વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઋણાનુબંધ

'હીર, મૈં આજ હંમેશા કે લિયે લખનૌ વાપસ જ રહી હુ...તું મુજે મિલને આયેગી ના!'

બીપ અવાજ સાથે જ્યારે મારા મોબાઇલમાં વૉટ્સએપ નોટિફિકેશનમાં વિભાવરી નામ ફ્લેશ થયું તો મેં ક્ષણના પણ વિલંબ વગર એ મૅસેજ વાંચી લીધો.

મેં મૅસેજ તો વાંચ્યો પણ એનો રિપ્લાય શું આપું? આપું કે નહીં? એવી અવઢવમાં હું મોબાઇલ સામે તાકી રહી.

આજનો સ્વાર્થપરાયણ મનુષ્ય સંબંધ અને કામની વ્યસ્તતામાં પ્રાધાન્ય તો કામને જ આપવાનો ને! હા, એટલે જ મારાથી કોઈ રિપ્લાય નહોતો અપાતો. પૂરા પાંચ દિવસ પછી હૉસ્પિટલની નિશ્ચેતન સફેદ દિવાલોના સ્થાને ઑફિસની રંગીન, જીવનથી ભરપૂર દીવાલો વચ્ચે ધબકતી જિંદગીઓને મળી હતી. મારા વિરહમાં ઝૂરતું મારું કામ એક પ્રીતમની જેમ મારી પ્રતીક્ષા કરતું હતું. ઑફિસમાં રજાઓ પછીનો આજનો મારો ત્રીજો દિવસ થઈ ગયો હોવા છતાં એક વફાદાર સાથીની માફક કામ મારો પાલવ છોડવાનું નામ જ નહોતું લેતુ.

વિભાવરીને મળવાની મારી તત્પરતા સૌને ભ્રમિત કરી શકે એટલી સક્ષમ હતી. કદાચ તમને પણ લાગતું હશે કે મારી અને વિભાવરી વચ્ચે વર્ષો જૂની ગાઢ મિત્રતા હશે પણ વાસ્તવમાં તો અમારો સંબંધ હજી પાંચ દિવસનો જ હતો. એમાંય અમે સાથે રહ્યા હોય એવા તો ગણતરીના કલાકો જ હતા, તો પણ એની સાથેની મિત્રતાએ બંનેના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન અંકિત કર્યું હતું.

એકાએક જાણે કે હકારાત્મકતા વૉટ્સઍપમાં કોઈ જી.આઈ.એફ. બનીને આવી હોય એમ મને મેં જ બનાવેલા મારા જીવનના પાઠ શીખવતી મારા મગજમાં છપાઈ ગઈ. એ સાથે જ મેં વિભાવરીને મૅસેજ મોકલ્યો કે 'હું જરૂર આવીશ.' અને સાથે એક હાર્ટવાળું ઈમોજી પણ મોકલી આપ્યું. એણે મૅસેજ વાંચ્યો પણ કોઈ રિપ્લાય ના આવ્યો અને સાચું કહું તો મને રિપ્લાયની કોઈ આશા પણ નહોતી. મારે તો બસ એક છેલ્લી વખત એને મળવું હતું.

છેલ્લી વખત...... શું આ છેલ્લી વખત શબ્દ જેટલો સરળ લાગે છે એટલો વાસ્તવમાં સરળ છે?  છેલ્લી વખત શબ્દ મનમાં આવતા જ હું પાંચ દિવસ જૂના ભૂતકાળમાં સરી પડી.

********

૨૪.૦૯.૨૨

એ દિવસ મને બરાબર યાદ છે જ્યારે મેં વિભાવરીને પ્રથમ વખત  જોઈ હતી. હું નરહરિ હૉસ્પિટલના ICUમાં મારા ડૅડીને સૂપ પીવડાવતી હતી. આ હૉસ્પિટલની એક ખાસિયત મને બહુ ગમી હતી કે અહીં ICUમાં પણ દર્દી સાથે એક વ્યક્તિને આવવા દેતાં હતા. એટલે હું મારા ડૅડી સાથે ત્યાં જ હતી જ્યારે ICUના ત્રીજા બેડ પર એક વ્યક્તિને ઍડમિટ કરવામાં આવ્યો.

સ્વાભાવિક રીતે જ મારું ધ્યાન એ તરફ ગયું. ડૉક્ટર અને નર્સથી ઘેરાયેલ એ વ્યક્તિની ઉંમર કળવી તો અઘરી હતી પણ એ વ્યક્તિ ઘરડી ના હોવાનું અનુમાન તો લગાવી જ શકી હતી. થોડો સમય એ બેડ પાસે ઘણી ચહલપહલ રહી. વૅન્ટિલેટર, મશીનો, નળીઓથી એને ઘેરી લેવામાં આવ્યો. જે રીતે એની સારવાર શરૂ કરવામાં આવી હતી એ જોતા એની હાલત ખૂબ ક્રિટિકલ હોવાનું મેં અનુમાન લગાવ્યું.

એટલામાં ડૉક્ટરે બૂમ પાડી,"નમ્રતા સિસ્ટર, પેશન્ટના રિલેટિવને બોલાવો. કેમ કોઈ અહીં નથી?"

એ સાથે જ સિસ્ટર રિલેટિવને બોલાવવા ગયા અને એક યુવતી સાથે એ પાછા ફર્યા. ત્યારે મેં પહેલી વખત વિભાવરીને જોઈ હતી.

**************

આજે પણ મારી નજર સામે વિભાવરીની એ પ્રથમ ઝાંખી આવતા મારું મન ઉદાસ થઈ જાય છે. માત્ર પ્રથમ જ નહીં, જ્યારે જ્યારે મેં વિભાવરીને જોઈ હતી ત્યારે ત્યારે એ મને એવી જ જોવા મળી હતી. બઘવાયેલી અને લઘરવઘર. તણાવગ્રસ્ત અને ચિંતિત.

*********

૨૪.૦૯.૨૨

એ સમયે ના તો મને એનું નામ ખબર હતું કે ના એના વિશે મને કોઈ માહિતી હતી. હું માત્ર એટલું જ જાણતી હતી કે લગભગ ત્રીસેક વર્ષની ઉંમરની ઘંઉવર્ણી એ યુવતી બેડ પર વૅન્ટિલેટરના કૃત્રિમ શ્વાસ પર નભતા વ્યક્તિની વાઇફ હતી.

ડૉક્ટર એને સવાલો પૂછતાં હતા અને એ શૂન્યમનસ્ક એમની સામે ઊભી હતી. ના કોઈ જવાબ કે ના કોઈ પ્રતિભાવ. જે ઉંમરે જીવનને ભરપૂર માણવાનું હોય, જે ઉંમરે સાહસ કરવાના હોય એ ઉંમરે ICUના બેડ પર હોવું આઘાતજનક જ હોય ને! ડૉક્ટરને પણ લાગ્યું કે દર્દીના વાઇફ ટ્રોમામાં હતા. નીચે મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયેલા એમના બીજા સંબંધી આવી ગયા અને ડૉક્ટરે એમની સાથે વાતચીત કરી. એ લોકો વચ્ચે શું વાતચીત થઈ એ મારા સબકૉન્શિયસ માઇન્ડ સુધી પહોંચી જ ના શકી કારણ કે મારું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર વિભાવરી પર કેન્દ્રિત હતું.

વેરવિખેર ભૂખરા વાળ એના વિખરાઈ ગયેલા જીવનની ચાડી ખાતા હતા. અણીદાર મોટી આંખો એના જીવન જેવી શુષ્ક થઈ ગઈ હતી. એની રણ જેવી સૂકી આંખોમાં ના તો કોઈ સવાલ દેખાયો ના તો કોઈ ફરિયાદ. બસ એક જ આજીજી દેખાઈ.... પતિ પર સ્થિર એની કાળી કિકી એનો સંગાથ અધૂરો ના છોડવાની બસ એક જ યાચના કરતી દેખાઈ.... એ શૂન્યમનસ્ક આંખોમાં શું હતું એ શબ્દોમાં વર્ણવવું અઘરું છે પણ એટલું નક્કી હતું કે એનામાં કઈંક તો એવું ખેંચાણ હતું જે મને એની તરફ લાગણીથી બાંધી રહ્યું હતું.

*********

હું, હીર દેસાઈ વિભાવરી સાથેની એ મુલાકાત યાદ જ કરતી હતી કે મારા મોબાઇલમાં ફરી વિભાવરીના મૅસેજનું નોટિફિકેશન આવ્યું.

'હીર, આ રહી હો ના!?'

મેં તરત જ રિપ્લાય આપ્યો, 'હા, હું જરૂરથી આવીશ. જો ઘરે મળવા નહીં આવી શકાય તો હું તને રેલવે સ્ટેશન મળવા આવીશ....પણ આવીશ જરૂર...'

'પ્લીઝ ટ્રાય....'

એને લખેલ 'ટ્રાય કરજે...' વાંચીને હું ફરી એ જ ભૂતકાળમાં પહોંચી ગઈ જ્યારે મેં એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

*********

૨૪.૦૯.૨૨

બપોરે જમવાનો સમય થઈ ગયો ત્યાં સુધી ના તો ફરી પેલા દર્દીના કોઈ રિલેટિવ ત્યાં ફરક્યા કે ના તો એની વાઇફ, વિભાવરી. મને તો ખબર પણ નહોતી કે એમને શું થયું હતું? થોડીવારમાં મારા હસબન્ડ આવ્યા અને હું જમવા માટે ઘરે જવા બહાર નીકળી.

બહાર જતી વખતે મેં એક નજર પેલા બેડ તરફ કરી ત્યારે હું અવાક થઈ ગઈ. એના શરીરમાંથી લોહી બહાર આવતું હતું. ભગવાને જ્યાં જ્યાં આપણને રોજિંદા કાર્ય કરવા મોટા છિદ્રો આપ્યા છે ત્યાં બધેથી લોહી બહાર આવતું હતું. નાક, કાન, ગુદા...બધેથી જ. એટલું જ નહીં એમના બંને હાથ પર પણ પાટા બાંધીને બંધ કરવામાં આવ્યા હતા. તો શું એમના હાથમાંથી પણ લોહી નીકળતું હતું! એમને જોઈ હું વધારે ચિંતિત થઈ ગઈ કે ત્રીસ-પાંત્રીસની નાની વયે વૅન્ટિલેટર પર પહોંચેલા આ વ્યક્તિના પરિવાર પર શું વીતતી હશે!

હવે હું સમજી શકતી હતી કે એમની વાઇફ કેમ શૂન્યમનસ્ક થઈ ગઈ હતી. એમની વાઇફ એટલે કે વિભાવરી યાદ આવતા હું તરત જ બહાર નીકળી. ICUની સામે આવેલા વેઇટિંગ રૂમમાં કદાચ એ બેઠી હોય એવું વિચારી હું સીધી ત્યાં ગઈ. પણ ત્યાં કોઈ નહોતું.

હું એને નસીબનો નિર્ણય સમજી ઘરે જવા નીચે ઊતરી પાર્કિંગમાં પહોંચી. ત્યાં જ અચાનક મારી નજર હૉસ્પિટલના ગેટ પાસે હાથમાં લોહીના સૅમ્પલની બે બોટલ પકડીને ઊભેલી વિભાવરી પર પડી. એનો વર્તાવ સાવ પાગલ વ્યક્તિ જેવો હતો. આવતા જતા સૌ એની તરફ જોતા હતા.

ગેટ પર ફરજ નિભાવતા ચોકીદારે વિભાવરીને પૂછ્યું,

"અહીં કેમ ઊભા છો? તમે ગભરાયેલા લાગો છો...કોઈ બીજું નથી તમારી સાથે?"

વિભાવરી તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. ચોકીદારે ફરીથી સવાલ કર્યો ત્યારે વિભાવરીએ એની સામે જોઈ માત્ર એટલું કહ્યું કે,

"મૈં યાંહાકી નહીં હુ.... મુજે સિર્ફ હિન્દી આતી હૈ..."

હું પાર્કિંગમાંથી એની પાસે પહોંચું એ પહેલાં તો નર્સ આવીને એને પોતાની સાથે લઈ ગઈ. વિભાવરીને  ચાલતા જોઈ કોઈને પણ આત્મા વગરની લાશ ચાલતી હોવાનો આભાસ થાય. એટલી યંત્રવંત....

એ પછી હું પણ મારા ઘરે જવા રવાના થઈ ગઈ.

હું ત્યાંથી તો નીકળી ગઈ પણ વિભાવરીની છવી મારા મન-મસ્તિષ્કમાંથી નીકળવાનું નામ જ નહોતી લેતી. એક અજાણી લાગણીથી હું એની સાથે બંધાઈ ગઈ હતી. ખબર નથી કેમ મને એના માટે એટલો લગાવ થઈ ગયો હતો! પણ કંઈક હતું જે મને એની તરફ ખેંચતું હતું.

ઘરડા લોકો કહેતા હોય છે કે એ તો કોઈની સાથે ઋણાનુબંધ હોય તો એ આપણા જીવનમાં આવે. કોઈ પણ સમયે આવે. તો શું મારે એની સાથે એવું જ જોઈ ઋણાનુબંધ હતું! શું એટલે જ અપરિચિત એવી એ મને પોતીકી લગતી હતી! શું મારા હૃદયમાં જન્મેલી એ લાગણી પાછલાં જન્મનું અધૂરું રહી ગયેલું કોઈ ઋણ હતું?

એ જે હોય પણ એ નક્કી હતું કે મારું હૃદય મુશ્કેલીમાં મૂકાયેલી એ યુવતીને મદદ કરવા થનગની રહ્યું હતું. મારા શહેરમાં એકલી પડેલી એ હતાશ યુવતીને મારે મિત્રતાની હૂંફ આપવી હતી.

મને એ  મોકો છેક મોડી સાંજે મળ્યો. હું અચાનક વેઇટિંગ રૂમમાં ગઈ જ્યાં બેસવા માટે રાખેલી બેંચ પર એ બંને પગ ઉપર લઈને કોકડું વાળીને બેઠી હતી. એની આંખોમાં સ્થાયી ઉદાસી અને હતાશાએ મારા હૃદયને વિચલિત કરી દીધું.

હું પળના વિલંબ વગર એની પાસે પહોંચી તો ગઈ પણ વાતની શરૂઆત કેવી રીતે કરવી એ મૂંઝવણમાં હતી. મેં એની સામે જોઈને સ્મિત આપ્યું. એની આંખોની ઉદાસી અકબંધ રાખી એના હોઠ માત્ર યંત્રવત પહોળા થયા અને ICUની એ હવામાં અમારા ઋણાનુબંધને ચૂકવવાની જાણે કે શરૂઆત થઈ.

એ વખતે ના તો મને એનું નામ ખબર હતી કે ના એ મારું નામ જાણતી હતી. એ વખતે અમારી વચ્ચે બસ ICUના મશીનોથી ધબકતા રૂમમાં જોયેલા પરિચિત ચહેરાથી વિશેષ કોઈ જ ઓળખાણ નહોતી.

"આપ ઠીક તો હો ના?" હું જાણતી હતી કે એને માત્ર હિન્દી આવડે છે એટલે મેં હિન્દીમાં જ વાતની શરૂઆત કરી.

એણે પોતાને ઠીક હોવાનો આભાસ કરાવવા ગાળામાં આવી ગયેલો ડૂમો થૂંક સાથે નીચે ઊતાર્યો અને હકારમાં ડોકું ધુણાવ્યું.

"મૈં સુબહ સે આપકો દેખ રહી હુ. મુજે આપ ઠીક નહીં લગ રહે. ઈવન આપ અકેલે હી હો...ક્યાં...." હજી હું મારું વાક્ય પૂર્ણ કરું ત્યાં સુધીમાં તો ખબર નહીં કે ક્યારનો? પણ મનમાં બાંધી રાખેલો બાંધ તૂટ્યો અને કોઈ જ ઓળખાણ વગર એ મને ભેટીને રડવા લાગી. એનું રુદન અકળાવનારું હતું.

મેં એને શક્ય સાંત્વન આપવાનો પ્રયાસ કર્યો. વિભાવરીએ રડતાં રડતાં જ મને કહ્યું કે,

"યે મેરે પતિ હૈ.... ઠીક તો હો જાયેંગે ના! ડૉક્ટર કહતે હૈ કી બચાના મુશ્કિલ હૈ...લેકિન..."

ફરી સૂકી આંખોને ભીંજવતા આંસુઓની ધાર શબ્દોને પલાળતી ગઈ અને એમાં શબ્દો લપસીને ફરી સ્વરપેટીમાં જતા રહ્યા.

"લેકિન ઉનકો ક્યાં હુઆ હૈ? ઔર આપ અકેલે ક્યુ હો?" પૂછી શકાય કે નહીં એવી પડોજણને ત્યજી મેં વિભાવરીને પૂછ્યું.

"ઇનકો ના...પતા નહીં ક્યાં હો ગયા હૈ...લેકિન ડૉક્ટરને બોલા હૈ કી.....આપકો પતા હૈ મૈં યહાં મેરી દીદીકે ઘર રુકને આયી થી.... યે ઇતને અચ્છે હૈ ના કી.... યે ઠીક તો હો જાયેંગે ના! મેરા ઇનકે અલાવા કોઈ નહીં હૈ....."

મને સમજમાં જ નહોતું આવતું કે હું શું જવાબ આપું. એણે જોઈને હિંમત આપવા મથતી હું પણ અંદરથી ઢીલી થઈ ગઈ હતી.

સવારથી મૌન રહેલી લાગણીઓના મોજા હવે ઊછળી ઊછળીને બહાર આવતા હતા. હું  કંઈ જ બોલી નહીં અને એની લાગણીના સૈલાબને બહાર આવવા દીધો. એ દરમ્યાન મારો હાથ એને સાંત્વન આપવા સતત એના માથે ફરતો હતો.

"આપકો પતા હૈ....ઇસસે પહેલે ઉનકો ઇક બડે મહેંગે હૉસ્પિટલમેં ભરતી કિયા થા....વહાં સે આધી રાતકો બુલાકે બોલ દિયા કે ઇનકી હાલત બહોત ક્રિટિકલ હો ગઈ હૈ. હમ અભી ઇનકો નહીં બચા સકતે. આપને દેરી કર દી..."

અને ફરી ડુસકાઓનો એક ચક્રવાત મને હચમચાવી ત્યાંથી પસાર થઈ ગયો.

"અભી તો દો દિન પહેલે યે કાર ચલા રહે થે... મુજે બરોડાકી નવરાત્રી દેખની થી તો યે મુજે યહાં લેકે આયે..... મૈને બહોત સૂના થા યાંહાકે ગરબે બહોત અચ્છે હોતે હૈ ....લેકિન યે શહેરને તો મેરા સબ છીન લિયા..... ઇન્હોંને મેરી હર ખ્વાઈશકો સર આંખો પે રખા....કભી દેરી નહીં કી....ઔર ડૉક્ટર બોલ રહે હૈ કી દેર હો ગઈ...."

જ્યારે વિભાવરી મને આ કહેતી હતી એ વખતે એની વિવશતા એના શબ્દો, શબ્દોમાં રહેલ ભાવ, એના આંસુ, એની લાચારી બની હૉસ્પિટલના એ આઘાત અને રુદન જીરવીને અડીખમ ઊભેલા રૂમને પણ મીણની જેમ પીગાળતા હતા. ભાગ્યની વિવશતા કહો કે નસીબની લાચારી, વિભાવરી પાસે રુદન સિવાય કંઈ જ શેષ નહોતું.

"ઈક દિન અચાનક બોલતે બોલતે વહ સબ ભૂલ ગયે. મુજે...જો ઉનકે દિલકી ધડકન હૈ..ઉસકો પહેચાન ના પા રહે થે. હમ તુરંત ઉનકો હૉસ્પિટલ લે ગયે... બડી મહેંગી હૉસ્પિટલ થી તો હમે લગા અચ્છી હી હોગી. જબ ઍડમિટ કિયા તબ વો સિર્ફ કિસીકો પહેચાન નહીં રહે થે. ફિર જબ ઉનકા ટેસ્ટ કરવાયા તો ઉનકો ડેન્ગ્યુ થા. ડૉક્ટર બોલે ઉનકો કિતને દિનોસે ડેન્ગ્યુ હૈ ઔર આપને ટ્રીટમેન્ટ નહીં કરવાઈ?

"આપ બતાઓ.... અગર પતા હોતા તો ક્યાં મેં અપની જાનકી ટ્રીટમેન્ટ ના કરવાતી! લેકિન ઉનકો બુખાર હી નહીં આયા....મૈને બતાયા ડૉક્ટરકો...કી એક હી દિન બુખાર આયા થા ઔર ફિર કભી નહીં આયા તો કૈસે ટેસ્ટ કરવાતી?

"ફિર આધી રાતકો ડૉક્ટરને હમે બતાયા કી ઉનકા લીવર ઔર કિડની દોનો ફેઈલ હૈ ઔર સબ વેન્સ અંદર બ્લાસ્ટ હો ગઈ હૈ સો ઇન્ટર્નલ બ્લીડીંગ બંધ હી નહીં હો રહી. ઔર...ફિર....ઉન્હોને હમે બોલા કી....યે અબ નહીં બચેન્ગે.... એક પલમેં મેરી તો જિંદગી હી બિખર ગઈ.

"ફિરભી મૈને હિંમત નહીં હારી ઔર સબને બોલા કે યહાં અચ્છે ડૉક્ટર હોતે હૈ ઔર મૈં ઇનકો યહાં લેકે આ ગઈ. દીદી ઔર જીજુ સુબહસે બ્લડ ઔર પ્લેટલેટ્સ કા ઈંતઝામ કર રહે હૈ. મૈં યહાં ના તો કિસી ઔર કો પહેચાનતી હુ ના તો યહાં કી ભાષા સમજ પાતી હુ.....મૈં ક્યાં કરું? " કહી એ રડી પડી.

આખી વાત કહેતા એને મારો હાથ પોતાના હાથમાં જકડી રાખ્યો હતો. જાણે કે મને પોતાના મોહમાં બાંધી કદાચ પતિને બચાવી લેવાય!

એટલામાં એના દીદી-જીજુ આવ્યા અને એ લોકો ડૉક્ટરને મળવા ગયા. હું પણ કાલે મળીશ કહીને મારા ઘરે ગઈ.

****************

૨૫.૦૯.૨૨

હું રોજ સવારે ડૅડી માટે ચા લઈને જાઉં. આજે હું વિભાવરી માટે પણ ચા લઈને ગઈ. હૉસ્પિટલ પહોંચીને મેં એને ચા પીવડાવી. કાલ સવારથી અહીં જ હોવાથી આજે એ ફ્રેશ થવા થોડા સમય માટે ઘરે જવાની હતી. એના પતિનું ધ્યાન રાખવાનું કહી એ ઘરે ગઈ.

મારા ડૅડીને હવે એકદમ સારું થઈ ગયું હોવાથી ડૉક્ટરે એ જ સવારે અમને નોર્મલ વૉર્ડમાં શિફ્ટ કર્યા. ડૅડી તરફથી નિશ્ચિંત હોવા છતાં મારા ચહેરા પર વિભાવરી માટેની બેચેની દેખાતી હતી, એક ચિંતા વર્તાતી હતી.

વિભાવરી જ્યારે આવશે ત્યારે અમારો બેડ ખાલી જોઈને વધારે તૂટી જશે એવો ભય મને સતત સતાવતો હતો. હું બે વખત વેઇટિંગ રૂમમાં જોઈ આવી પણ મને નિરાશા જ સાંપડી. મારા ડૅડી ICUમાં ના હોવાથી હું અંદર નહોતી જઈ શકતી. સાંજ સુધી તો હું પાંચ-છ વખત એને જોઈ આવી હતી પણ એની સાથે મેળાપ ના થયો તે ના જ થયો.

રાત્રે ઘરે જતા પહેલાં એક અંતિમ પ્રયત્નરૂપે હું ફરીથી વેઇટિંગ રૂમમાં એને શોધવા ગઈ અને બેંચ પર એને બેઠેલી જોઈ મને જે ખુશી મળી હતી એને શબ્દોમાં ઢાળવા હું અસમર્થ છું.

વિભાવરીના ચહેરા પર પણ એ જ ખુશીની રેખાઓ ઉપસી આવી.

મને ત્યાં જોઈને એ મને ભેટી પડી. અત્યારે એની હાલતમાં આવેલો બદલાવ ખરેખર મનને શાતા આપનારો હતો. મેં સીધો સવાલ કર્યો કે,

"ભૈયા કો કૈસા હૈ?"

"હાલત તો વૈસી હી હૈ લેકિન મૈં મનસે પોઝિટિવ હો ગઈ હુ. વૈસે ભી કલસે નવરાત્રી શુરૂ હો રહી હૈ. મા મેરે પતિકો  જરૂર ઠીક કર દેગી. ઔર દેખના, વહ જબ ઠીક હો જાયેંગે તબ મૈં આપકો ઉનસે મિલવાઉંગી ઔર બોલુંગી કે આજ મેં ઝિંદા હુ ઔર ઠીક હુ વહ સિર્ફ ઇનકી બજહસે...વરના મૈં તો કબકી હિંમત હાર ચૂકી થી... આપ મિલોગે ના મેરે પતિસે?"

"હા, જરૂર મિલુંગી ઔર હમ સાથમેં બહાર ભી જાયેંગે." કહી મેં મનમાં પ્રાથના કરી કે અત્યારે મારી જીભ પર માં સરસ્વતી બિરાજમાન હોય અને આ વાક્ય સત્યતામાં ફેરવાઈ જાય.

એ પછી એને મારી સાથે એના જીવન વિશે, એના પતિ વિશે ઘણી વાતો કરી અને બીજા દિવસે શરૂ થતા નવરાત્રી શુભ સમાચાર લઈને આવશે એ આશા સાથે અમે છૂટા પડ્યા.

હું વેઇટિંગ રૂમમાંથી બહાર જતી જ હતી કે એણે મને અટકાવી. આત્મીયતાથી બંધાયેલા અમે હજી સુધી એકબીજાનું નામ શુધ્ધા નહોતા જાણતા. એ રાત્રે પહેલી વખત અમે એકબીજાને પોતાના નામ જણાવ્યા અને ફોન નંબર આપ્યા.

*********

આજે મને વિચાર આવે છે કે જો એ રાતે મેં મારો ફોન નંબર એને ના આપ્યો હોત તો જીવનભર અફસોસ રહી જાત. સવારથી ચિંતામાં વ્યતીત દિવસનું રાતે એક શાતા સાથે સમાપન થયું હતું.

*****************

૨૬.૦૯.૨૨

એ નવરાત્રીનો પ્રથમ દિવસ હતો. આજે બધું સારું જ થશે એવી આશા સાથે શરૂ થયેલો દિવસ ઝાઝો ના ટક્યો. લગભગ સવારના સાત વાગ્યે એનો ફોન આવ્યો અને એણે કહ્યું,

"હીર, મેરે પતિ નહીં રહે...આજ સુબહ હી વહ ચલ બસે.. હમ લોગ જા રહે હૈ...અબ મૈં યહાં કભી વાપસ નહીં આઉંગી... કભી નહીં…"

આ સાંભળી હું તો સુન્ન જ થઈ ગઈ. આગલી રાતે જ થોડી સ્વસ્થ થયેલી વિભાવરી કેટલી તૂટી ગઈ હશે એની કલ્પના પણ મારાથી નહોતી થઈ શકી. બે દિવસની ઓળખાણ છતાં મારું હૃદય, મારી આત્મા વિભાવરી માટે રુદન કરતુ હતું. એ હૉસ્પિટલથી જતી રહી હતી અને એ સાથે મને લાગ્યું કે મારું ઋણાનુબંધ પણ પૂર્ણ થઈ ગયું. અલબત્ત એ પછી મેં એને મૅસેજ અને ફોન કર્યા જેના એણે મને જવાબ પણ આપ્યા.

ડૅડીને જેવા હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કર્યા મારે ઑફિસમાં ફરજીયાત જવું પડ્યું. અને હું વિભાવરીને મળવા ના જઈ શકી.

***********

પણ આજે હું મારી બધી વ્યસ્તતા, બધી અડચણો દૂર કરીને વિભાવરીને મળવા જઈશ. એ પછી ફરી મળીશું કે નહીં એ નથી ખબર પણ આજે હું એને મળ્યા વગર શહેર નહીં છોડવા દઉં એ નક્કી હતું.

કહેવાય છે ને કે જ્યારે જેની તડપ હોય એ જ દૂર જતી હોય છે. આજે મારે ઑફિસમાં એક અર્જન્ટ કામ આવી ગયું અને નીકળતા મોડું થયું. મને લાગતું હતું કે હું કદાચ એને નહીં જ મળી શકું અને મારું એને નહીં મળવું આ શહેર માટે બીજી નકારાત્મક છાપ એના મનમાં અંકિત કરશે.

ઑફિસથી છૂટી હું મારા ઘરે જવાના સ્થાને સીધી એના ઘરે ગઈ. એનું ઘર ઘણું દૂર હતું અને વિસ્તાર પણ અજાણ્યો હતો. ગુગલમેપની મદદથી મેં અંતે એનું ઘર શોધી એને કોલ કર્યો કે, “હું તારા ઍપાર્ટમેન્ટ પાસે આવી ગઈ છું.”

મને જે પ્રમાણે મોડું થયું હતું એ જોતા મને લાગ્યું કે એણે વિચારી લીધું હતું કે હું હવે એને મળવા નહીં આવું. આમ પણ પાંચ દિવસનો સંબંધ કેટલો જીવિત રહે? પણ એની ધારણા ખોટી પડી અને હું એને મળવા પહોંચી ગઈ.

દિલથી બનાવેલ સંબંધને હું જીવી જાણી. બધી અશક્યતાઓને માત આપી હું એને જ્યારે મળી ત્યારે એ પ્રસંગ અવર્ણનીય બની રહ્યો.

મને જોતાંની સાથે જ એ મને ભેટી પડી. એની આંખોમાંથી છલકાતા આંસુઓ મારા કપડાને ભીંજવતા હતા અને એની આત્મીયતા મારા મનને. એના ઍપાર્ટમેન્ટના પાર્કિંગમાં જ ઊભા રહીને એ ક્યાં સુધી મને ભેટીને રડતી રહી અને હું પણ એના રુદનને મારા આંસુઓનો સથવારો આપતી રહી.

એ પછી હું એના ઘરે ગઈ અને થોડો સમય એની સાથે વિતાવ્યો. જવાનો સમય થતા મેં એની રજા માંગી અને સાથે સાથે કાયમ કૉન્ટેક્ટમાં રહેવાનું વચન પણ. એ વચન તો એણે મને આપ્યું પણ એની આંખોની ભીનાશ હજી કઈંક કહેવા માંગતી હોય એવું મને લાગ્યું.

એ મારી સાથે પાર્કિંગમાં આવી. એના પતિ પછી કદાચ હું જ એની આત્મજન હોઉં એ રીતે એ ફરીથી મને વળગી પડી. જાણે કે મને જવા દેવા જ ના માંગતી હોય. મેં પણ વિભાને અળગી કરવાનો પ્રયત્ન ના કર્યો. હું કરી જ ના શકી. ICUથી જન્મેલો અમારો સંબંધ એક અલગ જ લેવલ પર પહોંચી ગયો હતો. જ્યાં કોઈ બંધન ના હોવા છતાં એક પાક્કી દોરીથી બંધાયેલા બે જીવ હતા.

મને એની આંખોમાં વાંચેલો એ વણકહ્યો ભાવ યાદ આવ્યો અને મેં એને પૂછ્યું,

"વિભા, કુછ કહેના ચાહતી હો?"

એ પૂછતાની સાથે જ મારી આંખોમાં આંખ પરોવી એણે કહ્યું,

"હીર, ઇસ શહેરને મેરા સબકુછ છીન લિયા ઇસલિયે મુજે ઇસ શહેરસે નફરત હો ગઈ થી. મૈને કહા થા કી મૈં યહાં વાપસ નહીં આઉંગી લેકિન ઇસને મુજે તુજ જૈસી દોસ્તસે મિલવાયા. ઇસને મુજે સ્વાર્થરહિત મિત્રતા શિખાઈ, ઉસે નિભાના શિખાયા. ઇસલિયે બુરી યાદોકે બાવજુત મૈં ઇસ શહેરમેં વાપસ આઉંગી. સિર્ફ તુજે મિલને કે લિયે. સિર્ફ તુમ્હારે લિયે મૈં ઇસ શહેરકો માફ કર રહી હું... હીર, સિર્ફ તુમ્હારે લિયે...."

********

૩૦.૦૪.૨૦૨૩

આજે પૂરા છ મહિના પછી એ મને મળવા એના નાપસંદ શહેરમાં પાછી આવી રહી છે અને હું આશા રાખું કે આ વખતે એને આ શહેર કડવી નહીં પણ નવી અને મીઠી યાદો આપે.

- સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ