વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લીવ ઈન

      આવવું આવવું થઈ રહેલો વરસાદ હાથતાળી આપીને સરકવા માંગતો હોય એમ આભે ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો એક બીજાથી છૂટા પડી રહ્યા હતા. ઉકળાટ શરીરને વધુ પજવી રહ્યો હતો. પરસેવાથી લથબથ શરીરમાં કપડા ભીસોભીસ ચોંટી ગયા હતા. ક્યારેક ક્યારેક લહેરકી મારી ટાઢક આપતો પવન સાવ પડી ભાંગ્યો હતો. અને એમાંય સતત વધી રહેલો ઉકળાટ પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યો હતો.

    " સૃષ્ટિબેન! કામ પતી ગયું છે, વરસાદ આવે એ પહેલાં હું ઘરે પહોંચી જાઉં" એક કલાક પહેલા આવેલી મધુ પોતાનું કામ આટોપી ઘરે જવાનું કહી રહી હતી.

"જા!" સૃષ્ટિએ કહ્યું. અને મધુ મેઈનડોર બંધ કરી નીકળી ગઈ એટલે સૃષ્ટિ ફરીવાર બાલ્કનીની લોખંડની જાળીના સળિયા ઉપર હાથ ટેકવી ઊભી રહી ગઈ. સામે દેખાતાં રસ્તાની આસપાસ કતારબધ્ધ ઉભેલા ગુલમહોરના ઝાડની નીચે મ્યુનસીપાલટી દ્વારા બેસાડવામાં આવેલી સિમેન્ટનાં બાંકડા ઉપર એક કપલ આવીને  હાથમાં હાથ નાખી પોતાની જ દુનિયામાં ખોવાયેલું હતું.

    આકાશે ફરી એક વાર વાદળો પોતાનું સામ્રાજ્ય પાથરવા લાગ્યા. હવે તો વરસાદ વરસી જ પડશે એવું લાગી રહ્યું હતું. "મયંક પાસે સમય ક્યાં છે!" ઊંડો શ્વાસ ભરતા સૃષ્ટિ બાલ્કનીમાં રાખેલી ખુરસી પર ગોઠવાઈ. હજી પણ તેની નજર પેલા બે પ્રેમી પંખીડાની સામે જ હતી. શરૂઆતમાં મયંક  પોતાને લઈને બાંકડે જઈને બેસતો. દુનિયાભરની વાતો પોતાની આગળ ઠાલવતો. પરંતુ હવે એને શું થઈ ગયું?

   વિચારોની ગતિ તીવ્ર હતી, એવામાં અચાનક બ્રેક આવી. પાસેના ફ્લેટની બાલ્કનીમાંથી ઝઘડવાનો આવાજ આવી રહ્યો હતો. "આ લોકોનું ફરી શરૂ થયું!" સૃષ્ટિએ મોં બગાડયું.

"તમે મને સરખો જવાબ આપો! " પેલી સ્ત્રી બરાડવા લાગી.

"મોળું થાય ક્યારેક, એમાં આટલું બધો ગુસ્સો કરવાની વાત ક્યાં આવે છે." પુરુષે , સ્ત્રીને સમજાવવા મથામણ આદરી. પરંતુ પેલી સ્ત્રી સમજવા તૈયાર જ નહતી.

"આજ કાલ મયંક પણ ઘણો મોડો આવે છે." શું એ ખરેખર મોડો આવે છે? પોતાના મને સામો સવાલ કર્યો.
"એ તો ક્યારેક બે દિવસે પણ આવે છે, મે એને ક્યારેય આ વિશે સવાલ નથી કર્યો. અલબત્ત ક્યારેય આ બાબતે ઝઘડો પણ નહિ."

  ફરી પેલા પતિ પત્નીનો આવાજ વધ્યો." મોડું થવાનું હોય તો એક ફોન થાય કે નહિ? કેટલાં ફોન કર્યા તમને એક ફોન ઉઠાવાય તો ખરા?"

" અરે! બાઇક પર હતો. તું નાહકની મગજમારી કરવાનું રહેવા દે! " એ પુરુષની વાત સાંભળી સ્ત્રી છણકો કરતી અંદર ચાલી ગઈ. 

"શા માટે આ લોકો નાની નાની વાતને પકડી ઝઘડતા હશે? પરણ્યા એટલે!"

   મારે પરણવું જ ક્યાં હતું? જોબ સાથે એક સ્વતંત્ર લાઇફ જીવવી હતી. એમાં મયંક મળ્યો , વિચારો મળ્યા અને આજે એની સાથે ખુશ છું. ન કોઈ રોકટોક ન કોઈ ઝઘડા. મોહની જંજીરોમાં ફસાવવા એ માંગતી નહતી. એટલે પોતાની જ ઓફિસમાં કામ કરતા મયંક સાથે લીવ ઈન રિલેશનમાં રહેવા લાગી.

ઝરમર વરસાદ શરૂ થયો. વરસાદની વાછટ ઉડીને સૃષ્ટિના ગોરા મુખને ભીંજવવા લાગી. ઘણાં સમય સુધી સૃષ્ટિ ત્યા જ ખોડાઈને ઊભી રહી. વરસાદ એના શરીરને ભીંજવતો હતો. છતાંય કંઇક હતું જે સાવ કોરું હતું. સુનું હતું. કંઇક અબોટ્યું હતું.

    ધીમે ધીમે શરૂ થયેલો વરસાદે પોતનો વેગ પકડ્યો. ધોધમાર, કડકતી વીજળીના ગડગડાટ, આકાશ ને જાણે ચીરીને બહાર આવતા વીજળીના લીસોટા, શાંત વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો. લાઇટ ચાલી ગઈ. ચારે તરફ અંધારાનું સામ્રાજ્ય પ્રસરી ગયું. એકાએક સૃષ્ટિને ખ્યાલ આવ્યો, પેલા પતિ પત્ની બાલ્કનીમાં ઊભા વરસાદનો આનંદ લઈ રહ્યા હતા. સૃષ્ટિએ કાન સરવા કર્યા.

"સોરી! પરંતુ તમને પૂછવાનો, તમારી સાથે ઝઘડવનો હક છે  મારો." અત્યાર સુધી બરાડા નાંખતી એ સ્ત્રીના અવાજમાં મીઠાશ હતી.

"હક તો પૂરેપૂરો છે, તું મારી પત્ની છો." પુરુષ ગર્વથી બોલ્યો.

     વીજળીનો ગળગળાટ સાથે લંબો લિસોટો થયો. સૃષ્ટિ બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશી. મોબાઈલની લાઇટ ચાલુ કરી પોતાના બેડરૂમમાં ગઈ. ભીના કપડા બદલ્યાં અને બેડ ઉપર આડી પડી. એણે મયંકને ફોન જોડ્યો.  મયંકનો ફોન આજે પણ સ્વીચઓફ આવી રહ્યો હતો.

"સાલો ફોન ઊંચકતો નથી " સૃષ્ટિએ મુઠ્ઠીઓવાળી બેડ ઉપર પછાડી. લાઇટ ફરી પાછી આવી ગઈ. અને સૃષ્ટિ મનોમન બબળી. "હું ક્યાં હકથી મયંક ઉપર ગુસ્સો કરું! એ એની મરજીનો માલિક છે. જ્યારે આવવું હોય ત્યારે આવે. ક્યાં હકથી હું એને પૂછું? કે તું...."

    

દિવ્યા જાદવ.


  

 
 

  

  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ