વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મદારીનો ખેલ

ભીખો સ્વભાવે થોડી તીખો હતો.સવારના પહોરમાં એને કોઈ કંઈ પુછે કે બજારે ઊભો રાખે એ એને બિલકુલ પસંદ નહોતું.પણ મદારીનો ખેલ હોય તો ભીખો વાડીએ જવાનું પણ ભૂલી જતો.મદારીની ડુગડુગીમાં એને અલખનો નાદ સંભળાતો.ગમે તેવું કામ ઊભું મુકીને પણ એ મદારીનો ખેલ જોવા ખોડાઈ જતો.

લચ્છારામ મદારી ઉત્તમ પ્રકારના એરું, વીંછી અને એક માંકડુ લઈને ગામના ચોરે સવારે દસ વાગ્યે આવી પહોંચ્યો.ચોક વચ્ચે ખેલ નાખીને એણે ડ્રાંહ..ડક.. ડક... ડ્રાંહ..ડક..ડક...કરતું ડમરુ વગાડીને સાદ પાડ્યો.

"ચલો છોકરા..આ..ઓ..મુછાળો મંકી આવી જીયો. ફુંફાડો મારતો ફું.. ઉં દાદો આવી જીયો.. હાર્યે પીળીયો ને કાળિયો વીંછી આવી જીયો ભાય..બચ્ચાંય આવે ને બુઢાય આવે ભા..આ..ય.નો બીવે એવી છોડીયું નેય છૂટ છે ભાયો..
મદારીભાઈ આયા છે.ખેલ મોટો લાયા છે..ડ્રાંહ..ડક..ડક..ડ્રાંહ.....
મદારીની આટલી હાંક સાંભળીને પાંચ દસ મિનિટમાં તો નાના મોટા પ્રેક્ષકો એની ફરતે કુંડાળું વળી ગયા.
ઓડિયન્સ ગોઠવાયું એટલે લચ્છુએ ખભેથી ઝોળી ઉતારીને એમાંથી એક કોથળો કાઢીને પાથર્યો. સાપનો એક કરંડિયો, નાની મોટી બે ડબલીઓ અને મોરલી કાઢીને એણે કોથળા પર મુક્યાં. ખભે ચડીને બેઠેલું માંકડુ પણ નીચે બેસાડયું. એ માંકડુ આવતા જતા લોકો સામે દાંતીયા કરતું હતું કે દાંત કાઢતું હતું એ તો લચ્છારામને પણ કદાચ ખબર નહોતી!



વધુ પ્રેક્ષકો ભેગા કરવા મદારીએ ડમરું વગાડતા વગાડતા એક હાથે મોરલી પણ વગાડવા માંડી. ભીખો બરોબર એ વખતે ભેંસ અને નાની પાડી લઈને ત્યાંથી નીકળ્યો. મદારી જોઈને ભીખાએ ભેંસના માથા પાસે જઈ એના શીંગડાના મૂળમાં સોટી ભરાવીને જરીક ખંજવાળ્યું. ભેંસના શિંગડા અને ચામડી વચ્ચે ભરાયેલો મેલ ભેંસને સતત ચટકા ભરતો હશે એટલે કોઈ જરીક ખજવાળે એટલે ભેંસને મજા પડતી હતી. ભીખો ભેંસની ખજવાળવાળી નસ જાણતો હતો. છોકરાઓના ટોળા વચ્ચે ભેંસ પણ એની પાડી સાથે મદારીનો ખેલ જોવા ઉભી રહી ગઈ.

ભીમો ભરવાડ માથે આંટીયાળી પાઘડી, નવું નક્કોર કેડિયું ને ચોરણો પહેરીને ત્યાંથી નીકળ્યો. હાથમાં મોટી કડિયાળી ડાંગ ને ચરડ ચરડ થતા ચામડાના જોડા પહેરીને આજ એ એની સાસરીમાં જતો હતો. ચોરા આગળ મદારીએ માંડેલો ખેલ જોઈ એ પણ ઊભો રહ્યો. બસને હજુ વાર હતી એટલે એને પણ ખેલનો લાભ લેવાનું મન થયું.

ઊંચો ભીમો આગળ આવીને ઊભો રહ્યો એટલે પાછળ ઊભેલા બે ચાર નીચા જણને એ આડો આવતો હતો.મદારીને પ્રેક્ષકોને પડતી તકલીફનો ખ્યાલ આવી ગયો. એણે પેલા માંકડાના મોઢા આગળ ડમરું બજાવીને લહેકો કર્યો, "મોટાભાઈ નવા લૂગડાં પેરીને ખેલ જોવા આયા છે જંબુરીયા..આ... મોટાભાઈને રામરામ કરો. ને એમને બેહાડી દયો..''

માંકડું પણ આવી સ્થિતિમાં કેમ કામ લેવું એ જાણતું હતું. ભીમો એની આગળ ડાંગ ત્રાંસી રાખીને એના ટેકે ઊભો ઊભો એ માંકડાને જોઈ રહ્યો હતો. માલિકના આદેશને માથે ચડાવીને એ માંકડાએ ડાંગધારી ભીમા સામે દાંતીયું કર્યું. ભીમો સમજ્યો કે માંકડું આપણને જોઈને ખુશ થયું છે એટલે એણે પણ માંકડાની નકલ કરીને એના પીળા દાંત બતાવ્યા. માકડું ભીમાની એ હરક્તને ફ્રેન્ડ રિકવેસ્ટ સમજ્યું હોય એમ ભીમાની ડાંગ સાથે ચોટીને ઉપર ચડવા લાગ્યું.

ભીમાની આંખોએ મેલું માંકડુ લાકડીરોહણ કરીને ગળે ચોટવા આવી રહ્યું હોવાનો સંદેશ ભીમાના મગજને મોકલ્યો. મગજના દ્રશ્યવિભાગે સેકન્ડના છઠ્ઠાભાગમાં માંકડા મિલનના દુરોગામી પરિણામોનો રિપોર્ટ મગજને મોકલી આપ્યો.

'માંકડું ગળે સોટી જાસે તો લૂગડાં બગડસે. કંકુએ નવા લૂગડાં પે'રીને નય આવો તો હું'ય તમારી હાર્યે નય આવું ઈમ કીધું સે. હાહરીમાં જે વટ પાડવાનો સે ઈ વટ મેલો થાય ઈ આપડને પોહાય ઈમ નથી. એટલે હાલના સંજોગોમાં માંકડાને તાત્કાલિક મારી હટાવવાની ભલામણ કરવામાં આવે સે'
ભીમાના મગજે સેકન્ડના બારમાં ભાગ જેટલા સમયમાં એ રિપોર્ટ વાંચીને હાથ, જીભ અને સ્વરપેટીને એક્શન લેવા હુકમો છોડ્યા. એ સાથે જ ભીમાએ "હુડય...હુડય..ટરરરર.. ટરરર.." કરીને લાકડી ઊંચી કરીને માંકડાને હવામાં ઉલાળ્યું. માંકડાએ ભીમા પાસે આવી અપેક્ષા રાખી નહોતી.
"નવા લૂગડાવાળો મોટોભાઈ આપણને માફક તો નહિ આવે, પણ લાકડી મૂકી દઈને સમગ્ર માંકડા જાતિનું ધોળા દિવસે નાક કપાય એવું થવા દે તો તો એ માંકડુ શાનું! ભીમાએ લાકડીને માંકડાગ્રહણ લાગેલું માલુમ કરીને એ માંકડા સાથે સમાધાન કરવા, ભેંસના માથાનો લાકડી કરતા સારો વિકલ્પ આપ્યો. ભીમાએ જોર લગાવીને લાકડીનો નીચેનો છેડો ભેંસના માથા પર મુક્યો. વજનમાં સાવ હલકું એ માંકડું ભીખાની ભેંસના માથાના સપાટ
પ્રદેશ અને પકડવા માટે બે સરસ મજાના શિંગડા જોઈ તરત જ રાજી થઈ ગયું. તાત્કાલિક અસરથી માંકડાએ ભીમાની લાકડીને આઝાદી આપી દીધી. મદારીને બદલે ભીમાએ જે ખેલ રજૂ કર્યો એ જોઈ છોકરાઓએ તાળીઓ પાડી.

ભીખાની સોટી વડે શીંગડામાં ચાલતા ખંજોળકર્મનો આસ્વાદ માણી રહેલી ભેંસને પોતાના માથા પર માંકડાનું અચાનક થયેલું ઉતરાણ સહેજ પણ માફક આવ્યું નહોતું. બાજુમાં ઉભેલી પાડીએ પોતાની માતાનું થઈ રહેલું હળાહળ અપમાન નજરોનજર જોયું. ભેંસે નાકમાંથી હવાનો જોરદાર સુસવાટો કરીને એના માથે શીંગડા પકડીને સ્થાયી થવા મથતા માંકડાને તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો. પાડીએ પણ ઓંહોંકય...ઓંહોંકય કરીને પૂછડું ઊંચું કરીને કુદવા માંડ્યું. માંકડુ શીંગડે ચોટીને નજીકના ભવિષ્યમાં આવનારી ઘાત ટાળવા મથી રહ્યું હતું. નવા પ્રદેશમાં પગપેસારો કરીને સ્થાયી થવાનો પ્રયત્ન કરતા માંકડાને એમ તરત જ જગ્યા ખાલી કરવી પડશે એવો અંદાજ હોત તો ભીમાએ આપેલો વિકલ્પ સ્વીકારવાની ભુલ ન કરત. પણ હવે તો શીંઘડા પકડીને ચોટી રહેવું ફરજિયાત. થઈ પડ્યું હતું.

ભેંસને ખંજોળતા ભીખાને ભેંસની ભરબજારે આબરૂ લૂંટાય એ સહેજ પણ મંજુર નહોતું. એણે પેલી સોટી માંકડાને વળગાડી. લચ્છુને એમ હતું કે ભીમો અને ભેંસ માંકડાને ઘડીક રમાડશે તો છોકરા રાજી થશે. મારે એટલું ગળું ઓછું ખેંચવું પડશે. પણ પોતાની આવકનું મુખ્ય સાધન એવા માંકડાને ભયમાં આવેલું જોઈ એને હાથવગું કરવા લચ્છુ ઉઠ્યો. ભેંસ સમજી કે માંકડાનો માલિક એના માથે માંકડુ બેસાડવા ધસી રહ્યો છે. એટલે એ ભીખાની શરમ રાખ્યા વગર યુ ટર્ન મારીને ભાગી. માતાને રણમેદાન છોડીને નાસી જતી જોઈ એની પાડી પણ પૂછડું ઊંચું કરતીકને ભેંસ પાછળ ભાગી.

માંકડુ ભેંસના શિંગડા પકડીને ચોટયું હતું.એને બચાવવા એક હાથમાં મોરલી અને બીજા હાથમાં ડમરુ લઈને મદારીએ ભેંસ પાછળ દોટ મૂકી.પોતાની ભેંસ અને પાડી પાછળ દોડતા મદારીથી ભેંસ અને પાડીને બચાવવા ભીખો પણ સોટી લઈને મદારી પાછળ ભાગ્યો.

ભીખાની ભેંસના માથે માકડું બેઠું હોવાથી એ ભેંસનું માથું ભમવા માંડ્યું હતું. માથા પર શીંગડા પકડીને ચોટી ગયેલા માંકડાને ધૂળ ચાટતું કરવા ભીખાની ભેંસ શિકોટા નાંખતી નાંખતી ભાગી રહી હતી.એની પાછળ ચાર પગે કુદીને ઢીંઢુ વાંકુચુકું કરીને ભાગતી પાડી એની મા પર આવી પડેલી આફતમાં ભાગીદાર બની રહી હતી.

"અરે જંબુરીયા..ઓ જંબુરીયા..
બેટે, ભેંસ કે માથે પર ક્યા બેઠના..છોડ દે ઉસકા શીંગડા છોડ દે બેટા.. આજ મેં તુજે ભેંસ કા દૂધ પીલાવુંગા. પર તું અભી ભેંસ કો માફ કર દે બેટા. જાને દે ઉસ્કુ બુધી નહિ હોતી બેટા.. તું તો મેરા સલમાનખાન હે. જાને દે..જંબુરીયા તું ભેંસકો જાને દે."
એમ રાડો પાડતો મદારી એના હાથમાં રહેલી મોરલી હવામાં વીંજી રહ્યો હતો.

મદારી પાછળ આવતા ભીખાએ હવે મગજ ગુમાવ્યો હતો. કારણ વગર મદારીનું માકડું એની ભગરીના શીંગડે ચોટયું હતું.પાછો મદારી એની ભેંસને બુદ્ધિ વગરનું જાનવર કહેતો હતો.

"તારી જાતનો મદારી મારું. પકડ તારા માંકડાને ઝટ.." કહી ભીખાએ મદારીને ધક્કો માર્યો. મદારી ભીખાના હડસેલાથી ભાગતી ભેંસના પાછળના પગમાં અથડાયો. મોરલી અને ડમરુનો ઘા કરીને લચ્છીયો ભાગતી ભેંસના પૂંછડે ટીંગાઈ ગયો.

માથા ઉપર માંકડુ ને પૂંછડે મદારી! ભેંસે સ્પીડ વધારી. માંકડુ ભેંસના શીંગડા પકડીને બરાબરનું ચોટી ગયું હતું. ભાગતી ભેંસે પાટું મારીને મદારીના હાથમાંથી પોતાનું પૂંછડું છોડાવવા કોશિશ કરી.પણ મદારી પૂંછડુ મુકતો નહોતો.માંકડુ શીંગડા મુકતું નહોતું. ભેંસને જવું તો હવે ક્યાં જવું એ સવાલ થઈ પડ્યો હતો. મદારીને માંકડુ સગા દીકરા જેટલું વ્હાલુ હતું. એક ભેંસના માથે એનું મોત થાય તો મદારી જીવી શકે એમ નહોતો. એટલે મદારી પૂછડું ખેંચીને ભેંસની પાછળ દોડતા દોડતા એના સલમાનખાનને વિનવી રહ્યો હતો કે ભેંસને છોડી દે.

ભીખો હવે વધુ તીખો થયો હતો.
મદારીની પીઠ પર એણે સોટી સબોડવા માંડી.પણ મદારીએ ભેંસનું પૂછડું મૂક્યું નહિ.

ભીખાની ડેલી પાસેથી જ્યારે ભેંસ એની પાડી સાથે, માથે માંકડુ અને પાછળ મદારી લઈને ફુલ સ્પીડમાં પસાર થઈ ત્યારે ભીખાના રોટલા ખાઈને આખી રાત ભસવાની અને દિવસે ત્યાં ગાળેલા ખાડામાં જાત સંકેલીને સુઈ રહેવાની નોકરી કરતા ચાર પાંચ કુતરાઓ એમની ઓળખીતી ભેંસને ભાગતી જોઈને હરકતમાં આવ્યાં.પાછળ એમને રોટલા પુરા પાડતો અન્નદાતો પણ કોઈ મેલાઘેલા આદમીને સોટી સબોડતો સબોડતો અને રાડારાડી કરતો આવી રહ્યો હતો.

એ શેરીના શ્વાનમંડળના પ્રમુખે આ દ્રશ્ય જોઈને ભેંસનું પૂછડું પકડીને દોડી રહેલા ઈસમને દુશ્મન જાણ્યો. બીજી જ ક્ષણે પૂંછડી ઊંચી કરીને એ ભસ્યો. ભેંસની મદદ કરવા પોતાની શ્વાનસેનાને આક્રમણનો આદેશ આપીને એણે પણ દોટ મૂકી.

ભેંસની બાજુમાં દોડતી પાડીએ કાયમ ડેલી બહાર પડ્યા રહેતા મિત્રોને ઓળખ્યા. મદારી મુંજાયો, પણ એમ કૂતરાંથી ડરીને પોતાના માંકડાને મરવા દેવું એને પોસાય એમ નહોતું.ભેંસનું પૂછડું ખેચીને ભેંસને બ્રેક મારવાની વ્યર્થ કોશિશ એ કરતો કરતો પોતાના પ્રિય માંકડાને હિન્દીમાં ફરીવાર સમજાવવા લાગ્યો, "બેટે ઈસ નાચીજ ભેંસ કા હમસે ક્યા મુકાબલા! તુમ્હારી જાત કોન હે ઓર તુમ કહાં આકર બેઠા હે. ઈસ ડોબે કો અક્કલ હોતી નહિ હે ઈસ લિયે તો અક્કલ બગેર કે આદમી કો ભી ડોબે જેસા કહા જતા હે. એ સમજતી નહિ હે કે ઉશ્કે માથે પર તેરા બેઠના ક્યા હોતા હે. ઉસકા માન મરતબા બઢ જાતા. મેં આદમી હોકર તુજે સરપે બીઠાતા હું, ઈતના ભી એ ડોબી સમજ નહિ સકતી. બેટે તુમ ઇસ નાચીજ ભેંસ કો છોડકર બતા દો કે ઉસમે ઓર હમમેં ક્યાં ફરક હે."

ભીખો એની પ્રિય ભેંસનું પૂછડું છોડાવવા મદારીને ગાળો દેતો દેતો સોટી મારતો હતો, "તારી જાતનો મદારી મારું..હે તું ચ્યાંથી ગુડાયો. અલ્યા તને આ માંકડું લઈને ગુડાવાની કમત્ય કિમ હુજી! અલ્યા તું મારી ભેંસનું પૂછડું મૂકી દે કવસુ. અલ્યા તું હાંભળતીનો ચ્યમ નથી. હે તારું માંકડુ મારી ભેંસના માથે મુતર્યા વગર નહિ ઉતરે! અલ્યા મારી ભેંસ અપવીતર થઈ જાશે તો દો'વા નઈ દે! અલ્યા તને કવસુ તું તારા માંકડાને ઝાલી લે કવસુ.. અલ્યા એય મદારીના પેટના.."

ભીખાને આ યુદ્ધમાં પોતાનો સહકાર હોવાનું જાહેર કરીને મદારીને કરડવા ધસેલા કૂતરાં ભેંસની આજુબાજુ ભસતા ભસતા દોડી રહ્યા હતા. જાણે કહેતા હોય કે બેન તું મુંજાતી નહિ. તારા સુખે સુખી અને તારા દુઃખે દુઃખી એવા અમે તને માંકડા અને મદારીની પકડમાંથી મુક્ત કરાવીને જ જંપીશું!

*
આ બાજુ મદારીના કોથળા પર પડેલા કરંડિયાને કોક આળવીતરાં છોકરાએ ખોલી નાંખ્યો. એ સાથે જ એમાં ગુંચળુ વળીને પડેલો કાળોતરો સાપ ફેણ માંડીને બેઠો થયો. દર વખતની જેમ સાપે એની ફેણ એકસો એંશી ડીગ્રી ફેરવીને એને જોવા એકઠી થયેલી માનવજાતિને જોઈ. પણ એને કેદ પકડી રાખનારો મોરલીવાળો મનુષ્ય ક્યાંય દ્રષ્ટિગોચર ન થયો.

સાપ તરત સમજી ગયો કે કરંડિયો છોડીને નાસી જવાની તક એને સાંપડી છે. આસપાસ ઉભેલા ટોળામાં લાકડીધારી ઊંચો એક જ મનુષ્ય ઉભો હતો.

'જો એને મહાત કરી લેવામાં આવે તો બાકીના તો મારી ફેણ જોઈને જ ભાગી જશે.' એવું વિચારીને સાપે ભીમા ભરવાડ સામે ફુંફાડો માર્યો. હવે ભીમાને કોકે કહેલું કે જો સાપ આપણને જોઈ ફુંફાડો મારે તો એક મિનિટ પણ ત્યાં ઊભુ રહેવું નહિ. બને એટલી ઝડપે સલામત દિશામાં ભાગવા માંડવું!

ભીમો તરત જ લાકડી ખભે મૂકીને ઊભી બજારે લાંબા ડગલાં ભરીને ભાગ્યો.બાકીનું ટોળું પણ સાપના ડરે જે બાજુ જવાય એમ હતું એ બાજુ નાઠું. ચોરા પરના એ ચોકમાં મદારીનો કોથળો પેલી બે ડબ્બીઓને સાચવીને એકલો પડ્યો રહ્યો.

આગળ ભીમો અને પાછળ વાંકો ચૂંકો ચાલ્યો જતો સાપ! બેઉ પોતાનો જીવ બચાવવા માંગતા હતા. ભીમાને એમ કે સાપને ચકમો આપીને ક્યાંક છુપાઈ જાઉં તો બલા ટળે. અને સાપને એમ કે ક્યાંક દર બર મળી જાય તો આ દરબદરની ઠોકરો ખાવી મટે!

ભીમાએ પાછું ફરીને જોયુ તો સાપ ફૂલ સ્પીડમાં એની પાછળ આવતો હતો.એ જોઈ ભીમાના લાંબા અને મજબૂત ટાંટિયા ધ્રુજવા લાગ્યા.ભીમાએ તરત ગાડી ચોથા ગેરમાં નાખીને લીવર આપ્યું.

"અલ્યા ધોડજો. ભીમલા ભરવાડ વાંહે એરું થિયો..'' કરતુકને ગામલોકોનું ટોળું પેલા સાપ પાછળ પડ્યું. એ જોઈ સાપે ગભરાઈને ભીમાનાં પગલાં દબાવ્યા.

હવે બનેલું એવું કે ગામમાં ગમે તેને ગોથે ચડાવતો એક આખલો આગળના ખોંચે આવેલી શાકભાજીની દુકાને દુકાનદારનું ધ્યાન બીજી તરફ જાય એની રાહ જોઈને ઊભો હતો.લીલા ધાણાની પુળીઓ જોઈ એના મોમાંથી વછુટેલું પાણી ટીપે ટીપે જમીન પલાળતું હતું. એ આખલાને બે દિવસ પહેલા ભીમાએ ધોળા દિવસે એની ગાયોની છેડતી કરવા બદલ ઠમઠોરેલો. એના ડેબા પર હજી ભીમાની લાકડીઓના સળ મટ્યા નહોતા.

ઊભી બજારે મચેલો ગોકીરો સાંભળી એ અખલાએ કાન ઊંચા કરીને બજારે જોયું તો ભીમો લાકડી ઊંચી લઈને ફૂલ સ્પીડે પોતાની તરફ આવી રહેલો જાણ્યો.

બે દિવસ પહેલાની દાઝ ભીમાને હજી નહિ ઉતરી હોય એટલે ફરી પોતાને ઢીબશે તો પેટમાં પડેલું લીલુંઘાસ જ્યુસ બનીને પૂંછડા નીચેથી સરી જશે, એના કરતાં કોથમીરની પુળીઓનો મોહ ત્યાગ કરવામાં જ શાણપણ છે એમ સમજીને એ આખલો પૂંછડું ઊંચુ લઈને ભીમાની આગળ સલામત અંતર રાખીને ગતિમાન થયો.

હવે સિનારિયો એવો રચાયો હતો કે સૌથી આગળ ભીમાથી ભડકેલો આખલો, આખલા પાછળ સાપ કરડવાની બીકે ધ્રુઝતા ટાંગે દોડી રહેલો ડાંગધારી ભીમો, ભીમાની પાછળ જાત છુપાવવા સલામત દર શોધતો સાપ અને એની પાછળ ભીમા વાંહે થયેલો સાપ જોવા ભેગું થયેલું ટોળું !

ચોરાથી બસ સ્ટેન્ડ તરફ જતી ઊભી બજારે નીકળેલા આ સરઘસને કારણે ધૂળની ડમરી ઊડતી હતી.

આટલું ઓછું હોય તેમ એ બજારને મળતી શેરીમાં અફીણનો અમલ કરીને સાઈકલ માથે સવાર થઈને પરાણે પેડલ મારતા લાખુભાઈ શેરીને નાકે પહોંચ્યા હતા. એમણે બજારે ઊડતી ડમરી પારખી, એક હાથને સાઈકલના હેન્ડલની જવાબદારી સોંપીને બીજા હાથે આંખ આગળ નેજવું કરીને રૂમાડે ચડેલા આખલા જેવું જનાવર ધોડ્યું આવતું માલુમ કર્યું. જોતજોતામાં આખલો સાઈકલને આંબી જવાની પુરી વકી હોવાનું તારણ અફીણનો કેફ ધારણ કરી ચુકેલા લાખુભાઈના મગજે તરત જ કાઢ્યું.

કાચી સેકન્ડમાં લાખુભાઈના મગજે એમના સાઈઠ વરસ સુધી સેવા આપીને વાંકા વળી ગયેલા ચરણોને શરીરનું માળખું ભયમાં હોવાનું જણાવ્યું.

લાખુભાઈએ એમના કલેવરની તમામ તાકાત એમના ચરણો તરફ ધકાવીને સાઈકલને આખલા કરતા વધુ ઝડપે યુ ટર્ન લેવડાવ્યો.
જમીન પર પણ ડગમગ ચાલતું લાખુભાઈનું કલેવર સાઈકલની સીટ ઉપરથી ઉભું થઈને પેડલ પર આવી ગયું હતું.

આખલાએ પોતાને જોઈને શેરીમાં સાઈકલ લઈને ભાગી રહેલા લાખુભાઈને જોયા.ગામના મોભી જે દિશામાં જતા હોય એ દિશા હંમેશા સલામત જ હોય એવું જ્ઞાન ન જાણે ક્યાંથી એ અખલાને જડ્યું હશે એ તો આખલો જાણે.પણ આખલો લાખુભાઈના પગલે એ શેરીમાં જ વળ્યો!

આખલો શેરીમાં વળી ગયો એ જોઈ ભીમાએ પાછળ જોયું. લોકોના ગોકીરાથી બચવા પેલો સાપ ફૂલ સ્પીડે જ આવી રહ્યો હતો. ભીમાએ દોડતા દોડતા દિમાગ પર જોર લગાવ્યું તો એને પણ આખલા પાછળ જવામાં જ જોખમ ઘટવાની સંભાવનાઓ જોવા મળી. એટલે એ પણ આખલા પાછળ લાખુભાઈવાળી શેરીમાં જ વળ્યો!

હવે નિર્ણય લેવાનો વારો સાપનો હતો.બિચારા એ જીવને તો ગમે તેમ કરીને જીવ જ બચાવવાનો હતો. કરંડિયો છોડવા બદલ એને અફસોફ તો થયો હશે પણ હવે કોઈ ઉપાય નહોતો.ભીમા પાછળ જ ક્યાંક સલામત દર મળી જશે એમ જાણીને એ પણ એ શેરીમાં જ વળ્યો. ભીમાને આજ સાપ બટકું ભરી લેવાનો પાકો વિશ્વાસ ધરાવતું લોકટોળું 'સાપકરડ' ઘટના નજરોનજર જોવા માંગતુ હતું. એટલે એ શેરીના નાકે ઉભેલી નવરીબજારો પણ ટોળામાં ભળી.

*
ભીખાનું ડેલું બંધ હતું એટલે ભેંસને કઈ દિશામાં ભાગવું એ સમજ ન પડી. એને તો ગમેતેમ કરીને માંકડાથી મુક્તિ મેળવવી હતી એટલે એ જે બાજુ જવાય એ બાજુ દોડી રહી હતી.ભેંસ જે બજારે ચડી એ બજાર આગળ જતાં લાખુભાઈના ઘર તરફ જતી હતી.એ બજારે હજી હમણાં જ બહાર નીકળેલા લાખુભાઈ મારતી સાઈકલે એમની પાછળ ભીમા ભરવાડવાળું સરઘસ લઈને ધસી રહ્યા હતા.

પેડલ પર જોર કરી રહેલા લાખુભાઈની ઊંડી ઉતરી ગયેલી આંખોએ સામેથી માથે માંકડુ બેસાડીને ફૂંફાડા મારતી ભેંસ આવતી જોઈ.પાછળ ઊંચું પૂછડું લઈને ધસી આવતો આખલો ને આગળ ભેંસ!

"મારી બેટી આ તો ભારે કરી. મારું હાળું ચિયા ચોઘડીએ ડેલીમાંથી પગ બાર્ય મેલાઈ જ્યો ઈનું ઓહાણ નો રિયું. આજ આ શેરીમાં જ મોત આંબી જાશે કે શું!" એમ બબડીને લાખુભાઈએ સાયકલ સાઈડમાં લેવાની કોશિશ કરી.કભેંસના માથે મોત ભાળી ગયેલુ માંકડું હવે થાકીને કોઈ નવો વિકલ્પ શોધી રહ્યું હતું. જે જગ્યાને સપાટ અને સગવડવાળી જાણી હતી એ બહુ મોટી ઉથલપાથલવાળી નીકળી હતી. માંકડાને લાખુભાઈમાં પોતાનો તારણહાર દેખાયો હોય એમ એ અચાનક કુદીને લાખુભાઈના ગળે ચોટી ગયું.

એકાએક માકડું ગળે ચોટયું એ જોઈ લાખુભાઈ ભડકયા.એમણે સાઈકલનું હેન્ડલ છોડીને માંકડુ પકડ્યું. એ બિચારું ભેંસના માથે મોત જોઈ ગયું હતું એટલે લાખુભાઈને મુકવા માંગતું નહોતું.એકાએક હેન્ડલ મૂકી દેવાથી સાઈકલને પણ ખોટું લાગ્યું હોય એ લાખુભાઈને લઈને બજાર વચ્ચે જ ઢળી પડી. સાઈકલ ઉપર લાખુભાઈ અને લાખુભાઈ ઉપર માંકડુ બજારમાં પડ્યા. માંકડાને સલામત જોઈને ભેંસનું પૂંછડું મૂકીને પોતાનું પ્યારું માંકડુ લેવા દોડેલા મદારીના પગમાં સાઈકલનું આગળનું વહીલ અથડાયુ. મદારી ગડથોલિયું ખાઈને માંકડા સહિત તાજા જ ધરણને શરણ થયેલા લાખુભાઈ પર પડ્યો.

લાખુભાઈથી રાડ પડાઈ ગઈ.એ રાડથી જીવ બચાવવા જીવ પર આવી ગયેલા માંકડાએ મદારીના બાવડે બચકું ભરી લીધું.

લાખુભાઈએ મદારીને ધક્કો મારીને દૂર હડસેલ્યો. પોતે ઉભા થઈ શકે એવી હાલતમાં રહ્યા નહોતા. મદારીએ માંડમાંડ એનું બાવડું માંકડાના મોમાંથી છોડાવ્યું.

માંકડાથી મુક્ત થયેલી ભેંસ ધીમી તો પડી પણ સામેથી આવતો આખલો હજી ભીમાના ભયથી ભાગ્યે આવતો હતો. ભેંસ સાઈડ આપે આપે એ પહેલાં એ આખલો ભેંસ સાથે ભટકાયો. ભેંસ એકબાજુ અને આખલો બીજી બાજુ ફંગોળાઈને પડ્યા. ભેંસની પાછળ આવતા ભીખાએ લાકડી લઈને આવતા ભીમાને ભાળ્યો. પોતે ભટકાઈ ન જાય એનું ધ્યાન રાખવા છતાં ભીમો ભીખાને આંબી જ ગયો.
લખુભાઈની એ શેરીમાં ભયંકર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. સાસરીમાં મહેમાનગતિ કરવા જતાં ભીમાના નવા નક્કોર લૂગડાંની પથારી ફરી ગઈ હતી.ભીમાએ એની બધી દાઝ પેલા આખલા પર ઉતારી.

મદારી માંકડાને લઈને ભાગ્યો. ભીમા પાછળ આવતા સાપને મદારીએ દોડીને પકડી લીધો અને ચોરા તરફ નાસી ગયો.

*

રામજી મંદિર ગામના ચોરે જ હતું. મંદિરે દર્શન કરવા આવેલા ડોશીવૃંદમાં સૌથી મોખરે રહેલા જીવીડોશીએ ચોકમાં કોથળા પર સાવ રેઢી પડેલી બે ડબ્બી જોઈ.એમની છીંકણી ભરવાની ખાસ ડબ્બી મુનિયો રમવા લઈ ગયો હતો તે ક્યાંક ખોઈને આવ્યો હતો.

"મારો રોયો કોક ડબલીયું મેલીને વયો જીયો લાગે સે. હંકન ડબલીયું તો બવ સારી લાગે સે." એમ બબડીને જીવી ડોશીએ ઉતાવળા ચાલીને એ ડબલીઓ ઉપાડી લીધી. એની સગી બેનપણી જમનાડોશી પણ ડબલીયુંમાં એટલો જ રસ ધરાવતા હતા. એક સેકન્ડ મોડા પડવા બદલ ડબલીયું ન મળે એ એમને માન્ય નહોતું.

"ડબલીયું તો મેંય ભાળી'તી. તું બેય ડબલી શીની લય જાય. એક તો મને દેવી જ પડશે. લે લાવ્ય.. ઓલી મોટી ડબલી મને દે..!" જમનાડોશીએ ભાગ માગ્યો.

"તેં ભાળી હોય તો ભલે ભાળી હોય,પણ તારી પે'લા મેં ભાળી'તી.
તારે ધોડીને લય લેવી જોવે ને. હંકન હવે તો બેય ડબલી મારે જોશે. મુનિયો ખોય નાંખે તો કામ્ય આવે." જીવીડોશી એ 'ભાળી જવાથી ભાગ લાગે' એ નિયમ રદ કરેલો જાહેર કર્યો.

"હું કવસુ કે એક ડબ્બી મને દે સાનીમાંની...'' જમના ડોશીએ જંગ જાહેર કર્યો.પણ કાયમ સાથે જ ઓટલે બેસીને છીંકણી ઘસતી જીવીડોશી જમનાનું જોર કેટલું છે એ જાણતા હતા.

"નય દવ એટલે નય દવ..નાનીય નો દવ ને મોટીય નો દવ..આમ હાલતી થા હાલતી. ડબલીયું મને જડી સે." કહી જીવીમાએ જમનામાને ધકકો દીધો. જમનાડોશીએ જીવીમાના હાથમાંથી ડબલી ખૂંચવી લેવા તરાપ મારી. ડબલીઓ જમીન પટકાઈ કે તરત એના ઢાંકણા ખુલી ગયા. ડબલીમાં બેઠેલા વીંછી ઉલળીને જીવીડોશીના ઘાઘરા પર ચોટયા. એ જોઈ જમના ડોશીએ મુઠીયું વાળીને ઘર તરફ દોટ મૂકી.
પાછળ આવતી ડોશીઓ પણ વીંછી જોઈને ભાગી.બે વીંછી જમીન પર આમથી તેમ દોડવા લાગ્યા.

ઓટલે બેઠેલા ડોસાઓએ આ દ્રશ્ય જોયું. જીવો ડોસો એની જુવાનીમાં જીવીને જોઈ આવેલા પણ જીવીના બાપે વધુ જમીનને ધ્યાનમાં લઈ જીવીના લગન જેઠા સાથે કરેલા. જીવોડોસો એ જમાનાથી જીવીને જોઈને જીવ બાળતા હતા. આજ જીવી પર જીવલેણ આફત આવેલી જોઈ એ ઊભા થઈને દોડ્યા. જોડો લઈને જમીન પર રખડતા બે વીંછીને તો એમણે ટીચી જ નાંખ્યા. પછી ઝીણી આંખે જીવીડોશીના સાડલામાં સંતાઈ ગયેલા વીંછીને જોઈ જીવા ડોસાએ જીવીડોશીના સાડલાનો છેડો પકડીને ખેંચ્યો.

"હાય હાય..જીવાભય..આ તમે શું કરો સો..ધરોપદીને બસાવવા કરસનભગવાને તો સીર પૂર્યા'તા. ને તમેં જીવીનો જીવ લેશો. તમે લાજો લાજો..હવે ઘરડે ઘડપણે ડોશીના વસ્તર ખેંહતા લાજી મરો" જીવાડોસાની ભાભીએ ડોશીઓના ટોળામાંથી રાડ પાડી.

જીવીડોશી તો જાણતા જ હતા કે જીવોડોસો બરોબર કરે સે. પણ એ વખતે જ ત્યાંથી મોટરસાઇકલ લઈને નીકળેલો જીવી ડોશીનો દીકરો આ કંઈ જાણતો નહોતો. ગાડી સાઈડમાં મૂકીને એણે ભરબજારે પોતાની ઘરડી માનો સાડલો ખેંચતા જીવા ડોસાને બે અડબોથ ચડાવી દીધી. તોય જીવા ડોસાએ તો સાડલો ખેંચી જ નાંખ્યો. સાડલામાં ગોટે ચડેલા વીંછીને શોધીને એમણે ધરમશીને બતાવ્યો ત્યારે ધરમશીએ બે હાથ જોડીને માફી માંગી. ચોરે હો હા મચી ગઈ. જીવીડોશી પછી એના ધરમશીને બહુ વઢયા.

એ વખતે ત્યાં આવેલો મદારી એના વીંછી શોધવા લાગ્યો. જીવા ડોસાએ ધરમશીની દાઝ મદારી ઉપર ઉતારી. મદારી ગામની બજારે પડેલી એની મોરલી અને ડમરું લીધા વગર એના માંકડાને ખભા પર બેસાડીને જતો રહ્યો.

એ દિવસને આજની ઘડી, એ ગામમાં કોઈ મદારી ખેલ કરવા આવતો નથી.પણ લાખુભાઈએ કામ વગર બહુ બહાર નિકળવાનું બંધ કરી દીધું છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ