વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુહાડી પર પગ

"હમ્મ."

અમારા ઘરના દરેક પારિવારિક મેળાવડા પર એકની એક ચર્ચા થતી. 'નાના હતા ત્યારે કેટલી મજા આવતી'થી ઉબાઇને મેં આખી રાત ચાલતા એ 'કઝીન્ઝ ટોકિંગ'માં ભારોભાર નીરસતા દાખવી.

"હા પણ ત્યારે ફોન નહોતા ને!" મેં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ ચાલુ રાખ્યું એ જોઈને મારા ભાઈ કનૈયાએ ફોન જમાવેલા મારા હાથને સણસણતા તમાચાનો સાક્ષાત્કાર કરાવ્યો.

'ફટ્ટાક' અવાજ સાથે મારા હાથમાંથી ફોન વછૂટ્યો.

વછૂટેલા ફોને ન્યુટનની ડિસ્કવરીના માનમાં ખુરશીના પાયાને અડોઅડ ગાદલું નાખીને નિદ્રાધીન થયેલા કંચન બાના મોઢા પર લેન્ડિંગ કર્યું. અડધોઅડધ સેકન્ડમાં પછડાયેલો ફોન કંચન બાના વાંકા નાકને લગભગ સમારી ગયો. સમારકામ છતાં ગુરુત્વાકર્ષણની એ કલાકારીથી નાખુશ, ઝબકીને જાગેલા કંચન બાએ વાગ્બાણ વહેતા મૂક્યા, 

"ઓય મા... આ મરી ગ્યાઓ.. આખી રાત ભૂતની જમાત જેવા જાગીને બીજાને સ્લીપ કરવા ની દેય ને હીધા બપોરે જમવાના ટાયમેં ઉઠીને ભૂખાવડીયાની જેમ નાયા વગર માથે સીટ કરી જાહે." 

કંચન બાનું દરેક વાક્ય મૃત્યુલોકના સનાતન સત્યથી શરુ થતું અને વચ્ચે-વચ્ચે મૃત્યુલોકની મહાસત્તાને અડકી જતું. કંચન બા એટલે વર્ષોથી ઘરમાં કામકાજ કરતા, ઘરના સભ્ય જેવા બની ગયેલ અને પરિવારના દરેક વ્યક્તિને ગુંગ્લીશ (ગુજરાતી વત્તા ઈંગ્લીશ)માં મૃત્યુના આશીર્વાદ આપી શકનાર વક્ર નાસિકાધારી વ્યક્તિ!

"મરી ગેઇ... આ વિજયની પોરી તો હાવ ઇડિયટ દેહુ. લે લેતી જા..." બીજી જ પળે એમના હાથમાં ઝડપાયેલો મારો ફોન ઉપાડીને કંચન બાએ મારા એકના એક ફોનનો સામેની દીવાલ પર છુટ્ટો ઘા કર્યો અને બબડાટ ચાલુ રાખી માથે ગોદડું ખેંચી લીધું.

હું એબી ડી વિલીઅરના વહેમમાં મારો ફોન ઝીલી લેવા ફોનની પાછળ ભાગી અને કૂદકો માર્યો. પણ મારા ભય ઉદ્ગાર 'ઍય... ઍયય..' સાથે અગાઉથી જ પ્રયાણ કરી ચુકેલો ફોન દીવાલ પર અથડાઈને બરાબર નીચે સુતેલા અમારા કૂતરા કાલાબાલા પર મારી સાથે જ પછડાયો. ઓચિંતા માનવ વત્તા મોબાઈલ આક્રમણથી ભડકીને જાગેલું એ કૂતરું 'કાઉં કાઉં' અવાજ સાથે અગાશી પરથી નીચે ભાગ્યું. 

ટ્રેમાં કાગળની પ્યાલીઓમાં ચા લઈને ત્યારે જ પધારેલી અને ૮૬૪૦૦ સેકન્ડ કૂતરાંના ખોફમાં જીવતી વિભુ કાલાબાલાને આવતો જોઈને પ્રત્યંચા પરથી બાણ છૂટે એમ છૂટી. અને જમીનદોસ્ત થયેલા મારા શરીરથી અજાણ વિભુએ અને ગરમ ચાએ મારા પર લેન્ડિંગ કર્યું.

અમારા તરફ દોડી આવેલા લોકોમાંથી કોઈકના પગની ઠેસ સાથે નીચે પડેલા મારા ફોને ફરી ગતિ પકડી અને ભાગીને નીચે આંગણામાં પહોંચેલા કાલાબાલા પર બીજીવાર ત્રાટક્યો. કાળું પલિત ચોંટ્યું હોય એમ ત્રાહિત થયેલા કાલાબાલાએ આખરે પાડોશીના આંગણામાં શરણ લીધી અને મારા ફોને ભગ્ન અવસ્થામાં અમારા આંગણામાં અંતિમ શ્વાસ લીધા.

મારા હાથમાંથી છૂટ્યા પછી સ્ટેશન બાય સ્ટેશન પલાયન થયેલા અને નિર્જીવ થઇ ગયેલા ફોનના અવશેષો ભારે હૈયે સંકેલીને નાછૂટકે હું 'કઝિન્સ ટોકિંગ'માં જોડાઈ. એમની કંટાળાજનક ચર્ચા ત્યાંની ત્યાં જ હતી કે 'બાળપણમાં કેટલી મજા આવી હતી.'

આ ઉત્સવ હતો પંદર દિવસ બાદ વિદેશગમન માટે તૈયાર નિર્મલભાઈને કુળદેવીના દર્શન કરાવવાનો! જે માટે આખો પરિવાર એક છત નીચે (અગાશીમાં ખુલ્લા આકાશ નીચે) ભેગો થયો હતો.

છોલાયેલી કોણી, દાઝેલી પીઠ અને ધૂંધવાયેલા મારા મગજે ગુસ્સો ઓકયો, "તમારા બાળકો તો બસ સ્કૂલ, ટ્યુશન, સમર કેમ્પ અને દિવાળી વેકેશન કેમ્પમાં જ ભાગતા રહે છે. ખબર નહિ તમને બધાને શું થઇ ગયું છે. બસ બધાએ એક આઈન્સ્ટાઈન મોટો કરવો છે. ક્યારેક એમને ભેગા કરી રમાડો તો એ લોકો ફોન ને ટેબ્લેટમાંથી બહાર આવે ને!"

"અરે વાહ! ફોન તૂટ્યો તો આ બેન તો મોટિવેશનલ સ્પીકર જ બની ગયા." કઝિન્સવૃંદમાંથી તીક્ષ્ણ ટોણો ફેંકાયો. 

બાળકોના માતા પિતા બની ચૂકેલા મારા બીજા પિતરાઈ ભાઈ-બહેનોએ સામી દલીલ કરી કે, બાળકોની અમાપ ઉર્જાને એ રીતે વ્યસ્ત ન રાખીએ તો એમણે સંભાળવાનું ભારે પડી જાય. એ લોકો વેકેશનમાં કેમ્પમાં જ સારા. અને એમાં પણ જયારે કોઈ અગત્યના કામ માટે જવાનું હોય ત્યારે બાળકો સાથે બધાનો સમય સાચવવો મુશ્કેલ થઇ જાય.

મારી વાંકી જીભ પરથી ભાગ્યે જ સીધાદોર નીકળતા શબ્દો બ્રહ્મશબ્દો હોવાનું મને થોડુંઘણું અભિમાન ખરું! એટલે હું મારી વાત પર જળોની જેમ ચોંટી રહી અને 'બાળકોને ભેગા કરો જ. હું રમાડીશ.'ના રટણ સાથે મેં મારા ભાઈ-બહેનોનું લોહી પીવાનું ચાલુ રાખ્યું.

આખરે મારો ઠરાવ 'કઝિન્સ લોકસભામાં' મંજુર કરાયો. બીજે દિવસે ચારેક સ્ટેશનથી સાત બાળકોને આ એક છત નીચે ખડકી દેવાયા.

પણ, 'મર્યા ઠાર!' ગાડીમાંથી ઉતરતી એ ટોળકીનો 'હલ્લાબોલ' જોઈને મને બીજી જ પળે મારા બ્રહ્મશબ્દોના વળતા પાણી દેખાયા. 

ઘરની શાંતિનો ભંગ કઈ રીતે થાય છે એ ચોવીસ કલાક સુધી જોયા પછી મેં દિવસે ઘરમાંથી પલાયનવાદ અને રાત પડતા જ શાહમૃગવૃત્તિ અપનાવી લીધી. જો કે, વાદળો ઘેરાતા જોઈને આવનાર તોફાનનો વરતારો તો મને પહેલેથી જ હતો. 

છેક રાતના બાર પછી જ્યારે થાકેલું ઉત્પાતવૃંદ નિદ્રાધીન થયું એ સાથે જ એ ઉત્પાતવૃંદ સામે રણસંગ્રામમાં ઘાયલ અને લગભગ જીવિત અવસ્થામાં બચી નીકળેલા એમના વાલીવૃંદે મારા પર ગેરિલા હુમલો કર્યો.  

"તને પહેલા જ કીધું હતું કે આ ટેણિયાઓને અહીં નહિ લવાય. આવી મોટી, બાળકોને ભેગા કરીને રમાડવાવાળી..." શબ્દબાણ નંબર એક. 

"હી હી હી હી...." કનૈયો ટોળા વચ્ચેથી હાસ્ય સાથે ફૂટ્યો.

હું સ્વબચાવમાં કોઈ ઢાલ આગળ કરું એ પહેલા બીજું શબ્દબાણ ફેંકાયું, "મા બનીશ પછી ખબર પડશે કે આ ધમાચકડીને સાચવવાની જંજાળ કોને કહેવાય. હવે કાલે મંદિરે આ લોકોને સાથે કઇ રીતે લઇ જવા?"

"હાહાહાહા..." લાફ્ટરકિંગ કનૈયાનું લાફ્ટર ધીમે ધીમે વેગ પકડતું જતું હતું. 

'તારી જ ભૂલ છે.' ત્રણ   

'તારો જ વાંક છે.' ચાર  

'આખો દિવસ આ પળોજણમાં દેખાઈ નહિ.' પાંચ 

'એની વાત જ નહોતી માનવી જોઈતી.' છ 

એક પછી એક બાણોનો પ્રહાર મારા પર ચાલુ હતો. 

"ચૂપ... બધા ચૂપ..." મેં કંટાળીને રાડ નાખી ત્યાંથી ભાગવા માંડ્યું જ હતું કે, આ બધા બૂમબરાડા સાંભળી અમારા તરફ આવતા મહાકાય કંચન બાના ભારેખમ શરીર સાથે હું અથડાઈ. 

મને એલફેલ ઉપનામ આપવામાં માહેર કંચન બાથી દૂર ભાગવા મેં હરણફાળ ભરી. પણ પહેલા જ પ્રહાર થયેલા બાણોની શું વિસાત! કંચન બાએ તો નીરજ ચોપરાની અદાથી ભાલો ફેંકતા હોય એમ સ્ટીલનો ગ્લાસ મારા તરફ છુટ્ટો ફેંક્યો, "મરી ગેઇ, આ વિજયની પોરી જ બો વાહૂલ છે. એ હું નાઈટ પડીને હોર પાડ્યા કરે. એવડી મોટી થઈ ગેઇ તો હો હાવ બ્રેઈન વગરની, એના કરતાં તો જો આ કનૈયો કેટલો નાઇઝ છે."

પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારા મગજ અને જીભ વચ્ચે ઢીલા થઇ જતા કનેક્શનની સમસ્યાનો ઉકેલ મને ક્યારેય મળ્યો નહિ. કંચન બાએ મને બ્રેઈન વગરની કહ્યું એ કરતા કનૈયાને નાઈસ કહ્યો એ મને હાડોહાડ લાગી આવ્યું એટલે જ મેં બ્રેક મારીને કંચનબાનો અવાજ ડામવાની કોશિશ કરી પણ હંમેશની જેમ કનેક્શન ફ્યુઝ....

'એ..એ..એ.. કંચન બા, લા બોકો બુમામુબ લરે, તે તમને દથી સંભળાતું?" 

પણ જવાબમાં કંચન બાની પરવાળા જેવી મોટી આંખો પર ઊંચકાયેલી 'ફફડતી આઈબ્રોઝ', ફૂંફાડા મારતા 'વાંકા રેડ નોઝ' અને 'રણશિંગા ઓફ સીસ એન્ડ બ્રોઝ' સામે મેં મારી સેલ્ફ રિસ્પેક્ટની દુકાન ''ક્લોઝ' કરી દીધી.

આખરે સાત પૂંછડી વગરના વનચરોની જમાત ભેગી કરવાનું ઠીકરું મારા માથે ફોડાયું. કકળાટ, ધમાચકડી, હો-હા, મારા-મારી, વાળખેંચ, પગખેંચ, માથાફોડ, વગેરે વગેરે પ્રક્રિયાઓને ભેળી લઈને ગાડી ન જઈ શકે એવા ઊંચા ટેકરા પર આવેલા માતાના મંદિરે જવું શક્ય નહોતું. પણ મંદિરે જવું તો જરુરી જ હતું. વિદેશગમન માટે ઓલમોસ્ટ તૈયાર નિર્મલભાઈને કુળદેવીના દર્શન નિયત કરાયેલા મુહૂર્તમાં જ કરાવવાના હતા. તેથી વહેલી સવારે હજુયે નિદ્રાધીન આ સાત વાંદરાઓના વાલીઓ અને વડીલો સહીત કાફલો પગપાળા મંદિર તરફ રવાના થયો. જો મેં મારી મોટિવેશનલ સ્પીચને લગામમાં રાખી હોત તો હું પણ એ કાફલામાં હોત. પણ, જી નહિ! એ કાફલામાંથી  મને નિર્લજ્જપણે બાકાત રાખવામાં આવી.

આગલા દિવસની બાળઉછેરની વર્ચ્યુઅલ ટ્રેઇનિંગના અનુભવે હું બખ્તર, તલવાર અને તીર-કામઠા સાથે તૈયાર જ હતી અને મારી મદદે હાજર હતા વક્ર નાસિકાધારી કંચન બા...

એક પછી એક ટેણિયાંઓ ઊઠવા માંડતા પહેલા તો ભેંકડા આક્રમણ ચાલુ થયું, "એંએંએં.. મમ્મા-પપ્પા ક્યાં છે? એંએંએં.." 

એ લોકો બપોર સુધી આવશે એમ કહી એ દરેકને પ્રેમથી સમજાવવું અશક્ય હતું એટલે એમની પૃચ્છાને અવગણીને એ બધાને બાનમાં લેવાના ઈરાદે મેં એનસીસીમાં શીખેલી તાલીમ કામે લગાડી રાડ નાખી, "સાવધાન... સામને દેખ... કતાર બના.." 

મારા અવાજથી ફફડી ગયેલા બાળકોએ વધુ જોશથી ભેંકડો તાણ્યો અને ઘરમાંથી રડતાં-રડતાં બહાર વછૂટ્યા.   

ચતુર્દીશ વિખેરાયેલા મરઘીના બચ્ચા પકડવા માટે દોડતી હોઉં એવી ભાગમભાગ છતાં હાથમાં ન આવતા અને કંઈ જ ન સાંભળતા બચ્ચાઓને જોઈને મને ખરેખર એ ક્ષણે પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી સ્કૂલના શિક્ષકોને ૮૭૧ ફિલ્ડ રેજિમેન્ટ સાથે એકવીસ તોપોની  સલામી આપવાનો વિચાર આવી ગયો.

સાતમાંથી ચારે ઓટલા પર જ બેસી જઈ આગળનું રુદનપુરાણ ચાલુ રાખ્યું. બાકીના ત્રણ આંગણામાં થઇ ઝાંપા તરફ ભાગ્યા. થોડા સમય પહેલા જ ચોખ્ખાઇની રિપ્રેઝન્ટેટિવ કંચન બાએ આંગણામાં લગાવેલા બ્લોક 'વૉશ' કર્યા હતા. ભીના બ્લોક પર પેલા ત્રણેય વનચર પડી જશે એ બીકે હું એમની પાછળ દોડી. 

પણ નસીબના રસ્તામાં ખાડા તો માત્ર મારા જ ભાગે આવ્યા હતા એટલે પહેલી હું પડી. અગાઉથી જ છોલાયેલી કોણી વધારે છોલાઈ. મારો પગ લાગવાથી પેલા ત્રણેય પડ્યાં અને ભેંકડા વધુ તીવ્ર થયા.

રડારોળ સાંભળી કંચન બા રસોડામાંથી બહાર આવ્યા, "મરી ગ્યાઓ, વૉશ કરેલા બ્લોક પર હુ કામ હાડકા ભાંગવા ગેયલા? ને તું... વિજયની પોરી, પોયરા રાખતા આવડે ની તો હુ કરવા મોટી માઈ થવા ગેયલી. ચાલ બધાને મોઢું બ્રશડાવીને બાથ કરાવી પાડ."

'હેં?' 

એમનું 'બ્રશડાવીને બાથ કરાવી પાડ' સેક્શન મારા માથા પરથી વહી ગયું હતું.

'બોબડી તો ઉતી જ અવે બેહરી હો થઈ ગેઇ કે હુ? તયાર કર આ પોયરાઓને.' કંચન બાએ ઉધડો લીધો. 

મેં થોડા દિવસો પહેલા જ એક પ્રાણીસંગ્રહાલયમાં મગરના દાંત સાફ કરતાં વ્યક્તિને મગરે ઘાયલ કરી દીધાનો વિડીયો જોયો હતો. હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા ને! 

અરે હા! એ જ રીતે મેં ભાગમભાગ કરીને કોલેજની લેબોરેટરીમાં પીંજરામાંથી ભાગી ગયેલા ઉંદર પણ પકડ્યા હતા. પણ બાળકોને નવડાવવા માટે પકડી પાડવામાં ધરાર નિષ્ફળતા મોઢે ચોપડી નછૂટકે મારે કંચન બા પાસે મદદ લેવી પડી.

આખરે બધાને પેટપૂજા કરાવ્યા બાદ મારે મેં આપેલા ભાષણ પર અમલ કરવાનો હતો. એટલે જ મેં વર્ષો જૂની રમત મગજના મોટેભાગે સુસુપ્ત રહેતા પટારામાંથી બહાર કાઢી, સંતાકૂકડી. 

રમત સમજાવતા જ ટેણીયા ભત્રીજા ગટ્ટુએ હોશિયારી બતાવી, "ઓહ આંટી, યુ મીન હાઇડ એન્ડ સિક?'

આંટી શબ્દ સાંભળવા માટે હું માનસિક રીતે તૈયાર નહોતી. મેં ગટ્ટુના માથા પર એક ટપલી મારી, "ઓ અંગ્રેજી ફરજંદ, આંટી નહિ ફોઈ બોલ."

ટપલી પડતાં જ ગટ્ટુની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ધુંઆપુંઆ થતો એ ઘરમાં ગયો અને પાછળથી આવી મારી કમરમાં ક્રિકેટ બેટનો જોરદાર સપાટો મુક્યો. 

"ઓહ.. " મારા મોઢેથી સિસકારો નીકળી ગયો. 

હું પાછળ ફરી તો મારા માથાનો બોલ ફોડવા માટે હેલીકોપ્ટર શોટમાં ઘૂમતી બેટ જોઈ હું ચોંકી ગઈ. 

"અરે.. અરે.. અરે.." હું ચિલ્લાઇ, "હાઉ ઇન્ટોલરન્ટ કિડ યુ આર...." 

પણ ગટ્ટુનો બદલો હજુ પૂરો નહોતો થયો. મારુ એ વાક્ય પૂરું થાય એ પહેલા ગટ્ટુનો જવાબી હુમલો તૈયાર જ હતો,"અલે ઓ અંગલેજી ફ્લજંડ... ગુજલાતીમાં બોલ ને. અને માલે નથી લમવી તાલી આ બોલિંગ સંતાકૂકલી. હું ડલોઈંગ જ કલીશ." કહી લાડસાહેબે ફરી ઘરમાં પ્રસ્થાન કર્યું.

મેં બાકીના છ ટાબરિયાના મોઢા પર ધર્મસંકટ દેવનું બાળ સ્વરૂપ જોયું, 'માલી સાથે સંતાકૂકલી, આઈ મીન મારી સાથે સંતાકૂકડી રમવું કે, ભાઈઓ કા ભાઈ ગટ્ટુભાઈના નક્શેકદમ પર ચાલવું.'

'ટીક..ટીક...ટીક...' ઓટલા પર લાગેલા ઘડિયાળના કાંટાનો પણ અવાજ પણ સંભળાય એવી અપાર શાંતિ વચ્ચે આક્રમણ કહેતા કંચન બા બહાર નીકળ્યા, "મરી ગ્યાઓ, અજુ અઈંયા જ ખોડાઈ રેલા કે? કાં તો ઈનસાઈડ જાઓ કાં તો આઉટસાઇડ જાઓ. ને વિજયની પોરી તું તો તદ્દન...."

કંચન બા મને કોઈ નવો ખિતાબ આપે એ પહેલા હું ગટ્ટુ સિવાયના છ ને લઇ સામેના મેદાન તરફ ભાગી.

મેદાનમાં પકડાપકડીની રમતને હજુ તો પાંચ મિનિટ થઇ હશે કે એક કાચું લીંબુ પોતાના પશ્ચાદ્ભૂ પર બંને હાથ રાખીને ટહુક્યું, "માસી... છીઇઇઇઇ... જોલથી આવી."

"હેં?" મેં એક જ ક્ષણમાં મેદાનથી ઘરના વીસ ડગલાં ઓછામાં ઓછી કેટલી સેકન્ડમાં પુરા થશે એ માપીને કાચા લીંબુને બગલમાં ઘાલ્યું. 

બાકીના પાંચને ખુલ્લા મેદાનમાં મૂકી જવાય એમ નહોતું. કપરી પરિસ્થિતિ સાચવી લેવા એનસીસી ટ્રેઇનિંગમાં ઘરેડમય થયેલા મગજે ઊંચા અવાજે કમાન્ડ વહેતો મુક્યો, "સબ લોગ... કદમ મિલાઆઆ...."

આ સાંભળી બગલમાં ઘાલેલું કાચું લીંબુ ધ્રુજી ઉઠ્યું, "માસી ધીમે બોલ. મને અઈંયા જ થઇ જાશે."

હવે હું ધ્રુજી, "અરે નઈ.. રોક જરાવાર." કહીને મેં બાકીના પાંચને આગળ ભગાડ્યા અને હું કાચા લીંબુને ઉપાડી હું એમની પાછળ ભાગી. 

કાચું લીંબુ એના કાર્યક્રમમાંથી પરવારે એટલા સમયમાં મને મારુ બાળક યાદ આવી ગયું. એ હોત તો ન તો મેં કુહાડી પર પગ માર્યો હોત અને ન આ ભાગમભાગમાં સપડાઈ હોત. મારુ બાળક આમાં ક્યાંથી ટપક્યું એમ ન પૂછતાં. હું અગાશી પરથી નીચે ટપકેલા મારા બિચારા ફોનની વાત કરું છું. મારા ફોનનું ટીંગ ટીંગ સાંભળીને જાણે વર્ષો વીતી ગયા હોય એવું લાગતું હતું. 

અચાનક જ મને અજાણી પણ જાણીતી રિલાયન્સની રિંગટોન સંભળાઈ, 'ટન..ન..ન..ના ના..ટન..ન..ન..ના ના..' મારી આંખો પહોળી થઇ ગઈ, 'હેં? આ હજુયે ચાલે છે?

ફોનની રિંગટોન તીવ્ર થતાં હું એ તરફ દોડી તો રિંગટોનની સાથે કમ્પાઉન્ડ દીવાલને આરપાર કંચન બા અને પાડોશી કાકીના બૂમબરાડા સંભળાતા હતા, 

"મરી ગેઇ... અઈંયા ને અઈંયા કચરો થ્રોવી જાય."

"ઓ કંચનડી, તું મને અંગ્રેજીમાં ગાળ ની આપ."

'ટન..ન..ન..ના ના..ટન' 

"મરી ગેઇ અભણ... મેં તને ક્યારે ગાળ ગીવ કયરી?"

'ટન..ન..ન..ના ના..ટન' 

"ચાર ચોપડી ભણેલી છે મેં. મને અભણ ની કેવાનું..."

'ટન..ન..ન..ના ના..ટન'  કંચન બાની કમરમાં ખોસેલો કીપેડ ફોન ચીસો પડ્યે જતો હતો.

"કંચન બા ફોન ઉપાડો."મંદિરે ગયેલા લોકોમાંથી કોઈનો ફોન હશે એવી મને ગળા સુધી ખાતરી હતી. 

'ટન..ન..ન..ના ના..ટન' 

"માસી... છી થઇ ગઈ.. ધોઈ આપ.." વચ્ચે કાચું લીંબુ ટહુક્યું 

"મરી ગેઇ... તું ચાર ભણેલી અહે તો મેં આઠ ભણેલી છે."

'ટન..ન..ન..ના ના..ટન'  

"બા ક્યારનો ફોન વાગે છે. એ પહેલા ઉપાડો." 

"માસીઈ..ઈ...ઈ.. થઇ ગઈ.. ધોઈ આપ..."

'ટન..ન..ન..ના ના..ટન'  

આખરે કંચન બાના કમરમાંથી ફોન ખેંચી હું કાચા લીંબુ તરફ ભાગી.

પાછળથી કંચન બાના વાગ્બાણ પાડોશી કાકીને છોડી મારા તરફ ફંટાતા સંભળાયા, "ઓય. વિજયની પોરી, તું તો તદ્દન મેનરલેસ દેહુ."

ફોન ઉપાડતા જ સામે છેડે વિદેશગમનનાં મુરતિયા નિર્મલભાઈનો રઘવાટીયો અવાજ સંભળાયો, "હલો કંચન બા... પિંકીને ફોન આપો જલ્દી."

"હું પિંકી જ બોલું છું. શું થયું?"

"અરે, કુળદેવી માતાજીને દેખાડવાના વિઝાના કાગળિયા તો ઘરે જ રહી ગયા. મુહૂર્ત વીતતું જાય છે ને અમારામાંથી કોઈ પણ પીઠ ફેરવી પરત ફરે તો અપશુકન કહેવાય. પેપર્સ લઈને જલ્દી ભાગતી મંદિરે આવ. ને સાંભળ, ખુલ્લા પગે આવજે. એ કાગળિયા ખુલ્લા પગે લઈને આવવાની માનતા હતી."

હુકમ માથે લઇ લક્ષ્યસિદ્ધિના એડ્રેનાલિન રશ સાથે મેં ઝપાટાબંધ કાચા લીંબુને ધોઈને ચડ્ડી પહેરાવી, કંચન બાને સ્થિતિ સમજાવી બાળકો સોંપ્યા અને વિઝાના કાગળ લેવા બેડરૂમમાં પહોંચી.

પણ સામેનું દ્રશ્ય જોઈને મારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઈ. ભાઈઓ કા ભાઈ ગટ્ટુભાઈ વિઝાના પેપર્સ લઈને ડ્રોઈંગ કરવા બેઠા હતા. ફૉર્મ્સની લીટીઓ જોડીને એને તોરણ બનાવ્યા હતા, ફોટોગ્રાફ પર ચિતરામણ કરી એણે ક્રાફ્ટવર્ક કર્યું હતું અને સર્ટિફિકેટ્સની હોડી બનાવી હતી.

"હાય હાય... આ કુ શર્યું ટગુડ્ડા?" મેં લૂસ કનેક્શન રાડ નાખી.

"એ બોબલી...તું તાલે સંતાકૂકલી લમ. હું શું કલુ એનાથી તાલે શું."

એનો કાન આમળવા હું એના તરફ ભાગી પણ એણે પલટીને કંપાસબોક્સનો ઘા મારા મોઢા પર કર્યો. નાક ઘસતા ઘસતા મેં ગુસ્સેલ નજર ગટ્ટીયા પર નાખી.

ભાઈઓ કે ભાઈ ગટ્ટીયાભાઈ પલંગ પર ચડી કમર પર હાથ રાખી ઊભો થયો, "વાયોલેન્સ, વાયોલેન્સ, વાયોલેન્સ... આઈ હેટ ઈટ. બટ વાયોલેન્સ લાઇક્સ મી. આઈ કાન્ટ અવોઇડ ઈટ."

"તને તો હું જોઈ લઈશ." કહી હું બહાર નીકળી જ હતી કે, કંચન બા ધસમસતા પાડોશી કાકી તરફ ભાગ્યા.

"અરે મરી ગેઇ, કચરો થ્રોવાની ના પાયડી તો મેલું પાણી થ્રોવા માંયડી, ઊભી રે તને બતાવું.... મરી ગેઇ..."

'હેય ભગવાન. છોકરાઓને આ મૃત્યુવરદાયીનીના ભરોસે તો નહિ જ મૂકી જવાય ને ન તો હવે પાડોશીઓને ત્યાં મૂકી જવાય.' વિચારી મેં કંચન બાને જ કહ્યું 'ચાલો મારી સાથે' પણ સામે રખરખતો જવાબ મળ્યો, 'મરી ગેઇ, એટલી અક્કલ ની મળે કે શુકનના દહાડે હાઉસને તાળું ની મરાય.' 

આ સાંભળીને મેં પોતાની જાતને છોકરાઓ ભેગા 'તોબે એકલા ચોલો રે' કહી દીધું.

નગ્ન પગ, ભગ્ન શરીર, કાચા રસ્તા, કેડે તાણેલા બે કાચા લીંબુ ને આંગળીએ તેડેલા ચાર ટાબરિયાં... આવા દયાના પાત્ર 'હું'એ મંદિર તરફ પ્રયાણ કર્યું. (પેલા ગટ્ટીયા ચિબાવલાને હજુયે ડ્રોઈંગ જ કરવું હતું.)

'આ કપરા ભવસાગર જેવા કાચા તપ્ત રસ્તે દયા ખાનારા ઘણા મળ્યા, દયા કરનારું કોઈ નહિ મળ્યું, મદદ કરનારું કોઈ નહિ મળ્યું...' વગેરે વગેરે આત્મબોધ અને વાંદરાઓની કીટકીટ વચ્ચે થાકેલા મગજે ભજનો વગાડવા ચાલુ કર્યા, 'વિધિના લખ્યા લેખ લલાટે....' 

આખરે ભાગતા પગ જવાબ દેવા માંડ્યા ને મગજે પ્લેયલિસ્ટ બદલી નાખ્યું, 'હે જી રે... કરમનો સંગાથી રાણા મારુ કોઈ નથી...'

ભજનિક મગજના તાલે સાથે લાવેલું કીપેડવાળું ડબલું પણ રણકવા માંડ્યું, 'ટન..ન..ન..ના ના..ટન..ન..ન..ના ના..'

મેં હાંફતા હાંફતા નિર્મલભાઈનો ફોન ઉપાડ્યો, "અલી જલ્દી, ભાગતી આવ નહીંતર મુહૂર્ત ભાગી જવાનું. દોડ વહેલી."

આખરે મારા અને તડકામાં લાલ થયેલા ટાબરિયાઓના મોઢા પર પાણી રેડી મેં મારા મગજની બકબક બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો એ વધુ જોશથી વાગવા માંડ્યું, 'મેરુ તો ડગે પણ જેના...'

હું આસ્તિક તો નથી પણ બીજાની શ્રદ્ધા અવગણુ એટલી નાસ્તિક પણ નથી. કાગળો સમય પર ન પહોંચે અને શ્રદ્ધાળુઓ પર બ્રહ્માંડ ભાંગી પડે એ પહેલા મેં કમર કસી, 'જય મા મેરીકોમ, જય હો એનસીસી ધામની, હે મિલ્ખાસિંગ પ્રભુ... શક્તિ આપજો." કહી મેં વાનરટોળી સાથે મંદિરના ટેકરા પર દોડ મૂકી. 

આખરે, મુહૂર્તના સમયમાં કાગળો ભરેલું કવર માના ચરણોમાં અને બાળકવૃંદ માવતર પાસે પહોંચી ગયું.

જો કે, આ શ્રદ્ધાળુઓને લાગવાનો આફ્ટરશૉક તો હજુ બાકી જ હતો. મેં માતાજીને હાથ જોડીને પાછા પગલાં ભરવાનું શરુ કર્યું. 

નિર્મલભાઈને કવર ખોલતા જોઈને મનમાં અનાયાસે ઝબકેલું ભજન ચાલુ હતું, "અમે લાવ્યા કાગળિયા ને કાગળિયા તો ગટ્ટીયાએ અભડાવ્યાં મારી માવડી...."

ચિતરામણ અને ક્રાફ્ટવર્ક કરેલા કાગળો જોઈને એક પછી એક દરેક મુખે જિહ્વાદેવી સળવળવા માંડ્યા.

'અરે આ કાગળ તો..."

'ઓય ઊભી રહે... આ શું કર્યું વિઝાના કાગળિયાનું?"

"તે... ઓ... આ... તો... ડ્રોઈંગે ગટ્ટીયા કર્યું. પણ બેં મેટલું ધ્યાન રાખું.." કનેક્શન લૂઝ- ફ્યુઝ છતાં મેં જવાબ આપવાનો પ્રયાસ કર્યો. 

"આ નકામીના તો કામ જ આવા...."

"હાવ વાહૂલ છે.'

"આ કોણ ઠીક કરાવવાનું હવે... તું ભાગમભાગ કરશે? તદ્દન યુઝલેસ..."

વધુ સાંભળવા કે જવાબ આપવા માટે તાકાત એકઠી કરવા કરતા મેં બચેલી તાકાત મારા પગને જ સોંપી દીધી. પૂંઠ ફેરવીને ભાગતી વખતે મારી પાછળ દોડતા બધાને કંચન બા વળગ્યા.

"મરી ગેઇ... ભાગે છે ક્યાં... ઊભી રે...."

 

...એન્ડ ભાગમભાગ કન્ટિન્યુઝ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ