વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમાર

                   "મમ્મી, હું જાવ છું બેંકે. દરવાજો બંધ કરી જા." પૂજાની તૈયારીમાં વ્યસ્ત આશાને પીહુએ ટહૂકો કરી કહ્યું.


                   "હા,આવી બેટા." કાયમ આશા પીહુને ભેટીને, તેનાં ગાલ પર મીઠી ચૂમી ન ભરે ત્યાં સુધી તે ઘરની બહાર ન જાય. છેક પાંચ વર્ષની હતી, પહેલીવાર શાળાએ ન જવા રડતી હતી, ત્યારે આશાએ કહેલું," મારી ડાહી દીકુને ગાલે ચૂમી ભરીને? હવે ગાલને અડીશ તો સમજ, મા પાસે જ છે." આજે પીહુ ચોવીસ વર્ષની સી.એ. પીહુ બની પણ એ ક્રમ હજુ અકબંધ છે. જોકે ત્રણ મહિના પછી પીહુ લગ્ન કરી જતી રહેશે પછી? પીહુનાં ગયા પછી દરવાજો બંધ કરી આશા ભીની આંખો  લૂછતાં વિચારી રહી. 



                    ત્યાં દરવાજે બેલ વાગી. આશાને અચરજ થયું  કેમકે તેનાં શીવણ ક્લાસમાં છોકરીઓ તો સાંજે આવે. પાપડ-ખાખરાનું કામ તો પીહુએ છ માસથી બંધ કરાવ્યું છે. અત્યારે કોણ હશે? એમ વિચારમાં દરવાજો ખોલ્યો તો સામે અનિકેત! 


                  ત્રણ વર્ષની પીહુને મૂકી પારકી સ્ત્રીનાં પ્રેમમાં મોહાંધ બની પોતાને છોડી ગયેલ યુવાન, દેખાવડો પોતાનો(?) પતિ આજે કૃશકાય, સફેદ દાઢીમાં! બે દાયકા પછી ઓળખવો મુશ્કેલ થઈ ગયો.


                    આશા સામે પોતાને ગમાર ગણી છોડી ગયેલ અનિકેત તરવરી રહ્યો. તેણે દરવાજો બંધ કરવા માંડ્યો. અનિકેતે હાથ જોડી આંખોમાં આંસુ સાથે કહ્યું, "આશા દસ મિનિટ ફક્ત મારી વાત સાંભળ. પછીનો નિર્ણય તારો રહેશે." આશાની ભીતરની સ્ત્રી પીગળી ગઈ. તે ચૂપચાપ દરવાજેથી દૂર ખસી. 


                   અનિકેત આશા જ્યાં સોફા પર બેઠી ત્યાં જમીન પર બેસી ગયો. તેણે કહ્યું, "મા-બાપનું મન રાખવા તારી સાથે લગ્ન કર્યાં પણ હું મારી ઓફિસની ફેશનેબલ યુવતી નેન્સીનાં પ્રેમમાં અંધ હતો. ત્રણ વર્ષ તારી સાથે રહ્યો પણ મને તારી સાદગીમાં ગમારપણું દેખાતું. આખરે હું નેન્સી સાથે લિવ ઇનથી રહેવા લાગ્યો. મને બે મહિના પહેલાં ગળાનું કેન્સર થયું. નેન્સીને ખબર પડતાં મારા માટે એક ફ્લેટ મૂકી મને છોડી મુંબઈ જતી રહી. હું તે વેચી પૈસા પીહુને કન્યાદાન કરતી વખતે ભેટમાં.."


"નથી જોઈતાં તમારા પૈસા." ઘરમાં અજાણ્યા પુરુષને જતાં જોઈ ગલીનાં ખૂણેથી પાછી ફરી દરવાજે જ ઊભેલી પીહુએ ગર્જના કરી.


ક્યાં હતાં તમે મી.અનિકેત જ્યારે મને અને માને તમારા  નામની જરૂર હતી? તમારા પ્રેમની ઝંખના હતી? તમારી હૂંફની તલબ હતી? તમારી હાજરી થકી સલામતીની તડપ હતી? જાત ઘસીને પૈસા રળી મને આ મુકામ પર પહોંચડનાર મારી ગમાર મા મને સ્ત્રીધનમાં ભણતર આપશે, જે મારા માટે કાફી છે. તમે અબઘડી અહીંથી જતાં રહો." 


અનિકેત વીલા મોઢે માથું નીચું કરી નીકળી ગયો.  પીહુએ ઘરનો અને આશાએ હૃદયનો દરવાજો સદા માટે બંધ કરી દીધો.



જાગૃતિ, 'ઝંખના મીરાં'...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ