વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લેટેસ્ટ વર્ઝન

               ‘ લેટેસ્ટ વર્ઝન ‘

અવનિ આજે સવારથી સતત દોડતી રહી હતી. કાલે જ્યારે દાદીમાનો ફોન આવ્યો “ અવનિ, કાલે સમયસર આવી જાજે, કાલે તો હરખનું ટાણું છે. એક તો રક્ષાબંધનનો તહેવાર અને બીજું, ભત્રીજીની નામકરણ વિધી. અને સાંભળ… " જો કે આગળ વાત થાય એ પહેલાં જ, અવનિનાં ફોનની બેટરી લો થઈ ગઈ હોવાથી ફોન કટ ઓફ થઈ ગયો. દાદી સાથે સરખી રીતે વાત પણ થઈ શકી નહીં. જો કે વધારે વાત પણ શું હોય? બસ એક જ વાત, અવનિ જલ્દીથી આવી જજે, મોડું કરતી નહીં. સમયની  કિંમત સમજવી... વગેરે વગેરે. આમ પણ લોકડાઉનને કારણે  લગભગ બે વર્ષથી પિયર જવાનો મેળ જ ક્યાં થયો હતો? 

    હા! ભાઈના ઘરે લગ્નનાં પાંચ વર્ષ પછી પારણું બંધાયુ હતું. અવનિનાં લગ્નનાં બરાબર નવ મહિના પછી. જાણે કહેતી હોય કે ‘ઉઠ ફોઈ ભત્રીજી આવી!’ ફોન મુકતા જ અવનિ સમજી ગઈ હતી કે આજનો આખો દિવસ ભાગમભાગ જ રહેવાની છે. લગ્ન પહેલાં પણ દાદીની હરએક વાત માત્ર એક પોઈન્ટ પર જ અટકતી હતી, “સમયને સાચવતા શીખો. તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે, બાકી આ દુનિયામાં ક્યાંય ફેંકાઇ જાશો… ગોત્યાય નહી જડો." એને લીધે ઘરનાં બધાં લોકોનાં જીવનમાં જાણ્યે અજાણ્યે ભાગમભાગ અને દોડધામ મચી રહેતી. અને અવનિ પણ એ પરિવારનો હિસ્સો જ હતી ને! લગ્ન થઈ ગયા તો શું થયું? એમ કાંઈ વારસામાં મળેલી હાઈ-હાઈ થોડી છુટે? 

  આગલે દિવસે સાંજે જ અવનિએ અમનને સાંજે પાંચ વાગ્યા સુધીમાં મમ્મીના ઘરે પહોંચી જવાની વાત કરી દીધી હતી, અને અમનને પણ ઓફિસથી સીધા ત્યાં આવવું એવું નક્કી કર્યું જે અમને માન્ય રાખ્યુ હતું. કારણ કે તેણે અવનિનાં દાદીને માત્ર જોયા જ નહીં અનુભવ્યા પણ હતા, અવનિની અંદર. 

જ્યારે અમન પહેલીવાર અવનિને જોવા ગયો હતો, દાદીએ પોતાની સુપર સ્પીડે ચાલતી જીભથી કહી દીધું હતું, “જુઓ અમનકુમાર, આમ તો હું ખર્યું પાન, પણ મારે માથે પરિવારને જોડી રાખવાની જવાબદારી છે એટલે મારી વાત સાંભળી લ્યો,-" અને શિખામણનો જે મારો ચલાવ્યો હતો કે યાદ આવતા જ અમનના હોઠ હસી પડ્યા. 

સવારથી સતત દોડતી રહેલી અવનિએ ઉડતી નજરે તૈયાર કરેલી બેગને ફરી એક વાર જોઈ લીધી. ભાઈ - ભાભીને બાંધવાની રાખડી, ભત્રીજીને આપવાનું ફૈયારૂ, જેમાં પાંચ સુંદર ફ્રોક, કાનમાં પહેરવાની સોનાની હિરા જડિત બુટ્ટી, બેબી ટોવેલ, બ્લેન્કેટ જેવી કેટલીય વસ્તુઓ બેગમાં ભરી હતી. સબ સલામત જોઈને જલ્દીથી બેગ બંધ કરી ઘરને લોક કરી ભાગતી અવનિ નજીકનાં રીક્ષા સ્ટેન્ડ પર પહોંચી ગઈ. તહેવારને કારણે સખત ટ્રાફિક હોવાનું માનીને અવનિએ જલ્દીથી ભાઈનાં ઘરે પહોંચી જવાય એટલે રીક્ષામાં બેસવાનું પસંદ કર્યું હતું. અને “ભાઈ, જલ્દીથી વેસુ બાજુ લઈ લે, નહિ તો મારા દાદીમા... ”અને રીક્ષા ચાલકે સરરરર કરતી રીક્ષા ભગાવી દીધી. 

માર માર કરી ભાગતી રીક્ષા અઠવાલાઇન્સ આવતા ટ્રાફિકને કારણે થોડી ધીમી પડી, પણ અવનિની એક નઝર ઘડિયાળનાં આગળ વધી રહેલા કાંટા પર અને એક નઝર વધતા ટ્રાફિક પર ફરતી હતી. પિયરનાં મોડમાં આવી ગયેલી અવનિ ઝડપથી રીક્ષા ચલાવવા માટે કહેતી રહી. “ભાઈ, જલ્દી કરો નહીંતર તમે મારા દાદીને ઓળખતા નથી,” વારંવારની આવી ચેતવણી સાંભળીને રીક્ષાચાલક બરાબરનો ગિન્નાયો, ગુસ્સામાં આવીને જે રીક્ષા ભગાવી કે સીગ્નલતો ઠીક પણ રસ્તો ક્રોસ કરી રહેલા એક ગામડિયન પરિવારને પણ જોઈ શક્યો નહિ. રીક્ષાને તો પલ્ટી ખાતા બચાવી લીધી પણ એક છોકરો પડી ગયો! અવનિનું કલેજું તાળવે ચોંટી ગયું. છોકરો તો સલામત હતો પણ આ ઘડિયાળ! આગળ જ વધી રહી હતી, હવે અહીંયા જો મોડું થઈ ગયું તો દાદી તો મારા બાર જ વગાડી દે તેવી શક્યતા પુરી હતી. 

અને 'જે વાતનો ડર હોય ને એ જ વાત સામે આવે’ એ ઉક્તિને સાર્થક કરવા માટે પેલો માણસ દોડીને રીક્ષા આડો ઉભો રહી ગયો. તો બીજી તરફથી ટ્રાફિક પોલીસની સવારી પણ આવતી જોઈ રીક્ષાચાલક તો સમયને સાચવીને જાણે કે મિ. ઈન્ડિયા થઈ ગયો! અવનિને સામે ઊભેલા માણસનો ચહેરો ક્યાંક જોયેલો હોવાનું લાગ્યું પણ આવા વિચારો કરવાનો સમય જ ક્યાં હતો? અત્યારે તો બસ એક જ વાત, જલ્દી ઘરે પહોંચી જવાની ધૂન હતી. અવનિ મનોમન વિચારી રહી હતી, જો મને મોડું થયું તો... દાદી તો ચંડીકાદેવીનાં રૂપમાં જોવા મળશે. અને મમ્મા? બસ જગદંબા સ્વરૂપ ધારણ કરી લેશે. જેથી મને દાદીથી બચાવી શકે. પરંતુ મર્કટ સમા મનથી ભલે ગમે તેટલી મુસાફરી કરી લઇએ, સદેહે પહોંચવા માટે અત્યારે ઝડપથી વાહનની વ્યવસ્થા કરવી જોઇએ એ સત્ય અવનિને બરાબર સમજાઈ ગયું હતું. 

    હવે કરવું શું? અવનિએ કાંઈ પણ વિચાર કર્યાં વગર જાણે કે દોટ મૂકી અને આગળ જતી રીક્ષામાં બેસી ગઈ. ટ્રાફિકને કારણે ધીમી ગતિએ ચાલી રહેલી રીક્ષાની ખાલી પેસેન્જર સીટ પર અચાનક સવારી પ્રગટ થયેલી જોઈ ડ્રાઈવર સ્હેજ ભડક્યો, પરંતુ હાથમાં પાંચસોની નોટ જોઈ તે જરાક શાંત થયો. "વેસુ, જલ્દી… " ઘરે પહોંચવા જાણે કે જીવ ઉપર આવી ગઈ હતી અવનિ. નહીં તો દાદીને જોયા છે....? 

    નસીબ જોગે એ રીક્ષા ચાલક એના ઘર પાસે જ રીક્ષા લઈને ઉભો રહેતો હોવાથી અવનિને ઓળખી ગયો. તેને દાદી વિશે કાંઈ પણ કહેવાની જરૂર પડી જ નહી. પણ આ ઘડિયાળ.... કાશ! એ તો રોજ પહેરવા છતાં પણ કોઈ સાથે ઓળખાણ રાખતી નથી, બસ ભાગતી જ રહે છે. અને આખી દુનિયાને ભગાવતી રહે છે. 

    અને છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું, દાદીએ કિધેલા સમય કરતાં અવનિ પૂરી એક મિનિટ વ્હેલી ઘરમાં પહોંચી ગઈ. છાતીમાં ભરાયેલો શ્વાસ હજુ પૂરેપરો હેઠો બેસે એ પહેલાં જ પાછો અધ્ધર થઈ ગયો. અવનિ ફાટી આંખે જોઈ જ રહી. આ કેવી રીતે બને? દાદી…!!!??? આવા વેશમાં? દાદી માટે જે વિચાર કર્યો હતો એવા જ રૂપમાં હોય? ના, ના, આ તો માત્ર મારો ભ્રમ છે. અને એટલે જ અવનિ દાદીની નઝર ચુકાવી જલ્દીથી અંદરની તરફ ભાગી, પણ દાદી જેવા તેવા થોડા હતા? એ તો “ઉભી રે છોકરી, ક્યાં ભાગે છે?" કહેતાં પાછળ ગયા. પરંતુ અવનિ આજે દાદી સાથે જાણે સંતાકૂકડી રમી રહી હતી. દાદી બેડરૂમમાં આવે તો અવનિ બાલ્કનીમાં, અને દાદી બાલ્કનીમાં પહોચે એ પહેલાં અવનિ મમ્માની ખોજમાં પહોંચી ગઈ રસોડામાં. ત્યાં મમ્માને જોયા તો ફરી એક ઝાટકો…હાઉ ઈઝ ધીઝ પોસિબલ…???!!! અવનિ તેની મમ્માને જોતી જ રહી. સફેદ રંગની બનારસી સાડી જેમાં લાલ રંગની સોનેરી ઝાંય પડે એવી બોર્ડર , કપાળે મોટો રૂપિયાના સિક્કા જેવો ચાંદલો, ગળામાં લાંબો હાર, કાનમાં પહેરેલ લાંબા લટકણિયાં, હાથમાં સોનાના કડા, પગમાં પાયલ, જાણે કે સાક્ષાત જગદંબા સ્વરૂપ જ જોઈ લ્યો. અવનિ કંઈ સમજે એ પહેલાં દાદી પણ જલ્દીથી રસોડામાં આવી ગયા. અવનિ વારાફરતી મમ્માને અને દાદીમાને જોઈ રહી હતી. સમજ નહોતી પડતી સાચું શું છે? અને ત્યાં જ એક નવી એન્ટ્રી થઈ. રસ્તામાં મળેલી પેલી ગામડિયણ સ્ત્રી અચાનક જ રસોડામાં પ્રવેશીને દાદીને પગે પડતાં બોલી “પાય લાગું છું માજી.” જેને દાદીએ પ્રેમથી ગળે લગાવીને “બરાબર આવી ગયા બેટા, ઘર ગોતવામાં કોઈ તકલીફ નથી પડી ને?” ડઘાઈ ગયેલી અવનિને કળ વળે એ પહેલા હોલમાંથી ભાઈનો અવાજ સાંભળી બહારની તરફ ભાગી. ત્યાં જઈને જોયું તો એક ઓર ઝટકો લાગ્યો, જે ગામડિયો રીક્ષાની સામે આવી ઉભો હતો તે પોતાના પરિવાર સાથે અત્યારે ઘરમાં પ્રવેશ કરી રહ્યો હતો, નવાઈની વાત તો એ હતી કે ભાઈ તેમનો હાથ પકડી, માનપાનથી  ઘરમાં પ્રવેશ કરાવી રહ્યાં હતાં. ગભરાએલી અવનિ દોડીને દરવાજાની આગળ ઉભી રહી ગઈ. હાથ જોડીને વિનંતીના સૂર માં કહેવા લાગી “ભાઈ, હું જાણું છું, તમારા દિકરાને રીક્ષાની ટક્કર લાગી હતી પણ એમાં મારી કોઈ ભૂલ નથી. તો પણ તમે મારા ભાઈને મળીને મારા ઘર સુધી પહોંચી ગયા?" એ માથું પકડી ધબ દઈને સોફા ઉપર બેસી ગઈ. 

 હજુ તે પરિસ્થિતિનો ક્યાસ કાઢે એ પહેલા જ દાદીનું ફરમાન થયું, “જલ્દી તૈયાર થઈ જા, એક તો મોડી પડી છે અને હજી નિરાંતે બેસવાની વાત? બિલકુલ નહીં ચાલે.” કહેતા દાદી અવનિનો હાથ પકડી અંદરનાં રૂમમાં લઈ ગયા. જ્યાં પલંગ ઉપર પડેલો પોતાની પસંદગીનો તિરંગો ડ્રેસ જોતા અવનિ ખુશ ખુશાલ થઈ ગઈ. માથે બાંધવા માટે મુગટ અને હાથમાં રાખવા તિરંગો પણ હાજર હતો. મતલબ કે ભારતમાતાનો ડ્રેસ. 

 "અરે પણ દાદી, આ બધું શું છે? તમે, મમ્મી, મતલબ કે તમારૂં ડ્રેસિંગ? આ ગામડિયો જે મારી રીક્ષા સાથે અથડાતા બચી ગયો હતો… એ અત્યારે આપણા ઘરે, અને તે પણ ભાઈ સાથે? મને તો કાંઇ સમજ પડતી નથી." અવનિ એક શ્વાસે બોલી ગઈ. 

          " અરે હા અવનિ, ફોન કટ થઈ ગયો હતો એટલે કદાચ તે પુરી વાત સાંભળી નથી. હવે સાંભળ. આજે મુન્નીનાં નામકરણ નિમિત્તે દાદીએ તારા ભાઈ-ભાભીની ઇચ્છા હોવાથી ફેન્સી ડ્રેસ પાર્ટી રાખી છે. જેમાં દરેક વ્યક્તિ પોતાની રીતે તૈયાર થઈને આવી શકે છે. મમ્માએ અવનિને સમજાવતા કહ્યું. ઘરની સ્ત્રીઓએ કોઈ દેવીના રૂપમાં રહેવું જોઈએ એવી દાદીની ઇચ્છા હોવાથી અમે આવા ડ્રેસમાં સજ્જ થયા છીએ. તારી માટે પણ આ ડ્રેસ તૈયાર રાખ્યો છે. અમે બહાર જઈએ છીએ તું આવ, ફટાફટ કપડાં બદલીને… 

     હજુય અવનિનું વિસ્મય શમ્યુ નહોતું. એ તો બસ પેલા ગામડિયા પરિવાર સામે જ જોઈ રહી હતી, એટલે ભાઈ બોલ્યો, “લે, આમને નો ઓળખ્યા? મીનાનાં કઝીન ભાઈ… ઓલા ગોપીપુરાવાળા, લાખોની ગાડીમાં ફરવા વાળા આજે સુદામાના ડ્રેસમાં સજ્જ થઈ આવ્યા છે.”  

હવે અવનિની નઝર તેમના વેશ પરિધાન પર અટકી. ખરેખર ગજબનો વેશ ધારણ કર્યો હતો. ગણવા બેસીએ તો કદાચ સત્તર થીંગડાંવાળો લાંબો ઝભ્ભો, નીચે ટુંકી ચોરણી, ખભે મેલો ખેસ અને એની ઉપર એક લાકડી, જેના ઉપરના ભાગે એક પોટલી બાંધી હતી, જે તાંદુલની હશે એવું અનુમાન અવનિએ વગર કીધે લગાવી લીધું. બન્ને છોકરાઓએ પણ બરાબર પપ્પા સાથે મેળ પડતો વેશ ધારણ કર્યો હતો. જ્યારે માતાજી! સફેદ રંગની ખાદીની સાડી, સાથે ભુરા ઉખડી ગયેલા રંગના કબજો, હાથમાં માત્ર એક એક પ્લાસ્ટિકની રાતી બંગડી જે તેની ગરીબીની(?) ચાડી ખાતી હતી. ખરેખર આબેહૂબ ડ્રેસ પહેર્યો હતો એ માનુનીએ. 

   તો પછી રસ્તા ઉપર ચાલવું? અવનિ હજુ પણ વિચાર કરી રહી હતી જે સમજી જતાં ભાઈએ સમજાવટના સુરમાં કહ્યું, "મોંઘીદાટ ગાડીમાં આવા અસવાર જોઈ ટ્રાફિક પોલીસે એમને રોક્યા. ચોરીનો કેસ દાખલ કર્યો. ગાડી જપ્ત કરી. એમને ય પોલીસ સ્ટેશને લઈ જતા હતા ત્યાં રીક્ષામાં તને જોઈ એટલે તારી મદદ લેવા રીક્ષા સામે ઉભા રહ્યા."  અવનિને હવે અઠવાગેટ પાસે નડેલા ટ્રાફિકનું કારણ સમજાઈ ગયું. સાથે જ ભાભીના ભાઈને ઓળખી ન શકવા બદલ થોડીક ભોંઠી પડી. ભાઈએ આગળ ચલાવ્યુ,"આ તો અમનકુમારનો ફોન હતો કે લોકડાઉન પછી તું પહેલી વખત બહાર નીકળે છે તો હું તને લેવા જાઉં. તું તો ન મળી, પરંતુ… "

  હવે અવનિનો અધ્ધર ચડેલો શ્વાસ પૂરેપૂરો હેઠો બેસી ગયો હતો. “પણ આ બધામાં, જેનું નામકરણ કરવાનું છે એ મુન્ની ક્યાં ગઈ?” અવનિએ દાદીને પુછ્યું. 

    “એ તો સવારથી કજીયે ચડી છે કે બ્યુટીપાર્લરમાં જ તૈયાર થાવું છે. એટલે મીનાવહુ એને લઇને બાજુવાળાને ત્યાં ગયા છે. એની છોકરી નવું નવું પાર્લરનું શીખી છે. બે ચાર ટીલાં ટપકાં કરી આપશે એટલે હમણાં આવશે. પણ, મીનાવહુએ લીલી સાડી, પાંચ નાગરવેલના પાન અને સોપારી તૈયાર રાખી છે કે નહીં? એ તો તું જોઈ લે. આજનાં જનરેશનને દસવાર કહીએ તો પણ કામ થાય જ એની કોઈ ખાતરી નથી. અને ફરી એકવાર અવનિ તૈયારી માટે દોડધામ કરવા લાગી. 

     ત્યાં જ મીના અને જમકુડી તૈયાર થઈને આવ્યા, જમકુડી એક હાથે તેના વાળની લટને વળ ચડાવી રહી હતી અને બિજા હાથે, પહેરેલા  ચણિયા ચોળીને અધ્ધર પકડી ધીમે ધીમે ચાલી રહી હતી. લિપસ્ટિક લગાવેલા હોઠ એવા તો  સજ્જડ બંધ રાખ્યા હતા જાણે કાંઈ બોલવા થી લિપસ્ટિક ભુસાઈ જવાની હોય. પણ હા, લાગતી તો હતી અસ્સલ કોઈ પરી જેવી. જેને જોતાં જ અવનિએ આગળ વધી કાન પાછળ કાળું ટીલુ કરી દિધુ. અને પોતે લાવેલી ફૈયારાની બેગ ખોલી બધાને વસ્તુઓ બતાવી દીધી. બાકી બધા તો ઠીક પણ ટીનુબેન તો પોતાને મળેલી ગીફ્ટ જોઈને ખુશ થઈ ગયા. 

     હવે બધા મહેમાનો પણ આવી ગયા હતા. અને શરૂ થઈ ફોઈની ફરજ, ભત્રીજીની નામકરણ વિધિ. એક વાત તો બધા જ જાણે છે કે બાળકનું નામ પાડવાનો હક માત્ર ફોઈનો હોય છે, પરંતુ નામને અનેક વિશેષણો લગાવીને  બગાડવાનો હક આખી દુનિયાને મળી જાય છે. એ પછી દૂરનાં હોય કે નજીકના, સગા હોય કે પછી પરાયા. બસ, બાળકનું નામ ઓરિજિનલ રહેવું જોઈએ નહીં. દરેક વ્યક્તિને સરળ લાગે એવું, મુન્ની, ટીંકુ, ઈના, કે કકુડી જેવા હાથવગા નામ પડતાં રહે છે. અને અહીં તો પરિસ્થિતિ ઔર ગંભીર હતી. લોકડાઉનને કારણે આવવાનો મોકો મળ્યો નહોતો, એટલે ફઈએ ભત્રીજીનું નામ પાડ્યું જ નહોતુ! ઓનલાઈનના જમાનામાં પણ ઓળીઝોળી વગર નામ કેવી રીતે પડાય! 

  લીલી સાડીને ચારવડી કરી દાદી, મમ્મા, ભાભી અને ગામડિયણ(!) મામીએ પકડી એટલે અવનિએ રડતી અને જીદ્દે ચડેલી બે વરસની મુન્નીને પરાણે બેસાડી ઝોળી ઝુલાવવાનું શરૂ કર્યું. “ઓળી જોળી પીપળ પાન ફોઈએ પાડ્યું ક્રિના નામ." એક વાર ને બે વાર, પણ એ નામ જાણે ક્રિનાને બિલકુલ ગમ્યું ન હોય એમ ત્રીજી વારમાં તો હડપ કરી જોળીમાંથી કુદી પડી. રડતી આંખે, ચહેરા પર માસુમિયત છલકાવી અવનિ સામે જોઈ બોલી, “આવા તે કાંઈ નામ હોય? મને નંઈ ગમ્યું… હું જોલીમાં નંઈ બેસું…" કરતી દોડીને તેની મમ્મી પાછળ સંતાઈ ગઈ. જાણે કોઈ તેને પકડી નહિ શકે. પણ અવનિ આખરે ફોઈતો તેની જ હતી ને,એમ કાઈ એક નાનકડી બાળકી પાસે થોડી હારી જાય? એ પણ મુન્નીને પકડવા માટે દોડી, પરંતુ આતો ભારે થઈ, મુન્ની પણ જાણે કે પોતાની વાત મનાવવા માટે મક્કમ હતી એટલે ઘડીમાં સોફા પાછળતો ઘડીમાં દરવાજા પાછળ દોડી રહી હતી. જેને પકડવા માટે અવનિ પણ દોડતી થઈ ગઈ. 

   "તો તને કયું નામ ગમે?" કુદતી ભાગતી ખુરાફાતી આફતને ફરી તેડવા દોડતી અવનિ હાંફી ગઇ. તે છાતી પર હાથ રાખી ઝોળીની પાસે જ ભફ્ફ કરતી બેસી ગઈ  એટલે ટેણકી સામેથી આવી તેના ખોળામાં ગોઠવાઈ ગઈ. અવનિના પરસેવે રેબઝેબ ગાલ પર પોતાના નાના નાજુક હાથ ગોઠવી, ગરદન સ્હેજ ત્રાંસી કરીને આંખો પટપટાવી અને બોલી, "કવ? મને છે ને… કોરંટીના ગમે. પાપા કેતા તા કે કોરોના આયો ને હું આઈ. તો એની યાદીરી (યાદગીરી) પન જોવે ને… "

 જીણકીની આવી જીદ જોઈ બધા ખડખડાટ હસી પડ્યા."તો મેડમ કોરંટીના, તમારૂ નામ શું  રાખવું છે?કોરંટીના જ ફાઈનલ કરીએ? " 

  “ હા, એ જ." કહેતી તે જાતે કુદીને ઝોળીમાં બેસવા ગઈ એજ ઘડીએ દાદી એ  પકડેલો સાડીનો  છેડો છુટી ગયો, મુન્નીએ કહ્યું “દાદી, જલ્દી સાડી પકડી લ્યો, ચોગડિયુ બદલાઈ જાશે. અને તરત જ દાદી બોલી ઉઠયા, સમય સાથે હવે દાદીને પણ સાચવવા પડે. અને ફરી ગીત ગવાયું, ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યુ કોરંટીના નામ… પૂરી સાત વખત ઝોળી ઝુલાવી નામ ફાઈનલ કર્યું. રંગેચંગે નામકરણ વિધિ પૂર્ણ કરી અવનિએ ભાઈ અને ભાભીનાં કાંડા પર રાખડી બાંધી. પણ જ્યાં બધાનું ધ્યાન કોરંટીના પર ગયું, તે અરીસા સામે ઉભી ઉભી ફોઈએ આપેલા બધા ફ્રોક વારાફરતી પોતાની પર રાખી માપી રહી હતી અને આગળ પાછળ ફરી અરીસામાં જોતી કાંઈક બબડાટ કરી રહી હતી. અવનિએ સામે જોયું તો કહે છે કે “ફોઈ, ચેક તો કરુ પડે ને કે તમે મારા માટે જે વાવા લાયા છો તે બરાબર છે કે નહીં? કલલ પણ મને ગમે તેવા છે ને? દાદીમા રોજ કેય છે ને કે પિસા ખરચીએ તો, શું કેવાય… ઓલું… હા, વલતલ પૂરૂં મળ્યું છે કે નહીં એ ચેક કરવાનું. તો હું ચેક કરૂ છું. અને હા, જદ્દી કરો, ક્યાંક  ચોગડિયું  બદલાઈ નો જાય હો....સમયને સાચવશો તો સમય તમને સાચવશે. નંઈતર…" અને એ જ સમયે ઘરમાં અમને પ્રવેશ કર્યો. બધાજ દાદીનું આ લેટેસ્ટ વર્ઝન જોઈ હસી પડ્યા... ખડખડાટ...

               


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ