વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાયજામો

લઘુકથા - પાયજામો


       એક સુંદર નગર હતું. એ નગરમાં આખા નગરની શોભા ગણાતો એક વિશાળ બગીચો આવેલો હતો. જ્યાં બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ જતા. અને મોજ મસ્તીમાં ટાઇમ પસાર કરતા. એક વખત એ બગીચાના બાંકડે બેસીને ચાર -  પાંચ મિત્રો ગપાટા મારી રહ્યા હતા. જેમાં રોહન બધા મિત્રોને જોક્સ સંભળાવી રહ્યો હતો.


રોહન: ચાલો મિત્રો, તમને એક

     જોક્સ સંભળાવી દઉં.   


 ટીચરે ક્લાસમાં પુછ્યું, "કયું પક્ષી ઝડપથી ઉડે છે?" 

 પપ્પુ બોલ્યો," જેને ઉતાવળ હોય તે." 

 સાહેબે છૂટુ ડસ્ટર પપ્પુના માથામાં માર્યું.

        

       રોહનનો જોક્સ  સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા. પણ સોહન જરાયે  હસ્યો નહીં. તે આજે ઉદાસ લાગતો હતો.

      એટલે રોહન બોલ્યો, " કેમ સોહન, તારું મોંઢું કેમ દિવેલ પીધેલા જેવું લાગે છે? "

 

સોહન: અરે યાર તમને તો ખબર જ છે. ટુંક સમયમાં જ મારા લગ્ન થવાના છે.  પણ મારા કુર્તાને મેચિંગ થાય એવો પાયજામો આખા બજારમાં ફરવા છતાં મને મળતો નથી એટલે મૂડ નથી.

 

       તેની વાત સાંભળી બધા જ મિત્રો એક સાથે બોલી ઉઠ્યા, " અરે યાર, એમાં શું મોટી વાત છે? તારો કુર્તો કેવા કલરનો છે? એ બતાવ."

     રોહને પોતાના મોબાઈલમાં  કુર્તાનો ફોટો બતાવ્યો.  ફોટો જોઈને તરત જ રોહન બોલી ઉઠ્યો," અલ્યા સોહન, તારા કુર્તાને બરાબર મેચ થઈ જાય એવો જ પાયજામો મારી પાસે પડ્યો છે. નવો-નકકોર પાયજામો છે. હજુ મેં પહેર્યો પણ નથી. તારું ટેન્શન તો ખતમ. તારા લગ્નના દિવસે તું મારો પાયજામો પહેરી લેજે.અને લગ્ન પૂરા થાય એટલે મને પાયજામો પાછો આપી દેજે. હમણાં જ ઘેર જઈને હું તને મારો પાયજામો આપી જાઉં છું.o.k."

       આમ, વાત પૂરી કરીને બધા મિત્રો છૂટા પડ્યા. રોહન તેનો પાયજામો લઈને સોહનને આપી આવ્યો. ધીમે ધીમે સમય વીતતો ગયો. અને સોહનના લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો.

    લગ્નના દિવસે સોહને સરસ મઝાનો કુર્તો અને રોહનનો પાયજામો ધારણ કર્યો હતો. અને વરરાજાના વેશમાં ખૂબ શોભી રહ્યો હતો. તે ખુશખુશાલ લાગી રહ્યો હતો.તેના ઘેર ધીમે ધીમે મહેમાનોની અવર-જવર પણ વધી રહી હતી. સોહન તેના મિત્રોની ટોળકીમાં ઘેરાયેલો હતો. અને એક આલિશાન સોફામાં તેણે પોતાની બેઠક લીધી હતી. રોહન આવનાર તમામ મહેમાનોની સરભરા કરવા મંડપના ગેટ પાસે ઉભો હતો.


      જેમ જેમ મહેમાન મંડપના ગેટ પાસે આવે તેમ રોહન  મહેમાનોને પ્રેમથી આવકારતો હતો. અને સાથે સાથે વરરાજા બનેલા સોહનનો પરિચય આપતાં જણાવતો હતો, 

" પેલા સામેના સોફામાં  વરરાજા મારો પાયજામો પહેરીને બેઠા છે. તેમને શુભકામનાઓ પાઠવતા જજો." 


      રોહન આ રીતે જે પણ મહેમાન આવે તેને  આવકારવાની સાથે વરરાજા આજે તેનો પાયજામો પહેરીને બેઠા છે તે વાત પણ આડકતરી રીતે જણાવી દેતો. પરિણામે જે પણ મહેમાન સોહનની મુલાકાતે જાય એ સોહનને એક જ સવાલ પૂછી લે, " ભાઈ સોહન આજે તારા લગ્નના શુભ પ્રસંગમાં તારે પોતાના જ કપડાં પહેરવા જોઈએ.એને બદલે તેં તો તારા મિત્રનો પાયજામો પહેર્યો છે.એવું અમને ગેટ પર ઉભેલા તારા મિત્રએ જણાવ્યું.ખરેખર આ તો સારું  ન કહેવાય. આ વરરાજા તો પારકા કપડે લગ્ન કરવા હાલી નીકળ્યા છે." એમ કહી સૌ સોહનની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા. પરિણામે સોહન તો  શરમ અનુભવવા લાગ્યો. અને દુઃખી - દુઃખી થઈ ગયો.એટલે એણે તાત્કાલિક રોહનને બોલાવીને ઠપકો આપતા કહ્યું," મેં તારો પાયજામો પહેર્યો છે એ વાતનો ઢોલ પીટીને તું તો બધા સામે મારું અપમાન કરી રહ્યો છે. તું મારો મિત્ર થઈને મને આ રીતે બદનામ કરી રહ્યો છે. એટલે મને ખૂબ જ દુઃખ થયું છે. મને તો તારા જેવા ભાઈબંધની ભાઈબંધી પર પણ શરમ આવે છે." સોહનની વાત સાંભળી રોહને તરત જ તેની માફી માગી. અને કહ્યું," મારી ભૂલ થઈ ગઈ સોહન, હવે હું કોઈને પણ નહીં કહું કે તેં મારો પાયજામો પહેર્યો છે. આટલીવાર મને માફ કરી દે."એમ કહી રોહન ફરી પાછો મંડપના ગેટ આગળ આવી મહેમાનોને આવકારવાના કામમાં લાગી ગયો. 


      હવે ગેટ આગળ જે મહેમાન આવે તેનું હસી ખુશીથી રોહન સ્વાગત કરતો અને પછી કહેતો," પેલા... સામેના સુંદર સોફામાં જે વરરાજા બેઠા છે એમણે મારો પાયજામો પહેર્યો છે. પણ આ વાત કહેવાની એમણે મને ચોખ્ખી ના પાડી દીધી છે.એટલે હું કોઈને નહી કહું." આમ કહી ફરીવાર રોહન આવનાર મહેમાનો સમક્ષ જણાવી દેતો કે સોહને તેનો જ પાયજામો પહેર્યો છે. 


      આમ,રોહનની વાત સાંભળ્યા પછી જે પણ મહેમાન સોહન પાસે જાય તે સોહનની મજાક કરતા અને તેને વ્યંગમાં સંભળાવતા," સોહન, તારા લગ્નમાં તેં તારા મિત્રનો પાયજામો પહેર્યો છે.અને વળી તેં એને એવું પણ કહ્યું છે કે આ પાયજામાવાળી વાત કોઇને કહેવી પણ નહી. વાહ! સોહન વાહ!તું તો બહુ જ સ્માર્ટ કહેવાય હોં." એમ કહી બધા તેની જોરજોરથી મજાક કરતા. પરિણામે સોહન મૂંઝવણ અનુભવવા લાગ્યો. તેને રોહન દુશ્મન જેવો લાગવા માંડ્યો. કારણ કે પોતાના લગ્નના શુભ પ્રસંગમાં રોહનના પાયજામાને કારણે આજે સોહનની ભારે મશ્કરી થઈ રહી હતી. તેથી ગુસ્સે ભરાયેલા સોહને ફરી રોહનને બોલાવી જોરદાર ઠપકો આપ્યો. એટલે રોહન રડમસ થઈ ગયો. તેણે બે કાન પકડી ફરી સોહનની માફી માગી. અને હવે પછી આવી ભૂલ નહીં થાય. એવી ખાતરી આપી ફરી પાછો મહેમાનોની સેવામાં ગેટ પાસે દોડી ગયો.


        ત્યાર બાદ ગેટ પાસે જે મહેમાન આવે તેને રોહન હસીને આવકાર આપતો અને કહેવા માંડતો, " સામેના... સોફા ઉપર જે વરરાજા બેઠા છે ને! એમાં કુર્તો તો તેમનો છે પણ પાયજામો મારો છે." 

    

          આમ વળી રોહન મહેમાનોને આડકતરી રીતે એ જણાવી જ દેતો કે સોહને તેનો પાયજામો પહેરેલો છે. જેથી મહેમાનો સોહનની ખૂબ ટીખળ કરવા લાગ્યા. પરિણામે સોહનને ખૂબ જ લાગી આવ્યું.  એક પાયજામના લીધે આજે તેની જે ફજેતી થઈ રહી હતી.એના લીધે તે ખૂબ હતાશ થયો. અને ગુસ્સે થઈ રોહનને  બોલાવી મહેમાનોને આવકારવાનું કામ છોડાવી દીધું. અને પોતાની પાસે જ બેસાડી દીધો.જેથી રોહન પાયજામાની વાત કોઇને કહી ન શકે.


          હવે જે પણ મહેમાન આવે તે મંડપના ગેટમાંથી સીધા સોહન પાસે જ આવતા. અને સોહનને ખૂબ શુભકામનાઓ પાઠવતા. તથા  તેણે પહેરેલા કુર્તા અને પાયજામાની ખૂબ તારીફ કરે. સોહનના કપડાંની તારીફ સાંભળતા જ તેની પાસે બેઠેલા રોહનના મોઢામાંથી બોલી જવાતું, " વાહ! મારા પાયજામામાં સોહનનો તો ખૂબ વટ પડે છે." તેનું વાક્ય સાંભળતા જ મહેમાનો હસી પડતાં અને સોહનની ખૂબ ઠેકડી ઉડાવતા. જેથી સોહન ખૂબ જ ચિડાઈ જતો. પણ તે કશું કરી શકતો નહીં. કારણ કે અત્યારે તેના લગ્નનો પ્રસંગ હતો અને તેણે તેના મિત્ર રોહનનો પાયજામો પહેર્યો હતો. એ હકીકત હતી. એટલે ફરી એકવાર તેણે રોહનને ચૂપ રહેવાનો ઈશારો કરી ચૂપચાપ સોફા પર બેસી રહ્યો.


        આ દરમિયાન મહેમાનોની અવરજવર પણ ચાલુ જ હતી. હવે જે મહેમાન સોહન પાસે આવે તે સોહનને લગ્નની શુભકામનાઓ પાઠવે. તેને ભાવિ જીવનના આશીર્વાદ આપે.તથા સોહનના મિત્રો સાથે થોડી વાતો કરવા ઊભા રહે. તે વખતે મિત્રો સાથેની વાતચીત દરમિયાન રોહનથી રહેવાતું નહીં. અને તેના મુખેથી ફરી પાયજામાની વાત સરી પડતી. તેનાથી મહેમાનો સમક્ષ બોલી જવાતું," તમે ધ્યાનથી જુઓ. મારો મિત્ર રોહન આજે કુર્તા અને પાયજામામાં કેવો રાજકુમાર જેવો લાગે છે! આ કુર્તા અને પાયજામામાં તે સુંદર અને દેખાવડો લાગે છે. અને હા, તેણે જે મારો પાયજામો પહેર્યો છે તે પાયજામાનો કલર જુઓ. તેનું ફીટીંગ જુઓ. ખરેખર મારા પાયજામામાં સોહન ખૂબ જ નીખરી રહ્યો છે. મારો ભાઈબંધ આજે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે."


         આમ,રોહનના મુખેથી જ્યારે મહેમાનોને જાણવા મળતું કે સોહને જે પાયજામો પહેર્યો છે તે તેના મિત્ર રોહનનો છે. એટલે મહેમાનો તેની પર ખૂબ હસતા. અને તેની ખૂબ હાંસી ઉડાવતા.


        સવારથી રોહનના મુખેથી નીકળતી પાયજામાની વાતને પરિણામે સોહનની જે ફજેતી થઈ હતી.તેના લીધે તે ખૂબ જ ગુસ્સે ભરાયો. અને રોહનને જોરજોરથી પીટવા માંડ્યો. એટલે રોહન જોર જોરથી બૂમ બરાડા પાડતા કહેવા લાગ્યો.

"વાહ દોસ્ત,મારો પાયજામો પહેરીને મને જ મારે છે.તું તો દોસ્ત છે કે દુશ્મન?"એમ કહેતો કહેતો રોહન મંડપ છોડીને જતો રહ્યો.ત્યાર બાદ જ સોહનનો જીવ હેઠો. અને તેનો પ્રસંગ પાર પડ્યો.


        એક પાયજામાએ સોહનની આબરૂના જે ધજાગરા ઉડાવી દીધેલા અને મહેમાનોને મફતમાં મનોરંજન પીરસેલું એ પ્રસંગ યાદ કરીને આજે પણ સોહન તેના મિત્ર રોહનને ખૂબ યાદ કરે છે.


  હનિફ એ. મેમણ (રાજ) ડીસા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ