વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રંગ રસિયાનો રૂમાલ

       ☀રંગ રસિયાનો રૂમાલ ⛳


       --  એક લોહીના ડાઘવાળો  રૂમાલ વારંવાર નિહાળતી ઝમકુડી બહાર વરસતા વરસાદને જોઈ રૂમાલવાળા રંગ રસિયાની યાદોમાં સરી પડી.


       એકવાર તે તેની સખી રાજલ સાથે સીમમાંથી  લાકડાનો ભારો લઇને આવતી હતી ત્યારે રસ્તામાં જ ગામનો ઉત્તર ગણાતો  ભીમલો મજાક કરતાં બોલ્યો,

    "ઓહો હો. કેવું મસ્ત મજાનું મુખડું અને જોબનિયું છલકે છે. આવી મજૂરી કરવાં કરતાં મારાં ઘરનું પાણી ભરવા આવી જાવ."


          ઝમકુડીને ખુબ જ ગુસ્સો આવ્યો તે તેની સામું જોતાં બોલી,

   "હેડ હેડ છાનો માનો ગામનાં ઉતાર...! પારકી છોડીઓની ઠઠ્ઠા મશ્કરી કરે છે તો ઘેર તારી માની કરતો હોય તો."


     ખુબ ડરી ગએલી તેની સખી રાજલ બોલી,

    "અલી ઝમકુડી મેલ ને માથાકૂટ..! આ તો એનો ધંધો છે. સરપંચનું નામ બગાડે છે. "


      ભીમલાને ગુસ્સો આવતાં તેણે ઉતરીને ઝમકુડીનો હાથ પકડી લીધો. રાજલ ગભરાઈને બૂમો પાડતી હતી. ઝમકુડીનાં માથે મુકેલો ભારો પણ પડી ગયો એટલે ઝમકુડીએ ભીમલાને રીસમાં એક લાફો ઝીંકી દીધો.


          લાફો મારતાં જ ભીમલાનાં બે દોસ્તારો  હસવા લાગ્યાં હતાં. આ જોઈને ભીમલાને ક્રોધ ચડતાં ઝમકુડીને જોરથી ધક્કો માર્યો અને તે બાજુના પથ્થર પર જઈને પડતાં તેને  આકાશ ગોળ ગોળ ફરતું દેખાવા લાગ્યું. અચાનક એક રૂપાળો જુવાનિયો સાઇકલ પરથી ઉતરીને તેનાં માથામાંથી વહેલા  લોહીને બંધ કરવાં રૂમાલ બાંધતો દેખાયો હતો. 


         ભીમલો આ જોતાં બોલ્યો,  

  "એય છોકરા તું આ ગામનો લાગતો નથી. મારી સામે ગામમાં જોતાં પણ બધાં ડરે છે."

      "ડર તો સહુને હોય ભલાં માણહ પણ જે બહેન દીકરીની રક્ષા કરતાં ડરે ઈ મર્દ નાં કહેવાય." પેલો ભીમલા સામું જઈને બોલ્યો.

 આ જોઈને પેલા બે ભીમલાનાં દોસ્તારો આવીને બોલ્યાં,

   "એય ચુપચાપ હલતીનો થા નકર ટાંટિયા તોડી નાખીશું.


      પેલા જુવાનીએ વિચાર કર્યા વગર જ એક જોરદાર મુક્કો મારતાં તે બોલનાર ધૂળમાં ભફાંગ કરતાંક પડેલો અને બીજો મારવાં આવ્યો કે તરત જ કુસ્તીનાં દાવપેચ અજમાવતા યુવકે તેને પણ ભોંય ભેગો કરી નાખ્યો. ભીમલાએ તેને પાછળથી મારતાં તે જુવાન નીચે પડી ગયો પણ ગજબની sfirti બતાવીને ફરી ઊભો થઈને બાજુના ઝાડની ડાળી પકડીને ભીમલાને છાતીમાં પાટુ મારતાં ભીમલો બૂમ પાડીને ભોંય પડ્યો. 

        પછી તો ત્રણેયને બરાબરના ઝૂડી નાખતાં જીવ બચાવવાં માંડ માંડ ઊભાં થતાં ભાગી ગયાં.


       જુવાને નીચે પડેલ ભારો પોતાની સાઇકલ પર બાંધીને સાથે ચાલીને છેક ઘર સુધી મૂકી ગયેલો. જતી સમયે ઝમકુડીએ પૂછ્યું હતું, 

   "આટલો ઉપકાર કરીને છાનાંમાનાં હાલ્યો છે. જરીક બેસ ચા પાણી તો કરતો જા."


   યુવક બોલ્યો,  " મારે મોડું થાય છે ભગવાનની ઈચ્છા હશે અને તમે યાદ કરશો તો જરૂર મળીશું ફરી." કહીને તે ચાલવા લાગેલો પણ ફરી પાછું જોતાં હરખથી બોલ્યો,

   "હવે કોઈ કામ પડે તો મને જરૂર યાદ કરજો અને તમે સાચે જ બહુ સોહામણા લાગો છો." કહીને તે ચાલ્યો ગયેલો."


         આ વાતને એક વરહ વીતવા આવ્યું તોય ઝમકુડી તેનાં માથે બાંધેલ આ જુવાનનો રૂમાલ હજીય સાચવીને તેને યાદ કરતી રહી હતી. જુવાન જાણે તેનું હૈયું ચોરી ગયો હતો.


          એકવાર બાજુનાં ગામડેથી તેની માસીની દિકરી મીરા મહેમાનગતિએ આવી અને તેને  બે ત્રણવાર ઝમકુડીને આ ડાઘવાળો રૂમાલ રોજ નિહાળતી જોઈને તેને ઝમકુડીનાં હાથમાંથી રૂમાલ મસ્તીમાં ઝુંટવી લીધો અને તેને ધારીને જોતાં તેમાં ભરત ભરેલાં ફૂલ જોતાં જ તે બોલી,

   "અલી ઝમકુડી મારાં જ ગામનાં યુવાનનો રૂમાલ મારાથી છુપાવે છે.? ખાનગી ન રાખ મારાથી જે હોય ઈ સાચું કહી દે નકર હું આ રૂમાલવાળાને જ સીધું પૂછી લઈશ હો."


       "અરે તું એને ઓળખે છે." ઝમકુડી હરખથી છલકાતાં બોલી.

   "એને કોણ ન ઓળખે ઈ તો મારાં ગામનો શુશીલ સંકારી જુવાન કિશન છે. મેં તેને ધર્મનો ભાઈ બનાવેલો છે. તું કહે તો પરણાવી પણ દઉં તેની હારે."

  ઝમકુડી શરમાઈને બોલી, "તો સાચે જ મારો ભવ સુધરી જાય આ રૂમાલવાળો  રંગ રસિયો મળી જાય તો." 


   "ધીરજ ધરો બેનાં. ઉતાવળે આંબા ન પાકે કાલ હું મારાં ગામડે જઈને તારુ ગોઠવી દઈશ."

         બીજા દિવસે મીરાએ પોતાનાં ગામડે જઈને ભાઈ કિશનને ઝમકુડીના વખાણ કરતાં સઘળી  વાત કરી  તેની હારે પરણવાની વાત કરી. તો કિશન શરમાતાં બોલ્યો,

    "બેનબા હું પણ જ્યારથી તેને જોઈ ત્યારથી રોજ હદયથી તેને યાદ કરું છું."


       તો તો હવે કરી નાખીએ પાક્કું." કહેતાંક મીરાંએ કિશનનાં પિતાને વાત કરતાં પિતાજી ખુશ થઈને બોલ્યાં,

   "મારાં કિશનિયાને ગમે એટલે મારી હા જ હોય. જા બેટા તું એની સગી બહેન જેવી જ છે. તું શ્રીફળ ચુંદડી કાલે જ આપી આવ."


          બીજે દિવસે ગાડામાં બેસીને બે માણહ  હારે મીરા ઝમકુડીના ઘેર પહોંચી અને બહારથી જ બૂમ પાડી,

  "અલી ઝમકુડી તારો રૂમાલવાળો રંગ રસિયો માની ગયો. જો આ શ્રીફળ ચુંદડી..!"


     ઝમકુડીનાં સઘળાં સ્વપ્ન જાણે પુરા થઈ ગયાં હોય તેમ ખુશીથી ઝૂમી ઉઠી અને શરમાઈને તેની માની પીઠ પાછળ છુપાઈ ગઈ.

મા પણ શાનમાં જ સમજી ગયાં અને સગપણની હા પાડી દીધી.


ઝમકુડી રૂમાલને જોઈને બોલી,

   સાચે જ આ રૂમાલે મારી જિંદગીને ખુશીઓથી છલકાવી દીધી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ