વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મર્ડર મિસ્ટ્રી



                    શોપીઝન ' ખૂની કોન ' વાર્તા સ્પર્ધા ( પ્લોટ આધારિત )

                      "ધ ગ્રીન વિલા" ફાર્મ હાઉસની ઉપર લખાયેલ નામ પૂનમની રાત્રે અંત્યંત રમણીય એવા ચંદ્રમાના તેજસ્વી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. શહેરી વિસ્તારથી દૂર માઉન્ટ આબુના એક નાના સરખા પરંતુ સમગ્ર  ટીંબાને આવરી લેતું એક ઘર રચાયેલ હતું કે જેને તેના આકાર,સુવિધા તેમ જ કદના કારણે ઘર કરતા વિલા કહેવું વધારે ઉચિત હતું. સમગ્ર ઘરની ચોમેર હરિયાળી પથરાયેલ હતી કે જે મંદ મંદ લહેરાતા પવન સાથે નૃત્ય કરી રહી હતી તેની પર રહેલ ભેજ સફેદ અજવાસમાં ચમકી રહ્યો હતો. સામાન્ય પણે અમીર લોકો કે જે મોટો હોદ્દો અને નામ ધરાવતા હોય તેમની જાગીરમાં અવશ્ય પણે આવું એકાદ ફાર્મ હાઉસ તો ચોક્કસ મળી આવે. શહેરના કારખાનાં અને મોટર વ્હિકલથી ફેલાતા દૂષણ તેમ જ ઘોંઘાટથી દૂર પોતાના જીવનની અમુક ક્ષણો પસાર કરવા જેવી કે વેકેશન તેમ જ કોઈ પ્રસંગ માટે આવા જ ફાર્મ હાઉસનો ઉપયોગ થતો હોય છે પરંતુ આજે  કંઇક અજુગતું જ ઘટવાના અણસાર જણાઈ રહ્યા હતા.પીપળાના ઝાડ ઉપર બેસેલ ઘુવડ ચોમેર પોતાની ગરદન ફેરવતા ભયાનક અવાજ કરી રહ્યું હતુ. સમગ્ર વાતાવરણમાં ફકત પવનની લહેરો,ઘુવડ તેમ જ તમારાંનો અવાજ ગુંજી રહ્યો હતો ત્યાં જ આ શાંતિને ચીરતો એક વિસ્ફોટક અવાજ આવ્યો. એક લાલ રંગની મર્સિડિઝ કારનું ટાયર ફાટી ગયું હતું કે જેના પરિણામ સ્વરૂપે તે ચિચીયારી કરતી ઘસડાઈને સર્પ-આકાર રસ્તાની એક બાજુએ અથડાઈને ઊભી રહી સદસીબે ગાડીએ પલટી ના ખાતા ડ્રાઇવર જીવંત રહેવા પામ્યો હતો તેણે ધીમે રહીને બહાર નીકળી પોતાના હાથ અને માથે થયેલ ઈજાને પંપાળી. હાડ થીજાવી દેતા શિયાળામાં તેણે હાથ એક બીજા સાથે ઘસી ગરમાવો મેળવ્યો ગાડીના કાચ ઉપર ભેજ જામી ગયો હતો તેણે નીચા નમીને જોયું તો ટાયરમાં ખિલ્લી ખૂંપી ગયેલ હતી. ત્યાં જ તેનો ફોન રણકી ઉઠ્યો.

"હેલ્લો,રાકેશ શું થયું? મને ગાડીના ટાયર ફાટવાનો અવાજ આવ્યો તું હેમ ખેમ છેને?"

" હા દિવ્યા મારી જ ગાડીનું ટાયર ફાટ્યું છે, હા ચિંતા ના કર તું હું સહી સલામત છું પણ આ ઢાળ ચઢીને આવતા ૧૦-૧૫ મિનિટ થશે તું સોમેશને દારૂ આપતી રહે હું આવું જ છું."

"હા પરંતુ તુ જલ્દી આવ હવે આ નાટક હું વધુ કરવા નથી માંગતી"

તેણે ફોન મૂક્યો અને ગુસ્સામાં ગાડીને લાત મારી ચાલવા લાગ્યો. વસ્તુ જ્યારે જરૂર ના સમયે કામ ના આવે ત્યારે તેની કોઈ કિંમત નથી રહેતી પછી ભલે તે સાઈકલ હોય કે મર્સિડિઝ. થોડે આગળ વધ્યા બાદ રાકેશ અચાનક જ થંભી ગયો ના જાણે તેને શું સૂઝયું તે દોડતો પાછો ગાડી પાસે આવ્યો અને ફોન તેમાં લોક કરી પાછો ઢાળ ચઢવા ચાલી નીકળ્યો.

  

                           "ગ્રીન વિલા"ની લાઈટ ચમકી રહી હતી નજીકમાં અન્ય કોઈ ઘરના હોવાથી તે દૂર સુધી દ્રશ્યમાન હતી જેને દ્રષ્ટિમાં પરોવી રાકેશ ઝડપથી ગ્રીન વિલા તરફ ચાલી રહ્યો હતો.ત્યાં પહોંચતા જ તેણે ડોરબેલ વગાડી અને દરવાજે ઊભો રહ્યો લાઈટના પીળા પ્રકાશમાં તેની ગોળ ટોપી ચમકી રહી હતી ત્યાં જ તેના કાને કાચ તૂટવાનો અવાજ આવ્યો અને દિવ્યાની કારમી ચીસ સંભળાઈ તે બેબાકળો થઈ દરવાજો પછાડવા લાગ્યો ત્યાં જ દરવાજો ધીમે રહીને ખુલ્યો તેણે સામે જોયુ તો દિવ્યાના હાથમાં પિસ્તોલ હતી અને આંખોમાં આંસુ તે રાકેશને વળગીને રડવા લાગી રાકેશ અંદર પ્રવેશ્યો એક ક્ષણ માટે તેની રૃહ કંપી ઊઠી સોમેશ નું નિર્જીવ શરીર લોહીમાં લથ-પથ તેની નજરો સામે લાકડાના ફર્શ ઉપર પડ્યું હતું તેણે તરત જ સોમેશની પાસે જઈ તેના શ્વાસ તપસ્યા અને દિવ્યા સામે પ્રશ્નાર્થ ભાવે જોયું સોમેશનું પ્રાણ પંખેરું ઉડી ચૂક્યું હતું...


      બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં લખાયેલ હતું.

" શહેરનાં મશહૂર ક્રિમીનલ લોયર સોમેશ પ્રજાપતિનું ખૂન. તેમની જ જીવન સંગીની દ્વારા આ ક્રૂર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસની તપાસ કામગીરી હજુ ચાલી રહી છે તેમ જ તેમના પત્ની દિવ્યા પ્રજાપતિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. મેનેજર રાકેશ પણ શકના ઘેરામાં."


[ પોલીસ કસ્ટડીમાં ]

  " સર મારો વિશ્વાસ કરો મે તેનું ખૂન નથી કર્યું." દિવ્યાના આંસુ હજુ શમ્યા ના હતા તેને કાકલૂદી ભર્યા સ્વરે ઇન્સ્પેકટરને કહ્યું.

"તો કોણે કર્યું હે? આ તો સારું થયું કે રાકેશ ભાઈએ તને રંગે હાથે પકડી તારા જેવી સ્ત્રીઓના કારણે બીજી સ્ત્રીઓ બદનામ થાય છે પોતાના પરમેશ્વર એવા પતિનું ખૂન કરી દીધું તે!!"ગુસ્સામાં લેડી કોન્સ્ટેબલ કાજલબેન બોલી ઉઠ્યા.

ઇન્સ્પેક્ટર વિક્રમે તેમને ચૂપ રહેવાનો ઈશારો કરી કસ્ટડીમાંથી બહાર જવા કહ્યું જેથી તે બહાર દિવ્યા સામે ગુસ્સેભરાયેલા નજર નાખતા નીકળી ગયા.

" દિવ્યા બેન અમે સમજી શકીએ છીએ તમારી પરિસ્થિતિ પરંતુ એ રાત્રે ફકત તમે જ તેમની સાથે હતા ઉપરાંત રાકેશ ભાઈએ પણ આ વાતની સાક્ષી આપી છે કે તેમણે તમારા હાથમાં બંદૂક જોઈ હતી જેના વડે તમે તમારા મિસ્ટરનું ખૂન કર્યું." ઇન્સ્પેક્ટર વિક્રમ શાંતિથી બોલી ઉઠ્યા.

" એ રાકેશ જૂથો છે સાલો *ગાળ*. મે મારા હસબન્ડનું ખૂન નથી કર્યું. " દિવ્યા ગુસ્સે ભરાઈ બરાડી ઉઠી.

" ઓ બેન તમીજ થી વાત કરો તમારું ઘર નથી આ કંઈ. કેસ પહેલેથી સોલ્વ છે રાકેશ એ અમને બધી વાત જણાવી છે કે તેને સોમેશનો ફોન આવ્યો હતો તેના સાઇડ બિઝનેસ અંગે શેર રોકાણનું કામ હોવાથી તેને રાત્રે ફાર્મ હાઉસ પર બોલવામાં આવ્યો હતો પણ આવતા સમયે તેની ગાડી પંક્ચર થઈ ગઈ જેથી તે ચાલતો ઘર સુધી આવ્યો ત્યાં સુધી તમે સોમેશને મોતના ઘાટ ઉતારી દીધો હતો." ઇન્સ્પેક્ટર કડકાઇથી બોલી ઉઠ્યા.

" સર ધીસ ઇસ નોટ ટ્રુ. સર રાકેશ મને ફસાવી રહ્યો છે અમારા બંનેનું ઘણા સમયથી અફેર હતું અને અમારા રસ્તાનો કાંટો હતો સોમેશ પરંતુ તેને અમે કંઈ પણ કરવા સમર્થ ના હતાં પણ આ ફાર્મ હાઉસ પર જવાનો પ્લાન બનતા અમે આ કાંટા ને અમારા જીવનથી હંમેશા માટે દૂર કરવાનું વિચારી લીધું હતું...."

"અને તમે કરી પણ દીધો વાર્તા પૂરી..." ઇન્સ્પેક્ટર વાત કાપતા વચ્ચે બોલી ઉઠ્યા.

"બેન રાકેશ એ અમને પહેલેથી જ તમારા અફેરની વાત કરી દીધી છે."

દિવ્યાની હાલત તો જાણે કાપો તોય લોહી ના નીકળે તે સમાન હતી. તે રડતા રડતા બોલી

"સર, જેવું ગાડીના ટાયર ફાટવાનો અવાજ મને આવ્યો મે રસોડામાં જઈ રાકેશને ફોન કર્યો હતો તેણે જ કહ્યું હતું કે તે આવી રહ્યો છે હું ફક્ત સોમેશ ને દારૂ પીવડાવતી રહુ. પણ મને દારૂના કારણે ઉલ્ટી થતી હોવાથી મે જેવો ફોન મૂક્યો મારે બાથરૂમમાં ઉલ્ટી કરવા જવું પડ્યું જ્યારે હું બહાર નીકળી ત્યારે મે સોમેશ ના પડવાનો અવાજ સાંભળ્યો હું તુરંત એ તરફ ભાગી તો જોયું એક કાળી બુકાની બાંધેલ માણસ ના હાથમાં બંદૂક હતી અને સામે સોમેશની લોહીથી તરબતર લાશ હું ધ્રુજી ગઈ સર માન્યું કે મારો ઈરાદો પણ આજ હતો પણ... ત્યાં જ તે વ્યક્તિ એ મારી પર બંદૂકનો ઘા કર્યો જેનાથી બચવા મે તેને પકડી લીધી અને તેની પર મારા નિશાન આવી ગયા હું કશું પણ કરું તેટલી વારમાં તો તે હત્યારો આંખના પલકારામાં બારી ખોલીને બહાર કૂદી ભાગી ગયો મે તરત રાકેશને ફોન કર્યા પણ તેણે ઉઠાવ્યા નહિ ત્યાં જ અચાનક ડોર બેલ વાગ્યો હું તે તરફ ભાગી જેમાં મારા હાથે વાઇનની બોટલ અથડાતા તે નીચે મારા પગ ઉપર પડી અને ફૂટી ગઈ અને તેના કાચ મને ખૂપી ગયા. દરવાજા સુધી લંગડાતા પગે પહોંચી મે દરવાજો ડરતા ડરતા ખોલ્યો તો સામે રાકેશ હતો મે તેને બધી વાત જણાવી તેણે સોમેશને તપાસ્યો ત્યાં જ મારી નજર તેની ટોપી ઉપર પડી કે જે હત્યારા જેવી જ હતી અને હું ત્યાંથી ભાગી આવી સાહેબ મારો વિશ્વાસ કરો મે ખૂન નથી કર્યું આ રાકેશ મને ફસાવી રહ્યો છે કેમકે હવે તે કંપનીના બધા શેર મળતા માલિક બની જશે..." દિવ્યા પોક મૂકીને રડી પડી.

"રાકેશ  ઘરથી ૧૫ મિનિટના અંતરે અકસ્માતનો ભોગ બન્યો હતો જો તે દોડતા પણ આવે તો પણ ૧૨ મિનિટથી પહેલાં ના આવી શકે કારણ ઘર ઢાળની ઉપરની તરફ હતું ઉપરાંત તેની લોકેશન તેની ગાડીમાં જ હતી અને તેનો એક સાક્ષી કે જે તેને લિફ્ટ આપી ઘર સુધી લાવ્યો તે પણ પોતાનું બયાન આપી ચૂક્યો છે મિસ. આઇ એમ સોરી તમારી વાત સાચી છે કે તે કંપનીનો માલિક બની જશે પરંતુ આ કૃત્ય જે તમે પ્રેમ માટે આચર્યું તેની સજાથી હવે તમને કોઈ નહિ બચાવી શકે બધા પુરાવા તમારી વિરુદ્ધ ના છે." ઇન્સ્પેક્ટર વિક્રમ વાત મૂકી ત્યાંથી પોતાની ટોપી પહેરતા ઉઠ્યા અને કહ્યું

"મારી સલાહ માનો તો કોઈ સારો વકીલ કરાવી શકો છો તેમ છતાં હું રાકેશની તમે જે વાત કરી તેની પૂરતી તપાસ કરવાની બાહેંધરી આપી છું."

બહાર નીકળતા તે પણ વિચારી ઉઠ્યા કે સોમેશના ખૂન થી સૌથી મોટો ફાયદો તેની પત્ની દિવ્યાને હતો ત્યાર બાદ રાકેશને પરંતુ દિવ્યાના ફસાઈ જતાં રાકેશ સૌથી અવ્વલ ખિલાડી બની ચૂક્યો છે તેની તપાસ ચોક્કસ પણે કરવી પડશે. દિવ્યાના કહેવા મુજબ તેની ટોપી અને હત્યારાની ટોપી એક સમાન હતી શું રાકેશ જૂઠા સબુતો આપી કાનૂનને ટોપી પહેરાવે છે? કે પછી આ દિવ્યા મને જૂઠું કહી મને ટોપી પહેરાવી રહી છે?. અફસોસ હાલમાં બધા સબૂત દિવ્યાની ખીલાફના છે ઈચ્છી ને પણ રાકેશ પર આંગળી ઉંચી નહિ કરી શકાય. તેમણે પોતાના વિશ્વાસુ કોન્સ્ટેબલ અજયને બોલાવ્યો અને કહ્યું.

"રાકેશની રગે રગની તપાસ કરી મારા સુધી પહોંચાડજે કેમકે દિવ્યાને મહિના દોઢ મહિના સુધી કોઈ પ્રકારની સજા થાય તેવું લાગતું નથી કારણ હજુ સબૂત તેટલા પૂરતા નથી માટે તેટલા જ સમયમાં રાકેશની અને તેના લિફ્ટ વાળા સાક્ષીની બધી જાણકારી મારે જોઈએ કેસ બને તેટલો લાંબો ખેંચવો જોઈએ હું મહિનાની રજા ઉપર છું. આવું ત્યાં સુધી કંઈ થવું ના જોઈએ.કેસ બીજાના હાથમાં ગયો તો તારું અને મારું બંનેનું પ્રમોશન કેન્સલ!"



[૨ અઠવાડિયા બાદ માઉન્ટ આબુ ના એક પબમાં]


"સાહેબ નોકરી તો તમારી જ રસ વાળી છે બાકી દરેક કામ તો આ વોડકામાં મિક્સ કરેલા પાણી જેવું છે પીવું પડે છે એટલે પીએ છીએ" જોરથી હસતા હસતા રૂપેશ બોલી ઉઠ્યો.

"હા, દોસ્ત વાત તો સાચી છે તારી પણ આજ નોકરીમાં જીવ ના જોખમ પણ રહેલા છે અને કેટલાય કેદીઓ સાથે વેર પણ થાય કંટાળી ગયો છું આ જીવનથી મોટા હોદ્દા પર જવાય તો શાંતિ થાય. કામમાં પણ આવો કકળાટ ઘરે પત્નીનો કકળાટ માણસ કરે તો કરે શું!! જીવન તો બાકી તારું જોરદાર છે બસ આ ગળે મફલર પહેરી લીધું આંખો પર ચશ્મા અને આખા ગામને સલાહો આપવા બેસી જવાનું કાઉન્ટર સાલાઓ.." ઇ.વિક્રમ પણ મદિરાના નશામાં હસી ઉઠ્યા.

"કાઉન્ટર નહિ કાઉન્સેલર આ તમને પોલીસ છો એટલે ઠોક્યાં સિવાય કશું દેખાતું જ નથી" રૂપેશ પણ રમૂજ કરી ઉઠ્યો.

"એક વાત કહો આટલા રોમાંચક કિસ્સા લાવો છો ક્યાંથી? ઈચ્છા હતી આ વર્ષે પરણી જાઉં તમે આ તમારી વાતો કહી સાલું પરણવાનો નશો ઉતારી દીધો."

"સાચવજે ભાઈ તારું બૈરું પણ ક્યાંક તને ના ઉડાવી દે. અમે તો એમનેમ પણ ઉડેલા છીએ" બને મિત્રો સાથે ચીઅરસ કરતા ગ્લાસ અથડાવી હસી પડ્યા.

રજાઓમાં ઇ. વિક્રમનો આ નિત્યક્રમ બની જતો બોર્ડરની નજીક જ રહેઠાણ આવેલ હોવાથી દર બે ત્રણ દિવસે માઉન્ટ આબુના "રોઝ પબ"માં બિયર કે દારૂની ઉજાણી તે કરતા. કોઈ પણ સોશીયલ મીડિયા કરતા વધુ મિત્રો દારૂના ઠેકાઓ પર બનતા હોય છે ક્યારેક તો દુશ્મનો પણ ભાન ભૂલી મિત્રો સમાન વર્તન કરવા લાગે છે. તેમ જ ઇ.વિક્રમને કાઉન્સેલર રૂપેશ સાથે ખાસુ ફાવી ગયું હતું છેલ્લા અઠવાડિયાથી મોટા ભાગે તેમની મુલાકાત થઈ જ જતી પણ કોઈ તેમને જોઈને એવું માને નહિ કે તેમને મળ્યે આટલો ઓછો સમય થયો હશે ખેર મદિરા તો મદિરા છે સોશીયલ મીડિયા જેવી.


  બંને મિત્રો વાતો કરતા હતા તેટલામાં જ ઇ. વિક્રમનો ફોન રણક્યો. તેમણે એક કાન પર હાથ દાબી જોરથી વાગતા મ્યુઝિકને થંભવ્યું અને બીજા કાને ફોન લગાવ્યો.

"બોલ માય ડિયર અજય શું થયું કેમ યાદ કરવો પડ્યો મને." દારૂના નશામાં ક્યારેક ઇ.વિક્રમને અજય પર ઘણો પ્રેમ ઉભરાઈ આવતો.

"સર એક અગત્યની વાત જાણવા મળી છે તમે શક્ય હોય તો રજાથી પાછા ફરો તો સારું રહેશે કેસમાં એક મહત્વનો મુદ્દો મળ્યો છે."

"બોલને માય ડિયર ફોન કર્યો તો એમાં નહિ જણાવી શકે સાલા * ગાળ* "

અજય સમજી ગયો કે આજે તેના સાહેબની સામે કશું બોલવા જેવું છે નહિ સીધા કામની વાત કરવી પડશે નહિ તો આવી બનશે.

"સર, રાકેશના ફોનના લોકેશન એ આપણને ગુમરાહ કરેલા આપણે ભૂલ ફકત એટલી કરી કે આપણે તેની કલાક પહેલાની લોકેશન ના જોઈ રાકેશના ગાડીમાં પંચર ૮:૨૮ ના સુમારે થયું હતું કે જ્યારે તેને દિવ્યાનો કોલ પણ આવેલો ૮:૩૧ સુધી તે ત્યાં જ સ્થિર હતો પરંતુ થોડા જ સમય બાદ ૮:૩૩ એ તેની લોકેશન ગાડીથી થોડી આગળ દર્શાવી જ્યારે ૮:૩૫થી ફરી તે ગાડીમાં જ હતી તેનો અર્થ કે."

" તે સાલા * ગાળ* એ પોતાનો ફોન જાણીને ગાડીમાં મુકવા પાછો આવ્યો હતો."

"યસ સર!!"

" હાલના હાલ તેને અરેસ્ટ કરીને કસ્ટડીમાં પુર હું આવીને વોરંટનું કરાવું છું."

"પણ સર વોરંટ વગર કંઈ રીતે?"

" તને કહ્યું તેટલું કર હું પાછો આવું છું કાલે ત્યાં સુધી આજની રાત તે બેટમજીને જેલની અને પોલિસને ગુમરાહ કરવાની સજા ભોગવવા દે."

ઇ. વિક્રમનો બધો નશો જાણે ક્યાંય ગાયબ થઈ ગયો હતો તે ઊભા થયા પોતાના બ્લેક શર્ટ અને પેટનું ઇન્શર્ટ સરખું કર્યું કે જેને જોઈ રૂપેશ બોલી ઉઠ્યો.

"લાગે સાહેબ ઉપડ્યા પાછા કામે." અને મૂછમાં હસ્યો

" હા દોસ્ત અને સાંભળ લગ્ન કરી લેજે કદાચ એની પત્નીએ તેનું ખૂન નથી કર્યું!" ઇ.વિક્રમ હસતા હસતા નીકળી ગયા.



   [બીજા દિવસે સવારે]


                  સ્ટેશન પહોંચતા જ જાણે ઇ.વિક્રમનું સ્વાગત કરવા કમિશનર સાહેબ બેઠા હતાં અને તેમની બાજુમાં રાકેશ. આગળ શું ઘટવાનું છે તે ઇ.વિક્રમ તેમના મનોમનમાં જ સમજી ગયા ગુસ્સો તો ઘણો હતો પણ આજે મજબૂરી હતી સસ્પેનશનની વોરનિંગ સાથે તેમણે ઉપરી તરફથી ઘણું સાંભળવા મળ્યું તેમ જ રાકેશને પણ સહ ઈજ્જત તેના ઘરે જાતે જ મૂકવા જવું પડ્યું. ફરી પાછા સ્ટેશન આવી ઇ.વિક્રમ પોતાના ટેબલ પર માથે હાથ દઈને બેઠા ત્યાં અજય ધીરે રહી આવીને બોલ્યો.

"સર, ચા લાવું?"

ઇ.વિક્રમ અસમંજસમાં પડી ગયા હતાં તેમને અજયને કહ્યું

" જા બે ચા લાવ એક તારી અને એક મારી, અને આવીને બેસ મારી જોડે."


ચાની ચુસ્કી મારતા મારતા ઇ.વિક્રમ બોલી ઉઠ્યા.

"અજય માણસાઈની દ્રષ્ટિએ આ કેસ હવે સાવ કલીઅર છે પણ કાનૂની દ્રષ્ટિએ એક નિર્દોષને સજા આપી રહ્યો છે."

"સર પ્રમોશન કે સસ્પેનશન કરતા દિલ દુભાવું ઘણી ખરાબ બાબત છે મારું માનો તો આપ રજા પૂર્ણ કરી આવો ત્યાં સુધી ચોક્કસ કોઈ રસ્તો મળી જશે રાકેશ કંઇક તો ભૂલ કરશે જ આટલા લોકોને તેણે લાંચ ખવડાવી છે તો."

"એક મિનિટ લોકો ને લાંચ!!!" ઇ.વિક્રમ વિચારે ચઢયા.

"તને શું લાગે છે અજય રાકેશે કોન કોને લાંચ આપી હશે?" તેમણે અજયને પૂછ્યું

"સર એક તો પેલા સાક્ષી વાળા ડ્રાઈવરને કે તેની ગાડીમાં તે ઘર સુધી પહોંચ્યો હતો.બાકી કમિશનર સાહેબનું આપણે કઈ ઉકાળી શકવાના નથી"

"ના!! મને નથી લાગતું કે તેણે ડ્રાઇવરને લાંચ આપી હોય કારણ તેના ફોનની લોકેશન અને તે ગાડીના ચાલકની લોકેશન એક સાથે બદલાઈ હતી ૯:૦૩ વાગે અડધા કલાકના સમયમાં ખૂન કરી નીચે આવી ફરી વાર કોઈની ગાડીમાં ઉપર જવું તદન સામાન્ય વાત છે."

"તો સર દિવ્યા જૂઠું બોલતી હોવી જોઈએ કોઈ માણસ અડધો કલાક તો ઉલ્ટી ના કરે ને?"

" કે પછી બંને જૂઠું બોલે છે." ઈ.પ્રતાપ ટેબલ પર હાથ પછાડતા ઊભા થઈ ગયા.

"સર હું સમજ્યો નહિ." અજય હજુ પણ સમજી રહ્યો ન હતો.

"જો છાપામાં પ્રથમ દિવસે જ રાકેશનું નામ આવી જાત તો તેને કંપનીના શેર તેમ જ પૈસા કશું ના મળતું તેથી સૌ પ્રથમ ગુનો દિવ્યાના માથે આરામથી આવી શકે તેવી પરિસ્થિતિ તે બંને દ્વારા રચવામાં આવી ખૂન પણ બંને જણે જ કરેલ છે જે માણસ કમિશનર સુધી પહોંચ લગાવી બહાર નીકળી શકે તે એક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનો સમય ના બદલી શકે?

" રમત ઘણી ભારે રમી રહ્યાં છે આ લોકો સાહેબ એટલા માટે જ દિવ્યાની સામે પણ પૂરતા પુરાવા નથી આ હિસાબે તો કોર્ટ પણ તેને ભારે કોઈ સજા નહિ કરી શકે." અજય પણ આશ્ચર્ય પામી બોલી ઉઠ્યો.

" પોસ્ટમોર્ટમ વાળા ડોક્ટરનું પોસ્ટ મોર્ટમ કરવું પડશે હવે ત્યારે સત્ય બહાર આવશે ચાલ મારી પાસે એક રસ્તો છે."


[ રાકેશના ઘરે ]


"રાકેશ ભાઈ આવી શકીએ?"

"હવે શું જોઈએ છે ઇન્સ્પેકટર તમારે?? બધા આગળ મારી ઈજ્જત તમે એક વાર તો કાઢી ચૂક્યા છો સીધા જતા રહો તમારા કામે કે પછી કમિશનરને ફોન કરું?" રાકેશ અકળાઈને બોલી ઉઠ્યો.

" અરે અરે શાંત થાવ તેના માટે હું માફી માગવા j આવ્યો છું મારાથી ભૂલ થઈ હતી પોસ્ટમોર્ટમ રીપોર્ટ થોડી ખોટી હતી તેના કારણે પરંતુ હવે મને ભૂલ સમજાઈ ગઈ છે માફ કરશો.હું તે ડોક્ટર પાસે ભૂલ સરખી કરાવી આવીશ"

"નથી જોઇતી તમારી માફી કહ્યુંને એમ પણ મે આપી દીધી જ છે!!! કોઈ કામ હું અધૂરું નથી છોડતો."

એટલું સાંભળતા જ ઇ.વિક્રમ અને અજય ત્યાંથી હસતા મુખે અભિવાદન કરી નીકળી ગયા

"સાહેબ હવે તો તે પોસ્ટમોર્ટમ રીપોર્ટ વાળાને પણ બદલી નાખશે તમે તેને શા માટે કહ્યું." અજય આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો.

"કારણકે માય ડિયર બોય, તે તેમાં જ કોઈ ભૂલ કરશે અને આપણે આ વખતે તૈયાર છીએ." કારમાં બેસતા ઇન્સ્પેક્ટર બોલી ઉઠ્યા

ત્યાં જ અજય ના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો કે જેણે તેને અંદરથી ઝંઝોળી દીધો તેના ચહેરાના ભાવ પરથી તેની પરિસ્થતિનો ત્યાગ મેળવવો મુશ્કેલ ના હતો તેને જોતા જ ઇ. વિક્રમે તેને પૂછ્યું.

"શું થયું અજય અચાનક કેમ આવા હાલ છે કશું ખરાબ નથી થયું ને?"

પણ અજયના પ્રતિઉત્તરે ઇ.વિક્રમને પણ ઝંઝોળી દીધા.

"સર પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરનું કાર એક્સીડન્ટમાં મૃત્યુ થયું છે....."

બંને જણ કઈ પણ બોલવા સક્ષમ ના હતાં અજય ગાડી સ્ટેશન તરફ હંકારી મૂકી કે જેને રાકેશ ઉપરથી જોઈ રહ્યો હતો.

ઇન્સ્પેકટર ને હવે તેના શબ્દો સમજાયા હતા.

"હું કોઈ કામ અધૂરું નથી છોડતો."


સાંજ સુધી તેમના પર એક પછી એક આભ પડી રહ્યા હતા.

ઉપરીઓ પરથી પણ દબાણ આવી રહ્યું હતું જલદીથી જલદી આ કેસને સોલ્વ કરવા માટે કારણ દિવ્યાને પણ આટલા દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તેની સામે કોઈ પૂરતી સાબિતી ના હતી કે તેને ખૂન કર્યું હોય. રાકેશ સુધી તો હાથ પહોંચવા જ મુશ્કેલ થઈ ગયા હતા. જીવન ફકત એક ત્રાસથી વધુ કઈ જ ના લાગી રહ્યું હતું બંને ગુનેગારો નજરો સામે હોવા છતાં તેમનું કઈ પણ કરી શકાય તેમ ન હતું.

"ના કોઈ પ્રકારની સાબિતી કે જેથી એક પણ જણ પર આરોપ સંપૂર્ણ પણે સાબિત કરી શકે દિવ્યા અને સોમેશનાં એક ઘરમાં હોવું કોઈ તાર્કિક સાબિતી ના હતી, પિસ્તોલ પણ અજાણી કોઈની હતી કે જેની પર કોઈ પણ પ્રકારના મેનુફ્રેક્ટર ના હતા, રિપોર્ટ અનુસાર રાકેશના પણ પહોંચ્યા પહેલાં ખૂન થઈ ગયેલ હતું તેનું ત્યાં જવાથી કે દિવ્યાના કહેવાથી તે ખૂની સાબિત ના થતો હતો. કોઈએ નજરો નજર ખૂન પણ નિહાળ્યું ના હતું. ખૂની કોન છે તે જાણ્યા છતાં આજે કાનૂન અંધ હતો..."


શહેરના જાણીતા નામાંકિત વ્યક્તિ હોવાથી સોમેશ પ્રજાપતિનો કેસ દરેક મીડિયા ન્યૂઝ માં વાઇરલ થઈ રહ્યો હતો કેટલાક ફેમીનિસ્તો દિવ્યાબેનને લગભગ મહિના સુધી વગર સાબિતી એ અપાયેલ કસ્ટડી ની સજાને ધિક્કારી રહી હતી ચારે તરફ પોલીસની નાકામી ની ચર્ચા થઈ રહી હતી. કોઇનું ધ્યાન સુદ્ધાં ડોક્ટરની મોત પર ના ગયું કદાચ આ મીડિયા ના કારણે જ ઘણા અગત્યના સબૂત ઢંકાઈ જાય છે. ઇ.વિક્રમ પોતાના જીવનમાં પ્રથમ વાર આવી પરિસ્થતિનો સામનો કરી રહ્યા હતા. ના જાણે આ કેવો સમય ચાલી રહ્યો હતો. તેમણે આ બધા થી દુર જઈ પોતાની બાકી રહેલી રજા પૂર્ણ કરવાનું વિચાર્યું જેથી મનને થોડી રાહત મળે અજય પણ ટૂંકા સમય માટે રજા પર ઉતરી ગયો હતો પણ આ કેસનો બોજ હજુ તેમના મન પરથી ઉતરી રહ્યો ન હતો.


[ ત્રણ દિવસ બાદ ]

સમાચારમાં નીચે મુજબનું લખાણ છપાયેલ હતું.

"મહિના સુધી એક અબલા વિધવાની જેલની કસ્ટડી આખરે સમાપ્ત પતિના ખુનનું કલંક લગાડનાર પોલીસકર્મીઓના સસ્પેન્શન નો આદેશ,લોકોમાં હર્ષની લાગણી."

" દેવામાં ડૂબેલ વ્યાપારી કંપનીના માલિક રાકેશ બોધે કરી આત્મહત્યા..."



ઇ. વિક્રમે અજયને તે જ ક્ષણે ફોન કર્યો.

"અજય ન્યૂઝ વાંચ્યા?"

"ના સર પણ ૬ મહિનાનો સસ્પેન્શન લેટર મારા સુધી આવી ગયો શું તમને પણ?" અજય હતાશભેર બોલી ઉઠ્યો.

" અરે * ગાળ * ,સસ્પેન્શન છોડ નીચે નાના અક્ષરે લખાયેલું વાચ આજના પેપરમાં.... રાકેશે આત્મહત્યા કરી લીધી.!!!" ઇ.વિક્રમ બોલી ઉઠ્યા

"શું વાત કરો સાહેબ એક જ મિનિટ હું તપાસ કરી તમને ફોન કરું..." અજય ઝડપભેર બોલ્યો અને ફોન મૂક્યો.

૩ જ મિનિટમાં અજયે પાછો ફોન કર્યો અને બોલ્યો..

"સર.. તેને પોતાના કરેલાની સજા મળી ગઈ વકીલ સાહેબે ૧૦ કરોડની લોન લઈ રાખેલી હતી તેમ જ કંપનીના બધા શેર પણ દેવામાં ડૂબી ચૂક્યા હતા જેની આ મૂરખને જાણ ના હતી કંપનીની સાથે આ દેવું પણ તેના નામે થઈ ગયું હતું કે જે તે પોતાની જિંદગીમાં પણ ચૂકવવા સમર્થ ના હતો. એક પાપીને તો તેના કર્મોની સજા મળી." અજય સંતોષભેર બોલી ઉઠ્યો.


જેના જવાબમાં ઇ.વિક્રમ ફિક્કું હસ્યા અને કહ્યું

"૬ મહિના પછી મળીએ દોસ્ત એન્જોય યોર સસ્પેન્શન..." અને ફોન કટ કરી દીધો.


આજે ઇ.વિક્રમ ફકત વિક્રમ હતા એક અધિકારી માટે સૌથી દુઃખનો દિવસ કે જ્યારે તેની પાસેથી તેના માન સમાન હોદ્દો છીનવી લેવામાં આવે. પોતાને તેમ જ પોતાના વેચાયેલા અધિકારીઓને કોસતા કોસતા તેમનું મન ના જાણે ક્યારે તેમને પબ તરફ લઈ ચઢ્યું.

આજે એક સામન્ય દુઃખી માણસની જેમ તેમણે મદિરા પર મારો બોલાવ્યો ત્યાં જ પાછળથી એક જાણીતો અવાજ આવ્યો.


"ઘણા ગમમાં લાગો છો સાહેબ.." રૂપેશ બોલી ઉઠ્યો.

"માય ડિયર ફ્રેન્ડ, આજે હું ખુશ છું અને દુઃખી પણ આજે એકને તેના કર્મોની સજા મળી અને મને.... મને મારા અધિકારીઓના વેચાયેલા હોવાની....." વિક્રમ ડોલતા ડોલતા ઉઠ્યો કે જેને સંભાળતા રૂપેશ તેની પાસે બેઠો અને ઇ.વિક્રમ પોતાની કહાની પોક મૂકીને કહેવા લાગ્યા.... રૂપેશ પણ તેના ગમમાં દારૂ પીને સહભાગી થઈ રહ્યો હતો.જેવી ઈ.વિક્રમની વાત પતી તેવામાં તે મદિરાના નશામાં બોલ્યો..

"મને માફ કરી દે માય ફ્રેન્ડ હું નેતા હોત તો તને હાલને હાલ મારાથી મોટો નેતા બનાવી દેતો પણ જે થઈ ગયું છે તે ભૂલી જા હવે ભાડમાં ગઈ દુનિયા ચીઅર્શ.... ભાડમાં ગયા બધા વેચાયેલા અધિકારી ચેર્શ... એમ માની લે જાણે  કશું થયું જ ના હતું ભૂલી જા બધું જ મારા દોસ્ત ભૂલી જા... માની લે ખૂન થયું જ ના હતું.."

"શું બોલ્યો તું?? શું બોલ્યો ફરી બોલજે??" ઈ.વિક્રમ ચમક્યા..

"હું કહેતો હતો કે ભાડમાં ગઈ દુનિયા ભાડમાં ગયા વેચાયેલા અધિકારીઓ ચીર્સ દારૂ લાય મારા ભાઈ વિક્રમ.." મદિરાના નશામાં રૂપેશ બોલી ઉઠ્યો.

" ના ના એ નહિ છેલ્લે શું બોલ્યો તું?? છેલ્લે છેલ્લે???" ઇ.વિક્રમ રૂપેશને ઝંઝોળી ને બોલ્યા.

" હું એમ કહેતો હતો કે ભાડમાં ગઈ દુનિયા માની લે આવું કશું થયું જ નતું....." રૂપેશની જીબ લથડી રહી હતી તે ટેબલ પર માથું મૂકીને પડયો.

"માની લે કે ખૂન થયું જ ના હતું!!!!!" ઈ.વિક્રમના મનમાં ચમકારો થયો તે સ્ફૂર્તિથી ઉઠ્યા અને જવા લાગ્યા તેમણે જતા જોઈ રૂપેશ બોલ્યો.

"માય ફ્રેન્ડ ક્યાં જાય છે??"

ઈ. વિક્રમે પોતાની ચાલ અને નજરો સીધી કરી ટટ્ટાર થઈ બોલ્યા.

"વિક્રમને ઇન્સ્પેકટર વિક્રમ બનાવવા માટે" અને ત્યાંથી ટેક્સી કરી ચાલી નીકળ્યા અજયના ઘરે..


અડધી રાત્રે ઇ.વિક્રમને આ હાલતમાં પોતાના ઘરે આવેલા જોઈ અજય વિચારમાં પડી ગયો પરંતુ જ્યારે તેને ઇ.વિક્રમે આખી વાત સમજાવી ત્યારે તે પણ જોશમાં આવી ગયો રાત્રે ને રાત્રે અમુક લોકોની મદદથી કેટલાક પુરાવા એકઠા કરી તેમને સમગ્ર ઘટનાની જાણ મેળવી લીધી કે જેણે તેમને જોશથી ભરી દીધા

આટલી મોટી સાજિશ હવે ધીરે ધીરે તેમની સામે ખુલી રહી હતી તેઓએ તાત્કાલિક આ માહિતી I.P.S સાહેબને આપવાનું નક્કી કર્યું જેવા તેઓ ઘરની બહાર નીકળ્યા તેવી જ એક નંબર પ્લેટ વગરની ઇકકો ગાડી તેમની પાસે આવીને ઊભી રહી અને બંને ને તેમાં ખેચી લેવાયા...


[ મધ્ય રાત્રિએ "ગ્રીન વિલામાં"]

અજયની આંખો ખુલી તેણે પોતાને ખુરશી સાથે બંધાયેલો નિહાળ્યો આસ પાસ નજર કરતા તે ચોંકી ઉઠ્યો તે ગ્રીનવિલા માં હતો હજુ પણ ઘટના સ્થળ તે જ પ્રકારનું હતું તે જ લોહીના નિશાન તૂટેલી વાઇનની બોટલ પણ ઇન્સ્પેકટર સાહેબ ક્યાં ગયા તે જોરથી બરાડી ઉઠ્યો.

"ઓય ચૂપ મર તારી પાછળ જ બાંધ્યો છે મને."ઈ.વિક્રમ બોલી ઉઠ્યા.

"સર આપણે અહીંયા કેમ છીએ??? આપણને અહી કોન લાવ્યું??? હવે શું થશે સર?? હજુ મારા લગ્ન પણ નથી થય!!!" અજય ડરીને બોલી ઉઠ્યો.

"શાંત થા અને વધુ ડાહ્યો ના બન. સોમેશ ભાઈ મહેમાન બનાવીને લાવ્યા છો તો પાણી નો ભાવ પણ નહિ પૂછો?" ઇ.વિક્રમ જોરથી બોલ્યા.

"કેમ છો સાહેબ માફી ઈચ્છું છું આ રીત ન વ્યવહાર માટે.." સોમેશ તેમની સામે આવીને બોલ્યો.

"માફી તો તારે ઘણા લોકોની માગવી પડશે જેમના તે જીવ લીધા છે અને તારા લીધે કેટલાં એ પોતાના જીવ ગુમાવ્યા છે તેમની!!"

" સાહેબ ખોટી વાત નહિ. વકીલ છું ખૂની નહિ અને રહી વાત પેલા ડોક્ટરની એ અકસ્માતમાં જ મૃત્યુ પામ્યો છે મે એને નથી માર્યો." સોમેશ ઠંડા કલેજે પાણી પીતા બોલી ઉઠ્યો.

" સ્વીટી,જરા મહેમાનો પાણી તો આપજે ઇન્સ્પેકટર સાહેબ ગુસ્સે થઈ ગયા છે.." સોમેશ બોલ્યો.

ઇ.વિક્રમ આ સાંભળતા જ વિચારમાં પડી ગયા ત્યાં જ સફેદ સાડીમાં દિવ્યા પાણીનાં ગ્લાસ લઈને આવી તેને ઇન્સ્પેકટર તેમ જ અજયને આપ્યા.

" બંધ હાથ પાણી આપે છે વાહ વકીલ તારી બુદ્ધિનો તોડ નથી. દિવ્યા તું તો આટલી કાકલૂદી કરતી હતી અને તારું તો રાકેશ સાથે અફેર હતું તું તો તેની સાથે હતી.. સોમેશ ભાઈની બુદ્ધિ ચસકી ગઈ લાગે કદાચ એટલે જ રાકેશના ખૂન પણ આમના હાથે જ થયું છે પ્રેમને પરત મેળવવા માટે...." ઈ.વિક્રમ ખંધુ હસ્યા.

"કોઈએ મને યાદ કર્યો??"

અંધારામાંથી એક પડછાયો સામે આવ્યો કે જેને ઈ.વિક્રમના હાથમાંથી ગ્લાસ લઈને તેમને પાણી પાયું જેને જોતા જ ઇન્સ્પેકટર ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ..

"રાકેશ તું પણ... વાહ વકીલ વાહ માની ગયા તારી બુદ્ધિને અર્થાત્ આ બંનેનું અફેર ના હતું?" ઇન્સ્પેકટર પોતાની મૂર્ખાઈ પર હસી રહ્યા હતા. જેના પ્રતિભાવમાં દિવ્યા અને રાકેશ તેમની સામે જોઈને  હસ્યા.

"પૈસાની લાલચ માણસને શું શું કરવા મજબૂર કરી દે છે વકીલ તારી પાસે તો પૈસો પણ હતો તો કેમ આ પગલું ભર્યું?? આટલો સ્વાર્થ?? લોકો અને એક મર્ડર કેસ સમજતા રહી ગયા અને તમે કેટલા લોકોનું દેવાળિયું કરી દીધું.." અજય આખરે બોલ્યો.

સોમેશે બંનેને બાજુમાં કર્યા અજય અને ઈ.વિક્રમ હવે એકમેકનાં મુખ જોવા સક્ષમ બન્યા..

" સાહેબ પૈસા ખાલી અગત્યનો નથી... સંબંધ છે..." રાકેશ બોલી ઉઠ્યો.

સોમેશે વાત આગળ વધારી" આજથી લગભગ ૬ મહિના પહેલા એક નવજુવાન છોકરાએ પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે એક બેંક પાસેથી લોન લીધી. છોકરો ઘણો હોશિયાર હતો તેમ જ તેના કામ કરવાની રીત પણ તેટલી જ સુંદર બધા લોકોને તો તે પોતાની વાતોથી જ મનાવી લેતો હતો, જોતા જોતમાં તેની કંપની ઘણી આગળ નીકળી ગઈ પણ એક દિવસ અચાનક તેને એક કાનૂની કાગળ મળ્યો કે આ કંપનીની માલિકી તેની ના હતી!! તે છોકરાના પગ તળેથી જમીન ખસી ગઈ તેણે તે બેન્કનો સંપર્ક સાધ્યો કોઈ પણ પ્રોપર્ટી ના પેપર બેંકમાં તેના નામના ના હતા.. છોકરાએ બધી રીત અજમાવી જોઈ છેવટે પોતાના ભાઈની કંપનીના શેર પણ વેચી તે કંપની પાછી મેળવવા દિવસ રાત એક કર્યા પરંતુ અસફળ.... આખરે તે માલિકને મળવા ગયો ત્યારે તેને જણાયું કે તે બેંકના માલિકના છોકરાના નામે તે કંપની થઈ ગઈ હતી.. તેની સાથે થયેલ રમત વિશે તે જાણી ગયો જ્યારે તેણે પોલીસની મદદ લેવાનો પ્રયત્ન કર્યો તેને લોકો તમારા કમિશનર સાહેબ જેવા મળ્યા મોટા માથા પણ ખરીદવા સાવ સસ્તા મામૂલી... તેણે પોતાના ભાઈના મિત્રની મદદ લઇ તે કંપની પર કેસ કર્યો જે એટલો મજબૂત હતો કે કંપની હારી જવા સુધી આવી ગઈ તો તે લોકોએ ચાલ કરી કંપની જ વેચી પૈસા પોતાની બેંકમાં નાખી દીધા... ઉપરાંત તેની પર જીવલેણ હમલો કે જેમાં તે લગભગ મરી જ ચૂક્યો હોત...."

" પણ તે કંપનીનું બદનસીબ હું જીવતો બચી ગયો.." રૂપેશ અંધારામાંથી બહાર આવ્યો..

ઇન્સ્પેકટરની હાલત કાપો તોય લોહી ના નીકળે તેવી હતી.. રૂપેશ પોતાના ગળામાંથી મફલર કાઢ્યું કુત્રિમ શ્વાસોશ્વાસ માટે તેના ગરદનની મધ્યે કાણું હતું...

"રૂપેશ પ્રજાપતિ???" ઇન્સ્પેકટર ફાટી આંખે બોલ્યા..

" હા સાહેબ.. રૂપેશ પ્રજાપતિ કાઉન્ટર" રૂપેશ હસ્યો...

"રમત ઘણી ભારે રમ્યા તમે કોઈ ના પણ હાથે ના આવતા જો રૂપેશ મારી આગળ બોલ્યો ના હોત તો.." ઇન્સ્પેકટર પોતાની બુદ્ધિને તાવ દેતા બોલ્યા.

"તમને શું લાગે છે તે ભૂલમાં બોલ્યો છે??" રાકેશ જોર જોરથી હસી ઉઠ્યો

"સાહેબ, તે બેંકના ૧૦ કરોડ અમે આચકી લીધા તેમ જ મારી બેંકના તમામ શેર જે દેવળીયા હતા તે કોઈ માલિક ના હોવાથી આ બેંક ના માથે આવશે હવે તેમ જ મારી બધી જ પ્રોપર્ટી મારી મિસિસ એ વેચી તેની પ્રાઈઝ લઈ લીધી છે" સોમેશ બોલી ઉઠ્યો.

" આ પૈસામાંથી જ અમુક લોકો મારા ભાઈ રૃપેશની મદદ ના કરી શક્યા આ રૂપિયાના કારણે જ કમિશનર સાહેબનું અસલી રૂપ તમે પણ નિહાળ્યું..." સોમેશ મક્કમતાથી બોલી રહ્યો હતો..

"તો આ બધું શા માટે મને કેમ પકડ્યો આ રીતે તમે? મને જાણવાનું કારણ શું?" ઇન્સ્પેકટર હવે અસમંજસમાં મુકાઈ ગયા હતા..

"કારણ કોઈ એક તો એવું મળ્યું જે પૈસા નહિ દેશની, પોતાની ખાખીની સેવા કરે અને તમારા જેવા ઘણા છે કે જે આ કમિશનર જેવા લોકોથી દબાયેલા રહે છે.." દિવ્યા બોલી ઉઠી.

બધા લોકો એક પછી એક રૂમમાંથી જવા લાગ્યા ત્યાં જ રૂપેશ બોલી ઉઠ્યો.


"સર આ મર્ડર મિસ્ટ્રીને મર્ડર મિસ્ટ્રી જ રહેવા દેજો અન્યથા ઘણા લાંછન અમારી પહેલાં કાનૂન પર લાગી જશે જે અમે ઈચ્છતા નથી તે માટે જ તમારા માટે અમે કંઈ વિચાર્યું છે હાલ તો અમે જઈએ છીએ ફરી વાર કદી ભેટો નહિ થાય સાહેબ પણ તમારી પર અમને વિશ્વાસ છે. અમારા હાથે કોઇનું પણ ખૂન થયું નથી ઉપરાંત પેલા ડોક્ટરના પરિવારને પણ આર્થિક સહાય અમે પૂરી પાડી છે કાલ નું પેપર સંપૂર્ણ પણે વાંચજો.."


[ બીજા દિવસે સવારે ]

     "દિવ્યા બેન પ્રજાપતિ પાણીમાં ઝંપલાવીને કરી આત્મા હત્યા પતિના માર્ગે પોતે પણ ચાલી નીકળ્યા ઘણા સમયથી ચાલી રહેલી મર્ડર મિસ્ટ્રી પર આખરે પૂર્ણવિરામ."

    

અજય અને ઇન્સ્પેકટર  પેપર વાચી હસી રહ્યાં હતાં ત્યાં જ તેમને યાદ આવ્યું સંપૂર્ણ વાંચજો.

તેમને પેપરના છેલ્લા પાના પર નજર કરી

" લાંચ લેતા એક ઉચ્ચ અધિકારી ઝડપાયો કાયમ માટે સસ્પેન્ડ.."


"સાંભળો છો આ તમારા માટે કોઈ કાગળ આયો છે" ઇન્સ્પેકટર ના વાઇફ બોલી ઉઠ્યા.

ઇન્સ્પેકટર કંપીને સફાળા ઉઠ્યા અને તેને જોયું

"ઇન્સ્પેકટર વિક્રમ હવે કમિશનર વિક્રમ બની ગયા હતા.." તેમને અજય સામે હસતા હસતા જોયું અને કહ્યું મારો તો આવી ગયો તારો??

અને અજય ઘરે જવા દોડ કાઢી....

"એક મર્ડર મિસ્ટ્રી કે જે મીડિયાના કારણે કેટ કેટલા કામો કરી ગઈ.... શું ઇન્સ્પેકટર એ લાંચ લીધી?? ના... કેટલાય લોકો કે જે લાંચ વગર સત્યના પંથે કામ કરે છે તેમને કામ કરવામાં મદદ કરી.. આખરે આ મર્ડર મિસ્ટ્રીનો કેસ કલોઅઝ થઈ ગયો...."







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ