વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેર

હું અંધકારમાંથી હકીકતમાં સરી પડ્યો. અચાનક અથડાયેલી રોશનીથી હું ડઘાઈ ગયો. મારી આંખોમાં બળતરા થઈ રહી હતી. મારી છાતીમાં અસહ્ય વેદનાં થઈ રહી હતી. છાતી પર હાથ ફેરવ્યો ત્યારે અચાનક જ મને સ્મૃતિનો ચમકારો થયો. મારો જ રૂમાલ મારી છાતી પર સિવેલો હતો. રૂમાલની બરાબર વચ્ચે એક સિક્કો વીંટાળેલો હતો. આજુબાજુ સુકાયી ગયેલા લોહીની ચીકાસથી મારી આંગળીઓ ખરડાઈ ગઈ. મારી દીકરીનાં મૃત્યુ પછી મૂર્છિત થયેલો હું સીધો જ આ કોટડીમાં જાગ્યો હતો. આમ તો મારા માથે ઘણાં સમયથી ઇનામ હતું. જ્યારથી ફિરંગીયા પકડાયો હતો ત્યારથી હું પણ નામચીન ઠગોની યાદીમાં સામેલ થયો હતો. ફિરંગીયાના પકડાયા પછી જ આ બધી રામાયણ ઉભી થઇ હતી. અંગ્રેજોએ ઠગ વિરુદ્ધ ચલાવેલા આ અભિયાનમાં વિલિયમ હેન્રી સ્લીમેનનાં આવ્યા પછી જાન આવી ગઈ હતી. છાસવારે પકડાતા ઠગ હવે જાન અને પરિવારનાં જોખમના લીધે અંગ્રેજોનાં સાક્ષી બની ગયાં હતાં. ફિરંગીયા પણ એમાંનો જ એક હતો. અમારી ટુકડીનો એ સુબેદાર હતો.



આજુબાજુ નજર ફેરવતાં મને સમજાયું કે હું ક્યાં હતો! અંગ્રેજોની કોટડીમાં. ધૂળથી ખદબદતા ફર્સ પર કેટલાય સડેલા કીડાઓનો સળવળાટ મને સંભળાતો હતો. મળ-મૂત્રની બદબો મારા નાકમાં ઘર કરી ગઈ હતી.આ ગોરાઓએ મારા જખ્મોનો ઈલાજ પણ નહોતો કર્યો. ત્યાં સુધી કે મારી છાતીમાં સિવેલા રૂમાલને પણ એમને દૂર નહોતો કર્યો. પણ તે બધું મને પરેશાન નહોતું કરતું. મારુ મન એક જ જગ્યાએ સ્થિર હતું. વેર. મારી દીકરીનાં મોતનો બદલો. 



"લચ્છુરામ…" અંધકારમાંથી એક અવાજ આવ્યો. જાણીતો અવાજ. મારો સુબેદાર ફિરંગીયો એ જ કોટડીમાં હતો.



"સુબેદાર?"



"હા, લચ્છુ," તેના અવાજમાં પરાધીનતા છલકાતી હતી. "શું થયું છે આ બધું?"



"જે તે કર્યું એ," મેં દાંત પીસીને કહ્યું. એની બાતમીના લીધે જ ફોજ મારી પાછળ પડી હતી અને હું ઘર છોડી ભાગ્યો હતો. એનાં જ કારણે હું પિંઢારીઓનાં ચંગુલમાં ફસાયો હતો. એનાં જ કારણે મારી દીકરી… મારી દીકરી…



"મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો લચ્છુ," તેનાં અવાજમાં મને કોઈ પછતાવો લાગ્યો નહીં. "ખેર, આ રૂમાલ… તારી દીકરી… કોણે કર્યું આ બધું, લચ્છુ?"



"રહમત…"



"રહમત અલી… પિંઢારી?" તેનાં અવાજમાં ભય પ્રવેશ્યો. "એટલે.. એણે… એના ભાઈનો બદલો.. તે જ માર્યો હતો ને એના ભાઈને?"



"હા, સુબેદાર… પણ તે દિવસે રહમત તારા હાથથી બચી ગયો. તારી નિષ્ફળતા… તારી એકમાત્ર નિષ્ફળતાનું પરિણામ મારે ભોગવવું પડ્યું છે, સુબેદાર. મારી દીકરીએ ભોગવવું પડ્યું છે. પણ હું વેર વાળીશ. મા ભવાનીની કસમ સુબેદાર, જ્યા સુધી એ રહમતનો છેલ્લો શ્વાસ ન રૂંધી નાખું ત્યાં સુધી હું મરીશ નહીં."



"ભૂલી જા એ બધું લચ્છુ," તેનાં અવાજમાં અનુકંપા હતી કે કેમ તે હું સમજી ન શક્યો. "આ જો આ અંધારી કોટડી. આમાં કેદ આપણાં બધા ભાઈઓ પર આજે મુકદમો ચાલી રહ્યો છે. જેણે જેણે તાબે થવાની ના પાડી છે તેમને અને તેમનાં પરિવારને ફાંસીના માંચડે લટકાવી દે છે આ ગોરાઓ. હું તને સલાહ આપવા આવ્યો છું. મારી જેમ સાક્ષી બની જા. આ ગોરા અફસરો તને થોડી સારી જગ્યાએ રાખશે. અરે… જીવનદાન આપશે. મેં અફસરને વાત કરી છે. તું જો બીજા ઠગોને પકડવામાં મદદ કરીશ તો તને એની છત્રછાયામાં રાખવા તૈયાર થયો છે તે."



"કોણ? સ્લીમેન?"



"હા, લચ્છુ. આપણી દોસ્તીના નાતે મેં તેને વાત કરી છે. તને જીવવા દેશે એ."



"એટલે હું ય તારી જેમ દગાબાજ થઈ જઉં એમ? એટલો નીચ નથી હું સુબેદાર… "



"તું મારી સ્થિતિ નહીં સમજી શકે, લચ્છુ. પણ મારી એક વાત માન," એનાં અવાજમાં આજીજી હતી. "આજે નહીં તો કાલે બધાં પકડાવાના છે. તારા જુના શિકારોની એકાદ સમાધિ તું આ અફસરોને શોધી આપ. પછી તે તારી ઉપર વિશ્વાસ જરૂર મુકશે. વધારે નહીં તો બે-ચાર ઠગોની બાતમી આપજે, બદલામાં તું તારું આખું આયખું આ અંધારાની બહાર શાંતિથી વિતાવી શકીશ."



"નથી જોઈતી આ ગુલામી મારે. મારે તો બસ વેર વાળવું છે મારી દીકરીનાં મોતનું અને પછી પોઢી જવું છે અનંત અંધકારમાં. એક બદલાની આગમાં જ…" હું અટક્યો. મારા મગજમાં એક ચમકારો થયો. મને એકાએક મારો માર્ગ મોકળો થતો લાગ્યો.



"લચ્છુ… મારી વાત માન. તારી પાસે આ સિવાય કોઈ વિકલ્પ નથી. સ્લીમેન છોડશે તને આ કોટડીમાંથી. રહ્યું સહયું જીવન ભાઈઓની જેમ આપણે સાથે જીવી લઈશું. મારી વાત માન લચ્છો. તારું ઋણ ઉતારવાનો આ એક મોકો મળ્યો છે મને. મને તારી મદદ કરવા દે."



"સારું, સુબેદાર," મેં ધીમા અવાજે શરણાગતિ સ્વીકારી. "તને યાદ છે ને તે રાત્રે ઘુવડનું બચ્ચું રોતું હતું. આપણાં રિવાજો પ્રમાણે સૌથી મોટું અપશુકન. મા ભવાનીએ તે દિવસે ના પાડી હતી આપણને શિકાર કરવાની. તો પણ હું તારી વાત માન્યો અને જેને આપણે સાદા સૈનિકો સમજતા હતાં તેવા પિંઢારીઓ પર આપણે હુમલો કર્યો. રહમતનાં ભાઈને તો મેં મારી નાખ્યો પણ મારા સિવાય તમે બધા નિષ્ફળ ગયાં. અને આપણે ભાગવું પડ્યું હતું. ખેર, સુબેદાર… તે અપશુકનિયાળ રાત્રે પણ મેં તારી વાત માની હતી. તો આજે તો હું તને કેમનો નકારી શકીશ."



"બસ, મારા ભાઈ," ફિરંગીયાના અવાજમાં આનંદ હતો કે જીત તે હું કળી ન શક્યો. "બસ આજની રાત આ કોટડીમાં વિતાવી દે. કાલે સવારે એ ગોરો અફસર બોલાવશે તને. અને પછી આપણે બન્ને આ કેદખાનાં પર રાજ કરીશું."



ફિરંગીયાના ગયાં પછી કોઈ એ રાત્રે કોટડીમાં આવ્યું નહોતું. ન તો મને જમાવનું આપવામાં આવ્યું હતું કે ન તો પાણી. પણ મને એ વાતની દરકાર નહતી. મારી પાસે સમય હતો. યોજના બનાવાનો. બદલો કેવી રીતે લેવો એ બાબતનું પાક્કું આયોજન મેં તે રાત્રીએ કર્યું હતું. વિચાર, વિષાદ અને દર્દથી ઉભરતો હું ક્યારે નિંદ્રાને શરણે થયો એ મને ખબર ન રહી. પહેલાં મારી આંખો સામે અંધારું છવાયું. અને પછી સપનું. એક વાસ્તવિક સ્વપ્ન.




*




આકાશની મધ્યમાં પહોંચી ગયેલાં આ સૂર્યનાં તાપ હેઠળ મારા જ પડછાયાએ મને એક કાળા કુંડાળામાં ઘેરી લીધો હતો. આ કુંડાળા પર જ મારી દ્રષ્ટિ સ્થિર હતી. મારા કપાળ પરથી સરકી નાકના ટેરવા અને દાઢી પર આવતા પ્રસ્વેદબિન્દુઓ અંદરોઅંદર લાગેલ કોઈ હોડની માફક કુંડાળામાં જઈ પડતાં હતાં. પડયાની સાથે જ જાણે કોઈ ગરમ તવા પર ઝીંકાયેલ પાણીની માફક તે વરાળ થઈ મારી આંખ સામેથી પસાર થઈ જતાં હોય તેવો ભ્રમ મને થતો હતો. શું મારો પડછાયો પણ મારી આ દીન સ્થિતિ પામી મારા અંગેઅંગમાં પ્રજ્વલ્લિત અગ્નિ જેટલો જ ક્રોધિત હશે?



મારી સામે એ રાક્ષસ સમાં પિંઢારીએ મારી બાર વર્ષની દીકરી અનિકાને વાળ ખેંચી પકડી રાખી હતી. તેની ચંગુલમાંથી છૂટવા મથતી મારી દીકરી 'બાબા… બાબા…'ની ચીસ પાડી આખા પર્વતને ધ્રુજાવતી હતી. મારા અંદર ક્રોધનો દાવાનળ ફાટ્યો હતો. પિંઢારીઓ સાથે મારો આ કંઈ પહેલો મુકાબલો નહતો. હું એકલો હોત તો કદાચ આમ શરણે ના થયો હોત. પિંઢારીઓની આ ટૂકડીને એકલાં હાથે જ ખાત્મો બોલાવી શકત એવાં ભ્રમમાં હું જીવતો નથી. પણ તરણું મોંમા લેવાં કરતાં સીના પર ગોળી ખાવી મને વધું પસંદ આવ્યું હોત. 



પિંઢારીઓનું અટ્ટહાસ્ય મારા કાનોમાં ગુંજતું હતું. અને તેથી ય વધારે મારી દીકરીની ચીસો મારું કાળજું ચીરી જતી હતી. મારા છોલાયેલાં ઘૂંટણો પર હું હતું તેટલું જોર લગાવી ઉભો થવા પ્રયત્ન કરતો હતો. પરંતુ મારી પાછળ ઉભેલા રહમત અલીનાં માણસો તેમની બંદૂકની મૂઠ મારા પગ પર મારતાં. હું લથળીને એ પથરાળ જમીન પર પટકાતો. મારી આ હાલત જોઈ રહમત વધુ જોરથી હસતો. તેનાં દાંતમાં ભરાવેલી ચાંદી તડકામાં ચળકતી. તેનાં માથા પર પડેલી અડધી ટાલ તેના ભયાનક દેખાવમાં વધારો કરતી. મધ્ય ભારતનાં આ કપરાં વાતાવરણમાં બળીને ખાખ થઈ ગઇ હોય તેવી ચામડી અને જંગલી બાવળ માફક અવ્યવસ્થિત ઢબથી આખાં ચેહરા પર ઉગી નીકળેલ તેની દાઢી-મૂંછ તેને યમદૂત સમો દેખાવ આપતો. આ ચટ્ટાનોનો જ કોઈ ભાગ હોય તેવું ખડતલ તેનું શરીર હતું. 



તેણે ફંગોળીને મારી દીકરીને થોડી દૂર ફેંકી. એકાએક આસપાસના વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. રહમતનાં એક માણસે અનિકાને જડબું પકડી ઘૂંટણિયે બેસવા મજબૂર કરી. તેનાં જડબા પરની પકડ એટલી મજબૂત હતી કે કઈ ઉચ્ચારવું તો દૂર, અનિકાને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ઉભા થવાનાં મારા પ્રયત્નને ફરી ઘૂંટણ પરની એક લાતે નિરર્થક બનાવી દીધો. રહમત મારી તરફ આગળ વધ્યો. તેનાં બે માણસોએ મને બાવડાથી પકડી ઉભો કર્યો. તેણે મારા પેટમાં જોરથી એક લાત મારી અને ફરી હું બેવડો વળી ગયો. મારા પાટલુનનાં ખિસ્સામાંથી એણે મારો રૂમાલ નીકળ્યો. એ કોઈ સામાન્ય રૂમાલ નહોતો. એ હતો એક ઠગનો રૂમાલ. તે રૂમાલની લંબાઈ કોઈ સામાન્ય રૂમાલ કરતાં બમણી હતી. તેની વચ્ચોવચ એક સિક્કો બાંધેલો હતો જેથી આ રૂમાલને મારા શિકારનાં ગળા ફરતે વીંટાળી તેનો શ્વાસ રૂંધી નાંખી, રુધિરનું એક પણ બુંદ વહાવ્યા વગર તેને સફાઈથી ખતમ કરી શકાય. આ અમારા ઠગોની એક પરંપરા પ્રમાણે હતું. જો અમારા શિકારનું લોહી વહે તો અમારાં દેવી નારાજ થાય. અને અમારા દેવીને નારાજ કરવાની સજા ખૂબ મોટી હોય છે. કદાચ એ જ સજા હું ભોગવતો હતો.



એ રૂમાલને બન્ને હાથમાં સરખો ખેંચી તે હસ્યો. રૂમાલના એક છેડા પર રહેલી ગાંઠ પર તેણે આંગળીઓ ફસાવી. મારા ચહેરા સામે એક ક્રૂર સ્મિત આપી તે પાછો ફર્યો. અનિકાને ઘૂંટણિયે પાડીને ઉભેલા બે આદમીઓએ તેના હાથ પકડ્યા. અનિકાની પાછળ જઈ રહમતે તેના ગોઠણને અનિકાની પીઠ પર ગોઠવ્યો. તેણે કરેલા જોરથી અનિકાના મોંમાંથી ચીસ સરી પડી. તે શું કરવા જઈ રહ્યો છે તે સમજાતાની સાથે જ મારી આંખો પહોળી થઇ ગઇ. મારા હૃદયમાંથી નીકળતી ચીસ મારા ગળામાં જ અટવાઈ ગઈ. આ કૃત્ય હું મારા જીવનમાં સેંકડો વાર કરી ચુક્યો હતો. મેં ક્યારેય નહતું વિચાર્યું કે મારી સામે જ મારી દીકરીને આમ બેરહેમીથી મોતને ઘાટ ઉતારવામાં આવશે. કદાચ એ ખબર હોત તો પણ શું મેં એ સેંકડો નિર્દોષોને રહેંસી નાંખ્યા ન હોત?



મેં મારી દ્રષ્ટિ એ તરફથી દૂર ફેરવવા પ્રયત્ન કર્યો પણ મને પકડીને ઉભેલા એક આદમીએ મારુ જડબું પકડી મને એ દ્રશ્ય જોવા ફરજ પાડી. રહમતે મારો જ રૂમાલ અનિકાના ગળા ફરતે વીંટાળ્યો. 



"રહમત એણે છોડી દે… એ મારા વિશેની કોઈ સચ્ચાઈથી વાકેફ નથી," મેં બૂમ પાડી. અનિકાના ચેહરા પર એ દર્દ વચ્ચે પણ આશ્વર્ય છવાયું. હું સમજી ન શક્યો કે તે આશ્ચર્ય હું કઈ સચ્ચાઈની વાત કરું છું તે અંગેનું હતું કે પછી મેં આ પિંઢારીને નામથી પુકાર્યો એ બાબતનું!



પણ એ દાનવે જાને મને સાંભળ્યો જ ન હોય તેમ રૂમાલના બન્ને છેડા ખેંચ્યા. અનિકાના ગળાની ઉપરનો ફંદો કસાયો. અચાનક તેના ફેફસામાંથી હવા બહાર ફેંકાઈ. રહમતના બાવડાના સ્નાયુઓ ખેંચાયા. અનિકાએ ફંદાને દૂર કરવા, પોતાના હાથ છોડાવા પોતાનું સમગ્ર બળ લગાવી દીધું. પણ તે યમદૂતો ટસના મસ ન થયાં. નહીં… નહીંની મારી બૂમો રહમતના આદમીઓના દુષ્ટ હાસ્ય વચ્ચે દબાઈ ગઈ. અનિકાના ચહેરાનો રંગ બદલાયો. તેનાં ડોળા ફાટીને બહાર આવી ગયા હતા. જોતજોતામાં તેની યાતનાઓનો અંત આવ્યો. તેની ડોક ઝુંકી ગઈ અને રહમતે તેનાં મૃત શરીરને લાત મારી ગબડાવી મૂક્યું.



મારા આંખોમાં ઉભરી આવેલા અશ્રુની ધારે મારી દ્રષ્ટિ ઝાંખી પાડી હતી. સમગ્ર સૃષ્ટિ મારી નજર સામે જાણે અલિપ્ત થઈ ગઈ હતી. નરકની આગમાં બળતાં શરીરને કદાચ આવી જ યાતનાઓ સહન કરવી પડતી હશે. પણ મારી યાતનાઓનો આ અંત નહોતો. મને ખબર નથી ક્યારે રહમત એ રૂમાલ લઈ મારી પાસે પહોંચ્યો હતો. અનિકાની માફક જ મારા ગળા ફરતે ફંદો નાંખી તે મારો જીવ લઇ લે તો કદાચ મારી વેદનાંમાંથી હું મુક્ત થઉં. મને હતું કે તે એમ જ કરશે. પણ નહીં… મારી મુક્તિથી એને સંતોષ શાને થાય? પોતાના હાથમાં રહેલાં રૂમાલ પર એને એક મોટી સોંય લઈ દોરો પોરવ્યો. તેનાં આદમીઓએ એક મોટા ખડક પર મારી પીઠ ટેકવી મારા હાથપગને ટટ્ટાર રીતે પકડી રાખ્યા હતાં. હું ડગી શકું તેવી પરિસ્થિતિમાં નહોતો. તેણે એ રૂમાલ મારી છાતી પર તંગ કર્યો અને તે સોંય દોરાથી તેણે મારી છાતી સાથે સિવવા લાગ્યો. તેને હતું કે હું એ અસહ્ય દર્દની સામે ઝુંકીને જીવનની આજીજી કરીશ. જિંદગી આખી તેનો ગુલામ થઈને રહેવા તૈયાર થઈ જઈશ. પણ એવું કંઈ થયું નહીં. મારી દીકરીના મૃત્યુની સામે આ દર્દ તલભાર પણ નહોતું. કદાચ એ દુઃખથી મારું મગજ સુન્ન થઈ ગયું હતું. જે પણ હોય પરંતુ મેં મચક આપી નહીં. દોરાના એકેએક ટેભા સાથે મારો એ રૂમાલ ખૂનથી ખરડાઈ રહ્યો હતો. જ્યારે તેનું કામ પૂરું થયું ત્યારે તેણે મારી આંખમાં આંખ મળાવીને જોયું. આ સમયે તેની અને મારી આંખો તથા મારી છાતીમાં સિવાયેલા એ રૂમાલનો રંગ સરખો હતો. 



"મરદ છે તું," એ જોરથી બોલ્યો. બે પથ્થરો અંદરો અંદર જ્યારે પીંસાય છે ત્યારે આવતી ઘરઘરાટી જેવો તેનો અવાજ હતો. "જો તે દિવસે તે મારા ભાઈના બદલે મારા બીજા કોઈ આદમીનું ખૂન કર્યું હોત તો હું તને મોત બક્ષી દેત. પણ નહીં… હવે તારે આ પારાવાર વેદના સાથે આખી જિંદગી વિતાવવી પડશે. અને એ પણ અંગ્રેજોની કોટડીમાં… મારું વેર આજે લેવાઇ ગયું."



આટલું કહેતાની સાથે જ તેને તેના એક આદમી પાસેથી બંદૂક છુનવી એ બંદૂકની મુઠ મારા કપાળ પર લગાવી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. એ અંધકારમાં હું ક્યારે ગર્ત થઈ ગયો અને ક્યારે અમે બન્ને એ એકબીજાને સ્વીકારી લીધાં તેનો મને ખ્યાલ નથી રહ્યો. પણ એ અંધકાર જ મારો અંતિમ મિત્ર હતો. એના સહારે જ મારે મારુ અંતિમ કામ પાર પડવાનું હતું. એ અનંત અંધકારમાં સમાતા પહેલાં મારે વેર વાળવાનું હતું.




*




"તારી હાલત જોઈ તું કોઈ પંકાયેલો ઠગ લાગતો નથી," સ્લીમેને નાકનું ટેરવું ચડાવતા કહ્યું. બીજા દિવસે સવારે મને થોડું ખાવાનું આપી સ્લીમેન સામે રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગ્રેજ અફસર સારી એવી હિન્દુસ્તાની ભાષાઓ જાણતો હતો એટલે અમારે કોઈ દુભાષીયાની જરૂર પડી નહોતી. 



"ફિરંગીયાએ મને કહ્યું કે તું અંગ્રેજોનો સાક્ષી બનવા તૈયાર છે," તેનાં ચેહરા પરથી સ્પષ્ટ તરી આવતું હતું કે તે ભારતીયોને પોતાના કરતા બહુ તૂચ્છ માણસ માનતો હતો. "આમ તો તું એના નેજા હેઠળ જ કામ કરતો હતો એટલે તારી પાસે તેનાથી વધારે કોઈ માહિતી હોય એવું મને લાગતું નથી. તો પછી કેમ બ્રિટિશ સલ્તનત તને સામાન્ય ઠગની જેમ મુકદમો ચલાવી ફાંસીનાં માંચડે ન લટકાવી દે?"



"હમ્મ…," મેં તેની વાત પર વિચાર કરતો હોય તેવો ડોળ કર્યો. "સાહેબ, પહેલી વાત તો એ કે મેં ખાલી ફિરંગીયાની નીચે કામ કર્યું નથી. અને બીજું કે હું અંગ્રેજ સરકારને અત્યાર સુધીના સૌથી મોટા ઠગ અંગેની બાતમી આપી શકું તેમ છું."



"ખોટા પ્રયત્નો ન કરીશ, લચ્છુરામ," તેણે હાથથી મારી વાત ફંગોળતા કહ્યું. "ઠગ બેહરામ ક્યારનો ય પકડાઈ ગયો છે."



હું હસ્યો. જોર જોરથી હસ્યો અને સ્લીમેનની આંખો ઝીણી થઈ. જ્યારે મને એમ લાગ્યુ કે હવે તે મારી વાતમાં રસ લઈ રહ્યો છે ત્યારે અંતે મેં બોલવાનું શરૂ કર્યું. 



"એક ઠગની સૌથી મોટી લાયકાત શું છે સાહેબ?" મેં સવાલ કર્યો પણ એ અફસર કંઈ બોલ્યાં વગર એકીટશે મારી સામે જોઈ રહ્યો. "ક્યારેય પોતાનો વેશ છતો નહીં કરવાની. બહેરામ હજું એક હજારના આંકડાને પાર કરી શક્યો નથી. પણ હું એવા ઠગની વાત કરું છું જેણે એક હજારનો આંકડો ક્યારનોય પાર કરી દીધો છે. તો ય એ જાણીતો ઠગ નથી. છે ને મજાની વાત."



"આડી અવળી વાત ના કરીશ. નામ બોલ."



"રહમત અલી."



"વ્હોટ! આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ," એ અંગ્રેજીમાં કઈક બબડ્યો અને પછી હસ્યો. "એ બ્લડી પિંઢારી. તને ઠગ અને પિંઢારીઓ વચ્ચે કોઈ તફાવત નથી લાગતો બેવકૂફ?"



"એ ઠગ છે સાહેબ. ઠગ. પિંઢારીઓનાં વેશમાં ફરતો એવો ઠગ કે એની હકીકત ફક્ત મને જ ખબર છે. એક સમયે હું એની ટુકડીમાં સામેલ હતો."



"હમ્મ… મારે ફિરંગીયાને પૂછવું પડશે."



"ફિરંગીયો એ વિશે કંઈ જાણતો નથી. અને ફિરંગીયાનું અભિમાન તેને પોતાનાથી વધુ સારો બીજો કોઈ ઠગ હોય શકે તે વાતનું ભાન પણ નહીં કરવા દે. રહમત ય નહીં કે બહેરામ ય નહીં."



સ્લીમેન એક ઘડી વિચારમાં પડી ગયો.



"શું વિચારો છો સાહેબ? વિશ્વાસ ન હોય તો અમારી બુનિજના શિકારની એક બે કબરો ખોદાવી આપું."



"હમ્મ.. પણ એમાં તને શું મળશે?"



"મારુ વેર વળશે સાહેબ," અલબત્ત સત્ય આ અંગ્રેજને કહી શકાય તેમ નહતું. "પિંઢારીનો વેશ ધારણ કર્યા બાદ તેણે તેના બધા પુરાના સાથીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. હું છેલ્લો છું."



ત્યારબાદ ચાલુ થયો કબરો ખોદવાનો સિલસિલો. ફિરંગીયા પહેલાં મેં જેટજેટલી બુનિજ હાથ ધરી હતી તે બધાની કબરો કઈ જગ્યાએ આવેલી છે તે મેં જણાવ્યું. મેં બતાવેલી કબરોમાંથી મેં જેટલી કહી તેટલી જ લાશોનાં અવશેષો મળી આવ્યા. ધીરેધીરે સ્લીમેનને મારા પર વિશ્વાસ બેસવા લાગ્યો. આખરે જ્યારે એણે મને રહમતના પતા અંગે પૂછ્યું ત્યારે મેં એને ત્રણ-ચાર સંભવિત સ્થળોની વિગતો આપી. 



આખરે એક દિવસ માને સમાચાર મળ્યાં. રહમત પકડાયો હતો. તેની ઓળખાણ કરવા મને સ્લીમેનનાં કેમ્પ પર બોલાવવામાં આવ્યો હતો. કેમ્પ સુધીની બે-ત્રણ દિવસની મુસાફરીમાં મેં તક શોધીને એક નાનું ચાકુ મારા ગજવામાં સરકાવી લીધું હતું. મારો વેર વાળવાનો સમય પાકી ગયો હતો. 



અમે જ્યારે કેમ્પ પર પહોંચ્યા ત્યારે મધરાત થઈ ચૂકી હતી. સ્લીમેન અને બીજા અફસરો સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે મારે રહમતને પહેચાની તેની વિરુદ્ધ ગવાહી આપવાની હતી. સ્લીમેનના માણસોથી હવે હું પરિચિત થઈ ગયો હતો. મારી અત્યાર સુધીની સારી વર્તણૂકનાં લીધે હું બેડીઓથી મુક્ત રહેતો. કેમ્પમાં આવ્યા બાદ મેં જોયું કે રહમતને ઘોડારની પાસે ખુલ્લામાં બાંધવામાં આવ્યો હતો. મોડી રાત્રે જ્યારે લગભગ આખો કેમ્પ પોઢેલો હતો ત્યારે હું મારા તંબુમાંથી બહાર નીકળ્યો. બહાર આંટા મારતા સંત્રીઓની નજર ચૂકવી હું ઘોડાર પાસે પહોંચ્યો. 



રહમત પર નજર રાખવામાં આવેલ સૈનિક ઊંઘી ગયો હતો. મેં હળવેકથી તેની પાછળ જઈ એક હાથથી તેનું મો દાબ્યુ અને બીજા હાથથી ચાકુને તેના ગળામાં ખોસી દીધું. ધીમેથી તેની લાશને જમીન પર મૂકી અને તેનાં ખિસ્સામાંથી તેનો રૂમાલ નીકળ્યો. હું રહમત પાસે પહોંચ્યો. રહમત જાગતો હતો. તેનું ધ્યાન ન પડે એ રીતે હું તેની પાછળ પહોંચ્યો. તેના હાથપગ બેડીઓથી જમીન પર રહેલ ખીલા સાથે સખત બાંધેલા હતા. તે ઘૂંટણીયે પડેલો હતો અને ઉભો થઇ શકે તેમ નહોતો. મેં ચપળતાથી પેલા સંત્રીનો રૂમાલ રહમતના મોઢામાં જોરથી ખોસ્યો. રહમત ચમક્યો અને હું કૂદીને તેની સામે આવ્યો. તેની આંખો મારી શકલ જોઈ પહોળી થઇ. તે કંઈક બોલવા ગયો પણ તેનો અવાજ રૂમાલના લીધે રૂંધાઇ ગયો.



"હા હું," મેં હળવેકથી કહ્યું. "તને મારી દીકરી યાદ છે ને રહમત. એનું વેર વાળવા જ હું આવ્યો છું."



આટલું કહીં મેં મારા કુર્તાને ફાળી નાખ્યો. મારા સીનામાં તેણે સિવેલો રૂમાલ જોઈ એ અચરજ પામ્યો.



મેં મારા ગજવામાંથી ચાકુ નિકાળી અને મારી છાતીમાં રહેલા એક ટાંકાને તોડ્યો. એ સાથે જ લોહીની ધાર થઈ અને મારા મોંમાંથી ઉહકારો નીકળી ગયો. મને આંખે અંધારા આવવા લાગ્યા હતાં. આમ છતાં અડગ રહી મેં પૂરો રૂમાલ મારી છાતીએથી અડગો કર્યો. રૂમાલ લગભગ સડી ગયા બરાબર જ હતો, આમ છતાં મારા લહુએ તેને પુનર્જીવન આપ્યું હોય તેમ એ થોડો સુંવાળો થઈ ગયો હતો. રહમત મુક બની મારી સામે ફાંટી આંખે જોઈ રહ્યો હતો.



હું રહમતની પાછળ ગયો. પોતાના બંધનમાંથી છૂટવા મથી રહેલાં રહમતે સાંકળો ખખડાવી આખું ઘોડાર ગજવ્યું હતું. આમ છતાં ન તો એ બંધન છૂટ્યું કે ન કોઈ તેની મદદે આવ્યું. રૂમાલના છેડે ગાંઠ મારી મેં મારી આંગળીઓ ભરાવી. મારા જમણા ગોઠણને રહમતની પીઠ પર ટેકવી મેં જોરથી ધક્કો મારી તેની પીઠ તંગ કરી. રૂમાલને મેં રહમતના ગળે ફરતો વીંટાળી મારી સમગ્ર તાકાતથી તેને કસ્યો. રહમત ગૂંગળામણ અનુભવતો હતો. આમ છતાં તે જંગલી ભેંસા જેટલું જોર કરી તેની પીઠ સીધી કરવા મથતો હતો. મેં માંડ માંડ મારી પકડ ટકાવી રાખી હતી. મારા હાથની આંગળીઓ છોલાઈ ગઈ હતી. આખા શરીરમાં ઝણઝણાટી ઉપડી હતી. ત્યારે મને સમજાયું કેમ ફિરંગીયો રહમતને મારવામાં નિષ્ફળ ગયેલો. મારી આંખે અંધારા આવી ગયા હતાં. આમ છતાં મારા ઝનૂને મને પકડ જમાવી રાખવા મજબૂર કર્યો. ક્ષણો વીતવા લાગી. રહમતનું જોર ઘટ્યું. શ્વાસ લેવા માટેના તેના હવાતિયાં ઓછા થવા લાગ્યા. એના ચહેરાનો રંગ કંઈક અંશે બદલાયો. તેના ચકળવકળ થતાં ડોળા બહાર આવી ગયાં હતાં. થોડી વારમાં તેનું શરીર ઢીલું મુકાયું. એનાં ખુલ્લા મોઢામાંથી પ્રાણ નીકળી ગયાં હતાં. 



મારી પકડ છૂટી અને હું જમીન પર ધરાશાયી થયો. મારા શરીરમાંથી ખૂબ લોહી વહી ગયું હતું. મારા અંગે અંગમાં પારાવાર વેદના થતી હતી. સવાર મારા નસીબમાં નહોતી. મેં વિજય સ્મિત સાથે મારી આંખો બંધ કરી.  અનંત અંધકારને સસ્મિત ગળે લગાવતા પહેલા મારી દીકરીનો હસતો ચહેરો મેં જોયો. જો સ્વર્ગ અને નર્કનું ખરેખર અસ્તિત્વ હશે તો નર્કના દ્વાર પર હું રહમતને ફરીથી મળીશ. પણ ત્યાં સુધી આ અંધકારમાં જ મને પોઢી જવા દો. અનંત સમય સુધી!




***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ