વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવડત

           વિઠ્ઠલ ગોથું ખાતા ખાતા રહી ગયો. પાસે પીળા રંગના ફૂલોથી ઉભરાઈ રહેલી આવેડીનાં ઝાડની બટકણી ડાળખી હાથમાં જલાઈ ગઈ. ને એ માંડ માંડ પોતાનાં ભારેખમ શરીરને જમીન ઉપર પડતાં અટકાવી શક્યો. ભાગવા જતા પગ ત્રાસો થઈ ગયો ને આમ બન્યું. પાછળ મેપો રબારી પણ હાકોટા નાખતો આવી પૂગ્યો. અને વિઠ્ઠલ લાલઘુમ થઈને મેપા ઉપર વરસી પડ્યો

"તારી ભેંસને કાઢ મારી વાડીમાંથી. બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે. સાચવવાની ત્રેવડ નો હોયતો માલ ઢોર રાખતો નો હોય તો. તારી ડોહી! બીજીવાર મારી વાડીમાં ગરી ગઈ છે. આની પેલા પણ મારી રિંગણીના છોડવા ખાઈ ગઈ. ને આ જે તો માંડવી આખી ખૂંદી નાખી." વિઠ્ઠલ ચૂંથાઈ ગયેલા માંડવીનાં છોડવા જોઈને નિઃસાસો નાખતાં ત્યાં જ પગ ઉપર હાથ ફેરવતો બેસી ગયો. એનાં ત્રાસા થઈ ગયેલા પગમાંથી સણકા નીકળતા હતા. 

     મેપાએ ડાંગ ફેરવી અને હાકોટા નાખતો લીમડાનાં થડમાં વાસો ઘસતી ભેંસ પાસે જઈને ઊભો રહ્યો. ઘણાં ડચકારા નાખ્યા. ખીજમાં ને ખિજમાં એકાદ ડાંગ પણ ભેંસની પીઠ ઉપર ફટકારી પણ ભેંસ તો વળ ખાઈને ત્યાંથી ખસવાનું નામ નો લે!

"એલા જા છો કે હું આવું?" વિઠ્ઠલે રાડ પાડી.

   ભેંસ નાની એવી પાડી હતી ત્યારે જ મેપો એને બે હજાર રૂપિયામાં મૂળજીપટેલનાં ઘરેથી વેંચાતી લઈ આવ્યો હતો. પાડીને જન્મ આપીને એની મા મરી ગઈ. ને પટલાણીથી હવે એકલી પાડીને હવે સાચવવી પોસાય તેમ નહતું. એટલે મૂળજીપટેલે પાડી મેપાને બે હજારમાં વેંચી દીધી. મેપાનો તો ધંધો જ માલઢોર રાખવાનો હતો. આમેય પાડીની મા રોજનું દસ દસ લીટર દૂધ આપતી. ને ડાહી જાણ્યું અજાણ્યું કોઈ દોહી નાખે તો એ ઊભી રે! એટલે આ પણ.. અને આગળ જતાં પાડી નો સચવાય તો ગાભણી થયે એક લાખ રૂપિયામાં વેચી નાખવાની ગણતરી પણ ખરી.

   મેપાએ બીજા ઢોરની જેમ પાડીને નીરણ પૂળો પેટભરીને ખવડાવીને તાજીમાજી કરી. મોટી થતાતો પાડી અસલ હાથણીનાં જેવી લાગવા માંડી. મેપાને તો ભેંસ જોઈને લાખ રૂપિયાની થોકડી સામે દેખાવાં માંડતી. હમણાં હમણાંથી જાણે જોર વધ્યું હોય એમ ભેંસ જમીનમાં ખોડેલ લાકડાનો ખીલો હચમચાવીને કાઢી નાખતી. ડોકે બાંધેલી સાંકળ અને ખીલો ડોકમાં બાંધેલા ગાળિયાની જેમ ઝૂલાવતી ગમાણની બહાર ક્યાંય દૂર સુધી પહોંચી જાય. આની પહેલા પણ રાતે આમજ ભેંસ ભાગી ગઈ હતી.

    ને આજે તો વિઠ્ઠલનાં ખેતરને એક જ રાતમાં ઉજ્જળ કરી નાખ્યું. અઘમરા લાગતા શાકભાજીના છોડવાને ઉખેળી નાખ્યાં. માંડવીનો કચ્ચરઘાણ વાળી નાખ્યું. વિઠ્ઠલ સવારે આવ્યો ત્યારે મેપાની ભેંસ આખી વાડીને ચરિયાણ સમજીને ચરી રહી હતી. વિઠ્ઠલ ભડક્યો. ભેંસની પાછળ લાકડી લઈને ભાગ્યો. ભેંસ વિઠ્ઠલની વાડીને ઓળાંગીને વાડીની ગારી તરફ ભાગી. વિઠ્ઠલ વાડીની હાલત જોઈને ધુધવાયેલો હતો. વિઠ્ઠલ ભેંસને મારવા પાછળ ભાગ્યો ભેંસ નિરાંતની ઝાડીમાં તાજી કુંપણો ફુંટેલા નાના મોટા છોડવાઓનાં પાંદડા નીરતી હતી. વિઠ્ઠલ ભેંસને મારવા લાકડી ઉગામી રહ્યો હતો ત્યાં તો ભેંસ સામી થઈ. વિઠ્ઠલની સામે શિંગડા ઉલાળ્યા. વિઠ્ઠલ બચવા પાછા પગે ખસ્યો ત્યાં જ ગોથું ખાતા ખાતા રહી ગયો. આવેડીના છોડની બટકણી ડાળ હાથમાં આવી ગઈને વિઠ્ઠલ બચી ગયો. નહીતો ભેંસના પગ વચ્ચે પડ્યો હોત તો કાં તો હોસ્પિટલ ભેળો, ને કાં તો...

   વિઠ્ઠલ પગ પકડી બેસી રહ્યો. એ જ ક્ષણે મેપો ભેંસને શોધતો ત્યાં આવી ચડ્યો.ભેંસ મેપાના ડચકારાને ઓળખી ગઈ અને ત્યાંથી થોડે દૂર આવેલા લીમડાનાં ઝાડના થડ પાસે જઈને ઉભી રહી ગઈ. મેપાએ ભેંસની પીઠ ઉપર બે ત્રણ લાકડી ઝીંકી. પછી પાછો ગાભણી ભેંસને મારી એનો વસવસો પણ થયો.

વિઠ્ઠલ મેપાને ગાળો ભાંડતો લંગડાતા પગે ત્યાંથી ચાલતો થયો. મેપાએ ભેંસની સાંકળ ખેંચીને ઘર તરફ દોરવા પ્રયત્ન કર્યો  પણ ભેંસ એક તસુભાર પણ આગળ ન વધી. મેપાએ ફરીથી ડાંગ ભેંસના વાસાંમાં ઝીંકી. ભેંસ ત્યાંથી ભાગી, મેપાનાં હાથમાંથી સાંકળ છૂટી ગઈ. મેપો રબારીએ નાનપણથી સાચો ખોરાક ખાધેલ પીધેલ, રૂસ્ટપુષ્ટ પાંચ માણસનું બળ એના એકલામાં હતું. તો પણ ભેંસ એના હાથમાંથી સાંકળ છોડાવીને ભાગી. મેપો એક હાથમાં ડાંગ અને બીજા હાથમાં ખભે લટકાવેલ લાલ કપડાંથી કપાળ લૂછતો ભેંસની પાછળ ભાગ્યો. ભેંસ તો આખી ગારીને વિંધતી પાસેના ગામની સીમ બાજુ ભાગતી ભૂપતસિંહબાપુના ખેતરના સેઢા પાસે જઈને ઉભી.

"માર્યા! એ ખમ્મ્યા કરજે બાપા, બાપુના ખેતરમાં નો જાતી નહીતો આજ બાપુ મારું ચામડું ઉધેડી નાખશે." મેપાના આખા અંગમાં ધ્રુજારી ઉપડી ગઈ. એ હાંફતો હાંફતો માંડ ભેંસ પાસે પહોંચવું પહોંચવું થઈ રહ્યો ત્યાં તો ભેંસ બાપુના ખેતરની અંદર ભાગી.

"બાપુ,ભેંસને આ બાજુ વારજો." મેપાએ હાકલ નાખી.

સવારનું શિરામણ કરી રહેલા ભૂપતસિંહબાપુ ભેંસને જોઈને ભડક્યા." એ... એ..મેપા.. આ તારી મા .. મારી માંડવી.. " ભૂપતસિંહબાપુએ હાથમાં પકડેલા ગોળ ઘીના છલિયાનો ઘા કર્યો અને દીવાલને ટેકે મુકેલી લાકડીને હાથમાં લઈ ભેંસ બાજુ ભાગ્યાં. ભેંસ તો આરામથી મેપા સાથે કોઈ વેર વાળી રહી હોય એમ શાંતિથી માંડવીનાં છોડને પગ તળે રગદોળવા માંડી.

"તારી જાત ના.." ભૂપતસિંહબાપુએ ભેંસ તરફ લાકડી ફંગોળી. ભેંસના માથામાં લાકડી વાગી. ભેંસ જાણે ભૂપતસિંહબાપુના સામુ બરાડતી હોય તેમ ત્યાંથી આગળ ભાગી. મેપો મોટી મોટી ફલાંગો ભરતો આવ્યો. ત્યાં તો ભેંસ ફરીથી હાથમાંથી છટકી ગઈ. ભૂપતસિંહબાપુએ મેપાનો કાઠલો પકડ્યો ને બે ચમાટ લગાવી. મેપો બિચારો જમીન ઉપર ઢળી પાડ્યો. એ થાક્યો હતો. પગમાં જીવ ન હતો. ભાદરવાની સવાર પણ ભરબપોરના તડકાની જેમ તપી રહી હતી. આકરો તડકો, અને વધતો જતો ઉકળાટ મેપાની હાલત ખરાબ કરી રહ્યા હતા.

"બાપુ અબોલ જીવ છે. એને ક્યાં ખબર છે કે આ તો બાપુનું ખેતર! આય નો જવાય." ભેંસની પાછળ દોડી દોડીને મેપાના ચડી ગયેલા શ્વાસને લીધે મેપાથી સરખું બોલાતું પણ ન હતું. એવામાં ભૂપતસિંહબાપુએ મેપાની પીઠમાં જોરદાર પાટુ માર્યું ને મેપાની આંખમાં અંધારા આવી ગયા. એ આંખો મીચી ઘડીભર એમનેમ પડ્યો રહ્યો.

મેપાની આવી હાલત જોઈને બાપુને પસ્તાવો થયો. એ સહેજ ઠર્યા. ઘરમાંથી પાણીનો કળશ્યો ભરીને પાણી લઈ આવ્યા."હવે ઊભો થા. ને લે પાણી."

મેપાએ કુકડું વળી ગયેલા શરીરને સીધું કર્યું. જમીન ઉપર હાથ દઈ ટેકો લેતા એ ઊભો થયો. એક પગ વાળી, બીજા પગની વાંકો વાળી એ બેઠો. ગોઠણ ઉપર હાથની કોણીને ટેકવી એ લમણે હાથ મૂકતા બોલ્યો. " આણે તો થકવી દીધા." બાપુ મૂછમાં સહેજ હસ્યા.

"હાલ હું એ આવું તારી ભેળો , વિફરેલી ભેંસને કાબૂ કરવી તારું કામ નઈ. "

"બાપુ ભેંસ બે જીવ સે તોએ કેવું જોર છે એનામાં. હાથમાં નથી રે'તી." મેપાએ નિઃસાસો નાખ્યો.

"મરદ થા! મરદ, એક ડોબાને કાબૂમાં નો કરી શકે તો ધૂળ છે. ખોબામાં પાણી લઈને ડૂબી મરવું જોઇએ તારે તો મેપા."

"બાપુ સમજણો થયો તયેથી જ માલઢોર હાચવું સુ. પાડી હતી તયુની મે આ ભેંસને હાચવી સે. અચાનક..." મેપાના કાનમાં તેલ રેડાયું. એ સમસમી ગયો. પરંતુ આ તો ભૂપતસિંહબાપુ.ને ઉપરથી ગામધણી કહેવાય. સત્તા સામે શાણપણ નકામું. એટલે  ગળે થુંક ગળી જતા મેપાએ ધીમેકથી બાપુની સામે જીભ હલાવી.

"બાયલો છે તું તો.. બીકણ!" બાપુ ખડખડાટ હસ્યા. મેપો નીચી નજરે ભોંય ખોતરવા લાગ્યો. બાપુના ખેતરથી વટીને બે ખેતર પુરા થતા જ ત્યાંથી બાજુના શહેરમાં જવા માટેનો ડામરનો રોડ નીકળતો હતો.

"એલા વાહનોનો દેકારો કેમ આટલો હંભળાય સે. હાલતો જરા જઈને જોઈએ. " બાપુ મેપાના જવાબની રાહ જોયા વગર જ ત્યાંથી ઉતાવળા પગે આવજની દિશા તરફ આગળ વધ્યા.  થાકેલાં મેપાએ હતું એટલું જોર લગાવી ઊભો થવા પ્રયાસ કર્યો. પણ રાતે જ પાણી વાળેલા માંડવીનાં ક્યારાની ચીકણી માટીમાં પગ લપસ્યો. અને એ ફરી પાછો કાદવમાં પડ્યો. વળી ઉંહકારા કરતો ઊભો થયો. લંગડાતા પગે એ રોડ તરફ ચાલ્યો.

  રસ્તા ઉપર વાહનોનો જાણે મેળાવડો ભર્યો હોય એમ રસ્તો આખો વાહનોથી ખીચોખીચ ભર્યો હતો. કાદવથી ખરડાયેલા કપડે  મેપો એક પછી એક વાહનો પાસેથી પસાર થતો આગળ વધ્યો. રસ્તાની વચ્ચે પહોંચ્યો ત્યાં તો મેપાના પગ નીચેથી જમીન સરકવા લાગી. એના અંગે અંગમાંથી કંપારી છૂટી ગઈ. ફાંટી આંખે એ સામેનું દ્રશ્ય જોઈ રહ્યો. ભૂપતસિંહબાપુ રસ્તાની વચ્ચે આરામ ફરમાવતી પોતાની ભેંસની ડોકે બાંધેલી સાંકળ ખેંચતા ભેંસને ઊભી કરવાની જહેમત ઉઠાવી રહ્યા હતા. બાપુના કપાળે પરસેવો છૂટી ગયો હતો. બીજા બે વાહન ચાલકો એ પણ બાપુની મદદ કરવા માટે, રસ્તાની કોરે પડેલ ઝાડની સુકાયેલી ડાળી હાથમાં લઈ ભેંસને લંધારી નાખી. પરંતુ ભેંસ કાદવથી ભરેલા પાણીમાં પડી હોય એમ કોઈને દાદ આપતી ન હતી.

  બન્ને બાજુ સામસામે વાહનોની લાઇન લાગી હતી. વાહનોના હોર્ન, અને માણસોની એકઠી થયેલી ભીડ જોઈ મેપાને ધોળે દિવસે તારલા દેખાઈ ગયા. મેપાની પનોતી બેઠી. ભૂપતસિંહબાપુ હતું એટલું બળ અજમાવી ચૂક્યા હતા. ખેતરમાં પોતાને કહેલા બાપુના શબ્દો મેપાને યાદ આવ્યાં. બાપુની હાલત જોઈને મેપાના હોઠ સહેજ ફરક્યા. મેપાના મોઢે ફરકતું સ્મિત જોઈ બાપુ રાતાચોળ!  અને સાથે મેપાનો ગાલ પણ!

"મા, હવે તો ઊભી થા."મેપો આંખમાં આવેલાં ઝળઝળિયા લૂછતાં ભેંસ સામે કરગર્યો. ભેંસ ભાંભરી. જાણે મેપાની હાલત જોઈ એની ટીખળ કરતી હોય એમ માથું ધુણાવતા ભેંસ ઊભી થઈ. વાહનોના માલિકો ગાળો વરસાવી રહ્યા હતા. બાપુએ ભેંસની સાંકળ ખેંચી. પરંતુ એમ કંઈ ભેંસ કોઈને જવાબ  આપે? ભેંસ ભાંભરતી ઊભી હતી. મેપાને હવે શું કરવું એ સૂઝતું નહતું. એવામાં મીઠો રણકતો આવાજ સંભળાયો. "હીરા! હાયલ હવે હાયલ ઘરે." મેપાએ પાછળ ફરીને જોયું. દોરા ભરત ભરેલું  કાળું કાપણું, અને માથા સુધી ઓઢેલું મરૂન લહેરિયું. બન્ને હાથમાં ચાંદીના કડા પહેરેલ મેપાની ઘરવાળી અજાઇ પિયરથી પાછી આવી રહી હતી. માથે  રાખેલ કપડાનું પોટલું સાચવતી અજાઈ  ભેંસને હીરા કહીને બોલાવતી નજીક આવી રહી હતી.

"અજાઈ!" મેપો ઝીણી આંખે જોતા બોલ્યો.

"હીરા! આમ નો કરાય હો. હાયલ આપણે ઘેર." અજાઈનાં શબ્દોએ ચમત્કાર કર્યો. અજાઈની હેવાઈ ભેંસ ગામ તરફ ચાલવા માંડી.અજાઈ ભેંસના વાહે હાથ ફેરવતી માથે કપડાનું પોટલું પકડતી ભેંસની સાથે ચાલતી હતી. "હીરા આમ કરાય?"

ભેંસે જાણે અજાઈની વાતોનો સામો જવાબ આપતી હોય એમ ડોકું ધુણાવ્યું. અજાઈની સાથે રૂવાબથી ચાલતી ભેંસને જોઈને  મેપાએ ભૂપતસિંહબાપુ સામે જોયું. બાપુ મેપાની પીઠ ઉપર હાથ દઈ બોલ્યા."જોયું ,બાયુંની ભાષા  બાયું ને જ હમજાય. એમાં આપણું આદમીનું કામ નઈ હો ભાઈ, આવડત તો બાયુની જ!" મેપો ભૂપતસિંહબાપુની સામે જોઈ રહ્યો. શું કરવું હસવું કે રડવું એને કંઈ સમજાયું નહિ.

  





    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ