વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂતિયો પીપળો


         વિશાલ શર્મા નામ પ્રમાણે વિશાલ જ હતો. સાડા છ ફૂટ ઊંચાઈ અને પંચાણું કિલો વજનનો સ્વામી વિશાલ આર્મીમાં સુબેદાર હતો અને અઠવાડિયા પહેલા જ નિવૃત થયો હતો. એની સાથે નિવૃત થયેલા એના મિત્રોએ સિકયુરિટીમાં નોકરી શોધવાની ચાલુ કરી દીધી હતી. પણ વિશાલને એમાં રસ ન હતો.
         વિશાલની ઈચ્છા ખેતી કરવાની હતી. તેથી એણે શહેરથી ચારેક કિલોમીટર દૂર એક પડતર જમીન ખરીદી હતી. બજાર ભાવ કરતાં ખૂબ જ સસ્તા ભાવે જમીન મળી એટલે વિશાલ ખુશ થયો હતો. જોકે વિશાલે જમીન નહીં પણ મુશીબત વેચાતી લીધી હતી.
         જમીનના દસ્તાવેજ પર વિશાલનું નામ ચઢી ગયું એ પછી વિશાલ ખેતર બાજુ ગયો. એણે જોયું કે ચાર એકરના લંબચોરસ ખેતરમાં ઘાસનું સામ્રાજ્ય હતું. ખેતરના ઈશાન ખૂણામાં લીમડાનું ઝાડ હતું અને દક્ષિણ દિશામાં પીપળાનું ઝાડ હતું. વિશાલ ચાલતો ચાલતો લીમડા તરફ જઈ રહ્યો હતો. એને જોઈ બાજુના ખેતરવાળા સુરેશે પૂછ્યું, "તમે કોણ છો ?"
         વિશાલે કહ્યું, "મારું નામ વિશાલ છે અને હું આ ખેતરનો નવો માલિક છું."
         "હું સુરેશ છું. તમારી બાજુવાળું ખેતર મારું છે. પણ આ પીપળાવાળું ખેતર ખરીદીને તમે ભૂલ કરી છે."
         "કેમ ? કોઈ ગરબડ છે ?"
         "હા, પણ હું કહીશ તો તમે માનશો નહીં. તમને  જાતે અનુભવ થશે એટલે સમજી જશો."
         "ઠીક છે." એમ કહી વિશાલ આગળ વધ્યો અને ફરતા ફરતા પીપળાના વૃક્ષ પાસે પહોંચ્યો. 
         પીપળો ઘણો જૂનો હતો એવું એના વિશાળ થડ પરથી લાગતું હતું. વિશાલ વૃક્ષની છાયામાં આવ્યો એ સાથે એનું માથું ભારે થવા લાગ્યું અને વાતાવરણ એકદમ બદલાય ગયું. પવન અચાનક બંધ થઈ ગયો અને વિશાલને ગરમી લાગવા લાગી. વિશાલે ખેતર તરફ નજર કરી તો ઘાસ પવનમાં હલી રહ્યું હતું. પણ એને સ્હેજેય પવન લાગતો ન હતો. એ પરસેવે રેબઝેબ થવા લાગ્યો. તેથી એ પીપળાની છાયાની બહાર નીકળ્યો અને તરત એના ચહેરા સાથે પવનનો સ્પર્શ થયો. આવું કેમ થયું તે એ સમજી ન શક્યો ?
         પવન લાગતા વિશાલને જરા સારું લાગ્યું. પણ એણે જે અનુભવ્યું તે વિચિત્ર હતું. તેથી ફરી એવું થાય છે કે નહીં તે જોવા માટે એ પાછો પીપળાની છાયામાં ગયો. જો કે આ વખતે એને કંઈ ન થયું. પણ એકાદ મિનિટ પછી એને બંને ખભા પર સ્હેજ વજનનો અનુભવ થયો. ધીમે ધીમે વજન વધવા લાગ્યું એટલે એણે ત્યાંથી પાછા જવાનું વિચાર્યું. પણ એ પોતાની જગ્યાએથી જરાય હલી ન શક્યો. એણે માથું ફેરવીને આજુબાજુ જોવાનો પ્રયત્ન કરી જોયો. પણ એમાં એ સફળ ન થયો. એ માત્ર એની આંખ ફેરવી શકતો હતો.
         અચાનક જોરથી પવન ફુંકાવા લાગ્યો અને પીપળાના ખરેલા સૂકા પર્ણો એક જગ્યાએ એકત્ર થવા લાગ્યા. એ પર્ણો ધીમે ધીમે ચહેરાના આકારમાં ગોઠવાઈ ગયા અને એ ચહેરો લગભગ દસેક ફૂટ ઊંચો થઈ ગયો. પછી એ ચહેરાનું મ્હોં પહોળું થયું અને એ ચહેરો વિશાલને ગળી જવા આગળ વધ્યો. પણ એ પહેલા વિશાલની આંખો બંધ થઈ ગઈ અને તે બેભાન થઈ ગયો.
         થોડા સમય પછી વિશાલ ભાનમાં આવ્યો ત્યારે એ સૂકા પર્ણોના ઢગલાની નીચે હતો અને પીપળાની છાયાની બહાર હતો. એ ફટાફટ ઊભો થયો અને એના કપડાં ખંખેરવા લાગ્યો. બે-ત્રણ પર્ણો એના માથા પર હતા તે પણ એણે હટાવ્યા. પછી પીપળાના વૃક્ષ બાજુ એક નજર કરી તે ઘર તરફ ગયો.
        વિશાલના ઘરમાં એના સિવાય બીજા ત્રણ સભ્યો હતા. એના પપ્પા વિષ્ણુભાઈ, પત્ની પાયલ અને પુત્ર અંશ. એના મમ્મીનું બે વર્ષ પહેલા દેહાંત થઈ ગયું હતું. વિશાલે ઘરે જઈ એના પપ્પા અને પત્નીને ખેતરનો અનુભવ કહ્યો.
         એ સાંભળી પાયલે કહ્યું, "તો તો એ પીપળામાં જરૂર ભૂતનો વાસ હશે."
         વિષ્ણુભાઈ કર્મકાંડી બ્રાહ્મણ હતા. એમણે કહ્યું, "ભૂત જેવું કંઈ નથી હોતું. પીપળો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુ ખેંચે છે એટલે એને લીધે તને એવી તકલીફ થઈ હશે."
         વિશાલ બોલ્યો, "પપ્પા, ભૂત-પ્રેતમાં તો હુંય નથી માનતો પણ મારું શરીર હું હલાવી શકતો ન હતો. એવું તો કાર્બન ડાયોકસાઈડ વાયુને લીધે ન થાય ને ?"
         પાયલ બોલી, "એમની વાત સાચી છે પપ્પા અને સૂકાયેલા પાંદડાઓનો ચહેરો બને એ માત્ર પવનને લીધે તો ન જ થાય."
       "એ વાત પણ વિચારવા જેવી છે." વિષ્ણુભાઈ બોલ્યા. પણ પીપળાના વૃક્ષમાં ભૂતનો વાસ હોય એ વાત માનવા એમનું મન માનતું ન હતું કેમકે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવનો વાસ હોય પછી ભૂત કયાંથી રહી શકે ?
         પાયલ બોલી, "તમે પૂરતી તપાસ નહીં કરી અને સસ્તી જમીનના ચક્કરમાં ભેરવાય ગયા. હવે તમે પણ એ જમીન કોઈને ભેરવી દો."
         વિશાલે કહ્યું, "એ જમીન ભૂતિયા પીપળાને લીધે જાણીતી થઈ ગઈ હશે એટલે જ વેચાય ન હશે તો હવે એ જમીન કોણ ખરીદશે ?"
         વિષ્ણુભાઈ બોલ્યા, "જયાં સમસ્યા હોય ત્યાં ઉપાય હોય જ."
         વિશાલે એક આશા સાથે પૂછ્યું, "તો શું તમારી પાસે એનો કોઈ ઉપાય છે પપ્પા ?"
         એ જ સમયે અંશ સ્કુલેથી આવ્યો અને બોલ્યો, "દાદા, આજે મને પિપ્લાદ ઋષિની વાત કહો ને !"
         વિષ્ણુભાઈએ પૂછ્યું, "આજે અચાનક પિપ્લાદ ઋષિ કયાંથી યાદ આવી ગયા ?"
         "દાદા, આજે વિજ્ઞાનના ટીચર કહેતા હતા કે પિપ્લાદ ઋષિએ નાનપણમાં શનિ ગ્રહને ભસ્મ કરવાનો પ્રયત્ન કરેલો."
         "હા એ વાત સાચી પણ પહેલા તું હાથપગ ધોઈને આવ પછી તને બધી વાત કરું."
         થોડી વાર પછી અંશ આવ્યો એટલે વિષ્ણુભાઈએ પુરાણ કથા ચાલુ કરી.
         "એક વાર મહર્ષિ નારદ ભારત ભૂમિ ઉપરથી આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક પીપળાના વૃક્ષ નીચે એમણે એક તેજસ્વી બાળકને જોયો. નારદ મુનિએ બાળક પાસે જઈ પૂછયું, 'તું કોણ છે ?' બાળકે જવાબ આપ્યો, 'મારું નામ પિપ્લાદ છે પણ એ સિવાય મને કંઈ ખબર નથી.' એટલે નારદ મુનિએ ધ્યાનમાં બેસીને બધું જોયું અને બાળકને કહ્યું, 'તું દધીચિ ઋષિ અને માતા સુવર્ચાનું સંતાન છે. વૃત્રાસુર નામના રાક્ષસને મારવા માટે દેવતાઓને વિશિષ્ટ શસ્ત્રોની જરૂર હતી. બ્રહ્માજીના કહેવાથી દેવતાઓએ તારા પિતા પાસે અસ્થિઓની માંગણી કરી. તેથી એમણે જગતના કલ્યાણ અર્થે દેહ ત્યાગ કર્યો. પછી એમની અસ્થિમાંથી દેવતાઓએ વજ્ર અને બ્રહ્મશિર નામના શસ્ત્રો બનાવી વૃત્રાસુરનો વધ કર્યો. તારા પિતાનું દેહાંત થયું એટલે તારી માતાએ પણ સમાધિ લઈ લીધી. એ સાંભળી પિપ્લાદે પૂછ્યું, 'મારા પર આવી વિપત્તિ કેમ આવી.' નારદ મુનિએ જવાબ આપ્યો, 'શનિદેવની મહાદશાને લીધે આવું થયું.' તેથી પિપ્લાદે તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને પોતાની દ્રષ્ટિથી કોઈને પણ ભસ્મ કરી શકે એવું વરદાન મેળવ્યું. વરદાન મળતા બાળક પિપ્લાદે શનિદેવનું આહ્વાન કરી એમને ભસ્મ કરવાનું ચાલુ કર્યું. એ જોઈ બ્રહ્માજી પિપ્લાદ પાસે આવ્યા અને એને સમજાવી બીજા બે વરદાન માંગવા કહ્યું. તેથી પિપ્લાદે માંગ્યું કે કોઈ પણ મનુષ્યને જન્મથી સોળ વર્ષ સુધી શનિની મહાદશા ન લાગે અને સૂર્યોદય પહેલા જે કોઈ પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેને શનિની ગ્રહદશા ન નડે."
         "દાદા, આ બધી વાત સાચી હોય કે ?"
         "હા બેટા, આપણા વેદ અને પુરાણોમાં લખેલી વાતો સાચી જ છે."
         એ પછી અંશ રમવા ગયો એટલે વિષ્ણુભાઈએ કહ્યું, "વિશાલ, કાલે વહેલી સવારે આપણે ખેતરે જઈશું."
                              *****
         સવારે વિષ્ણુભાઈ અને વિશાલ ખેતરે પહોંચ્યા ત્યારે આજુબાજુના વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. પણ પીપળાના વૃક્ષ પર અને એની આસપાસ એક પણ પક્ષી દેખાતું ન હતું. જાણે પીપળાની આસપાસ કર્ફ્યુ લાગી ગયો હોય તેમ એકદમ શાંતિ હતી. એ જોઈ વિષ્ણુભાઈએ તરત હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ કરી દીધો. પણ તેઓ વિશાલને કહેવાનું ભૂલી ગયા. પીપળાના થડમાં જળ ચઢાવવા વિષ્ણુભાઈ વાંકા વળ્યા એ જ સમયે વિશાલને જોરદાર ધક્કો લાગ્યો અને એ પાંચ ફૂટ દૂર જઈને જમીન ઉપર પડયો. 
         વિષ્ણુભાઈ જળ ચઢાવીને તરત વિશાલ પાસે ગયા અને બોલ્યા, "વાગ્યું નથી ને ?"
         વિશાલે ઊભા થતા કહ્યું, "ના નથી વાગ્યું. પણ આપણે જોડે જ હતા છતાં તમને ધક્કો કેમ ન લાગ્યો ?"
         "કેમકે હું હનુમાન ચાલીસાનો પાઠ કરતો હતો."
         "હવે તો તમે માનો છો ને કે અહીં ભૂત છે."
         "હા, લાગે છે કે આ પીપળાની કોઈ વાર પૂજા નથી થઈ એટલે એમાં ભૂત વસી ગયું હશે."
         "તો હવે શું કરવું પડશે ?"
         "હમણાં તો થોડા દિવસ હનુમાન ચાલીસાના જાપ સાથે રોજ સવારે પૂજા કરવી પડશે. પછી આગળનું વિચારશું."
         એ પછી તેઓ રોજ સૂર્યોદય પહેલા પીપળાની પૂજા કરવા લાગ્યા. અઠવાડિયા સુધી એમને કોઈ તકલીફ ન થઈ એટલે વિશાલે ખેતરનું ખેડાણ કરાવવાનું નક્કી કર્યું. પણ પીપળાવાળા ખેતરનું નામ આવતા જ કોઈ ટ્રેકટરનો માલિક ખેડાણ કરવા તૈયાર થતો ન હતો. આખરે દૂરના ગામનો એક ટ્રેકટરવાળો તૈયાર થયો. એને લઈ વિશાલ ખેતરે ગયો.
         ડ્રાઈવરને ભૂતિયા પીપળા વિશે ખબર ન હતી એટલે એણે દક્ષિણ દિશા તરફથી ટ્રેકટર ફેરવવાનું ચાલુ કર્યું. એ જેવો પીપળાની છાયામાં પહોંચ્યો કે તરત ટ્રેકટર બંધ થઈ ગયું. શું થયું તે જાણવા ડ્રાઈવર નીચે ઊતર્યો અને એણે જોયું કે બધું બરાબર હતું. છતાં ટ્રેકટર ચાલુ થતું ન હતું. વિશાલને સમજાય ગયું કે એ કામ ભૂતનું જ હશે. પણ એ ચૂપ જ રહ્યો કેમકે એ કહેવા જાય તો ડ્રાઈવર ખેતર ખેડવાને બદલે અહીંથી જતો રહેશે એવી એને બીક હતી. 
         ડ્રાઈવર દસેક મિનિટ મથ્યો પછી ટ્રેકટર ચાલુ થયું એટલે વિશાલે એને પીપળાની આસપાસની જગ્યા છોડી દેવા કહ્યું. તેથી ડ્રાઈવરે ટ્રેકટર આગળ લઈ વાળવાનો પ્રયત્ન કર્યો. એ જ સમયે ટ્રેકટર ફરીથી બંધ થઈ ગયું. ડ્રાઈવરે સેલ મારી જોયો પણ ટ્રેકટર ચાલુ ન થયું. અચાનક પવન ફુંકાવા લાગ્યો અને ટ્રેકટર જમીનથી અધ્ધર થઈને ગોળ ગોળ ફરવા લાગ્યું. એટલે ડ્રાઈવર ટ્રેકટરમાંથી બહાર ફેકાયો અને વિશાલની ઉપર જઈને પડયો. વિશાલ ડ્રાઈવરને કંઈ પૂછે તે પહેલા એ બીકનો માર્યો ભાગવા લાગ્યો. ડ્રાઈવર ભાગ્યો એટલે ટ્રેકટર સ્થિર થઈ ગયું અને ડ્રાઈવરની પાછળ દોડવા લાગ્યું. એ જોઈ ડ્રાઈવર વધારે ગભરાયો. તે દોડતો દોડતો લીમડા પાસે ગયો અને ફટાફટ ઉપર ચઢી ગયો. પાછળ આવી રહેલું ટ્રેકટર લીમડાના થડ સાથે અથડાયને બંધ થઈ ગયું. પણ ડ્રાઈવર ખૂબ જ ડરી ગયો હતો એટલે લીમડા ઉપરથી નીચે ન ઊતર્યો. વિશાલ આવ્યો પછી એ નીચે આવ્યો અને બીતા બીતા ટ્રેકટર પર બેઠો. પછી કંઈ પણ બોલ્યા વગર ટ્રેકટર ચાલુ કરીને ત્યાંથી જતો રહ્યો.
         બપોરે વિશાલે બોર કરવાવાળાને બોલાવ્યા હતા એટલે એ ઘરે જમવા ગયો. પછી બરાબર બે વાગે બોરવેલવાળાને લઈને આવ્યો. એણે કોઈ જગ્યાએ વાચ્યું હતું કે રાફડાની આજુબાજુ બોર કરવાથી સારું પાણી લાગે છે. તેથી એની ઈચ્છા પીપળાની નજીક આવેલા રાફડા પાસે બોર કરાવવાની હતી. પણ સવારે જે ઘટના બની એ જોઈ એણે એ વિચાર પડતો મૂક્યો. હવે એણે લીમડા પાસે બોર કરાવવાનું નક્કી કર્યું. એણે જગ્યા બતાવી એ મુજબ બોરવેલવાળાએ ટ્રક ગોઠવી અને બોર કરવાનું ચાલુ કર્યું.
         બે પાઈપ જમીનમાં ગયા પછી એ જગ્યાએ જોરદાર પવન ચાલુ થયો અને પાઈપ ખૂબ જ ઝડપથી ઉપર-નીચે થવા લાગ્યા. એકાદ મિનિટ સુધી એવું થયું પછી એ પાઈપ એક ઝટકા સાથે બહાર નીકળ્યા અને ટ્રક ઊંચકાયને એક બાજુ નમી ગઈ.  બોર કરવાવાળા માણસો સમયસૂચકતા વાપરી પહેલેથી જ ટ્રકથી દૂર જતા રહ્યા હતા. તેથી કોઈ જાનહાનિ ન થઈ. 
         સવારથી જે કંઈ બની રહ્યું હતું એ જોઈ વિશાલ ધુંઆપુંઆ થઈ ગયો. એ તરત પીપળા તરફ ગયો અને જોરથી બોલ્યો, "મેં તમારું શું બગાડયું છે ? તમે મને કેમ હેરાન કરો છો ?"
         પછી એક પથ્થર ઉપાડી એણે પીપળાના થડ ઉપર માર્યો. એટલે થડમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. એ જોઈ વિશાલ પાછળ ડગ ભરવા લાગ્યો. થોડી વારમાં ધૂમાડો એક ધૂંધળી સફેદ આકૃતિમાં ફેરવાય ગયો અને એક કર્કશ અવાજ આવ્યો, "તું મને મદદ કરે તો હું તને હેરાન કરવાનું બંધ કરી દઈશ."
         "મદદ, કેવી મદદ ?"
         "તારે બાજુના ખેતરવાળા સુરેશને અહીં લઈ આવવો પડશે."
         "સુરેશ જોડે તમારી શું દુશ્મની છે ?"
         "એ મારો ભત્રીજો છે અને એણે જમીનના ઝઘડામાં મારું ખૂન કર્યું હતું. એને ખૂનની સજા તો થઈ પણ સ્વબચાવમાં ખૂન કર્યું છે એમ કહ્યું એટલે એને ઓછી સજા થઈ. તેથી હું એને સજા આપવા માંગુ છું. મેં એક વાર એને મારવાનો પ્રયત્ન કરેલો પણ એ બચી ગયો ત્યારથી એ આ ખેતરમાં પગ નથી મૂકતો અને હું આ ખેતરની સીમાની બહાર નથી જઈ શકતો. તેથી તારે એને અહીં લાવવાનો છે."
         "પણ હું એને અહીં લાવીશ કેવી રીતે ?"
         "જો તને મારાથી મુક્તિ જોઈતી હોય તો તારે એને ગમે તે રીતે અહીં લાવવો પડશે."
         "પણ એ પછી તમે મને હેરાન નહીં કરો એની શું ખાતરી ?"
         "મારો બદલો પૂરો થશે એટલે મને આ ભૂત યોનિમાંથી મુક્તિ મળી જશે."
         એ સાંભળી વિશાલ વિચારમાં પડી ગયો. સુરેશને મોતના મુખમાં ધકેલવાનું એને યોગ્ય લાગતું ન હતું. પણ જો એ એમ ન કરે તો ભૂત એને ખેતરમાં કોઈ કામ કરવા નહીં દેશે. તેથી એણે કહ્યું, "ઠીક છે, હું સુરેશને અહીં લઈ આવીશ. પણ થોડા દિવસ તમારે શાંત રહેવું પડશે તો હું એને અહીં લાવી શકીશ."
         "હા પણ હું એક અઠવાડિયા સુધી જ શાંત રહીશ. એ દરમિયાન તારે એને લઈ આવવો પડશે."
                              *****
         ઘરે જઈ વિશાલે આજની બધી વાત વિષ્ણુભાઈ અને પાયલને કરી. એ સાંભળી પાયલ બોલી, "તમે સુરેશને ભૂતને હવાલે કરશો તો તો એ એને મારી જ નાખશે અને એનું પાપ તમને લાગશે."
         વિષ્ણુભાઈએ કહ્યું, "અને એવું ન કરીએ તો એ જમીન આપણને માથે પડશે."
         વિશાલ બોલ્યો, "એટલે આપણે કોઈ વચલો રસ્તો કાઢવો પડશે."
         પાયલે પૂછ્યું, "પણ એવો વચલો રસ્તો શું હોય શકે ?"
         વિષ્ણુભાઈ બોલ્યા, "ભૂતની મુક્તિનો કોઈ બીજો માર્ગ છે કે નહીં એ શોધવું પડે."
         એ પછી એમની વચ્ચે લગભગ અડધો કલાક સુધી ચર્ચા ચાલી.
         બીજા દિવસે સવારે વિશાલ ખેતરે પહોંચ્યો એટલે સુરેશ એની પાસે આવ્યો. સુરેશને જોઈ વિશાલ વિચારવા લાગ્યો કે આ સુકલકડી સુરેશે એના કાકાનું ખૂન કેવી રીતે કર્યું હશે ?
         સુરેશે પૂછ્યું, "કાલે શું થયું હતું ?"
         વિશાલે ગઈકાલની બધી વાત સુરેશને કરી એ સાંભળી સુરેશે કહ્યું, "પીપળાનું ભૂત મારા કાકાનું છે અને એ મને મારવા માંગે છે એટલે કાલે હું તારા ખેતરમાં આવી ન શક્યો."
         "તને કેવી રીતે ખબર કે એ ભૂત તારા કાકાનું છે ?"
         "પીપળાના ભૂતે જાતે મને કહ્યું હતું."
         "તો એ તને કેમ મારવા માંગે છે ?"
         "ખેતરની વહેંચણીની બાબતમાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને પીપળાની નીચે જ મેં એમને માર્યા હતા. એ પીપળામાં ભૂત રહે છે એ વાત મને જેલવાસ દરમિયાન ખબર પડી હતી. જેલમાંથી છૂટયા પછી હું ખાતરી કરવા પીપળા પાસે ગયો હતો ત્યારે મને કાકાના ભૂત વિશે ખબર પડી. એ સમયે એમણે મને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હું ભગવાનની કૃપાથી બચી ગયો હતો. બસ ત્યારથી હું એ ખેતરમાં પગ નથી મૂકતો."     
          એ જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, "પણ હવે મૂકી શકીશ."
         વિશાલ અને સુરેશે પાછળ ફરીને જોયું તો કેસરી કફની અને ધોતી પહેરીને એક વૃધ્ધ એમની તરફ આવી રહ્યો હતો. વિશાલ બોલ્યો, "એમને મેં જ બોલાવ્યા છે. તેઓ આગળ ઊતરી ગયા હતા અને આજુબાજુનું નિરિક્ષણ કરીને આવું એમ કહ્યું હતું."
         વૃધ્ધ વ્યક્તિના માથા ઉપર એકદમ ટૂંકા શ્વેત વાળ હતા. કપાળ પર કંકુનો મોટો ચાંદલો હતો. ગળામાં રૂદ્રાક્ષની માળા શોભી રહી હતી. બંને હાથના કાંડા ઉપર પણ રુદ્રાક્ષની માળા બાંધેલી હતી. ખભા ઉપર ખાદીનો બગલથેલો લટકી રહ્યો હતો. એમને જોઈ સુરેશના હાથ આપોઆપ નમસ્કારની મુદ્રામાં આવી ગયા.
         વૃધ્ધે નજીક આવી થેલામાંથી તાંબાની બોટલ કાઢી અને સુરેશ બાજુ જોતા કહ્યું, "આમાં અભિમંત્રિત ગંગાજળ છે, એનાથી હું ભૂતને વશમાં કરી લઈશ."
         સુરેશે વૃધ્ધને ચેતવતા કહ્યું, "પણ સાચવજો, ભૂતની શક્તિ પહેલા કરતાં વધી ગઈ છે."
         "પણ તેં હજુ મારી શક્તિ જોઈ નથી." એમ કહી વૃધ્ધે બોટલ થેલામાં મૂકી અને અંદરથી એક લાલ દોરો કાઢી વિશાલના હાથ ઉપર બાંધતા કહ્યું, "આ રક્ષા સૂત્ર તારી રક્ષા કરશે."
         પછી વિશાલ વૃધ્ધને લઈ પીપળા તરફ ગયો. પીપળા પાસે પહોંચી વિશાલ બોલ્યો, "સુરેશને અહીં લાવવા માટે અમે નાટક કરી રહ્યા છીએ એટલે તમે મારા પપ્પાને તાંત્રિક સમજીને કોઈ ઉત્પાત ન કરતા."
         વિશાલે જોયું કે થડમાંથી ધૂમાડો નીકળ્યો અને સારું શબ્દ લખાયો.
         પછી વિશાલે થડની આજુબાજુની જગ્યા સાફ કરી અને વિષ્ણુભાઈ પીપળાની એક પ્રદક્ષિણા કરીને થડ પાસે પલાઠી વાળીને બેસી ગયા. પછી એમણે દીવો સળગાવ્યો અને મંત્રજાપ ચાલુ કર્યા. 
         વિશાલે ત્રાંસી નજરે જોતા કહ્યું, "પપ્પા, નાટક ચાલુ રાખજો ; સુરેશ આપણી તરફ જ જોઈ રહ્યો છે."
         વિષ્ણુભાઈએ પાંચેક મિનિટ સુધી પૂજા વિધિ કરી. પૂજાને અંતે એમણે થડ ઉપર કંકુવાળા ચોખા અને અભિમંત્રિત ગંગાજળ નાખ્યું. પછી સૂતરનો દોરો લઈ તેઓ ઊભા થયા અને થડમાં એક જગ્યાએ દોરો ભેરવી તેમણે ૧૦૮ વાર પ્રદક્ષિણા કરી.
         હવે વિશાલ પીપળા તરફ જોતા બોલ્યો, "તમે વશમાં થઈ ગયા છો એની ખાતરી સુરેશને થાય એ માટે હું આજે ખેતર ખેડાવીશ અને આવતીકાલે બોર કરાવીશ. તમે કોઈ ગરબડ ન કરતા."
         થડમાંથી અવાજ આવ્યો, "તું ગમે તે કર પણ સુરેશને મારી પાસે લઈ આવ."
         વિશાલ અને વિષ્ણુભાઈ ખેતરની બહાર નીકળ્યા એટલે સુરેશે પૂછ્યું, "ભૂત વશમાં થયું ?"
         વિષ્ણુભાઈ બોલ્યા, "હા, વશમાં તો થયું છે પણ એક સમસ્યા છે."
         "કેવી સમસ્યા મહારાજ ?"
         "પીપળા પાસે જમીનમાં સોનાના સિક્કાવાળો એક ચરૂ છે. ભૂતનો જીવ એ ચરૂમાં છે."
         "પીપળા પાસે ચરૂ છે એ વિશે મારા બાપાએ મને કોઈ વાત નથી કરી."
         વિશાલે કહ્યું, "એ વાત તારા કાકાને ખબર હશે એટલે આ ખેતર એમને જોઈતું હશે. પણ એ પહેલા તેં.."
         વિશાલ આગળ બોલે એ પહેલા સુરેશે પૂછ્યું, "પણ સમસ્યા શું છે ?"
         "અર્ધો ભાગ તારા કાકાના પરિવારના સભ્યોને આપવાની શરતે ભૂત ચરૂ કાઢવા રાજી થયું છે. પણ એ માટે વિધિ કરવી પડે અને એમાં કુટુંબના પુરૂષ સભ્યએ બેસવું પડે. હવે કાકાને તો બે દીકરી જ છે અને તું એ ખેતરમાં પગ નથી મૂકતો તો વિધિ કરવી કેવી રીતે?"
         એ સાંભળી સુરેશ વિચારમાં પડી ગયો કેમકે પીપળા પાસે જવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું હતું. પણ એક બાજુ ધન એને લલચાવી રહ્યું હતું.                                                                            સુરેશને ચૂપ જોઈ વિષ્ણુભાઈએ કહ્યું, "તું ચિંતા ન કર. જે રીતે રક્ષા સૂત્રએ આજે વિશાલની રક્ષા કરી એ રીતે એ તારી પણ રક્ષા કરશે."
         સુરેશ બોલ્યો, "છતાં હું ઘરે એક વાર પૂછી લઉં પછી તમને કહું."
         વિષ્ણુભાઈ બોલ્યા, "આપણે સોમવારે વહેલી સવારે વિધિ કરવી પડશે એટલે રવિવારે સાંજ સુધી વિશાલને જાણ કરી દેજે.
         "ઠીક છે." એમ કહી સુરેશ પોતાના કામે વળગ્યો. સાંજે સુરેશે પરિવારના સભ્યોને વાત કરી તો પૈસાની લાલચે એમણે સુરેશને વિધિમાં બેસવાની મંજૂરી આપી દીધી. જો કે સુરેશનું મન માનતું ન હતું. તાંત્રિક પર વિશ્વાસ કરવો કે નહીં એ બાબતમાં તે અવઢવમાં હતો. પણ જ્યારે એને ખબર પડી કે કોઈ પણ જાતના વિધ્ન વગર પીપળાવાળા ખેતરનું ખેડાણ થઈ ગયું હતું અને બોર પણ થઈ ગયો હતો ત્યારે એને તાંત્રિક પર વિશ્વાસ બેઠો અને એણે વિધિમાં બેસવાનું નક્કી કર્યું. પણ આ એની ભયંકર ભૂલ હતી.
         સુરેશ વિધિમાં બેસવા રાજી થયો એટલે વિશાલ તરત પીપળા પાસે ગયો અને બોલ્યો, "કાલે સવારે હું સુરેશને લઈને આવીશ."
         "હું તારા કામથી ખુશ છું."
         "પણ એને જોઈ તમે અધીરા ન થઈ જતા. પીપળા પાસે ચરૂ છે એ માટે વિધિ કરવાની છે એમ કહી એને રાજી કર્યો છે એટલે અમે વિધિમાં બેસીએ ત્યાં સુધી તમે તમારા પર સંયમ રાખજો."
         ભૂતે અટ્ટહાસ્ય કર્યું, "સુરેશ તું એક વાર બચી ગયો હતો. પણ હવે તને કોઈ બચાવી નહીં શકે."
         વિશાલ મનોમન બોલ્યો, "કાલે કોની જીત થશે એ તો ભગવાન જ જાણે."
                                *****
         વિષ્ણુભાઈએ વિધિ માટે સોમવારનો દિવસ નક્કી કર્યો હતો કેમકે એ દિવસે સોમવતી અમાસ હતી. સોમવતી અમાસના દિવસે પીપળાની ત્રણ વખત પ્રદક્ષિણા કરી થડ પાસે જળ ચઢાવવાથી અને અક્ષત ચોખાથી પૂજા કરવાથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રિદેવની કૃપા થાય છે. પણ આજે વિષ્ણુભાઈની પરીક્ષા હતી. એમનું એક ખોટું પગલું ત્રણેયના જીવ લઈ શકે એમ હતું. એમણે અગાઉથી સુરેશને કહી દીધું હતું કે ગમે તે થાય પણ તું તારી જગ્યાએથી ઊભો ન થતો. 
         હાથમાં રક્ષા સૂત્ર બાંધેલું હતું છતાં સુરેશને ખેતરમાં પગ મૂકતા જ બીક લાગી. અજવાળું પણ વધારે ન હતું અને આખા વિસ્તારમાં એમના ત્રણ સિવાય કોઈ જ ન હતું. એટલે સુરેશ વધારે ગભરાયો અને એણે વિશાલનો હાથ પકડી લીધો. વિશાલે એને હિંમત રાખવા કહ્યું. પણ જેની સમક્ષ મોત નાચી રહ્યું હોય એ હિંમત કેવી રીતે રાખી શકે ? સુરેશ વિશાલ સાથે જેમ તેમ પીપળા પાસે પહોંચ્યો. પછી એણે આજુબાજુ જોયું. પણ એને કોઈ ખરાબ અનુભવ ન થયો એટલે એનામાં જરા હિંમત આવી.
         વિષ્ણુભાઈએ પીપળાની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પછી થડમાં જળ ચઢાવ્યું અને અક્ષત ચોખાથી પીપળાની પૂજા કરી. ત્યાં સુધી વિશાલે પીપળાની સામે યજ્ઞ વેદી ગોઠવીને એની ત્રણ બાજુ આસન ગોઠવી દીધા હતા. વિષ્ણુભાઈએ વિશાલ અને સુરેશને આસન પર બેસી જવા કહ્યું. વિશાલ અને સુરેશ આસન પર બેઠા એટલે વિષ્ણુભાઈએ એમની ફરતે ગંગાજળથી કુંડાળું કર્યું અને એ કુંડાળાની અંદર એમના આસન પર બેસીને એમણે કાલી કીલક સ્ત્રોતનો પાઠ ચાલુ કરી દીધો. 
         સુરેશને જોઈ પીપળાનું ભૂત ખુશ થઈ ગયું હતું. પણ એ લોકો વિધિ કરવા બેસે ત્યાં સુધી વિશાલે એને શાંત રહેવા કહ્યું હતું એટલે એણે રાહ જોઈ. એ લોકો વિધિમાં બેઠા પછી ભૂતે સુરેશ પર શક્તિ અજમાવી પણ એ કુંડાળાની અંદર હતો એટલે એને કંઈ ન થયું.
         એ જોઈ ભૂતને ખ્યાલ આવ્યો કે શાંત રહેવાનું કહીને વિશાલે એને છેતર્યો હતો. હવે કુંડાળાની અંદર ત્રણેય જણ સુરક્ષિત હતા. સુરેશને ભૂતપ્રેતનો ડર લાગતો હતો તે એને ખબર હતી. તેથી એણે ડરામણા અને વિકરાળ રૂપો લઈને સુરેશને ડરાવવાનો પ્રયાસ કર્યો. જેથી એ ગભરાયને કુંડાળાની બહાર આવી જાય. પણ વિશાલનો હાથ પકડીને બેસેલો સુરેશ બિલકુલ ન ગભરાયો. તેથી ભૂત ગુસ્સે ભરાયો. એ જ સમયે ભૂતે અનુભવ્યું કે એની શક્તિ ઓછી થઈ રહી છે. તેથી વહેલી તકે કંઈ કરવું પડશે એમ એને લાગ્યું.
         અચાનક એક નાનું બાળક પીપળાના થડ પાસે આવીને રડવા લાગ્યું. એને જોઈ સુરેશ વિચારમાં પડી ગયો. એ જ સમયે સુરેશે જોયું કે એક મોટો કાળો સાપ બાળક તરફ જઈ રહયો હતો. સુરેશને ભૂતની એ ચાલાકી ન સમજાય અને તે એની જગ્યા પર ઊભો થયો. વિશાલ સુરેશને રોકે એ પહેલા સુરેશ બાળકને બચાવવા કુંડાળાની બહાર નીકળી ગયો.
         હવે બાળક તરફ આગળ વધી રહેલો સાપ સુરેશ બાજુ આવવા લાગ્યો. સાપને એની તરફ આવતા જોઈ સુરેશ ગભરાય ગયો અને ત્યાં જ સ્થિર થઈ ગયો. સાપે સુરેશની નજીક પહોંચી ડંખ માર્યો. પણ એ જ સમયે વિશાલે કૂદીને સુરેશને લાત મારી તેથી સાપ નિશાન ચૂકી ગયો. એટલે સાપ બીજી વખત ડંખ મારવા ગયો પણ એ પહેલા વિશાલે એને પૂંછડીથી પકડીને તરત જમીન પર પછાડયો. એ સાથે જ સાપ સફેદ આકૃતિમાં ફેરવાય ગયો. પછી એ આકૃતિએ હાથના ઈશારાથી સુરેશને હવામાં ઉછાળ્યો. 
         એ દરમિયાન વિષ્ણુભાઈએ સફેદ આકૃતિ પર અભિમંત્રિત ગંગાજળ છાંટયું એટલે એ ભૂત યોનિમાંથી મુકત થઈ ગયો. બીજી બાજુ નીચે આવી રહેલા સુકલકડી સુરેશને વિશાલે બંને હાથોથી ઝીલી લીધો.

         સમાપ્ત. 
         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ