વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અજમાવી તો જુવો.

અજમાવી તો જુવો.

---------------------

  ઘણીવાર આપણે વિચાર આવે ધન વૈભવ અર્થાત લક્ષ્મીજીને રીઝવવા શું ઉપાય કરવા કે,જેથી સુખ સંપત્તિ આપણે ઘેર કાયમી વસવાટ કરે એ બાબતને લઈને આપણે સૌ આપણી રીતે અને બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનો સાથે પરંપરાગત તેની પૂજા અર્ચના કરીએ છીએ. ઘણા સફળ થાય તો ઘણા નિરાશ થઈ પોતાની ઉપાસના ચાલુ રાખે.


  મેં પણ ઘણીવાર નિત્ય માં લક્ષ્મીજીની પૂજા કરી પણ એકવાર સંત પુરુષ સાથે કિસ્મતે મેળાપ થઈ ગયો અને તેના કહેવા પ્રમાણે કાર્ય કર્યું તેમ હું સફળ થયો.ઘરમાં બરકત આવી. કહોને કે,ઘરમાં લક્ષ્મી આવી વસ્યા.તો એજ આજ મારા અનુભવની વાત કરવા જઈ રહ્યો છું.


  વાત કરું તે પહેલા થોડી પૂર્વભૂમિકા કહું તો આપને ગમશે.બન્યું હતું એવું કે,મારે મારા એન્જીનીયરીંગ કામ માટે રાજકોટ અમદાવાદ જવું પડે.એકવાર આવી જ રીતે અમદાવાદ જવાનું થયું.ત્યાં હું ઘણીવાર જતો.અને ચાર પાંચ દિવસ રોકાવાનું હોય તો હું શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં રોકાતો.મારા હેડ સ્વામિનારાયણના ભક્ત.ભક્ત કહું તો તે મારા મતે ધંધાદારી ભક્ત.એવી જ રીતે હું એકવાર ત્યાં પહોંચ્યો.


  જે કંપનીને ટેક્નિકલ જોબ આપ્યો હોય તેની કાર મને ત્યાંથી લઈ જતી.હું સવારે દસેક વાગે ત્યાં જઈ મારુ કામ પતાવી પાછો બારેક વાગે આવી ભોજનાલયમાં જમી મારા રૂમમાં ભરાઈ જતો.એક બે નોવેલની બુકો મારી સાથે જ હોય.થોડીવાર સુઈ જતો.ફરી ચારેક વાગે હું નીકળી જતો.અને છ સાત વાગે આવી પાછો આવી જતો.જમીને મારા રૂમમાં પુરાઈ જતો. પણ તે દિવસે જમીને સ્વામિનારાયણના દર્શન કર્યા અને અત્યારે રૂમમાં જઈશ તો કંટાળો આવશે વિચારી હું દૂર ઉપવનમાં એક બેન્ચપર બેઠો.


  દૂરથી મંદિર અને તેના પગથીયા દેખાતા હતા.લોકોની ભીડ પણ હતી.અને એજ વખતે એંશી કે તેથી ઉપરના હશે એવા સ્વામિનારાયણના સંત મારી સામે આવ્યા અને મને જય સ્વામિનારાયણ કહ્યું.મેં પણ ઉભા થઇ જય સ્વામિનારાયણ કહ્યું.તે મારી બાજુમાં બેઠા.મને મનમાં થોડો સંકોચ થયો અને કહું તો મને ન ગમ્યું.તેનો દેખાવ દિવ્ય અને તેજસ્વી હતો.થોડીવારમાં અમો આત્મીયતાથી વાતો કરતા રહ્યા.હવે હું પણ ખુલ્લીને વાત કરતો રહ્યો.મેં મારા મનમાં ચાલતા સ્વામિનારાયણ પંથ વિશેના ભ્રામક પ્રશ્નો પણ પૂછ્યા અને કહ્યું,


  "આપણા દેવો જેવા કે કૃષ્ણ, શિવ એ બરોબર પણ સામાન્ય માણસ જેવાકે જલારામ બાપા,સાંઈબાબા,અને તમારા ભગવાન સ્વામિનારાયણ જેને હજુ બસ્સો વર્ષ જ થયા હશે તેને ભગવાનનો દરજ્જો આપી પૂજવા એ મને તો વિચિત્ર લાગે છે"


  મારી કોઈપણ વાતનો જવાબ તે હસીને આપતા.મને કહે કે,"તારી વાત સાચી છે પણ શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે.પૂજવાનું માધ્યમ ગમે તે હોય જો હૃદય શુદ્ધ હોય તો પથ્થરને પુજીએ તો પણ ફળ મળે જ"


  એવી એવી ઘણી વાતો થઈ.કોઈ વાત સાથે હું સહમત થતો તો કોઈવાતમાં નહીં પણ હવે હું કોઈ વાતનો વિરોધ નહોતો કરતો.હવે  છૂટથી વાતો કરતા મેં કહ્યું,


  "મહારાજ એક વાત તમને પૂછું છું.આ વાત મેં આવો મોકો મળયે ઘણા વિદ્વાનો અને સંતોને પૂછી છે પણ મને સંતોષકારક જવાબ નથી મળ્યો"...તેણે જાણે મંદ મંદ હસીને મૌન રહી હા પાડી.મેં કહ્યું,


  "લક્ષ્મીજી મતલબ પૈસો ધન દોલત જે નઠારા કામ કરે છે તેઓ પાસે પુષ્કળ હોય છે.દારૂનો ધંધાર્થી હોય કે,કોઈપણ ખોટું કામ કરતો હોય ત્યાં પૈસાની રેલમછેલ હોય અને જે સાચો માણસ હોય અને ભક્તિભાવ વાળો હોય ત્યાં લક્ષ્મીજી હોય જ નહીં.આ પ્રભુનો કેવો અન્યાય?આપને એવું નથી લાગતું."


  મેં પૂછ્યું તે સાથે તે વિચારમાં પડી ગયા.મને ઘડીક ક્ષોભ થયો.મને લાગ્યું કે મેં થોડી વધારે છૂટ લઈ લીધી છે.પણ તેણે જવાબ આપ્યો ત્યારે મને મનમાં તૃપ્તિ થઈ.તેણે કહ્યું,


  "એના માટે તારે મારી નાની વાર્તા સાંભળવી પડશે બાદમાં લક્ષ્મીજીને કેમ રીઝવવા એ તને આપોઆપ સમજાઈ જશે"


  મેં'હં'કહ્યું અને તેણે આગળ કહ્યું એ વાત કદાચ તમે સાંભળી હશે.મેં પણ સાંભળી હતી પણ છેલ્લે જે કહ્યું એજ મહત્વનું હતું જેનો મને ફાયદો પણ થયો છે.ઘણો લાભ થયો છે.મારા મિત્રોને પણ ઘણી રાહત થઈ છે તેણે તો લંબાણપૂર્વક વાત કહી હતી પણ હું તમને ટૂંકમાં કહું.તેણે કહ્યું,


 "ભગવાન શ્રી વિષ્ણુજી અને લક્ષ્મીજીના લગ્ન સંપન્ન થયા અને બંને મંડપમાંથી ઉભા થયા ત્યારે લક્ષ્મીજીએ પ્રભુને પૂછ્યું કે,આપના વડીલો કોણ કોણ છે તો હું પગે લાગુ.ત્યારે પ્રભુએ હસીને કહ્યું મારા કોઈ વડીલો નથી.હું તો અજન્મા છું.આ સાંભળી લક્ષ્મીજી વિચારમાં પડી ગયા અને કહ્યું,તો તો આપણું ખરાબ લાગે.વડીલોને તો પ્રણામ કરવા જ  જોઈએ. આ સાંભળી પ્રભુએ હસીને કહ્યું,દેવી તો એમ કરો મારા ભક્તો મને પ્રિય છે તો તેને પ્રણામ કરો.


  પ્રભુ તો આગળ ચાલ્યા અને પોતાના ભક્તોને ઝૂકીને પ્રણામ કર્યા એટલે લક્ષ્મીજી પણ પોતાના વડીલો સમજી લાજનો મોટો ઘૂમટો તાણી પ્રણામ કર્યા.હવે ઘૂમટો તાણ્યો તો લક્ષ્મીજીના દર્શન ક્યાંથી થાય? આમ તેઓનો સંસાર   ચાલુ થયો.તે પછી માં લક્ષ્મીજી એકલા બહાર જાય તો ભક્તોને ઘેર ન જાય પણ બીજાઓને ઘેર ફરવા રોકાણ કરવા જાય.ભક્તોને ઘેર જાય ખરા પણ લાજ કાઢી તરત બહાર નીકળી જાય.


  હવે તેઓએ વાત પૂરી કરી મારી સામે જોયું. મને પણ એ વાત સાંભળી હોવાથી કંઈ નવું ન લાગ્યું.મારુ મન જાણે કળી ગયા હોય તેમ તેણે હસીને કહ્યું,


  "ભાઈ,હવે તમે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરે રાખો તો લક્ષ્મીજી થોડા આવે?તેઓને આહવાન કરવું પડે કે દેવી અમારે ઘેર સ્થિર થાઓ પણ તોયે તે પધારે નહીં."


  હું તો તેમની સામે જોઈ જ રહ્યો.હજુ મને સંતોષ ન થયો એટલે પૂછ્યું કે,"તો એનો ઈલાજ શો?"


  "હં, હવે સમજાવું.તેમાં કોઈ વિધિ કરવાની નથી કે,કોઈ વિશેષ પૂજા કરવાની જરૂર નથી.તમે તમારા ઘેર જેની પણ પૂજા અર્ચના કરતા હો.કુળદેવી કે,કુળદેવતાની,એ પૂર્ણ થાય ત્યારે બાદ તમે માં લક્ષ્મીજીનું ધ્યાન ધરી ફક્ત હૃદયથી એટલું કહો કે,હે માં લક્ષ્મીજી આપ મારા પ્રભુ શ્રી વિષ્ણુભગવાન સાથે મારે ઘેર પધારો અને અમને દર્શન આપો.બસ તમારું કામ થઈ જશે.મા લક્ષ્મીજીને ભગવાન સાથે આવીને દર્શન આપવાનું કહો તો તે પ્રસન્ન થાય જ.અત્યાર સુધી આપ ફક્ત લક્ષ્મીજી આવો એમ કહેતા.એકવાર લક્ષ્મીનારાયણના મંદિરે જઈ એવી પ્રાર્થના કરો પછી જુવો ચમત્કાર."


  મને તેઓની વાત વ્યાજબી લાગી.ખરું પૂછો તો તેની વાણી મને દિવ્ય લાગી હતી.ત્યાં જ મંદિરમાં આરતી ચાલુ થતા તેઓ ઉઠ્યા.મેં પણ ઉભા થઇ જય સ્વામીનારાયણ કહ્યું અને આરતીના દર્શને ગયો.


  મિત્રો,ઘેર ગયા પછી મેં રોજ મનમાં અને મંદિરમાં જઉં ત્યારે એજ પ્રાર્થના કરી કે,હે માં આપ શ્રી હરિ સાથે મારે ઘેર પધારી સ્થિર થાઓ અને દર્શન આપો.જેમ જેમ સમય વીતતો ગયો તેમ મને ફાયદો થતો ગયો.મારી શ્રદ્ધા વધી.મેં મારા દોસ્તોને વાત કહી તો તેઓને પણ ઘણો ફાયદો થયો.આજ ધનતેરસ હોતા લક્ષ્મીજી પૂજન કર્યું કે,મને થયું શોપીમાં આ વાત મુકું.


  એક બીજી વાત કહું કે,એનાથી કરોડપતિ કે,અબજોપતિ નહીં થવાય પણ ઘરમાં બરકત આવશે.કોઈ રોગ નહીં થાય.કંઈ થશે તો તલવારનો ઘા સોઈનો થઈ રહેશે.શ્રદ્ધા રાખજો.બરકત એટલે તમે એક રૂપિયો કમાઓ અને ખર્ચ એંસી પૈસા થાય.પણ જો ખર્ચ એકસો દસ પૈસા થાય તો શું કામનું?


  લાખ કમાતા હોઈએ પણ ઘરમાં મંદવાડ કે,બીજી આપત્તિઓ આવતી હોય એ શું કામનું?પણ અત્યારે જેટલી આવક હોય તેમાં ઘરમાં શાંતિ અને સુખ મળે એજ ઇચ્છવા યોગ્ય છે.તો આજથી અને અત્યારથી જ માં લક્ષ્મીજીને પ્રાર્થના કરો.આવતે વર્ષે આ દિવસે આપ મને આપનો રિપોર્ટ કાર્ડ કહેજો.પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણ સૌને સુખી સંપન્ન રાખે.

-----------------------


  


  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ