વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધસમસતી

ધસમસતી.

---------------

 

   "આમ તો સમજોને હું કોઈને મારી અંગત વાતો કહેતી નથી અને મારા જીવનમાં અંગત જેવું છે જ શું કે,હું છુપાવું.આજ મારા લગ્નને એક વર્ષ પૂરું થવા આવ્યું.ઉમંગ નામે પ્રેમાળ પતિ મળ્યો છે.માથી પણ વિશેષ મારી સાસુ લીલાવંતીબેન મળ્યા છે.એ તો જાણે મારી સહેલી.મને એટલું સુખ છે કે,માવતરે જવાનું જ મન ન થાય.તો તમે પૂછશો કે તો તકલીફ શું છે.કોણજાણે પણ મને હજુ કંઈક ખૂટતું લાગે છે."

 

  "મારા સસરા જયંતીભાઈ તો મારા પપ્પા કરતા પણ મારું બહુ રાખે.મને વાંચવાનો શોખ જાણી તે મારા માટે ઘણા પુસ્તકો લાવે.હું તો જાણે તેની લાડકી દીકરી હોઉં તેમ લાડ લડાવે. મારા સાસુ તો મને જે ભાવે તેજ રસોઈ બનાવવાનો આગ્રહ રાખે.એ બધું એટલા માટે કે,હું તેઓના ખોળે જ મોટી થઈ હતી.ફરી તમે કહેશો તો બહેન તકલીફ શું છે?એતો મને પણ ખબર નથી પણ મને હજુ કંઈક ખુટતું લાગે છે."

 

  "મારુ સાસરું વડોદરા અને માવતર અમદાવાદ.હું મારી મમ્મીને ફોન ન કરું તો મારા સાસુ ખીજાય.બંને પાછી સહેલીઓ ખરીને. હજુ એક મહિના પહેલા મારા મમ્મી પપ્પા અહીં આવ્યા હતા.બે દિવસ રોકાયા હતા. જતી વખતે મારી મમ્મીએ મારી સાસુને કહ્યું હતું કે,માલતીને એક બે દિ ફરવા મોકલજો. ત્યારે મારા સાસુએ હસીને કહેલું કે,અત્યારે જ લઈ જાઓ.અને સૌ હસી પડ્યા હતા. ગઈકાલે જ તેઓની વાત નીકળી ત્યારે મારા સાસુએ કહ્યું,"માલુ, તું એક આંટો અમદાવાદ મારી આવ તો સારું,તારી મા તો મારા લોહી પી ગઈ છે બાપલા.અને એ વાતથી હું અને ઉમંગ ખૂબ હસ્યા હતા.અને આજ સવારે તે મને બસમાં બેસાડવા આવ્યો ત્યારે કહેલું,"તારું ધ્યાન રાખજે.પહોંચીને તરત કોલ કરજે.અને એજ વાત મારા સાસુ સસરાએ કહી હતી.તમે ફરી કહેશો કે,તો લોચો ક્યાં છે?એતો મને પણ ખબર નથી પણ મને હજુ પણ કંઇક ખુટતું લાગે છે."

 

  "ચાલો તમને મારી અંગત વાત જાણવા મારા બેડરૂમમાં લઈ જાઉં.ઉમંગ મને એટલો પ્રેમ કરે કે,ન પૂછો વાત.હું મારી સાસુની સાથે રસોડામાં વાતોના વડા કરતી નવરી થાઉં કે,મારી સાસુ મને કહે હવે તું ઉપર જાને બાપલા,મારુ તો માથું દુઃખે છે તારી વાતો સાંભળીને.અને તમે માનશો હું તેને પાછળથી બાથમાં લઈને તેના ગાલપર એક પપ્પી ભરી કહું કે,શુભરાત્રી મમ્મી તો એ કહે કે,હટ ગંધરી મને આવું બધું ન ગમે હો હું રંજુને કહીશ કે,તારી છોરી મને બહુ હેરાન કરે છે.હું હસીને ઉપર જાઉં ત્યારે ઉમંગ કંઈક વાંચતો હોય અને અથવા લેપટોપ લઈને બેઠો હોય.હું નાઇટી પહેરું કે,તરત તે લેપટોપ મૂકી દે.હું પથારીમાં પડું કે,મને ખેંચીને તેના આશ્લેષમાં લઈ ચુંબનોથી નવડાવી નાખે.ફરી તમે કહેશો કે,બેન તો વાંધો ક્યાં છે.એતો મને પણ ખબર નથી પણ મને હજુ કંઈક ખુટતું લાગે છે."

 

  "તમે એમ સીધું ડાયરેકટ નહીં સમજો.

તમને જરા વિસ્તારથી કહું તો ઉમંગનું કુટુંબ અને અમારું કુટુંબ અમદાવાદની રાજાની પોળમાં રહેતું.એકજ જ્ઞાતિના અને પાછું મારા પપ્પા અને ઉમંગના પપ્પા બંને ખાસ મિત્રો.મારી મમ્મી અને ઉમંગની મમ્મી બંને બહેનપણીઓ.ત્યારે લગભગ હું દસ અગિયાર વર્ષની હોઈશ.પાંચમા છઠામાં ભણતી ત્યારે બે ઘરમાં આવજાવ કરતી રહેતી.ઉમંગ મારી કરતા ત્રણેક વર્ષ મોટો.મને દાખલો ન આવડે કે,લેશન અધૂરું કર્યું હોય તો તેના ઘરે તે મને ડોબી કહી શીખવાડતો.તે એના મિત્રો સાથે બહાર જાય એ મને ન ગમતું.હું દોડીને તેની મમ્મી પાસે પહોંચી તેની ફરિયાદ કરતી.તેની મમ્મી હસતી.પપ્પા પણ હસીને કહેતા કે,તું જ ન જવા દેતી.બીજે દિવસે તે બહાર જતો હોય ત્યારે હું આડે ઉભી રહી તેને રોકતી ત્યારે સૌ હસીને મને સમજાવતા અને ઉમંગ મારો ચોટલો પકડી બાજુમાં ખસેડી નીકળી જતો અને સૌ ખડખડાટ હસતા."

 

  "ઉમંગ સાઇકલ લઈને બહાર જતો હોય તો હું તેની સાથે જવાની જીદ કરું.આખું ઘર માથે લઉં ત્યારે મારી મમ્મી અને ઉમંગની મમ્મી મને લઈ જવાનું દબાણ કરે.ઉમંગ મને પાછળ બેસાડી એક ચકર મારી મૂકી જતો.અને એને બહાર જવું હોય ત્યારે મારા ઘર તરફ નજર નાખી મમ્મીને ઇશારાથી પૂછતો માલુ?ત્યારે મમ્મી દરવાજામાં ઉભી આડશ કરી તેને જવાનો ઈશારો કરતી.અરે એવા તો ઘણા સંભારણા છે શું વાત કરું!"

 

  "હું દસમામાં આવી ત્યાં સુધી આવી ધમાલ ચાલુ રહેતી.પણ પછી તેઓએ શાહીબાગ. વિસ્તારમાં ફ્લેટ લીધો અને ત્યાં રહેવા ગયા.તેના એક વર્ષ બાદ અમો પણ મણીનગરમાં સરસ મકાન ખરીદ્યું અને ત્યાં રહેવા ગયા.પણ બંને કુટુંબોનું આવન જાવન ચાલુ હતું.ટૂંકમાં કહું તો ત્યારબાદ ઉમંગ આગળ ભણીને કેમિકલ એન્જીનીયર બન્યો અને વડોદરાની કંપનીમાં નોકરી મેળવી.ત્યારથી તેઓ વડોદરા રહે.ઉંમર થતા જાણે મારા અને તેના પપ્પાએ નક્કી કર્યું હોય તેમ અમારા બંનેના લગ્ન લેવાયા.અને હું સાસરે આવી.હવે તમે કહેશો કે,આતો સોનામાં સુગંધ ભળી.પણ કોણજાણે મને હજુ કંઈક ખુટતું કેમ લાગે છે"

 

  "દર રવિવારે કે,રજાના દિવસે અમો બહાર ફરવા નીકળી જતા.બહાર જમતા.હું મારી સાસુને લીલીમાસી કહેતી તે હજુપણ લીલીમાસી જ કહું અને સસરાજીને જેન્તી અંકલ કહેતી પણ હવે પપ્પા કહું છું હો. ક્યારેક લીલીમાસી રજા હોય ત્યારે ડોળ કરતા કે,મારી તબિયતમાં આજ મજા નથી તમો બંને જાઓ.એ ન આવે એટલે સ્વભાવિક મારા પપ્પા પણ ન આવે.હું સમજુ કે,અમોને એકાંત મળે એ હિસાબે તેઓ નથી ચાલતા.પણ મમ્મી મને તૈયાર થવામાં બહુ મદદ કરે.ઘરનું કામ પણ એજ કરે.જિન્સની પેન્ટપર આ પહેર અને ઓ પહેર કહી મીઠી જીદ કરે ત્યારે હું મમ્મી કરતી તેને ચોંટી તેનો ગાલ ભીનો કરું ત્યારે તે કહે હટ ગંધરી.આવો મારો સંસાર.ઘણીવાર મને વિચાર આવે કે તો પછી મને કેમ કંઈક ખુટતું લાગે છે?"

 

  "અત્યારે તો હું બસમાં બેઠી છું.વિચારું છું દ્રાઇવિંગ શીખવું પડશે.મમ્મી અને ઉમંગનું કહેવું છે કે,પપ્પાને નથી આવડતું તો તું શીખ તો ક્યારેક કામ આવે.ઉમંગને રજા ન હોય અને ક્યાંક જવું હોય તો?...વિચારું છું પાછી આવીને દ્રાઇવિંગ સ્કૂલમાં જવું જ છે.હવે અમદાવાદ આવું આવું કરે છે.લો આવી ગયું.મને ખબર હતી પપ્પા લેવા આવશે.મારે તો બે દિવસ રોકાવું હતું એટલે નાનો એવો થેલો અને એક પ્લાસ્ટિકસની મોટી થેલી.એને થેલો કહું તો થેલો.બાપરે ઉમંગે તો ત્યાંથી નાસ્તા મોકલ્યા હતા! આખી થેલી ભરેલી અને પપ્પા વડોદરાનો લીલો ચેવડો લાવેલા."

 

  "પપ્પાએ એક્ટિવા આગળ સામાન ગોઠવ્યો અને પહોંચી મારે ઘેર.પહેલું કામ બુચકારી મમ્મીના ગાલ ભીના કરવાનું કામ.પપ્પાને ભેટવાનું.મમ્મી એજ શબ્દ વાપરે જે મારા સાસુ વાપરતા હોય,હટ ગંધરી અને મમ્મી પપ્પા હરખાઈ હસી પડે."

 

  "બીજું બધું પછી પહેલા લીલીને ફોન તો કર,"...મમ્મીએ કહ્યું,

 

  "ઓહ હા,કરતી મેં ઉમંગને ફોન કર્યો.એને એમ કે,હું તેને એકાંતમાં ફોન કરતી હોઈશ તો મંડ્યો પ્રેમની લવારી કરવા.હું બીજા રૂમમાં જઈ વાત કરી પછી હોલમાં આવી સાસુજીને ફોન કર્યો તો મજાકમાં કહે હવે તું આવતી જ નહીં ગંધરી,દે તારી મમ્મીને.હું સમજતી હતી કે,હવે બે જણી પંદર વીસ મિનિટ વાતો કરશે.હું પપ્પા સાથે ગપા મારતી બેઠી.તેણે મારા સસરા વિશે ખબર પૂછ્યા અને એવું બધું.બપોરે તો હું જમીને સુઈ ગઈ."

 

  "સાંજે મારી બહેનપણીઓ સાથે સાંજ વિતાવી. માણેકચોકમાંથી થોડી ખરીદી કરી અને બહાર નાસ્તો કરી ઘેર પહોંચી. રાત્રે પપ્પા ટી.વી.સામે આઈ.પી.એલ.ની મેચ જોવા બેઠા.વાત નીકળી તો કહે જેન્તી વગર મેચ જોવાની મજા ક્યાં.મેં પણ મજાક કરી અને રિમોટ હાથમાં લઇને મારી ફેવરિટ ચેનલ રાખી.બંને હસી પડ્યા. મમ્મીએ કહ્યું,"તું ત્યાં જેન્તીભાઈને પણ મેચ જોવા નહીં આપતી હો."..મેં કહ્યું અપૂનકા ટાઈમ ફિક્સ કરેલા હૈ મામૂ"

 

  "પપ્પાએ કહ્યું જેન્તીને મારી જેમ ક્રિકેટનો બહુ શોખ,તું તેને જોવાય નહીં દેતી હો.મેં કહ્યું એ પણ તમારી જેમ એક મિનિટ હો કહી મેચનો સ્કોર જોઈ ફરી મારી ચેનલ રાખે એ પણ જાહેરાત દરમિયાન.ત્યાં સુધી તેની બે ત્રણ વિકેટો પડી ગઈ હોય"અને અમો ત્રણેય ખૂબ હસ્યા."

 

  "રાત્રે હું મમ્મી સાથે સુતી ત્યારે મમ્મીએ પૂછ્યું તું સુખી તો છોને બેટા.ખુશ છો?મને ખ્યાલ આવ્યો અત્યારે તે અસલ માના રોલમાં આવી અને દીકરીની ચિંતાને હિસાબે પૂછે છે.અને તમે માનશો મેં જે તમને વાત કરી એજ બધી વાત એને કરી કે,મમ્મી હજુ પણ મને ખબર નથી પડતી કે,કેમ હજુ કંઈક ખૂટે છે. અમો ઘણી વાતો કરી પણ તેતો હસતી જ રહી.અને પછી મને કહે મારી વાત સાંભળ હવે તારી જીભડી બંધ રાખી મારી વાત સાંભળ. વચમાં ડબડબ બંધ સમજી.અને મેં હા પાડી.હું તો તેની વાત ધ્યાનથી સાંભળતી જ રહી.એ એવી વાત હતી કે,હું સાંભળતા જ સ્તબ્ધ થઈ ગઈ.એ વાત હું અત્યારે તમને નહીં કહું.હવે તો મને વડોદરા જવાની તાલાવેલી લાગી.અને બે દિવસ રોકાઈ ખૂબ મજા કરી હું વડોદરા પહોંચી."

 

  "ત્યાં પણ મારા પપ્પા એક્ટિવા લઈને આવેલા.જેન્તીઅંકલને ગાડી ક્યાં આવડે છે?હું ઘેર પહોંચી.મમ્મી રાહ જોતી હતી.ખૂબ ભેટી.અમને ત્રણેયને હરખના આંસુ આવી ગયા ત્યાં સુધી હસ્યા.સાંજે ઉમંગ આવ્યો.મેં ફટાફટ નાસ્તો આપ્યો.મારા સસરાને ચાની બહુ ટેવ.મારી મમ્મી ટોકે પણ મેં આજ તેને બે વાર ચા બનાવી આપી.તે તો મનમાં રાજી થઈ ગયા."

 

  "સાંજે પપ્પાની જમવાની મનપસંદ વેરાયટી બનાવી અને મમ્મી માટે લીલી ચટ્ટણી. બધા ખુશ.રસોડામાંથી હું અને મમ્મી બહાર આવ્યા ત્યારે મેં જોયું તો ઉમંગ અને પપ્પા આઈ.પી.એલ.ની મેચ ચાલુ કરી જોતા હતા.હું અને મમ્મી પણ સામે ગોઠવાયા કે,પપ્પાએ રિમોટ મારી તરફ સરકાવ્યું પણ હું તો મમ્મીનો હાથ પકડી મારા બેડરૂમમાં ઉપર લઈ ગઈ.તેના એ..ય છોરી આ બધું શું છે?ના જવાબમાં મેં કહ્યું મમ્મી કપડા ઉતારો.તેણે મારી સામે વિસ્ફારિત નેત્રે જોયું.મેં તરત તેને તરત જિન્સની પેન્ટ આપી કહ્યું,આ પહેરો તો જોઉં."

 

  "તને આજ થયું શું છે?હું આ ઉંમરે!"

 

  "તમે તો પહેરતા જ મમ્મી પ્લીઝ"..અને તેને બાથરૂમમાં મોકલી કહ્યું,મમ્મી જલ્દી હો"

 

  અંદરથી બળબળાટ મને સંભળાતો હતો.હું હસતી હતી ત્યાં તેણે આવી કહ્યું,"આ મને પુરી થાય?તારી કમર જો અને મારી"

 

  "એક મિનિટ મમ્મી"...કહી મેં તેને અમદાવાદથી નવી ખરીદેલી બ્લેક કલરની જીન્સ કાઢી જેની કમર સાંકડી કરાવવાની બાકી હતી.તે મોં ફુલાવી અંદર ગયા અને થોડીવારે બહાર આવ્યા.હું હસવું રોકી ન શકી.મેં કહ્યું,"મોમ,આ બ્લાઉઝ અને જીન્સ પેન્ટમાં તમે અસલ લાગો છો".

 

  "વાંદરી?"

 

  "ના,ના,હન્ટરવાલી".હું હસતે હસતે માંડ બોલી શકી.મેં તેને ઉમંગનો ટુંકીબાયનો શર્ટ જબરદસ્તીથી પહેરાવ્યો. હવે તે વિરોધ નહોતા કરતા.તે મારી જીદ સમજતા હતા પણ તેણે મજાકમાં ઝૂકીને મને વંદન કર્યું કે,હું હસીને તેને નીચે ખેંચી લાવી.ઉમંગ અને પપ્પા તો આ જોઈ ખૂબ હસ્યા.પપ્પાને જાણે આજ આઈ.પી.એલ.જોવાની મોકળાશ મળી હતી.હું મમ્મીને ખેંચી રસોડામાં લઈ ગઈ અને અડધો કપ ચા બનાવી મમ્મીને ટ્રે માં આપી કહ્યું,

 

  "પપ્પાને સર્વે કરો"....એક મિનિટ મમ્મી"..કહી મેં ત્યાં લટકતી ઓઢણી તેને માથે થોડું મોં દેખાય તેમ ઓઢાડી.તે પણ રોનકમાં આવી પપ્પા સામે જઈ ઝૂકીને ટ્રે ધરી.અને અમો સૌ ખડખડાટ હસ્યા.ખૂબ હસ્યા.મમ્મીએ  ઓઢણી દૂર કરી કહ્યું,"મારો મોબાઈલ ક્યાં છે?લાવો તો રંજુને ફોન કરું કે, આ છોરીને શું ખવડાવીને મોકલી છે.જ્યારથી આવી છે મારા તો લોહી પી ગઈ બાપલા."

 

  અને એના આ અનેરા એક્સનયુક્ત ડાઉલોગથી હાસ્યનું મોજું ફરી વળ્યું.મેં પપ્પા સામે જોઈ કહ્યું "પપ્પા, હું ઇન્ડિયાની મેચો જોતી પણ આ આઈ.પી.એલ.માં તો ખબર ન પડે કે,રમતો બેટ્સમેન આઉટ થશે પછી કોણ આવશે.ધોળીઓ કે,કાળિયો."

 

  "પપ્પા હસ્યા પણ તેનું ધ્યાન ટી.વી.તરફ હતું.મેં જોયું તો મુંબઇ ઇન્ડિયન્સ અને ધોનીની ટીમ આમને સામને હતી.પપ્પાએ કહ્યું,"જો આ ધોનીની ટીમને પાંચ ઓવરમાં પાંત્રીસ રનની જરૂર છે."

 

  "એતો થઈ જશે'ને?"

 

  "કંઈ નક્કી નહીં, પાંચ વિકેટ તો ગઈ છે અને બુમરાહની બે ઓવર બાકી છે."હું બહુ સમજી નહીં પણ તેનો ઉત્સાહ માતો નહોતો.ઉમંગ સૌ સામે જોઈ ઉપર ગયો.મમ્મીએ મારી સામે જોઈ આંગળી ગોળ ફેરવી અદાથી ઉપર જવા કહ્યું,મેં પપ્પાને કહ્યું,"પપ્પા ચા બનાવું?"

 

  "તેણે બેધ્યાનપણે ના કહી.હું મમ્મી સામે જોતી ઉપર ગઈ.દરવાજો ખોલી પાછળ જોયું.

 

 ઓહો હજુ તમે આ બધું સાંભળી રહ્યા છો તો કહી દઉં કે,મમ્મીએ મને શું કહ્યું હતું.તેનું કહેવું હતું કે,સૌ તને લાડ લડાવે છે એમ સૌને પણ હોય કે,કોઈ મને લાડ લડાવે સમજી.અને અનેક દાખલાઓ આપી મને સમજાવેલી.મને કહેલું કે,શાંત નદી સમુદ્રને મળે ત્યારે સમુદ્ર પણ શાંત હોય પણ ઝાડી ઝાંખરા,પર્વત કે,પથ્થરો આડે આવે તો પણ ધસમસતી નદીને કોઈ રોકી ન શકે અને એ જોશભેર જ્યારે સમુદ્રને મળે ત્યારે સમુદ્ર પણ ઉંચા મોજા થકી તેને પોતામાં સમાવી દે એમ તું સૌને લાડ લડાવ અને ધસમસતી જા સમજી.અને હું સમજી ગઈ.તમે સમજ્યા?હવે હું ઉમંગ પાસે ધસમસતી જઉં છું હો.અને ખટાક સાથે દરવાજો બંધ કર્યો.

-------------------------

 

  

 

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ