ જેવી વાત સાંભળો. તેની બુમો સાંળળી વાઘ,  શિયાળ,  રીંછ ભેગા થઈ ગયાં.  હીનુ હરણીયું કુદતું કુદતું આવી ગયું.  મોર, પોપટ, કાગડો વગેરે ઝાડની ડાળીઓ પર બેસી ગયાં.   સસલા,  હંસ અને બતક પણ આવી ગયાં  !  અંદરો અંદર  ચણભણાટ કરવાં લાગ્યાં " અજબ જેવી વાત !"  શું હશે અજબ જેવી વાત ??.  

       બધાની આતુરતાનો અંત આંણતા તે બોલ્યો : " ગઈ કાલે હું  શહેરમાં ટહેલ મારી આવ્યો.  શહેરમાં કેટલુંક મેં જોયું તે અજબ જેવું હતું." જેવું કે -

ટીવીની દુકાનો  :  નાના નાના ટીવી, તેમાં સમાય કેટલાય માણસો.  કહેતાં સૌ  તેને ટીવી. કેવી અજબ જેવી વાત છે. 

વાહનો  :  હરતી ફરતી ગાડીઓ, તે મેળે મેળે ચાલે. કહેતાં  સૌ  તેને વાહનો. કેવી અજબ જેવી વાત છે. 

બિલ્ડીંગો.  મોટાં મોટાં પથ્થરના ઝાડવાં. તેમાં ઝડપથી ચડે માણસો.  કહેતાં સૌ તેને બિલ્ડીંગો. કેવી અજબ જેવી વાત છે.

મોબાઈલ  : નાના નાના રમકડા. તેમાં સંભળાય સારી સારી વાતો, કહેતાં સૌ તેને મોબાઈલ.  કેવી અજબ જેવી વાત છે. 

એરોપ્લેન : ઉંચે ઉચે ઉડતાં. વગર પાખે આકાશને આંબતા.  કહેતાં  સૌ  તેને એરોપ્લેન.  કેવી અજબ જેવી વાત છે. 

મીઠાઈની દુકાન  ;  નાની મોટી દુકાનો. તેમાં મળતી મીઠી મીઠી વાનગી. કહેતાં સૌ તેને મીઠાઈઓ. કેવી અજબ જેવી વાત છે.  

       અરે ! શહેરમાં તો કેવી કેવી અજબ જેવી વાતો મેં જોઈ.  એક દુકાનમાં તો ઘણાં નાના ને મોટા ટીવી હતાં.  એવડા   ટીવીમાં તો કેટલાય માણસો હરતાં ફરતાં દેખાતાં હતાં.  કેટલાંય મોટર, ખટારા સ્કુટર વગેરે વાહનો હતાં. માણસો તેમાં બેસી જાય એટલે તે આપ મેળે ચાલવાં લાગે. માણસોને જયાં જવું ત્યાં પહોચાડી દે . કોઈને  ચાલવું કે દોડવું ન પડે  અને ઉડવા માટે આ કોયલ પોપટ કાગડાને પાંખો છે,  પણ માણસો પેલાં એરોપ્લેનમાં બેસી જાય એટલે એય મજાનાં ઉંચે ઉંચે આકાશમાં મડે ઉડવાં. આ હંસ તો આટલે ઉપર ઉંચે ઉડી પણ ના શકે.  આહ !  પથ્થરના ઝાડ કેટલાં મોટા મોટા.  જાણે આપણાં જંગલનાં ડુંગરા. કસી ખબર નહીં, પણ  તોય માણસો ઝડપથી તેમાં ચડે અને ઉતરે.  નાનું એવું ચોરસ મોબાઈલ સાધન.  તેમાં તો તમે ગમે ત્યારે ગમે તેની સાથે વાતો કરી શકો.  ચિત્રો જોઈ શકો અને મીઠાઈની દુકાનની તો વાતો જ શું  કરવી ??  મીઠી મીઠી મધ જેવી ગળી ગળી ને સુગંધીદાર મોઠાઈઓ  !! મને તો કોઈએ  કેટલીય જાતની મીઠાઈઓ ખવડાવી.  હજુ એનો સ્વાદ જીભે રહી ગયો છે.  હજુય કેટલુંય અજબ જેવું  જોવાનું રહી ગયું છે,  

      વિકી વાનરની આવી અજબ જેવી વાતો બધાએ સાંભળી અને સુંદરવનના કેટલાંય  પશુ, પક્ષીઓ, પ્રાણીઓને શહેરમાં જવાં અને ત્યાં જ વસવાટ કરવા તૈયાર થઈ ગયાં.   વિકી વાનર કહે : "ચાલો જેને પણ શહેરમાં વસવાટ કરવો હોય,  તે બધાંને હું શહેરમાં લઈ જાઉં.  આપણે બધાં ત્યાં રહીશું ને મઝા કરીશું  તમે ઘરે જઈ શહેરમાં જવાની તૈયારી કરો !!" 

       ઉડતી ઉડતી વાત રાજા શેરસિંહ કાને પહોંચી. રાજા શેરસિંહને હૈયે જંગલનું હિત સમાયેલું હતું.  તેણે તાત્કાલિક જંગલની સભા બોલાવી. વિકી વાનરને ખાસ ખુરશી પર બેસાડ્યો. તેને સંબોધી બોલ્યાં 

રાજા શેરસિંહ :  વારુ  ! તે આ બધી અજબ જેવી વાતો જોઈ.  પણ કયાંય તે પાણી પીવા તળાવો જોયાં.  

વિકી  :  ના હો તળાવ તો ક્યાંય દેખાયા જ નહીં.

 શેરસિંહ : તો પછી તમે બધાં શહેરમાં જઈ પીવા માટે પાણીનું શું કરશો  ??. આ બતક,  હંસ તળાવ વીના  જમીન પર થોડા  રહેશે  ??

શેર સિંહે  :  મોટા મોટા પથ્થરના ઝાડ તે જોયાં, પણ કયાંય વૃક્ષો દેખાયાં  ??  

વિકી વાનર : " ના "

શેરસિંહ :  તો પછી તમને તડકામાં છાયડો કયાંથી મળશે  ??  આ કોયલ કાગડો, ચકલી વગેરે રહેવા  માળો કયાં બાંધશે ? ત્યાં ચાલવું ન પડે એટલે વાહનો અને ઉડવા એરોપ્લેન હતાં,  પણ તેનાં ધૂમાડા કેટલાં હતાં ?  તેની તને ખબર ના પડી  ? 

વિકી વાનર  :  હા મહારાજ ! મને ધૂમાડાથી નાકમાં અને આંખમાં  પાણી નિકળવા મંડ્યા હતાં. તમારી વાત સાચી !  

શેરસિંહ :  અને મીઠી મીઠી મીઠાઈઓ હતી, તો આપણાં સુંદરવનમાં  મધુમાસીના મધપુડા કયાં ઓછાં છે ? તે   મીઠાઈઓ ખાવા શહેરમાં જવું પડે  !  અને આ માણસજાત આપણી દુશ્મન થઈ ગઈ છે.  તેણે કુદરતી વસ્તુઓનું નિકંદન કાઢી નાંખ્યું છે.  મોટી મોટી બિલ્ડીંગો બનાવવા માટે આપણાં પક્ષીઓને રહેવાં  વૃક્ષો કાપી નાખ્યાં છે.  તળાવો-સરોવરો બુરી દઈ ત્યાં રહેણાંક કરી નાખ્યાં છે અને વાહનો કારખાનાના ધૂમાડાથી  વાતાવરણ પ્રદૂષિત કરી નાખ્યાં, જે પ્રદૂષિત વાતાવરણમાં આપણે શ્વાસ પણ ના લઈ શકીએ.  મારી વાતો જો તમને યોગ્ય લાગે તો તમ તમારે શહેરમાં વસવાટ કરવાં જાવ. મારી  કોઈ ના નથીં અને બીજી વાત યાદ રાખજો કે માણસો તમને જોઈ જશે તો પિંજરે પુરી તમને મનોરંજનનું સાધન બનાવી દેશે અથવા તમને મારી તમારો કોળીયો કરી જશે.

     રાજા શેરસિંહની વાતો સાંભળી સૌ અંદરો અંદર વાતો કરવાં લાગી ગયાં. " હા  ! હા  ! આવું તો વિકી વાનરે આપણને કંઈ જણાવ્યું જ નહીં. તેની કરતાં તો આપણું આ  સુંદરવન ઘણું સારું છે ". ઘણી ચર્ચાઓ ચાલી. અંતે બધાએ શહેરમાં વસવાટ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો. રાજા શેરસિંહનો આભાર માન્યો. પછી સૌ પોત પોતાના દરમાં,  બખોલમાં, માળામાં, ગુફામાં જઈ આનંદ કિલ્લોલ કરવાં લાગ્યાં.


બોધ  : તો બાળકો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણાં શહેરમાં આપણે   નદી તળાવ બનાવવાં જોઈ અને  લીલાંછમ અને ઘટાદાર વૃક્ષો ઉછેરવા જોઈએ.  જેથી પશુપક્ષીઓ વગેરે આપણી સાથે રહે અને ચકા-ચકી , પોપટ વગેરે જોવાં પક્ષીઘર ન જવું પડે. 

   Asha bhatt 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ