વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાત કહું તો

વાત વાતમાં એક વાત કહું તો,

   પ્રેમ તને પારિજાત કહું તો....


   બાગમાં તારા ખીલ્યાં છે રંગબેરંગી ફૂલો, 

 વડલા કેરી વડવાઈએ સૌ હસતાં રમતાં ઝૂલો, 

 આવી મળ્યાં કરમસંજોગે વાત ના કોઈ ભૂલો, 

    જીવતરને આ સપને મઢી રાત કહું તો... 

         પ્રભુ તને પારિજાત કહું તો,   

  વાત વાતમાં એક વાત કહું તો......પ્રેમ તને



   અંશ તારો છું નાનકડો હું,ઈશ્વર તને ધાર્યો, 

 ચાલતાં શીખ્યો તારી પાસેથી તેથી કદી ના હાર્યો, 

  આંગળી ઝાલી ભવસાગરમાં કાયમ મને તાર્યો,

    જીવતરને આખેઆખી તારી ભાત કહું તો, 

         પિતા તને પારિજાત કહું તો,

  વાત વાતમાં એક વાત કહું તો....પ્રેમ તને


કેમ ભૂલું હું ગણ રે તારો,કૂખમાં તારી કોળ્યો,

  રગેરગમાં પ્રેમ ફરે છે,કેમ જાયે રે તોળ્યો? 

 તારી અંદર કાયમ મેં તો ઈશ્વર મારો ખોળ્યો, 

   જીવતરને મોંઘામૂલી તારી સોગાત કહું તો.... 

         મા તને પારિજાત કહું તો,

    વાત વાતમાં એક વાત કહું તો.....પ્રેમ તને


  આવી મારા જીવનમાં મને સાચા રસ્તે દોર્યો,

 તું આવી તો વસંત આવી,ડાળે ડાળે મ્હોર્યો, 

 મારી પાસેથી જ મને તેં તો આખેઆખો ચોર્યો,

    જીવતરને મીઠો મધુરો તારો સાથ કહું તો,

           પ્રિયે તને પારિજાત કહું તો,

   વાત વાતમાં એક વાત કહું તો....પ્રેમ તને


   આખેઆખો આબેહૂબ ઉતર્યો હું તારા અંગે, 

  તારી આંખમાં સપનાં મારાં,સાકાર કરશું સંગે,

  હાથ ઝાલીને એકમેકનો ચડશું જગતમાં જંગે, 

      જીવતરને તારા મારી તાકાત કહું તો, 

         દીકરા તને પારિજાત કહું તો,

  વાત વાતમાં એક વાત કહું તો....પ્રેમ તને


 ડાળીએ મારી ઊગ્યું છે ફૂલડું એક ગુલાબી, 

  મહેંકી ઉઠ્યું મનડું મારું,અંગેઅંગ સુવાસી,

  થઈ જાશે એક દી એ તો પ્રેમપંથનું પ્રવાસી, 

    જીવતરને જો તારો પુણ્યપ્રતાપ કહું તો, 

        દીકરી તને પારિજાત કહું તો,

 વાત વાતમાં એક વાત કહું તો....પ્રેમ તને


     વાત વાતમાં એક વાત કહું તો,

        પ્રેમ તને પારિજાત કહું તો....



        ડૉ.કિશોર ઠક્કર,ગાંધીધામ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ