વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અઘોર સમાધિ

           હું મંત્રનું રટણ કરતાં આગળ વધી રહ્યો હતો, પણ તે જ સમયે મારી ઉપર ભયંકર આઘાત થયો અને હું હવામાં ઉડ્યો. આ પ્રથમવાર હતું કે કોઈએ મારાં ચક્રો ઉપર પ્રહાર કર્યો હતો. હું ન ચાહતાં પણ ભયંકર શક્તિઓના ગજગ્રાહમાં ફસાઈ ગયો હતો. મારું મૃત્યુ અથવા જીવનભરનો લકવો એ બે શક્યતાઓ જ મારી નજર સામે આવી. કાશ! એ લોકો મારી પાસે ન આવ્યા હોત.

****

        સત્તર દિવસ પહેલાં

        ગઈકાલે જ પંદર દિવસના પ્રવાસેથી પાછો આવ્યો હતો. આ પ્રવાસે મને થકવી નાખ્યો હતો. આમ તો સામાન્ય લોકોની દ્રષ્ટીએ હું પ્રવચન આપવા માટે બેંગ્લોર ગયો હતો, પણ ખરેખર તો હું ત્યાં એક વિધિ કરવા ગયો હતો જેના દ્વારા એક શક્તિશાળી આત્માને મુક્તિ આપી હતી. જો મારું ઉપરનું વિધાન વાંચીને મને ભગવાં કે કાળાં વસ્ત્રો પહેનાર અને સફેદ દાઢી ધરાવનાર તાંત્રિક સમજી લીધો હોય તો માફ કરશો. હું તાંત્રિક ખરો, પણ મારી એ ઓળખાણ બહુ ગુપ્ત છે, બહુ ઓછા લોકો મારી એ બાજુ જાણે છે. જાહેરજનતા માટે હું પ્રેરક વક્તા (મોટીવેશનલ સ્પીકર) છું અને જુદા જુદા સ્થળોએ પ્રવચન આપવા જતો હોઉં છું. હંમેશાં સૂટબૂટમાં સજ્જ હોઉં છું અને તાંત્રિક વિધિઓ દરમ્યાન મારી ફેવરેટ ડેનીમ પહેરું છું. હું ખોટા દેખાડામાં માનતો નથી.

        હું એક ગુપ્ત સંગઠનનો એક ભાગ છું, જે લોકોને ત્રાસ આપતા દૃષ્ટ આત્માઓને મુક્તિ આપવાનો ઉપક્રમ ચલાવે છે. હું દસ વર્ષ પહેલાં આ સંગઠનનો ભાગ બન્યો અને આ દસ વર્ષ દરમ્યાન અનેક વિધિઓ શીખ્યો અને અનેક આત્માઓને મુક્તિ આપી. કોઈ મકાન કે સ્થળે કોઈ ભયંકર આત્મા લોકોને ત્રાસ આપી રહ્યો છે એવી જાણકારી અમારા સંગઠનને મળ્યા પછી ગુરૂજીના આદેશ પ્રમાણે અમે ત્યાં જતા અને ઉચિત વિધિ દ્વારા તેને મુક્તિ આપતા. મારો સફળતાનો આંક બહુ ઉંચો હતો.

***

        બેંગ્લોરથી સાંજે જ પહોંચ્યો હતો. થાકી ગયો હોવાથી જમવાનું ઘરે બનાવવાને બદલે બહારથી મંગાવ્યું. રાતે સૂતાં પહેલાં જાપ કરવા લાગ્યો. જાપ પૂર્ણ થયા તે સમયે જ ફોન રણક્યો. ફોન કરનારે કહ્યું, “હેલો પ્રણવજી, હું ઉમાકાંત બોલું છું અને મારે તમને તાત્કાલિક મળવું છે.” હું આશ્ચર્યમાં પડી ગયો કારણ મને મારા આ નામથી ભાગ્યે જ કોઈ ઓળખે છે. મને લોકો આદિત્ય પ્રકાશ નામથી ઓળખે છે. મારા સંગઠનમાં પણ આદિત્ય નામથી જ જાણીતો છું.

        “હું પ્રણવ નહિ આદિત્ય બોલું છું.” મેં મારી મૂળ ઓળખાણને છુપાવવાનો પ્રયત્ન કર્યો.

        “હું સારી રીતે જાણું છું કે તમારાં ઘણા નામ છે, પણ એ મહત્વનું નથી, મારું તમને મળવું મહત્વનું છે.” તેના અવાજમાં દ્રઢતા હતી.

        “તમે કાલે સવારે દસ વાગે ઘરે આવી જાઓ.” મેં હથિયાર હેઠાં મૂકતાં કહ્યું.

        “સારું, તમને મારા આવવાના કારણ વિષે થોડી જાણકારી આપી દઉં. આવતી કાલે હું મારા મિત્ર કેવલ શાહ સાથે આવીશ. તેણે એક જમીન ખરીદી છે અને તેની કિંમત લગભગ પચ્ચીસ કરોડ છે, ત્યાં મોટો પ્રોજેક્ટ થવાનો છે, પણ અડચણ એ આવી છે કે ત્યાં કોઈ સમાધિ છે અને તેને લીધે સાફસફાઈનું કામ પણ આગળ નથી વધી રહ્યું. સાફસફાઈ કરનાર પાંચ મજૂરનાં મોત થઇ ચૂકયા છે એટલે હવે કોઈ કામ કરવા તૈયાર નથી. જો આપ કોઈ સશક્ત વિધિ દ્વારા તે સમાધિ હટાવી આપો તો આ પ્રોજેક્ટ આગળ વધે. જો આ પ્રોજેક્ટ ન થયો તો તે બરબાદ થઇ જશે.”

        હું તેની મુસીબત સમજી શકતો હતો. પચ્ચીસ કરોડ એ નાનીસૂની રકમ ન કહેવાય. હું ગુરૂજીના આદેશ સિવાય કામ કરવાનો નહોતો, છતાં તેમને મળવામાં કંઈ અજુગતું નહોતું એટલે સારું કાલે સવારે મળીએ કહીને ફોન મુક્યો.

        સવારે ઉઠ્યા પછી જોયેલ સ્વપ્ન યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ફક્ત અગ્નિ, ત્રિશુળ અને ગદા દેખાઈ એટલું જ યાદ આવ્યું. ઘણા સમય પછી સ્વપ્ન દેખાયું હતું એટલે મારે ગુરૂજીનો સંપર્ક કરવો જરૂરી હતો. હું ધ્યાનમાં ગયો અને તેમનું સ્મરણ કર્યું એટલે મને તેમની ધૂંધળી આકૃતિ દેખાવા લાગી. મેં તેમને ફોન આવ્યો અને મારું જે નામ હવે ઉપયોગમાં નથી તે લીધું તે વાત કરી અને સમાધિ અને જમીન વિષે કહ્યું.

        મારી વાત પૂર્ણ થયા પછી તેમણે કહ્યું, “પ્રણવ, આ તારી સૌથી આકરી કસોટી છે. તે એક અઘોરીની જીવંત સમાધિ છે. જીવંત સમાધિ મોટેભાગે સાધુઓની અને મહાત્માઓની હોય છે, પણ તેની સમાધિ એ કોઈ વિચિત્ર પ્રકાર છે. તેનું નામ કાલિદાસ હતું, લગભગ પાંચસો વર્ષ પહેલાંની આ વાત છે. કાલિદાસ મૂળ શિવભક્ત હતો, પણ તે એક અઘોરીના સંપર્કમાં આવ્યો અને તેને પોતાનો ગુરુ બનાવ્યો. તે અઘોરી વામપંથી હતો અને અઘોર સાધના માટે કાલિદાસ પાસે વિચિત્ર માંગણીઓ શરૂ કરી. માંસ, મદિરા, મડદાં અને કુંવારિકાઓ લાવવા કહ્યું. તે કુંવારિકાઓ સાથે સંબંધ બનાવતો. મડદાં ઉપર બેસીને કાળી વિધિ કરતો. તેણે કાલિદાસને પણ આ વિધિઓ શીખવી. કાલિદાસ ભયંકર વિધિઓ દ્વારા શક્તિશાળી બનવા લાગ્યો અને પોતે ઈશ્વરની નજીક છે એવું તેને લાગવા લાગ્યું. તે નિર્વિકારને બદલે વિકારી બની ગયો, તેનો અહંકાર પણ એટલો જ વધ્યો. મૃત્યુ નજીક છે એવું લાગતાં તેણે સમાધિ લેવાનું નક્કી કર્યું. તેની સમાધિ જીવંત રહે તે માટે તેણે અટપટી વિધિઓ કરી જેથી મૃત્યુ પછી પણ તેની વાસનાઓ પૂર્ણ થતી રહે એવી વ્યવસ્થા કરી. તેથી જ તે સ્થળની નજીકની દારૂની દુકાનમાં બોટલોમાંથી દારૂ ઓછો થઇ જાય છે અને નજીકમાં રહેતી સ્ત્રીઓને રાત્રે અચાનક ભાસ થાય છે કે કોઈ તેમની સાથે સહવાસ માણી રહ્યું છે.”

        મારા મનમાં અનેક પ્રશ્નો રમી રહ્યા હતા, પણ હું પૂછું તે પહેલાં જ તેમણે કહ્યું, “હું જાણું છું તારા મનમાં અનેક પ્રશ્નો છે, પણ એ વાત જાણી લે કે આ કાર્ય તારે જ કરવાનું છે. કેવલ શાહ એ બહુ જ સાત્વિક વ્યક્તિ છે, પણ પૂર્વજન્મનાં કર્મને લીધે તેણે શાપિત જમીન ખરીદવાનો નિર્ણય લીધો છે. તેનું નિરાકરણ તારે લાવવું રહ્યું અને કેટલાક પ્રશ્નોનો જવાબ તને સમય આવે જ મળશે. સમય પહેલાં જવાબ મળવાથી તું ખોટી દિશામાં જઈ શકે છે.”

        હું ધ્યાનમાંથી બહાર આવીને ઉમાકાંત અને કેવલની રાહ જોવા લાગ્યો. મારી ઉત્કંઠા વધી ગઈ હતી. આવ્યા પછી તેમણે મને વિગતે વાત કરી. તે જગ્યા નાસિકની બહાર હાઈવેની નજીક હતી. તેઓ આવે તે પહેલાં મેં થોડું સંશોધન કર્યું હતું. લગભગ પંદર દિવસની વિધિ હતી અને ત્યારબાદ જ સમાધિ ત્યાંથી હટાવી શકવાની શક્યતા હતી. મેં તિથિઓ ગણી અને પાંચ દિવસ પછી ત્યાં આવીશ એવું કહ્યું. તે પાંચ દિવસ દરમ્યાન મારે ઘણી બધી વિધિઓ પાર પાડવાની હતી. તેમના ગયા પછી મેં મારા સેક્રેટરીને ફોન કરીને મારી બધી જ અપોઈન્ટમેન્ટ એક મહિના સુધી કેન્સલ કરવા કહ્યું.

        સર્વપ્રથમ મેં રક્ષાકવચ સ્ત્રોત્રનું પઠન શરૂ કર્યું. સ્તોત્ર પઠન દ્વારા ઉમાકવચ, દત્તકવચ, ભાર્ગવકવચ અને વજ્રકવચ પોતાની આજુબાજુ પ્રગટ કર્યાં. આ કવચોને લીધે મારી ઉપર કોઈ સીધો પ્રહાર નહિ કરી શકે એ નક્કી હતું. તે ઉપરાંત અભિમંત્રિત ગંગાજળ, એકમુખી રૂદ્રાક્ષની માળા અને અન્ય રક્ષાત્મક સાધનો એકત્ર કરી લીધાં. વચ્ચે ધ્યાનમાં જઈને ગુરૂજી પાસે વધુ માર્ગદર્શન પણ મેળવી લીધું.

        નક્કી કરેલા દિવસે હું મારી ગાડી દ્વારા નાસિક જવા નીકળ્યો અને નિશ્ચિત હોટેલ ઉપર અમે મળ્યાં. પહેલે દિવસે અમે દૂરથી જમીનનું નિરીક્ષણ કરવાના હતા. જમીને નીકળ્યા પછી અમે દૂરથી નિરીક્ષણ કરી રહ્યા હતા તે સમયે મારા કાનમાં અવાજ ગુંજ્યો, “હું આરામ કરી રહ્યો છું, મને હેરાન ન કરતો, નહીંતર તારો અને તારા વંશનો નાશ કરી નાખીશ. તું મને તુચ્છ અઘોરી સમજીને આવ્યો હોય તો સમજી લેજે કે હું મહાશક્તિશાળી છું. તું કે તારા ગુરૂ જેવા હજાર તાંત્રિકો પણ મારું કશું બગાડી શકે એમ નથી. હજી કહું છું પાછો વળી જા.” તેનો અવાજ ભયંકર અને કર્કશ હતો. તેના અવાજમાં એવું કંઈક હતું જે અંદરથી ધ્રુજાવી શકે. વાતાવરણ એકદમ બદલાઈ ગયું. હવામાં અજબ પ્રકારની ગંધ ફેલાવા લાગી.

        જો કે આ પ્રકારે વાત કરીને તેણે દર્શાવી દીધું હતું કે તેના મનમાં મારે લીધે ભય ઉત્પન્ન થયો હતો. મેં મનોમન કહ્યું, “જો તું શક્તિશાળી હોય તો ચિંતા શું કામ કરે છે.” મારા આ શબ્દો સાથે જ વાતાવરણ યથાવત થઇ ગયું અને વિચિત્ર ગંધ હવામાંથી અદ્રશ્ય થઇ ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો. મને ઉમાકાંત અને કેવલની ચિંતા હતી. જો કે તેમને જે  મંત્રોના જાપ કરવાની સૂચના મેં આપી હતી તે તેમણે કર્યા હોવાથી તેમને કોઈ નુકસાન ન થયું. મેં સાથે લાવેલ અભિમંત્રિત ગંગાજળ તે જમીનની સીમાઓ ઉપર છાંટવાની શરૂઆત કરી. મારે તેનો દાયરો ધીમે ધીમે ઓછો કરવાનો હતો અને છેલ્લા દિવસે ફક્ત સમાધિ સુધી પહોંચવાનું હતું. મેં સીમા ઉપર બેસીને મંત્રજાપ કરીને અભિમંત્રિત ગંગાજળને શક્તિ આપી. તે ગંગાજળને લીધે કાલિદાસની શક્તિઓ સીમિત દાયરામાં સંકોચાવાની હતી. ગુરૂજીએ તેની ઉપર કોઈ પણ જાતનો સીધો પ્રહાર કરવાની ના પાડી હતી તેથી મેં આ અસરકારક ઉપાય અજમાવ્યો હતો. થોડીવાર પછી હું પોતાની જગ્યા ઉપરથી ઉભો થયો અને ઉમાકાંત સામે જોઇને કહ્યું, “હવે બાકીની વિધિઓ આવતીકાલે. મેં આપેલા મંત્રોના જાપ દિવસમાં ઓછામાં ઓછા એક હજાર આઠ વાર કરજો. તેનાથી વધુ થાય તો વાંધો નહિ, પણ તેનાથી ઓછા નહિ અને મંત્રજાપ કરવાની ઈચ્છા ન હોય તો આ વિધિથી દૂર રહેજો.”

        મારા અવાજની ધારની અસર હું તેમના ચહેરા ઉપર જોઈ શક્યો. તેમણે માથું હકારમાં હલાવ્યું. રાત્રે સૂતાં પહેલાં મેં બીજા દિવસે કરવાની વિધિ વિષે વિચાર કર્યો. રાત્રે ફરી તે જ સ્વપ્ન દેખાયું પ્રજ્વલિત અગ્નિમાં ત્રિશુળ અને ગદા વચ્ચે યુદ્ધ થઇ રહ્યું હતું. સવારે હું તે સ્વપ્ન વિષે વિચાર કરવા લાગ્યો. ગુરૂજીને પૂછવાની ઈચ્છા બળવત્તર બની, પણ ગુરૂજીએ સ્પષ્ટતાથી સુચના આપી કે દરેક પ્રશ્નનો ઉત્તર સમય ઉપર મળતો રહેશે.

        આગલા પાંચ દિવસ સુધી હું ગંગાજળ છાંટીને તેનો દાયરો સંકેરતો રહ્યો અને કોઈ જાતનો અવરોધ ન થતાં મારો આત્મવિશ્વાસ બળવત્તર બન્યો હતો. સૂક્ષ્મ અહંકારે મારા મનમાં પ્રવેશ લઇ લીધો હતો. આ વિધિ મારા સિવાય યોગ્ય રીતે કોઈ ન કરી શકે એવી ભાવના મનને સ્પર્શ કરવા લાગી. અહંકાર ઘાતક હોય છે તેની પ્રતિતી મને છઠ્ઠા દિવસે મળી. મંત્રજાપ કરતી વખતે અચાનક મન વિરક્ત થઇ ગયું. હું આ વિધિ શા માટે કરી રહ્યો છું? ઉમાકાંત અને કેવલે મારા મહેનતાણા વિષે વાત પણ નથી કરી. મારી ફી પણ મને નથી આપી. જ્યાં સુધી ફી નહિ આપે ત્યાં સુધી હું વિધિ આગળ નહિ વધારું. આ વિચાર સાથે જ મારાં કવચો તૂટી ગયાં અને અચાનક લાગ્યું કે મારા શરીર ઉપર કોઈ ભાર છે. કોઈ અજ્ઞાત શક્તિ મારું ગળું દબાવવા લાગી અને મારા કાનમાં કર્કશ અટ્ટહાસ્યનો અવાજ આવવા લાગ્યો.

        “મારા આધીન અનેક દેવતા છે. મારા ધોતિયાની ગાંઠમાં જ હજારની ઉપર દેવતા છે. હજી સમય છે જો તું હાર સ્વીકારે તો તને પણ શક્તિ આપીશ. તને દરેક ભોગ ભોગવવા મળશે.”

        હું બેહોશ થવાને આરે હતો, પણ તેના આ શબ્દોને લીધે હું ભાનમાં આવી ગયો અને મેં સૌથી આસાન અને સૌથી પ્રભાવશાળી ગાયત્રીમંત્રનું રટણ શરૂ કર્યું. ધીમે ધીમે મારા ઉપરનો ભાર ઓછો થયો હતો. હું સમજી ગયો કે કોઈ કાળી શક્તિની દેવી જ મારી ઉપર સવાર થઇ હતી. મેં મારા શ્વાસ સયંત કર્યા અને પાછળ જોયું. ઉમાકાંત અને કેવલ સુરક્ષિત અંતરે ઉભા હતા. તેમને મારી સાથે કંઈ બન્યું છે એવો અણસાર પણ આવ્યો ન હતો.

        હવે મારે સાવધ રહેવાની જરૂર હતી. મેં હોટેલની રૂમમાં જઈને ફરી મારા કવચો સાધ્ય કરવાનું શરૂ કર્યું. કોઈ કડી ખૂટી રહી હતી જે વિષે મને ખબર પડી રહી નહોતી છતાં મેં ગુરૂજીના આદેશમાં વિશ્વાસ રાખ્યો અને હવેથી એક રૂદ્રાક્ષને બદલે એકસો આઠ રૂદ્રાક્ષની માળા પહેરવાનું નક્કી કર્યું.

        છેલ્લો દિવસ મેં આઠમનો રાખ્યો હતો અને તેને આડે બે દિવસ બાકી હતા અને તે દિવસોમાં સમાધિના આજુબાજુ પણ જવાનું ન હતું તેથી હું ગાડી લઈને ઘરે પાછો ફર્યો અને મારા બંગલાના કંપાઉંડમાં આવેલ શિવમંદિરમાં આરાધના કરી. આરાધના પૂર્ણ થઇ તે સમયે જ ગેટ ખુલ્યો અને એક ભગવાં વસ્ત્રો પહેરેલ સાધુ પ્રવેશ્યો. તેના ચહેરા ઉપર અજબ આભા હતી. તેના તેજ સામે હું ઝંખવાઈ ગયો અને તેને પગે લાગવા ગયો તો તેણે મને કહ્યું, “પ્રણવ, આ શું કરો છો! આપ તો મારા ગુરૂબંધુ છો. હું મદદ કરવા આવ્યો છું, કાલે અઘોર સમાધિ ઉપર જવાનું છે ને?”

        તેનું મને પ્રણવ કહેવું દર્શાવતું હતું કે તે ગુરૂજી દ્વારા મોકલવામાં આવ્યો હતો. અઘોરી હોવા છતાં તેનાં કપડાં સ્વચ્છ હતાં અને તેના શરીરમાંથી ચંદનની સુગંધ આવી રહી હતી. તેનું નામ શિવાનંદ છે એમ તેણે કહ્યું.

અમે બીજે દિવસે જવા નીકળ્યા ત્યારે તેણે કહ્યું, “પ્રણવ, શું તમે જાણો છે તે અઘોરીની સમાધિ શા માટે શક્તિશાળી છે? તેને આધીન એટલા દેવીદેવતા નથી, પણ તે દ્વારપાળ છે તેથી દેવતાઓ તેને સમય ઉપર શક્તિ આપે છે જેથી દ્વાર ન તૂટે. યુગો પહેલાં દેવતાઓ ફક્ત સ્વર્ગમાં રહેતા હતા, પણ કેટલાક વાસનામય દેવતાઓને સ્વર્ગમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા અને તે દેવતાઓએ નવું નિવાસસ્થાન શોધ્યું. સ્વર્ગમાંથી નિષ્કાસિત દેવતાઓએ અનેક તાંત્રિક વિધિઓ વિકસાવી અને મનુષ્યોને શીખવી. તેને લીધે દેવતાઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. ઘાત-પ્રતિઘાતનો લાંબો દોર ચાલ્યો. અનેક દેવતાઓનું નામોનિશાન મટી ગયું. નિષ્કાસિત દેવતાઓનું પ્રતિક ત્રિશુળ છે અને સ્વર્ગના દેવતાઓનું પ્રતિક ગદા છે. તે અઘોરી કાલિદાસ નિષ્કાસિત દેવતાઓના આવાસના દ્વારનો દ્વારપાળ છે અને તેથી જ આવતીકાલે વિશેષ વિરોધ થશે. આ કારણસર હું સાથે આવ્યો છું. ઉમાકાંત પોતે એક દેવતા છે અને આ  કામ તારી પાસે તે માટે કરાવવા માગે છે જેથી તે સંઘર્ષનો અંત લાવી શકે.”

        મારા સ્વપ્નનું રહસ્ય ખુલી ગયું હતું. ત્રિશુળ અને ગદાનો સંઘર્ષ યુગોયુગોથી ચાલી રહ્યો હતો. અમે બપોરે પહોંચ્યા ત્યારે મારી સાથે આવેલ શિવાનંદને જોઇને ઉમાકાંતનો ચહેરો ઉતરી ગયો. તે જાણી ગયો કે તેનું રહસ્ય મારા માટે રહસ્ય રહ્યું ન હતું. હું તેનું રહસ્ય ઉજાગર કરવાનો ન હતો એ અર્થનું સ્મિત આપ્યું અને તેને નજીક જઈને ભેટ્યો.

        બીજે દિવસે આઠમ હતી અને આજની રાત મારા માટે મહત્વની હતી. શિવાનંદે મને એક મંત્ર આપ્યો અને કહ્યું, “આ મંત્રકવચ આવતીકાલ માટે સૌથી મહત્વનું છે. આ મંત્રનો ઉપયોગ ફક્ત આવતી કાલે જ થઇ શકશે.”

        બહુ વિચિત્ર મંત્ર હતો. તેના જેટલો અઘરો મંત્ર આજ સુધી મેં સાંભળ્યો ન હતો. બીજે દિવસે અમારે સમાધિ ઉપર અભિમંત્રિત જળ છાંટીને સમાધિને જમીનમાંથી બહાર કાઢવાની હતી. હું હાથમાં કળશ લઈને ચાલી રહ્યો હતો તે જ સમયે મારી સામે એક સુંદર સ્ત્રી પ્રગટ થઇ જે એકદમ આકર્ષક હતી અને તેણે નહીવત કપડાં પહેર્યાં હતાં. તેના અંગેઅંગમાંથી માદકતા નીતરી રહી હતી. હું એકદમ સ્થિર થઇ ગયો. તેના વળાંકો કોઈ યોગીની સાધના તોડવામાં સક્ષમ હતા. હું મંત્રરટણ ભૂલી ગયો અને તેને અપલક નેત્રે જોઈ રહ્યો હતો. તેણે વસ્ત્રના નામે ફક્ત એક કટિબંધ જે તેના ગુપ્તાંગને ઢાંકી રહ્યો હતો. તેનાં હાહાકારી સ્તનો મારી નજરસમક્ષ હતાં. હું અબુધ યુવકની જેમ તેને જોઈ રહ્યો હતો.

        “જા એને બાહુપાશમાં લઇ લે. તેને પામવું એ તારું સ્વપ્ન છે એ હું જાણી ગયો છું. પોતાની ઇચ્છાઓ દબાવવી નહિ. ઈચ્છાઓ દબાવવાથી વિકાર ઉત્પન્ન થાય છે. તું એને સાથે લે અને પાછો વળી જા, મને આરામ કરવા દે. તને રોજ નવી નવી સુંદરીઓ ભોગવવા મળશે. જા પકડી લે એને.”

        તે સમયે જ પાછળથી આવેલ શિવાનંદે પોતાના હાથમાં રહેલ દંડ તે સુંદરીને અડાડ્યો અને તેનું રૂપ બદલાવ્યા લાગ્યું. તેનો સુંદર ચહેરા પાછળથી એક ભયંકર ચહેરો પ્રગટ થયો અને તેના દાંત બહાર આવેલા હતા. તે કોઈ ડાકણ હતી. જો મેં તેને હાથ અડાડ્યો હોત તો મૃત્યુ પામ્યો હોત. મેં રાહતનો શ્વાસ લીધો, પણ એ જ મારી ભૂલ હતી. અચાનક એક ભયંકર પ્રહાર થયો અને હું હવામાં ઉડ્યો.

****

        મારા મૂલાધાર ચક્ર ઉપર પ્રહાર થયો હતો એટલે મને લકવો પડી જવો એ નિશ્ચિત હતું. હું લગભગ પંદર ફૂટ ઉપર ઉડ્યો હતો અને આટલી ઊંચાઈથી નીચે પછડાઈને હાડકાં પણ ભાંગવાનાં હતાં એ પણ નિશ્ચિત હતું, પણ અચાનક ચમત્કાર થયો અને મારો પતનવેગ ધીમો થયો અને હું કોઈ ફૂલ જમીન ઉપર પડતું હોય એમ ધીમે જમીન ઉપર પડ્યો અને તે સમયે શિવાનંદનો દંડ મને અડ્યો અને મારા ચક્ર ઉપર થયેલ આઘાત દંડે શોષી લીધો. મારી નજર દૂર ઉભા રહેલ ઉમાકાંતની હાથની મુદ્રા ઉપર પડી.

        કળશને શિવાનંદે પહેલાં જ ઝીલી લીધો હતો. તેણે કળશ મારા હાથમાં આપ્યા પછી હું આગળ વધ્યો. શિવાનંદ સાથે જ હતો. અમે નવા આઘાત માટે તૈયાર હતા, પણ અચાનક વિરોધ શમી ગયો હતો. મેં મંત્ર બોલીને ગંગાજળ સમાધિ ઉપર છાંટવાનું શરૂ કર્યું. મારું કામ પૂર્ણ થયા પછી મેં કેવલને મજૂરોને બોલાવવા કહ્યું. મજૂરોએ તે જમીન ખોદીને સમાધિ બહાર કાઢી. બહાર કાઢેલી સમાધિને જળ છાંટીને તે સમાધિને પવિત્ર કરી અને કાલિદાસના શરીરને અમે દૂર લઇ ગયા અને તેના શરીરના શાસ્ત્રોક્ત રીતે અંતિમ સંસ્કાર કર્યા.

        હવે તે જમીન શાપમુક્ત થઇ ગઈ હતી. કાલિદાસને તેનાં કર્મોને લીધે મોક્ષ તો નહિ મળ્યો હોય, પણ હવે તે બીજો જન્મ લઈને કદાચ પોતાનાં કર્મો સુધારી શકશે એવી આશા સાથે અમે હોટેલ ઉપર પાછા ફર્યાં.

        અમારી વિધિ પૂર્ણ થયા પછી મારી નજરો ઉમાકાંતને શોધી રહી હતી, પણ તે ત્યાં ન હતો. કેવલ શાહને આગળ શું કરવાનું છે તેની સુચના આપીને હું ઘરે આવવા નીકળ્યો. શિવાનંદ ત્યાંથી જ પોતાના આશ્રમમાં જવાનો હતો. મેં તેણે કહેલો અઘરો મંત્ર ઘરે આવીને યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ યાદ ન આવ્યો. હું સમજી ગયો કે તે એક કાર્યસિદ્ધિ માટે રચવામાં આવેલ મંત્ર હતો. હું જાણતો ન હતો કે હવે દેવતાઓ વચ્ચે સંઘર્ષ થવાનો હતો કે આપસમાં સુલેહ કરવાના હતા, પણ એ મારી શક્તિની બહારની વાત હતી. તેથી મેં ચાર દિવસ પછી પ્રેરક વક્તા (મોટીવેશનલ સ્પીકર) તરીકે આપવાના પ્રવચન (લેકચર) ઉપર પોતાનું ધ્યાન વળાવ્યું.

 

સમાપ્ત     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ