વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખૂની વકીલનું ખૂન

શોપીઝન ખુની કોણ વાર્તા સ્પર્ધા


"અચ્છા, તો પલક પ્રજાપતિ, તમારા ઉપર તમારા પતિ શ્રી. સોમેશ પ્રજાપતિના ખૂનનો આરોપ છે. તમે કોઈ વકીલ રાખવા માંગો છો?"



નામદાર ન્યાયમૂર્તિશ્રીએ ચિક્કાર ભરેલી કોર્ટમાં બહુચર્ચિત, ખ્યાતનામ વકીલ સોમેશ પ્રજાપતિના ખૂન કેસની શરૂઆત કરતાં પૂછ્યું.


"મી લોર્ડ, હું આપની  જ કોર્ટમાં એક કેઇસ લડી નિર્દોષ બળાત્કારીઓને.." પલક બોલી.



"હેં મેડમ? નિર્દોષ અને બળાત્કારી?" સરકારી વકીલે સવાલ ઉઠાવ્યો.



કોર્ટમાં શરૂઆતમાં જ હાસ્યનું મોજું ફરી વળ્યું.



"મી લોર્ડ,અહીં જ સરકારી વકીલની નબળાઈ, પૂરું સાંભળ્યા સમજ્યા વગર બોલી ઉઠવાની ટેવ જાહેર થઈ ગઈ. બળાત્કારના નિર્દોષ આરોપીને મેં આપની કોર્ટમાં જ કેઇસ લડી છોડાવેલો. હું ખુદ એક વકીલ છું અને મરહુમ સોમેશનું વર્ષો સુધી પડખું સેવ્યું છે. ઓફિસમાં અને ઘેર. અમે બેય ખૂન કેસ લડવામાં એટલાં પંકાઈ ગયાં છીએ કે સોમેશને લોકો મઝાકમાં 'ખૂની વકીલ' કહેતા. એટલે મારી વકીલ હું પોતે. બાકી સત્ય. હું પલક સોમેશ પ્રજાપતિ ગીતાના સોગંદ ખાઈને કહું છું કે હું જે કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય કશું નહીં. ધ કોર્ટ મે પ્રોસિડ."



"તો આપની ઉપર આરોપ છે જેના સબબ  આબુ પોલીસે આપની ધરપકડ પણ કરી છે, તે સોમેશ પ્રજાપતિના ખૂનનો ગુનો આપ કબૂલ કરો છો?" કોર્ટે પૂછ્યું.



"નામદાર, હું આ આક્ષેપ નકારું છું. મારા વકીલ પતિને અન્યો દ્વારા મારી નાખી મને ફસાવવામાં આવી છે. 



મી લોર્ડ, આપણે સહુ LL.B. ની શરૂઆતમાં જ ભણ્યાં છીએ કે દરેક ગુના પાછળ કોઈ ચોક્કસ હેતુ હોય છે.  હું શા માટે એમનું, મારા પતિ સોમેશ પ્રજાપતિનું ખૂન કરું? તેઓ મારા સિનિયર હતા, વકીલ તરીકે અમે એક બીજાની બ્રીફ સંભાળતાં અને એમણે વીલ દ્વારા આબુનો વિકએન્ડ બંગલો, ઓફિસ અને અમદાવાદની ઓફિસ તથા ફ્લેટ મારે નામે કરી જ દીધાં છે. "



"સર, પ્રિસાઈઝલી એટલા માટે જ. પ્લીઝ નોટ,  તેમના નામે કરી દીધાં છે. હવે એ સંપત્તિ તેમને તો જ મળે જો તેમના પતિ હયાત ન હોય. તે ઉપરાંત મરહુમ સોમેશનો તગડો રૂ. એક કરોડનો વીમો પણ હતો. મોટિવ એસ્ટાબ્લીશડ."



"માનનીય પ્રોસિક્યુટર, તમને ખબર તો છે, આપણને કરોડ રૂ. સફળ થઈએ તો કેટલા વખતમાં મળે. 



જજ સાહેબને તમે કે હું આપણી ફી કહીએ છીએ? તમારી કેશ આવક 2019-20 ની કેટલી હતી?"



"મી લોર્ડ, આરોપી વાતને આડે પાટે ચડાવે છે. ઉસ્તાદ છે વાત ફેરવવામાં."



"મિત્ર, એટલે તો હું અને સોમેશ આટલું કમાયાં.  અને અમારે નથી કોઈ સંતાન. એમનું બધું મને જ મળવાનું હતું. બલ્કે એનું ખિસ્સું હું જ જોતી. આમેય મારી પાસેથી હજાર બે હજાર માંગીને ઓફિસ જતા. પૈસાનો વહીવટ મારો જ હતો. જીવતે જીવ જે મારૂં જ હતું એ મેળવવા  મારે ખૂન શા માટે કરવું પડે?"



"તમને પોલીસે પકડયાં છે અને ફરિયાદી નિલેશ અગ્રવાલ તમને રેડ હેન્ડેડ.."



" મેંદી મુકેલી એટલે રેડ હતા. પિસ્તોલના ડાઘા કોઈએ ભૂંસ્યા છે? "



"હા તો લાલ હાથ વાલી મેડમ, તેરા કામ તો બતા!" પ્રોસિક્યુટરે પૂછ્યું અને ફરી કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.



નામદારશ્રીએ 'ઓર્ડર.. ઓર્ડર' કહી હથોડી પછાડી.



"મી. બારોટ, તમે સ્ટેટ વર્સીસ પલક પ્રજાપતિ કેઇસમાં આગળ પૂછતાછ કરી શકો છો. તમને એ ખૂનની ફરિયાદ કઈ રીતે મળી?"



"પોલીસ પલક મેડમને પકડી કસ્ટડીમાં લઈ ગઈ. મને તો સવારે રાજસ્થાન પત્રિકાનાં હેડિંગથી જ જાણ થઈ.. 'શહેરના નામાંકિત વકીલ સોમેશ પ્રજાપતિનું ખૂન. હત્યા એની પત્નીએ જ કરેલી એવું સાબિત થયેલું છે.  માઉન્ટ આબુ જતા રસ્તામાં એમના વિકએંડ બંગલામાં બનેલી ઘટના.' "



"એટલે મી. બારોટ, આપ છાપાની હેડલાઈનને જજમેન્ટ ગણો છો? અખબારો જ જો જજમેન્ટ આપવા માંગે તો કોર્ટની શી જરૂર? અને તો હું ને તમે કેવી રીતે રોટલો રળશું?" પલક બોલી ઉઠી.



"મી લોર્ડ, આ હેડલાઈન મુજબ પોલીસને સોમેશના  વિકએન્ડ બંગલામાંથી જ સગડ મળ્યા છે.



બની શકે કે પલકને પોતે નિઃસંતાન હોઈ સોમેશની સંપત્તિ મેળવી અન્ય લગ્ન કરવાં હોય. સહુથી મોટો મોટીવ પૈસાનો હોઈ શકે. કે ઘરેલુ ઝગડાએ તેમને આ ખૂન કરવાની પ્રેરણા આપી હોય."



"મી લોર્ડ, અમને અસીલોના ઝગડા એટલા તો પતાવવા પડે છે કે અમને ઝગડવાનો પણ ટાઈમ મળતો નથી."



પલકનાં આ વાક્ય સાથે ફરી હાસ્યની છોળો અને 'ઓર્ડર ઓર્ડર'.



પ્રોસીકયુટર બારોટે ઇન્સ્પેક્ટર રણધીરને સાક્ષીનાં પિંજરાંમાં હાજર કરવા કોર્ટને વિનંતી કરી.


ઇન્સ્પેક્ટર રણધીરે ટોપી ઉતારી કોર્ટને સેલ્યુટ કરી બયાન કહ્યું.



" 31 ડીસેમ્બરના રાત્રે 2 વાગે મને આબુ પોલીસ સ્ટેશન પર  ફોનથી સંદેશો મળ્યો કે આબુથી સિરોહી જતા રસ્તે સોમેશ પ્રજાપતિનું તેમના બંગલામાં ખૂન થયું છે અને લાશ પાસે તેમનાં પત્ની પિસ્તોલ સાથે ઊભેલાં હતાં. અમે તેમની તેમના બંગલામાંથી ધરપકડ કરી  ખૂન થયેલું તે પિસ્તોલ, રૂમાલ અને લાશ પાસેથી ઊભેલાં પલક મેડમને જોયાં. "



" તો મી. રણધીર, એ આ જ હતાં? તેમની માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ કેવી હતી?" જજશ્રીએ પૂછ્યું.



"તેઓ  હું ગયો ત્યારે સંપૂર્ણ સ્વસ્થ હતાં. અમે તેમને પૂછ્યું કે આ ખૂન તમે કર્યું છે? તો તેમણે ના પાડી. 



તેમણે તુરત મને કહ્યું " મારા પતિનું ખૂન થયું છે, પિસ્તોલ ચાલી લાગે છે, કોઈએ ખૂન કર્યું છે.


પણ એ હું નહોતી સર! વિશ્વાસ કરો. મારો એવો કોઈ ઈરાદો જ ન હતો. મેં ખૂન થયું તે પછી જ બેડરૂમમાંથી પગ મૂક્યો." 



"તો ઇન્સ્પેક્ટર રણધીર, તમને કોણે ફોન કર્યો?"



"સર, અવાજ એક સ્ત્રીનો હતો. અવાજ ધ્રૂજતો હતો. હું તરત પોલીસ જીપ લઈ ઢાળ ઉતરતો દસેક કિલોમીટર દૂર આબુથી સિરોહીના રસ્તે ગયો."



"ધેટ ઇઝ ધ પોઇન્ટ. મેં ખૂન કર્યું હોય અને હું ફોન કરું કે ભાગી જાઉં?"



"તો મેડમ, શું કોઈ પ્રેતાત્મા આવીને તેમનું ખૂન કરી ગયો? તો એનો મોટીવ શું હોય?"  પ્રોસિક્યુટર બારોટ બોલ્યા.



"વળી પાછો મોટીવ? બારોટ સર, એ તમારે જોવાનું છે. મેં કહ્યું કે પૈસાનો મને સવાલ જ ન હતો. નહોતો એમને કોઈ લફરું કરવાનો ટાઈમ. અરે મને, એમની 'લફરી' સામે જોવાનો પણ ટાઈમ ન હતો.


(ક્ષણિક હસાહસ.)


 


ખૂન મેં નથી કર્યું. અને મી. રણધીર, તમે ખૂનને  સ્થળે આવીને શું જોયું તેનું બ્યાન કોર્ટને કરશો?"



પલકનાં આ વાક્ય સાથે કોર્ટે ઇન્સ્પેક્ટર રણધીરને તેમનું બ્યાન આપવા કહ્યું.



" સર, મેં કહ્યું તેમ હું ફોન મળતાં તેમના આબુથી સિરોહી જતા રસ્તે ગયો. બંગલો પાછળથી ખુલ્લો હતો. આગળ પોર્ચમાં અંધારું હતું.  પાછળથી એન્ટર થવા ચોકડી અને વૉશ એરિયા પાસે અટકાવેલું ડોર ખોલી, ડ્રોઈંગરૂમ ક્રોસ કરી હું અંદર ઘરમાં લોબી પાસે ડાઇનિંગ ટેબલને અડીને આવેલી સીડી ચડી બેડરૂમમાં ગયો. બેડરૂમનાં બારણાંની બરાબર બહાર લાશ પડેલી. આ જ મેડમ બેડ પર બેઠેલાં. લાશને છાતીમાં  ડાબી તરફ ગોળી વાગેલી. ત્યાંથી હજી લોહી વહી રહેલું. પાસે જ પિસ્તોલ પડેલી. પિસ્તોલ પર ફિંગરપ્રિન્ટ મેડમ પલકનાં જ હતાં તે પોલીસ રિપોર્ટમાં જણાવ્યું છે."



"કોઈ આવ્યું તેમ.લાગતાં હું બેડરૂમનું બારણું ખોલવા ગઈ અને પગ સાથે રીવોલ્વોર અથડાઈ. લાઈટ કરતાં મેં જે જોયું એ જોઈ કોઈ પણ સુધબુધ ગુમાવી બેસે. મેં રિવોલ્વોર ઉપાડી અને તરત નીચે મૂકી દીધી. મેં ખૂન નથી જ કર્યું પછી મારાં ફિંગરપ્રિન્ટ હું શું કામ.લુછું અને હોય એ પણ મિટાવી દઉં?"



"તો રણધીરજી, હું બેઠેલી. બેડ પર. સાચું? લાશ ક્યાં  અને કેવી રીતે પડી હતી?"



"કહ્યું તો ખરું. બેડરૂમ અને સીડી પાસેના નાના પોર્ચમાં."



"નાનો પોર્ચ કેટલો લાંબો પહોળો હતો એ કહેશો?"



"આશરે બે ફૂટ પહોળો અને બારણા પાસેના કઠેડા પાસે દરવાજા જેટલો પહોળો."



"ચારેક ફૂટ હશે?"



"એટલો જ લગભગ."


"લાશનું મોં કઈ તરફ હતું?"



"બારણાં તરફ."



"લાશ ઊંઘી હતી કે ચત્તી?"



" મી લોર્ડ, લાશ ચત્તી હોય તો જ છાતી પાસે ઘા હોય ને?"



"એટલે કે મેં મારા પતિ સામે, તેમને બારણાંમાં ઉભા રાખી, કરવાચોથની ચારણીમાંથી જોતી હોઉં એમ ઉભાડી, હળવેથી આરતી ઉતારી ગોળી મારી અને તેઓ ગોળી ખાવા ઉભા રહ્યા. ખરું?"



"સામેથી ગોળી મારી હોય અને તેઓ ભાગવા જતાં પડી ગયા હોય. મેં મેડમને બેડ પર બેઠેલાં જોયાં અને પિસ્તોલ તેમના પગ અને પોર્ચ વચ્ચે પડી હતી એ હકીકત છે. મેડમને હું અત્રે ઓળખી બતાવું છું. તેઓ જ હતાં."



"એક મિનિટ, શ્રી બારોટ, તમે મારી પાસે આવો. આવો, આવો..  અહીં પાંજરાંમાં."



"મી લોર્ડ, આ મેડમ શું નાટક કરવા માંગે છે?"



"અરે, તમને પ્રેમથી આલિંગન આપું છું. આવો."



બારોટ પાંજરા પાસે ગયા. પલકે તેમને ખેંચી પાંજરાંની અંદર  લેવા કર્યું. બેય લગોલગ આવી ગયાં.



પલક બોલી ઉઠી, "નામદાર, જુઓ. દાદરા પાસેનો પેસેજ બે ફૂટ લાંબો એટલે કે આ પીંજરા જેટલો. અને ચાર ફૂટ લાંબો એટલે પિંજરાંથી ભીંત સુધીનો. જેટલું અંતર છે તેમાં હું હાથ લાંબો કરી ગોળીનું નિશાન, એ પણ એમની છાતીનું કેવી રીતે  લઈ શકું? હાથ લાંબો કરવા મને જગ્યા જોઈએ ને ગોળી ખાવા તેમને. પછી તેઓ પડી ગયા તો તેમની પોણા છ ફૂટની કાયા ચાર ફુટના પેસેજમાં ફિટ કઈ રીતે થઈ? આડી સુઈ, બેડરૂમ તરફ મોં રાખીને?"



"તો મિસિસ પલક, અદાલતને જાણવું છે કે  લાશ જો બેડરૂમમાં નહીં પણ સાંકડા પેસેજમાં કઈ રીતે આવી અને જ્યારે દાદરો એકદમ નજીક હતો તો  મરહુમ સોમેશ ઊંધા ચાલતા કઈ રીતે ભાગે અને એમ ભાગે તો દાદરેથી ઊંધે માથે પટકાય નહીં એ કેમ બને?"



"મી લોર્ડ, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મેં યોગ્ય પૂછતાછ કરી છે અને આપ કોર્ટને બ્યાન આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગોળીથી મૃત્યુ સૂચવે છે અને લાશની સ્થિતિ મેં કહી તે જ છે. સોમેશ ભાગ્યા કેમ નહીં તે સવાલ છે. હું સ્ત્રીના અવાજમાં ફોન આવતાં ગયેલો તે હકીકત છે." ઇન્સ્પેક્ટર રણધીરે જણાવ્યું.



"એ સ્ત્રીનો અવાજ કેવો હતો? તમને મારો અવાજ છે તેવો જ? તેના ઉચ્ચારો કેવા હતા?" પલકે પૂછ્યું.



"એ વખતે અવાજ આપનો હતો કે બીજો એ હું ખાત્રીપૂર્વક કહી શકતો નથી. અવાજ એકદમ ધ્રૂજતો, હાંફતો હતો. થોડો પાતળો. ઉચ્ચારો લગભગ આ મેડમ જેવા હતા પણ શુદ્ધ હિન્દી. "



"પ્લીઝ નોટ મી લોર્ડ. ઇન્સ્પેક્ટર રણધીર કહી ચુક્યા છે કે હું તેઓ આવ્યા ત્યારે સ્વસ્થ હતી. એ વખતનો ધ્રુજતો અવાજ  અને શુદ્ધ હિન્દી ઉચ્ચારો. હું ગમે તેટલું કરું, મારી લગ્ન સુધીની અતિ કાઠિયાવાડી બોલી હિન્દી પણ તેવું જ બોલાવે. 



મૂળ મારે અદાલતનું  એ વાતે ધ્યાન દોરવું છે કે છીડે ચડે તે ચોર એ ન્યાયે મને પકડી લીધી છે. કોઈ સ્ત્રીએ ફોન કરેલો  પણ હું એ નહોતી. હું બેડરૂમમાંથી બહાર ત્યારે આવી જ્યારે ઇન્સ્પેક્ટર રણજીતે બેલ મારી. અને તે વખતે મારા બેડરૂમનાં ડોર પાસે લાશ જોઈ. પિસ્તોલ પોર્ચ અને લાશ વચ્ચે પડેલી. બેડરૂમમાં નહીં. "



"તો મેડમ, રાત્રે બે વાગે  નીરવ શાંતિમાં તમને ગોળીનો અવાજ સંભળાયો નહીં? અને એ કહો કે તમારા પતિ રાત્રે ક્યાં ગયેલા? જે સમયે તમે વિકએન્ડ માણવા એ બંગલામાં આવ્યાં હો અને … પ્રવૃત્તિમાં મશગુલ હો."



"મેં કહ્યું તેમ અમને તમે કહી એવી પળો પણ ખાસ મળતી નથી. બન્ને અતિ વ્યસ્ત વકીલો છીએ. હા. રહી પતિ રાત્રે ક્યાં ગયેલા તેની વાત.



તો મને બે ચાર દિવસ પહેલાં પાર્સલમાં વિધવાનો સફેદ ડ્રેસ અને એક પત્ર મળેલાં કે હરેશ મહેતાના પ્રોપર્ટી ઉચાપતના કેસમાં મારા પતિએ સમાધાન કરી લેવું નહીંતો આ ડ્રેસ પહેરવાનો વખત આવશે. મેં એ પાર્સલવાળો પત્ર આબુ પોલીસમાં બતાવેલો પણ પોલીસે ખાલી જાણવાજોગ અરજી, એ પણ મારી અત્યંત જીદ બાદ લીધેલી.  29 ડિસેમ્બરના બપોરે બે વાગ્યે. એ વખતે ઇન્સ્પેક્ટર રણજિત પોલીસ સ્ટેશનમાં ન હતા. 31ડિસેમ્બર, ખૂન થયું તે રાત્રે સોમેશને કોઈએ બ્રહ્મકુમારી આશ્રમથી આગળ સનસેટ પોઇન્ટ તરફ આવવા કહેલું. કેસ માટે જઈ હમણાં આવું કહી તેઓ સાડા દસે ગયેલા."



"મી લોર્ડ, હું એક દબાણના કેસ માટે છેક  આબુરોડ સુધી જઈ રાત્રે 9 વાગ્યે આવેલો એટલે જમીને રાત્રે પોલીસ સ્ટેશન પહોંચેલો. ખૂનની ખબર મને 31 ડિસેમ્બરના રાત્રે બે વાગે ફોનથી મળી. 29 ડિસેમ્બરની જાણવાજોગ માહિતી મેં સ્ટેશન ડાયરીમાં જોઈ નથી."



"હું કહું છું. પૈસા આપી ફાડી નંખાવી છે. નીચેના લેવલે. બને, તમને કહ્યું પણ નથી."



"તો શ્રીમતી પલક પ્રજાપતિ,  તમને હરેશ મહેતા પ્રોપર્ટી કેઇસ વિશે શું ખબર છે? અને ઇન્સ્પેક્ટર રણધીર, તો આ રિપોર્ટ ક્યાં ગયો?"



"મી લોર્ડ, આ ધમકી પત્રનો મેં મોબાઈલમાં ફોટો રાખ્યો છે અને કદાચ જરૂર પડશે જ એમ.લાગ્યું એટલે ઝેરોક્સ આપ કોર્ટને સુપ્રત કરું છું."



"તો આરોપી તેને કોના પર શાક છે તે અદાલતને જણાવે અને પોલીસને તાકીદ કરવામાં આવે છે કે એ ધમકીપત્રનું શું થયું એ અદાલતને જણાવે. કોર્ટની મુદત દસ દિવસ પછી 27 એપ્રિલના રોજ સુધી પડે છે." એમ કહી નામદાર કોર્ટ ઉઠીને ચેમ્બરમાં ગયા.



27 એપ્રિલ. કોર્ટ ખુલતાં જ હરેશ મહેતા પ્રોપર્ટી કેઇસના સામેવાળા નીરજ ગુપ્તાને હાજર કરવામાં આવ્યા. હવે ખૂનની શકમંદ આરોપી વકીલ પલક પ્રજાપતિએ ઉલટ તપાસ શરૂ કરી.



"મી. નીરજ, તમે એ કહેશો કે 31 ડિસરમ્બરની રાત્રે તમે ક્યાં હતા?"



"હું રાત્રે આબુ  ગુરુકૃપા હોટેલમાં હતો અને ઇમરજન્સી આવતાં રાત્રે પાલનપુર જવા નીકળેલો."



"હોટેલની રસીદ? કમરા નં?"



"આ રહી રસીદ. 305 નં."



"તો એ વખતે તમે સિરોહી રોડ કેવી રીતે અને શા માટે આવેલા?"



"ડાયવર્ઝન બાદ રસ્તો ચાતરી  ગયેલો. એમાં પણ ગાઢ ધુમ્મસ. માંડ બે ફૂટ દુરનું દેખાય. ઉતરતો ઢાળ અને રીપેર થઈ રહેલો ખરાબ રસ્તો."



"બરાબર. તો કઈં દેખાતું નહીં હોય. એમાં તમે આગળ શું જોયું? કેટકેટલા વળાંકો અને સિંગલ રસ્તો. ત્યાંથી આબુરોડ થઈ પાલનપુર જવા તમે શું કર્યું?"



"અરે ગુગલ મેપ. એણે રસ્તો બતાવ્યો પણ ત્યાં તૂટેલો રસ્તો હશે એ કેમ ખબર પડે? એવામાં મારી કાર ત્યાં ઉભી રહી."



"શિયાળાની અંધારી રાત્રે. પછી ત્યાં ઊભા કેમ રહ્યા? નેચર કોલ?"



"મારી કારનું ટાયર ફાટી મોટો ધડાકો થયો. કાર ચિચિયારી સાથે ખીણમાં પડતી બચી."



"આગલું ટાયર કે પાછલું?"



"પાછલું. ડ્રાઇવરની બાજુની પાછળનું."



"ઓકે. તો મોટો ધડાકો થયો. અને એકાંતમાં. પાછલા, ડ્રાઇવરની બાજુની પાછળ. તમે તમારા સ્ટેટમેન્ટને વળગી રહો છો ને?"



"હા વળી. તમે વર વહુ લોકોને ગોળગોળ ફેરવી જોઈતું કઢાવવામાં એક્સપર્ટ છો તે મને ખબર છે. હું એ જ કહીશ જે બન્યું હતું."



"બસ. એમ જ કહેજો. હા. એ ધડાકો મેં પણ સાંભળેલો. મેં પોર્ચની લાઈટ એટલે જ કરેલી. કદાચ સોમેશની કારને કઈંક થયું હોય. પણ હું સુઈ ગઈ હોઉં એટલે આગલો દરવાજો તેઓ પોતાની કી થી ખોલે તે માટે બહારથી બંધ હતો.  હા. મારે તમને પૂછવાનું છે. મારૂં કહેવાનું નથી. તો એ ધડાકો તમારી કારનો જ હતો. 31 ડિસેમ્બર, રાત્રે 1.40 મિનિટે. ખરું ને?"



"ધડાકો થાય ત્યારે કોઈ ઘડિયાળ જોવા થોડો બેસે?"



"તો પછી તમે શું કર્યું?"



"શું કરું? ગુસ્સામાં કારને એક જોરદાર લાત મારી."



"કઈ તરફ?"



"અંરે આ ક્યાં માણસને છે કે .. વેલ. કારને પણ બેક.. પર'



"અરે ધીરે ધીરે. તમે એક સ્ત્રીને કહો છો અને કોર્ટમાં છો. થાય. ગુસ્સો આવે. તો હવે એ કહો, ઉતરતા ઢાળે પાછળથી લાત મારો તો.કાર સડસડાટ નીચે ઉતરે કે ત્યાં જ રહે?



મૂંગા ન રહેશો. કાર નીચે ઉતરી નહીં, કેમકે એ ટાયરની આગળ મસ્ત મઝાની મોટી માર્બલ ટાઈલ મુકેલી. ઈંટ તો હાઇવે પર ક્યાંથી મળે? ને આબુ આસપાસ માર્બલની ટાઇલ્સના ટુકડા ને કરચ મળી જ આવે."



"મી લોર્ડ, કમનસીબે એ ટાઈલ મારા વિકએન્ડ બંગલાની ચોકડીમાં ફીટ કરી તેવી જ છે. આ રહ્યો એ ચોકડીનો ફોટો અને વધેલી ટાઇલનો ટુકડો. આ PWD વાળાઓએ કાર હટાવતા પહેલાં પાડેલો ફોટો. કારનું એ બાજુનું ટાયર ફાટે તો કાર રસ્તા તરફ ફંટાય, મારા બંગલા તરફ, રસ્તાની સાઈડ તરફ નહીં. જે બાજુનું ટાયર ફાટે તેથી વિરુદ્ધ દિશામાં જાય. એટલે  કાર ઉભી કરી, ટાયર આડે માર્બલ ટાઈલ મૂકી, ડેકી ખોલી લાત મારી. એના ધક્કાથી કોઈ વસ્તુ જે ઊંચકી ન શકાય તે ખીણમાં એટલે કે ચાર પાંચ ફૂટ નીચે પડી.



મી લોર્ડ, એટલે આ કારમાં મારા પતિ સોમેશ પ્રજાપતિની લાશ લવાઈ હોય પણ પોસ્ટમોર્ટમ સમય રાત્રે બે આસપાસનો બતાવે છે. એ જ પોસ્ટમોર્ટમ મૃત્યુ ગોળી ફેફસાંમાં વાગતાં શ્વાસ બંધ થવાથી થયું હોય એમ લખ્યું છે. એટલે સોમેશનું શ્વાસ રૂંધી હત્યા કરી તેમ માની લાશને અમારા બંગલા પાસે ફેંકી દેવાનું કર્યું હોય અને સોમેશ એ વખતે બેભાન થયો હોય પણ જીવતો હોય એટલે મારવા પિસ્તોલ વાપરી."



"તો શું એ પિસ્તોલ તમારી ન હતી?"



"અમે હથિયાર રાખતાં જ નથી. અમે થોડા રાજપૂત છીએ કે બંદૂક પકડતાં પણ આવડે? જિંદગીમાં  અમે ક્યારેય ચાંદલીયા ફોડવા સિવાયની રિવોલ્વોર પકડી પણ નથી. હું તો એ ટિકડીના અવાજથી પણ બીઉં."



ફરી એકવાર હસાહસ. વાતાવરણ હળવું થઈ ગયું.



"તો મી. નીરજ ગુપ્તા, તમારે શું કહેવું છે?"



"મી લોર્ડ, હરેશ મહેતાની જમીન પાસેની ક્વોરીમાં સારો માર્બલ નોકળતો એટલે એ જમીન કોઈ.પણ હિસાબે મારે જોઈતી હતી. હરેશ પ્રોપર્ટી વેંચવા તૈયાર હતો પણ કિંમત ઘણી વધારે માંગતો હતો. અમે એના તે જગ્યા તેણે સમર્પણ હોટેલને વેંચવા સામે ખોટા ટાઇટલ કર્યા છે એમ તેનું કહેવું હતું. ઝગડો અને મારામારી થયેલી. તેની ફરિયાદનો કેઇસ  આબુ રોડ સિવિલ કોર્ટમાં સોમેશ દ્વારા ચાલતો હતો જે ખૂબ વખત લે તેમ હતું. મેં તેને હરેશ મહેતા સાથે આવી સમાધાન કરવા બોલાવ્યો.પણ સોમેશ તેના ક્લાયન્ટનો દાવો સાચો છે કહી જમીનની યોગ્ય કિંમત માંગવામાં અને ટાઇટલ ડિસ્પ્યુટ અમારી પાસે પાછો ખેંચાવવા અડગ રહેલો. મેં તેનો કાંટો કાઢી નાખવા વિચાર્યું અને એ પ્લાન અમલમાં મુક્યો પણ ખરો.



લાશને ગોળી મારી પિસ્તોલ સાથે ઢસડી. તેના વિકએન્ડ બંગલાની ચોકડીમાં નીચી વંડી પરથી ફેંકી પાછલો ગેઇટ ખોલી લાશ અંદર લીધી કેમ કે બંગલાની પાછલી રોડ તરફની ચોકડીની  ડીમલાઈટ ચાલુ હતી. ખાસ જોર વગર નકુચો ખુલી જતાં લાશને ઘરમાં લીધી. એ પછી હું તો ચૂપચાપ નીકળી ગયો."



"તો મી લોર્ડ, હવે હું હુકમનું પત્તું રમું છું. સોમેશના આ બંગલાની કેર ટેકર બાઈ  મીરા. આવ, બાઈ મીરાં કહે પ્રભુ નીરજ કે ગુણ.."



મીરાં સાક્ષીનાં પાંજરાંમાં હાજર થઈ.  તેણે બ્યાન આપ્યું કે પાછલું ડોર ખુલવાનો અવાજ આવતાં આગળના ભાગે આવેલી તેની ઓરડી ખોલી તેણે મેઈન ડોરની બેલ પર બેલ મારી. તે ન ખુલતાં બંગલાની પ્રદક્ષિણા ફરી તે પણ નીચી વંડી કૂદી. શેઠ શેઠાણી ભર ઊંઘમાં હોય એટલે ન ખોલ્યું હોય એમ ધારી  પાછલું ડોર ખુલ્લું જોઈ પહેલાં તો બેડરૂમ તરફ ગઈ અને તેને પેલી રીવોલ્વોર બતાવી નીરજે ફોન કરાવ્યો તે કહ્યું. નીરજ ચાલ્યો ગયો ન હતો પણ સામે રીવોલ્વોર ધરી ફોન કરાવીને ગયો. બેડરૂમનો દરવાજો નિલેશે બહારથી બંધ કરેલો જે તે જતાં પોલીસ આવે તે પહેલાં મીરાંએ જ ખોલેલો.



આખરે સ્ટેટ વર્સીસ પલક પ્રજાપતિ કેઇસ સ્ટેટ વર્સીસ નીરજ મહેતામાં પલટાઈ ગયો અને જે અખબારોએ ગુજરાતી વકીલને ખૂની કહી ભાંડેલી તેમણે જ તેને બહાદુર, બાહોશ ગુજરાતી વકીલ તરીકે બિરદાવી.



એક સ્ત્રીનો ચુડલો નંદાયો. પણ એક વકીલને શું ફેર પડે? પડે જ ને? હવે તેણે બીજા ચાર આસિસ્ટન્ટ ક્રિમિનલ કેઇસો લડવા માટે રાખ્યા. એની તો પ્રસિદ્ધિ થઈ ગઈ. અરે એક તબક્કે તો બારોટે તેની નોકરીમાં આવવા વિચાર્યું પણ ગુજરાતમાં તાલુકા લેવલે મેજિસ્ટ્રેટ થઈ ચાલ્યા ગયા.



વકીલને ખૂન કેસ લડવા આપતાં પહેલાં તેની ફી નું વિચારી લેવું. અને 'ખૂની વકીલ'નું ખૂન કરતાં પહેલાં તો સો વાર વિચારવું.


***


-સુનીલ અંજારીયા












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ