વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહિયરની ચૂંદડી

** મહિયરની ચૂંદડી **


“દાદીમા બહાર ચાલો હું તમને કઇંક બતાવવા માગું છું.” મોટા પૌત્ર અલ્પેશે તેની દાદીમા પાસે આવી હર્ષભેર કહ્યું. 

“બેટા મને પથારીમાંથી ઉઠબેસ કરવામાં તકલીફ પડે છે માટે તારે જે બતાવવું હોય તે અહીં લઈ આવ.”

અલ્પેશ હસીને બોલ્યો, “મારી વ્હાલી દાદી તે વસ્તુ તમારા રૂમ સુધી આવે તેમ હોત તો હું તમને તકલીફ આપત?”

“ઓહો...તું એવી કેવડી મોટી વસ્તુ ખરીદી લાવ્યો છે જે ઘરમાં આવી શકે તેમ નથી?” પથારીમાંથી બેઠા થવાનો પ્રયત્ન કરતાં દાદી મણીબા બોલ્યાં. અલ્પેશે તેમને બેઠા થવામાં મદદ કરી.

“હા દાદી. તમારા આશીર્વાદ અમને ફળ્યા છે. પ્લીઝ તમે બહાર આવી તેના પર તમારો પવિત્ર અને હેતાળ હાથ ફેરવી અમને આશીર્વાદ આપો કે ઘરમાં નવી આવેલી તે વસ્તુ આપણા આખા કુટુંબને ફળે. તેના થકી આપણે હજુય વધારે સમૃધ્ધ અને સુખી થઈએ.” અલ્પેશનો હરખ સમાયો સમાતો ન હતો. તેના ચહેરાના ભાવ કહેતા હતા જાણે તેને કોઈ જેકપોટ લાગ્યો ન હોય! 

“બેટા મને તારી વાત સમજાતી નથી પણ તારો હરખ જોઈ મને પણ તું શું લાવ્યો છે તે જોવાનું મન થયું છે. બંને વહુઓને કહે મને ટેકો આપી બહાર લઈ જાય.” દાદી મણીબાએ પથારીમાં બેઠા બેઠા તેમની બાજુમાં પડેલી વોકિંગ સ્ટિક હાથમાં લેતાં કહ્યું.

“થેન્ક યુ દાદી,થેંક્યું વેરી મચ.” અલ્પેશે ભાવુક થઈ પોતાની દાદીના માથે ચુંબન કરી કહ્યું.  

“હવે આ ગાડાંવેડા છોડ અને વહુઓને બોલાવ...ક્યાં મરી ગઈ બંને..?”

“અમે આ રહી દાદી. તમારી રજા વિના અમે થોડી મરી જવાની છીએ... હજુ તો અમારે તમારી ઘણી સેવા કરી પુણ્ય કમાવવાનું બાકી છે.” બંને વહુઓ હસતાં હસતાં દાદીસાસુના ઓરડામાં પ્રવેશતાં એક સાથે બોલી. 

“દીકરીઓથી પણ વિશેષ મારી પૌત્રવધૂઓને આવું કહેતા મારી જીભડી બળી ય નથી જતી! બળ્યું શું કરું...હું રહી જૂના જમાનાની એટલે મારાથી આવાં કડવાં વેણ બોલાઈ જાય છે.”

મોટી પૌત્રવધૂ સાવિત્રી બોલી, “દાદી તમે જે દિવસે અમને કડવાં વેણ ન બોલો તે દિવસે અમે સમજી જઈએ છીએ કે ક્યાં તો દાદી અમારાથી નારાજ છે અથવા દાદીને શરીરે અસુખ છે. તે દિવસે અમે છાનાં છાનાં તમારા ક્મરામાં ડોકિયાં કરી તમે નિરાંતે સૂતાં છો કે નહીં તે જોઈ લઈએ છીએ. તમારાં વેણ કડવાં પણ મીઠામધ બોધ વચનો જેવા હોય છે. તમારી વાતો સુખી સાંસારિક જીવન જીવવાના ભાથા સમાન છે. અમને તમારી પાસેથી ઘણું શીખવાનું અને જાણવાનું મળે છે તેથી તમારા બોલથી અમને માઠું લાગતું જ નથી. અમને તમારી સેવા કરવી ગમે છે.”

“યાદ રાખજો’લી વહુઓ એક દિવસે હું તમને સૌને છેતરીને જતી રહીશ! તમને ખબર પણ નહીં પડે. તમે જોતાં રહી જશો.”

“દાદીમા અમે ઈચ્છીએ કે ભગવાન તમને પૂરા સો વર્ષ જીવાડે.”

“હું ત્રાણુ વર્ષની તો થઈ....હજુ કેટલું જીવાડશો?”

“ સો માં હજુ સાત વર્ષ બાકી રહ્યા ને દાદી...! તમારી તંદુરસ્તી જોતાં તમે અમારા દીકરાઓ પરણે ત્યાં સુધી જીવશો.” નાની પૌત્રવધૂ સુમિત્રા હસતાં હસતાં બોલી.

“બધુ ભગવાનના હાથમાં છે. પેલી કહેવત છે ને કે સામાન સો બરસ કા પલકી ખબર નહીં!”    

દાદી મણીબા બંને પૌત્રવધૂઓનો સહારો લઈ બંગલાના વરંડામાં આવી પહોંચ્યાં. બંગલાના પૉર્ચમાં કાપડથી ઢંકાયેલી ગાડી ઊભી હતી. કાપડ ઉપર લાલ રંગની રીબીન બાંધી તેના માથે ફૂમતું બાંધવામાં આવ્યું હતું. દાદીએ આશ્ચર્ય ચકિત થઈ બંને પૌત્રવધૂઓ તરફ નજર નાખી. તેમણે હાથ હલાવી તેઓ તેનાથી અજાણ હોવાનો દંભ કર્યો. બંને પૌત્રવધૂઓ દાદીને દોરીને ગાડી સુધી લઈ આવી. દાદી આવી પહોંચતાં તેમના પૌત્રો અલ્પેશ અને મિતેશે રીબીન છોડી કાપડ દૂર કર્યું. એક લાલ રંગની ચમચમાતી નવી નક્કોર સેવન સીટર મોંઘીદાટ કાર દાદી સમક્ષ ઊભી હતી. દાદી મણીબાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમના ચહેરા પર આશ્ચર્ય સાથે હર્ષ પણ હતો. દાદીના પ્રપૌત્રોએ આનંદથી તાળીઓ પાડી તેમના ઘરમાં આવેલા આ મોંઘેરા મહેમાનનું સ્વાગત કર્યું. 

દાદી ભાવુક થઈ બોલ્યાં, “આ ગાડી તમને ખૂબ ફળે. તમે ખૂબ સુખી થાઓ. તમારા ઉપર હંમેશાં ભગવાનની અસીમ કૃપા વરસતી રહે અને તમે હજુ પણ ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવા મારા આશીર્વાદ છે.” 

તેમણે હર્ષના આંસુથી ભીની થયેલી આંખે આખી ગાડી પર હાથ ફેરવ્યો.          

ગોર મહારાજે મંત્રોચ્ચાર કરી ધાર્મિક વિધિ પૂરી કરી.       

  સૌ ઘરમાં આવ્યાં.

નાનો પૌત્ર મિતેશ બોલ્યો, “દાદી ગાડી તમને ગમી?” 

“હા બેટા. ખૂબ સરસ છે.”

“દાદી આ ગાડીમાં સૌ પહેલી સવારી તમારે કરવાની છે. તમે જ્યાં કહેશો ત્યાં તમને લઈ જઈશું.”

“બેટા હવે ગાડીમાં બેસવાના મારા દિવસો રહ્યા નથી. મારાથી લાંબી મુસાફરી થતી નથી. તમારું મન કહે ત્યાં તમે ફરી આવો. હું ઘરે બેસીને તામારા માટે પ્રાર્થના કરતી રહીશ.”

નાની પૌત્રવધૂ સુમિત્રા બોલી, “દાદી અમે બધાંએ નક્કી કર્યું છે કે સૌપ્રથમ તમને આ ગાડીમાં બેસાડીને તમે જ્યાં કહો ત્યાં લઈ જઈશું. બોલો કયા મંદિરે દર્શન કરવા જવું છે? નજીકમાં અંબાજી, ખેડબ્રહ્મા, શામળાજી, ગોધમજી, વિરેશ્વર, ધારેશ્વર, ઝર્ણેશ્વર, ભોલેશ્વર...બોલો ક્યાં જવું છે?”

“બેટા મારાથી તેટલી લાંબી મુસાફરી થશે નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, ફરી આવો, દર્શન કરી આવો. મારું મન તો ગાડી જોઈ ને જ ધરાઈ ગયું છે.” 

“દાદી પ્લીઝ...આ ગાડીમાં પહેલો પ્રવાસ તમારે જ કરવાનો છે. તમારી ઈચ્છા મુજબ તમે કહો ત્યાં.”

બાળકોનો ભાવ અને આગ્રહ જોઈ મણીબા ખૂબ ખુશ થયાં. થોડી ક્ષણો વિચારી બોલ્યાં, “હું કહું ત્યાં મને લઈ જશો?”

“ચોક્કસ દાદી.. ચોકકસ લઈ જઈશું. તમે કહો તો આ ગાડી લઈને છેક કાશી-મથુરા સુધી પણ તમને લઈ જવા અમે તૈયાર છીએ. બોલો ક્યાં જવું છે.”

“મારે નવલપુર જવું છે.”

“નવલપુર..દાદી ત્યાં કયા ભગવાનનું મંદિર છે?”

“ત્યાં મારા આરાધ્યદેવનું મંદિર છે.”

“દાદી નવલપુરમાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે? અમે કદી સાંભળ્યું નથી.” તેમના આરાધ્યદેવ વિશ્વકર્મા ભગવાન હોવાથી અલ્પેશે પ્રશ્ન કર્યો.

“ત્યાં મારા હાજરા હજૂર આરાધ્યદેવ બિરાજે છે.”

દાદીની વાત સમજી ગયેલી સાવિત્રી એકાએક બોલી ઉઠી, “દાદી નવલપુર એટલે...એટલે... તમારું જન્મ સ્થળ....તમારું પિયર બરાબર ને! 

“હાં બેટા. મને આજે ન જાણે કેમ એકાએક મારું પિયર યાદ આવી ગયું છે!” 

“અલ્પેશ દાદીના આરાધ્યદેવ એટલે તેમના માતાપિતા, તેમના જન્મદાતા. તેમના સર્જનહાર, તેમના જનક, તેમના સાચા વિશ્વકર્મા. ચાલો તૈયારી કરો. આપણે આજે દાદીને લઈને આપણા વડદાદાની જન્મભૂમિ અને કર્મભૂમિને વંદન કરવા જઈશું.” સાવિત્રી આદેશાત્મક સ્વરે બોલી.

“સાવિત્રી તું સમજ્યા વિના નિર્ણય ન લે. નવલપુરમાં વડદાદાનું ખોરડું મારા જન્મ પહેલાં વેચાઈ ગયું હતું. ત્યાં એક પણ સુથારનું ઘર નથી. જે સુથારો ત્યાં વસતા હતા તે તમામે વર્ષો પહેલાં ગામ છોડી દીધું છે. વડદાદાનું ઘર હયાત પણ નહીં હોય. ત્યાં નવું મકાન બની ગયું હશે. કઈ ભૂમિને વંદન કરીશું.”

“પિયરની માયા શું હોય છે તે પુરૂષોને નહીં સમજાય!” સાવિત્રીએ મોઢા પર નારાજગીના ભાવો લાવી કહ્યું.

દાદી: “અલ્પેશ બેટા ભલે મારા બાપનું ખોરડું વેચાઈ ગયું હોય પરંતુ તે ભૂમિ તો હયાત હશેને! ભલે ત્યાં બીજા કોઈનું ઘર બન્યું હશે પણ જેના પર મારાં માબાપ, મારાં ભાઈ ભાંડુઓના પગલાં પડ્યા હતાં તે જમીન તો હશે ને! જેમાં મારા બાંધવો અને મારી સખીઓ સાથે મેં તોફાન મસ્તી કરી હતી તે શેરીઓ તો હયાત હશે ને! ગામની હવામાં ક્યાંક તો અમારી આનંદની કિલકારીઓ સચવાઈને હજુ ગુંજતી હશે ને! હું ત્યાં જઈ તેનો અહેસાસ કરવા માગું છું. હું મોટા ગામતરે ચાલી જાઉં તે પહેલાં મારા બાપીકા ગામને એક વખત આંખ ભરીને જોવા અને માણવા માગું છું. ગામમાં ભલે મને કોઈ નહીં ઓળખે પરંતુ મારા બાપાએ જે જગા પર બેસી સુથારી કામ કર્યું હતું તે ભૂમિ તો મને ઓળખાશે ને! મારા માથામાં જે આંગણાની ધૂળ ભરી હતી તે આંગણું તો મને ઓળખાશે ને! મેં મારી બા સાથે ઊભા રહી જે પીપળાને પૂજયો હતો તે પીપળો તો મને ઓળખશે ને! મારું મન આજે તે ભૂમિ પર પગ મૂકવા થનગની રહ્યું છે.”

“ઓ.કે. દાદી હું તમારું તે સ્થળનું એટેચમેંટ સમજી શકું છું. તમારી ઈચ્છા મુજબ આપણે ત્યાં જ જઈશું. ચાલો સૌ તૈયારી કરવા માંડો. આપણે વડવાઓની તે પાવન ભૂમિને વંદન કરવા જઈશું.”

“દાદી આપણા ગામ (પુરુષોત્તમનગર)થી નવલપુર કેટલું દૂર હશે?” સુમિત્રા બોલી.

“બેટા કેટલું દૂર હશે તેની મને ખબર. જો આપણે હિંમતનગર થઈ હાઈવે મારફતે જઈએ તો મારા અંદાજ મુજબ ફક્ત વીસ પચીસ કિલો મીટર દૂર હશે. પગદંડી મારફતે તો અહીંથી સીધું અંતર  ચાર ગાઉંનું જ છે. મને પરણાવી ત્યારે મારા બાપા મને ચાલીને અહીં મૂકવા આવતા હતા. દોઢ બે કલાકમાં તો અમે ચાલીને આવી પહોંચતા હતાં.”

“દાદી એક ગાઉ એટલે કેટલું અંતર?”

“લગભગ દોઢ પોણા બે કિલોમીટર જેટલું થતું હશે. ચોક્કસ ખબર નથી.”

“તમે તેટલું બધું ચાલતાં હતાં?”

“તે વખતે અમારા માટે ચાર પાંચ ગાઉ ચાલવું તે રમત વાત હતી.”

“વાઉ..વંડરફૂલ. જો સીધું જવાતું હોય તો આપણે ગાડી લઈને સીધા જ જઈએ.” મિતેશ બોલ્યો.

        “વચ્ચે હાથમતી નદી પડે છે. ગાડી જાય તેવો મારગ છે કે નહીં તેની મને ખબર નથી. જો ગાડી જાય તેવો રસ્તો નહીં હોય તો નદીના દળમાં ગાડી ફસાઈ જશે. નવી ગાડી છે માટે જોખમ લેવા જેવું નથી. આપણે હાઈવે મારગે જ જઈશું.”  

“ઓ.કે. દાદી. આપણે અડધા કલાક પછી નીકળીશું.”

“ભલે બેટા.” 

***

દાદી મણીબાના માનસ પટલ પર જૂની યાદો તાજી થઈ ઊભરી આવી.

તેમના પૈતૃક ગામની, તેમના બાળપણની અને કિશોરાવસ્થાની તસવીરો ઉપસી આવી. 

ગામમાં મોટાભાગની વસ્તી મુસલમાનોની હતી. ગામમાં પચાસ પંચાવન જેટલા ઘર મુસલમાનોના હતાં. પાંચ ઘર સુથારોના, બે ઘર લુહારોના, પાંચ ઘર પ્રજાપતિઓના, છ સાત ઘર દરજીઓના હતાં. તે ઉપરાંત, દરબારો, રાવળ, રબારી અને હરિજનોના મળી કુલ પચાસ ઘરની વસ્તી હતી. આમ આખા ગામમાં સો થી એકસો દસ ઘરની વસ્તી હતી. 

તે વખતે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ખેતી કામ માટે લાકડાના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખેતરોમાંથી ઘાસચારો અને પાકેલો તૈયાર મોલ લાવવા માટે લાકડાના પૈડાં વાળા ગાડાંનો ઉપયોગ થતો હતો. નાણાંકિય વહેવારોના બદલે વિનિમય વહેવારોનું ચલણ અમલમાં હતું. કારીગર વર્ગ કામના બદલામાં રોકડ રકમ લેવાના બદલે અનાજ લેવાનું પસંદ કરતો હતો જેનાથી તેમનો જીવન નિર્વાહ થઈ જતો હતો. તે વખતે કારીગર વર્ગ અને ખેડૂતો વચ્ચે ઘરાકવટીનો વહેવાર હતો એટલે કે સુથાર, લુહાર, દરજી, કુંભાર જેવા કારીગરો અમુક ઘર સાથે કાયમી રીતે જોડાયેલા રહેતા. તે તેમના કાયમી ગ્રાહક કહેવાતા. જે કારીગર વર્ગ જે ખેડૂતના ઘર સાથે જોડાયેલ હોય તેઓ જ તે ખેડૂતનું કામ કરતા. તે પાછળનો આશય એક બીજાનું કામ સરળતાથી થાય અને દરેકની જરૂરિયાતો પૂરી થાય તે હતો.

મણીબાના પિતા પ્રભુદાસ સુથાર ગામમાં તે વખતે ‘પ્રભા હુતાર’ તરીકે ઓળખાતા હતા. તેમની પત્નીનું નામ નાથીબેન હતું. તેમને પ્રથમ ત્રણ દીકરીઓ અને ચોથો દીકરો એમ ચાર બાળકો હતાં.  સૌથી મોટી દીકરીનું નામ મણી, બીજા નંબરે લલી અને ત્રીજા નંબરે સવિતા હતી. ચોથા નંબરે દીકરો અવતર્યો હતો જેનું નામ રમણ હતું.  

છેલ્લી દસ પેઢીઓથી સુથારો આ ગામમાં આબાદ થયેલા હતા. પેઢી દર પેઢી સુથારી કામ તેમનો બાપીકો વ્યવસાય હતો. નવલપુર ગામ તાજપુરી ઠાકોરની હકૂમત હેઠળ આવતું હતું. બધાં સુથારો પાસે ઠાકોર પાસેથી ઈનામમાં કે બક્ષિસમાં મળેલી બે પાંચ વીઘા જેટલી ખેતીની જમીન હતી. સુથારો તેમની જમીનમાં જાતે ખેતી કરવાના બદલે દર વર્ષે કોઈની પાસેથી ઉચ્ચક રકમ લઈ તેને વાવવા માટે આપી દેતા હતા. આમ ખેડૂત હોવા છતાં તેમનો વ્યવસાય સુથારી કામ પૂરતો સીમિત રહી ગયો હતો.             

         પ્રભાકાકા પચાસ વર્ષના થયા ત્યાં સુધીમાં બધા બાળકોને પરણાવી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. પંચાવન વર્ષની ઉમરે ટીબીના રોગથી પ્રભાકાકા વૈકુંઠવાસી થયા તે પહેલાં તેમના દીકરા રમણે સુથારી કામમાં નિપુણતા મેળવી ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી. નાથીબેન પ્રભાકાકાના અવસાન પછી દસ વર્ષ જીવ્યા હતાં. તે દરમ્યાન રમણની પત્ની લીલાની કુંખે એક પુત્રનો જન્મ થયો હતો. નાથીબેનના અવસાન પછી થોડા અરસામાં જ રમણને ગળાનું કેન્સર થયું હતું. તે યુવાન પત્ની અને ચાર વર્ષના દીકરાને નોંધારા મૂકી ગામતરું કરી ગયો હતો. 

પિયરમાં તેમની અવરજવર માટે બાપનું ઘર ખુલ્લુ રહે અને યુવાન ભાભી લીલા અને તેના દીકરાનું ભરણ પોષણ થઈ રહે તેવા શુભ આશયથી ત્રણેય બહેનોએ તેમની જ્ઞાતિના મોટી ઉંમર સુધી અપરિણીત રહેલા કાંતિ નામના યુવાન સાથે લીલાનું પુન:લગ્ન કરાવી કાંતિને ઘરજમાઈ તરીકે લાવ્યા હતાં. 

લીલાનું કાંતિ સાથેનું લગ્ન જીવન સુખી હતું. તેમનો ઘરસંસાર સરસ રીતે ચાલતો હતો. લીલા સાથેના લગ્નથી કાંતિને એક દીકરી અવતરી હતી. લીલા અને રમણ (સ્વર્ગસ્થ પતિ)ના દીકરા ગુણવંતે કિશોરાવસ્થામાં જ સુથારી કામ શીખી લીધું હતું. તેણે ગામમાં રહેવાના બદલે નજીકના શહેર હિંમતનગર ખાતે અલગ રહી વ્યવસાય શરૂ કર્યો હતો. ઉંમર થતાં તેના પણ લગ્ન થઈ ગયાં હતાં. 

તે દરમ્યાન આધુનિક ખેતીના પરિપાક રૂપે લાકડાનાં સાધનોના બદલે ટ્રેક્ટર જેવાં યંત્રો  અને લોખંડના ખેત ઓજારોથી ખેડૂતોએ ખેતીકામ કરવાનું શરૂ કરતાં સુથારોને ગામમાં આજીવિકા  મળવાનું બંધ થયું હતું. તેમને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડતાં એક પછી એક સુથારો પોતાના ઘર અને ખેતરો વેચી રોજી રોજગારની તલાશમાં હિંમતનગર ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. કાંતિ સુથાર હજુ ગામમાં રહેતા હોવાથી એક માત્ર પ્રભાકાકા સુથારનું ઘર ગામમાં ખુલ્લુ હતું. પ્રભાકાકાની ત્રણેય દીકરીઓ અવારનવાર પિયરમાં આવીને બાપના ખોરડાની અને ભાભીના ખબર અંતર મેળવતી રહેતી હતી.     

કરમની કઠણાઈ કહો કે વિધિની વક્રતા કહો કાંતિનું સ્વાસ્થ્ય બગડતાં નવલપુર ગામનું ઘર બંધ કરી સૌ દીકરા ગુણવંત સાથે રહેવા હિંમતનગર ચાલ્યા ગયા હતા. થોડા સમયમાં કાંતિ પણ લીલાને વિલાપ કરતી મૂકી સ્વર્ગે સીધાવી ગયો હતો. બબ્બે લગ્ન કરવા છતાં લીલાનું લગ્ન જીવન અધૂરું રહ્યું હતું. ‘ધાર્યું ધણીનું જ થાય’ તે ઉક્તિ મુજબ ભગવાનની મરજીને માથે ચઢાવી લીલાએ પોતાનું મન મનાવી શેષ જીવન પ્રભુ ભજનમાં ગુજારી દેવાનું નક્કી કર્યું હતું. 

કાંતિના અવસાન પછી ગુણવંતે ગામનું ઘર વેચી નાખ્યું હતું. આમ આજથી લગભગ પાંત્રીસ  વર્ષ પહેલાં પ્રભાકાકાના ખોરડાની હસ્તી ગામમાંથી ભૂંસાઈ ગઈ હતી. 

ઓરમાન બહેનનું લગ્ન કરાવી ગુણવંતે પોતાની જવાબદારી નિભાવી હતી. પુત્રીના લગ્ન પછી લીલા પણ અવસાન પામી હતી. ગુણવંતને બે દીકરીઓ હતી. તેને પુત્ર ન હતો. કોરોનાની મહાવ્યાધિમાં ગુણવંત ગુજરી જતાં પ્રભાકાકાનો વંશવેલો આગળ વધતો અટકી ગયો હતો. તેમની પેઢીનો અંત આવી ગયો હતો.   

મણીબાની બંને બહેનો અનુક્રમે સિત્તેર અને ચૂમ્મોતેર વર્ષનું સુખી જીવન ભોગવી વૈકુંઠવાસી થઈ ગઈ હતી. પ્રભાકાકાના વંશજોમાં હવે ફક્ત મણીબા એકલાં હયાત હતાં. 

તેમનું જીવન ખૂબ કષ્ટદાયક રહ્યું હતું. પોતે આધેડ વયે વિધવા થયાં હતાં. તે વખતની વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા પાસ કરેલ હોવાથી તેમના પતિને  શિક્ષકની નોકરી મળી હતી. મણીબેને પણ ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યો હતો. પતિનું પડખું સેવતાં સેવતાં તેમણે જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાની કળા શીખી લીધી હતી. શિક્ષક પતિની વિધવા તરીકે તેમને સરકાર તરફથી કુટુંબ પેંશન મળતું હોવાથી તેમના એક માત્ર પુત્રના ઉછેર માટે તેમને આજીવન કોઈની આગળ હાથ લાંબો કરવો પડ્યો ન હતો. 

    તેમના પુત્રએ ભણીગણીને વ્યવસાય શરૂ કર્યો હતો. જીવન ઠરીઠામ થયું હોય તેવું લાગતું હતું તેવામાં જ ચારધામની યાત્રા કરવા ગયેલા પુત્ર અને પુત્રવધૂની બસ ખીંણમાં ખાબકતાં, બે કિશોરવયના પુત્રોને મણીબાના સહારે છોડી, બંને મૃત્યુ પામ્યાં હતાં. આ અકસ્માતથી તેમને દુ:ખ જરૂર થયું હતું પરંતુ તેઓ હિંમત હાર્યા ન હતાં. મણીબાએ જીવન જીવવા માટે સાહસપૂર્વક સંઘર્ષ કરી દુ:ખો વેઠીને બંને પૌત્રોને ભણાવી ગણાવી ઉછેર્યા હતા. 

બંને પૌત્રો સંયુક્ત રીતે હિંમતનગર ખાતે ખૂબ સારો ધંધો કરી રહ્યા હતા. મણીબાના માર્ગદર્શન અને આશીર્વાદથી તેઓ ધંધામાં ખૂબ સફળ થયા હતા. આર્થિક અને સામાજિક રીતે કુટુંબ સધ્ધર થયું હતું. બંને પૌત્રોના ઘરે પણ વસ્તાર હતો. અત્યારે ઘરમાં સુખ જ સુખ હતું. 

પૌત્રોએ મોંઘી ગાડી ખરીદી હતી. તેમણે તે ગાડી મનોમન દાદીને અર્પણ કરી હતી. તે માનતા હતા કે જો દાદીની દોરવણી અને લાગણીભર્યા આશીર્વાદ ન હોત તો તેઓ સુખી થયા ન હોત તેથી તેમણે નવી ખરીદેલી ગાડીમાં દાદીની ઈચ્છા અનુસારનો પ્રથમ પ્રવાસ કરાવી તેમને સન્માન આપવાનો નિર્ધાર કર્યો હતો.      

***

“દાદી ગામમાં જવા માટે અહીંથી વળવું પડશે ને? ગાડી ચલાવી રહેલા મીતેશે પૂછ્યું. “મણીબાએ કાચની આરપાર જોઈ કહ્યું. હા, અહીંથી વળવું પડશે.”

ગામ હાઈવેથી ત્રણ કિલોમીટર અંદર હતું. 

બે પૌત્રો, બે પૌત્રવધૂઓ અને પ્રપૌત્રોથી ગાડી ભરેલી હતી. દાદીને આગળની સીટમાં બેસાડયા હતાં. મણીબા સિવાયના તમામ આ ગામમાં પ્રથમ વખત આવી રહ્યા હતાં. મણીબાને પણ પિયરમાં આવ્યાને ત્રણ દાયકા કરતાં વધારે સમય થઈ ગયો હતો. તેમણે આંખો ખેંચીને કાચની આરપાર ગામ ભણી નજર નાખી. તેમના હૃદયની ધડકનો તેજ થઈ. એપ્રોચ રોડ પર કાર્પેટ થયાને ઘણો સમય વીતી ગયેલો હોવાથી તેમાં ખાડા પડી ગયાં હતા તેથી ગાડી ધીમી ચલાવવી પડતી હતી. તેમની ધીરજ ખૂટવા આવી હતી. તેમને મનમાં થયું આ ત્રણ કિલોમીટર રસ્તો ક્યારે પૂરો થશે અને ક્યારે તેમના બાપનું ખોરડું જોવાની તેમની આતુરતાનો અંત આવશે? 

ગામ નજીક આવી રહ્યું હતું તેમ તેમ તેમની નજર રસ્તાની આજુબાજુ ફરતી હતી. તે આજુબાજુના ખેતરો જોઈ, પોતાની સ્મૃતિને ઢંઢોળી, તે ખેતર કોના હતાં તે યાદ કરી રહ્યાં હતાં. બે કિલોમીટર જેટલું અંતર કપાયું હશે ત્યાં એક મોટો ઢાળ આવ્યો. મણીબા બોલ્યાં, “મિતેશ પહેલાં અહીં મોટું વાંઘું હતું. આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ તે પહેલાં પગદંડી હતી. સરકારે ખેતરો કાપીને આ રસ્તો બનાવ્યો છે.”

“દાદી આ રસ્તો ન હતો ત્યારે ગાડીઓ કયા રસ્તે જતી હતી?”

“ગાડીઓ કેવી વળી? લાકડાના ગાડાંમાં બેસીને જવાનું થતું હતું. ગામના પાદરેથી એક નેળિયું નીકળતું હતું તે મારગે થઈ જવું પડતું હતું. તે નેળિયું આગળ આવશે. હું તને બતાવીશ. મોટાભાગે લોકોને પગપાળા અવરજવર કરવી પડતી હતી.” 

થોડાક આગળ વધ્યા ત્યાં દૂરથી એક મહુડો દેખાયો. 

“મિતેશ પેલા મહુડા પાસે ગાડી રોકજે.”

મીતેશે મહુડાનાં ઝાડ પાસે આવી ગાડી રોકી.

“જુઓ બધાં જમણી તરફ જુઓ. આ મહુડાની સિધાઈમાં જુઓ. અહીંથી ચોથું ખેતર દેખાય છે ને તે ખેતર અમારું હતું. અમે ત્રણે ય બહેનો અમારા ખેતરના શેઢેથી ઘાસ વાઢી તેનો મોટો ભારો માથે ચઢાવી ગાય માટે લીલો ચારો લઈ જતી હતી.”

“ઓહ માય ગોડ, દાદી આટલે દૂરથી તમે ઘાસનો ભારો માથે ઉપાડી ચાલતાં ઘરે જતાં હતાં? થાકી ન જવાય?” એક પ્રપૌત્રી આશ્ચર્ય ચકિત થઈ બોલી.

“તે વખતે ગામની દરેક સ્ત્રીઓને આવા કામો કરવાં પડતાં હતાં.”  

સાવિત્રી: “દાદીએ નાનપણમાં ખૂબ મહેનત કરી છે એટલે તો આ ઉંમરે પણ દાદી એકદમ તંદુરસ્ત અને ફિટ છે.”   

“સાચી વાત.” કહી બધાએ હકારો ભણ્યો.        

આગળ વધતાં હવે ગામ નજીક દેખાઈ રહ્યું હતું. શરૂઆતમાં બંધાયેલા નવાં ઘર જોઈ મણીબા બોલ્યાં, “અહિયાં પહેલાં ખેતરો હતાં. હવે કદાચ નવું ગામ વસ્યું હોય તેવું લાગે છે. જૂનું ગામ તો હજુ એક કિલોમીટર જેટલું દૂર છે.”

  થોડે દૂર તળાવના કિનારે ઉભેલા મંદિરની ધજાઓ જોઈ દાદી બોલ્યાં, “આ મંદિર પણ નવું બંધાયેલું લાગે છે. પહેલાં ત્યાં ખરવાળ(ડ) હતી.”  

“દાદી ખરવાળ એટલે શું?” અંગ્રેજી માધ્યમમાં ભણતા એક પ્રપૌત્રે પ્રશ્ન કર્યો. 

દાદી મોટેથી હસી પડતાં બોલ્યાં, “જવા દે....કેમકે તને ગુજરાતીમાં તે સમજાશે નહીં અને મને તેનું અંગ્રેજી આવડશે નહીં. હું તને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો તું મને બીજા દસ પ્રશ્નો પૂછીશ.” ગામ નજીક આવી ગયું હતું એટલે તેમણે તેના પ્રશ્ન પર પૂર્ણ વિરામ મૂકતાં કહ્યું. 

મણીબાની નજરો આજુબાજુ ઘુમતી હતી. તે સ્વગત બબડતાં હોય તેમ બોલ્યાં. “આખું ગામ બદલાઈ ગયું છે. આ બધો નવો વસવાટ લાગે છે. આપણે જ્યાં જવું છે તેના વિષે હવે કોઈ ને પૂછવું પડશે. કદાચ મને તે જગા જડશે નહીં.”

પાનના ગલ્લા પાસે મીતેશે ગાડી રોકી. મણીબાએ એક કિશોરને ઊભો રાખી પૂછ્યું, “બેટા પ્રભાકાકા સુથારનું ઘર કઈ બાજુ હતું.”

પેલો કિશોર મણીબાને તાકતો ઊભો રહ્યો. માથું ખંજવાડતાં તે બોલ્યો, “ગામમાં કોઈ સુથારનું ઘર છે જ નહીં.”

પાંસઠ વર્ષ કરતાં મોટી ઉંમરના એક ભાઈએ કુતૂહલ વશ ગાડી પાસે આવી પોતાનું એક્ટિવા ઊભું રાખી પૂછ્યું, “કોના ઘેર જવું છે તમારે?”

“સુથારવાસ કઈ બાજુ આવ્યો ભાઈ?” મણીબાએ પૂછ્યું.

પેલા ભાઈ જવાબ આપવાના બદલે મણીબાના ચહેરાને તાકી રહ્યા હતા. પળેક પછી તે ઉત્સાહથી બોલ્યા, “તમે મણીબેન તો નહીં? રમણભાઈની બેન.”

“હા ભઈલા હું રમણભાઈની બેન મણીબેન છું. તમે મને કેવી રીતે ઓળખી ગયા?”

“તમારી માંજરી આંખો જોઈને હું તમને ઓળખી ગયો મણીબેન.”

“મને તમારી ઓળખાણ ન પડી. તમારું નામ શું છે?” 

“મારું નામ ઈબ્રાહિમ. અમે પહેલાં જૂના ગામમાં રહેતા હતા. અમારું ઘર પ્રભાકાકાના ઘર પાસે હતું. અમે પ્રભાકાકાના ઘરના આંગણામાં રમવા આવતા હતા એટલે હું તમને તરત જ ઓળખી ગયો. અત્યારે અમે અહીં નવા ગામમાં રહીએ છીએ.”

“ઈબ્રાહિમભાઈ તમે કોના દીકરા?” 

“હું નુરભાઈ ગોરાનો દીકરો છું.” નુરભાઈ યુરોપીયન જેવા ગોરા હોવાથી સૌ તેમને ‘નુરભાઈ ગોરા’ કહી બોલાવતા હતા. 

“ખૂણામાં છેલ્લું ઘર હતું તે નુરાકાકાના દીકરા છો ભાઈ તમે?”

“હા બેન. તમારે કેમ આ બાજુ આવવાનું થયું? કોને મળવું છે?”

“ભાઈ મારે અમારું ઘર જોવું છે.”

“બેન હવે તે ઘર તો છે નહીં તેમ છતાં ચાલો હું તમને તે સ્થળ બતાવવા તમારી સાથે આવું છું.” તેમણે સૌજન્ય દાખવી મહેમાનોને મદદરૂપ થવા માટે પોતાનું એક્ટિવા પાછું વાળી જૂના ગામ તરફ દોડાવ્યું. મણીબાની ગાડી તેમની પાછળ આવી રહી હતી. 

જૂનું ગામ પણ હવે ક્યાં જૂનું રહ્યું હતું? દેશી નળિયાવાળા ઘરોના સ્થાને પાકા મકાનો અસ્તિત્વમાં આવી ગયાં હતા. ધુળિયા રસ્તાઓ કોંકરિટના રોડમાં ફેરવાઈ ગયા હતા. 

ગાડી પ્રભાકાકાના ઘર પાસે આવીને ઊભી રહી. મણીબા તે સ્થળને ઓળખી જ ન શક્યાં. જો કદાચ ઈબ્રાહિમભાઈ સાથે ન હોત તો તેમને વિશ્વાસ જ ન થાત કે તેમનું પિયરનું ઘર અગાઉ આ સ્થળે હતું. તેમના પિતાજીનું ઘર ઉત્તર દક્ષિણે હતું જ્યારે તે સ્થાને બંધાયેલું નવું આલીશાન મકાન પૂર્વ પશ્ચિમે ઊભું હતું. વિશાળ મકાનના ફરતે કમ્પાઉન્ડ વોલ ચણેલી હતી. ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થવા માટે લોખંડનો મોટો દરવાજો હતો.    

મણીબા થોડી ક્ષણો સુધી તે મકાન તરફ અનિમેષ નજરે તાકી રહ્યા. થોડી ક્ષણોમાં ચિત્રપટની જેમ ભૂતકાળના કેટલાય સ્મરણો તરવરી ઉઠ્યા. તેમની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં. બંને વહુઓએ ગાડીનો દરવાજો ખોલી તેમને ગાડીમાંથી બહાર નીકળવામાં મદદ કરી. તેમણે નીચે ઉતરી એક ઊંડો શ્વાસ લઈ પિયરની હવા પોતાના ફેફસાંમાં ભરી. તેમની આંખોના ભીના થયેલા ખૂણા તેમની સાડીના પાલવથી લૂછી તેમણે આગળ વધવા ડગ ભર્યા. જાણે પોતાના બાપના મકાનમાં હક્કથી પ્રવેશી રહ્યા હોય તેવી ખુમારી સાથે તેમણે તે આલીશાન મકાનનો દરવાજો ખોલી કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો. ઈબ્રાહિમભાઈ તેમની સાથે હતા. તેમની પૌત્રવધૂઓ અને પૌત્રો તેમનાથી થોડા પાછળ ચાલતા હતાં.

કમ્પાઉન્ડનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળી કોણ આવ્યું છે તે જોવા માટે એક આધેડ વયના બહેન તે ઘરમાંથી બહાર આવ્યાં. તેમને અજાણ્યાં બિનમુસ્લિમ મહેમાનોને જોઈને આશ્ચર્ય થયું તેમ છતાં ગામડાના રિવાજ મુજબ “એ...આવો...બધા આવો” કહી સૌને આવકાર્યા. 

“એ.. હા..” મણીબાએ યંત્રવત જવાબ પાઠવ્યો. 

મહેમાનોને પોતાના ઘર તરફ આવવાને બદલે ઘરના પાછળના ખુલ્લા ચોગાન તરફ જતાં જોઈ તેમને નવાઈ લાગી. મહેમાનો સાથે ગામના ઈબ્રાહીમભાઈને જોઈ તેમને થયું કે આગંતુકોને પાછળના ભાગમાં કોઈ કામ હશે માટે તે તરફ જતાં હશે તેવું વિચારી ફ્રિજમાંથી ઠંડા પાણીની બે બોટલ અને કાચના બે ગ્લાસ લઈ તે બહેન પણ ઘરના પાછળના દરવાજેથી મહેમાનો પાસે પહોંચી ગયાં.    

ઘરની પાછળના વિશાળ ચોગાનમાં ઉભેલા વિશાળ પીપળાને જોઈ મણીબાની આંખોમાં ફરીથી આંસુ આવી ગયાં. તેમણે પીપળા પાસેથી ચપટી ધૂળ ઉપાડી તેમના માથે લગાડી. તેઓ તેમની ભાવનાઓ ઉપર કાબૂ રાખી શક્યાં નહીં. એકાએક તેમના ગાળામાંથી હળવું ડૂસકું નીકળી ગયું. તેમની પૌત્રવધૂઓ અને પૌત્રો દાદીની મનોસ્થિતિ અને ભાવનાને સમજીને ચૂપ રહ્યાં પણ ઘર માલિક બેન ગભરાઈ ગયાં હતાં. 

તે બોલ્યાં. “બુન હું થ્યું...ઈબ્રાહિમભાઈ આ બુન ચમ રુંવે (રડે) છે?” 

ઈબ્રાહિમભાઈએ તેમને શાંત રહેવા ઈશારો કર્યો. 

મણીબા પીપળા ફરતે બનાવેલ ઓટલા પર બેસી ગયાં. તેમનું ડૂસકું શમી ગયું હતું પરંતુ માતા પિતાની યાદ તાજી થવાના કારણે આંખોમાંથી આંસુનીઓ ધાર વહી રહી હતી. મણીબા શાંત થયાં એટલે ઘર માલિક બેને તેમને અને બીજા મહેમાનોને પાણી આપ્યું તે દરમ્યાન ઈબ્રાહિમભાઈએ ઘર માલિક બેનને મણીબેનનો પરિચય આપી તેમનું અહીં આવવાનું પ્રયોજન સમજાવી દીધું હતું. 

“પેલા ખૂણામાં એક ગૂંદો હતો.” મણીબેને તેમનું નાક ખંખેરી ભીની આંખો લૂછતાં કહ્યું. 

“હોવે બુન અમે આ જગા લીધી ત્યારે ગૂંદો ઊભો જ હતો પણ અમારે ઢોર બાંધવાનો શેડ બનાવવામાં નડતો’તો એટલે અમે તેને કપાઈ નાખ્યો’તો.”       

તેમની વહુઓને ઉદ્દેશીને મણીબા ગર્વથી બોલ્યાં, “આ પીપળો મારી દાદીએ વાવ્યો હતો. મારું લગ્ન થયું ત્યારે તેનું થડ બે હાથ વચ્ચે સમાય જાય તેટલું હતું. અત્યારે તે પાંચ છ આંબ (પહોળા કરેલા બે હાથ વચ્ચેનું અંતર)માં પણ ન સમાય તેટલો જાડો થઈ ગયો છે. તે વખતે તેની ફરતે આ ઓટલો ન હતો.”

“આજુબાજુથી હિન્દુઓની છોળીઓ અઇં પૂજા કરવા આવતી’તી એટલ અમે ઈન રેવા દીધો’તો. વરસાદી પાણીથી માટી ધોવાઈ જવાથી ઈના મૂળ ઉઘાડા થઈ ગ્યા’તા એટલે અમે ઇંની ફરતે ઓટલો ચણાવ્યો’તો. હવ આજુબાજુ હિન્દુ વસ્તી નથી એટલે આંય કોઈ પુજા કરવા આવતું નથી પણ અમોન નડતો નથી એટલે અમે સાં(છાં)યડા માટે હાચવી રાખ્યો સ.”

“અમારા આંગણામાં એક મોટો લીંમડો પણ હતો.”

“આ ઘર બનાવવામાં નડતો’તો એટલે અમે ઈન કપાઈ નાખ્યો’તો. હેંડો બધાંય ઘરમાં આવો. અંદર બેહીન ચા નાસ્તો કરતાં કરતાં વાતો કરીયે.” 

મણીબાએ જાણે તેમની વાત સાંભળી જ ન હોય તેમ બોલ્યાં. “સુમિત્રા વહુ પેલી વાસણ અને કપડાં ધોવાની જે જગા છે તેની પાસેની એક હજાર ફૂટ જમીન મારા બાપાએ વિશ્વકર્મા ભગવાનનું  મંદિર બાંધવા માટે ફાળવી હતી. બાપાએ સમાજમાં ઘેર ઘેર ફરીને બાંધકામ માટે ફાળો માગ્યો હતો પરંતુ લોકોએ સાથ આપ્યો નહીં એટલે મંદિર બાંધી શકાયું ન હતું.”

“મણીબુન હેંડો બધાં ઘરમાં આવો.”

“મારે સામેના ડેલામાં જવું છે. ત્યાં જઈને પછી આવું છું.”

“ચાલો ઈબ્રાહિમભાઈ અમારી સાથે.”

સો ડગલાં ચાલી બધાં સામેના ડેલામાં આવી પહોંચ્યાં. 

મણીબેને પૌત્રોને કહ્યું, “પેલા ખૂણામાં નુરાકાકાનું ઘર હતું. અહીં મજીદકાકાનું અને તેની સામે દાઉદકાકાનું ઘર હતું. મને હજુય બધું યાદ છે.”

બધાં ઘર જમીન દોસ્ત કરીને હવે ત્યાં મેદાન હતું. 

“આ મુંબઈવાળાનો ડેલો છે ને?” તેવો અવાજ સાંભળી કોઈ મહેમાન આવ્યું  લાગે છે તેવું વિચારી પહેલા ઘરમાંથી એક બેન બહાર આવ્યાં.

મણીબા તે બેનને ઉદ્દેશીને બોલ્યાં, “તમારું ઘર છે તે પહેલાં પૂરીમાનું ઘર હતું તે તમને ખબર છે? તમે મને નહીં ઓળખો. હું પ્રભાકાકા સુથારની મણી છું.” 

  “હોવે..મારી હાહુએ અમને કીધું’તું.”

“બાજુ વાળું ઘર નુરાકાકા મુંબઈવાળાનું ખરુંને.”

“હોવે. એ મારા હાહરા થાય.તેમાં મારા જેઠના છોકરા રહે છે.”

“તે ઘર ઉપર પતરાં મારા બાપાએ નાખ્યાં હતાં. તે વખતે હું આઠ વર્ષની હતી. અમે આ આંગણામાં બહુ રમ્યા છીએ. તમારી નણંદ ખાતૂન અને ખેરુંન મારી સહિયારો હતી. તે જીવે છે?”

“ના.બંને ગુજરી ગઈ છે.”

“કુલસમ ભાભી છે?”

“ના તે પણ બે ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયાં છે.”

“તે મુંબઈથી આવે ત્યારે અમારા ઘર માટે હલવાનો અને પીપરમિંટનો ડબ્બો જરૂર લાવતાં હતાં.”

“આવો ઘરમાં આવો. ઈમ બા’ર ઊભા ઊભા થોડી વાતો થતી હશે. ચા પાણી પીને જાઓ.”

“ના ઘરમાં આવવાનો સમય નથી. આ તો મને પિયર સાંભર્યું હતું એટલે જોવા આવી છું. ચાલો ત્યારે આવજો.”

મણીબા પિયર જોઈ ખુશ ખુશ થઈ ગયાં હતાં. તેઓ ફરીથી તેમના પૈતૃક ઘરના કમ્પાઉન્ડમાં બાંધેલા મકાન પાસે આવી પહોંચ્યાં. મકાન માલિક બેન તેમની રાહ જોઈ રહ્યાં હતાં. 

“અલી વહુઓ જુઓ આ સામેનું ઘર મોહનકાકાનું હતું. તેની બાજુમાં મણાકાકાનું અને તેની સામેનું ઘર સોમાકાકાનું હતું.” ઘરમાં દાખલ થતાં પહેલાં બહાર ચોગાનમાં ઊભા રહી અગાઉ સુથારોના જૂનાં ઘર કોનાં હતાં તેની જાણકારી આપતાં મણીબાએ કહ્યું.    

“તમારું ઘર ખૂબ સરસ છે.”  ઘરમાં દાખલ થઈ સોફા પર બેસતાં તેમણે કહ્યું. 

ભલે તેમની ઉંમર ત્રાણુ વર્ષની હતી પરંતુ અત્યારે મણીબાના શરીરમાં તેઓ ત્રીસના હોય તેવી સ્ફૂર્તિ જણાતી હતી. 

“મણીબેન કોરોનામાં રમણભાઈનો ગુણવંતના ગુજરી ગયો તે સમાચાર અમે જાણ્યા’તા. બહુ ખોટું થ્યું.” મકાન માલિકબેને ખરખરો કરતાં કહ્યું.

“હા તેના અવસાન સાથે મારા બાપનું ઘર વસાઈ ગયું છે. હું મરી જઈશ ત્યારે મારી ઠાઠડી પર ઢાંકવા મને મહિયરનો સાડલો પણ નસીબ નહીં થાય.” મણીબાનો અવાજ ભારે થઈ ગયો હતો. તેમની આંખોમાં આંસુ આવી ગયાં. 

એકાએક ઘર માલિકબેનના મગજમાં એક ચમકારો થયો. તેમણે તેમના દીકરાને ઈશારો કરી તેમની પાસે બોલાવ્યો. તેની સાથે તેમણે કઈક મસલત કરી. તે યુવક પોતાની બાઈક લઈ ગામમાં ચાલ્યો ગયો. 

સૌએ ચા નાસ્તો પતાવી દીધો હતો. હવે સૌ પરત ફરવાની તૈયારી કરતાં હતાં. તે વખતે ઘર માલિકબેને મણીબેનને કહ્યું, “મણીબુન અમારા તરફથી તમારા માટે ભેટ છે.” 

“શું છે બેન?”

“તમે પિયર સમજીને અમારા ઘરે પહેલી વખત આવ્યાં છો એટલે અમારા તરફથી એક સાડલો ભેટ આપું છું.”

“ના...ના.. તમારી પાસેથી ભેટ થોડી લેવાય?”

“ના કેમ લેવાય..? અમારું ઘર પારકું થોડું છે?”

“હું તો મરતાં પહેલાં એકવાર મારા બાપની ઘરથાર જોઈ મારી આંખો ઠારવા આવી હતી. ના...મારાથી તમારી ભેટ નહીં લેવાય.”  

“મણીબુન અમારા ઘરને તમારું પિયર સમજો અને મને તમારી લીલાભાભી સમજીને લઈ લો.”

“ના..ના..તમારા તરફથી કોઈ ભેટ મારાથી નહીં જ લેવાય....”                    

મણીબેનના પૌત્રો અને પૌત્રવધૂઓએ પણ આનાકાની કરવા માંડી.

“અમે આ ઘરમાં રહેવા આવ્યા પછી ખૂબ સુખી થયા છીએ એટલે હું ખુશ થઈને તમને ભેટ આપું છું.  લઈલો....તમારા મહિયરની ચૂંદડી સમજીને લાઈલો. તમને પ્રભાકાકાના સોગંદ જો ના પાડો તો.”

“મારા બાપાના સોગંદ આપ્યા છે એટલે તમારી ભેટ સ્વિકારું છું.” મણીબેને ભેટ સ્વીકારી પોતાના માથે લગાડી. તેમણે થેલીમાંથી સાડી બહાર કાઢી ત્યાં જ માથા પર ઓઢી લીધી. તેમના ચહેરા પર પ્રસન્નતા ફરી વળી. સાડલો માથે ઓઢતાં તેમને અલૌકિક સુખનો અનુભવ થયો. તેમણે થોડી ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી તે સુખદ એહસાસને માણ્યો. 

સાડલાની ભેટ માટે આભાર માની, આવજો...જજો કરી બધાં રવાના થયાં. 

દાદી આરામથી બેસી શકે તે માટે મીતેશે ગાડીની સીટની બેકને ઢાળી દીધી હતી. મણીબેન સંતોષ પૂર્વક ટેકો લઈ સીટ પર લાંબા થઈને બેસી ગયાં. ગામ બહાર નીકળી ભેટમાં મળેલી સાડી વડે પોતાનો ચહેરો ઢાંકી દાદી સૂઈ ગયાં. દાદી થાકી ગયાં હશે તેમ માની તેમની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે બધા ધીમા અવાજે વાતો કરતાં કરતાં ઘરે આવી પહોંચ્યાં. 

બંને પૌત્રવધૂઓ ગાડીની બહાર આવી દાદીને સહારો આપી ગાડીમાંથી ઉતારવા માટે ગાડીના આગળના દરવાજા પાસે આવી ઊભી રહી. 

મીતેશે દરવાજો ખોલ્યો. સાવિત્રીએ કહ્યું, “દાદી ઘર આવી ગયું છે. જાગી જાઓ.”

બે વાર બોલાવવા છતાં દાદીના શરીરમાં કોઈ સળવળાટ ન થતાં સુમિત્રાએ ઝડપથી દાદીના ચહેરા પરથી સાડીનું આવરણ દૂર કર્યું. દાદીની ગરદન એક બાજુ ઢળી ગઈ હતી. તેમના ચહેરા ઉપર અંતિમ સમયે ‘મહિયરની ચૂંદડી’ ઓઢી ગામતરું કરી જવાનો સંતોષ ઝળકતો હતો. 

(સત્ય ઘટના પર આધારિત કથા)


-આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી)

-તા. 12/06/2022

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ