વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કપૂરીયાનો આરો

અંતરથી આપે છે સૌને મીઠડો રે આવકારો,

પ્યારો લાગે પરભુ મુજને કપૂરીયાનો આરો.


શીતળામાના ખોળે રમતો વરસોથી વરણાગી, 

વડલો એનો વહાલસોયો ઉભો સઘળું ત્યાગી,

ઓરા કૂવાને આશિષ આપી બનતો એ સહારો,

   પ્યારો લાગે પરભુ મુજને કપૂરીયાનો આરો......


રણકાર સુણીને ઝાંઝરીઓનો વહેલો એ તો જાગે, 

કોની આંખમાં કેટલું જળ છે? ખુલ્લી આંખે તાગે, 

પગરવ પરથી સમજી જાય છે પગનો એ વરતારો,

  પ્યારો લાગે પરભુ મુજને કપૂરીયાનો આરો......


 ગામને પાદર બેઠો છતાંયે ખબરું ગામની રાખે, 

   કોના ઘરમાં શું રંધાણું? રસોડે જઈને ચાખે, 

 સુખદુઃખની કથાઓ જોતો જીવે છે એકધારો, 

   પ્યારો લાગે પરભુ મુજને કપૂરીયાનો આરો......


 કોઈ આવીને ડૂબકી મારેને કાઢે શરીરના મેલ, 

કપડાં ધોતું કોક આવીને જબરા જગના ખેલ,

કાંક મેલીને જાવાનું સૌએ એવો છે એનો ધારો, 

   પ્યારો લાગે પરભુ મુજને કપૂરીયાનો આરો......



કપૂરીયુઃમારા ગામનું તળાવ,


 ડૉ.કિશોર ઠક્કર,ગાંધીધામ.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ