વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જૉસેફ એન્ટન - સલમાન રૂશ્દી

 

આપણા સમયના મહાન લેખકોમાં સ્થાન પામતું એક નામ એટલે સલમાન રૂશ્દી. બુકર ઑફ બુકર વિજેતા ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ અને વિવાદાસ્પદ ‘શેતાનિક વર્સિસ’ એમની પ્રસિદ્ધ કૃતિઓ છે. ‘શેતાનિક વર્સિસ’ માટે એમના નામે આયતુલ્લા ખોમૈનીએ મૃત્યુદંડનો ફતવો જાહેર કરેલો. એ પછી એમણે સતત પોલીસ સુરક્ષામાં રહેવું પડ્યું અને પોલીસે એમને કોઈ છદ્મનામ રાખવા સૂચવ્યું. સલમાન રૂશ્દીએ પોતાના બે પ્રિય લેખકો જૉસેફ કૉન્રાડ અને એન્ટન ચેખોવ પરથી નામ રાખ્યું – જૉસેફ એન્ટન. આ છદ્મનામ સાથે તે નવ વર્ષ ભયના ઓથાર નીચે રહ્યા. એ દરમિયાન તેમણે લખેલા સંસ્મરણો એટલે આ પુસ્તક, જેમાં બચપણ, પિતા સાથેનો સંકીર્ણ સંબંધ, નાસ્તિકવાદ, ઇતિહાસમાં રુચિ, અંગત જીવન, કૉપિરાઇટર તરીકેની નોકરીમાંથી પૂર્ણપણે લેખન વ્યવસાય અપનાવ્યા પછીની હકીકતો, પોતાની કૃતિઓની રચના પાછળની પૃષ્ઠભૂ, વગેરેની વાત કરી છે. એક સર્જક કેવા સંજોગોમાંથી, કેવી રીતે ઘડાઈને ઉજળો થાય છે એની વાત કહેતી ૬૬૦ પન્નાંઓની આ યાત્રા લાંબી છતાં આનંદદાયક રીતે જઈ રહી છે. એમાંથી એક અનુવાદિત અંશ રજૂ કરું છું –

***

જીવનનું સ્વરૂપ કેમ પલટાઈ જાય છે? આ સવાલનો જવાબ ન મળતા ઘણી અકળામણ થવા લાગે છે. તો ક્યારેક નિરર્થકતાની લાગણી મન પર હાવી થઈ જાય છે. તે છોકરો હતો મૂળ મુંબઈનો, પણ તેણે પોતાનું જીવન ઘડ્યું લંડનના અંગ્રેજો વચ્ચે રહીને. બે પ્રકારના સંસ્કારોનો કુમેળ થવાથી અવારનવાર તે પોતાને શાપિત અનુભવતો. દિલાસો એ વાતનો હતો કે ભાષાનું મૂળ હજુ અકબંધ હતું. પણ એ સિવાય હવે તેને સમજાઈ રહ્યું હતું, કે બીજાં બધાં મૂળિયાંઓ તૂટી રહ્યાની પીડા કેટલી આકરી હોય; કે જે માણસ તે બની ગયેલો, એ માણસથી તે ખૂબ પરેશાન હતો. વતન છોડીને પારકા દેશમાં જનારા લોકોએ કેટકેટલી સમસ્યાઓ સહી છે. ઘર-પરિવારથી તૂટતા સંબંધો, ભૂખ, બેરોજગારી, તિરસ્કાર, ત્રાસ, ડર, વગેરે. તે છોકરો નસીબદાર હતો કે આમાંથી બચી ગયો. કિન્તુ એક મહાન સમસ્યા હજુ હયાત હતી – પ્રામાણિકતાની સમસ્યા. તેનું પ્રવાસી તરીકેનું વ્યક્તિત્વ છેવટે તો નવી સંસ્કૃતિમાં સમરૂપ થઈને ભળવાને બદલે હવે એકસાથે બે સ્થળ સાથે સંબંધો ધરાવતું હતું. તેના એક નહીં, વધારે ચહેરાઓ હતા; એક કરતાં વધારે જીવન સાથે જોડાયેલા અને સામાન્ય કરતાં વધારે માત્રામાં ભેળસેળ પામેલા. શું સારું વ્યક્તિત્વ એ રીતે જળવાઈ રહે કે મૂળથી સાવ છૂટા ન પડીએ અને એકથી વધું મૂળિયાંઓ સાથે બંધાઈ રહીએ? મૂળથી કપાઈ જવાની પીડા સહન કરીએ એના કરતાં સારું નહીં કે અનેક મૂળિયાંઓ સાથે બંધાઈ રહેવાનું સુખ ભોગવીએ? પણ એ દરેક બંધન લગભગ સમાન રીતે મજબૂત હોવું જોઈએ. અને તે છોકરાને ડર લાગતો હતો કે તેનો ભારતના મૂળ સાથેનો સંબંધ નબળો પડી ગયેલો. જે ખોવાઈ ચૂકી કે ખોવાઈ રહી હોવાની તેને શંકા હતી, એ ભારતીય ઓળખ પર ફરીથી હક સ્થાપિત કરવા માટે તેણે કંઈક કરવું જ પડે એમ હતું. ‘સ્વ’ એનું પ્રારંભબિંદુ અને એની યાત્રા, એમ બંને હતું. ‘સ્વ’ની તલાશ માટે કરાતી યાત્રાના અર્થ સમજવા તેણે પ્રારંભબિંદુથી શરૂ કરીને યાત્રા આગળ વધતી હતી એ દરમિયાન શીખતા રહેવું પડ્યું. તેના સ્મૃતિદ્વાર ઊઘડી ગયાં અને અતીતે દર્શન દીધા. તેણે હવે એક પુસ્તક સર્જવાનું હતું.

પુસ્તકની વાર્તા તેના પાત્ર સાથે નવા જન્મેલા દેશ, ભારતની હોવી જરૂરી હતી. ઇતિહાસ પન્નાઓમાં દોડવા લાગ્યો. બૃહદ અને અંગત, રચનાત્મક અને વિનાશાત્મક.

તેને ભાન થયું કે તે એક એવો પ્રચંડ ઉદ્દેશ પાળી રહ્યો હતો, જેમાં આ પાર કે પેલે પારની લડાઈ હતી. સફળતા કરતાં નિષ્ફળતાનું પલડું ભારે લાગતું હતું. તે ખુદને એવું આશ્વાસન આપતો હતો કે ચિંતાની કોઈ વાત નથી. જો પોતાનું સપનું સાકાર કરવા માટે આ તેનો અંતિમ પ્રયાસ હશે, તો તેની જરાય ઇચ્છા નથી કે તે એક સુરક્ષિત વિષયની, પરંપરાગત અને પાતળી એવી નવલકથા લખે. તે પોતાની ક્ષમતાને પડકાર આપતી કલાત્મક રીતે સૌથી મુશ્કેલ કથાનું સર્જન કરશે. બસ, નિર્ણય લેવાઈ ગયો હતો.

(ત્યાર પછી સલમાન રૂશ્દીએ ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ લખી.)

***

વિખ્યાત લેખક કર્ટ વોનેગુટે એક મુલાકાતમાં સલમાન રૂશ્દીને પૂછ્યું, “શું તમે આ લેખનના વ્યવસાય પ્રત્યે ગંભીર છો?”

સલમાન રૂશ્દીએ હા પાડી અને વોનેગુટે કહ્યું, “તો તમારે જાણી લેવું જોઈએ કે એ દિવસ હવે આવી રહ્યો છે જ્યારે તમારી પાસે લખવા માટે કોઈ પુસ્તક નહીં હોય અને તો પણ તમારે એક પુસ્તક લખવું જ પડશે.”

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ