વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રણ મારી ભીતર

રણ ધીમે ધીમે મારી અંદર પ્રવેશી રહયું છે.

               


   ચાંદની રાત છે. એમાં આ વાદળ ને વીજળી...આ પણ નિસર્ગની એક ભાત છે. મારા ઘરના ધાબેથી નજર નાખું છું તો સામે વિસ્તરેલા રણને પામી શકું છું. સાચે જ રણ વિસ્તરી રહ્યું છે. રણકાંઠે વસેલ ગામડાઓ સાવ તૂટી ગયા છે. રાજકારણે ગામને ખોખલું કરી નાખ્યું છે. મૂલ્યો ગુમાવી બેઠાં છીયે ને મનેય "ગામડું બોલે છે" કાર્યક્રમમાં મા ખોડલના ખોળે પોતાની પીડા વ્યક્ત કરતાં અરવિંદ બારોટ સાહેબની જેમ કહેવાનું મન થાય છે કે "અમે ચંદનવન ચૂક્યા, હવે વન કોઈ વિહામો નઈ"  પણ, હું પ્રબુદ્ધ નથી. મારી ભીતર રહેલ સન્નાટો રણને સમાંતર વિકસી રહ્યો છે. અતીતના અઘોરવનમાં વેદના સિવાય કશું જ નથી. 


     રોજ સવારે ઉઠીને હું સામે ઉભેલી પવનચક્કીઓ જોઉ છું. એનું સ્થિર હોવું મને ડરાવે છે. જાણે ભૂતાવળ જોઈ ગયો હોઉં એમ આ વગડો,સીમ, ખેતર, લીમડો જોયાં કરું છું. ઘરની પાછળના વાડામાં બાંધેલી દીવાલો અંદર એ મોકળાશ શોધી રહ્યો છું જે આ જ જગ્યાએ બોરડીના બોર ખાતી વખતે હતી. લખોટીઓ અહીં જ અદ્ર્શ્ય થઈ ગઈ છે પણ, હવે એકાદ ઠેરી હાથમાં આવી જાય તોય વજન લાગે એવો હું બોજમય બની ગયો છું. 


     રણને વિસ્તરતું અટકાવવા હડકાયાં બાવળ વાવ્યા પણ, નિસર્ગ આગળ માનવની શી વિસાત! રણ વિસ્તરતું જશે ને એક દિવસ ગામ ગળી જશે. રહી જશે ધૂળ ને સન્નાટો! જોકે, એ ગામ તો દશ પંદર વર્ષ પહેલાં જ મરી ચૂક્યું છે. જે બચ્યું છે એ તો ખાલી ખોખું છે. બચપણમાં બાકસનાં ખોખા ઉકરડામાં શોધવા જતાં. એ વખતે ઉકરડો ગામની બહાર નહોતો, ગામની અંદર હતો. હવે ઉકરડો ગામમાં નથી પણ, ગામ અંદરથી ઉકરડો બની ગયું છે. એનો દંભ ખુલ્લો ન પડે એટલે ધૂળ પર બ્લોક પાથરવામાં આવે છે. રણનો સન્નાટો આસ્થાના સ્થાનકો સુધી પહોંચી ગયો છે. બે પાંચ માણસો સિવાય કોઈ ત્યાં જતું નથી. 


  રણની તરસ મને એવી રીતે બિવડાવી રહી છે જેવી રીતે બચપણમાં બાઘડાની બીક લાગતી. હું રણની તરસ ને પડકાર આપી, રાફુ ગામની શેરીઓમાં એ ભીનાશ શોધી રહ્યો છું. એ લીલી કૂંપળ ફૂટે એની તલાશ કરુ છું એ આ પીડા, આ વેદના જ્યાં સુધી જીવંત રહેશે ત્યાં સુધી લખાતુ રહેશે. દુઃખોના દરિયા વચ્ચે સુખની એક છાલક પણ ન વાગે ને નાવડી સતત હાલકડોલક થાતી રહે ત્યાં ખોડલના ખોળે ખેલતાં ખેલતાં, રણની આંધી વચ્ચે અટવાતાં આયખામાં, આંસુની ઓથે અક્ષરો ટપકે છે એને લોકો લેખ કહે છે. અચાનક ઝબકાર થાય છે. રણ વરાણા મંદિરમાં પ્રવેશ નથી કરી શકતું. એ જોગમાયાનું આંગણું છે. ત્યાં સદીઓની ભીનાશ છે. એ ભીનાશ વડે મારુ હૈયું લીલુંછમ રહે છે. ખોડીયારનાં ખોળે સઘળી તરસનો અંત આવે છે.


       હાલ પૂરતું આ રણ અટકી ગયું છે. ગામડું થોડુ થોડુ જીવે છે. આજકાલનો માણસ જે પ્રકારે હરાયો થયો છે એ જો નહિ અટકે તો આપણને રણ બનતાં વાર નહિ લાગે. જો જીવતાં નહિ આવડે તો ગાંધીનગર પણ ધોળાવીરા બની શકે. આગળ લખવાનો મારો અધિકાર નથી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ