વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લૂ જેવું આયખું


   લૂ જેવું આયખું

----------------------- - શૈલેષ પંચાલ.

                    વૈશાખી વાયરો આજે બેફામ હતો. એ એકલો નહોતો. એની કાખમાં ધૂળ અને લૂ બેસાડી આવ્યો હતો. દીનો આંખે છાજલી કરી ઘૂમરી ખાતા ગામને જોઈ રહ્યો. આ ગામમાં આવતાં એના પગ મંડાતા નહોતા. આ કાંતાનું સાસરું હતું. કાંતાને દિનાએ ઓછી નહોતી દુભવી. 

                     "મારુ પેટ બરે દીનીયા..." એ ગળગળા સાદે વિનવણી કરતી ને દીનો હસતો. કાંતા એની નાતમાં એક નંબરની સોડી હતી. ગોળ, દેખાવડો ચહેરો.. ત્રાંબા જેવા ચમકતા હોઠ... નાચતી ને જગને નચાવતી આંખ્યું... એ ગોરી હતી પણ, ખેતરમાં મજૂરી કરીને એનું મોઢુ લાલચોળ બની ગયેલું. એની વાહે ગામના, નાતના જુંવાનીયા ટાપી બેઠાં હોય પણ, કાંતાનાં હૈયે દીનો વસી ગયેલો. આમ તો દીનામાંય કોઈ અવગુણ નોતા. એનું શરીર સૌષ્ઠવ ગજબનું હતું. ગામની નિશાળમાં પંદરમી ઓગસ્ટે એ ચંદ્રશેખર આઝાદનો રોલ કરે. સૌ એને જુવે. 

        કાંતા આમ તો બાજુના ગામની પણ, બેયનું ખેતર એક સેઢે. 

કાંતા ચાર વાઢવા કે બોકનો વેણવા આવે ત્યારે દિનો કોદાળી પાવડો લઈને ધોળી બંડી પેરી મજૂરી કરતો હોય. આમ જ બેયની આંખો મળેલી. નવરા પડે ત્યારે વાતો કરે. દીનો ભલો ને હમદર્દ હતો. કાયમ બીજાને મદદ કરે. કાંતાને પ્રેમની કટારી અંદર સુધી પેસી ગઈ હતી પણ, બોલવાની હિંમત ના ચાલે.

                કાંતા માવતર વગરની સોડી. કાકા કાકી જોડે ઉછરેલી. હૈયે ઊગેલાં કૂણાં કૂણાં અરમાનો મૂકવાની જગ્યા બહુ ઓછી હતી એટલે, મનોમન બધી તૈયારી કરવા માંડેલી. એનાં ભાગમાં બે વીઘા જમીન હતી જે મેલીને માવતર મરી ગયેલા. એક ભેંસ હતી. કાંતાનું સગપણ નાનપણમાં થઈ ગયેલું પણ, કાકા કાકી સામે જીદ પકડી ફોક કરાવેલું. જોકે, આ બધા પાછળ દીનાનું ઘર બાંધવાનો ઈરાદો કોઈ જાણતું નહોતું. અરે, દીનાને ય ખબર નહોતી.


   રોજ બેય ખેતરમાં ભેગા થઈ જાય. હસીને બે વાતો કરે. એકબીજા વિશે, અંગત વાતો પણ થાય ને સાંજે મલકાતાં મલકાતાં છૂટા પડે. કાંતાનાં હૈયે એ મલકાટ ક્યારે તલસાટ બનીને વસવાટ કરતો થયો એનો અંદાજ પણ ન આવ્યો. આખરે, કાંતાએ નિર્ણય લીધો. એની બે વીઘા જમીન સાથે એ દિનાનું ઘર માંડશે. કાકા કાકીને ખબર પડી એટલે ઉહોપાહ થયો. કાકા તો સમજું હતા પણ, કાકીએ ઝઘડો કર્યો. ઘરમા બબાલ થઇ. છેવટે બધું શાંત થયુ. કાંતાનાં કાકા ભત્રીજીનું માંગુ લઈને દીનાના ગામે ગયાં. 


  કાંતાનું નસીબ બે ડગલાં આગળ હતુ.એનાં કાકા પાદરમાં પહોંચ્યા ને ખબર પડી કે દીનાનું સગપણ કરવા આજે મહેમાન આવ્યા છે એટલે એ પાછા વળ્યા. ઘેર આવ્યા. કાંતાને વાત કરી. કાંતાને ધ્રાસકો પડયો. પણ, ધીમે ધીમે મન મક્કમ કર્યું. એ તો દિનો એક દિ માં થોડો હા પાડી દેશે.. પણ, સાચે જ દીનાએ એક દિવસમાં હા પાડી દીધી હતી. શહેરની સરસ છોકરીનું માંગુ કોણ ઠેલે? કાંતા માથે વીજળી પડી. શમણાં ધૂળમાં રગદોળાઈ ગયાં. ડૂમો બાઝી ગયો.


  બે દિવસ પછી એ ખેતરે ગઈ ત્યારે દીનો મળ્યો. એણે હૈયું ખોલી નાખ્યું."ભોડા... તારા લીધે મે લખણું લીધું. મારા કાકા કાકી હામે અકારી થઈ..." બોલતાં બોલતાં એ રડવા લાગી.


  દિનો સ્તબ્ધ હતો. 


"મને ચાથી ખબર હોય.... તારે વાત તો કરવી જોવે ને..."


  "હજુ મોડું નથ થયુ દીના... ના પાડી દે..હેય સુખેથી આયખું જાશે બેયનું"


   "આમ ગાંડા ના કાઢ...હવે થોડી ના પડાય.."


     જોકે, કાંતાની કસાયેલી કાયા જોઈને દિનાને ય એકવાર થઈ ગયેલું કે આને કેમ ઠેલાય પણ, શહેરની છોકરી જોડે સંબંધ કરવામાં મોભો વધશે. કાંતા તો ગામઠી. એ પછી કાંતા રોજ દિનાને વિનવે, રડે, માથું પછાડે, માનતાઓ રાખે. પણ, દીનો ન ડગ્યો. કાંતાને એણે રોતી મેલી. એનાં નિસાસા.. કકળાટ... આ બધું સહન ન થવાથી એણે વાત કરવાનું જ બંધ કરી દીધું. માવતર વગરની અનાથ યુવતીના આંસુ રોજ રાત્રે ઓશીકું ભીંજવે. એ કોને કે? એક્વાર છૂટું લઇ સમાજમાં પંકાઈ ગઈ હતી એટલે, એ રસ્તો પણ બંધ થઈ ગયો હતો. એનાં ઉના ઊના આંસુ ઠંડા પડતાં જ નહોતાં. 


  આખરે, દીનો પરણ્યો. પરણીને શહેરમાં ગયો. ભાંગેલા, તૂટેલા હૈયે કાંતા પણ અણગમતા, સાદા જુવાન જોડે ઘઘરી ગઈ.


    આજે વર્ષો પછી કાંતા જે ગામમાં ઘઘરી હતી એ ગામમાં સર્વે કરવા આવવાનું થયું હતું. દિનો શહેરમાં જઈને એક કંપનીમાં નોકરી પર લાગ્યો. એની પત્ની વધારે ચાલક હતી. દીના સાથે એનાં ઝઘડાં વધતાં ગયાં ને છેવટે, ડિવોર્સ થયાં. દિનો એ કંપની છોડી એક એન.જી. ઓ. માં લાગ્યો. પગાર સાથે સેવા પણ થતી હતી.દુષ્કાળના દિવસોમાં સર્વે કરવા એ અહી આવ્યો હતો. પાદરમાં પગ મૂકતાં જ એને કાંતા યાદ આવી ગઈ. કાંતાનાં નિસાસાએ એનું જીવન સળગાવી દીધું હતું. એ પૂછતો પૂછતો કાંતાનાં ઘેર પહોંચ્યો. 


  વાડામાં એક ખૂણે ઘર હતું. આગળ ભેંસો બાંધેલી હતી. ચોકમાં એક ચોકડી બનાવેલી હતી. એની આડે ખાટલો પડ્યો હતો. ચડ્ડી વગરનાં છોકરાં કૂદતાં હતાં. બાજુમા ચાર પડી હતી. એક સ્ત્રી પોતાની મેલી સાડીનો છેડો કેડ પર ખોસીને નજીક આવી ત્યારે એની ચાલ પરથી દિનો ઓળખી ગયો.


   "કાંતા...."


   "દીના..."


   "આ જરા તમારા ગામમાં સરવે કરવા આયો તો તે કીધું તને ભેગો થાતો જાઉ"


   "લે.. ઈ તો હારું કર્યું ને...આય બેહ.. ખાટલો ઢાળું..." 


કાંતાએ ફટાફટ ખાટલો ઢાળીને એની ઉપર ધોળું ગાદલું પણ નાખ્યું. 


  " અરે ચાલશે.."


  "ચાલશે વારી..નાખવા દે છાનોમાનો"


      દિનો ઘરને જોઈ રહ્યો. કાંતાનો ઘરવાળો દાળીએ ગયો હતો. છોકરાં નવા મહેમાન જોઈ સંતાઈ ગયેલાં. બપોરનો સમય હતો. ધૂળની ડમરીઓ ચડી હતી. કાંતાએ પાણીનો લોટો આપ્યો. દિનો એકીશ્વાસે પી ગયો. ઉનાળામાં આ ગામડાઓમાં બપોરે,એય વૈશાખની બપોરે આવો એટલે ગળામાં શોષ પડવો શરુ થઈ જાય. 


     "ચેવું ચાલે?" એ કાંતાને પૂછી બેઠો.


  "હેડયે રાખે.. ઇવડા ઈ સીધા બિચારા.. કાય લપનછપન નઇ.. તું હોત તો રંગ રઇ જાત ભોડા..."


  "એમ?" દિનો મલક્યો


"હાસ્તો પણ, તારી વાતમાં મે જારે લાલચ જોઇ શેરની સોડીની પછી મે નક્કી કર્યું કે હવે છૂટકો નથ ઘઘર્યા વિના... તારે ચમ હેડે?"


   "મારુ છૂટું થઈ જ્યું"


    "હે.."


" પણ ચમ કરતાં?"


"ના મેળ આયો"


"ઈ તો મને ખબર હતી પણ, તું આંધળો થઈ જ્યો તો.."


  "મને માફ કર કાંતા"


 "હવે શું ભોડા...થોડો કાઠો થ્યો હોત તો આયખું નોખું હોત ગાંડા... અફસોસ ના કર હવે.. મે મારુ છૂટું કરી પગમાં કવાડી લીધી તી.. તે પૈણીને..."


    "મારી મતિ ભમી જઇ તી.. મારુ ખોરડું તારા જેવી હમજુ હાચવી હેકે હો.."


   "ઈ તારે તને મારા ઉના ઊના આહુડા નતા દેખાતા..હવે જાતિ ઉમરે ફતવા કરીયે તો કોક ગાંડા કે... હખેથી જીવી ખા...કોક મળી જાશે..."


   "તારા જેવી નઇ મળે ને"


  "મારા કરતાં ય હારી મળશે પણ, જે હામેથી હૈયાનાં હેત લઈને આવતી હોય એને કોઈ દી જાકારો ના આલવો.. એવું પાતર તમને ન્યાલ કરી દે ગાંડા"


     વૈશાખી ડમરીઓ ધીમે ધીમે શમી રહી હતી. સાંજ પડી રહી હતી. બે કલાક જેવું બેસીને દિનો ત્યાથી રવાના થયો ત્યારે વૈશાખી લૂ અદ્ર્શ્ય થઈ રહી હતી ને સહેજ ટાઢક વળી હતી. કાલ સવાપોર દી ઉગશે, જીવતરને તપાવી દેતો બપોર ચડશે, વળી વૈશાખી લૂ વરતાશે, હૈયાનાં આંગણે ઉનાં ઉના નિસાસા આવશે, લૂ ને નિસાસા એક બની જાશે.


          - શૈલેષ પંચાલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ