વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડાર્કેસ્ટ અવર : ફિલ્મ રીવ્યૂ

શું રાજકારણમાં ક્યારેય એવું જોયું છે કે સત્તાપક્ષના કોઈ નેતાને સત્તાપક્ષમાંથી મુખ્ય નેતા તરીકેની વરણી અંગે બહુમત પ્રાપ્ત ના હોય? બહુ અઘરું નથી, આવું ઘણી વખત થતું હોય છે.


બીજો સવાલ. શું એવું જોયું છે કે સત્તાપક્ષના કોઈ નેતા અંગે સત્તાપક્ષમાંથી બહુમત ના હોય પરંતુ વિપક્ષ સહમત હોય? હવે અઘરું છે ને!


ત્રીજો સવાલ. સત્તાપક્ષમાં કોઈ નેતા અંગે સહમતી ના હોય પણ વિરોધપક્ષમાં સહમતીની પણ બહુમતી હોય તેથી વિરોધપક્ષના દબાણમાં કે પ્રભાવમાં સત્તાપક્ષે તે નેતાને ઉચ્ચપદ આપવું પડ્યું હોય? હવે વિચિત્ર લાગે છે ને! 


તમને વિચાર આવ્યો જ હશે કે સ્વપક્ષની જ બહુમતી ના હોય તેવા નેતાને પડતો મૂકવો જોઈએ. પણ ના, જિંદગી કે રાજકારણ એમ સરળ કે સીધી લિટિના તર્કથી થોડાં ચાલે છે! એમાં તો પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ ઘણાં સમાધાન પણ હોય અને ઘણાં વ્યવહારુ નિર્ણયો પણ હોય.


ફરી પેલાં ત્રીજા સવાલ વિશે વિચારો. વિરોધપક્ષથી ડરીને સત્તાપક્ષ આમ તો નેતાની પસંદગી ના બદલે, પણ મજબૂત લોકશાહી અને દેશહિતને પ્રાથમિકતા આપવાની હોય તો એ શક્ય બને પણ ખરું. ખાસ કરીને જો દેશનું નામ બ્રિટન હોય તો. 


બ્રિટિશરો અડધા ઉપરની દુનિયા પર રાજ કરી ગયા એની પાછળના અનેક કારણોમાંથી એક એટલે તેઓની કુશાગ્ર બુદ્ધિના સહારે કેળવેલી આગવી રાજકીય સૂઝબૂઝ. યોગ્ય સમયે સમસ્યાની નાડ પારખવાની ગતાગમ હોય તો જ સમયસર અને સચોટ ઉપાય કરી શકાય. બ્રિટિશરોમાં આ આવડત ઠાંસીને ભરેલી હતી એ સર્વવિદિત છે. 


બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના આંગણે એક સમસ્યા આવી પહોંચી હતી. દેશની હાર અને વિનાશની સમસ્યા. જર્મની યુરોપમાં મક્કમતાથી લડી રહ્યું હતું. બ્રિટને રવાના કરેલાં ત્રણેક લાખ સૈનિકો ફ્રાન્સના ડનકર્ક બંદરે તો પહોંચ્યા હતા પરંતુ હવે આગળ વધવાના સંજોગો નહોતા. ફ્રાન્સ પોતે હારની નજીક હતું. બ્રિટિશ સૈનિકો માટે પરત ફરવાની સુવિધા નહોતી. બસ, ફ્રાન્સ હારી જાય અને જર્મનસેના ડનકર્ક પહોંચે એટલી જ વાર હતી. પછી આ ત્રણેક લાખ સૈનિકો અંગે બે જ વિકલ્પો બચવાના હતાં. એક વિકલ્પ એટલે મોત અને બીજો વિકલ્પ એટલે બ્રિટનની હારનું કારણ બનવું. હા, આટલા મોટા જથ્થામાં સૈનિકોની જિંદગીના બદલામાં જર્મની બ્રિટન સાથે શાંતિના નામે પોતાની આકરી શરતો સાથે સોદો કરીને પછડાટ આપે જ તે સહજ હતું.


સમસ્યા સૂંઘી લેવામાં માહેર બ્રિટિશરોએ મનોમંથન કર્યું. ત્યાં વધુ એક સમસ્યા આવી પહોંચી. પ્રધાનમંત્રી નેવીલ ચેમ્બરલીનની નીતિઓથી વિપક્ષે દેકારો બોલાવ્યો હતો. ચેમ્બરલીનની અણઆવડતના કારણે જ બ્રિટન હાર તરફ આગળ વધી રહ્યું છે તે તર્કે જોર પકડ્યું, તેઓનું નેતૃત્વ નબળું સાબિત થઈ રહ્યું હતું. સ્વપક્ષમાં પણ ચણભણ હતી. આથી નેતૃત્વ પરિવર્તન જરૂરી હતું. ચેમ્બરલીન બાદ પ્રધાનમંત્રી પદ માટે હેલિફેક્સ સૌથી યોગ્ય વ્યક્તિ હતી, પરંતુ વિરોધપક્ષ તેમને સ્વીકારતો નહોતો આથી ખુદ હેલિફેક્સે જ પરિસ્થિતિની નજાકત ધ્યાને લઈને જાતે જ ના પાડી. અને રચાયો ઇતિહાસ. સંસદમાં જેની છાપ ભૂતકાળના પરાક્રમો અને સ્વભાવના કારણે ખરડાયેલી હતી તેવા વિન્સ્ટન્ટ ચર્ચિલની ખુદ ચેમ્બરલીને પ્રધાનમંત્રીપદ માટે પસંદગી કરવી પડી. કારણ કે ચર્ચિલે યુદ્ધ અગાઉ હિટલર વિશે કરેલી આગાહી સાચી પડી રહી હતી અને વિરોધપક્ષ ચર્ચિલને નેતા તરીકે સ્વીકારવા તૈયાર હતો. અને ચર્ચિલે પ્રધાનમંત્રી પદ પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં પૂછેલા ત્રણેય સવાલોનો જવાબ મળ્યો!


ફિલ્મમાં આગળ ઘટેલાં ઘટનાક્રમો વિશે સંપૂર્ણ માહિતી નથી આપવી. છતાં ઘણી બાબતો જણાવવી છે. ફિલ્મની મુખ્ય ચાર બાબતો ધ્યાનાકર્ષક છે.


(૧) "બે વિકલ્પમાંથી એકની પસંદગી માટેની ગડમથલ" : જર્મની સામે ટકી નહીં શકાય તે લગભગ નિશ્ચિત થતાં જ રાજકારણીઓમાં શાંતિવાર્તા મતલબ સમાધાન માટેનો મત સબળ બનવા લાગ્યો. બીજો વિકલ્પ પાયમાલીના ભોગે પણ છેલ્લે સુધી લડી લેવાનો હતો. ચેમ્બરલીન અને હેલિફેક્સ સમાધાનના પક્ષમાં હતા તો ચર્ચિલ લડવા માટે સદા મક્કમ હતો. ચર્ચિલે પોતાની વોર કેબિનેટમાં પોતાના વિરોધી હોવા છતાં ચેમ્બરલીન અને હેલિફેક્સને સામેલ કર્યા હતા. જેથી ચર્ચિલ પર સમાધાન માટે સર્જાયેલા પ્રચંડ દબાણનો અહેસાસ પ્રેક્ષકોને પણ થતો રહે છે. જેમાં સતત ઉતાર-ચઢાવથી ફિલ્મમાં તણાવ ઝીલાયો છે. જેમાં બ્રિટનના રાજાની ચર્ચિલના ઘરે થયેલી મુલાકાત બાદ ચર્ચિલની ઊર્જા, કાર્ય, જનતા સાથે એકલાએ જ કરેલી મુલાકાત,  ભાષણ વગેરે રસપ્રદ બની રહે છે.


(૨) "તણાવ અને વર્તન" : આમ તો ઉપરના મુદ્દામાં આ વિષય સામેલ છે છતાં ફિલ્મમાં દર્શાવેલા તણાવગ્રસ્ત વાતાવરણમાં પણ બ્રિટનના રાજકારણીઓની વાતચીત કરવાની શાલીનતા, બંને પક્ષે એકબીજાનું સન્માન જાળવીને રજૂ કરાતો પોતાનો મક્કમ મત, રાજા દ્વારા ખપ પૂરતી ટૂંકી પરંતુ અત્યંત વેધક અને સાચી સૂચનાઓ વગેરે પુખ્ત લોકશાહીનું કલેવર દર્શાવે છે. જરૂર પડે ત્યારે રાજા પ્રોટોકોલ તોડીને ખુદ સામે ચાલીને ચર્ચિલને મળે અને ટૂંકી મુલાકાતમાં જે સ્પષ્ટ અને મજબૂત ટેકાની વાત કરે તે ફિલ્મમાં નવો વળાંક લાવે છે. ત્યારબાદ ચર્ચિલનું ભાષણ અને ભાષણ પૂર્ણ થયા બાદ ચેમ્બરલીનનો સત્તાપક્ષના સાથિદારો માટે તત્કાળ કરાયેલો નિર્ણાયાત્મક ઇશારો પણ પોતાની વિચારસરણીથી વિપરિત જઈને પણ  પરિસ્થિતિ મુજબ દેશ સાથે ઊભા રહેવાની પુખ્તતા દર્શાવે છે.


(૩) "પરિવેશ" : ઈ.સ. ૧૯૪૦ ના સમયની બ્રિટનની સકલ સુરત સરસ રીતે દર્શાવાઈ છે. જેમાં મકાન, કાર, રેલવે, વર્તમાનપત્રો, ટાઇપરાઇટર, ટાઇપિસ્ટ, પત્રકાર, ટેલિફોન, ટેલિગ્રામ, પહેરવેશ વગેરે ઢગલો ઝીણી બાબતોનું ધ્યાન રખાયું છે.


(૪) "ચર્ચિત ચર્ચિલ - રીલ અને રિયલ - બંને" : ફિલ્મનું શીર્ષક સમયની સ્થિતિ દર્શાવે છે પરંતુ તે સ્થિતિમાં ચર્ચિલનું પાત્ર કેન્દ્રસ્થાને બીરાજે છે. ઘટનાક્રમો પણ એવા છે કે ચર્ચિલની વિવિધ માનસિક, રાજકીય કે સામાજિક છાપ અને સ્થિતિ સટાસટ પીરસે છે. શરૂઆતમાં ચર્ચિલ બલીનો બકરો અને મજબૂરીમાં પસંદ કરાયેલા નેતાના બેવડા સમીકરણવાળો જણાશે. પછી મક્કમ ચર્ચિલ, પછી દબાણગ્રસ્ત, પછી ઝૂઝનારો, પછી દુખી, પછી લાગણીશીલ, પછી હારેલો, પછી અચાનક પ્રેરિત થયેલો, પછી ખુફિયા, પછી અંગ્રેજી ભાષાને શસ્ત્ર તરીકે વાપરતો યોદ્ધો (ચેમ્બરલીનના મુખે આ શબ્દો સંભળાશે) વગેરે વિવિધ રંગો રંગોળી બનાવતા રહે છે. આ છેલ્લે લખ્યો તે રંગ એટલે તા.૧૮/૬/૧૯૪૦ ના રોજ ચર્ચિલે આપેલ પ્રસિદ્ધ ભાષણ કે જે 'finest hour' speech તરીકે જાણિતું છે. ચર્ચિલની વ્યક્તિગત શારીરિક અને માનસિક સ્વભાવગત ચાલચલન અને જીવનશૈલી પણ ફિલ્મમાં સતત એક રસપ્રદ વ્યક્તિત્વ હાજર રાખે છે કે જેને ગમાડો કે વખોડો પણ નજરઅંદાજ ન કરી શકો. અમુક રમૂજી ક્ષણો પણ છે. જરા વિચારો કે પાત્રની અતિ વિશેષતા અને ઢગલો વિવિધતા હોય તો તે ભજવવા કેવો કલાકાર જોઈએ! કદાચ ટોમ હેન્ક્સ જેવો. પરંતુ ફિલ્મમાં અભિનય આપ્યો છે ગેરી ઓલ્ડમેને. જે કોઈપણ રીતે ટોમ હેન્કસથી ઉતરતો કલાકાર નથી. જેમ ટોમ હેન્ક્સની અભિનય ક્ષમતાના વખાણ થાય છે તેમ ગેરી ઓલ્ડમેનના પણ અભિનય અને અભિનયમાં વૈવિધ્ય (વર્સેટિલિટિ)ના વખાણ થાય છે. ગેરી ઓલ્ડમેનનો લુક અને અભિનય ચર્ચિલના પાત્રમાં એટલો બધો બંધબેસે છે કે જો ચર્ચિલના રિયલ વીડિયો ફૂટેજ જોયા બાદ ફિલ્મ જુઓ તો ડિરેક્ટર, મેકઅપ આર્ટિસ્ટ, કલાકાર વગેરે સૌની મહેનતને દાદ આપશો. ગેરી ઓલ્ડમેને જાત નીચોવીને ગુણવત્તાનું ઉચ્ચ સ્તર સ્થાપી દીધું છે. ખરેખર અદ્ભૂત અને યાદગાર અભિનય  આપ્યો છે. જેના શિરપાવ તરીકે આ ફિલ્મ સંદર્ભે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો છે.


ઓસ્કાર એવોર્ડમાં નોમિનેશન મળવું પણ ગુણવત્તાનું પ્રમાણપત્ર ગણાતું હોય છે. આથી કુલ છ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ નોમિનેશન મેળવનારી આ ફિલ્મે તેની ગુણવત્તા સાબિત કરી છે. પરિણામ અંગેની વિગત:

(૧) શ્રેષ્ઠ ફિલ્મ : નોમિનેશન

(૨) શ્રેષ્ઠ અભિનેતા : વિજેતા

(૩) શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી : નોમિનેશન

(૪) શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન : નોમિનેશન

(૫) શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ : વિજેતા

(૬) શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન : નોમિનેશન


શીર્ષક વિશે: "ધ ડાર્કેસ્ટ અવર" શબ્દસમૂહ ઇતિહાસમાં દ્વિતિય વિશ્વયુદ્ધ દરમ્યાનના ઈ.સ ૧૯૪૦-૪૧ ના એકાદ વર્ષના સમયગાળા માટે વપરાય છે.


હિટ કે પછી...? હિટ


જોવાય કે પછી....? વર્ષ ૨૦૧૭માં રીલીઝ થયેલી આ ફિલ્મ ઇતિહાસને આધારિત જરૂરથી છે પરંતુ સત્ય હકીકતોને સંપૂર્ણપણે વળગેલી નથી. ઇતિહાસ આધારિત કાલ્પનિક ફિલ્મ ગણી શકો. અર્થાત્ ફિલ્મ રસપ્રદ બનાવવા માટે ડિરેક્ટરે ઘણી છૂટછાટ લીધેલ છે. એટલે સત્ય હકીકત જાણવાની લગભગ સિત્તેર ટકા તો પરિવેશ અને સરસ અભિનય માણવાની સો ટકા આશા રાખીને ફિલ્મ જોઈ શકાય.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ