વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સબક

શોપીઝન ‘ખૂની કોણ?’ વાર્તા સ્પર્ધા (પ્લોટ આધારિત)

© સબક

      અચાનક એક ખંજર એની આંખો સમક્ષ આવી ઊભું રહી ગયું. ભેંકાર સન્નાટાનો અનુભવ કરાવતા કાળા ડિબાંગ અંધકારમાં એ ગજબનું ચમકી રહ્યું હતું. થોડીવાર સ્થિર રહી એમાં હલનચલન થવા લાગ્યું. નિરજાને અવાજ આપવા માટે મોં ખોલ્યું પણ એક ચીજ જોઈ એની જીભ જાણે તાળવે ચોંટી ગઈ. એ ખંજરની પાછળ સ્ટીલનું એક બ્રેસલેટ પણ ચમકી રહ્યું હતું! ફરી બૂમ પાડવા માટે એનું મોં ખૂલ્યું પરંતુ એ જ ક્ષણે ત્વરિત ગતિથી એ ખંજર ઊંચું થયું અને એના ગળામાં ખૂંપી ગયું!

     “નહીં, છોડ.. મને છોડી દે..!” એનો અવાજ સન્નાટાને ચીરતો આખા બંગલામાં ગૂંજી ઉઠ્યો.

      “અરે સોમુ, શું થયું? કેમ બરાડા પાડે છે? ફરીથી ખરાબ સપનું જોયું?” નિત્યાએ લાઈટ ચાલુ કરી. સોમેશ અવાચકતાથી ગળા પર હાથ ફેરવતો નિત્યાને જોઈ રહ્યો. થોડીવાર પહેલાં પોતાના ગળા પર નિત્યા હાથ હતો, એ એણે અનુભવ્યું. કમનીય વળાંકો ધરાવતા કામણગારા શરીરની માલિકણ નિત્યા પણ અત્યારે એને ચૂડેલ જેવી દેખાઈ!

       “હા યાર, એ જ. સાલું આ કોઈ તો છે, જે મારું ખૂન કરવા માંગે છે!” માઉન્ટ આબુની ગાત્રો ગાળી નાંખતી ઠંડીમાં પણ પરસેવાથી એનો ગાઉન ભીનો થઈ ચૂક્યો હતો.

       “વ્હોટ? કોણ તને મારવા માંગે છે? તું શું બોલે છે ડાર્લિંગ, ઊંઘમાં તો નથી ને હજી?” નિત્યાએ એને હલાવી નાંખ્યો.

       “વેઈટ” એણે ઊંડો શ્વાસ લીધો, “પાંચ-છ દિવસથી એક અનનોન નંબર પરથી મારા વોટસએપ પર મેસેજીસ આવે છે, સ્ટોરી લિંક્સ આવે છે!” આટલું બોલતા એને હાંફ ચડી ગયો, ત્યાં તો નિત્યાની ધીરજ ખૂટી ગઈ, “વ્હીચ ટાઈપ ઓફ સ્ટોરી લિંક્સ? કયા નંબર પરથી? ટેલ મી.”

       “વેઈટ, જરા શ્વાસ તો લેવા દે! તું પણ એ ખૂનીઓથી કંઈ ઓછી નથી, જીવ લઈને છોડશે કે શું? જસ્ટ કિડીંગ યાર, હા તો, હું ક્યાં હતો? હા, મેં એ નંબર પર કોલ કરવાની ઘણી ટ્રાય કરી પણ એ નંબર આઉટ ઓફ સર્વિસ બતાવે છે. મેં એને વોટસએપ કોલ કર્યા, બટ નો રિસ્પોન્સ! મેસેજ કર્યાં, વોઈસ મેસેજ કર્યાં પણ કોઈ જવાબ નથી મળતો. કલાક-બે કલાકે એક સ્ટોરીની લિંક આવે છે કે ‘રીડ ધીસ’. લિંક ઓપન કરું છું તો કોઈ ‘પોપીઝન’ નામની વેબસાઈટ ખૂલે છે, એમાં સ્ટોરી ઓપન થાય છે અને એ દરેક સ્ટોરીમાં મરનાર એક જ હોય છે મશહૂર વકીલ સોમેશ પ્રજાપતિ આઈ મીન હું! ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે દરેક વાર્તામાં મારી વાઈફ મતલબ કે તું-તારા નામ અલગ હોય છે અને તારા રૂપ-રંગ, કદ-કાઠી પણ! એ વાંચીને મને ગલગલીયા થયા હતા કે વાહ, આ તો દરેક ટાઈપની પત્નીનો ટેસ્ટ મળશે મને, પણ સાલું આ મારું ખૂન મને સૂવા નથી દેતું! વન મોર થિંગ, એ દરેક સ્ટોરીમાં મર્ડરર વિશે ફર્સ્ટ સસ્પેક્ટ તું આઈ મીન મારી જે-તે પત્ની જ હોય છે! મેં એ વાર્તાઓને બહુ ગણકારી નહોતી, ઈવન હું તો એમ માનતો હતો કે કોઈક તરંગી માણસે કાલ્પનિક પાત્ર ઊભું કરી એનું નામ સોમેશ પ્રજાપતિ રાખી દીધું, અને એ પરથી એના લેખકો કલ્પનાના ઘોડા દોડાવીને ભલે ને મજા કરતા! પણ સાલું અચાનક મારી લાઈટ ઝબકી કે આ બધી વાર્તાઓ કોઈ મને જ શું કામ મોકલે? અને મોકલે તો એનો નંબર ફક્ત આ જ કામ માટે યુઝ કરે? બસ આ જ વિચારથી છેલ્લી બે રાતથી મને વિચિત્ર સપના આવે છે.” એ શ્વાસ લેવા અટક્યો અને નિત્યા વિચિત્ર નજરોથી એકટક એને તાકી રહી.

      “હવે આગળ સાંભળ, તને થતું હશે કે આટલા દિવસોથી કોઈ મને હેરાન કરે છે અને મેં પોલીસ ફરિયાદ કેમ ન કરી, રાઈટ? ત્રીજે જ દિવસે હું ગયો હતો પોલીસ સ્ટેશન, અનનોન મેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, એ નંબર બિહારના કોઈ ગામડાના એક ગરીબ મજૂરના નામે ઈશ્યૂ થયેલ છે. પોલીસે એ બિચારાને પકડીને લોકઅપમાં પૂરી દીધો હતો, છતા મેસેજ ચાલુ રહ્યા એટલે એને છોડીને રવાના કર્યો. સેકન્ડ ટ્રાયમાં મેં ‘પોપીઝન’ના ફાઉન્ડર અને સી.ઇ.ઓ. અનંગ મહેતાનો નંબર શોધી એની સાથે વાત કરી.”

     “શું કહ્યું એણે? એ જ મેસેજ મોકલે છે કે એનો કોઈ રાઈટર?”

      “અરે એ તો બિચારો ભગવાનનો માણસ છે, એણે કહ્યું, ‘હું અવારનવાર મારી એપ પર સ્પર્ધાઓ યોજું છું, નવી સ્પર્ધા વિશે અવઢવમાં હતો, ત્યાં જ એક નવા નંબરથી મેસેજ આવ્યો, જે અત્યારની આ ખૂની સ્પર્ધાનો પ્લોટ છે. સાચું કહું છું, મને એ પ્લોટ એટલો બધો ગમી ગયો કે મેં એમાં કંઈ સુધારો-વધારો કર્યાં વિના અને બીજું કંઈ પણ વિચાર્યાં વિના સીધી સ્પર્ધાની જાહેરાત જ કરી દીધી!’ આ જ નંબરથી એના પર એ મેસેજ આવ્યો હતો!”

       “યસ આઈ ટોલ્ડ હીમ.” નિત્યા કંઈક બોલવા જતી હતી, પણ સોમેશે એને અટકાવી આગળ ચલાવ્યું, “મેં કહ્યું એને કે તારા કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ છે, તો બિચારો માફી માંગવા લાગ્યો. વેલ, છેલ્લે એણે મને પ્રોમિસ પણ કર્યું કે આ કોમ્પિટિશન પૂરી થઈ જવા દો, પછી એ બધી વાર્તાઓ હટાવી લેશે. પણ ત્યાં સુધી તો આ લેખકો મારો જીવ લઈ લેશે એવું લાગે છે! યુ નોવ, તું વાંચે તો તને પણ ખબર પડે, પણ તને ક્યાં વાંચવાનો શોખ છે? કોઈ લેખક ભાડૂતી હત્યારો લઈ આવે છે, કોઈ આયા પાસે તો કોઈક વળી નોકરાણીને મર્ડરર બનાવે છે! તો એક કર્મેશ ગાંધી નામના લેખકે તો મારો છોકરો પણ પેદા કરી નાંખ્યો અને વળી એને ઉમરાવજાન જેવો ચીતરી નાંખ્યો અને એની પાસે મને મારી નંખાવે છે, હદ છે યાર! આ લેખકોને તો બધાને એક લાઈનમાં ઊભા રાખીને ગોળી મારી દેવી જોઈએ. સાલા બધા જાણે ખૂન-ખૂન રમે છે અને બલીનો બકરો બનાવ્યો છે સોમેશ પ્રજાપતિને! એ લોકોને તો મોજ પડી ગઈ છે, અને અહીં મારી વાટ લાગી ગઈ છે!” અત્યાર સુધી ગભરાયેલ લાગતો સોમેશ પ્રથમ વાર ક્રોધે ભરાયો.

       “કૂલ ડાઉન બેબી, નાઉ સ્લીપ ક્વાઈટલી. મેં હૂં ના!” નિત્યાએ કામણગારું સ્મિત રેલાવી સોમેશની ઠંડીગાર ભાવનાને જાગ્રત કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. અંતે ઊંડો નિશ્વાસ નાંખી એ પણ નિદ્રાધીન થઈ.

***

      મેસેજ ટોન વાગ્યો, જાણે એની જ રાહ જોતો હોય એમ સોમેશે મોબાઈલ લઈ પહેલી આંગળીથી ફિંગર લોક ખોલ્યું. એની શંકા સાચી પડી. એ અજાણી વ્યક્તિ તરફથી એક નવી સ્ટોરી લિંક આવી હતી. કોઈ મીના દવે નામની લેખિકાની હતી. એને ગુસ્સો આવ્યો અને ભયથી પરસેવો પણ છૂટ્યો છતા એણે લિંક ખોલવાની હિંમત કરી! એ બબડ્યો પણ ખરો, “આજે જોઉં છું, કોણ મને કઈ રીતે મારે છે?”

***

@કયાંક હાસ્ય ક્યાંક આંસુ

ઠંડીનો પારો શૂન્યથી નીચે . નખીલેક નું પાણી બરફ. વાતાવરણ ધુમ્મસ-ધુમ્મસ..

અને આબુની એક નાની પહાડી ઉપર આવેલા બંગલામાં શોર બકોર થઈ રહ્યો છે. ત્યાં દેશના બધા નામાંકિત લેખકોને રાખવામાં આવ્યા છે. સુલેમાન લાકડાવાલા, રીયલ પ્રોપર્ટીનો ટાઈફૂન અને ફિલ્મ ડિરેક્ટર પોતાની સેક્રેટરી મોના ડાર્લિંગ સાથે સોમેશ પ્રજાપતિના બંગલામાં મિટિંગ કરી રહ્યા છે. સુલેમાન લાકડાવાળાને માથે વાળ નથી. તેથી બધા તેને ખાનગીમાં સુલેમાન ટકલો કહે છે.…………..

  ……..... મંગળા આ મારી દસ કરોડની પોલીસી ઊંચી મૂક. સાચવીને મૂક. હું નહીં હોઈશ તો ..તને કામ લાગશે .તને અને ટપુડાને ..તમે દેશમાં.. કાઠીયાવાડ.. જતા રહેજો.

અને તેની થોડી સેકન્ડમાં જ એક દ્રશ્ય આવ્યું.

સોમેશ રિવોલ્વર ચેક કરવા જતા હતા..અને ત્યાં ..જ..પોતાને.. જ.

        ‘લો, આ મેડમ જ બાકી હતાં! કંઈ નહીં તો છેલ્લે મારી પાસે આત્મહત્યા કરાવી નાંખી, કંઈ પણ થાય બસ મારું ખૂન તો કરવું જ છે આ લોકોને!’

***

       માઉન્ટ આબુના વાંકાચૂકા વળાંકવાળા સૂમસામ રસ્તા પર ગાત્રો થીજાવી નાંખતી કડકડતી ઠંડીમાં એક હોન્ડા સીટી કાર પૂરપાટ ઝડપે દોડી રહી છે. અચાનક એના આગળના ટાયરમાં પંક્ચર પડ્યું, કાર હાલકડોલક થતી થોડે આગળ જઈ સ્થિર થઈ ગઈ. ચાલકે ગજબનું બેલેન્સ જાળવી કારને અકસ્માતથી તો બચાવી લીધી, પરંતુ એનું મગજ ગુસ્સાથી ફાટી ઉઠ્યું. પંક્ચર થયેલ ટાયરને જોરથી લાત મારી એણે ગુસ્સાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને મદદ માટે આસપાસ નજર દોડાવી. દૂર એક ટીંબા પર લાઈટ સળગતી દેખાઈ, ઉતાવળે પગલે ચાલક એ તરફ ચાલવા લાગ્યો. ટીંબા પર સ્થિત બંગલાના મેઈનગેટ પરની નેઈમપ્લેટ ‘એડવોકેટ સોમેશ પ્રજાપતિ’ વાંચી એણે બેલ વગાડવા માટે હાથ લંબાવ્યો.

        ‘હવે એ દરવાજો ખૂલશે અને એક મહિલા હાથમાં પિસ્તોલ સહિત એની નજરે ચડશે, અને ખૂણામાં મારી લાશ પડેલી દેખાશે! બસ, આ લોકોને બીજા કોઈ ધંધા જ નથી!’

        “અરે સોમુ ડાર્લિંગ એકલો એકલો શું બડબડ કરે છે?”

        “કંઈ નહીં, આ મારી દસ કરોડની પોલિસી સાચવીને ઊંચી મૂક… તને અને ટપુડાને કામ લાગશે..! અને મને કંઈ થઈ જાય તો તમે.. બંને દેશમાં.. કાઠિયાવાડ.. ચાલ્યા જજો!”

      “અરે સોમુ, શું બોલે છે? કોણ ટપુડો? કેવો દેશ અને કેવું કાઠિયાવાડ? આપણો બંગલો સુરતમાં છે, ભૂલી ગયો?”

       “અને હા, અનિમેષને હવે છોકરી જેવા કપડાં ન પહેરાવતી, અને સ્નેહા આવે તો એને કહેજે કે ભલે એ મારી સગી દિકરી નથી પણ મને ખૂબ જ વહાલી છે, અને એને એ પણ કહેજે કે મને જીમી ગમે છે!” સોમેશે વાંચેલી વાર્તાઓનાં પાત્રો એની રગરગમાં વસીને ઉછળકૂદ કરી બહાર આવી એની વાતોમાં ભેળસેળ કરવા લાગ્યા અને નિત્યા દિગ્મૂઢ થઈ એને સાંભળી રહી!

***

        “તમારો કહેવાનો અર્થ છે કે તમારા પતિ સોમેશના વોટસએપ પર કોઈક અજાણી વ્યક્તિ વાર્તાની લિંક મોકલતી હતી, અને એ વાંચીને એની હાલત કફોડી થઈ જતી હતી, અને અંતે એ જ વાર્તાઓ એના અંતનું કારણ બની! તો મારો આપને પ્રશ્ન એ છે મિસીસ નિત્યા પ્રજાપતિ કે અતિશય વાંચન અને એમાં પણ પોતાના જ ખૂનની વાર્તાઓ વાંચીને આપના પતિ પાગલપણાની હદ વટાવી ગયા છતા તમે એનો ફોન કેમ ન છીનવી લીધો? મી. લોર્ડ, સોમેશ પ્રજાપતિના ફોન પર અજાણી વ્યક્તિની વાર્તાઓ વાંચી સોમેશની બગડતી જતી હાલત પ્રત્યે બેદરકાર રહી મિસીસ નિત્યા પ્રજાપતિએ જ એમને મોતના મોઢામાં ધકેલ્યા છે. અને વધુ કહું તો મને તો આ ષડયંત્રની પાછળ મિસીસ નિત્યાનો જ હાથ લાગે છે, કારણ કે સોમેશ પ્રજાપતિ વીસથી પચીસ કરોડની જંગાવર મિલકત ધરાવે છે અને એમાં પણ પોણા ભાગની મિલકત મિસીસ નિત્યાને નામે છે, પરંતુ મિસીસ નિત્યા પ્રજાપતિની ધનની ભૂખે એમને પશુ બનાવી દીધા. પરિણામે સમયથી પહેલાં એ મિલકત હાથ કરવા માટે આ અધમ કૃત્ય મિસીસ નિત્યાનાં હાથે જ થયું છે, માટે હું આપ નામદારને અરજ કરીશ કે મિસીસ નિત્યાને ચૌદ દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ રાખવામાં આવે અને હકીકત બહાર લાવવામાં આવે. ધેટ્સ ઓલ યોર ઓનર.” સરકારી વકીલ જનાર્દન મિશ્રાનો પ્રભાવશાળી અવાજ કોર્ટરૂમમાં ગૂંજી ઉઠ્યો.

       “ના, હું ખૂની નથી, મેં કોઈ ષડયંત્ર નથી રચ્યું…” આરોપીનાં કઠેડામાં ઊભેલી નિત્યા ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી. “વકીલ સાહેબ, મને એવો કોઈ અંદાજ જ ન હતો કે એ મેસેજીસ અને એનું આ પાગલપણું એને ખતમ કરી નાંખશે! અને સાચું કહું તો એનો ફોન છીનવી લેવાનો વિચાર મને એક વાર આવ્યો હતો, ઈવન મેં સંતાડી પણ દીધો હતો, પરંતુ એની ચીજો બાબતે એ બહુ પઝેસિવ હતો, એમાં પણ ફોનમાં તો એનો જીવ હતો! એ વખતે એણે આખું ઘર માથે લીધું હતું, છેવટે કંટાળીને મારે ફોન એને ફરી આપવો પડ્યો! જો મને ખબર હોત કે સોમેશ આવું આત્મઘાતી પગલું ભરશે તો હું એનો ભયાનક ગુસ્સો વહોરી લેત પણ એને ફોન ન આપ્યો હોત!” નિત્યાનું ગળું ફરી ભરાઈ આવ્યું.

***

       “વ્હોટ? પણ શા માટે? મેં તને એવો નહોતો ધાર્યો? શા માટે તેં મારા સોમુને મારી નાંખ્યો?” આશ્ચર્યમિશ્રિત આઘાત પામેલ નિત્યા ઉવાચ.

       “નિત્યા, તે દિવસે એણે બધાની સામે તને થપ્પડ મારી અને ગાળો આપી એ મારાથી જોવાયું નહીં. હું એને ફક્ત થોડો સબક શીખવાડવા માંગતો હતો, પણ મને અંદાજ ન હતો કે વાત આટલે સુધી પહોંચી જશે!” સામા છેડેથી ડૂસકાંનો અવાજ આવતો રહ્યો.

       “પણ મેં તને એવી કોઈ ફરિયાદ ક્યાં કરી હતી? અને તું આને સબક શીખવાડ્યો કહે છે, બેવકૂફ! તેં અને તારા લેખક દોસ્તોએ મળીને બિચારા મારા સોમુને ગાંડો બનાવીને મોતને ઘાટ ઉતારી દીધો, હું તને ક્યારેય માફ નહીં કરું. હજી તો સોમેશને ગુમાવવાનો મારો આઘાત હજી શમ્યો નથી, ત્યાં આ કોર્ટનાં ઝમેલા! પ્લીઝ, હવે પછી મારો કોન્ટેક્ટ ન કરતો. એમ સમજી લેજે કે, આપણી દોસ્તી અહીં સુધી જ હતી.” નિત્યાનાં મોઢે ખરેખરો આઘાત કળી શકાતો હતો. તો ફોનના સામે છેડે દોસ્તીના પર્યાય સમા કર્મેશ ગાંધીના મોઢા પર બેવડી વેદના તરી રહી હતી!

સમાપ્ત.

સોલી ફિટર

     


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ