વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અઢાર કલાકનું હવામાં ટર્બ્યુલન્સ

            "અઢાર કલાકનું ટર્બ્યુલન્સ!" 

           

            પ્રથમ વખત દીકરાને ઘેર વિદેશ જતાં માલવ અને બકુલા ખૂબ આનંદિત હતાં. બકુલાને એરપોર્ટમાં પ્રવેશતી જોઈ ત્યારથી મોટાભાગનાં પ્રવાસીઓએ પ્રભુને પ્રાર્થના કરી કે આ બેન બાજુની સીટમાં ના આવે તો સારું! જોકે ૧૧૦ કિલો વજન ધરાવતી બકુલાને જોઈને આ વિચાર આવવો સ્વાભાવિક છે. બંને ટિકિટનાં કાઉન્ટર પર પહોંચ્યાં. ત્રીસ જણાનું ટોળું તેમની પાછળ ગોઠવાયું. પાછળ વાળા ભાઈએ માલવને કહ્યું, "હું રમેશ પટેલ. ભાણિયાનું મોસાળુ લઈને અમેરિકા જઈએ છીએ." 

અજાણી વ્યક્તિ આમ વાતો કરવા માંડી તેથી માલવે કહ્યું, "તમે મને ઓળખો છો?" "વિમાનમાં આપણે જોડે જ હોઈશું ને! ઓળખાણ કરવી પડે ને. એમાં મારો સ્વાર્થ પણ છે. મારે અંગ્રેજીનાં ફાંફાં છે!"

તેમનાં  પરિવારમાંથી એક ટેણિયો માલવની ટ્રોલી બેગ પર બેસી ગયો.

"સાગર..."

ત્યાં તો સાગરે માલવની ટ્રોલી બેગ બાબા ગાડીની જેમ દોડાવી! માલવ તેને પકડવા ભાગ્યો. માલવની પાછળ સાગરના પપ્પા અને રમેશભાઈ. પાછળ સિક્યુરિટી! આ દોડપકડે લોકોને સરસ મનોરંજન પૂરું પાડ્યું. સિક્યુરિટી ગાર્ડે તેને પકડયો. 

બકુલાએ બાળાપો કાઢ્યો, "નવી બેગની આ બારકસે પત્તર ઝીંકી નાંખી!" બેગનું એક પૈડું નીકળી ગયેલું જોઈ બકુલા ક્રોધિત થઈ ગઈ. તેણે  સાગરની માને પડકારી. 

"તમારાં છોકરાને સાચવો."

"છોકરા તોફાન નહીં કરે તો તમે કરશો? આવડાં મોટાં પીપ જેવાં થયાં તે ખબર નથી પડતી!" પીપ શબ્દ સાંભળીને બકુલાનો પિતો ગયો. 

"પીપ કોને કહો છો?"

રમેશભાઈએ સાગરની મમ્મીને બીજી બાજુ લઈ જઈ શાંત પાડી. 

"એમનાં પતિ  આપણાં ગાઈડ છે. અંગ્રેજી કોણ સમજાવશે?"

"તો ઠીક. નહીં તો આ પીપને તો હું..."

 

       ફ્લાઈટ લેટ છે તેવું એનાઉન્સમેન્ટ થયું.  માલવ પેલાં પટેલ પરિવારથી દૂર ઊભો રહ્યો પણ રમેશભાઈએ તેને શોધી કાઢયો! તે જળોની જેમ ચોંટી પડ્યાં હતાં!  ત્યાં બૂમાબૂમ થઈ સાગર ખોવાયો છે!

માલવે તરત જ પોતાની ટ્રોલી બેગ જોઈ લીધી. સલામત હતી. જોકે પૈડું તૂટવાથી તે ટ્રોલીની બદલે ઝોળી થઈ ગઈ હતી.

"બોલો, હવે તેનાં પપ્પાનો મોબાઇલ લઈને ભાગ્યો છે. જરા શોધવો ને." રમેશભાઈએ આજીજી કરી.

બકુલાએ કમાન હાથમાં લીધી.

"આ કાંઈ રમતગમતનું મેદાન છે?" બકુલાને રાતી પીળી જોઈ રમેશભાઈ ખસી ગયાં. 

        આખો પરિવાર  સાગરને શોધવા નીકળી પડ્યો. એવું લાગે કે ટ્રેઝર હન્ટની રમત શરૂ થઈ! માલવ લઘુ શંકા કરવા ગયો ત્યાં તેણે સાગરને  ફોન મચડતો જોયો.  માલવે મેરેથોનમાં શીલ્ડ મળવાનું હોય તેમ દોડ લગાવી અને પટેલ પરિવારને કીધું,

"મળી ગયો...બાથરૂમમાં છે."

રમેશભાઈ પણ લઘુ શંકાનું સખત દબાણ આવ્યું હોય તેમ દોડ્યાં. જોકે  તે ત્યાંથી ભાગી ગયો હતો અને એક્સીલેટર ઉપર મજા કરતો હતો!

         છેવટે સિક્યુરિટી ચેક થયાં પછી બધાં વિમાનમાં ગોઠવાયાં. બકુલા બારી પાસે ગોઠવાઈ. બકુલાએ દોઢ સીટ રોકી હતી. માલવ સીટ ઉપર બિરાજે તે પહેલાં બાજુમાં એક તંદુરસ્ત બેન આવીને બેઠાં. બંનેનાં દેહલાલિત્યથી ત્રણ સીટ ભરાઈ ગઈ! માલવ કોઈ ખાલી સીટ શોધવા લાગ્યો. ત્યાં  રમેશભાઈ આવ્યાં. 

"અરે, હું તમને જ શોધતો હતો. મારી જોડે આવી જાવ." સીટ ઉપર અછડતી નજર નાખીને બોલ્યાં, "આપણે સાગરને અહીંયા ફીટ કરીએ."  આમે છૂટકો નહોતો. બે તંદુરસ્ત સ્ત્રીઓની જોડે નાનો સાગર ફિટ થાય એમ હતો. 

પણ સાગરનું નામ પડતાં બકુ બગડી. રમેશભાઈએ સમજાવ્યું કે તેને પટ્ટો બાંધીશું ને!

         ઘણાં યાત્રીઓએ ખાલી સીટ શોધી સૂઈ જવા માટે આંટા ફેરા ચાલુ કર્યા હતાં. માલવ પણ તેમાંનો એક હતો. માલવ રમેશભાઈની નજર ચૂકવીને છટક્યો. એક ખાલી સીટમાં જઈને આડો પડ્યો. વિશ્વ કપ જીત્યો હોય તેટલો આનંદ તેણે અનુભવ્યો. 

        હજુ તો વિમાન ઉપડે એ પહેલાં તો પટેલ પરિવારે નાસ્તા પાણી બહાર કાઢ્યાં. "જીગી, તું લે...વિભુ આ થેપલુ લે.." ચારે બાજુ આથેલા મરચાંની સુગંધ પ્રસરી ગઈ. એરહોસ્ટેસ દોડતી આવી. બધાંને બેસાડવા પ્રયાસ કરવા માંડી. ડાબલા ઉજાણી ચાલું જ રહી. સીટ બેલ્ટ બાંધવાનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધું થાળે પડ્યું. જોકે તે તોફાન પહેલાની શાંતિ હતી. મધુભાઈ એકદમ ઝડપથી ઊઠ્યાં અને રેસ્ટ રૂમ બાજુ દોડ્યાં. તેમની પાછળ  એરહોસ્ટેસ દોડી. "પ્લેન ટેક ઓફ થાય છે. સીટ ડાઉન." 

તે ટચલી આંગળી બતાવી બૂમો પાડવા માંડ્યા, "એકી જવું છે...મને પથરી છે."

તેમને રોકવા બીજી એરહોસ્ટેસ પણ દોડી.  "મને રોકી રાખશો તો પથરીનો પથ્થરો થઈ જશે!"

સીટ ડાઉન, સીટ ડાઉનની બૂમો પાડતી બંને એરહોસ્ટેસે મધુભાઈને પકડ્યાં પણ મધુભાઈ કંઈ ઝાલ્યા રહે! એકી પતાવીને જ પાછાં આવ્યાં. માલવને થયું કે શરૂથી જ યાત્રા આનંદદાયક છે. ૭૦% પ્રવાસી તો ગુજ્જુ હતાં.

વિમાન ટેક ઓફ થઈ ગયું. માલવે સૂવાનું વિચાર્યું. હજુ તે લંબાવે એ પહેલાં જ રમેશભાઈ બાજુમાં બેસી ગયાં. "મારી કંપની ગમતી નથી?" અર્જુન મત્સ્યવેધમાં માછલીની આંખ જોતો હતો તેમ રમેશભાઈ આખાં વિમાનમાં માલવને જોતા હશે!

"આ ખાલી જગ્યા હતી તેથી આરામનું વિચાર્યું."

"યાત્રામાં તો કંઈ સુવાતું હોય!" તેમણે પટ્ટો ખોલ્યો અને વળી વળીને બધાંનો પરિચય માલવને‌ કરાવ્યો. 

વિનોદભાઈ, મધુકાકા, બુધાભાઈ, જસુબા, વિભૂતિ વગેરે. 

ત્યાં તો વાવાઝોડાની જેમ સાગર, રમેશભાઈ પાસે આવ્યો. જેનો પરિચય પહેલેથી જ માલવને થઈ ગયો હતો.

'દાદા, ચોકલેટ.' કહીને વિમાન ગજવી દીધું.  ચોકલેટ લઈને તે  ફર્સ્ટ ક્લાસના એરિયામાં પરિભ્રમણ કરવા ઘૂસી ગયો! રમેશભાઈ પાછાં બકુલાની બાજુમાં તેને પટ્ટાથી બાંધીને આવ્યાં.

           વિમાન હવામાં થોડું ઉપર સ્થિર થયું. ત્યાં જ કોઈએ બૂમાબૂમ કરી. ગરોળી...બસ, ત્યારથી જ વિમાનમાં  ટર્બ્યુલન્સની શુભ શરૂઆત થઈ. રમેશભાઈ એકદમ ઊભાં થઈ ગયાં અને અવાજની દિશામાં જોઈને બોલ્યાં, "વિભૂતિ, ક્યાં જોઈ?"

વિભૂતિ બોલી, "જયશ્રીનાં માથામાં."

વિભૂતિની બાજુમાં જયશ્રી. જયશ્રી. જેનાં ઘૂઘરાળા વાળ. ગુચડાવાળા. વાંકડિયા વાળ કહેવાય પણ આ વાળ ગુચ્છાદાર વધારે હતાં. 

ગરોળીની બૂમથી જયશ્રી પણ સચેત થઈ ગઈ. રમેશભાઈએ લગામ હાથમાં લીધી અને તેણે પાછલી સીટવાળા પરેશને કીધું કે ગમે તે રીતે વાળમાંથી ગરોળી કાઢો.

પરેશે વિભૂતિને પૂછ્યું, "કેટલી મોટી છે?"

"નાની બચ્ચી છે."

"કેવો કલર છે? ધોળો કે કાળો?"

"કાળી"

રમેશભાઈ બગડયા. "તારે ગરોળીનો નિબંધ લખવાનો છે? કાઢવી તો પડશે ને!"

"કાકા, કાઢવાં માટે સાધન તો જોશે ને? કદ ઉપરથી મને ખબર પડે કે કયું સાધન લઉં."

બાજુની ચાર-પાંચ સીટોવાળાએ  પટ્ટા કાઢી નાખ્યાં.  રણ મેદાનમાંથી ભાગવાની તૈયારી!

દરેકની આંખો જયશ્રીનાં વાળ પર ફરતી હતી. 

વિભૂતિ બાજુમાંથી ખસી ગઈ.

રમેશભાઈના પત્ની સુધાબેન બોલ્યાં, "વાળ ઘુઘરાળા છે. છુટાં રખાય? આંગળી નાખો તોય બહાર ના નીકળે. ચમની ઓળે સે!"

જયશ્રીએ બાંગ પોકારી, "મેં સ્ટ્રેટનિંગનું કીધેલું પણ મમ્મી ના માની. મને પટાવી કે કંગના રાણાવત જેવી સ્માર્ટ લાગે છે!" 

પરેશ બોલ્યો, "શાંત રહે. તારી ગરોળી તો કાઢવા દે.તું સ્થિર બેસી રહે."

"ગરોળી ક્યાંથી મારી થઈ ગઈ?" તેણે ભેંકડો તાણ્યો.

વિભૂતિ બોલી, "તારાં ઘરની જ છે. પેલે દિવસે મેં એક જાડી, તગડી, કાળી, મોટી ગરોળી જોઈ હતી અને બીજી ગોરી તેની આજુબાજુ ફરતી હતી. આ બચ્ચી, પપ્પા પર ગઈ છે." તેણે ગરોળીની ફેમિલીનો આખો ઈતિહાસ આપી દીધો! પરેશે પેન કાઢી. પેનની અણીને તે જયશ્રીનાં વાળમાં ફેરવવા લાગ્યો. મોટાભાગનાંને ગરોળીનો અણગમો હતો. કોને ખબર તે કંઈ બાજુ ડાઈ મારે...અનપ્રીડિકટેબલ  રેપ્ટાઈલ!

આપત્તિથી અજાણ એરહોસ્ટેસ આવીને બોલી, "પ્લીઝ, સીટડાઉન. શું ચાલી રહ્યું છે?"

જેવી તેને ખબર પડી કે ગરોળીની શોધ. તે ભાગી. 

પરેશની પેન્સિલ ધીરે ધીરે આગળ વધી રહી હતી. જયશ્રીએ બૂમ પાડી કે માથામાં વાગે છે!

કાન્તામામી બોલ્યાં, "તારી માને ખબર ના પડી કે ઘસીને વાળ ઓળીએ. આવા લટિયા પટિયાને જટામાં બાંધવા પડે."

બુધાકાકા બોલ્યાં, "એ ગરોળીનું હવે કરશો શું? એ અહીંયા આકાશમાં ફરે છે! બચાડીનાં મમ્મી પપ્પા ઘરમાં ગોતા ગોત કરતાં હશે. બાપડી, મા વગરની થઈ ગઈ."

"તેનાં મમ્મી પપ્પા ખુશ થતાં હશે. દીકરી પરદેશ પ્રવાસે નીકળી. આપણે એક વર્ષથી વીઝા માટે તૈયારીઓ કરીએ છીએ અને એણે  એક જમ્પ માર્યોને દુનિયા બદલાઈ ગઈ."

"અરે, તમે શાંતિ રાખો. મને તો વિભૂતિનો વહેમ લાગે છે."

વિભૂ બગડી. "એ દેખાશે એટલે હું તમારાં ખોળામાં જ નાખીશ."

"ના બાપા. મારી બાજુ ના નાંખતી. મને તેની બીક લાગે છે." 

"તો પછી! મેં મારી નરી આંખે જોઈ છે. એકદમ  કાળી..."

આ સાંભળીને એક મહિલા યાત્રીને ઉબકો આવ્યો. તે બાથરૂમ તરફ દોડી. ગરોળીની વાત વિમાનમાં ધીરે ધીરે ફેલાવા માંડી હતી. તેથી બાથરૂમનાં દરવાજા પાસે ભીડ વધી ગઈ હતી. લોકો ગરોળીની બીકે વધું સમય બાથરૂમમાં પસાર કરવા લાગ્યાં!

         રમેશભાઈએ  કીધું, "પરેશ તુ જલ્દી કર."

પરેશે માથામાં જુ કાઢતો હોય તેમ વાળમાં ખાંખાખોળા કરવાં માંડ્યાં. પણ ગરોળી નીકળી નહીં. 

બધાંએ માની લીધું  કે વિભૂતિનો વહેમ છે. 

કોકે કીધું બાથરૂમમાં જઈને કાંસકાંથી માંથુ ઓળો.

જયશ્રીએ ઘસીને ના પાડી. "ત્યાં એકલાં એકલાં શું કરવાનું? અહીંયા તમે બધાં છો એટલે મારી હિંમત રે."

         વિમાનમાં પીણાં ચાલુ થયાં એટલે બાથરૂમ બાજુ ભીડ ઓછી થઈ.  જગ્યાઓ ભરાવા માંડી.

જયશ્રી રડવા માંડી. ગ્રુપ લીડર રમેશભાઇએ પરેશને આદેશ આપ્યો કે તારી નજર સતત તેનાં ઘૂઘરાળા વાળ તરફ જ રહેવી જોઈએ. છટકે નહીં.

તે બોલ્યો, "કાકા, ચિંતાના કરો." હાથમાં સુદર્શન ચક્ર લઈને બેઠો હોય તેમ તે પેનને ફેરવવા માંડ્યો.

એક વિદેશી યાત્રીએ તેના પતિને પૂછ્યું, "વોટ ઇસ ધ મેટર? ટુ મચ નોઈઝ એન્ડ ટર્બ્યુલન્સ!"

"આઈ થિન્ક લિઝડૅ ઈઝ ધેર..બટ આઈ એમ હીયર. નોટ ટુ વરી."

"ઓ માય ગોડ. આઈ હેવ એ એલર્જી. વોન્ટ ટુ ચેન્જ માય સીટ." તે દોડતી એરહોસ્ટેસ પાસે પહોંચી ગઈ.

         હાર્ટ ડ્રિંકની રાહ જોઈ રહેલાં એક વૃદ્ધ 

 બોલ્યાં, "આવી ગરોળીઓથી ના ગભરાવાય! ક્યાં છે? હું પકડીને બારીમાંથી ફેંકી દઉં!"

"તમે રહેવા દો. અહીંયા બારી ના ખોલાય."

દાદા માન્યા નહીં લાકડી લઈને ઊભા થયાં. .૦૦૦૧ની ગતિથી ચાલવાનું શરૂ કર્યું! દાદા B સીટ થી G સીટ સુધી પહોંચે ત્યાં યુરોપ આવી જાય! 

તેમને પાછાં બેસાડવા તેમનાં પાંચ પરિચિતો દોડ્યાં. એક યુવાનિયો  વિદેશી યુવતીને અથડાયો. યુવતી પડતાં રહી. તેણે પેલાને તમાચો મારી દીધો. મામલો બીચક્યો. પેલીનાં પતિ પણ ત્યાં પહોંચી ગયાં. 

તેણે પૂછ્યું, "વોટ ઇસ ધ મેટર?"

અંગ્રેજી ગુજરાતીની ભેજા મારી શરૂ થઈ. માલવ મધ્યસ્થી થયો. ટોળું વધતું ગયું. પ્રશ્નોનો મારો શરૂ થયો કે ગરોળી આવી કેવી રીતે?

"સિક્યુરિટીવાળા શું ધ્યાન રાખે છે? ગરોળી કેવી રીતે આવે?"  

"અરે, પેલા બેનનાં સુગરીનાં માળા જેવાં  વાળ છે ને તેમાં આવી."

જયશ્રી ઓશિયાળુ મોઢું કરીને બેઠી હતી.

"સિક્યુરિટીવાળીને થયું હશે કે માથામાં બક્કલ છે. આજકાલ વાંદરા, મિકી માઉસ આવાં બધાં બકલો ફેશનમાં છે!"

"હા, એ વાત ખરી. બક્કલ જેવું જ લાગે.  આનાં વાળ કાળા છે અને ગરોળી પણ કાળી!આમાં દેખાય ક્યાંથી?" બધાં વારંવાર કાતિલ નજરે જયશ્રી સામે જોવાં લાગ્યાં. ત્યાં સીટ ઉપર કૂદાકૂદ કરતો સાગર જયશ્રીની બાજુમાં આવીને બોલ્યો, "યુ આર ટોક ઓફ ધ પ્લેન! ગ્રેટ." પણ જયશ્રીની પરિસ્થિતિ તો રણભૂમિમાં નિઃસહાય અભિમન્યુ જેવી હતી. આ બધી ચર્ચાઓની વચ્ચે દાદાએ સમતુલા ગુમાવી અને પડ્યાં. આમે એક બાજુ પ્રવેશીઓનો ધસારો વધારે હોવાથી વિમાને પણ સમતુલા ગુમાવી હતી. તે પણ હાલમ ડોલમ થવા માંડ્યું. ઈમરજન્સી ડિક્લેર થઈ. લોકોએ દુપટ્ટામાં દાદાની ઓળી ઝોળી કરી. આગળની ખાલી સીટમાં તેમને સુવાડવામાં આવ્યા.

        મીઠી સાકર જેવાં અવાજમાં એરહોસ્ટેસે ડિક્લેર કર્યું કે વિ નીડ ડોક્ટર ફોર વન પેશન્ટ. અને એક રેપ્ટાઇલ વિમાનમાં ઘૂસી ગયું છે. વિ નીડ એક્સપર્ટ  હું હેવ નો એલર્જી ફોર રેપ્ટાઈલ."

      હજું તો ખાલી સો જણને ખબર હતી પણ તેનાં એનાઉન્સમેન્ટનાં કારણે આખાં વિમાનમાં વાત ફરી વળી કે કંઈક ઘૂસી ગયું છે. અફડાંતફડીનો માહોલ સર્જાયો. કારણ વગર ઊભા રહેવાની આદતવાળાં બધાં અથડાતાં કુટાતા પોતાની સીટ બાજું દોડ્યાં. વચ્ચે ડ્રિંકની ટ્રોલી હતી. સાગર તો ટ્રોલી પર ચડીને કુદયો. તેને અનુસરીને ઘણાં બધાંએ ગભરાઈને જગ્યા પર પહોંચવા માટે સીટો પર કૂદાકૂદ ચાલુ કરી. ફર્સ્ટ ક્લાસવાળા એ પડદા ફિટ બંધ કરી દીધાં. રેપ્ટાઈલ.. સાપ, અજગર, મગર? એર હોસ્ટેસે કોઈ ચોખવટ કરી નહીં તેથી અજાણ 

યાત્રીઓનાં જીવ પડીકે બંધાયાં. એરહોસ્ટેસે ડ્રીંક આપવાના બંધ કર્યા અને લાઈટો બંધ કરી દીધી.

           માંડ મામલો થાળે પડતો લાગતો ત્યાં  ચીસ પડી. "બચ્ચી દેખાઈ.." પરેશના અવાજથી તેની આજુબાજુ વાળા પાછાં ઊભાં થઈ ગયાં. પણ આ કોલાહલમાં બચ્ચી પાછી વાળમાં જતી રહી. પણ એટલું નક્કી થઈ ગયું કે નાની ગરોળી જયશ્રીનાં વાળમાં છે જ.

       રમેશભાઈ એરહોસ્ટેસને પકડી લાવ્યાં અને કહ્યું કે વાળમાંથી ગરોળી કાઢો.

       એરહોસ્ટેસ ધ્રુજી ગઈ. "અમને આની ટ્રેનિંગ મળી નથી. મને તો બહુ બીક લાગે." તે પણ ભાગી.

પરેશે બધાને શાંત રહેવા કહ્યું કે હવે કન્ફર્મ છે કે ગરોળીની બચ્ચી છે જ. બધાં શાંતિથી બેસો હું સફળતાથી ગરોળીને કાઢી લઈશ.

       

       પરેશની બાજુમાં બેઠેલાં કેતને ગંભીર મુદ્દો ઉઠાવ્યો. નીકળશે પછી મુકીશું ક્યાં!? માલવે 

ઉપાય બતાવ્યો કે કોઈ નાસ્તાના ડબ્બામા ભરી દો. મંજરીબેને પોતાનાં થેપલાં કાઢીને અમીનાં ડબ્બામાં ભર્યા. પાછાં બોલ્યા કે ડબ્બો મને પાછો આપજો. આ ટપરવેરનો છે. 

       મંજરીનો પતિ અનિલ તાડુકયો. "અરે, ગંદો ગરોળીવાળો ડબ્બો થોડો રખાય! મને તો ચીતરી ચડે."

"અરે, તો પછી  ડિસ્પોઝેબલ ડબ્બો એર હોસ્ટેસ પાસેથી લઈ આવો. તેણે ડબ્બો પાછો લઈ લીધો!

રમાબેને વહુની ઝાટકણી કાઢી. "જીવ મોટો રાખ. આ તો પુણ્યનું કામ છે!"

       કેતને ગોગલ્સ કેસ ગરોળીને પુરવા માટે આપ્યું. પરેશે  પેનની કરામત શરૂ કરી. વાળમાં ચહલપહલથી  બચ્ચી બહાર આવી અને કૂદકો માર્યો. બારી પર ચોંટી. "ઓ મા" કરીને જયશ્રી  ઊભી થઈ ગઈ અને  કોરિડોરમાં આવી ગઈ. કેતનના હાથમાં ગોગલ્સ કેસ જેમનું તેમ રહી ગયું. તે પણ ઉભો થઈને ભાગ્યો. ચાર હરોળના લોકો ઊભાં થઈ ગયાં અને પેસેજમાં ફરી દોડાદોડ થઈ ગઈ. કોઈ હવે E 15 નંબરની સીટ બાજુ જવાં તૈયાર નહોતું. બે જણ તો ફર્સ્ટ ક્લાસ બાજુ ગરી ગયાં. ફર્સ્ટ ક્લાસમાં પણ હોહા થઈ ગઈ કે આ બધાં આ બાજુ કેમ ઘૂસ્યા છે? ગરોળીનુ પ્રાગટ્ય સાંભળીને તેઓ પણ શાંત પડી ગયાં.  સામૂહિક પ્રાર્થનાનું આયોજન થયું.

કેતન  બચ્ચીની પૂંછડી પકડવા ગયો.  બચ્ચી  ચાલક.  ફટાક દઈને કૂદી. આગલી બારી પર. આગલી  બારીવાળા તો ક્યારના ભાગી ગયાં હતાં. ઘડીનાં છઠ્ઠા ભાગમાં બચ્ચી છુંમંતર થઈ ગઈ. હવે પ્રશ્ન વિકટ બન્યો. બધાં એરહોસ્ટેસ પાસે દોડ્યા કે અમારી જગ્યા બદલો. ૫૦ જણનું ટોળું એર હોસ્ટેસને ઘેરી મળ્યું. "વી વોન્ટ ટુ ચેન્જ અવર સીટ."

       

          ઇમરજન્સી લેન્ડિંગ કરીને ગરોળીને કાઢવાની રજૂઆત થઈ. ૧૮ કલાક વિમાનમાં કેમ નાં કાઢવાં? ત્યાં માઇકમાં એનાઉન્સ થયું કે બધાં પોતપોતાની જગ્યાએ પટ્ટા પહેરીને બેસી જાઓ.  પાયલોટ જોડે વાત થઈ ગઈ છે. લિઝડૅ નિર્દોષ રેસ્ટાઈલ છે. ઈમરજન્સી લેન્ડિંગ  નહીં થાય.

ઇમરજન્સી લેન્ડિંગ બંધ રહ્યું એટલે

આગળ પાછળ બધે ભાગમભાગ ચાલુ જ રહી. કરફયુ છૂટ્યાં પછી  શહેરમાં લોકો રખડવા નીકળે તે રીતે ટોળાં વિમાનમાં આમતેમ ફરવા માંડ્યા. કોઈ પોતાની સીટ પર બેસવા તૈયાર નહોતું. અફવાનું બજાર પણ ગરમા ગરમ હતું.

"તે ફર્સ્ટ ક્લાસમાં ગઈ લાગે છે." તેથી  ફર્સ્ટ ક્લાસમાં ભાગમભાગ થઈ અને બધાં ઇકોનોમિક ક્લાસમાં આવી ગયાં. 

"બચ્ચી, ફર્સ્ટ ક્લાસ નસીબ લઈને આવી છે. એકલી એકલી ફર્સ્ટ ક્લાસમાં મજા કરશે!" કોઈક મજાકમાં બોલ્યું. 

આ ભાગમભાગને કારણે એરહોસ્ટેસો  પરેશાન થઈ ગઈ અને માઇકમાં જાહેર કર્યું કે એની બડી હીયર હું નોઝ હાઉ ટુ પિક અપ લિઝડૅ? 

        ગરોળીની વાતનું અતિક્રમણ થતાં હવે દરેક યાત્રીને દરેક જગ્યાએ ગરોળી જ દેખાતી હતી. 

કરણની નજર એક વિદેશીની પીઠ ઉપર પડી. ગરોળીનાં જેવું કંઈક લાગ્યું. તે સાવચેતીપૂર્વક તેની પાછલી સીટમાં ગયો. નજીક ગયો ત્યારે ખબર પડી કે  પેલો તો આખેઆખો સાપ પીઠ ઉપર ત્રોફાવીને બેઠો હતો! ટેટુ! 

       છેવટે ચાર પાંચ નીડર માણસોની કમિટી બનાવાઈ. વિમાનમાં ફક્ત બે જણાં જ ખુશ હતાં. બંને મુક્તિનો આનંદ લઇ રહ્યા હતાં.

એક જયશ્રી. કારણ કે ઘેઘૂર વડલા પરથી પંખી ઉડી ગયું હતું. બીજી ગરોળીની બચ્ચી. તેને મુકત આકાશમાં વિહરવા મળ્યું હતું.

          મુસાફરોને શાંત પાડવા વહેલું જમવાનું પીરસવામાં આવ્યું. ખાતાં ખાતાં પણ મુસાફરો આજુબાજુ ડાફોળીયા મારતાં હતાં. કમિટીએ રેઝોલયુશન પાસ કર્યું કે જમણ પછી યાત્રીઓએ  પગનાં મોજાં, હાથનાં પ્લાસ્ટિકનાં ગ્લોવ્ઝ, મોઢાં ઉપર માસ્ક તથા પ્લેનમાં આપેલ ફેસ શીલ્ડ પહેરી સૂઈ જવું. પ્લેનમાં લાઈટો બંધ કરી દેવામાં આવશે. 

         ત્યાં કોઈ બાથરૂમમાંથી બહાર આવી બોલ્યું કે બાથરૂમના અરીસા પર ગરોળી જેવું લાગે છે. એક્શન કમિટીએ તે બાથરૂમને બંધ કરી દીધો. એક બાથરૂમ તો ચીમનકાકાએ પહેલેથી જ ઓક્યુપાઈડ રાખ્યો હતો. કબજિયાતની તકલીફને કારણે તે કાયમચૂર્ણ લઈને આવેલાં! તેમને વારંવાર ઈમરજન્સી કોલ તકલીફ આપતો હતો. યાત્રીઓ પરાણે સૂતાં. 

          વિમાનમાં ઘોષણા થઈ  "યાત્રીઓ કૃપયા ધ્યાન દે. હવાઈ જહાજ નુવાકૅ એરપોર્ટ પર લેન્ડ હો રહા હૈ. ખુરશી કી પેટી બાંધ દે." મોટાભાગનાં પટ્ટા બાંધીને બેઠેલા યાત્રીઓએ પટ્ટા કાઢ્યાં કે ક્યારે ભાગીએ. આમેય પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ જ હતી. યાત્રીઓ એરહોસ્ટેસની વાત સાંભળવા તૈયાર જ નહોતાં. આખો હવાઈ પ્રવાસ મન ફાવે ત્યાં પ્રવાસ થઈ ગયો હતો. એરહોસ્ટેસે પણ બધાંને ભગવાન ભરોસે છોડી દીધાં હતાં. વિમાનનું લેન્ડિંગ થતાં બધાં ફટાફટ પોતાનો સામાન લઈ ઉતારવાં માટે ભાગ્યાં. 

         વિમાનનાં દરવાજે એરહોસ્ટેસ 'નમસ્કાર' કરીને બધાંને વિદાય કરી રહી હતી. તેનું મગજ પણ ક્યારે યાત્રીઓ જાય તેમાં જ હતું કારણ કે હજુ બચ્ચી ક્યાં મળી હતી? 'નમસ્કાર' કરતાં એરહોસ્ટેસ નીચી વળી. તેનું ધ્યાન રમેશભાઈની ટ્રોલી બેગ ઉપર ગયું. બચ્ચી આરામથી બેગ સાથે મુસાફરી કરતી બહાર જઈ રહી હતી. તેણે નજર ફેરવી લીધી. અધખુલ્લા હોઠ સાથે રમેશભાઈને તેણે સ્મિત આપ્યું. રમેશભાઈ દાદરો ઉતરી રહ્યાં હતાં.  સાથે સાથે એરહોસ્ટેસની વક્ર દૃષ્ટિ ગરોળીને આવજો કહી રહી હતી. એર ટર્બ્યુલન્સથી મુક્તિનો આનંદ તેનાં મુખ ઉપર ઝળકતો હતો. 

 


(૨૪૬૮)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ