વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મર્કટ મનનાં તરખટ

મર્કટ મનનાં તરખટ


મન ક્યું બહેકા રે બહેકા આધી રાત કો…. 

ઠક્ ઠક્ ઠક્… 

હાય રામ! આ કોણ ઠક્ ઠક્ કરતું હશે? સવાર સવારમાં એકવાર ઉઠ્યા પછી બીજીવાર સૂવા મળે, આપણી ખાલી પથારી પર કામચલાઉ કબજો જમાવનારને હળવેકથી એમની જગ્યાએ ખસેડી એ હુંફાળી પથારીમાં ફરી સૂતા હોઈએ, છોકરાઓ સ્કુલે પહોંચી ગયા હોય ને બીજો કોઈ કલબલાટ ન હોય, હુંફાળી ચાની ચુસકીઓ સાથે છાપાના સમાચાર પણ ગટકાવી લીધા હોય, ને પછી ઘડિયાળ એમ કહે કે, ઓહોહો! આજ આટલા વહેલા? હજુ તો ઘણી વાર છે. પંદરેક મિનિટની એકાદ પાવરનેપ લેશો તો વાંધો નહી આવે, તો એ વાત કેમ ટળાય? બસ, આપણે ય બંદા માની ગયા ને સોડ તાણી દીધી. મોબાઈલમાં પંદર મિનિટનો એલાર્મ સેટ કરીને આંખો મીંચી દીધી. હજુ તો આંખ ઘેરાય ત્યાં જ આ ઠક્… ઠક્… ઠક્…! ગુસ્સો તો બહુ આવ્યો, પણ શું થાય? ખબર હતી કે પડખાવાસી એમ એટલી જલદી હલે એમ નથી. ઊભા તો આપણે જાતે જ થવાનું હતું… એટલે થઈ ગયા,બીજું શું? પહેલા તો વિચાર આવ્યો કે 'કો… ઓ… ણ?' એવી બૂમ પાડીએ, પણ પછી નકામું પડખાવાસીને ડિસ્ટર્બ થાય, એના કરતાં ઊભા થવું સારૂં. માંડ માંડ ઊભા થયા પછી, પહેલા બે ડગલા માંડવા દિવાલનો ટેકો લીધા પછી દરવાજો ખોલ્યો તો સામે પૂરા પાંચ હાથનો કીકલો. 

"અલ્યા તુ? હાલ તો તને સ્કુલે મૂકીને આવી. આટલી જલદી પાછો કેમનો આવી ગયો?" એનો જવાબ આવે એ પહેલા તો બહાર હોલમાંથી કંઈક ખડખડ અવાજ આવ્યો. કીકલો ઘડીક મારી સામે તો ઘડીક મેઈનગેટ સામે તાકી રહ્યો. એના ગળામાંથી અવાજ જ ન નીકળ્યો, એટલે આપણે બારણું આખું ખોલી રૂમની બહાર નીકળ્યાં. પેસેજ વટાવી હોલમાં ગયા તો જોયું કે કોક બે માણાહ કેવાય એવા વિચિત્ર જીવ ન્યાં બેઠા છે. બંનેની પીઠ દેખાણી. વર્ષોથી ધોયા ન હોય એવા ભૂખરા, વળીયા પડી ગયેલા ઉંદરકટ જીંથરા, કલર નક્કી ન કરી શકાય એવું મેલું પહેરણ, ખભે ઝુલતી પતલી દોરી, કે જેની સાથે શું લટકાવ્યું હશે એ ખ્યાલ ન આવ્યો. એમાંયે કાંઈક ખાતા હોય એવો ચપડચપ અવાજ સાંભળીને આપણને તો ઉબકો જ આવી ગયો. આ માળું કોણ? બરાબર યાદ છે કે પાવરનેપ લેવા જતા પહેલાં મેઈનગેટ અંદરથી લોક કર્યો હતો. તો આ વિચિત્ર પ્રાણીઓ ઘરમાં કેમના આવ્યા? અને આ કીકલો કેમનો પેઠો? કાંઈ સમજાતું નહોતું. 

આપણે તો બિલ્લીપગે સાઈડમાંથી રસ્તો કરી એમની સામે પહોંચ્યા, ને આ શું? એમના ચહેરા… ઉભા જટિયા નીચે સાંકડું કપાળ, બેસી ગયેલા ગાલ, ઉંડી ઉતરી ગયેલી આંખો, મોઢામાંથી સતત ટપકતી લાળ, અને એની સાથે ભળી ગયેલો કંઈક અંશે લાલ જેવો કલર, એકદમ હાડપિંજર પર સીધી ચામડી ચોંટાડી હોય એવું શરીર, એ ય કમરમાંથી ડાબી સાઈડે નમેલું, અને આવા ભાયડાને ટેકો આપતી બાયડી પણ કેવી? આખા શરીરે જાણે મેશ ચોપડી હોય એવો રંગ, જીંથરા નીચે મોટું કપાળ અને એમાં વચ્ચોવચ્ચ વાળની શરૂઆતથી શરૂ કરીને છેક નાકની શરૂઆત સુધી પહોંચે એવો મોટો ગોળ કેસરી ચાંદલો, જાડી ભ્રમર નીચે મોટી કોડા જેવી આંખ, ફુલેલુ નાક અને બેસી ગયેલા ગાલ… ભાઈના બરડે હાથ ફેરવતા ફેરવતાં સતત કાંઈક બબડી રહેલી એ બાઈએ મને જોઈને એક ખિસિયાણું સ્મિત આપ્યું, પરંતુ તેના મોઢાની બખોલમાં લટકી રહેલા બે ચાર દાંત આપણને વધુ ડરાવી જાય એવા હતા. ભાઈનો હાથ સતત નીચે વાસણમાંથી મુઠ્ઠો ભરી મોઢામાં કંઈક ઓરી રહ્યો હતો, પણ દાંતની બખોલમાંથી અડધો ચવાયેલો રસો લાળ સાથે બહાર દદડતો હતો. અહીં આવ્યો ઉબકા નંબર 2. પણ આપણો કંટ્રોલ એટલે… વોમિટને બહાર ન આવવા દીધી તે ન જ આવવા દીધી. 

આમ તો શિષ્ટાચાર એવું કહે છે કે સ્મિતનો જવાબ સ્મિતથી આપવો જોઈએ, પરંતુ અત્યારે એ આપણાથી પોસિબલ નહોતું. કારણ… પેલો દબાવી રાખેલો ઉબકા નંબર 2. આપણા ચહેરા પરના ભાવ એ વિચિત્રતાને પણ સમજાયા હશે, એટલે એમનું બબડવાનું અટકાવી એ બાઈ બોલ્યા, "દવા ચાલે છે ને… ઈલાજ માટે થઈને આવું ખાવું પડે છે." ભાઈના હાથે ઉતરતા રેગાડા જોઈ આપણી તો હિંમત જ ન થઈ કે એના વાસણ પર કે ખોરાક પર નજર કરીએ. બાઈને કાંઈક જવાબ આપીએ ત્યાં ફરી ઠક્ ઠક્ ઠક્… 

બાઈ સામે પરાણે હસવાની નાકામયાબ કોશિશ કરી આપણે મેઈનગેટ તરફ કદમ આગળ વધાર્યા. માત્ર બે ડગલા દૂર મેઈનગેટ સુધી પહોંચીને એ ખોલીએ એ પહેલાં તો એટલી બધી વાર ઠક્ ઠક્ થઈ ગયું કે મગજમાંય ઠપકારો પહોંચી ગયો. ભાઈ-બાઈનો આઘાત પાછળ છૂટી ગયો અને નવા થડકારા માટે મગજ તૈયાર થઈ ગયું. જરાક દરવાજો ખોલી જોયું તો કીકલો સાડા ત્રણ ફૂટની કીકુડીને કાખમાં ઘાલીને ઊભો હતો. એનો હાથ દરવાજો ખટકાવતો હતો, પણ નજર તો બહાર કોરિડોરમાં મંડાયેલી હતી. આપણને વળી નવાઈ લાગી. આ કીકલો વળી બહાર ક્યારે ગયો? અને એટલી વારમાં કીકુડી યે સ્કુલે થી ઘરે! 

દરવાજો ખૂલી ગયો છે, એ કીચુડાટ કાન મગજ સુધી પહોંચાડે એ પહેલા ઠક્ ઠક્ નો આદેશ મગજે હાથ સુધી પહોંચાડી દીધો હશે, એટલે નજર કોરીડોરમાં જ રાખી કીકલાનો હાથ ફરી પછડાયો, પણ આ વખતે આપણા મોઢા પર, અને કીકલાએ આપણી તરફ જોયું. તરત જ કાન પકડીને આપણને બહાર ખેંચી લીધા અને પાછળ બંધ થતા દરવાજા વચ્ચે ભાઈનો લાંબો થતો હાથ દેખાયો… એનું જમણ દેખાયું… એ કોઈક મૃત શરીર હતું જે હવે પૂરેપૂરું ખવાઈ ગયું હતું, અને ભાઈ ત્યાં બેઠે બેઠે જ મારી તરફ હાથ લંબાવી રહ્યા હતા… જરાક મોડું થયું હોત તો ભાઈનું ચપડકચપ ફરી ચાલું થઈ ગયું હોત. પણ નસીબ સારા કે એટલીવારમાં કાખમાં બેસેલી કીકુડીએ દરવાજાને બહારથી આંકડિયો મારી દીધો હતો. 


"ભાગ કીકલા… "

આપણે-બાપણે જાય ભાડમાં, મેં તો સીધી કીકલાનો હાથ પકડી દોટ મૂકી. કીકુડીયે કીકલાની કાખમાંથી કુદી મારી પીઠે વાંદરાના બચ્ચાની જેમ ચોંટી ગઈ. એના નાના નાના હાથની મજબૂત પકડ એણે મારી ગરદન ફરતે બનાવી લીધી હતી. એને ખબર હતી કે અહીં એનો હાથ કોઈ પકડી નહી શકે. અપની સુરક્ષા અપને હાથ. ભાગતા ભાગતા અચાનક ખ્યાલ આવ્યો કે આ એ સોસાયટી નથી જ્યાં આપણો ફ્લેટ છે. કોરીડોર વધારે લાંબો છે. ફ્લેટના બારણાની સંખ્યા પણ વધી ગઈ છે! 

નજર દૂર સુધી લંબાવી, પણ કોરીડોરનો કોઈ અંત દેખાતો નથી. ત્યાં એક ફ્લેટમાંથી જોરદાર અવાજ આવ્યો. કદાચ કોઈક મદદ માંગી રહ્યું હતું, પરંતુ તેની ભાષા સમજાતી નહોતી. મેં કીકલાનો હાથ પકડી એને ધીરો પાડ્યો. એ ફ્લેટના દરવાજે કાન માંડ્યો, તો અંદરથી ડરેલી ચીસો સંભળાઈ. મેં દરવાજો ખટકાવી બૂમ પાડી, પણ પેલી બાજુ પણ ભાષાની તકલીફ નડી હશે. પરંતુ મારો અવાજ સાંભળીને હવે એમનું ઠક્ ઠક્ ધડધડમાં બદલાઈ ગયું હતું. કીકલાએ છાતીભેર સૂઈ જઈ દરવાજા નીચેની તીરાડમાંથી જોયું. ત્યાં કાંઈક પ્રવાહી ઢોળાયેલું હતું અને એમાં જુદી જુદી ભાષાનો એક એક મૂળાક્ષર લખેલો હતો. એ સાથે જ બે આંખો પણ દેખાઈ. કીકલાએ આ જોયુ. તેણે જમીન પર આંગળી ફેરવી "ક" લખ્યો, પણ દરવાજો ફરી ધધડ્યો. સામેવાળા કદાચ અમારો - હા હવે, હું, કીકલો ને કીકુડી સાથે હોઈએ તો અમે જ કહેવાય ને… હા, તો અમારો ઈશારો નહી સમજી શકતા હોય. હવે કરવું તો કરવું શું? પણ આપણો પાવર એટલે… પેલો રોકી રાખેલો ઉબકા નંબર 1 અને 2 બંને એક સાથે બહાર કાઢી દીધા. હવે, કાંઈક પરાક્રમ કર્યું હોય તોય પોતાની જાતને માન નહીં આપવાનું? છટ્! ચાલો, "મેં" બસ! મેં વોમિટ કરી અને એની ઉપર કીકલાએ પગના અંગૂઠાથી ફરી "ક" લખ્યો. 

બારણા પાછળ એકદમ શાંતિ છવાઈ ગઈ. મેં કીકલાને ઈશારો કર્યો કે પાછો બારણા નીચેથી જુએ, પણ એણે જોરમાં ડોકું ધુણાવી ના પાડી દીધી. જોશમાં ને જોશમાં કરેલા વમને ઘણો વિસ્તાર રોકી લીધો હતો. જો નીચે તીરાડમાંથી જોવુ હોય તો એ વમન ઉપર જ માથું ટેકવવું પડે. મેં મારા ખભે ગોઠવાયેલા કીકુડીનાં ગાલે એક બકી ભરી, તો એણે પણ મોં પાછળ ખેંચી લીધું. હવે? આ અચાનક અજાણી થઈ ગયેલી જગ્યાએ બીજું કોઈ દેખાતું પણ નહોતું. પેલા વિચિત્ર પ્રાણીઓ ક્યારે બહાર નીકળી આવે એ ધાર્યું નહોતું. એમાંય બહાર ધડબડાટી બોલવાના અવાજ આવતા હતા. જાણે દિવાળીના ફટાકડા ફૂટતા હોય એવું લાગતું હતું. પણ વગર દિવાળીએ આટલા બધા ધૂમધડાકા… સમજશક્તિ જાણે રજા પર ઉતરી ગઈ હતી. પણ હવે કીકાકુમારે આઇડિયા લગાવ્યો. કેમ, કોઈ સમજદારી ભર્યા સારા કામ માટે આપણે આપણી જાતને માન આપીએ તો બીજાને પણ આપવું જ જોઈએ ને… હા, તો કીકાકુમારે મગજ દોડાવ્યું અને વોમિટના ચકરડાની એક ધારે મુત્રવિસર્જન કરવાનું શરૂ કર્યું. આ ક્રિયાએ બરાબર પેલા ફુવારા જેવું કામ કર્યું, જે ટીવીમાં ગાર્ડન સાફ કરવા બતાવે છે ને, બસ એકદમ એવું જ. બધી વોમિટ ત્યાંથી ખસી ગઈ. હા, એ વાત અલગ હતી કે એનું સ્થાન હવે બીજા પ્રવાહીએ લઈ લીધું હતું, પણ એટલું તો ચલાવવું પડે ને… 

હું મા છું… મારા છોકરાઓના મળમૂત્રથી મને સૂગ ન હોય…. આ છોકરાવ એમનેમ મોટા નથી થયા… કંઈ કેટલુંય મારા મનને સમજાવી મેં મારા ગળે વીંટળાયેલા કીકુડીના હાથ પર હળવી ઠપકી મારી નીચે ઉતરવા ઈશારો કર્યો, તો એ સીધી કુદીને કીકલાની કાખમાં ગોઠવાઈ ગઈ. કીકુડી જ્યાં પગ મૂકવા યે તૈયાર નહોતી ત્યાં માથું મૂકી મારે દરવાજાની પેલી તરફ જોવાનું હતું… મનને મક્કમ કરી, શરીરને ઢીલું છોડી જ્યાં નીચે બેસવાની તૈયારી કરી ત્યાં બારણા પાછળથી સ્પીકર ગાજ્યું… એય ગુજરાતીમાં! 

"આ યુએસ આર્મીનું ઓપરેશન છે. અમારી જાણકારી મુજબ અહીં એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સંતાયો છે. અમે તેને જેર કરવા આવ્યા છીએ. કોઈ પોતાની જગ્યાએથી નહીં હલે. તમારો સહકાર મળશે તો કોઇ ખોટી જાનહાનિ નહી થાય. જો કોઇએ બહાર નીકળવાની કોશિશ કરી છે તો પછી અમારી કોઈ જવાબદારી રહેશે નહી." 

સતત સંભળાઈ રહેલી ચેતવણીએ ડરમાં ઉમેરો કર્યો. હવે શું કરવું એ નક્કી કરવું અઘરું હતું. અહીં જ રહીએ તો પેલા હાનિકારક ભાઈ-બાઈ ગમે ત્યારે આવી પહોંચે… વળી બહાર આવતો અવાજ ફટાકડાનો નહી પણ ગોળીઓનો હતો, એ પણ સમજાઈ ગયું હતું. અને જો બહાર નીકળવાની કોશિશ કરીએ, તો આ ચેતવણી… અચાનક હળવો ધરતીકંપ અનુભવાયો. લાંબું કાંઈ વિચારીએ-હા, તો હવે અમે ત્રણેય વિચારતા હતા.. શું તમે પણ! આ ટાઈમ છે આવું ટોકવાનો? હા, તો લાંબુ કાંઈ વિચારીએ ત્યાં જ સામેનો દરવાજો ખૂલ્યો અને અમને ત્રણેયને અંદર ખેંચી બીજી જ સેકંડે દરવાજો બંધ. ફ્લેટ એકદમ ખાલી હતો… એટલે, એમાં કોઈ ફર્નિચર નહોતું. હા, માણસો બહુ બધા હતા. બધા જ યુએસ આર્મીના યુનિફોર્મમાં. હા તે, ઓલા ઈંગ્લીશ મૂવીમાં હોય છે એવો જ વળી, બાકી યુએસ આર્મીનો યુનિફોર્મ કેવો હોય તે મને ક્યાંથી ખબર પડે? તમે યાર, લીંક તોડી નાંખો છો. 

હં, બધા યુનિફોર્મવાળા બારીએ બારીએ ગોઠવાઈ ગયા હતા ને ફાયરીંગ ચાલું હતું. મને થયું, સાલું, આ આતંકવાદી અંદર હોય તો બહારથી અંદર હુમલો થવો જોઈએ. એના બદલે અંદરથી બહાર કોની પર ગોળી ચલાવતા હશે? તેં અમેય એક બારીમાં ડોકાયા. ના હવે, છોકરાવને થોડી ડેંજરમાં નાંખતી હોઈશ? હું એકલી જ ડોકાઈ. ઘણો ઉપરનો ફ્લોર હતો. નીચે માણસ તો કીડી જેવડું માંડ દેખાય. પણ આપણી આંખો એટલે… એટલા ઉપરથી કીડીનો રંગે ય કહી દવ, તો માણસનું શું ગજું! થોડી વારે સાચેજ દેખાઈ એક કીડી, હુડી પહેરેલી. હવે, હુડી પહેરી હોય તો છોકરો છે કે છોકરી એ કેમ ખબર પડે? પણ મારી સાથે સાથે એ બધા યુનિફોર્મધારીઓને પણ દેખાઈ ગઈ અને એકસાથે કેટલી બધી ગોળીઓ છૂટી! હાઈ બાપ, હું તો ડરી જ ગઈ. પણ એમ હું ડરી જાઉં તો છોકરાવનું શું? એટલે આપણે… મેં.. મેં તો હિંમત જાળવી રાખી. છોકરાઓ મારી પાછળ લપાઈ ગયા. હું ક્યાં લપાવું એ શોધતી હતી, ત્યાં તો જે બારીમાંથી હું ટીંગાઈ હતી એ જ બારીમાંથી એક નાનકડું ડ્રોન અંદર આવ્યું અને એમાંથી ધડાધડ નાની નાની માઈક્રો મિસાઈલો છુટવા માંડી. ના હવે, ગોળી નહોતી. બધી જ ટાર્ગેટ લોક કરેલી મિસાઈલો હતી. એકવાર જેની પાછળ પડી, એનો ખાત્મો ન બોલે ત્યાં સુધી એની પાછળ જ ઉડતી હતી. આખા ઘરમાં ધમાચકડી મચી ગઈ હતી, પણ મિસાઈલો પોતાના ટાર્ગેટ પાછળ જ પડી હતી. બધા યુનિફોર્મધારી ફાટી પડ્યા અને મિસાઈલો પણ પૂરી થઈ ગઈ. હાય, અમે તો દિવાલે એવા લપાઈ ગયેલા, તે છેક બારી પાસે હેલીકોપ્ટરનો અવાજ સાંભળી છૂટા પડ્યા. જોયું તો હેલીકોપ્ટર યુએસ આર્મીનું હતું. એ અમને રેસ્કયુ કરવા આવ્યા હતા, બોલો. હા તે કોલર તો ઉંચો કરવો જ પડે ને.. 

પછી અમે ત્રણેય હેલીકોપ્ટરમાં નીચે આવ્યા ત્યારે પેલો ચહેરો ફરી દેખાયો, જે કીકલાએ દરવાજા નીચેથી જોયો હતો. એણે અમને જણાવ્યું કે ભાષાની ચોખવટ થઈ એ સમયે આતંકવાદીઓ એ ફ્લેટ પર કબ્જો જમાવી રહ્યા હતા. ફ્લેટની દરેક બારીમાંથી એ લોકો અંદર આવી રહ્યા હતા. અને યુએસ આર્મીને ચકરાવે ચડાવવા માટે એ બધાએ પણ એવો જ યુનિફોર્મ પહેરી લીધો હતો. ભાષાની ચોખવટ થયા પછી એ કોઈક રીતે છટકવામાં સફળ થઈ અને યુએસ આર્મીએ ગુજરાતીમાં ચેતવણી આપવાનું શરૂ કર્યું. અમને હવે હાશ થઈ ગઈ હતી, પણ મેં પેલા ભાઈ-બાઈ વિશે વાત કરી. એ હજુ કંઈ જવાબ આપે એ પહેલા તો ફરી ધરતીકંપ જેવું લાગ્યું. આ વખતે જોરદાર આંચકો હતો. હું આખી હલી ગઈ. એક તીણો અવાજ કાન ખોતરીને છેક અંદર સુધી ઉતરી ગયો ને… 

ને? 

ને… આંખ ખુલી તો સામે તમે હતા. મને ઉઠાડતા હતા, એય આમ, ટુવાલભેર. 

અને એક ખડખડાટ હાસ્ય આખા રૂમમાં ફરી વળ્યું. "અરે મારી ઘેલી, એટલે તો કહું છું કે ટીવી જોવાનું માપમાં રાખ. અને છાપાના સમાચારો દિલપે નહી લેને કા, ફેફડે પર લેને કા, ઔર એક લંબી સાંસ કે સાથ બહાર નિકાલ દેને કા… સમજી."

પલંગમાં બેસેલી, પરસેવે રેબઝેબ સતત હાંફતી હું એમને તૈયાર થતા જોઈ રહી. મારી પંદર મિનિટની પાવરનેપ ક્યારે ડિઝાસ્ટર ડ્રીમમાં બદલાઈ ગઈ એ ખબર જ ન પડી. હાલત એટલી ખરાબ હતી કે દસ મિનિટ પહેલાંની ઉંઘમાંથી જાગેલી હું હજુય હાંફતી હતી. મોબાઈલ વારંવાર સ્નૂઝ થઈ દર પાંચ મિનિટે એલાર્મ વગાડતો હતો અને એ મારી સામે પાણીનો ગ્લાસ લઈ ઉભા હતા. 

"લે, પાણી પી લે. સારૂં, તારા આખા સપનામાં હું ક્યાં હતો?"

હું વિચારમાં પડી ગઈ. બરાબર યાદ કર્યું તો ચહેરા પર શરમની લાલી આવી ગઈ. 
"તમે તો મારી બાજુમાં સૂતા હતા, અહીં જ, આ જ રૂમમાં, એકદમ સેફ."

"સેફ?હું બેડરૂમમાં સૂતો હતો ને બહાર હોલમાં પેલું માનવભક્ષી કપલ હતું. તે મને ઉઠાડવાની દરકાર પણ ન કરી, છોકરાવ સાથે એકલી નીકળી પડી. એ તો ઠીક, પેલા હેલિકોપ્ટરમાં મારૂં રેસ્ક્યુ પણ નહી, ને પેલી ગોરી સાથે મુલાકાત પણ નહી! અને પાછી કે છો કે એકદમ સેફ?"

હું શું બોલું? પણ આપણે ય હોંશિયાર. એક તોફાની સ્મિત ચહેરા પર લાવી - ગોરીને મળવું છે, હેં? - કહેતા પીલો ફાઈટ શરૂ કરી દીધી. થોડિવારની મસ્તીએ બધો થાકોડો ઉતરી ગયો. પછી એ ગયા એમના કામે અને હું ચડી મારા કામે. છતાં મનમાં વલોણું તો ચાલતું જ હતું. શું હતું આ સપનું? કરેખર આવું કાંઈ બને ખરૂં? અને પેલું કપલ? એના માટે તો હવે બપોરે પાછું સૂવું પડશે… 








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ