વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાત સોનેરી સંકલ્પો

જય હો લક્ષ્મી મૈયા કી, મિત્રો!

વાત જાણે એમ છે કે દર વર્ષે નવું વર્ષ આવે, એ પછી ખ્રિસ્તી નવું વર્ષ હોય કે હિન્દુ નવ વર્ષ, આપણાંમાંથી મોટા ભાગના વ્યક્તિઓ કોઈને કોઈ રિઝોલ્યુશન્સ જરૂરથી લે છે. એક સર્વે પ્રમાણે આમાંના ૮૭.૬% લોકો આવા સંકલ્પ લઈને એને વધી વધીને એકાદ બે અઠવાડીયા ચલાવી શકે છે. હવે, એ સર્વેમાં એ નહોતું લખેલું કે બાકીના ૧૨.૪% લોકો એ સંકલ્પોને પૂરું વર્ષ ચલાવે છે કે પછી એકાદ બે મહિના સુધી જ, એટલે આપણે એવું માનીએ કે આ દુનિયામાં હજુ ય એવા વ્યક્તિઓ ખરાં કે જે નવા વર્ષના લીધેલા સંકલ્પોને બાર મહિના સુધી પાળે છે. અને અમે ભલે એ થોડા લોકોમાં ના આવતા હોઈએ, પણ અમને કેવા કેવા સંકલ્પ લેવા જોઇયે એ જણાવવાનો શોખ ખરો, હો! અને એટલું ય પાકું કે જો વાચકમિત્રો આ સરસ મજાનાં સંકલ્પોને બાર મહિના નિભા ડાલા, તો લાઈફ જિંગાલાલા!

ચાલો, વધુ મોણ નાખ્યા વિના સીધાં જ રસાસ્વાદ કરીયે.

સંકલ્પ નંબર ૧. આ વર્ષે હું પરિવારને અને મિત્રોને ઢગલો સમય આપીશ.

“મૈં ચલના ચાહતા હૂઁ, દૌડના ચાહતા હૂઁ, ગિરના ચાહતા હૂઁ.. બસ રૂકના નહીં ચાહતા...” અરે મારા કબીરા.. માન જા.. તર લિયા તું સાત સમંદર, ફીર ભી પ્યાસા દિલ દે અંદર..! એવું જ થઈ જાય છે ને? કેટલું દોડશો? જરા થોભો. વિચાર કરો કે ગયા આખા વરસમાં તમને કઈ કઈ ક્ષણો યાદ આવે છે? પૂરા કરેલા બિઝનેસ ટારગેટ્સ? બોસ તરફથી મળેલી વાહવાહી? સફળ બિઝનેસ મીટિંગ્સ? કે પછી પપ્પા સાથે જોએલી કોઈ ક્રિકેટ મેચ? બાળકો સાથે કરેલી કોઈ ટ્રિપમાં રમેલી અંતાક્ષરી? કોલેજ કે શાળાના મિત્રો સાથેના ગેટ ટુગેધરમાં પીરસેલું ફેફસાં-ફાડ હાસ્ય?

અને અત્યારે નહીં તો એ ક્યારે કરીશ, દોસ્ત? બાળકો મોટા થઈ જશે અને તારી સાથે નહીં, પોતાના મિત્રો સાથે ફરવાનું પસંદ કરશે ત્યારે તું કહીશ કે ચાલ વાર્તા સંભળાવું? પપ્પા કે મમ્મીને જ્યારે આંખોથી ઓછું દેખાવાનું ચાલુ થશે ત્યારે ફિલ્મ જોવા લઈ જઈશ? અરે દોસ્ત, ક્યારે કોને મળ્યા એ છેલ્લી વાર મળ્યા હોઈએ તો પણ ક્યાં ખબર છે? કોવિડમાં એવા એવા મિત્રો, સગા-વહાલાઓ અચાનક રજા ના લઈ ગયા, જેમની સાથે આવતા વર્ષે સમય મળશે ત્યારે જોડે સમય કાઢીશું એવું નક્કી કરેલું? એટલે દરરોજનો જ ઓછામાં ઓછો 15 મિનિટનો ક્વોલિટી સમય એમના જોડે કાઢ જેની જોડે કાઢવો લ્હાવો છે. ચાલ, દરરોજ શક્ય નથી? તો અઠવાડિયે એક વાર 2 કલાકનો સમય એકસાથે કાઢ.

સંકલ્પ નંબર ૨. આ વર્ષે હું ખૂબ ફરીશ.

જોયું એટલું જાણ્યું. થોડા સમય પહેલા એવું થયું કે સિક્કિમ-ગેંગટોક-દાર્જિલિંગ ફેમિલી ટુરનો પ્રોગ્રામ બનાવ્યો. બે દીકરીઓ અને બે અમે, એટલે સવા બે લાખ થી અઢી લાખનું બજેટ નક્કી કર્યું. ધર્મપત્નીનો સ્વભાવ કરકસરવાળો, અને પ્રમાણમાં મોટું બજેટ સાંભળીને કહ્યું કે ‘આટલો ખર્ચ? વિચારીને કરીયે તો સારું.’ વાત પણ સાચી. વિચારવું તો જોઇયે જ. વિચાર્યું. ‘મોંઘી શાળાઓમાં ભણતર માટે ખર્ચ ખર્ચ કરીયે જ છીયે ને? અને દસ દિવસ નવી જગ્યાઓ જોશે, નવા વ્યક્તિઓને મળશે, અગવડો-સગવડો ભોગવશે તો એ દસ દિવસમાં એ એટલું શીખશે જેટલું આખા વર્ષમાં શાળામાં કદાચ નહીં શીખ્યા હોય. એટલો આનંદ ભોગવશે જેટલો આખા વર્ષમાં નહીં ભોગવ્યો હોય એ અલગ. શહેરના કંટાળાભર્યા ટ્રાફિક અને ભીડભાડવાળા મોલ્સની જગ્યાએ કુદરતની ય નજીક જશે.’

પત્ની ઉવાચ કે ‘એ બરોબર, પણ ત્યાં શીખી આવશે એટલે કઇં શાળાની ફીઝ કઇં ઓછી થોડી ભરાશે?’

‘એ વાત પણ સાચી! તો બજેટ ઓછું કરીયે, ફ્લાઇટની જગ્યાએ ટ્રેન્સમાં જઇયે. વધુ માણશે, વધુ શીખશે અને ખર્ચ પણ ઓછો થશે. બને એટલા ઓછા કપડાં લતા અને સામાન લઈને ફરીએ એટલે એટલું વજન પણ ઓછું ઊચકવું પડશે, એટલી ખરીદી ઓછી કરીશું એ પણ બજેટ બચશે અને દીકરીઓને તો ઠીક આપણને પણ એડજસ્ટમેન્ટ્સના મેનેજમેંટ લેસન્સ મળશે. અને જ્યાં જઇયે ત્યાં અનુભવોની, પ્રાકૃતિક સુંદરતાની અને મેળાવાની ખરીદી કરીયે, એના સિવાય ત્યાંના સુવેનિયર્સ અને બધી જગ્યાએ એક જ જેવા મળતાં ફેશન ક્લોધ્સ વગેરે વગેરેને ન ઉપાડી આવીએ. પ્રોબ્લેમ સોલ્વડ.’

મિત્રો, જલપાઈગુડીથી ગાંધીધામ આવતા 60 કલાક ટ્રેનમાં થયા. અમને હતું કે ટીનેજ નયશા અને ત્યારે લગભગ છએક વર્ષની કાયરા, બંને કંટાળી જશે અને ક્યારે પહોંચીશું, ક્યારે પહોંચીશુંનો જાપ કરશે. એની જગ્યાએ જ્યારે ગાંધીધામ પહોંચ્યા, તો કહે, “બસ? પહોંચી ગયા?”

આ વર્ષે નક્કી કરો કે ટ્રેકિંગ કરવા અહીં જવું છે. કોઈ ખાસ ખર્ચ નથી, મિત્રો. હા, સમય જોઈશે. આપો. માંદા પડ્યા તો શું ઓફિસમાંથી ફરજિયાત બ્રેક નહીં લેવો પડે? ત્યારે તમારા વગર શું દુનિયા નહીં ચાલે? અને પગ નહીં ચાલે ત્યારે શું ડુંગરા ખૂંદવાના અને શું ઝરણાઓમાં નહાવાના? આ વર્ષે એક લાંબી ટુર અને ત્રણ ચાર નજીકનજીકની ટુર્સ ગોઠવી જ કાઢો. હા, મહિને એક વાર મિત્રો કે પરિવાર સાથેની વનડે પિકનિક્સ તો અલગ જ હો પાછી!      

સંકલ્પ નંબર 3. આ વર્ષે હું સુંદર ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીશ.

તમને થશે આ લેખકડો મારો બેટો ખર્ચા જ કરાવ્યા રાખે છે, આ બધા સંકલ્પ લઇશ તો ખાલી ખમ્મ થઈ જશે ગજવા અને આવતી દિવાળીએ પડશે રામનામ ભજવા. તો એવું ય નથી સાવ, ભાઈ. અત્યારથી જ નક્કી કરો કે આ વર્ષે હું સરસ મજાનું ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીશ. સેવિંગ્સના મહત્વ પ્રમાણેના સરખા ભાગ પાડો. થોડું રોકાણ ભલે બેન્કોમાં પડ્યું હોય, જે વખત-કવખત પડે ત્યારે કામ આવી શકે. પણ બાકીનું વાર્ષિક 2.5%ના સેવિંગ્સ એકાઉન્ટમાં કે 7%ના ફિક્સ ડિપોઝીટમાં પડ્યું રહેશે તો ફાયદો નહીં, નુકશાન જશે. ફુગાવાનો દર એના કરતાં કૈંક મોટો છે! થોડું સોનું (નિગમ કે વાલિયા નહીં, ભાઈ.. ગોલ્ડ ગોલ્ડ), થોડું રિયલ એસ્ટેટ, થોડું ઇન્સ્યુરન્સ, થોડી એસ.આઈ.પી.ઓ (મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોખમોને આધીન છે.. વગેરે વગેરે ડિસ્ક્લેમર્સ મનમાં સાંભળી લેજો), થોડા શેર ખરીદો અને બની શકે તો વેંચવા ન હોય એ રીતે લાંબા રોકાણ માટે ખરીદો.

આજથી દસ વર્ષ પહેલા સેન્સેકસ વીસ હજાર આસપાસ હતું, આજે સાઠ હજાર આસપાસ છે. એમાં પણ સારી સારી કંપનીઓના શેરના ભાવ તો ખૂબ બધા વધ્યા છે અને હજુ ય આવતો દાયકો ભારતનો છે. હા, વચ્ચે એવું પણ થાય કે માર્કેટ ઘટે ય ખરું, આપણે લીધેલી સ્ક્રીપ્ટ્સના ભાવ ઘટે ય ખરાં, પણ ‘ટેન્શન નહીં લેને કા, ભાઈ સે પૂછને કા..!!’ અહીં ભાઈ એટલે ભાઈલોગ નહીં, પણ શેરબજારના એક્સપર્ટ્સ એવા ગુજરાતી ભાઈઓ. મોટા ભાગના એવું જ કહેશે કે લાંબા સમય માટે હોલ્ડ કરી રાખો, આનાથી સારા દિવસો જ આવવાના છે.

આપ હોમમેકર હો તો આપના શોખને અનુરૂપ પણ કૈંક વ્યવસાય શરૂ કરો, આપ બિઝનેસમેન હો તો આપના અર્ધાંગિનીને આપના બિઝનેસમાં જોડો. નાનામોટા કામથી શરૂઆત કરાવો. કહેવાનો અર્થ – હાર્ડવર્કથી કમાયેલા પૈસાને સ્માર્ટ વર્કથી બમણા કરવાના રસ્તાઓ પણ આ વર્ષે શોધવાના સંકલ્પ કરો, પણ હા, વધારે લાલચમાં કોઈ જગ્યાએ ભરાઈ ન જતાં, એના કરતાં ઓછું રિટર્ન પણ મનને શાંતિ આપે એવું અને શ્યોર શૉટ જેવુ હોય એવું રોકાણ કરજો. બાકી ‘રિસ્ક તો સ્પાઇડરમેન કો ભી લેના પડતાં હૈ, અપન તો ફીર ભી કોમન મેન હૈ..’

સંકલ્પ નંબર ૪. આ વર્ષે હું મારી પસંદગીની કોઈ નવી હોબીને આત્મસાત કરીશ.

ઘણી વખત એવું બનતું હોય કે કોઈ ને ઘેર ગયા હોઈએ અને એને ત્યાં સરસ મજાનાં નાના-મોટા છોડવાથી ઘર સજેલું જોઇયે અને એમ થાય કે મારે ય આવું કૈંક કરવું છે, (એટલે કઇં રાત્રે ત્યાં ચોરીછૂપી જઇને એમના કુંડા ચોરાવી ન અવાય, હોં!) પણ પાપી પેટની દોડાદોડીમાં રહી ગયું હોય. કોઈને સરસ સંગીત પીરસતા સાંભળીએ અને આપણી આંગળીઓ ટેબલ પર તબલા વગાડવાના શરૂ કરી દે, પણ કદાચ આર્થિક સંકડામણ અને મોટા ભાગે સમયના અભાવે સંગીત ક્લાસીસ તરફ આપણાં પગ વળ્યા ન હોય. નાનપણમાં શાળામાં ચેસની સ્પર્ધાઓમાં પ્રથમ નંબર લાવતા હોઈએ, પણ પછી જીવનની ઘટમાળમાં હાથી-ઘોડા-ઊંટ અને પાયદળો માટે સમય ન ફાળવી શક્યા હોઈએ. એક એવો શોખ આપનો યાદ કરીને પેપર પર અત્યારે જ ટપકાવો, અને નક્કી કરો કે આ અઠવાડિયું પૂરું થાય એ પહેલા એ શોખને કઈ રીતે આગળ વધારવો. હવે તો યુ ટ્યુબ નામના ખજાનામાં (કે જેમાં આપણે મોટે ભાગે સમય બગાડતી વસ્તુઓ જોયા કરતાં હોઈએ છીયે) એટલા તો ગુરુઓ બેઠા છે જે મફતમાં અથવા તો નજીવી ફીઝ સાથે શ્રેષ્ઠ શીખવાડે છે. અને નહિતર પણ અઠવાડિયે 2-3 કલાક રૂબરૂમાં પણ આ હોબીને આત્મસાત કરવા આપી જ શકાય. બહાના છોડો કે મને ગાર્ડનિંગનો બહુ જ શોખ છે, પણ મારું ઘર જ એટલું નાનું છે, હું શું કરું! અરે લોકો નાનકડી એવી અગાશીમાં સરસ મજાનું ટેરેસ ગાર્ડન ઊભું કરી લે છે, ટેરેસ પણ ન હોય તો બાલ્કનીમાં પણ કરી લે છે, અને એ પણ ન હોય તો ઇનડોર પ્લાંટ્સની ક્યાં કમી છે! એટલે Stop making excuses and start doing.    

સંકલ્પ નંબર ૫. આ વર્ષે હું ફિટ થઈને રહીશ.

આ મારું સૌથી અણમાનીતું અને તે છતાંય સૌથી અગત્યનું સંકલ્પ છે. આ સંકલ્પ હું દર વર્ષે લઉં છું અને ભાગ્યે જ પાલન કરું છું અને ન પાલન કરીને દર વખતે પસ્તાઉં છું અને ફરી દર વર્ષે સંકલ્પ લઉં છું.

મિત્રો, જો કે એક વખત એવું બન્યું કે ફેમિલી ડોક્ટરના આગ્રહથી કોલેસ્ટેરોલ ચેક કરાવ્યું અને બોર્ડર લાઇનથી થોડું ઉપર આવ્યું. વજન પણ 100 કિલોની નજીક પહોંચવા આવ્યું હતું. એ વખતે આ સંકલ્પ થોડો દ્રઢતાથી લેવાયો અને ફક્ત આઠ જ મહિનાના પ્રમાણમાં ટૂંકા ગાળામાં મારું વજન 70 કિલો પહોંચી ગયું એટલી મહેનત કરી. મારો આત્મવિશ્વાસ એ સમયે ટોચ પર હતો. હું એક સાથે એટલું દોડી શકતો હતો કે એના પહેલાના ચાર વર્ષોમાં કુલ્લ થઈને પણ નહીં દોડ્યો હોઉં. અને believe me આ આખી journey બિલકુલ મુશ્કિલ નહોતી, બલ્કે ખૂબ જ આનંદદાયક હતી. હું સવારના વહેલો ઉઠીને સુંદર મજાનાં દરિયા પર ચાલવા અને દોડવા જતો. ત્યાં લગભગ 12-15000 પગલાં જેટલું ચાલવાનું અને થઈ શકે એટલા સૂર્યનમસ્કાર અને ક્રંચીસ કરતો. ગીતો સાંભળતા સાંભળતા ચાલવાનું અને કોઈ ન સાંભળતું હોય તો બે-ચાર ગીતો ગાઈ પણ લેવા, સરસ મજાનાં ‘માંડવી મોર્નિંગ’ના ફોટોગ્રાફ્સ પણ લેવા અને સોશ્યલ મીડિયા પર શેર કરી થોડી વાહવાહી પણ મેળવવાની. (જો કે એનાથી કેલરી ન બળતી હોય કદાચ, પણ આનંદ ખૂબ આવતો.) આવવા જવાનું લગભગ છએક કિલોમીટર જેવુ સાઇકલ પર એ પણ સરસ મજાની ગુજરાતી ગઝલો કે કિશોર કુમારના ગીતો સાંભળતા સાંભળતા. મારી સાઇટ્સ (વેબસાઇટ્સ નહીં ભાઈ, હું સિવિલ એંજીનિયર છું) પર પણ શક્ય હોય તો સાઇકલ પર જવાનું, ઓફિસ અને બજારના નાના-નાના કામો ચાલતા કરવા જવાના. પેટ ભરાય એનાથી એક કોળિયો ઓછો ખાવો (એવું નાના હતા ત્યારે ગુજરાતીના એક પાઠમાં વાંચેલું અને એનું પાલન કર્યું.) અને બહુ ડાયટ ફાયટ કે એપલ સાઇડર વિનેગર અને ઓટમિલ્સ વિગેરેના ચક્કરમાં પડ્યા વગર જે ભાવે એ ખાવાનું – સોફ્ટડ્રિંક્સ અને મેંદાને છોડીને.

બિફોર અને આફ્ટરના ફોટોગ્રાફ્સ મૂકીને હરખાઈ શકાય એટલો ફેર આવ્યો શરીરમાં અને એથીય ઘણો વધારે હ્રદયમાં. આપની સામે આ સક્સેસ સ્ટોરી એટલે જ મૂકી કે આપ પણ નક્કી કરી શકો કે જો આ તુચ્છ લેખકડો કરી શકે તો હું શા માટે નહીં? (બાકી, હમણાં ઘણા સમયથી આ બધો નિત્યક્રમ ખોરવાઈ જતાં ફરી ખાસું એવું મેદ જમા કરી લીધું છે, પણ હવે વિશ્વાસ છે કે એ હટાવવું આસાન છે, અને થઈ જશે.)

આ ઉપરાંત આ વર્ષે એ પણ સંકલ્પ લઈ લો કે કોઈ ખરાબ આદત હોય તો એ છોડી દેવી છે. ‘સિગારેટ છોડવી એ વિશ્વનું સૌથી સહેલું કામ છે. મને એ ખ્યાલ છે કેમ કે મેં પોતે હજારો વખત છોડી છે.’ ટોમ શોયરના રચયિતા એવા માર્ક ટ્વેનની આ વિશ્વપ્રસિદ્ધ રમુજ છે. પણ ગંભીરતાથી કહું તો જે વાતનો આપણને ખ્યાલ જ છે કે એ શરીરને નુકસાન જ કરે છે, કોઈ ફાયદો નથી કરતું એવું કોઈ પણ વ્યસન ચાલુ રાખવું એ મહામૂર્ખામી અને મનની મોટામાં મોટી નબળાઈ છે. એ છોડવાથી જે આત્મવિશ્વાસ આવશે, અને શરીરને પણ જે રાહત મળશે (ખાલી પાછલી ઉમરમાં જ નહીં, અત્યારે જ) એ બેમિસાલ છે. અઘરું છે, પણ પોતાના પ્રાઈડથી જોડશો તો કદાચ સરળ થઈ જશે. (‘હું ન કરી શકું એમ? અરે હું હું છું. હું બધુ જ કરી શકું.’ આ જ બ્રહ્મવાક્ય બોલવું ફરજિયાત નથી. આપ આપની પસંદગીનું ય કોઈ વાક્ય બનાવી શકો છો. ક્રિએટિવિટી પણ કોઈ ચીજ છે! ખી ખી ખી..!)

આ ફિટ થવાના સંકલ્પમાં સાથ આપે એવા કેટલાય બહુ મોંઘા નહીં એવા (જિંદગીથી તો કીમતી નહીં જ ને આમ પણ?) ગેજેટ્સ અને સાવ મફતની કેટલીય એપ્સ મોબાઈલ પર ઉપલબ્ધ છે, એનો પણ સહારો લઈ શકાય. અને જો કોઈ સ્પોર્ટ્સને આ કાર્યમાં જોડો તો સોનામાં સુગંધ. સંકલ્પ નંબર 4 અને 5 બંને એક સાથે પૂરા થઈ જાય.

મેન્ટલ હેલ્થ માટે પ્રાણાયામ, યોગ અને મેડિટેશન પણ મજાના.  

 

સંકલ્પ નંબર ૬. આ વર્ષે હું સમાજ માટે કૈંક સેવકાર્ય કરીશ.

The good is the new cool. કોવિડ-19એ આખા વિશ્વની આંખો ખોલી કાઢી. આખું વિશ્વ એ વિચારવા લાગ્યું કે ક્યાં થાપ ખાઈ ગયા છીયે? એક બીજા વગર બિલકુલ ચાલશે નહીં. પર્સનલ લેવલ પર જોઇએ, તો પણ આપણને સમજાયું કે સારું કરવામાં ખૂબ મજા છે. ટીવી પર પણ રામાયણ સિરિયલ જોતાં જોતાં મર્યાદા પુરુસોત્તમ રામને જોઈને એટલો જ આનંદ આવતો હતો જેટલો નાનપણમાં મુગ્ધભાવે આવતો હતો. ખરું ને?

પણ લાઈફ નોર્મલ થતાં ફરી પાછા એ જ ઘટમાળમાં ગોઠવાઈ ગયા. અરે!, ખરેખરો કપરો સમય તો આખા વિશ્વ માટે હવે આવવાનો છે. આવનારી પેઢીને જ નહીં, આપણી પેઢીને પણ આપણાં સહિયારા દુષ્કર્મો ભોગવવાનો વારો આવવાનો છે. ગ્લોબલ વોર્મિંગ, એર-વોટર-લેન્ડ-નોઇસ અને એવું દુનિયાભરનું પોલ્યુશન! એ બાબતે લાંબી ચર્ચામાં ઉતરવાનો કોઈ ફાયદો નથી, કેમ કે આપ સૌ એ જાણો જ છો. પણ એટલું પહેચાણો કે આપ એ નિવારવા શું કરી શકો છો? જેટલી શરૂઆત થાય એટલી કરો. મારી વાત કરું તો છેલ્લા 2-3 વર્ષોમાં મેં 500થી ઉપર વૃક્ષો ફક્ત વાવ્યાં નથી પણ ઉછેર્યા પણ છે. શું આપણે સૌ સંકલ્પ ન લઈ શકીએ કે આ વર્ષે વધારે નહીં તો ફક્ત 10 વૃક્ષો હું વાવીશ અને ઉછેરીશ? એ મોટા ન થઈ જાય ત્યાં સુધી એમની કાળજી રાખીશ? ખૂબ આનંદ મળશે, દોસ્તો. અને એવા તો સમાજસેવાના કેટલાય કામો! કોઈની પહોંચ ન હોય, એવા વ્યક્તિને દવા-દારૂ – ના ના, ફક્ત દવાની વ્યવસ્થા કરી આપો, કોઈ દીકરીનો ભણવાનો ખર્ચ ઉપાડો, પક્ષીઓને નિયમિત ચણ આપો કે જે પછી એવું કઇં પણ સેવકાર્ય કરો કે જેમાં તમને આનંદ આવે. ફક્ત ડોનેશન આપીને સંતોષ ન માનો, પોતે- જાતે એમાં સમયદાન આપો તો બહેતર. કેમ કે એ ખુશી કૈંક અલગ જ હશે.

૭. આ વર્ષે હું ખૂબ વાંચીશ.

બિલ ગેટ્સ અને વોરન બફેટ પણ એક અઠવાડીયામાં ઓછામાં ઓછા પાંચ કલાક વાચન માટે ખર્ચે છે. અને ફક્ત અત્યારે જ નહીં, જ્યારે એ પોતાના ધંધામાં એટલા પ્રવૃત હતા કે શ્વાસ લેવાનો સમય પણ ન મળે, એ સમયે પણ એ આદત એમણે છોડેલી નહીં. વિચાર કરો કે જેમની વિશ્વભરમાં હજારો ઓફિસો હોય એ પણ જો વાચન માટે આટલો સમય કાઢી શકતા હોય તો આપણે કયા ખેતરની મૂડી છીયે? એટલે આ સંકલ્પમાં પણ Stop making excuses and start doing.

આપને જે સારું લાગે એ વાચો. ફિકસન-નોન ફિકસન-કોમિક બુક્સ-પૂર્તિઓ કે મેગેઝિન્સ.

આપે આ લેખ વાંચ્યો છે, એટલે એટલું તો હું માનું કે આપને વાચનનો શોખ છે. બસ સમયનું પ્રોપર પ્લાનિંગ નથી અને ક્યાંક મનના ખૂણે આળસ છે એવું બની શકે. હું આશા રાખું કે આ વચનારા કેટલાય એવા હશે જ કે જે ઓલરેડી એટલું વાંચતાં જ હશે, પણ આ સલાહ બાકીના બધા માટે છે. પુસ્તકો એ આપણાં મિત્રો જ નહીં, આપણી આત્માનું ઘડતર છે. જેટલું વધારે વાંચીશું એટલું સુંદર જીવન જીવીશું એ વાત સાથે બધાં જ સહમત થશે.

જય વસાવડાના મમ્મીએ નક્કી કર્યું કે હું જિંદગીભર પોતા માટે સોનું નહીં ખરીદું અને એ બચતમાંથી મારા દીકરા માટે પુસ્તકો ખરીદીશ. જુઓ આજે જયભાઇનું લેવલ કેટલું ઊંચું છે! આપના બાળકો પણ એ તક ગુમાવતાં તો નથી ને? એ જોવાની પણ આપણી ફરજ છે.

અને લખવું – આ લેખ વાચનારાઓમાંથી ઘણા કશુંક ને કશુંક સાહિત્ય લખતા હશે અને બાકીના કૈંક લખવાની એષણા પણ ધરાવતા હશે. તો લખો. સમય કાઢો અને લખો. Shopizen જેવી સુંદર મજાની એપ અને વેબસાઇટ આપના લખાણની રાહ જોઈ રહી છે. કશું સાહિત્ય ન સૂઝે તો રોજનીશી લખો. લખવાથી વિચારો પારદર્શક થાય છે. શા ફાયદા છે એ લખીને સમય અને સ્થળ લેવા કરતાં એ આપના અનુભવે જ આપને સમજાય એ વધુ પસંદ કરીશ. એક અઠવાડિયું કૈંક લખી જોવાનો સંકલ્પ લો એટલે સમજાઈ જશે.   

બોનસ સંકલ્પ નંબર ૮. આ વર્ષે હું અત્યાર સુધીના તમામ વર્ષો કરતાં વધુ જલસો કરીશ.

અમે કોલેજમાં હતા ત્યારે શી મજા કરેલી! શાળાનો એ સમય હવે પાછો ક્યાંથી આવે? હવે તો જિંદગીની ઘટમાળમાં જ જીવન નીકળી જવાનું.

બંધ કરો આ રોવાનું!

નક્કી કરો કે આજ સુધી નથી કર્યા એવા જલ્સા આ વર્ષે કરવા છે. આજ સુધી કેટકેટલો આનંદ મેળવ્યો એ યાદ કરો. એ આનંદ અત્યારે પણ હોય તો? એ કલ્પના કરો. હવે એ આનંદ કઈ રીતે મેળવવો એ નક્કી કરો અને એ દિશામાં આજથી, અત્યારથી જ પગલાં ભરવા માંડો. પોતે જ ઊભા કરેલા પીડાના વાતાવરણને ‘લે કે એક અંગડાઇ’ ધક્કો મારો અને બહાર નીકળો. આનંદ ફિલ્મ જોઈ છે? નથી જોઈ તો ફટાફટ જોઈ નાખો. યુ ટ્યુબ પર, MX player પર ઓફિસિયલી ફ્રીમાં ઉપલબ્ધ છે. ફિલ્મમાં આનંદ જ્યારે કોઈ પણ સીનમાં એન્ટ્રી લેતો ત્યારે વાતાવરણ કેવું બદલાઈ જતું? કેટલું લાઈવ થઈ જતું? શું આપના કોઈ પણ જગ્યાએ પહોંચવાથી એવું ન થઈ શકે? બિલકુલ થઈ શકે. પણ એના માટે જાતે આનંદિત હોવું પણ એટલું જ જરૂરી છે. એટલે બીજાને ખુશી આપવા માટે પણ પોતાને ખુશ રાખો. તમને ગમતું બધુ જ કરો અને ન ગમતું હોય એવું કશું જ ન કરો. આ બધા સંકલ્પનું લિસ્ટ અહીં નીચે આપું છું જેને ક્યાંક લખી ને તમને દરરોજ દેખાય એવી જગ્યાએ ચોંટાડી રાખો. અને જો મનને ખુશ રાખવામાં એ લિસ્ટ પણ બંધનમય લાગે તો એને પણ ફાડીને ફેંકી દો.

યુ...ડ લેઇ ઈ....!

 


આ વર્ષના સોનેરી સંકલ્પો:

૧. આ વર્ષે હું પરિવારને અને મિત્રોને ઢગલો સમય આપીશ.

૨. આ વર્ષે હું ખૂબ ફરીશ.

3. આ વર્ષે હું સુંદર ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીશ.

૪. આ વર્ષે હું મારી પસંદગીની કોઈ નવી હોબીને આત્મસાત કરીશ.

૫. આ વર્ષે હું ફિટ થઈને રહીશ.

૬. આ વર્ષે હું સમાજ માટે કૈંક સેવકાર્ય કરીશ.

૭. આ વર્ષે હું ખૂબ વાંચીશ અને ખૂબ લખીશ.

૮. આ વર્ષે હું અત્યાર સુધીના તમામ વર્ષો કરતાં વધુ જલસો કરીશ.

 

-     હાર્દિક રાયચંદા

9825198717

hardik.raychanda@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ