વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાષ્ટ્રરક્ષા કાજે જલતો દીપ


  ⛳ રાષ્ટ્રરક્ષા કાજે જલતો દીપ ☀

        

             

         -- ફૌજમાં જોડાયેલ એકનો એક પુત્ર ભારતીય સૈન્યમાં મેજર બન્યો હોવાનાં સમાચાર મળતાં જ વીરસિંહનાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. લોકો તેનાં માતા પિતા અને તેની સગર્ભા પત્ની નેહાબાને અભિનંદન આપવાં લાગ્યાં. 


           પોતાનાં પતિની  અદ્ભૂત સાહસની શૌર્યગાથા ટીવી  પર નિહાળીને નેહાબાનું મસ્તક ગર્વથી ઉંચુ થઈ રહ્યું હતું. કયારે પતિદેવ ઘેર પઘારે અને પોતે તેમનો વારસદાર  નવો  ફૌજી બંને તેવાં દીકરાને જન્મ આપીને પતિને હરખ પમાડે તેવી ભેટ આપવા ઉત્સુક હતાં. 

બોર્ડર પર ધૂંવાધાર લડાઈ આતંકવાદીઓ સાથે વીરસિંહ લડી રહ્યો હોવાનો ફોન આવતાં પત્ની નેહાબાની ચિંતા પણ હવે વધી રહી હતી. પતિ એક દિવસ  ઘેર આવ્યો તો પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ગામજનોએ ફુલહારથી વધાવ્યો. માતા પિતાએ  ગળે લગાડી ગર્વથી આશિષ આપ્યા. સગર્ભા પત્ની નેહાબા શરમાઈને બોલ્યાં,

   "નવા ફૌજીની ભેટ હું જલ્દી તમને આપવાની છું."


      હરખથી છલકાતું બહાદુર પત્નીનું મુખ જોઈને વીરસિંહ બોલ્યો,

   "હા હવે તો આ મેજર સાહેબ નાનકડાં ફૌજીનું મુખડું જોઈને જ સરહદ પર જાશે." ઘેર આવેલ પતિ સાથે મધુર મિલનની મધરાતે પતિ પત્ની નીંદરને આઘી મેલીને સ્નેહ છલકતી આંખોમાં આંખો મિલાવી પ્રણયની વાતો કરી રહ્યાં હતાં. તેવામાં અચાનક ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. 


       ફોન ઉઠાવતાં જ વીરસિંહની આંખોમાં ક્રોધ ભભૂક્યો અને છાતી પહોળી થઈ ગયી. વીરાંગના પત્ની નેહાબા પતિનાં હાવભાવ પારખીને બોલ્યાં,

   "પતિદેવ! રાષ્ટ્ર રક્ષા સર્વોપરી છે. તમારી પત્ની પણ તેમાં પૂરો સાથ આપશે." 


      " તમારાં જેવી વીરાંગના પત્ની ભાગ્યશાળીને જ મળે." કહેતાં જ ઝટપટ  સમાન બાંધીને પત્નીએ આપ્યો અને હેતભરી આંખોએ મનભરીને યુદ્ધમાં જતાં પતિને નીરખતાં રહ્યાં. વીરાંગનાની આંખોમાંથી છલકીને ગાલ પર આવતાં ઝાકળ બિંદુ જેવાં આંસુ આંગળી પર લેતાં  પતિ બોલ્યાં,

    "આ અનમોલ મોતી સાચવીને રાખો, મારાં  હૃદયનાં રાણી! હવે તો વીરગતિ પામું તો પણ એકપણ કિંમતી મોતી ધરતી પર ન પડવા દેતા અને આપણાં કુંવરને પણ ફૌજી બનાવીને સહુને બતાવી દેજો કે ભારતની નારી પણ રાષ્ટ્ર માટે બલિદાન આપવામાં ક્યાંય પાછી પડતી નથી. "


      "  હા પતિદેવ!" કહેતાંક શૂરવીર પતિની છપ્પનની છાતીમાં દબાઈને નેહાબાએ જન્મોનું વહાલ અનુભવી લીધું.

         ઓરડાની બહાર નીકળી મધરાતે મા બાપને જગાડીને હિંમત રાખવાનું કહીને મેજર પોતાને લેવા આવેલી આર્મીની ગાડીમાં બેસી ગયાં અને બારીમાંથી અપલક નયને નિહાળતાં નેહાબા તરફ મીઠી મુસ્કાનભરી નજરથી સ્નેહનો વરસાદ વરસાવીને મેજર વીરસિંહ સરહદ તરફ રવાના થયાં.


         થોડાં દિવસો પછી પ્રસુતિનો સમય નજદીક આવતાં માતા પિતા ઓરડામાં મા ભવાની સમક્ષ દીપ પ્રગટાવીને નવા ફૌજીનાં હેમખેમ ધરા અવતરણ માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં. થોડાં સમય પછી બાળકનાં રુદનનો અવાજ સંભળાયો. ખુશીમાં પેંડા વહેંચાવાં લાગ્યાં. તેવામાં અચાનક પ્રગટાવેલ દીપ જોરદાર અજવાળું કરીને બુઝાઈ ગયો. વીરનાં મા રાજુબાને આ જોઈને ફાળ પડી. તેઓ બોલ્યાં, 

 "મારાં નવા ફૌજીની રક્ષા કરજો મા."


              અચાનક વીરસિંહના કાકા દોડતાં આવીને વીરનાં પિતા સામું જોઈને ગભરાટમાં બોલ્યાં,

    "જલ્દી ટીવી ચાલુ કરો.." 


સમજદાર પિતાએ તરત જ ટીવી ચાલુ કરતાં હેડલાઈન આવતી દેખાઈ. એન્કર દુઃખ  સાથે બોલતી હતી,

   "કાશ્મીર સરહદ પાસેનાં ગામમાં આતંકવાદી સાથેની લડાઈમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરનાર મેજર વીરસિંહને પાછળથી છેતરીને આતંકવાદીએ મારેલી  ગોળી વાગતાં વીરગતિ પામ્યાં."


            માતાએ પુત્રની શહીદીથી  હૈયામાં છલકતી વેદના અંદર વહુ ન સાંભળે તે માટે ભીતર દબાવીને બહાર ઓટલે જઈને ચોધાર આંસુએ રડવા લાગ્યાં. બહાર ભીડ જમા થવાં લાગી. દુઃખી પિતાએ વીરની માને જેમતેમ કરીને સમજાવી વહુને ખબર ન પડે તેમ પુત્રનું મોઢું જોવા અંદર જવા કહ્યું.


             કઠણ કાળજું કરીને રાજુબા ભીતર પ્રવેશ્યાં અને પુત્રને માથે હાથ ફેરવવા લાગ્યાં પણ માતાનું દર્દ પળમાં પારખતાં પુત્રવધૂ નેહાબા બોલ્યાં,

    "સાસુમા તમારો દીપ તો દેશમાં અજવાળાં પાથરીને ઓલવાયો છે. "

         માતાએ ચમકીને પુત્રવધુ સામું જોયું તો અપાર દર્દને છાતીમાં ધરબીને એક મહાન વીરાંગનાની જેમ નેહાબા બોલ્યાં, 

   "નવો દીપ મેં પ્રગટાવ્યો છે. વીરગતિ પામનાર ભડવીર ભરથારનાં નામનો. આ મારો દીકરો પણ મેજર બનશે. મારાં પતિનાં શબ્દો હું સદાય યાદ રાખીશ.

   "રાષ્ટ્ર રક્ષા સર્વોપરી." 


       ઓરડાની બહાર વાત સાંભળતાં પિતા ગર્વથી બોલી ઉઠ્યાં, 

"લાખ લાખ વંદન છે ભારતનાં મહાન વીરો અને વીરાંગનાઓને. વીરની મા હાલો જલ્દી રાષ્ટ્રરક્ષા કાજે નવો દીપ પ્રગટાવો."

       ⛳ ભારત માતા કી જય ☀

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ