વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલ મન જીતવા જઈએ

હમણાં વાંચનમાંથી એક બ્રેક લીધો હતો. નક્કી કર્યુ હતું કે હમણાં કંઈ વાંચવુ નથી, લખવું નથી. કયારેક શોખને પણ વિરામ આપવો જોઈએ. આ બ્રેક દરમિયાન થોડી ઘણી ફિલ્મો જોઈ. નવી,જૂની, ગુજરાતી,હિન્દી, બોલીવુડ, સાઉથ ઘણી બધી. પણ આ બધામાં સૌથી વધારે જે ગમી અને જેની અસર મગજમાંથી હટી નહિ, અને લાગ્યું કે બધાએ ખરેખર આ ફિલ્મ જોવી જોઈએ , એ છે ગુજરાતી ફિલ્મ " ચાલ મન જીતવા જઈએ" . 

       2017માં "ચાલ જીવી લઈએ"ની સાથે જ આ મુવી પણ રિલીઝ થઈ હતી. પણ આના વિશે મને કોઈ ખ્યાલ જ ન હતો. આ તો હમણાં એફબી પર કોઈકની ફિલ્મો વિશેની પોસ્ટમાં આના વિશે વાંચ્યું ત્યારે ખબર પડી કે આવી પણ કોઈ ગુજરાતી મૂવી છે. એ જોયા પછી લાગ્યું કે આ માસ્ટરપીસ મુવી મારાથી કેમ છૂટી ગઈ.
      
        એક ગુજરાતી ફિલ્મના સંવાદો આટલા ધારદાર હોઈ શકે એની મને કલ્પના જ નહોતી. ફિલ્મની શરૂઆતમાં જ ફિલ્મ ઇન્ટ્રોમાં એક ગીત આવે છે. એમાં એક પ્રશ્ન પૂછાય છે, "who r u?" અને વળી પાછું કહેવામાં આવે છે કે "Come be a mirror of yourself " બસ આ જ મુદ્દા પર આખી ફિલ્મ રચાઈ છે. એક જ હોલમાં આખી ફિલ્મનું શૂટિંગ થયેલું છે. અને એ જ હોલમાં આખી ફિલ્મ પૂરી થઈ જાય છે. ન કોઈ ગીત છે , ન એક્શન છે, ન કોઈ સસ્પેન્સ છે , ન કોઈ થ્રીલર કે ના કોમેડી . છતાં, તમે સ્ક્રીન સામેથી ખસી ન શકો એટલા મેગ્નેટિક સંવાદો છે.
       
         સ્ટોરીમાં સંઘવી પરિવારના પિલર સમા ત્રણ ભાઈઓ છે, જે મોટા બિઝનેસમેન છે. એમનાથી એક ભૂલ થઈ અને આંખના પલકારામાં એ બધું જ ગુમાવી બેઠા. 'સંઘવી બ્રધર્સ ', એને તમે એક ફેમિલીફેઈસ તરીકે જોઈ શકો, કે જેના પર આખા પરિવારનો આધાર છે. આખા પરિવારના ભવિષ્યનો નિર્ણય એમના હાથમાં છે. અચાનક જ આવી પડેલી આ આફતમાં શું કરવું જોઈએ એ નક્કી કરવા આખો સંઘવી પરિવાર હોલમાં ભેગો થાય છે. ઘરના નોકરોને પણ ઘરની બહાર મોકલી દેવામાં આવે છે, જેથી એમની અંગત ચર્ચા બીજા કોઈ ન જાણી શકે. આ કટોકટીની પરિસ્થિતિમાં એમની પાસે માત્ર બે વિકલ્પો છે, એ એકેય વિકલ્પ વિશે અહીંયા ચર્ચા કરીને ફિલ્મ જોવાનો મૂળ હેતુ મારવાની ચેષ્ટા નહિ કરું. આ સંઘવી બ્રધર્સ પોતાના પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખી એક નિર્ણય કરે છે. પરંતુ, એમના જ સંતાનો દેવ અને વિરેન એમના નિર્ણયનો વિરોધ કરે છે. અને પછી હોલમાં એક જબરદસ્ત ચર્ચા થાય છે.
        
         એક બાજુ વર્ષોનો અનુભવ, જમનાને પારખતા સંઘવી બ્રધર્સ અને બીજી બાજુ એમના યુવાન અને સ્માર્ટ સંતાનો. અનુભવ અને સ્માર્ટનેસ સામસામે આવી જાય છે. કોનું પલડું ભારે એ સાબિત કરવા બન્ને તરફ઼થી જોરદાર ચર્ચાઓ-દલીલો થાય છે અને રસપ્રદ વાત એ છે કે એમની જાણ બહાર એમની આ ચર્ચા આખી દુનિયા લાઈવ જોતી હોય છે. બંને તરફની દલીલો સાંભળતા કોણ ખોટું કોણ સાચું એ નક્કી નથી કરી શકાતું. કેમ કે એક સાચું હોય અને બીજું ખોટું હોય ત્યારે કોઈ એકની તરફેણ કરવી એ અઘરું નથી હોતું. પણ બંને સાચા હોય ત્યારે કોની તરફેણ એ નક્કી કરવું વધારે અઘરું હોય છે.. આ ફિલ્મમાં પણ એવું જ થાય છે. બંને પક્ષ પોતપોતાની જગ્યાએ સાચા હોય છે. એટલે દર્શક છેક સુધી દલીલોના ત્રાજવામાં ડોલ્યા કરે છે.
         
          ફિલ્મના બધા પાત્રોએ એ રીતે એમનું કામ કર્યુ છે કે ફિલ્મનો હીરો કોણ છે એ નક્કી કરવું પણ મુશ્કેલ છે; વસંત સંઘવી, વિરેન સંઘવી, સૂર્યકાન્ત સંઘવી કે પછી દેવ સંઘવી..!ફેમિલી ફિલ્મ છે પણ ફેમિલી ડ્રામા જરા પણ નથી. એકદમ પ્રેક્ટિકલ વાતો છતાં ઇમોશનલી કનેક્ટ થઈ શકો, કોઈ જ પ્રકારનો ઈમોશનલ અત્યાચાર નહિ! પહેલી નજરે જોતાં એવું લાગે કે આ ફિલ્મ એક બિઝનેસમેનની છે , એના નફા નુકસાનની છે. બે પેઢીના વિચારોના વિરોધાભાસની છે. પણ ના, આ ફિલ્મ આપણા દરેકની છે. હા , આઈ રીપિટ "દરેકની." કેમ કે જ્યારે ફિલ્મમાં સામસામી બે વ્યક્તિ દલીલ કરે ત્યારે એવું લાગે કે જાણે આ દલીલ એકબીજાની સામે નહિ પણ પોતાની જાત સાથે થઈ રહી છે. સંવાદો જાણે આપણ જ મનના છે. આના માટે એમ કહી શકાય કે ઈટ્સ અબાઉટ ઈનર કન્ફ્લીક્ટ. . ત્રાજવાના બંને પલડામાં તમે જ હોવ એવી અનુભૂતિ થાય છે. ટૂંકમાં, આપણા અંતરાત્માને ઝંઝોળવા મજબૂર કરતી ફિલ્મ છે. ફિલ્મ જોયા પછી તમે તમારી અંદર ડોકિયું કર્યા વગર રહી જ ન શકો.

          શરૂઆતમાં જ કહ્યું એમ "who r u "એમ પૂછ્યા પછી "come be a mirror of yourself" કહીને આપણને અરીસો દેખાડે છે. અને એ વખતે જોવાનું એ રહ્યું કે આપણે આપણી જાતને ફેસ કરી શકીએ છીએ કે નહિ. આપણો વાસ્તવિક ચહેરો આપણે સ્વીકારી શકીએ છીએ કે નહિ. કોઈપણ પરિસ્થિતીમાં સ્વાબચાવમાં આપણે જે કારણો આપીએ છીએ એ ખરેખર સાચા હોય છે કે જાતને સાંત્વના માટે જ અપાતા પોકળ કારણો હોય છે! આમ તો આ ફિલ્મ ઘણું બધું શીખવે છે, પણ આ ફિલ્મ મને એક વસ્તુ જોરદાર શીખવી ગઈ .. અને એ છે..." face yourself ". જો કે ફિલ્મની મુખ્ય થીમ જ એ છે.

          ખરેખર, દીપેશ શાહ(ફિલ્મના ડાયરેક્ટર લેખક)ને આ ફિલ્મ માટે અભિનંદન આપીએ એટલા ઓછા છે. "ગુજરાતીમાં સારી ફિલ્મો નથી બનતી " આ વાક્ય પર હવે પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. કેમ કે ગુજરતી ફિલ્મો પાસે આવા યુનિક વિષય છે જે બોલીવુડ પાસે પણ નથી. હવે વધારે નહીં કહું પણ ધારદાર સંવાદો સાથેની માસ્ટરપીસ ગુજરાતી ફિલ્મ છે. જેનું IMDb રેટિંગ 8.5/10 છે. હવે આ રેટિંગ પરથી તો મુવી જોવા જેવું લાગે છે ને? તો પછી જે લોકોએ મારી જેમ હજૂ સુધી આ ફિલ્મ ન જોઈ હોય તો હવે જોઈ જ લો. ફિલ્મ યુટ્યુબ પર પણ છે એટલે ગમે ત્યારે જોઈ શકશો. અને ફિલ્મ જોયા પછી તમારો અભિપ્રાય મને ચોક્ક્સ જણાવજો.

(ખાસ નોંધ: મને જ્યારે કોઈ ફિલ્મ ગમે ત્યારે એના રિવ્યૂ લખું છું. નહિ કે રિવ્યૂ લખવા ગમે છે એટલે. એથી મારી પાસેથી રિવ્યૂ બાબતે "એના સબળા-નબળા કે ટેકનિકલ બાબતો વગેરે બધા પાસા જોવા જોઈએ" એવી અપેક્ષા ન રાખવી. ???????????????????????????????? )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ