વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુઈતિર્યુ પુરાણ

રસીલામાસીના રંગોત્સવમાં ખિખિયાટા કરતો ભંગ પડ્યો.


ખિખિયાટો આવ્યો હતો રસીલામાસીની માત્ર બે જ મહિના જૂની વહુ રંભાના શબ્દો રૂપે. ઉત્સવમાં સોપો પડી જતાં એ જ ખિખિયાટો વધુ તીવ્રતાથી ત્યાં હાજર ઓગણસાઠ કાનના પડદાં પર અથડાયો, "એઈ... કુઇતિર્યુ... હીહીહીહી."


વર્ષોથી વાડીમાં જ ઊંઘતા રુસ્તમકાકાનો એક કાન ખેતરના મહાકાય ઉંદરોએ કરડી ખાધો હતો. પ્રસંગમાં અચાનક ઉપજેલી શાંતિ એકકર્ણી રુસ્તમકાકાને ખળભળાવી ગઈ અને રંભાદેવીના 'હીહીહીહી'માં રુસ્તમકાકાનું 'હેં? હેં? હેં? હેં?' ભળ્યું. રુસ્તમકાકાનું ખરું નામ તો રમાકાન્ત હતું પણ તેમની નિરાળી બોલીને કારણે તેમને સૌ રુસ્તમ તરીકે જ ઓળખતા. 


એવામાં રંભાદેવી નવો જ શબ્દકોશ ખોલીને બેઠા. દર વીસ ગાઉએ બદલાતા શબ્દકોશમાંથી અમારા ગામના શબ્દકોશમાં કસમયે પ્રવેશેલો આ અજાણ્યો શબ્દ 'કુઇતિર્યુ' અમારી નજરોને રંભાદેવીએ ચીંધેલી આંગળી તરફ દોરી ગયો. એ નિરાકાર શબ્દના સાકાર સ્વરૂપે અમને વણનોતર્યું મહેમાન 'કૂતરું' નજરે પડ્યું. રંગોત્સવના આખા મંડપની સ્તબ્ધતામાં ત્રણ જ ચેષ્ટાઓ ગતિમાન હતી. રંભાદેવીનું 'હીહીહીહી', રુસ્તમકાકાનું  'હેં? હેં? હેં? હેં?' અને કૂતરું. 


ચોથા ખળભળાટનો સ્ત્રોત હું બની. ચક્રવાત જેવા ટાબરિયાઓના ઝુંડમાંથી સનનન કરતો કાળો રંગ ભરેલો ફુગ્ગો ગુસ્સામાં આંખો ફાડીને ઊભેલા રસીલામાસીના લમણે ઝીંકાયો. રસીલામાસીના કાનને કાળાપાણીની સજા મળી હોવા છતાં એમની રંભાદેવી તરફની કોપનજર અચળ રહી એ જોઈને મારા મોઢામાંથી હાસ્યનો ફુસ્કારો નીકળી ગયો. કોપમુખી રસીલામાસીનો ક્રોધલાવા મારા તરફ ફંટાઈ શકે છે એ જાણવા છતાં હસવાની ધૃષ્ટતા કરવાના બીજા બે કારણ પણ હતા, એક તો મેં પહેલીવાર 'કુઇતિર્યુ' ને કૂતરું બનતા જોયું હતું અને બીજું, એ કૂતરું 'ડેથ સ્પાઈરલ'માં ફસાયેલું હતું. જીવદયાપ્રેમીઓ એ 'બિચારા' કૂતરાંની દયનીય સ્થિતિ પર હસવા બદલ મારા પર ઉકળે એ પહેલા 'ડેથ સ્પાઇરલ' વિશે ચોખવટ કરી લઉં કે સંપૂર્ણ રીતે સલામત એ કૂતરું પોતાની જ પૂંછડી પકડવા સતત ગોળ ફરી રહ્યું હતું.


રંગોત્સવની સ્તબ્ધતા વધારે ભારેખમ તો ત્યારે થઇ જયારે રંભાદેવીએ પણ કૂતરાને અનુસરીને હાથમાં રહેલો ગુલાલ હવામાં ઉડાવી ગોળાકારે ફરવા માંડ્યું. આહા! જાણે કેસરી સાડીમાં સજ્જ, ગુલાલે રંગાયેલી નખશિખ જોગણી પોતાના દેવનું આહવાન કરી રહી હોય. 'એઈ. કુઇતિર્યુ.. હીહીહીહી'ના ઉચ્ચારણ સાથે જ તો! પણ, 'યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ'. મારા જેવી નજરો સૌ કોઈની ન હોય ને! રસીલામાસીની તો નક્કી નહિ જ હોય. એમની આંખોમાંથી તો અંગાર ઝરતા હતા.


પોતાની નવી-નવેલી દુલ્હને જોગણીનો સ્વાંગ ધર્યો હોવાની ખબર પહોંચતા જ રંભાદેવીના પતિદેવ ધીરજભાઈ ધૈર્ય ધરી ઘરના ઓટલેથી નીચે ઉતારતા દેખાયા. પણ ધીરજભાઈ રંભાદેવી સુધી પહોંચે એ પહેલા જ મંડપના એક ખૂણે મોબાઈલ ફોનમાં એકાકાર થઈને સમાધિસ્થ બેઠેલા ટાબરિયાએ ટ્રેન્ડિંગ ગીત વહેતુ મૂક્યું અને ગુસપુસમાં ઘેરાયેલા મંડપમાં 'બાદામ બાદામ... કાચા બાદામ..' રેલાવા લાગ્યું. ક્ષણાર્ધમાં રંભાદેવી જોગણી મટી હેશટેગ ટ્રેન્ડિંગ રીલ મેકર બની ગયા અને ટાબરિયાઓ સાથે ગીતના તાલ પર હીંચ લેવા લાગ્યા.


કોઈ કંઈ સમજે એ પહેલા એક જોરદાર ઠુમકા સાથે રંભાદેવીના ગળામાંથી સોનાનું લોકેટ ખરીને, કૂતરાંના નાકને અછડતું અડકી, તેની સામે મૂકેલા શ્રીખંડના વાટકામાં જઈ પડ્યું. સોનેરી સ્પર્શ વડે ડેથ સ્પાઈરલમાંથી તંદ્રાભંગ થયેલા શ્વાનનું ધ્યાન શ્રીખંડ તરફ ગયું અને પહેલા જ કોળિયે રસીલામાસીએ લગ્નમાં વહુને આપેલું ખાનદાની લોકેટ એ કૂતરો શ્રીખંડ સહીત ચટ કરી ગયો. આ દુર્ઘટનાના સાક્ષી તમામ લોકોએ એકસામટી ચીસ પાડી, 'એઇઇઇઇઇ...' 


અચાનક ફૂંકાયેલા માનવ બ્યુગલથી ભડકી ગયેલા કૂતરાએ મંડપની બહાર દોટ મૂકી. તેની પાછળ રંગોત્સવ માણવા આવેલો આખો કાફલો દોડ્યો. પોતાની પાછળ દોડતું સામાજિક પશુઓનું ટોળું જોઈને શિયાવિયા થયેલું બિચારું પશુ પૂંછડી દબાવી, વધુ ઝડપે ભાગ્યું. ઓહ! જાણે ખૂંખાર અધર્મીઓ વચ્ચેથી બચી નીકળેલો એકલયોદ્ધા! પણ 'યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ'. મારા જેવી નજરો સૌ કોઈની ન હોય ને! પોતાનું ખાનદાની લોકેટ ઝાપટી ગયેલું કૂતરું રસીલામાસી માટે તો ખાનદાની દુશ્મન બની ગયું હતું. 


ઓઝલ થતાં કૂતરાં પરથી નજર ફેરવી રસીલામાસીએ ફરી રંભાદેવી તરફ જોયું અને રંભાદેવીએ રસીલામાસી તરફ. રંભાદેવીના ઈચ્છાધારી 'હીહીહીહી'એ વિકરાળ 'હાહાહાહા'નું રૂપ ધર્યું, "એઇ કુઇતિર્યુ, ખાઈ ગ્યું...' કહી રંભાભાભી માથે હાથ દઈ જમીન બેસી જઈ અટ્ટહાસ્ય કરવા માંડી. 


પહેલા જ પરિસ્થિતિનો તાગ પામી ચૂકેલા રસીલામાસીના મોઢામાંથી આખરે ભારેખમ અવાજમાં ધગધગતો આક્રોશ વછૂટ્યો, "નવી વઉને ભાંગ કોણે પીવડાવી?" 


આમંત્રિતોના ટોળામાંથી કોઈ જ ઉત્તર ન મળતાં રસીલામાસીએ ફરી પૂછ્યું, "ભાંગ કોણે પીવડાવી?" સહેજ અટકીને એમણે ફરી રાડ નાખી, "કોણે પીવડાવી?"


આ દરમિયાન મારા નવરા મગજના પશ્ચાદ્દભૂમાં યશરાજ મુખાટે, કોકિલાબેન અને ગોપીવહુ પૂરજોશમાં ચાલવા માંડ્યા, 'રસોડે મેં કોન થા?... કોન થા? કોન થાઆઆઆઆ?' પણ બે ત્રણ નજરો મારા તરફ ત્રાંસી થતી જોઈ મને અચાનક યાદ આવ્યું કે, આ રાયતાની રાશિબેન તો હું જ છું.  'અરે! મર્યા ઠાર!' મેં મનોમન ગણગણાટ કર્યો. બાળપણથી રસીલામાસીના ગુસ્સાની તેજ ધાર અવારનવાર અનુભવી ચુકેલી હું ધીમે રહી ત્યાંથી સરકવાની કોશિશ કરી જ રહી હતી કે, મને બચપન કા પ્યાર સમજતો બંટી ટોળા વચ્ચેથી ગૂંજયો, 'અરે! રંભાભાભી સાથે તો આ પિંકી જ ફરતી હતી. એને જ પૂછો. એને બધું જ ખબર હોય છે." કહી બંટી મલકાયો.


મેં એક ખૂંખાર નજર બંટી તરફ નાખી. પછી રસીલામાસીની પાછળ સંતાઈને ખીખી કરતાં મારા ભાઈ કનૈયા તરફ આંખોમાં 'બચાવી લે કાન્હા'ની આજીજી ભરીને જોયું. રસીલામાસીના કરડા ચહેરા તરફ જોવાની હિમ્મત તો મને ક્યારેય નથી આવી પણ કનૈયાએ ઊંડો પલકારો ભરીને હિંમત આપતાં મેં ધીરજભાઈ તરફ જોઈને કહ્યું, "બેં તો મસ જરાક પંડાઈ થીવડાવી હતી."


તણાવના પ્રસંગોએ ગોટાળે ચડતી મારી જીભની કરામત બખૂબી જાણતાં મારા નજદીકી લોકો પેટ પકડીને હસવા લાગ્યા. ત્યાં જ રુસ્તમકાકાનું જોરદાર 'હેં?' તદ્દન મારા કાનની નજીક સંભળાયું. સહેજવાર માટે બહેરા થઇ ગયેલા મારા એ કાનમાં મેં આંગળી નાખી દીધી. મહાપરાણે હસવાનું રોકીને કનૈયો મારી વહારે આવ્યો, 'દીદીનું કહેવું છે કે, મેં તો બસ જરાક ઠંડાઈ પીવડાવી હતી.'


રસીલામાસી હાથ ઉગામીને ત્સુનામીની જેમ મારા તરફ ધસી આવ્યા, "તે તને ભાન નથી? ભાંગવાળી ઠંડાઈ કઈ છે અને સાદી ઠંડાઈ કઈ છે? તારા લીધે અમારું ખાનદાની લોકેટ પેલા કૂતરાંના પેટમાં પહોંચી ગયું છે. હવે ગમે તે રીતે તારે જ એ લોકેટ મને લાવી આપવાનું છે." રસીલામાસીએ અસંભવ જેવું અલકાયદા ફરમાન જાહેર કર્યું. 


મારા માથે ઠીકરું ફોડાયુ તેથી જરાજરા વારે, "હીહીહીહીહી.. કુઇતિર્યુ.. લોકેટ... ગીયું.. હીહીહીહી" કરતાં રંભાદેવી પર મને અપાર અણગમો ઉપજ્યો. મેં રંભાભાભી તરફ કંટાળાજનક નજર નાખી. 


'પુષ્પા'નો તાવ હજુ મને આગલી રાતે જ ચડ્યો હતો અને એને ઊતરતાં થોડા દિવસ લાગે એમ હતું. 'મૈં ઝુકેગા નહિ સાલા'ના ખુમારમાં હું રસીલામાસીના આતતાયી ફરમાનની સામે વિદ્રોહ કરવા ગઈ. પણ ફરી મારા મગજમાં રહેલા શબ્દો અને જીભ વચ્ચેનું કનેક્શન ફ્યુઝ થઇ ગયું, "તોકેટ લારા મીધે નહિ, ભાભીના બાચા દાદામના ઠુમકાને લીધે પૂતરાંના કેટમાં ગયું."


બાજુમાં જ ઊભેલા રુસ્તમકાકાએ આ વખતે મારા શબ્દો સાંભળ્યા અને આંખો ઝીણી કરી, એમણે તપખીરમાં લપેટાયેલા અડધા તૂટેલા દાંત ભીંસીને, તદ્દન મારાં ચહેરા નજીક પોતાનો ચહેરો લાવી દીધો અને મારું અવલોકન કરતા હોય એમ કહ્યુ, "આ પોરી તો હાવ બોબડી દેહું... મેં તો મારી બેનની નણંદના દિયરના પોયરા હાથે એનું ગોઠવવા વાત કરવાનો ઉતો.. છેહ.." કહી રુસ્તમકાકાએ હાથ ઝાટક્યો અને મારાં તરફ પીઠ કરી ઉભા રહી ગયા. એમનો ઝાટકેલો હાથ મારા મોઢા પર આવી વાગ્યો. 


મારાં મોઢામાંથી સિસકારો નીકળી ગયો. એ સમયે ઉંમરની લાજશરમ ભૂલી જઈ મને રુસ્તમકાકાના મોઢા પર એક સજ્જડ મુક્કો જડી દેવાની ઈચ્છા થઇ ગઈ. બોલ્યા એટલું ઓછું હોય એમ રુસ્તમકાકાએ ફરી મારાં તરફ રૂખ કર્યો અને જીભ વડે ડચક-ડચક અવાજ કરી કહ્યું, "અવે કોણ પણવાનું આ બોબડી હાથે... છેહ..." કહી ફરી હાથ ઝાટક્યો. પૂર્વાનુભવથી સજ્જ 'હું' આ વખતે એમના ઝાટકેલાં હાથના પ્રહારથી આબાદ બચી નીકળી.


આમ ફિલ્મી સ્ટાઈલમાં બચવા-બચવામાં ડોલતી મારી નજર બંટી પર પડી. એ હજુયે રુસ્તમકાકાના 'અવે કોણ પણવાનું આ બોબડી હાથે?'ના પ્રશ્નનો જવાબ પોતાના મલકાટથી આપી રહ્યો હતો. એના મોઢા પર સાફ સાફ લખ્યું હતું, 'તેઢી હૈ... હેશટેગ બોબડી હૈ, પર મેરી હૈ.' 


થોડીવાર પહેલા બહેરો થયેલો મારો કાન અચાનક અમળાતાં મારા પર સાઉથની ફિલ્મોના સ્ટંટ સીનનો હાવી થયેલો પ્રભાવ ઝટ કરતો ઉતરી ગયો. રસીલામાસીએ કાન પકડીને મને રીતસર બહાર ધકેલી, "નવી વઉએ શું કર્યું એ હું કંઈ ન જાણું. આ બધાની જડ તું જ છે અને તું જ મારું લોકેટ પાછું લાવશે. સમજી?" કહી કનૈયા તરફ જોઈને કહ્યું, "તું જા આની સાથે. ને આજે ધુળેટીમાં બહાર મવાલીઓ ફરતા રહે છે તે તમે છોકરાઓ એકલા ન જતાં. કોઈ વડીલને પણ સાથે લઇ જાવ." 


મેં આખા ટોળાં તરફ નજર નાખી. ઘરના જુવાનિયાઓ, બાળકો અને સ્ત્રીઓને બાદ કરતાં, રુસ્તમકાકા સિવાય અન્ય એકેય વડીલ હાજર ન જણાયો. ત્યારે જ ઉપરથી હસી-મજાક-ઠઠ્ઠા-મશ્કરીનો મિશ્ર અવાજ આવ્યો. "ઓહ, તો ખરી રમઝટ ઉપલા માળે જામી છે. હવે રસીલામાસી જે વડીલ તરફ ઈશારો કરતાં હતાં તે ભવિષ્યભીતીથી ભયભીત મેં નિમિષમાત્રમાં ચોકઠું ગોઠવ્યું, "અરે! રુસ્તમકાકા, પપ્પા અને માસાજીએ તમને ઉપર ન બોલાવ્યા? જાવ તમારી રાહ જોતા હશે."


વાહ! મારો એકેક શબ્દ યથાયોગ્ય સ્વરૂપે નિષ્પન્ન થયો. પણ રુસ્તમકાકા જેનું નામ! એમણે ફરી મારા ચહેરા નજીક ધસી આવી એમનું 'હેં?' છુટ્ટુ માર્યું. મારુ વાક્ પ્રપંચ સમજી ગયેલા રસીલામાસીએ સિરિયલની કોકીલાબેનને પણ શરમાવે એવા ડોળા કાઢ્યા અને મને બહારનો રસ્તો બતાવ્યો. 


બહાર જતી વખતે મેં ધીરજભાઈનો પ્રશ્ન અને રંભાદેવીનો 'હીહીહીહી'માં લપેટાયેલો ઉત્તર સાંભળ્યો, "ઓય રંભા, તેં કૂતરાને પણ ભાંગવાળી ઠંડાઈ પીવડાવી હતી કે શું?  એ ગોળ ગોળ કેમ ફરતું હતું."


"હીહીહીહી.. એઇ કુઇતિર્યુને... હીહીહીહી... શ્રીખંડ કુઇતિર્યુ... હું મોઢે ખવડાવવા ગઈ પણ... પણ... તે શ્રીખંડ.. હીહીહીહી.. શ્રીખંડ એના પૂંછડે ચોંટ્યું. હીહીહીહી.. એઇ કુઇતિર્યુ.. પછી તો... ગોળ. ગોળ. ગોળ. ગોળ... હીહીહીહી." 


મેં ગરદન ઘુમાવીને જોયું તો રંભાદેવીએ 'ગોળ, ગોળ, ગોળ' સાથે ફરી ઘૂમર માંડ્યું હતું અને રસીલામાસી એમના સદગત સાસુની તસવીર સામે જઈ હાથ જોડી માફી માંગી રહ્યા હતા. મેં આસપાસ નજર ઘૂમાવી તો કેટલીક કાતિલ નજરો રંગોત્સવ બગાડવા માટે બહુમતીમાં મને આરોપી તરીકે જોઈ રહી હતી. 


કૂતરું શોધવા જવાનું અને અને એના પેટમાંથી ખબર નહિ કઈ રીતે પણ લોકેટ પાછું લાવવા 'જ' માટે બહાર જવાનું વાહિયાત કારણ જાણ્યા વગર રુસ્તમકાકા સાથે થયા. 'બાઈક પર ત્રણ જણા નહિ બેસાય' કહી મેં ફરી રુસ્તમકાકાને ટાળવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ બંટી તર્જનીમાં એની બાઈકની ચાવી ઘૂમાવતો હાજર થયો, "ચાલો હું પણ આવું છું તમારી સાથે, એક બાઈક પર ત્રણ જણા નહિ બેસાય." એ મારી તરફ જોઈને બેધડક બોલ્યો. જો કે, મને ગમ્યું કે બંટી મારી ખૂંખાર નજરોનો આદી થઇ ગયો છે.


ધુળેટીના દિવસે ચાર મહારથીઓ બપોરના તડકામાં ભૂખ્યું પેટ લઈને શ્રીખંડ ખાઈને ધરાયેલું કૂતરું શોધી રહ્યા હતાં. અહીં સુધારો... ચાર નહિ ત્રણ... કેમ કે રુસ્તમકાકા તો આસપાસ ચાલતો રંગોત્સવ જોઈને આનંદી રહ્યા હતાં. આખરે રસીલામાસીના ઘરની આસપાસનો બેએક કિલોમીટર વિસ્તાર અમે રખડી ચૂક્યા પણ પેલા શ્વાનકુમારનો કોઈ જ પત્તો ન લાગ્યો. બાઈકની પાછલી સીટ પર બેસીને મેં આખા ચકરડામાં તોફાની બારકસો દ્વારા દે ધનાધન આવેલા રંગોના ફુગ્ગા ખમ્યા હતાં. તડકા અને પવનના લીધે મારા ચહેરા અને શરીર પર પાક્કો રંગ સજ્જડ ચોંટી ગયો. 'એને કાઢીશ કઈ રીતે?' અને 'કૂતરું ના મળ્યું તે વિશે શું કરીશ?' એ કરતાં મને પેટમાં દોડતા બિલાડાંની વધારે દયા આવી. 


કદાચ પેટની આગ પહેલા જ ઠારીને બેઠેલા કનૈયાના મોઢા પર ભૂખના કોઈ ભાવ ન દેખાતા મેં એને હલબલાવ્યો, "કનુ, જને મબ્બર ભૂખ લાગી છે." માત્ર તણાવમાં નહિ વધુ પડતી ભૂખમાં પણ મારું કનેક્શન લોસ થઇ જતું.


"તારું 'જને મબ્બર' તો મને નહિ સમજાયું પણ ભૂખ સમજાયું. ચાલ વડાપાઉં ખવડાવું. પેલા તારા 'એજી'ને પણ ફોન કરીને બોલાવી લઉં. એય તારી પાછળ ભૂખો હશે." કહી કનૈયાએ આંખ મિચકારીને બંટીને બોલાવ્યો. હું મોઢું વકાસીને કનૈયાને જોઈ રહી. 


મેં સ્તિથપ્રજ્ઞ ભાવ ધરી તીખી ચટણીમાં ઝબોળી ઝબોળીને વડાપાઉં ઝાપટવાનું ચાલુ કર્યું. વચ્ચે-વચ્ચે મને ચટણીમાં આંગળી બોળીને ચાટવાની આદત હતી તેથી મેં મારી ચટણી અલગ કરી લીધી. ત્યારે જ કનૈયાએ કસમયની પણ મુદ્દાની વાત કરી, "હેં બંટી, આપણે કૂતરાં સુધી પહોંચીએ એ પહેલા જ એણે ચટણી કરી દીધી હશે તો?"


બંટી ચમક્યો, "ચટણી?"


"હા ચટણી." કનૈયા અને બંટી વચ્ચે કંઈ આંખનો ઈશારો થયો.


બંટીએ બેફિકરાઈથી કહ્યું, "ઓહ! ચટણી... હા તો પછી આપણે કૂતરું છોડીને રસ્તામાં જેટલી ચટણી દેખાય એ ખોળતાં જઈશું. બીજું શું?"


એ સમયે મરચાંનો આખો ટુકડો શોધવા હું ચટણીમાં આંગળી બોલીને ઘૂમાવી રહી હતી. એ બંને નમૂનાની વાત સાંભળીને મને ઉબકા આવવા લાગ્યા. હા, મારા એકાદ લેખમાં મેં કૉપિલુવાક કોફી 'કદાચ' ચાખવાની વાત લખી હતી પણ એમ કંઈ હું સાવ સૂગપ્રૂફ નથી. રસ્તે પડેલી દરેક શ્વાનવિષ્ટામાં ખાંખાખોળા કરવાના વિચારથી જ મારે ખાલી પેટ છતાં સામે રાખેલું અન્ન દાન કરી દેવું પડ્યું. 


ભલે અમારે શ્વાનવિષ્ટા ખોળતાં ફરવું પડે પણ રસીલામાસી એમ કંઈ ખાનદાની લોકેટ જવા દે એવા નથી. કૂતરાંના પેટમાંથી પસાર થઈને આવેલું લોકેટ પણ શુદ્ધિકરણ કરાવીને પેઢી દર પેઢી હસ્તાંતરિત કરતાં રહે એવા છે. જાણે કોઈ મહાસામ્રાજ્યની મહારાણી દ્વારા વારસોને અપાતી તલવાર. પણ 'યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ' અને મારા જેવી નજરો બધાની ન હોય ને! રુસ્તમકાકાની તો કદાપિ નહિ, જેને ઉત્સવનું ખાવાનું છોડીને લારી પર વડાપાઉં ખાવા પડ્યા હોય.


અસપાસની ઉજવણીના કોઈક અન્ય જ મનોઆયામ પરથી ફરી અમારા વાર્તાલાપ વચ્ચે પ્રવેશેલા રુસ્તમકાકાએ નાસ્તા બાદ તપખીર દાંતો પર રગડી અને લાળ ને તપખીરમાં ખરડાયેલી આંગળી પોતાના ઝભ્ભા પર રગડી. એ જ હાથ બંટીના ખભે રાખી પૂછ્યું, "તમારે ને રશીલાને કંઈ વાંકુ પૈડુ કે હુ? તાં એટલું હારું શીખન-પૂરી મૂકીને આ પાઉંના ડૂચા મારવા અઇયા લગી આયવા તે. ને આ ડોબો બંટી તો આટલે જ આવાનું તો હો મને એની ડુગડુગી પર કાંકાં ફેરવી લાયવો. તદ્દન ચહકેલ દેહુ રે આ પોયરો તો..."   


બંટી તાડૂક્યો, "ઓ કાકા, આપણે કૂતરો શોધવા નીકળ્યા છે."


"કયો કૂતરો?" રુસ્તમકાકાએ મ્હોં બગાડ્યું.


"પેલો જે મંડપમાંથી ભાગી છૂટ્યો તે. રસીલામાસીનું લોકેટ ખાઈ ગયો છે." અમે ત્રણેય લગભગ સાથે બોલ્યા.


"પેલું ગોલ ગોલ ફરતું ઉતું તે કૂતરું કે? તમે તન્નેવ મરી ગ્યાઓ તેના હારું આટલે હુધી હુ કરવા ધહળાઈ આયવા. રશીલાના ઘેર પાહે પાનનો ગલ્લો સે, તેની તાંનું જ કૂતરું તે તો. ઘેલસપ્પાઓ, મારી શીખન-પૂરી જવડાયવી." રુસ્તમકાકાનો આક્રોશરસ અમારા કાન પી રહે એ પહેલા અમે ત્રણ જણ બાઈક પર સવાર થઇ ગયા. રુસ્તમકાકા પણ બબડાટ ચાલુ રાખી અમારી સાથે થયા.  


કોઈ આતંકીને ઝડપી પાડવા નીકળેલા અન્ડરકવર એજન્ટની જેમ અમે ચારેયે પાનના ગલ્લાને ઘેરી લીઘું. પણ શ્વાનકુમાર હજુયે પહોંચની બહાર હતા. અમે ચારેય ચતુર્દીશ વિખેરાયા. હું બંધ પાનના ગલ્લાની પાછળના ભાગે સર્ચ ઓપરેશન પર નીકળી. ગલ્લાની પાછળ થોડી ખુલ્લી જગ્યા ત્રણ બાજુએ આડાઅવળા નાખેલા ઝાડી-ઝાંખરાંની વાડથી ઘેરાયેલી હતી અને ત્યાં સુધી જવાના રસ્તાના નામે માત્ર એક જ સાંકડી ગલી હતી. હું ચોરપગલે ફાંફા મારતી તે ગલીમાં પ્રવેશી. એ જ સમયે વાડના છીંડામાં હલચલ થઇ અને એક કૂતરો પ્રવેશતો લાગ્યો. હું અંદરથી ઉછળી પડી, 'આવ્યો છે હાથમાં.. સા...' પણ તરત જ મારા આનંદના પાણી પાછા વળી ગયા. એ કોઈ બીજું જ કૂતરું હતું. 


મારા મોતિયા તો ત્યારે મરી ગયા જયારે એ કૂતરાની પાછળ બીજા બે કૂતરા પ્રવેશ્યા. અને સૌથી છેલ્લે પ્રવેશ્યો અમારી શોધખોળનો સાર જેવો લોકેટ ગળી ગયેલો કૂતરો. એ ધીમા પગલે પ્રવેશીને મારી સામે આવી 'એ બેટ્ટા યે મેરા અડ્ડા'ની છટા સાથે ઉભો રહ્યો. મેં તે કૂતરાને પુચકારવાનો પ્રયાસ કર્યો. પણ જવાબમાં મને વેધક ઘુરકિયાં મળ્યા. એમની તરફ મેં એક ડગલું આગળ વધાર્યું. તે ચારેય કૂતરાં બે ડગલાં પાછળ હટીને ચાર ડગલાં આગળ આવ્યા. હવે મારું જોરજોરથી ધબકતું હૃદય લગભગ ગળા સુધી આવી ગયું હતું. મેં પીછેહઠ શરુ કરી એ જોઈને ચારેય કૂતરાને વધારે જોશ ચડ્યું. મારા પર તરાપ મારવાની તૈયારી સાથે લોકેટવાળા શ્વાનકુમારે દોડવીરની મુદ્રામાં પગ જમાવ્યા. 


મારા પગ ઢીલા થઇ જાય એ પહેલા કૂતરાને પીઠ બતાવીને હું ચીસ પાડતી ભાગી, 'બનૈયા... કંટી... બને મચાવો...' 


પણ બંને જ ક્યાંક દૂર હતા. કૂતરું મારા પગની પીંડીએ ચોંટ્યું જ હતું કે, ગભરાટ અને પીડાના માર્યા મારી ચીસ નીકળી ગઈ. ચારેય કુતરા મને ઘેરી વળ્યાં. કૂતરાઓના ભસવાનો અવાજ અને મારી ચીસ સાંભળી રુસ્તમકાકા 'ધ સેવિયર' ત્યાં દોડી આવ્યા અને માત્ર બુલંદ અવાજના સહારે કૂતરાને મારી પિંડીએથી દૂર કર્યું. અમે કૂતરાને ઝાલવા આવ્યા હતા પણ મને પરિસ્થિતિના શિકારતાથતી બચાવવા ચારેય કૂતરાને દૂર ભગાવીને રુસ્તમકાકા વિજેતાની જેમ કમર પર હાથ રાખીને ઊભા રહ્યા ને બોલ્યા, "મરી ગ્યા કૂતરાઓ. એક તો બચારી આ પોરી બોબડી, ને તેમાં એને લંગડી હો કરી મુકતે તો..."


રુસ્તમકાકાની સમયસૂચકતા અને જીન્સના જાડા કાપડને કારણે મને બહુ ઊંડો ઘા ન પડતાં કૂતરાંના બટકાનો લોહી નીતરતો ઘસરકો થઇ છૂટી ગયો. મેં રડમસ થઈને પ્રમાણમાં મોટા પ્રકારનો અવાજ કરવાનું ચાલુ કર્યું. પ્રયત્નપૂર્વકની અનિચ્છા છતાં લૂઝ કનેક્શન બરાડા ધસમસતા બહાર આવ્યા, "મને બૂતરાએ કટકું ભર્યું...હવે કું શરુ?.. હાય હાય... બૂતરાએ ભટકું બર્યું...કંટી... બનુ... જલ્દી આવો..."


મારા બરાડા સાંભળી પાનના ગલ્લાંની પાછળનું બાકોરાં જેટલું ઢાંકણું ખુલ્યું અને અંદરથી સૂજેલી આંખોવાળો, ઊંઘરેટો ચહેરો બહાર ડોકાયો, "હુ થીયું?"


"બને મૂતરું ગરડી ક્યુ." કૂતરું કરડ્યાના આઘાતમાં કેમે કરીને મારી જીભ કાબુમાં આવતી નહોતી.


હોઠ પાસે સુકાયેલા ગુટકાના લાલ રેલાવાળા એના સડેલા ટામેટા જેવા મ્હોં પર પ્રશ્નાર્થ ચીતરીને પાનવાળાએ રુસ્તમકાકા બાજુ જોયું. 


"બોબડી છે બચારી ને તેમાં તારું પેલું કારીયું કૂતરું એને કડ્ડી ગયું."


"પણ અઇયા પાસળ હુ લેવાને આવેલા?  ને એ તો કડયા જ કરે બધાને. તેમાં એટલી બધી હુ બખારે?" પાનવાળાનો ટોણો સાંભળી મારો રડતો અવાજ ધબ્બ દઈને બંધ થઇ ગયો. તેણે આસપાસ હાથ ફંફોસી ચૂનાની ટ્યૂબ મારા તરફ ફેંકી, "કારીયું કયડું તાં ચૂનો લગાવી મૂકજે. લે. કાંઈ ની થાય. મને હો બે વાર કયળેલુ એ તો." કહીને એણે પેન્ટ ઊંચો ખેંચી એની પિંડીનું પ્રદર્શન કર્યું અને બબડાટ કર્યો, "ખાલી એક દાહડો પીયને હુઈ ગયો તેમાં હો ઊંઘ બગાડી મુઈકી." એક ગાળ સાથે કીચૂડાટ કરતો પાનની લારીનો દરવાજો બંધ થઇ ગયો. 


હું ઢસડાતા પગે ગલીમાંથી બહાર નીકળી ત્યારે જ બાજુમાંથી કનૈયાનો અવાજ આવ્યો, "આ કંઈ પુષ્પાની શ્રીવલ્લી બનવાનો ટાઈમ છે? કૂતરું મળ્યું કે નહિ?"


"અરે! મને એ કૂતરું કરડી ગયું. પણ કોઈ ચિંતા નથી. મેં ચૂનો લગાવી દીધો છે." પાનવાળાની બેફિકરાઈ મારા પર પણ સવાર થઈ અને મારી જીભને સીધી દોર કરી દીધી. રુસ્તમકાકાએ પણ હાથ ઝાટકી મારી વાતમાં હામી ભરી. પણ આ સાંભળી બંટી અને કનૈયાના ચહેરાનો રંગ ઉડી ગયો. 


"ડોબી... મૂરખ... મગજ વગરની.." "કૂતરું કરડ્યું ને આરામથી કહે છે ચિંતા નથી. ચાલ જલ્દી ડોક્ટર પાસે." બંટી અને કનુ સાથે બરાડ્યા. કનૈયો પુરપાટ વેગે બાઈક મારી મૂકે એ પહેલા અમને શોધતી બે કાર આવીને સામે ખડકાઈ ગઈ. બારીનો કાચ ઉતારી રસીલામાસી બહાર ડોકાયા, "કૂતરું મળ્યું કે? ના મળ્યું હોય તો જવા દો અને ચાલો ઘરે. કૂતરું શોધવામાં ખોટી ધૂળેટી શું કામ બગાડવાની? લોકેટ તો એવું જ બીજું બનાવડાવી લઈશ. છોડો."


આ સાંભળતી વખતે પાક્કો રંગ ચડેલા અમારા ચહેરા પાછળના મિશ્ર ભાવ અને વેદના કદાચ રસીલામાસીને નહિ પરખાયા હોય. એ તો જાણે, 'ક્ષમાદાન કરતી કોઈ સાધ્વી ભાસી રહ્યા હતા.' પણ 'યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ.' મારા જેવી નજર બધાની ન હોય ને! અને આ વખતે તો મારી પોતાની પણ નહિ! હું કચવાતા મને મારા ઘાયલ પગ તરફ જોઈને વિચારી રહી, 'આ ત્યાગમૂર્તિનું હૃદયપરિવર્તન પહેલા જ થઇ ગયું હોત તો?'


બીજે દિવસે હડકવાના ઈન્જેકશની આડઅસરને લીધે  ઉલટી કરતી હું બહાર નીકળી ને એ જ સમયે મને થથરાવી દેતા શબ્દો સંભળાયા, 'એઈ.. કુઇતિર્યુ.. લે.. આવ.." મારી બાજુમાંથી રંભાદેવી દૂધનો વાટકો લઇ શ્વાનકુમારને આવકારવા ઓટલો ઉતર્યા.

____

સમાપ્ત 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ