વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માણસાઈની મહેક

માણસાઈની મહેક


ભારતનાં વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને શિકાગો પાછાં ફરેલાં મિ.રેક્સ તેમની  ઓફિસનાં સહકર્મચારીઓને તેમની પ્રવાસ કથા વર્ણવી રહ્યાં હતા.

" દોસ્તો ! ભારતનાં વિકસિત શહેરો જો ભારતનું નાક છે તો ગામડા ભારતનું હ્રદય. હું શિકાગોથી ભારત ફરવા ગયો ત્યાં મેં અનેક રાજ્યોમાં મુસાફરી કરી. ત્યાંની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખાણીપીણીનો આસ્વાદ માણ્યો. છેલ્લે ફરતો ફરતો હું રાજસ્થાનનાં ઐતિહાસિક રણનાં ઢુવા જોવા ગયો. 

ચારેકોર અફાટ રેતીનું રણ અને તેમાં ચળકતી રેતીનાં ઢુવા ( સેન્ડ સ્ટોન). અદ્ભુત વાતાવરણ હતું. ત્યાં સહેલાણીઓનો તો મહેરામણ ઉમટયો હતો. શણગારેલા ઊંટ પર સવારી કરવાની તો મજા જ કંઈક ઓર હતી. હું પણ એક ઊંટ પર સવાર થઈને સેર કરવા નિકળી પડ્યો હતો. મેં પણ માથે કેસરિયાળો સાફો પહેર્યો હતો. મને એવું લાગતું હતું જાણે હું કોઈ સ્ટેટનો મહારાજા ન હોઉં જે સવારી પર નિકળ્યો હોય.

ઢુવાની રેતી સવારે તડકામાં સોનાની જેમ ચમકતી અવનવી આકૃતિઓ રચતી હતી. હું મન્ત્ર મુગ્ધ થઈ ગયો હતો. અચાનક રેતીનાં સોનેરી રજકણો જાણે ભૂખરા આકાશને આંબવા માંગતા હોય તેમ વંટોળ ઉઠ્યો. 

ચારેકોર હાહાકાર હતો. રેતીનો  અંબાર અમને સૌને ગ્રસી જવાની તૈયારીમાં હતો. કપડાં પર રેતીનાં થપેડા. આખું શરીર રેતથી ખરડાઈ ગયું હતું. આંખ, નાક, કાન અને મોઢામાં પણ રેતી ઘુસી ગઈ હતી. 

મારો શ્વાસ રુંધાઈ રહ્યો હતો. કોઈ અડખે પડખે દેખાતું નહોતું. મારું ઊંટ પણ રેતીથી ખરડાઈ ગયું હતું અને આમતેમ દોડતું હતું. મેં તેને ગળેથી સજ્જડ પકડી રાખ્યું હતું. 

મને લાગ્યું કે અહીં રેતીનાં ઢુવામાં જ મારી સમાધિ થઈ જશે. મેં ઈશ્વરને યાદ કર્યા અને મને કંઈ થઈ જાય તો મારી પત્ની અને નાનકડી દિકરીનું ધ્યાન રાખવા વિનંતી કરી.

હું ભાન ગુમાવી રહ્યો હતો. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. મારી આંખ ખુલી ત્યારે હું એક નાનકડાં ઘરમાં સૂતો હતો. ઊંટ પર બેહોશ હાલતમાં હું ત્યાં પહોંચ્યો હતો. ત્યાં દૂધ વેંચીને ગુજરાન ચલાવતી ગરીબ સ્ત્રી વાલીબાએ નિસ્વાર્થ ભાવે મારી ખૂબ સારવાર કરીને મારો જીવ બચાવ્યો હતો. વાલીબાનાં હાથનો રોટલો અને છાશનો સ્વાદ હજી મારી દાઢે વળગેલો છે. તેમનાં ઘરેથી નીકળતી વખતે એમણે મારી દિકરી માટે સુંદર ઓઢણી પણ ભેટ આપી હતી. 

મેં તેમનાં હાથમાં પૈસા મૂક્યાં તો કહે ભાઈ ! તમે તો અમારા મેમાન કેવાવ અને મેમાન તો ભગવાન સમાન કેવાય. ભગવાનની પાસેથી કંઈ પૈસા લેવાય? મારે આટલાં બધાં પૈસાની શી જરૂર? દૂધ વેચીને મારું ગુજરાન તો ચાલી જાય છે. 

કેટલી સ્વાભિમાની સ્ત્રી ! આજે હું જીવીત છું તો એ વાલીબાનાં પ્રતાપે. આગામી વેકેશનમાં હું મારી પત્ની અને દિકરીને લઈને એમને મળવા જવાનો છું."

ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ અને વાલીબાની માણસાઈની મહેક મિ. રેક્સ નાં અંતરને હજુ ભીંજવી રહી હતી.

- ભારતી વડેરા 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ